અધ્યાય - ૧ - શ્રીહરિએ રામાનંદ સ્વામીના ચૌદમા દિવસની શોકસભામાં આપેલો ધર્મોપદેશ.
શ્રીહરિએ રામાનંદ સ્વામિના ચૌદમા દિવસની શોકસભામાં આપેલો ધર્મોપદેશ. શ્રીહરિનો આચાર્યપદેથી પ્રથમ ધર્મોપદેશ. ધર્મનું મહત્ત્વ. માનવધર્મના છ પ્રકારો.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ !ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામી તિરોધાન થયા તેના ચૌદમા દિવસે પ્રાતઃકાળે સ્નાન સંધ્યાવંદનાદિક નિત્યવિધિ સમાપ્ત કરી ભગવાન શ્રીનારાયણમુનિએ સંતો ભક્તોની મોટી સભાનું આયોજન કર્યું, અને તે સભામધ્યે પધારી સ્વયં શ્રીહરિ અમૂલ્ય રમણીય સિંહાસન ઉપર વિરાજમાન થયા.૧
તેમના મુખારવિંદની આગળ સદાય રામાનંદસ્વામીની સાથે ફરનારા મુકુન્દાનંદાદિ નૈષ્ઠિક બ્રહ્મચારીઓ બેઠા, તેમની પાછળ મુક્તાનંદસ્વામી આદિ સમગ્ર સંતો બેઠા. તેમની પાછળ મયારામાદિ બ્રાહ્મણો, તેમની પાછળ મૂળજી આદિ ક્ષત્રિય ભક્તો, તેમની પાછળ પર્વતભાઇ આદિ વૈશ્ય ભક્તો અને તેમની પાછળ કાળુભાઇ આદિ શૂદ્ર ભક્તજનો બેઠા. તથા તે સભાના એક અલગ ભાગમાં પુરુષોનો સ્પર્શ ન થાય તે રીતે લાડકીબાઇ આદિ સ્ત્રીભક્તો બેઠાં. તે ચાર વર્ણથી ઇતરના ઉદ્ધવાવતાર શ્રીરામાનંદસ્વામીના આશ્રયે ભગવાનનું ભજન કરનારા સમગ્ર ભક્તજનો ચારે વર્ણની સભાની પાછળના ભાગમાં બેઠા. આ રીતે સૌ પોતપોતાની જગ્યાએ સુવ્યવસ્થિત બેસી ગયા. ત્યારે મુકુન્દાનંદ બ્રહ્મચારી આદિક સર્વે હાથ જોડી શ્રીહરિને નમસ્કાર કરી કહેવા લાગ્યા.૨-૫
હે નારાયણમુનિ ! તમોને અમારા નમસ્કાર, તમે સ્વાભાવિક આનંદમય સ્વરૂપ સહજાનંદ છો અને સર્વના સ્વામી છો. અમારા સૌના ગુરુસ્થાને વિરાજતા આપ અનંત સદ્ગુણોથી શોભી રહ્યા છો.૬
એવા હે મહારાજ ! તમો અત્યારે ગુરુવર્ય શ્રી રામાનંદ સ્વામીના સ્થાને વિરાજો છો તેથી અમારા સર્વેના આપ સ્વામી છો, ગુરુ છો. અમે સૌ આપના શિષ્યો છીએ.૭
અમે સર્વે તમારી આજ્ઞા પ્રમાણે આદર પૂર્વક વર્તન કરશું, તેથી અમારે સૌને શું કરવું જોઇએ ? અને શું ન કરવું જોઇએ ? તેનો યથાર્થ બોધ આપો. કારણ કે, અમારું હિત શેમાં રહેલું છે. તે આપ જ યથાર્થ જાણો છો.૮
શ્રીહરિનો આચાર્યપદેથી પ્રથમ ધર્મોપદેશ - સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે મુકુન્દાનંદાદિ સર્વ ભક્તોનાં નિષ્કપટ ભાવવાળાં વચનો સાંભળી તેમના ભાવને આદર આપતા શ્રીસહજાનંદ સ્વામી ધર્મશાસ્ત્રને અનુસરનારાં પ્રિય વચનોથી સર્વેની ધર્મમર્યાદાને દૃઢ કરાવવા માટે તેઓ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સદ્બુદ્ધિમાન્ મુકુન્દ બ્રહ્મચારી ! તમે તથા ઇતર સર્વે હે ભક્તજનો ! તમે પણ મારાં વચનો સાંભળો. તમે મારે આશરે રહેલા એકાંતિક ભક્તો છો. એ હું જાણું છું. તેમાં લેશમાત્ર સંશય નથી.૯-૧૦
આ મનુષ્યદેહ પ્રાપ્ત કર્યા પછી મનુષ્યોએ સર્વથા જે કાંઇ પણ કરવું જોઇએ તે સર્વે મુમુક્ષુ એવા આપ સૌ કરો છો.૧૧
હે ભક્તજનો ! ગુરુવર્ય શ્રીરામાનંદ સ્વામીએ પૂર્વે તમોને જે જે કાર્યો કરવા પોતપોતાના અધિકાર પ્રમાણે નિયુક્ત કરેલા છે. તે સૌએ તે તે સ્થાનમાં રહીને પોતપોતાનું કાર્ય નિષ્ઠા૫ૂર્વક કર્યે રાખવું, તથા સ્વામીએ ઉપદેશ કરેલા પોતપોતાના સ્વધર્મનું ત્યાગી તથા ગૃહસ્થ એવા આપ સૌએ નિયમપૂર્વક પાલન કરતા રહેવું.૧૨-૧૩
ધર્મનું મહત્ત્વ - હે સર્વ ભક્તજનો ! ધર્મરહિત કોઇ પણ કર્મ ભલેને મહાફળ આપનારું હોય છતાં પવિત્ર અને મેધાવી પુરુષે તેનું ગંદાપાણીની જેમ માની સેવન ન કરવું૧૪
સત્શાસ્ત્રને જાણનારા આર્યપુરુષોએ જે કાર્ય-પ્રણાલીની પ્રશંસા કરી હોય તેનું નામ ''ધર્મ'' છે. અને જે કાર્ય પધ્ધતિની નિંદા કરી હોય તેનું નામ ''અધર્મ'' છે.૧૫
જીવનમાં સદ્વિદ્યાની પ્રાપ્તિ થવી, શુભ ધન પ્રાપ્ત થવું કે સુંદર શરીર પ્રાપ્ત થવું, તેમજ શૂરવીરતાનો ગુણ કે સારા કુળમાં જન્મ તથા શરીરમાં નિરોગીપણું પ્રાપ્ત થવું કે સંસારનાં સંકટોમાંથી હરહમેશાં નીકળવાનો માર્ગ પ્રાપ્ત થતો રહેવો, આ સર્વે પૂર્વે પાલન કરેલા ધર્મનો પ્રભાવ છે.૧૬
તેવી જ રીતે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પંચવિષયો સંકલ્પમાત્રથી સિદ્ધ થતા રહે, તે મનુષ્યોએ પૂર્વ જન્મમાં પાળેલા પોતાના ધર્મનું ફળ છે, એમ જાણવું.૧૭
હે ભક્તજનો ! કોઇ પુરુષ ''મારે આ ધર્મનું અવશ્ય પાલન કરવું છે'' એમ શુભ સંકલ્પ કરતો કરતો પણ જો પ્રાણનો ત્યાગ કરે તો તેને સ્વર્ગનું સુખ પ્રાપ્ત થાય છે. તો પછી આ લોકમાં તેનું યથાર્થ પાલન કરવાથી સ્વર્ગાદિકનાં સુખ પ્રાપ્ત થાય એમાં કહેવું જ શું ? અને ધર્મથી મેળવેલી સંપત્તિ જ અંતે સુખ આપનારી થાય છે. જ્યારે અધર્મથી મેળવેલી સંપત્તિ જતે દહાડે દુઃખનું જ કારણ બને છે. કારણ કે, શાશ્વત સુખનું કારણ એક માત્ર ધર્મ જ છે. તે માટે કોઇ પણ રસ્તેથી ધન મેળવવાની ઇચ્છાથી ધર્મનો માર્ગ છોડવો નહિ.૧૮-૧૯
સત્શાસ્ત્રમાં શ્રદ્ધાવાળા, ધર્મનું પાલન કરી ઇંદ્રિયોને કાબૂમાં રાખી શાંતપણે વર્તતા, ધનાઢય, ધાર્મિક પુરુષોને ત્યાં વારંવાર ઉત્સવો ઉપર ઉત્સવોના પ્રસંગો આવે છે. તેઓ વારંવાર સ્વર્ગના અધિકારી થાય છે. અને હમેશાં સુખનો જ અનુભવ કરે છે.૨૦
વારંવાર ધર્મનું અનુષ્ઠાન કરવાથી ધાર્મિક સંતાનોની વૃદ્ધિ થાય છે, પરંતુ તેના વંશનો ઉચ્છેદ થતો નથી. ધર્મપાલનથી જ ધન મળે છે અને વિષયભોગ પ્રાપ્ત થાય છે. તેમજ નિરોગી શરીર અને સુખ પણ ધર્મપાલનથી જ મળે છે. અને આત્મા-પરમાત્મા સંબંધી યથાર્થજ્ઞાન પણ ધર્મપાલનથી જ પ્રાપ્ત થાય છે.૨૧
ધન પ્રાપ્તિની ઇચ્છા હોય કે, ઇંદ્રિયોના વિષયભોગની ઇચ્છા હોય, તે પ્રાપ્ત કરવા મનુષ્યે પહેલાં ધર્મનું પાલન કરવું જોઇએ. કારણ કે, ધર્મપાલન કરનારાને આ જગતમાં કોઇ વસ્તુ દુર્લભ રહેતી નથી, સર્વે સુલભ થાય છે. એમ મારું ચોક્કસ માનવું છે.૨૨
જેમ પાણી ખૂટવા આવતાં ખાબોચિયાનાં દેડકાંઓ પરવશ થઇ બીજાં જળાશય તરફ ગતિ કરે છે, તરસ્યાં પક્ષીઓ પરવશ થઇ જળ ભરેલા સરોવર તરફ ગતિ કરે છે, તેમ જગતની સર્વે સંપત્તિ પરવશ થઇને ધર્મનું શુભ આચરણ કરનારા પુરુષ પ્રતિ ગતિ કરે છે.૨૩
ધર્મપાલનથી જ રાજ્યસુખ, ધન, શરીરનું આરોગ્ય અને અણિમાદિ અષ્ટ સિદ્ધિઓ પણ ધર્મપાલનથી જ પ્રાપ્ત થાય છે. ટૂંકમાં આલોકમાં કે પરલોકમાં જે કાંઇ સુખ પ્રાપ્ત થાય છે તે એક ધર્મપાલનથી જ પ્રાપ્ત થાય છે. અને ધર્મનો ત્યાગ કરવાથી સર્વેનો નાશ થાય છે.૨૪
હે ભક્તજનો ! જો માનવ સમાજમાં ધર્મની વૃદ્ધિ થાય તો માનવમાત્ર સર્વકાળે સમૃદ્ધ થાય છે. અને જો ધર્મનો ક્ષય થાય તો માનવે સહિત ભૂતપ્રાણી માત્રનો ક્ષય થાય છે. માટે માનવમાત્રે ધર્મનું જ આચરણ કરવું જોઇએ.૨૫
જે મનુષ્યો શ્રુતિ અને સ્મૃતિમાં કહેલા ધર્મોનું પાલન કરે છે તે આલોકમાં મહાન કીર્તિને પામે છે અને પરલોકમાં પણ અતિ ઉત્તમ સુખના અધિકારી થાય છે. તેથી કેવળ એક ''ધર્મ'' જ માનવનો સાચો હિતેચ્છુ મિત્ર છે. કારણ કે, જીવ જ્યારે શરીરને છોડીને અન્યત્ર જાય છે ત્યારે તેને સુખી કરવા માત્ર ધર્મ જ તેની પાછળ પાછળ જાય છે. પરંતુ શરીર સાથે અન્ય સર્વેનો નાશ થઇ જાય છે. અર્થાત્ માતા, પિતા, પત્નિ, પુત્રાદિ સર્વે અહીં જ રહી જાય છે. જીવની સાથે તેના હિતેચ્છુ મિત્ર થઇને કોઇ જતું નથી.૨૬-૨૭
હે ભક્તજનો ! ધર્મની હત્યા કરનારાની ધર્મ જ હત્યા કરે છે. અર્થાત્ જે મનુષ્યો ધર્મને છોડી દે છે તે માનવને ધર્મ પણ છોડી દે છે. જે માનવ ધર્મની રક્ષા કરે છે તે માનવની ધર્મ પણ રક્ષા કરે છે. તેથી મનુષ્ય માત્રે મન, કર્મ વચને યથાર્થ ધર્મનું પાલન કરવું.૨૮
મનુષ્યોએ મનમાં કામ વ્યાપે કે ક્રોધના આવેગમાં આવી જવાય છતાં ધર્મ તો કદાપિ છોડવો નહિ. કદાચિત કોઇ કારણે મનમાં ઉદ્વેગ વ્યાપે કે કોઇનાથી ભય ઉત્પન્ન થાય અને કોઇ વખતે જીવન જોખમમાં હોય તોપણ માનવે ધર્મ છોડવો નહિ. કોઇ ધન આદિકની પ્રાપ્તિના લોભમાં પણ માનવે ધર્મ છોડવો નહિ.૨૯
ધર્મનું આચરણ કરવા છતાં મનમાં ધારી રાખેલું સુખ પ્રાપ્ત ન થાય ત્યારે દુઃખી થયેલાં મનને અધર્મના માર્ગે જવા દેવું નહિ. પરંતુ તત્કાળ અધર્મમય જીવન જીવનારા પાપીમનુષ્યોના દુઃખની સામે નજર કરી વિચાર કરવો કે પાપ કરનારને છેલ્લે આવાં દુઃખો ભોગવવાં પડે છે.૩૦
માટે હે ભક્તજનો ! મનુષ્યનું જીવન તૃણપત્રના અગ્રભાગ ઉપર રહેલાં ઝાંકળનાં જળબિંદુ જેવું ચંચળ છે. તેથી ધર્મનું પાલન તત્કાળ કરી લેવું, પરંતુ આયુષ્યના ભરોસે વિલંબ કરવો નહિ.૩૧
ડાહ્યા વ્યક્તિએ પોતાને અજર અને અમર માની વિદ્યાનો અભ્યાસ કરવો, અને ધનનું ઉપાર્જન કરવું. જો એમ ન વિચારે તો તેને માટે કોઇ પ્રવૃત્તિ થાય નહિ. અને મૃત્યુએ મારા માથાના કેશ પકડી રાખ્યા છે, હમણાં જ મને ઉઠાવશે, એમ માની ધર્મનું આચરણ કરી લેવું. ૩૨
હે ભક્તજનો ! જે મનુષ્યનો એક પણ દિવસ ધર્મના અનુષ્ઠાન વિનાનો ખાલી જાય છે તે માનવ તો ધમણની માફક માત્ર વ્યર્થ શ્વાસ લે છે. એમ ડાહ્યાપુરુષો મનમાં જાણે છે.૩૩
જો પોતાનાથી ધર્મનો નાશ ન થાય અને યથાર્થ ધર્મનું પાલન થતું રહે ને કદાચ હાથમાં ભિક્ષાપાત્ર લઇ ભીખ માંગીને જીવવું પડે તો પણ માનવ પોતે એમ જાણે કે, હું મોટો ધનપતિ છું. પરંતુ પોતાને કંગાલ માને નહિ. કારણ કે ધર્મશીલ પુરુષોનું સ્વધર્મ એજ સાચું ધન છે.૩૪
હે ભક્તજનો ! સામ્રાજ્યાદિ સર્વોત્તમ ધનસંપત્તિની ઇચ્છા રાખનાર પુરુષે પણ ધર્મપરાયણ થવું, કારણ કે જેમ અમૃત સ્વર્ગનો ક્યારેય ત્યાગ નથી કરતું, તેમ ધનસંપત્તિની સિદ્ધિ ક્યારેય પણ ધર્મનો ત્યાગ કરતી નથી. અર્થાત્ ધનની સિદ્ધિ માત્ર ધર્મથી જ થાય છે. ધર્મપાલનનો આવો મોટો મહિમા હોવાથી પરલોકમાં સહાય કરનારા ધર્મનું ધીરે ધીરે નિરંતર પાલન કરી આગળ વધતા રહેવું. કારણ કે, કોઇ સાધનથી દૂર ન થઇ શકે તેવા જીવના અજ્ઞાનરૂપ અંધકારને એક ધર્મની સહાયતાથી જ દૂર કરી શકાય છે.૩૫-૩૬
માનવધર્મના છ પ્રકારો :-- હે ભક્તજનો ! જે ધર્મનો મેં મહિમા કહ્યો તે ધર્મ છ પ્રકારનો છે, એમ ધર્મના ભેદને જાણનારા ઋષિમુનિઓએ કહ્યું છે. એક વર્ણધર્મ, બીજો આશ્રમધર્મ, ત્રીજો વર્ણાશ્રમધર્મ, ચોથો ગૌણધર્મ, પાંચમો નૈમિત્તિકધર્મ અને છઠ્ઠો સાધારણધર્મ. તેમાં સાધારણ ધર્મની વાત હું તમને પ્રથમ જણાવું છું.૩૭-૩૮
હે ભક્તજનો ! ક્ષમા, દયા, અસુયાનો ત્યાગ, પવિત્રતા, અનાયાસ, મંગલ, અકાર્પણ્ય અને નિઃસ્પૃહપણું આ સર્વે સાધારણ ધર્મો કહ્યા છે.૩૯
ક્ષમા :-- કોઇપણ મનુષ્ય બાહ્ય શરીરને પીડા આપે કે માનસિક પીડા આપે છતાં તે પીડા ઉપજાવનાર વ્યક્તિ ઉપર લેશમાત્ર પણ ક્રોધ ન કરે અને તેને મારે પણ નહિ, તે ગુણને ''ક્ષમા'' કહેવાય છે.૪૦
દયા :-- પોતાનો બંધુવર્ગ હોય કે પછી અન્ય વર્ગ હોય, મિત્ર હોય કે શત્રુ હોય, પણ તેઓને જો આપત્કાળ આવે ત્યારે તેમાં પણ પોતાની શક્તિને અનુસારે તેઓનું સર્વ પ્રકારે રક્ષણ કરવું તે ગુણને ''દયા'' કહેવાય છે.૪૧
અનસૂયા :-- ગુણવાન પુરુષોના વિદ્યા આદિક ગુણો ઉપર ક્યારેય દોષનું આરોપણ ન કરે, પરંતુ તેમના અલ્પ સરખા ગુણની પણ પ્રશંસા કરે. તથા અન્યના દોષો જોઇ મનમાં હરખાય નહિ. આવા ગુણને ''અનસૂયા'' કહેવાય છે.૪૨
શૌચ :-- ડુંગળી, લસણ આદિ અભક્ષ્ય પદાર્થોનું ભક્ષણ ન કરવું, લોક અને શાસ્ત્રમાં નિંદાને ન પામેલા પુરુષનો સમાગમ કરવો, પોતપોતાના ધર્મનું પાલન કરવું. આ ગુણને ''શૌચ'' (પવિત્રતા) કહેવાય છે.૪૩
અનાયાસ :-- કૃચ્છ્રચાંદ્રાયણાદિ વ્રતો કરવાં તે બહુજ શુભ કર્મ છે, છતાં પણ જો શરીરને પીડા ઉપજાવે છે એમ લાગે (મનને નહિ) તો તે અત્યાચાર લાગતું કર્મ ન કરવું. તે ગુણને ''અનાયાસ'' કહેવાય છે.૪૪
મંગલ :-- મન, કર્મ વચને પ્રાણીમાત્રનો દ્રોહ ક્યારેય ન કરવો, મિથ્યા બોલવાનું છોડવું અને સત્ય ભાષણ કરવું તથા શાસ્ત્રે જેની પ્રશંસા કરી હોય તેવા જ કર્મનું પ્રતિદિન અનુષ્ઠાન કરવું. તે ગુણને ''મંગલ'' કહેવાય છે.૪૫
અકાર્પણ્ય :-- ઉદારમનથી પોતા પાસે રહેલા અલ્પ સરખા પણ પદાર્થમાંથી કાંઇક ને કાંઇક સત્પાત્રમાં નિરંતર દાન કરવું. તે ગુણને ''અકાર્પણ્ય'' કહેવાય છે.૪૬
નિઃસ્પૃહતા :-- પોતાના પ્રારબ્ધ કર્મને અનુસારે જે કાંઇ પ્રાપ્ત થયું હોય તેમાં સંતોષ રાખવો, અને પારકા દ્રવ્યનું મનથી પણ ક્યારેય પડાવી લેવા ચિંતવન ન કરવું. તથા શરીરમાં અને તેને લગતા પદાર્થોમાં પણ આસક્તિનો ત્યાગ કરવો. તે ગુણને ''નિઃસ્પૃહતા'' કહેવાય છે.૪૭
હે ભક્તજનો ! આ પ્રમાણે જગતને ધારણ કરનાર ધર્મનું લક્ષણ મહિમાએ સહિત સંક્ષેપથી યથાર્થપણે મેં તમને કહ્યું. હવે પછી મુમુક્ષુઓને ખાસ જાણવા યોગ્ય તે ધર્મપ્રાપ્તિનો ઉપાય તમને હું જણાવું છું.૪૮
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં નારાયણમુનિ અને મુકુંદાનંદાદિ ભક્તજનોના સંવાદમાં ધર્મની પ્રસંશાનું નિરૂપણ કર્યું એ નામે પ્રથમો અધ્યાય પૂર્ણ થયો. -૧-