અધ્યાય - ૮ - શ્રીહરિએ ભક્તજનોને પોતાના દેશ પ્રત્યે જવાની અને સંતોને દેશાંતરમાં વિચરણ કરવાની આજ્ઞા કરી.
શ્રીહરિએ ભક્તજનોને પોતાના દેશ પ્રત્યે જવાની અને સંતોને દેશાંતરમાં વિચરણ કરવાની આજ્ઞાા કરી. શ્રીહરિનું કાલવાણી ગામે આગમન . સાધનવિના સિદ્ધદશાની પ્રાપ્તિ. સમાધિમાં અલૌકિક અનુભૂતિ. અપક્વભક્તોને અલગથી યોગપ્રક્રિયાનું આપેલું શિક્ષણ. 'સ્વામિનારાયણ' નામથી નરકના કુંડ ખાલી કરાવ્યા.
સુવ્રતમુનિ કહે છે, રાજન્ ! ભગવાન શ્રીહરિ સહજાનંદ સ્વામીએ પોતાના ગૃહસ્થ ભક્તજનોને પોતપોતાના દેશ પ્રત્યે જવાનો આદેશ કર્યો. તેથી તેઓ શ્રીહરિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને પોતાની પત્નીઓની સાથે સ્વદેશ જવા માટે નીકળ્યા.૧
તે સમયે શ્રીહરિએ મુકુન્દાનંદ બ્રહ્મચારી અને મુક્તાનંદ સ્વામી આદિ કેટલાક ત્યાગીઓને ગૌરવપૂર્વક માન આપી પોતાની સાથે રાખ્યા.૨
તથા હે નરાધિપ ! અન્ય સાધુઓનાં મંડળને પૃથ્વી ઉપરના અજ્ઞાની જનોને પોતાના સ્વરૂપનો બોધ કરાવવા જુદા જુદા દેશોમાં અલગ અલગ મંડળ થઇ ફરવા જવાની આજ્ઞા આપી.૩
શ્રીહરિનું કાલવાણી ગામે આગમન :-- હે રાજન્ ! ત્યાર પછી સમર્થ ભગવાન શ્રીહરિ માંગરોળપુરવાસી જનોને અને વજ્રદીન રાજાને પોતપોતાના ધર્મમાં વર્તવાની આજ્ઞા આપી શિષ્યમંડળની સાથે કાલવાણી ગામમાં પધાર્યા.૪
હે નૃપ ! તે કાલવાણી ગામમાં શ્રીહરિએ જીવનશર્મા વિપ્રને ઘેર પોતાનો ઉતારો કર્યો. ત્યારે તે ગામવાસી અનેક ભક્તજનો સંતમંડળની સાથે ભગવાન શ્રીહરિની ખૂબજ સેવા કરવા લાગ્યા.૫
હે રાજન્ ! તે ભક્તોમાં મેઘજી, લક્ષ્મણ, ભીમજી, રઘુનાથ, અંબારામ, યાદવ, જયરામ આદિ વિપ્રભક્તો ગાઢ અનુરાગથી શ્રીહરિની સેવા કરતા હતા.૬
તેમજ ધનાઢય એવા વૈશ્ય વર્ણમાં પણ પર્વતભાઇ નામે મુખ્ય ભક્ત અને બીજા રાજાભાઇ, જીવરાજ, ઘેલાશા, બે જેઠાભાઇ, મૂળજી, હૃદો, ખોડો, વસ્તો, નરસિંહ, જેઠો અને જુઠો બે સગા ભાઇઓ કૃષ્ણ, માધવ નામના બે ભક્તો, આંબો, કેશવ, લક્ષ્મણ, વસરામ આદિ અનેક વૈશ્ય ભક્તજનો શ્રીહરિની સેવા કરતા હતા.૭-૯
તેવી જ રીતે અત્યંત ભક્તિભાવથી ભરેલી બહેનોમાં તેજસ્વતી, મઘા, ફુલ્લી, હીરા, જીવન્તિ આદિ અનેક બહેનો ભગવાન શ્રીહરિની સેવા કરતાં હતાં.૧૦
સાધનવિના સિદ્ધદશાની પ્રાપ્તિ :-- એ કાલવાણી ગામમાં પૂર્વોક્ત સર્વે નરનારી ભક્તો તથા અન્ય હજારો જનો ભગવાન શ્રીહરિની કૃપાદૃષ્ટિથી સમાધિનિષ્ઠ થયા હતા, અને સર્વે પ્રકારની યોગકળાને જાણનારા થયા હતા. હે રાજન્ ! ક્રમશઃ અષ્ટાંગયોગની સાધના કરી યોગીઓ જેમ યોગસિદ્ધિને વરે તેવી જ રીતની યોગસિદ્ધિની પ્રાપ્તિ આ ભક્તજનોને માત્ર શ્રીહરિની કૃપાદૃષ્ટિથી તત્કાળ પ્રાપ્ત થઇ હતી.૧૧-૧૨
હે રાજન્ ! પ્રાણનો નિરોધ કરવો, તેમજ સ્વતંત્રપણે દેહનું ધારણ કરવું કે તેનો ત્યાગ કરવો વગેરે યોગની ક્રિયામાં સર્વે ભક્તજનો અને કેટલાંક બાળકો પણ શ્રીહરિની કૃપાથી સ્વતંત્રતા પામ્યાં હતાં.૧૩
હે રાજન્ ! જ્યારે સકલ લોકના સ્વામી સ્વતંત્ર એવા ભગવાન શ્રીહરિ પોતાના સ્વરૂપમાં જનોને સામૂહિક સમાધિ કરાવતા ત્યારે સર્વેના મનમાં અતિશય આશ્ચર્ય ઉત્પન્ન થતું.૧૪
શ્રીહરિનાં દર્શન કરતાંની સાથે સમાધિદશાને પામતા સેંકડો અને હજારો નરનારીઓની જુદી જુદી પંક્તિઓ કાલવાણી ગામમાં થતી.૧૫
તેમાં કેટલાક સિદ્ધાસન તથા પદ્માસન વાળી બેસતા, કેટલાક વીરાસનમાં અને કેટલાક વજ્રાસનમાં બેસતા અને કેટલાક સ્વસ્તિક આસનમાં બેસતા તેમજ કેટલાક શવાસનમાં રહી સમાધિનું સુખ લેતા હતા. (અહીં કહેલા યોગનાં આસનોનાં લક્ષણો આગળ પાંચમાં પ્રકરણમાં શ્રીહરિના યોગના ઉપદેશ થકી જાણી લેવાં.)૧૬-૧૭
હે રાજન્ ! સર્વે જનો સમાધિની પરમોત્કૃષ્ટ સ્થિતિ પ્રાપ્ત થતાં કાષ્ઠ કે પાષાણની પ્રતિમાની માફક નિશ્ચેષ્ટ થઇ જતા, ત્યારે ભગવાન શ્રીહરિ તે સમાધિમાં ગયેલા ભક્તોને મધ્યે કેટલાકને એક પ્રહરને અંતે જગાડતા, કેટલાકને બે પ્રહરને અંતે, કેટલાકને ચાર પ્રહર પૂર્ણ થતાં દિવસને અંતે, કેટલાકને બે દિવસને અંતે, કેટલાકને પંદર દિવસને અંતે અને કેટલાકને મહિનાને અંતે જગાડતા. તેમજ કેટલાકને બે મહિનાને અંતે, કેટલાકને ત્રણ મહિનાને અંતે, કેટલાકને ચાર મહિનાને અંતે શ્રીહરિ સમાધિમાંથી જગાડતા. હે રાજન્ ! શ્રીહરિ જ્યારે જગાડતા ત્યારે કેટલાકને દૃષ્ટિમાત્રથી જગાડતા, કેટલાકને શબ્દમાત્રથી નામ લઇ જગાડતા અને કેટલાકને સંકલ્પ માત્રથી જગાડતા.૧૮-૨૧
સમાધિમાં અલૌકિક અનુભૂતિ :-- હે રાજન્ ! કોઇ સમાધિમાં ગયેલો મનુષ્ય પોતે સમાધિમાં અનુભવાતા પરમ આનંદના લોભથી ભગવાન શ્રીહરિ બોલાવે છતાં પાછો શરીરમાં પ્રવેશ કરે નહિ, ત્યારે સમર્થ ભગવાન શ્રીહરિ સ્વયં મહાયોગેશ્વર હોવાથી પોતાના યોગૈશ્વર્યના પ્રભાવથી બલાત્કારે તેને ફરી શરીરમાં તત્કાળ પ્રવેશ કરાવતા હતા.૨૨-૨૩
હે રાજન્ ! જે જે ભક્તજનો સમાધિમાંથી જાગ્રત થતા તે તે ભક્તજનો સમાધિમાં પોતે જે આશ્ચર્ય અનુભવ્યું હોય તે સમગ્ર આશ્ચર્ય સભામાં બેઠેલા ભક્તજનોની આગળ વર્ણન કરી કહેતા હતા. તેમાં કેટલાક ભક્તજનો અલૌકિક બ્રહ્મપુરની વાર્તા કરતા હતા, કેટલાક શ્વેતદ્વિપની અને કેટલાક વૈકુંઠલોકની વાત કહેતા હતા. કેટલાક ગોલોકધામનાં દિવ્ય ઐશ્વર્ય અને વૈભવનું વર્ણન કરતા અને કેટલાક ભક્તજનો તો ત્રિલોકીમાં રહેલાં દેવ, દૈત્ય આદિનાં અનેક સ્થાનોનું વર્ણન કરતા. કેટલાક ભક્તો સમાધિમાં જોયેલા પ્રકૃતિપુરુષના લોકનાં ઐશ્વર્ય અને વૈભવનું યથાર્થ વર્ણન કહી સંભળાવતા હતા. કેટલાક સંકર્ષણના લોકનાં ઐશ્વર્ય અને પ્રતાપાદિનું વર્ણન કરતા અને કેટલાક પ્રદ્યુમ્ન અને અનિરુદ્ધના લોકનું વર્ણન કરતા હતા. તેમજ કેટલાક ચોવીસ તત્ત્વરૂપ દેવતાઓના પૃથક્ પૃથક્ લોક અને ઐશ્વર્યનું સભામાં યથાર્થ વર્ણન કરીને કહેતા. કેટલાક ભક્તો ત્રિલોકીમાં રહેલાં ભગવાનનાં બદરિકાશ્રમાદિ સ્થાનોની વાર્તા કરતા. કેટલાક પર્વતની બહારના સ્થાનોનું વર્ણન કરતા, કેટલાક ભક્તજનો અનંતકોટિ બ્રહ્માંડોના બ્રહ્મા, વિષ્ણુ, શિવની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયરૂપ ક્રિયા તથા તેઓના લોક અને અમાપ ઐશ્વર્ય સુખનું વર્ણન કરતા હતા. કેટલાક ભક્તજનો તે તે બ્રહ્માંડોમાં દેવતા, દૈત્ય અને મનુષ્યોની આશ્ચર્યકારી ક્રિયાઓ થતી જોઇ હતી તેનું વર્ણન કરી દેખાડતા. કેટલાક તો સમાધિમાં અનુભવેલી સમગ્ર બ્રહ્માંડની રચનાનું વર્ણન કરતા અને કેટલાક ભક્તો તો પોતાના શરીરની રચનાનું સમગ્ર વર્ણન કરી દેખાડતા, તેમજ કેટલાક ભક્તો સમસ્ત ભૂગોળ અને ખગોળની અંદર રહેલી સ્થિતિનું યથાર્થ વર્ણન કરીને કહેતા હતા.૨૪-૩૪
અપક્વભક્તોને અલગથી યોગપ્રક્રિયાનું આપેલું શિક્ષણ :-- હે નરાધિપ ! આ પ્રમાણે સમાધિમાંથી ભક્તજનોનાં ઉપરોક્ત વચનો સાંભળી ભગવાન શ્રીનારાયણમુનિ તે તે યોગવાળા ભક્તોની પક્વતા અને અપક્વતાનો નિર્ણય કરતા હતા. તેમાંથી જે જે ભક્તજનોની યોગધારણા અપક્વ હતી તે તે ભક્તજનોને ફરીથી યોગ્ય યોગધારણા કરાવતા હતા.૩૫-૩૬
હે રાજન્ ! કેટલાક ભક્તોને ભગવાન શ્રીહરિએ પ્રાણવાયુનું તથા નાડીઓનું સ્વતંત્રપણે આકર્ષણ તથા પ્રસારણ કરવાની ક્રિયારૂપ યોગાભ્યાસ કરતાં શીખવ્યો. કોઇક ભક્તોને સર્વ અંગમાંથી પ્રાણનું આકર્ષણ કરી માત્ર નેત્રમાં કે આંગળી આદિના કોઇ એક ભાગમાં પ્રાણને ધારણ કરવાની યોગકળા શીખવતા હતા. આવી રીતે એકએક અંગમાં ધારણા વખતે પ્રાણ તથા આત્માની હાજરીએ રહિત શરીરના અન્ય અંગોને કોઇ કાપે કે બાળે છતાં તેની તેમને કોઇ વ્યથા થતી ન હતી.૩૭-૩૯
હે રાજન્ ! ભગવાન શ્રીહરિ કોઇ ભક્તોને કોઇ એક નેત્રને બહારની વૃત્તિથી પાછું વાળી અંતરવૃત્તિવાળું કરીને અંદર ધારણ કરવું અને બીજા નેત્રને મટકાએ રહિત કરી બહારવૃત્તિથી ધારણ કરવું, તેમજ ફરી બન્ને નેત્રને ઉલટી રીતે ધારણ કરવાં અર્થાત્ જે નેત્રને અંતરવૃત્તિથી ધારણ કર્યું હોય તેને બહારનીવૃત્તિથી ધારણ કરવું અને જેને બાહ્યવૃત્તિથી ધારણ કર્યું હોય તેને આંતરવૃત્તિથી ધારણ કરવું. આવી રીતે અક્ષિવિદ્યાનું શિક્ષણ આપી અક્ષિયોગ શીખવતા હતા.૪૦-૪૧
હે રાજન્ ! ભગવાન શ્રીહરિ કોઇક ભક્તને બન્ને નેત્રોને બાહ્યવૃત્તિથી પાછાં વાળી આંતરવૃત્તિમાં સ્થિર કરી નાડીપ્રાણનો સંકોચ કરવાની કળા શીખવતા હતા.૪૨
તેમજ કોઇ ભક્તોને બન્ને નેત્રોને મટકાએ રહિત કરી બહારવૃત્તિમાં સ્થિર કરાવી નાડીપ્રાણનો સંકોચ કરવાની કળા શીખવતા હતા. વળી સમર્થ ભગવાન શ્રીહરિ કોઇક ભક્તને છ ચક્રોની મધ્યે કોઇ પણ એક ચક્રમાં પ્રાણનો નિરોધ કરાવી અનેક પ્રકારના નાદને શ્રવણ કરાવતા હતા.૪૩-૪૪
વળી કોઇ ભક્તને એક ચક્રમાં પ્રાણનો નિરોધ કરાવી ઁકારની ગણના કરાવતા અને પછી સમાધિમાંથી જાગ્રત થયેલા તે ભક્ત પાસે પ્રણવની સંખ્યા કેટલી થઇ તે બોલાવતા હતા. તેમજ કોઇ ભક્તને ઇંડા, પિંગલા અને સુષુમ્ણાના માર્ગથી ચંદ્ર, સૂર્ય આદિના લોક પ્રત્યે ગતિ કરાવી તેનું દર્શન કરાવતા હતા.૪૫-૪૬
'સ્વામિનારાયણ' નામથી નરકના કુંડ ખાલી કરાવ્યા :-- હે રાજન્ ! ભગવાન શ્રીહરિ કોઇ ભક્તોને સમાધિ કરાવી યમપુરીમાં મોકલતા અને ત્યાં પોતાનું અનંતજીવોના કલ્યાણ માટે પ્રગટ કરેલું ''સ્વામિનારાયણ'' નામ નારકીજીવોને શ્રવણ કરાવી તેજ ક્ષણે નરકમાંથી ઉદ્ધાર કરતા હતા. હે રાજન્ ! જેવી રીતે ચક્રવર્તી રાજા રાજ્ય સિંહાસન ઉપર આરુઢ થાય ત્યારે સમસ્ત બંદીવાનોને કારાવાસમાંથી છોડી મૂકે છે. તેવી જ રીતે ભગવાન શ્રીહરિ ગુરુપદની ગાદી ઉપર આરુઢ થયા તેથી નારકી જીવોને નરકમાંથી મુક્ત કર્યા.૪૭-૪૮
હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ પોતાના ભક્તજનોને સમગ્ર યોગની કળાઓ યોગના સાધન-સંપત્તિ વિના સિદ્ધ કરાવી આપ્યાં.૪૯
તેથી સિદ્ધ થયેલા તે મેધાવી યોગીભક્તજનો ભગવાન શ્રીહરિના પ્રતાપથી તત્કાળ અન્યના શરીરમાં પ્રવેશ કરી તેમના મનના સર્વ સંકલ્પોને જાણતા હતા.૫૦
તે સમાધિવાળા ભક્તો બીજાના શરીરમાં પ્રવેશ કરી ભગવાન શ્રીહરિની માફક જ તેઓના પ્રાણનો નિરોધ કરાવી ભગવાનનાં બ્રહ્મપુર આદિ ધામોનાં દર્શન કરાવતા હતા.૫૧
ભગવાન શ્રીહરિ જે ભક્તને આજ્ઞા આપે તે ભક્ત બીજા પુરુષને સમાધિ કરાવવા સમર્થ થઇ શકે અને સમાધીમાંથી જાગ્રત પણ કરાવી શકે.૫૨
હે રાજન્ ! આ પ્રમાણે મહા ઐશ્વર્યવાન ભગવાન શ્રીહરિએ નિષ્કારણ અતિશય કરૂણા કરીને પોતાનો પ્રતાપ દેખાડી કાળે કરીને નષ્ટ થયેલી યોગકળાનું ભારતની ભૂમિ ઉપર ફરીથી પ્રવર્તન કર્યું.૫૩
હે રાજર્ષિ ! દરેક નગરમાં અને ગામમાં તેમજ દરેકના ઘેર ઘેર સાંભળનારાનું પણ મંગળ કરે તેવી શ્રીહરિના યોગકળાના ઐશ્વર્યની વાર્તાઓ થવા લાગી.૫૪
હે રાજન્ ! ભક્તજનોની આગળ સભામાં અમૂલ્ય સિંહાસન ઉપર વિરાજી અનેક પ્રકારની યોગકળાઓ પોતાના ભક્તજનોને શીખવતા તેમજ તે ભક્તજનોના હૃદયકમળમાં પોતાના યોગૈશ્વર્યથી પ્રવેશ કરી તેમનો હાથ પોતાના હાથથી ગ્રહણ કરી તે ભક્તજનો જે જે ધામોનાં દર્શન કરવાની ઇચ્છા કરે તે તે ધામોમાં લઇ જઇ તે તે ધામોનાં દિવ્ય વૈભવોને સ્વયં પોતે આગળ ચાલી પોતાની અંગુલીના નિર્દેશથી દર્શન કરાવતા હતા. આવા અતિશય મહિમાવાળા શ્રીભક્તિ ધર્મના પુત્ર સાક્ષાત્ ભગવાન શ્રીહરિ સર્વત્ર વિજય પામે છે.૫૫
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં આ પૃથ્વીપર અનેક પ્રકારની યોગકળાઓનો આવિષ્કાર કર્યો તેનું નિરૂપણ કર્યું એ નામે આઠમો અધ્યાય પૂર્ણ થયો. --૮--