અધ્યાય ૮૧
પછી ગઢડાથી મહારાજે ચાલવાની તૈયારી કરી ત્યારે કાઠીના સવારો સર્વે આવ્યા. સંત પણ આવ્યા. તે સર્વે જમીને ત્યાંથી ઘોડીએ સવાર થઇને ચાલ્યા તે ગામ કુંડળ પધાર્યા, ત્યાંથી ગલીઆણે પધાર્યા, ત્યાંથી ચાલ્યા તે ગામોગામના હરિભક્તોને દર્શન દેતા ગામ સીંજીવાડા પધાર્યા. ત્યાંથી ચાલ્યા તે ગામ સોજીત્રાના હરિભક્તોને દર્શન દઇને ગામ મેળાવ્ય આવ્યા. તે સમયે બ્રહ્માનંદ સ્વામી આદિ સર્વ સંતો, પાળા તથા સત્સંગીઓ આવ્યા. દંડવત્ કર્યાં. મહારાજ ઊઠીને તેમને મળ્યા. પછી મહારાજને પુષ્પના હાર પહેરાવ્યા. તે હાર પ્રસાદીના કરીને મહારાજે તેમને પાછા આપ્યા.
પછી બ્રહ્માનંદ સ્વામી હાથ જોડીને બોલ્યા જે હે મહારાજ ! મેં તો લીલાં ઝાડ કપાવ્યાં છે અને ચુનાની ભઠ્ઠીઓ કરાવી છે. ત્યારે મહારાજ બોલ્યા જે, આવો ફરીને મળીએ. પછી મળીને મહારાજ બોલ્યા જે, ‘તે સર્વનો સત્સંગમાં અવતાર આવશે.’ ત્યારે સ્વામી બોલ્યા જે, ‘મારે પણ એમ જ ઇચ્છા હતી. પછી મહારાજ બોલ્યા જે, તમે મોડા કેમ આવ્યા ? કાંઇ ખબર ન હતી કે શું ? ત્યારે સ્વામી બોલ્યા જે, રસોઇ અમારી માંડેલી હતી અને ખબર તો તરત જ મળ્યા હતા, પણ જો વહેલા આવીએ તો તમારા ભેગા જે જમનારા હોય તેને પણ પુરું ન થાય અને અમારે પણ પુરું ન થાય. તે એમ જણાયું જે સર્વે જમી રહે ત્યારે આપણે જાશું. એમ મનમાં વિચાર કરીને આ વખતે આવ્યા. પછી મહારાજ મંદિર સંબંધી સમાચાર પૂછતા જાય અને સ્વામી જવાબ આપતા જાય.
પછી ચાલ્યા તે ગામ રાવળીઆ પધાર્યા. ત્યાં તો વડતાલથી સામૈયું આવ્યું તે ભાત-ભાતનાં વાજાં અને ઢોલ-શરણાઇ આદિ વાજિંત્રો વાગી રહ્યાં હતાં. એવી રીતે ગાજતે વાજતે મંદિરમાં પધાર્યા અને ઘોડીએથી ઉતરીને બ્રહ્માનંદ સ્વામીનો હાથ ઝાલીને મંદિરના પરથાર ઉપર ચડ્યા. તે સમયે બ્રહ્માનંદ સ્વામીએ ત્રણ મંદિરના પાયા અને સાડા નવ ગજનો ઓટો કર્યો હતો તે મહારાજને દેખાડ્યો. અને એમ કહ્યું જે, ‘આ ઓટલો જ્યારે ઊંચો કર્યો ત્યારે આથમણાં ખેતર બરોબર આવ્યો છે. એટલી આ મંદિરની પૃથ્વી નીચી છે. એટલી વાત જ્યારે મહારાજને કહી ત્યારે મહારાજે કહ્યું જે, કંઇ કામ કાજ હોય તો કહો. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, તમારી આગળ ભેટ પૂજા વિગેરે જે સામાન આવે તે અમારા પાળા લે. અને બે ઇંટવા છે ત્યાંથી પાંચ પાંચ વખત સંતો, પાળાઓ અને બ્રહ્મચારીઓ ઇંટો લાવે. અને હરિભક્તો તથા સંન્યાસીઓ પણ લાવે.
પછી મહારાજ તાળી પાડીને બોલ્યા જે, તમે સર્વે પાંચ પાંચ વાર ઇંટવેથી ઇંટો લાવજો. તે પરમહંસો બ્રહ્મચારીઓ તથા પાળાઓ તથા સંન્યાસીઓ એ સર્વેને ઇંટવે ઇંટો લેવા જવું. અને બીજે ઇંટવે બાઇઓને લેવા જવું. એમ કહીને પછી મહારાજે ફૂલના હાર તથા ફૂલની ટોપી વિગેરે બ્રહ્માનંદ સ્વામીને પહેરાવ્યા. પછી મહારાજ બોલ્યા જે, તમારા પાળા અમારી પાસે રાખીએ અને જે ભેટ પૂજા આવે તે એમની પાસે લેવરાવીએ તે તમારા મંદિરમાં રહેશે. એમ કહીને બ્રહ્માનંદ સ્વામીનો હાથ ઝાલીને ભેળા ઉતારે લઇ ગયા. અને પોશાક ઉતારીને બિરાજ્યા તે સમયે જળે કરીને બ્રહ્માનંદ સ્વામીએ સ્નાન કરાવ્યું અને ગંગામા અને વરીયાળીબાઇ થાળ લાવ્યાં તે જમવા લાગ્યા અને જમતાં જમતાં બ્રહ્માનંદ સ્વામી સાથે વાતો કરતા જાય, તે જમીને જલપાન કરીને થાળ બ્રહ્માનંદ સ્વામીને આપ્યો. પછી મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. પછી હરિભક્તો મહારાજની પૂજા કરવા આવ્યા, તે ફૂલના હાર પહેરાવીને તથા ભેટ મેલીને શેલાં, પાઘડીયું મહારાજને બંધાવીને પગે લાગ્યા. પછી મહારાજ ત્યાંથી ઊઠીને ચાલ્યા, તે ઉતારે જઇને પોઢ્યા. પછી જાગી જલપાન કરીને ગોમતી જે ધારુ તલાવડી ત્યાં પધાર્યા, ત્યાં મહારાજ બોલ્યા જે, સર્વે સંતો તથા હરિભક્તો સાંભળો. આજથી આ તલવાડીનું નામ ગોમતી તળાવ છે. તે સર્વે ગાળવા માંડો, અને તેનો ગાળ કાઢીને મંદિરમાં પૂરણી કરવી છે. એમ કહીને તળાવ વચ્ચે ઊભા રહ્યા. તે સમયે દ્વારકામાંથી સચ્ચિદાનંદ સ્વામી સાથે ગોમતી અને છાપ આવ્યાં હતાં તેને એક સ્વરૂપે કરીને ગોમતીમાં સ્થાપન કર્યાં. અને બીજે સ્વરૂપે અમદાવાદમાં નરનારાયણના મંદિરમાં છાપને નિવાસ આપ્યો. અને ગોમતીમાં મહારાજ વિચર્યા અને સર્વે સંતો તથા હરિભક્તો ગોમતીને ગાળવા માંડ્યા. અને મહારાજ ઉતારે પધાર્યા. તે સમયે બ્રહ્માનંદ સ્વામી મહારાજ પાસે આવ્યા અને પગે લાગીને બેઠા.
પછી બોલ્યા જે, હે મહારાજ ! આ સર્વે હરિભક્તો કહે છે કે, અમારે ઉતારે થાળ કરાવીએ. તે મહારાજ જમવા પધારશે ? ત્યારે મહારાજ બોલ્યા જે, સ્વામી ! જેમ તમારી નજરમાં આવે તેમ કરો. પછી બ્રહ્માનંદ સ્વામી તરત જ ઊઠ્યા અને વડનગર, વિસનગર અને સુરતના જે હરિભક્તો હતા તેમને ઉતારે પધાર્યા અને તેમને કહ્યું જે, થાળ કરો શ્રીજી મહારાજ તમારે ઉતારે જમવા પધારશે. અને ચંદન-પુષ્પના હાર તે ગોમતી ઉપર કરે છે તેને લાવો. અને શેલું તથા રેંટો આદિક જે ભારે પોશાક તે જેને જેને જોઇએ તે તમે મંદિરમાંથી લેજો. ત્યારે તે તે હરિભક્તો લાવીને મહારાજની પૂજા કરવા આવ્યા. તે ચંદનની અર્ચા કરી, કુમકુમનો ચાંદલો કર્યો અને પુષ્પના હાર પહેરાવ્યા પછી ભેટ મેલીને પગે લાગ્યા. પછી મહારાજ ચાલ્યા તે સંતોની પંક્તિમાં આવ્યા. તે જલેબી પીરસવા માંડી. તે પીરસતા જાય અને તાણ કરતા જાય. વડોદરાના કંદોઇ હરિભાઇની રસોઇ હતી. અને તે પંક્તિમાં મહારાજ પાંચવાર ફર્યા. પછી હાથ ધોયા; અને પછી મોજડી પહેરીને ચાલ્યા તે જ્યાં હોમ થતો હતો ત્યાં આવીને લક્ષ્મીનારાયણ આદિક દેવની મૂર્તિઓ આગળ ઊભા રહ્યા. ત્યારે સર્વે બ્રાહ્મણો મહારાજને જોઇને ઊભા થયા. તે સમયે મૂર્તિમાન ચાર વેદો આવીને બેઠા હતા તે પણ ઊભા થયા. પછી મહારાજ ઉતારે પધાર્યા. ત્યાં જલપાન કરીને થોડી વાર પોઢ્યા. પાછા જાગ્યા ત્યારે પાણીના કોગળા કરીને જલપાન કરીને પોશાક પહેરીને બેઠા. તે સમયે અક્ષરધામના, શ્વેતદ્વીપના અને બદ્રિકાશ્રમના મુક્તો આવીને મહારાજને પગે લાગીને બેઠા. અને જ્યારે શ્રીનગરમાં નરનારાયણદેવ પધરાવ્યા હતા ત્યારે મહારાજે કહ્યું હતું જે, ‘જ્યારે અમે જ્યાં જ્યાં દેવની પ્રતિષ્ઠા કરીએ ત્યાં તમે સર્વે આવજો તે સર્વે આવ્યા. અને તે સમયે સમાધિવાળા જે બાઇઓ-ભાઇઓ હતા તેમણે જોયું અને અહોહો કરવા લાગ્યા. પછી મહારાજે સર્વે મુક્તોને ગોમતીને કાંઠે ઉતારા અપાવ્યા. અને પછી મહારાજ બોલ્યા જે, લાવો ઘોડી.
પછી ઘોડીએ સ્વાર થઇને ચાલ્યા તે ગાજતે વાજતે ગોમતીએ પધાર્યા. અને ઘોડીએથી ઉતરીને ઓટા ઉપર બિરાજ્યા. અને જય જય શબ્દ થઇ રહ્યો હતો. અને સભા થઇ તેને જોઇને તે સમયે હજારો મનુષ્યોને સમાધિ થઇ ગઇ. અને સંતો તથા હરિભક્તો હાથ જોડીને મહારાજને પ્રશ્ન પૂછતા અને મહારાજ તેના ઉત્તરો આપતા. એવી રીતે હરિભક્તને સુખ પમાડીને ચાલ્યા તે ઉતારે જઇને પોઢ્યા. અને સંવત્ ૧૮૮૧ ના કાર્તિક સુદ બારસના રોજે વહેલા જાગીને નિત્યવિધિ કરીને હાથમાં રૂમાલ લઇને ચાલ્યા તે લક્ષ્મીનારાયણ આદિ દેવોનો જ્યાં પધરાવવાનો વખત થયો ત્યાં આવીને ઊભા. પછી ચાર વેદો મૂર્તિમાન બ્રાહ્મણના વેષ લઇને આવેલા હતા તે વેદનો ઉચ્ચાર કરી રહ્યા હતા. અને સર્વ ધામોના મુક્તો હતા તે પણ મહારાજને પગે લાગીને જયજયકાર કરી રહ્યા હતા અને તે સમયે હજારો મનુષ્યોને સમાધિ થઇ.
પછી લક્ષ્મીનારાયણ આદિ દેવોને મંદિરમાં સ્થાપન કરવા લાગ્યા. અને મહારાજ પણ પાસે ઊભા રહ્યા. અને મૂર્તિમાન વેદો પણ લક્ષ્મીનારાયણ આદિ દેવોનું સ્થાપન કરવા લાગ્યા. તે સમયે મહારાજે કહ્યું જે, કળશ અને ધ્વજ કોણ ચડાવશે ? ત્યારે વડોદરાના રામચંદ્ર વૈદ્ય બોલ્યા જે, ‘હજાર રૂપિયા આપીને અમે ધ્વજ ચડાવશું.’ ત્યારે સુરત શહેરના જાદવજી આદિ હરિભક્તો બોલ્યા જે, ‘બે હજાર રૂપિયા આપીને અમે કળશ ચડાવીશું.’ ત્યારે મહારાજે કહ્યું જે, બહુ સારું. પછી મહારાજ પોતે વસ્ત્ર-ઘરેણાં લઇને મૂર્તિઓને પહેરાવ્યાં. અને પુષ્પના હાર પણ પહેરાવ્યા. પછી આરતી ઉતારી, તે સમયે નાના પ્રકારનાં વાજિંત્રો વાગવા લાગ્યાં. અને દેવતાઓ પુષ્પનો વરસાદ કરવાની સાથે દુંદુભિ નામનાં વાજિંત્રો પણ વગાડવા લાગ્યા. અને અપ્સરાઓ નૃત્ય કરવા લાગી. અને ગંધર્વો ગાન કરવા લાગ્યા. અને સત્સંગીઓ ભેટો મૂકી અને પોશાક, ઉતરીઓ, રૂપિયા અને પૃથ્વી આદિક દાનના લેખ લખાવીને આપ્યા તેમજ નાના પ્રકારનાં વૃક્ષો જેવાં કે આંબા, રાયણ, નારીયેરી અને ફણસ તેના પણ લેખ લખાવી આપ્યા. તે વખતે શ્રીજી મહારાજ પણ મંદિરની કોળીમાં ગાદી તકીયા નંખાવીને બિરાજમાન હતા.
પછી દેવને જમાડવા સારુ બ્રહ્મચારી થાળ લાવ્યા. ત્યારે મહારાજ ઊભા થઇને બોલ્યા જે, બાઇ, ભાઇ સર્વ સત્સંગીઓ, પરમહંસો, બ્રહ્મચારીઓ અને બ્રાહ્મણો એ સર્વે છાપું લેજો, કારણકે દ્વારકામાં અન્યાય બહુ થવા માંડ્યો તેથી રણછોડજી અને ત્રિકમજી તેમજ રુકમણીજી એ સર્વે સચ્ચિદાનંદ સ્વામી સાથે અહીં આવ્યાં છે. ગોમતીજી તથા તપ્ત મુદ્રા પણ સાથે લાવ્યાં છે. તે લક્ષ્મીનારાયણના મંદિરમાં રહેશે. અને ગોમતી પણ હાલે ગોમતી ગણાય છે તેમાં રહેશે. માટે ગોમતીમાં સ્નાન કરીને તપ્ત મુદ્રા લેજો એમ અમારી આજ્ઞા છે. પછી પોતે કેશર ચંદન ચોપડીને છાપો લીધી અને તેને પ્રસાદીની કરી. પછી આરતી થઇ અને મહારાજ ઉતારે પધાર્યા. ત્યાં બ્રહ્મચારી થાળ મહારાજ પાસે લાવ્યા તે જમવા બિરાજ્યા. જમીને પછી થાળ સંતોની પંક્તિમાં મોકલ્યો. પછી જળપાન કરીને મુખવાસ લઇને સંતોની પંક્તિમાં લાડુ પીરસવા પધાર્યા. તે પીરસતા જાય અને તાણ કરતા જાય. એવી રીતે પાંચ છ વાર પંક્તિમાં પીરસીને પાણીથી હાથ ધોવરાવ્યા. પછી પોતે ઉતારે પધાર્યા. ત્યાં વસ્ત્ર ઉતારી જળપાન કરીને પોઢ્યા.
પછી જાગીને જલપાન કરીને પોશાક પહેરીને ઘોડીએ સ્વાર થઇને ગોમતીએ પધાર્યા. ત્યાં ઘોડીએથી ઉતરીને ગોમતીના કાંઠે સભા કરીને ઢોલીએ બિરાજ્યા. ગોમતી ગળાય તેનો ગાળ લઇને હરિભક્તો મંદિરમાં નાખી આવે. તે ગોમતીમાં ખોદતાં ખોદતાં જળ આવ્યું અને વીરડા થયા. પછી મહારાજે કહ્યું વીરડામાંથી પાણી લાવો. પછી ગાળીને પાણીનો કળશીયો લાવ્યા, અને તે પાણી મહારાજે પીધું. અને એમ બોલ્યા જે, આ જળમાં મીઠાશ બહુ છે. ત્યારે મુક્તાનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! આપે સાક્ષાત્ ગોમતીજીને સ્થાપન કર્યાં છે તે જળમાં મીઠાશનું શું કહેવું ? પછી મહારાજે જે પાણી પીધું હતું તે પાણી પાછું વીરડામાં નાખ્યું અને બીજું સર્વેને વહેંચી આપ્યું. પછી મહારાજ મંદિરમાં પધાર્યા, અને પાટ ઉપર બિરાજ્યા. સંતો તથા સત્સંગીઓ ગોમતીમાં સ્નાન કરીને છાપો લઇને આવે અને પછી મહારાજને પગે લાગીને બેસે. પછી મહારાજે બ્રાહ્મણોની ચોર્યાશી કરાવી ત્યારે બોલ્યા જે, સર્વે સંતમંડળ, બ્રહ્મચારી, સંન્યાસી અને સર્વે ભક્તો બાઇઓ-ભાઇઓ સાંભળો જે, અમે બે સમૈયાનો નિર્ધાર કર્યો છે તેમાં એક કાર્તિક શુદિ એકાદશી જે પ્રબોધિની કહેવાય છે તે દિવસે અને બીજો ચૈત્ર શુદિ નવમી જે રામનવમી કહેવાય છે, તે દિવસે એ સમૈયે સર્વે હરિભક્તો જરૂર આવજો. તે સમૈયો કાં તો અમદાવાદ નર-નારાયણના મંદિરમાં કરીએ, કાં તો ગામ વડતાલમાં લક્ષ્મીનારાયણના મંદિરમાં કરીએ, માટે હવેથી સર્વે વગર તેડ્યે આવજો અને કંકોતરીઓ નહીં લખીએ. એમ અમારી આજ્ઞા છે.
પછી આરતી ધૂન્ય કરીને સર્વે મહારાજને પગે લાગીને બેઠા. પછી મહારાજ ઉતારે પધાર્યા. ત્યાં પાણીના કોગળા કરીને હાથ પગ ધોઇને થાળ જમવા બિરાજ્યા. પછી તે સમયે બ્રહ્મચારી લક્ષ્મીનારાયણ દેવનો જમેલ થાળ લાવ્યા. તેને મહારાજ જમ્યા. જલપાન કરી મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. ત્યારે દેશદેશના હરિભક્તો આવેલા હતા તેઓ મહારાજને પુષ્પના હાર પહેરાવીને પગે લાગીને બેઠા. તેમને દર્શન દઇને મહારાજ પોઢ્યા. સવારે વહેલા જાગીને નિત્યવિધિ કરીને પોશાક પહેરીને મંદિરમાં આવીને દર્શન કર્યાં, પછી પાટ ઉપર આવીને બિરાજ્યા.
પછી બોલ્યા જે, ‘સર્વે સંતોનાં મંડળ બાંધીને દેશદેશના હરિભક્તો આગળ કથા-વાર્તા કરવા મોકલો.’ એમ સદ્ગુરુઓને કહ્યું. અને પછી કહ્યું : આવો મળીએ. પછી બે સંતો મહારાજને પડખે ઊભા રહે, અને જે સંતો મળવા આવે તે મળીને બેસતા જાય. એમ સર્વે સંતોને મળી રહ્યા પછી મહારાજ ઉતારે પધાર્યા. ત્યારે બ્રહ્માનંદ સ્વામી બોલ્યા જે, હે મહારાજ ! હમણાં સંતોને રાખો ત્યારે મહારાજે કહ્યું જે, ‘સર્વે બ્રાહ્મણોને શેલાં, પાઘડીઓ અને દક્ષિણા આપવી છે તે સંત મંડળો પણ ભલે રહે’ એમ કહીને પછી થાળ જમ્યા. જળપાન કરીને થાળ બ્રહ્માનંદ સ્વામીને આપી મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. પછી જે બ્રાહ્મણો વરુણીમાં વર્યા હતા તેમના માટે ભારે શેલાં, પાઘડીઓ વેઢ અને વીંટીઓ લાવ્યા.
પછી જે બ્રાહ્મણોનાં નામો લખેલાં હતાં તેનાં નામો વાંચીને જેને જેમ આપવું ઘટે તેને તેમ પહેરામણી કરવા માંડી. પછી ભણેલા જે શોભારામ શાસ્ત્રી આદિ બ્રાહ્મણો હતા તેમને પોશાક અને વેઢ આપ્યા, પછી રૂપિયાની પોશો ભરીને આપી. બીજા બ્રાહ્મણોને પણ બબે રૂપિયા આપ્યા. બ્રાહ્મણનાં રૂપ ધારીને વેદો આવેલા હતા તેમને છાતીમાં ચરણારવિન્દ આપ્યાં અને ફૂલના હાર તથા દિવ્ય શિરપાવ આપ્યો. શિલ્પીઓને ભારે શિરપાવ આપ્યો. તે સમયે ઘણાંક માણસોને સમાધિઓ થઇ ગઇ હતી અને તે સમયે અક્ષરધામ આદિના જે મુક્તો આવેલા હતા તેમને મહારાજે એમ આજ્ઞા કરી જે, હવે અમો જે ગામમાં મંદિર કરીને મૂર્તિઓ પધરાવીએ ત્યારે તમો ત્યાં સર્વ આવજો. એમ કહીને મહારાજ ઉતારે પધાર્યા. ત્યાં જળપાન કરીને પોઢ્યા.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે વડતાલમાં સંવત્ ૧૮૮૧ના કાર્તિક સુદમાં લક્ષ્મીનારાયણ દેવની પ્રતિષ્ઠા કરી એ નામે એક્યાશીમો અધ્યાય. ૮૧.