અધ્યાય ૮૨
પછી મહારાજ સવારે વહેલા ઊઠીને નિત્યવિધિ કરીને તથા થાળ જમીને ત્યાંથી ચાલ્યા તે ગઢડા પધાર્યા. ગામમાંથી સામૈયું આવ્યું. કાઠીના સવારો અને હરિભક્તો સામા આવ્યા. તે ગાજતે વાજતે દાદાખાચરના દરબારમાં પધાર્યા. અને ઘોડીએથી ઉતરીને આથમણા બારના ઓરડાની ઓસરીએ ઢોલિયે બિરાજ્યા. અને જે સત્સંગીઓ મહારાજ સાથે ગયા ન હતા તેની આગળ મહારાજે વાત કરીને કહ્યું જે અમે ગામ વડતાલ ગયા હતા ત્યાં તે દેશના હરિભક્તોનો પ્રેમ બહુ જ. તે અમારા માટે નાના પ્રકારના પોશાક લઇને અમને પહેરાવે, અને થાળ તો વારંવાર કરી લાવે; તેમજ નાના પ્રકારના મેવા લાવે, અને અમારાં દર્શન માટે અતિ ઉતાવળા થાય. અને વડતાલમાં મધ્ય મંદિરમાં લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ તથા દક્ષિણ બાજુના મંદિરમાં રાધાકૃષ્ણદેવ તેમજ અમારી મૂર્તિ અને ઉત્તર બાજુના મંદિરમાં ધર્મ ભક્તિ અને વાસુદેવની મૂર્તિ પધરાવી છે. તે વાત સાંભળીને ગામ ધોળકાના રેવા શંકર બોલ્યા જે, મારે પણ એમ જ ઇચ્છા છે જે શિખરબંધ મંદિર કરાવવું. ત્યારે મહારાજે કહ્યું જે કરાવીને મુરલી મનોહર દેવની મૂર્તિ પધરાવીશું. ત્યારે પુંજાભાઇ આદિ હરિભક્તોનો પ્રેમ જોઇને તેમને કહ્યું જે ધોલેરામાં મદનમોહનજી અને રાધિકાજીની મૂર્તિ પધરાવવી છે. એમ જ્યાં મહારાજ વાત કરે છે, ત્યાં તો ઝીણાભાઇ બોલ્યા જે, મહારાજ ! જુનાગઢમાં પણ મૂર્તિઓ પધરાવો. ત્યારે મહારાજ બોલ્યા જે, જુનાગઢમાં શિખરબંધ મંદિર કરાવીને રણછોડજી ત્રિકમજી આદિક મૂર્તિઓ પધરાવશું, પછી દાદોખાચર બોલ્યા જે, અમારા દરબારમાં શિખરબંધ મંદિર કરાવો. ત્યારે મહારાજ બોલ્યા જે, શિખરબંધ મંદિર કરાવીને તેમાં ગોપીનાથજી આદિક અમારી મૂર્તિઓ પધરાવશું. પછી ગામ મુળીના રામાભાઇ અને રઘાભાઇ હાથ જોડીને બોલ્યા જે, હે મહારાજ ! અમારા ગામમાં પણ શિખરબંધ મંદિર કરાવો. ત્યારે મહારાજ બોલ્યા જે તેનો સંકલ્પ તો અમે જ્યારે અલર્ક વાવથી સ્નાન કરીને ચાલ્યા તે દિવસથી જ કર્યો છે.
પછી ગંગામા બોલ્યાં જે દીકરા ! જયતલપુર તો તમારું જુનું ગામ છે અને ત્યાં યજ્ઞ પણ ઘણા કર્યા છે માટે ત્યાં શિખરબંધ મંદિર કરાવો, ત્યારે મહારાજે કહ્યું જે ત્યાં પણ મંદિર થશે અને બીજે ઠેકાંણે પણ મંદિર કરાવીને મૂર્તિઓ પધરાવશું, એમ કહીને ઢોલિયે જઇને પોઢ્યા. મહારાજ સવારે ઊઠીને નિત્યવિધિ કરીને થાળ જમ્યા. પછી જલપાન કરી મુખવાસ લઇને માણકી ઘોડી ઉપર સવાર થઇને અને સંતો, હરિભક્તોને સંગાથે લઇને ચાલ્યા તે ઝિંઝાવદર આવ્યા, ત્યાં હરિભક્તોને દર્શન દઇને કારીયાણી આવ્યા, ત્યાંથી નાવળા થઇ ધોલેરા આવ્યા, ત્યાં થાળ જમીને ચાલ્યા તે પીપળીએ આવ્યા. ત્યાં આરતી ધૂન્ય કરીને બેઠા. અને સંતો પગે લાગીને કીર્તન બોલ્યા.
પછી ત્યાં પોતે જમ્યા અને સંતોને જમાડીને ચાલ્યા તે ગામ સીંજીવાડા પધાર્યા અને ત્યાંથી ચાલ્યા તે ગામો ગામના હરિભક્તોને દર્શન આપતા થકા ગામ વડતાલ પધાર્યા. ત્યાં સ્નાન કરીને થાળ જમવા બિરાજ્યા. પછી જલપાન કરી મુખવાસ લઇને ઢોલિયે પોઢ્યા.
સવારે વહેલા જાગીને વતુ કરાવીને સ્નાન કરીને નિત્યવિધિ કરીને પોશાક પહેરીને ઢોલિયે બિરાજ્યા અને તે સમયે સદ્ગુરુ મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આનંદ સ્વામી, શુકમુનિ આદિક મોટા સંતો અને મુકુંદ બ્રહ્મચારી, વાસુદેવાનંદ બ્રહ્મચારી, જેરામ બ્રહ્મચારી, નારાયણ બ્રહ્મચારી, અને રાઘવાનંદ બ્રહ્મચારી આદિ જે મોટા બ્રહ્મચારીઓ અને ગૃહસ્થો જે મયારામ ભટ્ટ, ઝીણાભાઇ, દાદા ખાચર, સુરા ખાચર, વસ્તા ખાચર, જીવો ખાચર, ભગા દોસી, મુળજી શેઠ, નારાયણજી સુતાર, લાલદાસ અને દામોદરદાસ આદિક હરિભક્તો સર્વેને તેડાવ્યા અને તે આવીને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજ બોલ્યા જે રામપ્રતાપજી અને ઇચ્છારામજીને બોલાવો. ત્યારે તે બન્ને ભાઇને બોલાવ્યા તે પણ આવીને બેઠા.
પછી શુકમુનિ પાસે બે લેખ કરાવ્યા જે કલકત્તા, કાશી, રતલામ, ગોધરા, ખેડા, સદામડા, નવાનગર, દ્વારકા એ સર્વે સીમાડાનાં ગામો લખ્યાં છે તે વડતાલની ગાદીવાળા જે લક્ષ્મીનારાયણ દેવ તેમના દેશનાં જાણવાં, અને તેનાથી ઉત્તર દેશનાં જે ગામ છે તે અમદાવાદના નરનારાયણદેવ દેશનાં જાણવાં ; એમ લેખ લખાવ્યો અને પછી એમ બોલ્યા જે તમે બન્ને ભાઇ અમને એક એક પુત્ર આપો એટલે એમને અમે દત્તપુત્ર કરીને અમારી ગાદીએ બેસાડીએ. અને મંદિરો તેમને સોંપીએ; ત્યારે બન્ને ભાઇ બોલ્યા જે, તમારી નજરમાં આવે તે લ્યો; પછી નંદરામ, ઠાકોરરામ અને અયોધ્યાપ્રસાદજી તે ત્રણ જે રામપ્રતાપના પુત્રો તેમાંથી અયોધ્યાપ્રસાદજીને પસંદ કર્યા અને ગોપાલજી, રઘુવીરજી, વૃંદાવન, સીતારામ અને બદ્રિનાથ એ જે ઇચ્છારામના પાંચ પુત્રો તેમાંથી રઘુવીરજીને પસંદ કર્યા. પછી
મહારાજ બોલ્યા જે, હવે કાંઇ શંકા હોય તે બોલો ત્યારે મુક્તાનંદ સ્વામી આદિ જે મોટેરા સંતો હતા તે બોલ્યા જે, મહારાજની ગાદી ઉપર ધર્મવંશી જે બ્રાહ્મણ હોય તે જ બેસે, કેમ જે જ્યાં સ્ત્રી દ્રવ્યનો યોગ હોય ત્યાં ત્યાગી બેસે તો ત્યાગીનો ધર્મ રહે નહીં. અને ધર્મવંશીને વિષે સહેજે જ ધર્મ રહેશે. તે પોતે ધર્મ પાળશે અને બીજાઓને પળાવશે. અને વળી જેવું મહારાજનું કુળ મનાય તેવું બીજું કોઇ કુળ મનાય નહીં. માટે અમારો તથા સર્વે સંતોનો અને બ્રહ્મચારીઓનો મત તો એ જ છે જે, ધર્મવંશી બ્રાહ્મણ હોય તે જ ગાદીએ બેસે. તો સર્વે સંતો અને સત્સંગીજનોને ધર્મમાં રખાવે અને પોતે પણ ધર્મમાં રહે. અને મંદિરમાં ઠાકોરજીની સેવા પણ કરે; પછી મયારામ ભટ્ટ, દાદા ખાચર, સુરા ખાચર, વડોદરાના નારૂપંત નાના, અમદાવાદના ભાઇચંદ તથા હરિ વલ્લભ, ગઢડાના લાધો ઠક્કર, અને વડતાલના પટેલ રણછોડદાસ એ આદિ હરિભક્તો હાથ જોડીને બોલ્યા જે, હે મહારાજ ! જેમ તમે કહ્યું તેમ જ અમારો પણ એ જ મત છે જે, ધર્મવંશી બ્રાહ્મણ હોય તે જ તમારી ગાદી ઉપર શોભે પણ બીજો જોઇએ નહીં. તે ધર્મવંશીને વિષે વિશેષ સનાતન ધર્મ રહેશે. મંદિરની જે સેવા તે પણ કરાવશે અને ત્યાગી તથા ગૃહસ્થો જે બાઇ ભાઇઓ તેમને પણ ધર્મમાં રખાવશે. અને પોતે ધર્મમાં રહેશે. માટે એ જ ગાદીને લાયક છે. ત્યારે મહારાજે કહ્યું, બહુ સારું, એમ કહીને જમવા પધાર્યા અને પોશાક ઉતારી સ્નાન કરી થાળ જમી ચળુ કરીને મુખવાસ લઇને સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા અને પામરીની પલવટ વાળીને લાડુ પીરસીને બોલ્યા જે, જમો લાડુ, ત્યારે સંતો જમવા લાગ્યા. તે નાના પ્રકારનાં શાક, રાયતાં, ભજીયાં, વડાં, પાપડ અને અથાણાં, તેને સંતોની પંક્તિમાં પાંચ વાર પીરસીને પછી હાથ ધોઇને ખુરશી ઉપર બિરાજ્યા. રસોઇવાળે મહારાજની પૂજા કરી તે ફૂલના હાર પહેરાવ્યા અને ભારે રેંટો ઓઢાડીને પગે લાગ્યા. ત્યારે મહારાજે તેમને ફૂલના હાર આપ્યા. પછી ઉતારે પધાર્યા. ત્યાં જળપાન કરીને પોઢી ગયા પછી જાગીને પાણીના કોગળા કરીને પાણી પીધું. પછી ગોમતીજીએ પધાર્યા.
પછી દેશ દેશના સંઘો આવવા માંડ્યા તે મહારાજને પગે લાગે અને પુષ્પના હારો પહેરાવે અને મહારાજ સર્વેને ખબર પૂછતા જાય. એવી રીતે સૌને દર્શન આપીને પછી મંદિરમાં પધાર્યા. અને ત્યાં ઘાટ ઉપર બિરાજ્યા અને મશાલો થઇ પછી આરતી ધૂન્ય કરીને પગે લાગીને સર્વે સંતો તથા હરિભક્તો બેઠા. પછી મહારાજ ઢોલિયે બિરાજ્યા.
પછી ગોપાળાનંદ સ્વામીને બોલાવીને કહ્યું જે, પરમ દિવસે ધર્મકુળના બ્રાહ્મણોને દત્તપુત્ર કરીને ગાદીએ બેસાડવા છે. તે વેદિકા કરાવો અને વેદ ભણેલા બ્રાહ્મણોને વરુણીમાં વરાવો. અને તે બે દેશના સત્સંગીઓને ખબર કરજો, એમ આજ્ઞા કરીને દામોદરને કહ્યું જે, બાઇઓને બોલાવો. તેણે બોલાવ્યાં. અને રાજબાઇ, ગંગાબા આવીને છેટેથી પગે લાગીને બેઠાં. ત્યારે મહારાજે કહ્યું, ધર્મવંશી બ્રાહ્મણ જે રામપ્રતાપ અને ઇચ્છારામ તેમના પુત્રોને દત્તપુત્ર કરીને અમારી ગાદી ઉપર બેસાડીએ. ત્યાગીઓ તથા ગૃહસ્થો તે સર્વે તેમની પૂજા કરે અને સધવા બાઇઓ તે સર્વે તેમની પત્નીઓની પૂજા કરજો અને તે તેમના પતિની આજ્ઞાથી બાઇઓને અષ્ટાક્ષર મંત્રનો ઉપદેશ કરશે તે તમો સર્વે બાઇઓને અરસપરસ સંભળાવજો. પછી તે સાંભળી બાઇઓ પણ રાજી થયાં. પછી મહારાજે કહ્યું જે, બે દેશના વિભાગના કાગળ લખાવ્યા છે. તે તમને સંભળાવશું. એમ કહીને સર્વને રજા આપી. અને મહારાજ પોઢ્યા. અને સવારે વહેલા ઊઠીને બેઠા.
પછી રામપ્રતાપભાઇ અને ઇચ્છારામભાઇ પોતાના આઠ પુત્રો તેણે સહિત આવીને પગે લાગીને બેઠા. ત્યારે મહારાજે અયોધ્યા પ્રસાદજી અને રઘુવીરજીને બોલાવીને કહ્યું જે, તમે વતુ કરાવીને ગોપાળાનંદ સ્વામી વરુણીમાં જ્યાં બેઠા છે ત્યાં જઇને બેસો એમ આજ્ઞા કરી પોતાને ઉતારે પધાર્યા. વડોદરા અને અમદાવાદના સત્સંગીઓ જે સોની હતા તેમને બોલાવીને કહ્યું જે, બે ભાઇને માટે સોનાનાં કડાં, વેઢ, વીંટીઓ, પહોંચી, ટુંપીઓ, ઉતરીઓ, અને તોડા આદિક ઘરેણાં જે તમારી પાસે છે, તે લાવો. પછી બાઇઓ જે ગંગામા અને જીવુબા, લાડુબા તે સર્વ છેટે બેઠેલા હતાં તે સાંભળીને બોલ્યાં જે એમના પતિઓ અમારા પણ ગુરુ કહેવાય. તે અમે પણ પૂજા કરશું માટે અમે પણ એમના માટે ઘરેણાં લાવીશું. ત્યારે મહારાજે કહ્યું સારું. એમ કહીને સ્નાન કર્યું.
પછી જમવા બિરાજ્યા. જમી ચળુ કરી મુખવાસ લઇને સંતોની પંકિતમાં પીરસવા પધાર્યા. અને પીતાંબરની પલવટ વાળીને લાડુ પીરસતા જાય અને તાણ કરતા જાય. મહારાજની કેડે સંતો નાના પ્રકારનાં શાક ભાત પીરસે એમ મહારાજ પાંચવાર પંક્તિમાં ફર્યા. પછી જળથી હાથ ધોઇને ખુરશી ઉપર બિરાજ્યા. અને રસોઇવાળા હરિભક્ત પૂજા કરવા આવ્યા. તેમણે ભારે ભારે વસ્ત્રો અને ઘરેણાં અને પુષ્પના હાર પહેરાવ્યા અને પ્રસાદીના હાર તે ભક્તને આપીને ઉતારે જઇને પાણી પીધું, પછી પોઢી ગયા.
ત્યાર પછી જાગ્યા ને જલપાન કર્યું પછી મોજડી પહેરીને ચાલ્યા તે લક્ષાવધિ હરિભક્તો, સંતો અને બ્રહ્મચારીઓએ સહિત ગોમતીએ પધાર્યા અને ત્યાંથી પાછા મંદિરમાં આવ્યા. તે જ્યાં બ્રાહ્મણો હોમ કરતા હતા ત્યાં આવીને ઊભા રહ્યા. ત્યારે બ્રાહ્મણો પણ ઊભા થયા. ત્યારે મહારાજે તે સર્વેને ફૂલના હાર આપ્યા. અને પાટ ઉપર બિરાજ્યા. પછી બોલ્યા જે સવારે ધર્મવંશી બ્રાહ્મણ જે, રામપ્રતાપજી અને ઇચ્છારામજી તેમના પુત્રોમાંથી એક એક લઇને અમારી ગાદીએ બેસારવા છે. તે નરનારાયણ દેશના જે સત્સંગી હોય તે અયોધ્યાપ્રસાદની પૂજા કરજો અને જે લક્ષ્મીનારાયણદેવ દેશના હોય તે રઘુવિરજીની પૂજા કરજો. અને જે ત્યાગી સાધુઓ તથા બ્રહ્મચારીઓ અને પાળા છો તે તો તમારી જેની જ્યાં ખુશી હોય ત્યાં રહેજો. નિત્યાનંદ સ્વામી તો રઘુવિરજીની કોરે રહેશે. બ્રહ્માનંદ સ્વામી તે અયોધ્યાપ્રસાદજીની કોરે રહેશે. ગોપાળાનંદ સ્વામી તે મધ્યસ્થ રહે, તે જેની કોરે એમનું કામ પડશે ત્યાં બે માસ રહીને કામ કરશે. કોઇ વાતનો વાંધો કે સીમાડાનાં ગામ વિગેરે દરેક હોય, તેમાં તો ત્યાગીને ભેળવવા નહીં. કેમ કે વ્યવહારમાં ત્યાગી અમાંગલિક છે માટે ધર્મવાળા જે ગૃહસ્થો હોય તેમને કામમાં ભેળવવા તો તે કામ સિધ્ધ થશે અને જેને મંદિરમાં મોટેરા કરો તે તમારી આજ્ઞાએ કરીને મંદિરમાં કામ કાજ કરશે. મંદિરની ઉપજ અને ખપત તે તમારા કોઠારીને મોકલે તે સંભાળી લેવી. એમાં કોઇનો વિશ્વાસ કરવો નહીં. એમ વાત કરીને ઉતારે પધાર્યા.
ત્યાં થાળ જમીને જળપાન કરીને મુખવાસ લઇને ઢોલિયે બિરાજ્યા. તે સમયે જે સોની પાસે ઘરેણાં કરાવ્યાં હતાં તે લઇને આવ્યા. અને જોઇને મહારાજ બહુ રાજી થયા અને તેમની પત્નીઓ માટે જે ઘરેણાં કરાવ્યાં હતાં તે તેમને આપ્યાં અને એમ બોલ્યા જે લક્ષ્મીનારાયણદેવના દેશનાં જે બાઇઓ હરિભક્ત હશે તે રઘુવીરજીનાં પત્નીની પૂજા કરશે. અને જે નરનારાયણદેવના દેશનાં બાઇઓ હશે તે અયોધ્યાપ્રસાદજીની પત્નીની પૂજા કરશે. એમ કહીને પોઢ્યા. અને સવારે વહેલા જાગીને નિત્યવિધિ કરીને વસ્ત્રો પહેર્યાં અને પછી મોજડી પહેરીને મંદિરની પાછળ પાટ ઉપર બિરાજ્યા અને રામપ્રતાપભાઇ અને ઇચ્છારામભાઇને ગાદી તકિયા નખાવીને તેના ઉપર બેસાડ્યા અને સંતો, બ્રહ્મચારીઓ અને પાળાઓ સર્વે મહારાજને પગે લાગીને બેઠા.
પછી મહારાજ બોલ્યા જે, બીજો પાટ લાવો. અને તેના ઉપર ગાદી તકિયા નખાવો. અને વાજાં વગડાવો, પછી અગણિત પ્રકારનાં વાજાં વાગવા લાગ્યાં. અને પ્રેમાનંદ સ્વામી ઝાંઝ મૃદંગ લઇને ઓચ્છવ કરવા લાગ્યા. અને બ્રાહ્મણો વેદની ધૂન્ય કરવા લાગ્યા. અને પછી મહારાજે અયોધ્યાપ્રસાદજી અને રઘુવીરજીને જમણે હાથે ઝાલીને પાટ ઉપર બેસાડ્યા. અને સુવર્ણમય ધોતી, સેલાં અને ડગલીઓ પહેરાવી તથા ભારે રેંટો માથે બંધાવ્યો. અને કડાં, વેઢ, વીંટીઓ, ઉતરીઓ, ટુપિયા, પહોંચી, બાજુબંધ, કુંડળ, મોતીની માળાઓ અને મોતીના તોરાઓ ઇત્યાદિક જે ઘરેણાં તે પહેરાવ્યાં. પછી ચંદનની અર્ચા કરી કુમકુમના ચાંદલા કર્યા. ફૂલોના હાર પહેરાવ્યા. બાજુબંધ પહેરાવ્યા અને પછી આરતી ઉતારી અને હજારો હજાર રૂપિયા મેલ્યા.
પછી મહારાજે સંતોને કહ્યું જે, તમારે જે જે દેશમાં રહેવાની રુચિ હોય તે તે આ આચાર્યને પગે લાગો. પછી સંતો બ્રહ્મચારીઓ અને પાળાઓ તેમાંથી કેટલાક રઘુવીરજીને પગે લાગીને તેમની કોર થયા, કેટલાક અયોધ્યાપ્રસાદજીને પગે લાગીને તેમની કોર થયા. પછી મહારાજે ગૃહસ્થોને કહ્યું જે, જે નરનારાયણદેવના દેશના સત્સંગીઓ હોય તે અયોધ્યાપ્રસાદજીની પૂજા કરો અને જે લક્ષ્મીનારાયણદેવના દેશના હરિભક્તો હતા તેમણે નાના પ્રકારનાં ઘરેણાં, વસ્ત્રો અને રૂપિયાએ કરીને પૂજા કરી. ત્યારે મહારાજે કહ્યું, ધીરે ધીરે પૂજા કરો, ઉતાવળે કરશો નહી. ત્યારે પાર્ષદ ભગુજીએ કહ્યું જે, ગામ ગામના સત્સંગીઓ ભેળા થઇને આવો અને પૂજા કરો. ત્યારે તે ભેળા થઇને આવ્યા અને પછી મહારાજે મુકુંદ બ્રહ્મચારીને કહ્યું જે, બાઇઓમાં કેમ છે તે ખબર કાઢો.
પછી બ્રહ્મચારીએ ખબર કાઢ્યા. ત્યાં તો હજારો બાઇઓ સૌ સૌના દેશના આચાર્યની પત્નીઓની પૂજા કરે છે. પછી મહારાજને કહી સંભળાવ્યું. ત્યારે મહારાજ કહે, બહુ સારું. પછી તે સમયે અક્ષરધામ, બદ્રિકાશ્રમ, શ્વેતદ્વીપ, ગોલોક અને વૈકુંઠના મુક્તો આવીને ચંદનની વૃષ્ટિ કરવા લાગ્યા. અને પુષ્પો વડે વધાવવા લાગ્યા. તેને યોગ સમાધિવાળા દેખતા હતા. તે સમયે બ્રહ્મા, શિવ, વરુણ અને કુબેર આદિક તેત્રીશ કરોડ દેવોએ પોતપોતાની પત્નીઓ સહિત વિમાનમાં બેસીને શ્રીજી મહારાજનાં દર્શન કર્યાં. દર્શન કરીને તથા પૂજા કરીને પછી બે આચાર્યની પૂજા કરી અને અમૂલ્ય રેશમી વસ્ત્રો તથા નાના પ્રકારનાં આભૂષણો પહેરાવ્યાં અને તે દેવોની પત્નીઓ સાવિત્રી અને પાર્વતી બન્નેએ આચાર્યની પત્નીની પૂજા કરી અને નાના પ્રકારનાં વસ્ત્રો તથા આભૂષણોની ભેટ મેલી અને ત્યાર પછી તેની આજ્ઞા લઇને સર્વે પોતાને સ્થાને ગયાં. અને પછી મહારાજ થાળ જમવા પધાર્યા. તે થાળ જમી જળપાન કરી મુખવાસ લઇને સંતોની પંક્તિમાં પીરસવા પધાર્યા. તે પિતાંબરની પલવટ વાળીને જલેબી આદિક પકવાન પીરસતા જાય. અને સંતો મહારાજની પાછળ નાના પ્રકારનાં શાક અને રાયતાં, વડાં તથા ભજીયાં, પાપડ તથા અથાણાં સંતોની પંક્તિમાં પીરસતા જાય.
પછી પાંચવાર પંક્તિમાં ફરીને જમાડ્યા. પછી મહારાજના હાથ ધોવડાવ્યા અને ખુરશી ઉપર બિરાજ્યા. રસોઇવાળા હરિભક્તોએ પૂજા કરી. પછી ચાખડીઓ પહેરીને ઉતારે પધાર્યા. અને જલપાન કરીને પોઢ્યા.
ઇતિ શ્રીસહજાનંદસ્વામી શિષ્ય અચ્યુતદાસવિરચિતે શ્રીપુરુષોત્તમલીલામૃતસુખસાગર મધ્યે મહારાજે અયોધ્યાપ્રસાદજીને અને રઘુવીરજીને દત્તપુત્ર કરીને વડતાલમાં ગાદીએ બેસાડ્યા એ નામે બ્યાસીમો અધ્યાય. ૮૨.