રાગ : ગોડી
પદ - ૧
પ્રગટ પ્રમાણ હરિને, ભજ મન પ્રગટ પ્રમાણ હરિને;
કામ ક્રોધ મદ લોભ તજીને, દૃઢ ઉર ટેક ધરીને. ટેક. ૧
ગર્ભવાસનું સંકટ પ્રાણી, જાઇશ માં વિસરીને;
કુબુદ્ધિ કૂડ કપટ પરહરજે, ભરજે પાવ ડરીને. ભજ. ૨
માલ મલક સર્વે મેલીને, જાવું જરૂર મરીને;
જાઇશ માં જમરાને આગે, ઝાઝો ભાર ભરીને. ભજ. ૩
ભવદુઃખ ટળે મીટે સર્વે ભ્રમણા, સંતનો સંગ કરીને;
બ્રહ્માનંદ કે’ આવો અવસર, નહિ પામીશ ફરીને. ભજ. ૪
પદ ૨
નારાયણ સુખકારી, ભજી લેને નારાયણ સુખકારી;
સાધુ જનની માન શીખામણ, વિષય વિકાર વિસારી. ટેક. ૧
માત પિતા સુત બાંધવ મેડી, નહિ તારાં સુત નારી;
જમને દ્વાર એકિલા જાવું, કરજે કરમ વિચારી. ભજી. ૨
રાજા રંક ગુણિજન પંડિત, ખેડુ ને વેપારી;
સગાં કુટુંબિ સહિત સઉને, લે જાવે જમ મારી. ભજી. ૩
ભરતખંડમેં દેહ મનુષ્યનો, મિલે નહીં વારમ વારી;
બ્રહ્માનંદ કે’ થાને સુખિયો, સંત વચન ઉર ધારી. ભજી. ૪
પદ - ૩
અલખ પુરૂષ અવિનાશી, ભજી લેને અલખ પુરૂષ અવિનાશી;
કરમ કટે તારાં અનંત જનમનાં, ફંદ મિટે ચોર્યાશી. ભજી. ૧
સગાં કુટુંબી સુત ને નારી, માતા મામો ને માસી;
અંતે ભેળું કોય ન આવે, અંતર દેખ તપાસી. ભજી. ૨
ઘરમાં બેઠો ગાળ્યો બોલે, દેખી તીરથવાસી;
પરધન હરે કરે નિત્ય કુબુદ્ધિ, પરનારીની હાંશી. ભજી. ૩
મારૂં મારૂં કરતો મુરખ, મેલી ધન મરી જાશી;
બ્રહ્માનંદ કે’ હજી સમરી લે, રસીક શ્યામ સુખરાશી. ભજી. ૪
પદ - ૪
પ્રગટ હરિ ભજ પ્રાણી, સમજીને પ્રગટ હરિ ભજ પ્રાણી;
પાપ દ્રોહ પરિત્યાગ કરીને, દયા ધરમ ઉર આણી. સમ. ૧
પરધન પરત્રિય મદ માટી, નરકતણી નીશાણી;
તે પાપે કરી અવશ પિલાઈશ, ઘાલિ જમરા ઘાણી. સમ. ૨
સમજયા વિના ન બોલીશ કેદી, મુખથી મિથ્યા વાણી;
મમતા કેરો માથે મુરખ, ભાર માં લેજે તાણી. સમ. ૩
એળે દેહ અમુલખ ખોયો, કીધી ધુળ કમાણી;
બ્રહ્માનંદ કે’ તત્પર થઇ ભજ, જગપતી સાચા જાણી. સમ. ૪