અધ્યાય - ૭ - શ્રીહરિના દિવ્યમુખે નારાયણગીતાનું મંગળ ગાન.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 9:36am

અધ્યાય - ૭ - શ્રીહરિના દિવ્યમુખે નારાયણગીતાનું મંગળ ગાન.

શ્રીહરિના દિવ્યમુખે નારાયણગીતાનું મંગળ ગાન. શરીર શુદ્ધિ અને ભોજન શુદ્ધિ. શાસ્ત્રશ્રવણ શુદ્ધિ અને વાચન શુદ્ધિ. સમાગમ શુદ્ધિ. ત્યાગાશ્રમના વિશેષધર્મ. વિધવાનારીના વિશેષધર્મ.સમસ્ત નારીઓના વિશેષધર્મ. સધવા નારીઓના વિશેષધર્મ. ગૃહસ્થના વિશેષધર્મ. ગૃહસ્થના પંચ મહાયજ્ઞાો. રાજાઓના વિશેષધર્મ. મનુષ્યજન્મની અતિદુર્લભતા. નારાયણગીતાની ફલશ્રુતિ.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! મુકુન્દાનંદ વર્ણી આદિ શિષ્યો બન્ને હાથ જોડી ભગવાન શ્રીનારાયણમુનિને નમસ્કાર કરી આદરપૂર્વક પૂછવા લાગ્યા.૧

શિષ્યો કહે છે, હે ભગવન્ ! તમે જીવપ્રાણીમાત્રના ગતિ સ્વરૂપ છો, તેમાં પણ પોતાના આશ્રિત જનો માટે તમે વિશેષપણે ગતિસ્વરૂપ છો. તમે અમારા ગુરુસ્થાને બિરાજો છો, અને કાળ માયાના નિયંતા પરમેશ્વર પણ તમે જ છો. માટે હે પ્રભુ ! તમારે આશરે રહેલા ત્યાગીસાધુ, એવા અમારા તથા ગૃહસ્થોના તથા સધવા, વિધવા સ્ત્રીઓના કલ્યાણકારી ધર્મોનો ઉપદેશ કરો.૨-૩

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે પોતાના શિષ્યજનોએ પૂછયું તેથી કૃપાનિધિ ભગવાન શ્રીહરિ વેદાદિ શાસ્ત્રોના સારભૂત સનાતન ધર્મોનો ઉપદેશ કરવા લાગ્યા.૪

શ્રીનારાયણમુનિ કહે છે, હે મારે આશરે રહેલા સર્વે નરનારી ભક્તજનો ! તમે મારું વચન સાંભળો. હું તમને સત્શાસ્ત્ર પ્રતિપાદિત એકાંતિક ભાગવતધર્મનો ઉપદેશ કરું છું.૫

હે ભક્તજનો ! રાત્રિના અંતિમ પ્રહરમાં બ્રાહ્મમુહૂર્તમાં નિદ્રાનો ત્યાગ કરી મારા આશ્રિત ભક્તોએ નિરંતર શ્રીહરિનામ સંકીર્તન કરવું, તેમજ ભગવાનના ભક્તોનાં નામોનું પણ સંકીર્તન કરવું, તથા એકાગ્ર મનથી એકઘડી અથવા બે ઘડી ભગવાનનું ધ્યાન કરવું. પછી રાધિકાના પતિ ભગવાન શ્રીકૃષ્ણનું પોતાના હૃદયમાં શુદ્ધમનથી સ્મરણ કરતાં કરતાં મારા આશ્રિતે દેહસંબંધી ક્રિયા કરવી.૬-૮

શરીર શુદ્ધિ અને ભોજન શુદ્ધિ - હે ભક્તજનો ! ત્રણે વર્ણના પુરુષોએ સ્નાન, સંધ્યા, ગાયત્રીજપ, હોમ, સ્વાધ્યાય, પિતૃતર્પણ, દેવતાઓનું પૂજન આદિ નિત્યકર્મનું પ્રતિદિન અનુષ્ઠાન કરવું.૯

રોગાદિ પીડાને પામ્યા ન હોય તેવા મારા આશ્રિત પુરુષોએ પ્રતિદિન સ્નાન અને બે પ્રકારની ભગવાનની પૂજા કર્યા સિવાય મુખમાં અન્ન-જળ મૂકવું નહિ.૧૦

દેશકાળને અનુસારે પ્રાપ્ત થયેલા ચંદનાદિ વિશુદ્ધ ઉપચારોથી પોતાના અધિકારને અનુસારે શાસ્ત્ર વિહિત પૂજન કરવું.૧૧

સર્વે મારા ભક્તોએ ક્યારેય પણ રસાસ્વાદ ન કરવો. જે સમયે જેવા અન્ન કે ફળનો આહાર મળે તે ભગવાનની પ્રસાદી કરીને જમવું.૧૨

હે રાજન્ ! જે ગૃહસ્થના ઘરમાં કે ત્યાગીઓના મંડળમાં મુખ્ય વ્યક્તિ હોય તેમાં પ્રતિદિન બીજાઓને પ્રથમ જમાડી પછી પોતે જમવું, પંક્તિભેદ ક્યારેય ન કરવો.૧૩

મારા આશ્રિતોએ સર્વે એકાદશીને દિવસે તથા ભગવાન શ્રીકૃષ્ણના જન્માષ્ટમી આદિ પ્રાગટયના દિવસોએ તથા શિવરાત્રીને દિવસે અન્નનો આહાર કરવો નહિ.૧૪

વળી મારા આશ્રિતોએ મદ્ય, માંસ તથા તેનાથી મિશ્રિત ઔષધિ, ગાંજો, ભાંગ, તમાકુ વગેરે કેફી દ્રવ્યોનો સ્પર્શ પણ ક્યારેય ન કરવો, તો ભક્ષણ તો કેમ થઇ શકે ?.૧૫

શાસ્ત્રશ્રવણ શુદ્ધિ અને વાચન શુદ્ધિ - પરંબ્રહ્મ પરમાત્મા સર્વેશ્વર શ્રીકૃષ્ણના વરાહાદિ અવતારો, તેમના સ્વરૂપનું યથાર્થ જ્ઞાન અને આત્યંતિક કલ્યાણ કરનારી તેમની અનન્ય ભક્તિ જેમાં નિરૂપણ કરી હોય તેને જ સચ્છાસ્ત્ર જાણીને તેજ ભણવાં પરંતુ બીજાં ભણવાં નહિ.૧૬

ભગવાનના ભક્ત તથા ધર્મનિષ્ઠ એવા સદ્બુદ્ધિમાન વક્તાના મુખેથી સર્વે સત્શાસ્ત્રોનું શ્રવણ કરવું. પરંતુ ભક્તિએ રહિત અને અંતઃશત્રુઓથી બળેલા અંતરવાળા વક્તાના મુખેથી ક્યારેય પણ તે સત્શાસ્ત્રો સાંભળવાં નહિ.૧૭

હે ભક્તજનો ! ભલેને અધ્યાત્મજ્ઞાનનું પ્રતિપાદન કરનાર શાસ્ત્ર હોય પણ જો તેમાં ભગવાન શ્રીનારાયણની દિવ્યાકૃતિનું સદા સાકારપણે પ્રતિપાદન કર્યું ન હોય તો તેવાં અધ્યાત્મશાસ્ત્રનું પણ શ્રવણ કરવું નહિ.૧૮

સમાગમ શુદ્ધિ - હે ભક્તજનો ! બ્રહ્મચર્યાદિ કે પતિવ્રતાદિ સર્વ પ્રકારના નિયમોનું પાલન કરનારી અને બ્રહ્મસ્થિતિને પામેલી નારી હોય છતાં પણ તેમના મુખેથી પુરુષોએ જ્ઞાનવાર્તા સાંભળવી નહિ.૧૯

ભગવાન તથા તેમના ભક્તોના યશનું ભક્તિભાવ પૂર્વક સદાય ગાન કરવું અને સાંભળવું. તથા સર્વકાળે શાસ્ત્રોક્ત લક્ષણ સંપન્ન સંતોનો સમાગમ કરવો. પરંતુ ભગવાનનો ભક્ત ન હોય તેવા પુરુષનો સમાગમ કરવો નહિ.૨૦

સર્વે સંતોની આગળ દાસની પેઠે નિર્માનીપણે વર્તવું અને તેઓએ કહેલ તેમજ પોતાને માટે હિતકારી વચનો એકાગ્રમનથી ધારણ કરવાં.૨૧

હે ભક્તજનો ! પ્રયોજન વિના વૃથાવાદ ન કરવો. ગ્રામ્યકથા ક્યારેય ન સાંભળવી અને ન કરવી. અપશબ્દો પણ ક્યારેય બોલવા નહિ. આપત્કાળ વિના અસત્યવચન પણ બોલવું નહિ.૨૨

જે ભગવાનના સંતો-ભક્તોના સમાગમથી પોતાના બ્રહ્મચર્યાદિ વ્રતનો તથા નિયમોની દૃઢતા થાય અને ભગવાનમાં અતિશય સ્નેહની વૃદ્ધિ થાય તેવા પુરુષોનો સમાગમ ક્યારેય પણ છોડવો નહિ.૨૩

ભલે ને કોઇ સમાધિનિષ્ઠ સ્થિતપજ્ઞા સ્થિતિને પામ્યો હોય, પરંતુ ભગવાનના ભક્તોનો સમાગમ જો છોડી દે, તો તે પુરુષ અવશ્ય કામ, ક્રોધ અને લોભાદિ અંતઃશત્રુઓ થકી પરાભવ પામી પોતાના કલ્યાણના માર્ગમાંથી ભ્રષ્ટ થઇ જાય છે, એમાં કોઇ સંશય નથી.૨૪

તથા સત્પુરુષનો સમાગમ કરતાં આલોકમાં જો કોઇ પણ દુર્જન પુરુષ નિંદા કરે તો પણ ક્યારેય મનથી પણ ક્ષોભ પામવું નહિ. દુર્જનોએ કરેલી નિંદાને નહિ ગણીને પોતાના કલ્યાણનું કામ ઉત્સાહપૂર્વક કરતા રહેવું.૨૫

હે ભક્તો ! સ્વતંત્રપણે વર્તતા અને પોતાના વ્રતમાંથી ચ્યુત થઇ ગયેલા વૈષ્ણવોનો પણ ક્યારેય સમાગમ કરવો નહિ. તથા આલોકમાં પાપી પુરુષોનો પણ સંગ ક્યારેય ન કરવો.૨૬

તેમજ બ્રહ્મરૂપ પોતાના આત્માનો સાક્ષાત્કાર થયો હોય અથવા બ્રહ્મની સાથે એકાત્મભાવને પામ્યો હોય છતાં જો તે ભગવાનના નિત્યસિદ્ધ દિવ્ય સુંદર આકારનું ખંડન કરતો હોય તથા ભગવાનના અવતારોમાં શ્રદ્ધારહિત હોય અર્થાત્ ભગવાન પૃથ્વી ઉપર અવતરે છે, એવો જેને વિશ્વાસ જ ન હોય તેવા પુરુષોનો દૂરથી જ ત્યાગ કરી દેવો.૨૭

હે ભક્તજનો ! જે પુરુષ બહારથી ઉત્તમ ઊર્ધ્વપુંડ્ર તિલકાદિ મારા સંપ્રદાયનાં ચિહ્નો ધારણ કરતો હોય અને અંદરથી એટલે કે છૂપીરીતે સત્શાસ્ત્ર નિષિદ્ધ સ્ત્રી ધનાદિકમાં આસક્ત હોય, તેવા પુરુષનો પણ દૂરથી જ ત્યાગ કરવો.૨૮

મારા આશ્રિતોએ દેવતાઓને પણ દુર્લભ એવા મનન, સમન, ઇન્દ્રિયોનું દમન, ગ્રામ્ય સુખોમાંથી વિરામ, તિતિક્ષા અને આસ્તિકતા આદિ અનેક સદ્ગુણોથી સંપન્ન થવું.૨૯

હે ભક્તજનો ! પોતાના આત્મસ્વરૂપનો કે પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર થયો હોય છતાં પણ અભિમાનમાં આવી મારા આશ્રિતોએ શબ્દાદિ પંચ વિષયોમાં ક્યારેય પણ લોભાવું નહિ.૩૦

પૂર્વેના યોગસિદ્ધિને પામેલા મોટા પુરુષોએ જે ધર્માચરણ કર્યું હોય તેનું ગ્રહણ કરવું પણ તેણે જે અધર્માચરણ કર્યું હોય તેનો સ્વીકાર કરવો નહિ. અર્થાત્ તે પ્રમાણે વર્તવું નહિ.૩૧

બ્રહ્મચર્ય આદિ મુખ્ય સાધન વિના પણ ભક્તિ છે તે તત્કાળ મહાફળને આપે છે, આવી રીતનો જો કોઇ ઉપદેશ કરતો હોય તો તેવા પુરુષનો અને તેણે બતાવેલી ભક્તિનો પણ તત્કાળ ત્યાગ કરી દેવો. પરંતુ પોતાના બ્રહ્મચર્યાદિ નિયમોનો ત્યાગ ન કરવો.૩૨-૩૩

હે ભક્તજનો ! સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય આ ત્રણે અનુક્રમે ભક્તિના મસ્તક, હૃદય અને ચરણ રૂપ અંગો છે. તેને યથાર્થ જાણી રાખવાં.૩૪

તેમજ જે પુરુષ પ્રથમ ધર્મપાલનની પ્રતિજ્ઞા કરે અને પછી પાળતો નથી તેને ચાંડાલ જાણવો અને તેવા પ્રકારની સ્ત્રીને ચાંડાલી જાણવી.૩૫

સર્વે મારા આશ્રિત ભક્તજનોએ કામ, ક્રોધ અને લોભ આદિ અંતઃશત્રુઓને આધીન ન થવું પરંતુ તેને નરકનાં દ્વાર જાણી ચેતતા રહેવું.૩૬

હે ભક્તજનો ! જે પુરુષ તીવ્ર વૈરાગ્યને પામ્યો હોય, જ્ઞાનવાન અને ધર્મવાન હોય, તથા પ્રેમથી શ્રીકૃષ્ણ ભગવાનની ભક્તિ કરતો હોય તો તેવો પુરુષ ગુરુની પેઠે સેવવા યોગ્ય છે.૩૭

મનોહર એવા ગોલોક, વૈકુંઠ, શ્વેતદ્વીપ અને બ્રહ્મપુર ધામમાં જે અનુપમ સુખ સંપત્તિઆદિ ઐશ્વર્ય રહેલું છે તેનું વારંવાર શ્રવણ કરવું, અને બીજાને કરાવવું. અને તે ધામને વિષે જે પરબ્રહ્મ પરમાત્મા પોતાના પાર્ષદોની સાથે વિરાજે છે તથા તે તે ધામોમાં રાધા આદિક ભગવાનની શક્તિઓ અને મુક્તજનો રહ્યા છે. તે સર્વેનું પોતાના હૃદયકમળમાં નિરંતર ચિંતવન કર્યા કરવું. તેમનાં ચિંતવનથી અંતકાળે પણ ભગવાનનું સ્મરણ થઇ આવે છે, તેથી આ જીવાત્માની મુક્તિ થાય છે.૩૮-૪૦

આલોકમાં બ્રહ્મસ્થિતિને પામેલા જ્ઞાની પુરુષોએ પણ શુકદેવજીની પેઠે નિરંતર શ્રીકૃષ્ણ ભગવાનની શ્રવણાદિ નવધા ભક્તિ કર્યા કરવી.૪૧

હે ભક્તજનો ! સત્પુરુષોના પતિ ભગવાન શ્રીકૃષ્ણનું ચરણોદક તથા નિવેદિત અન્નનો પ્રસાદ ગ્રહણ કરવાનું જે કહ્યું છે તે પોતાની જાતિ અને ધર્મને અનુસારે જ ગ્રહણ કરવું. જાતિ અને ધર્મને બાધ આવે તેવા ચરણોદક કે પ્રસાદનું ગ્રહણ ન કરવું.૪૨

''મને ચરણોદક કે નૈવેદ્ય આપો'' એવી યાચના નહિ કરનાર ભગવાનના ભક્તને પણ ચરણોદક કે પ્રસાદ આપવો નહિ. તથા અભક્ત યાચના કરે છતાં પણ આપવો નહિ. પરંતુ ભક્તિભાવપૂર્વક યાચના કરનાર માત્ર ભક્તનેજ આપવો.૪૩

હે ભક્તજનો ! ભગવાનના ગરીબ ભક્તોનું ક્યારેય પણ અપમાન ન કરવું, કારણ કે અપમાન કરનારને મોટો જન્મ-મરણરૂપ ભય ઉત્પન્ન થાય છે. જેવી રીતે ભગવાનની સેવા કરવામાં આવે છે, તેવી જ રીતે રોગાર્ત ભક્તની પણ સેવા કરવી. તેમની રુચિને અનુસાર ભોજન આદિક અર્પણ કરવાં.૪૪-૪૫

હે ભક્તજનો ! મોટા સંતપુરુષોની આગળ પોતાના દોષ સ્પષ્ટ કહી દેવા અને પોતાના મુખેથી પોતાના ગુણોની પ્રશંસા ન કરવી.૪૬

મારા આશ્રિત ભક્તોએ દેવ, ગુરુ, રાજા તથા ભક્તજનની આગળ પગ લાંબા કરીને બેસવું નહિ. તેવી જ રીતે સભામાં પણ પગ લાંબા કરીને ન બેસવું.૪૭

તેઓની આગળ વિચારીને સત્ય અને પ્રિય વાણી બોલવી પણ તે તેઓના રહસ્યની વાત કાંઇ પણ હોય તેનું પ્રકાશન કોઇની આગળ ન કરવું.૪૮

હે ભક્તજનો ! કોઇ પણ પ્રાણીનો દ્રોહ ન કરવો. સર્વ પ્રકારે ચોરી ન કરવી, ધર્મને માટે પણ નહિ. પરનું હિત થાય એવું જ સત્ય ભાષણ કરવું.૪૯

વર્ણસંકરતા ઉત્પન્ન થાય તેવું કોઇ પણ કર્મ ન કરવું. પોતાની કે પારકાની હિંસા ન કરવી. બીજાને ઉદ્વેગ થાય તેવું કે ભય ઉપજાવે તેવું વચન ન બોલવું. તથા કોઇ પણ વ્યક્તિ ઉપર મિથ્યાપવાદનું આરોપણ ન કરવું.૫૦

મારા આશ્રિત ભક્તજનોએ પોતાના આચાર્યને આવતા સાંભળી ગામની ભાગોળે સામા જવું, અને જ્યારે ગામથી પાછા પધારે ત્યારે ગામની ભાગોળ સુધી તેમને વળાવવા પાછળ જવું.૫૧

નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતથી શોભતા વૈષ્ણવ ભક્તની નજર સામે જ અન્ય કોઇ પણ જનની સાથે ઇર્ષ્યા ન કરવી. કોઇનું અપમાન ન કરવું. તેમજ કોઇની સામે ગાળો ન બોલવી.૫૨

ભગવાનના એકાંતિક ભક્ત એવા ત્યાગી કે ગૃહસ્થ જનોના અને બીજા રાજ્યાધિકાર કે વિદ્યાદિ ગુણોથી ઉચ્ચપદને પામેલા મહાપુરુષોના કે અન્ય કોઇ પણ જનોના જે ગુણો હોય તેના ઉત્કર્ષની સભામાં વાત કરવી પણ તેના દોષ સભામાં કહેવા નહિ.૫૩

બ્રાહ્મણો ભગવાનને અતિશય પ્રિય છે એમ જાણી તેમને સદાય માન આપવું. દૂરથી દેવમંદિરનાં દર્શન થતાં બે હાથ જોડી નમસ્કાર કરવા.૫૪

હે ભક્તજનો ! મારા આશ્રિતોએ ક્યારેય પણ નાસ્તિકના સ્થાનોમાં પ્રવેશ કરવો નહિ. અને તેમના આચાર્ય સાથે ચર્ચા કરવી નહિ તથા તેમના ગ્રંથોનું શ્રવણ કે વાચન કરવું નહિ.૫૫

આ પ્રમાણે મારા આશ્રિત એવા ત્યાગી અને ગૃહસ્થોના સાધારણ ધર્મો મેં તમને કહ્યા. હવે પછી સર્વેના વિશેષ ધર્મો કહું છું.૫૬

ત્યાગાશ્રમના વિશેષધર્મ - હે ભક્તજનો ! મારા આશ્રિત બ્રહ્મચારીઓએ વેદપાઠ કરવો અને ગુરુની સેવા કરવી, તેમજ વાનપ્રસ્થીએ તપશ્ચર્યા કરવી અને પ્રાણીઓની હિંસા રહિતના યજ્ઞો કરવા.૫૭

તેમજ સંન્યાસીઓએ સાવધાનીપૂર્વક પદાર્થોનો પરિગ્રહ ન કરવો, વિષ્ણુભગવાનનું પૂજન અને ઁ કારનો નિત્યે જાપ કરવો.૫૮

ગૃહસ્થ સિવાયના મારા આશ્રિત બ્રહ્મચારી, વાનપ્રસ્થ અને સંન્યાસીએ તથા અચ્યુતગોત્રી એવા ત્યાગી સાધુએ સુવર્ણ, ચાંદી આદિ ધનનો સર્વપ્રકારે ત્યાગ રાખવો.૫૯

ગૃહસ્થ સિવાયના ઉપરોક્ત સર્વએ અષ્ટપ્રકારે સ્ત્રીઓનો ત્યાગ રાખવો. દેવતાઓની પ્રતિમા વિનાની ધાતુ, પાષાણ કે ચિત્રની સ્ત્રીઓની પ્રતિમાને ક્યારેય જોવી નહિ, પોતાને હાથે તેનું નિર્માણ પણ કરવું નહિ, તથા તેનો સ્પર્શ પણ કરવો નહિ.૬૦

માર્ગમાં ચાલતાં સ્ત્રીઓથી ચારહાથ દૂર ચાલવું, પરંતુ ભગવાનના મહોત્સવને વિષે ભેળા થયેલા જનસમુદાયથી ભરપૂર માર્ગમાં માત્ર સ્ત્રીઓના સ્પર્શ થકી પોતાના શરીરનું રક્ષણ કરવું.૬૧

જે સ્થળમાં સ્ત્રીઓની સ્નાનાદિક ક્રિયા થતી હોય તે સ્થળમાં તે ક્રિયા કરવા મારા આશ્રિત નૈષ્ઠિક બ્રહ્મચારી આદિ સર્વેને જવું નહિ.૬૨

તથા પોતાને જ્યાં રાત્રી-નિવાસ કરવાનો હોય તે ઘર અને જેમાં સ્ત્રીઓ રહે છે તેવા બીજા ઘરની વચ્ચે એક જ દિવાલનું આડું હોય તો તેવા ઘરમાં પણ આપત્કાળ પડયા વિના બ્રહ્મચારી આદિએ શયન કરવું નહિ.૬૩

તેમજ શ્રીકૃષ્ણ ભગવાનના સ્ત્રી ભક્તોએ પૂજેલા વિષ્ણુ ભગવાનનાં દર્શન કરવા નૈષ્ઠિકબ્રહ્મચારી આદિ ત્યાગીઓએ ક્યારેય પણ ન જવું.૬૪

હે ભક્તજનો ! મારા આશ્રિત ત્યાગીઓએ ભિક્ષા અથવા સભાના પ્રસંગ વિના ગૃહસ્થના ઘર પ્રત્યે ક્યારેય જવું નહિ, તથા ક્યારેય પણ કોઇ જગ્યાએ એકલા જવું નહિ અને રોગાદિ આપત્કાળ પડયા વિના ખાટલા ઉપર શયન કરવું નહિ, વળી આપત્કાળ પડયા વિના ક્યારેય પણ રાત્રીને વિષે માર્ગમાં ચાલવું નહિ. રાત્રીના સમયે પોતાના નિવાસસ્થાન થકી પણ બહાર જવું નહિ.૬૫-૬૭

અને આપત્કાળમાં પણ બ્રહ્મચર્યવ્રત સિવાયના બીજા ધર્મોનો આપત્કાળ ધર્મ તરીકે સ્વીકાર કરવો પરંતુ પ્રાણનો ત્યાગ થઇ જાય ત્યાં સુધીનો આપત્કાળ આવી પડે છતાં પણ આઠમું બ્રહ્મચર્યવ્રત તો ક્યારેય પણ છોડવું નહિ.૬૮

મારા આશ્રિત બ્રહ્મવેત્તા ત્યાગી પુરુષોએ ઋષભદેવના પુત્ર જડ-ભરતની પેઠે માનનો ત્યાગ કરવો, અને દેહાસક્તિનો પણ ત્યાગ કરવો.૬૯

નિવૃત્તિ ધર્મપરાયણ નૈષ્ઠિક બ્રહ્મચારી આદિ સર્વએ પોતાના ઇષ્ટદેવ ભગવાનનું અને પોતાના ગુરુનું પણ પ્રવૃત્તિમાર્ગ પ્રધાન વચન ક્યારેય સ્વીકારવું નહિ.૭૦

વિધવાનારીના વિશેષધર્મ - હે ભક્તજનો ! (હવે હું તમને વિધવા સ્ત્રીઓના વિશેષ ધર્મ કહું છું.) મારે આશ્રિત વિધવા નારીઓએ ચાતુર્માસમાં ધારણાપારણા આદિ વિશેષ વ્રતો પાલન કરવાનું સત્શાસ્ત્રોમાં વિધાન છે. તો તેઓએ તે વ્રતોનું અવશ્ય પાલન કરવું.૭૧

તેમજ અસ્ખલિત અષ્ટપ્રકારનું બ્રહ્મચર્યવ્રત પાળવું, તથા દેવતાઓની પ્રતિમા વિના પુરુષોની પ્રતિમાનો સ્પર્શ પણ ન કરવો, અને પોતાના શરીર નિર્વાહમાં માત્ર ઉપયોગી ધન હોય તો તે ધન ધર્મકાર્યને અર્થે પણ ન વાપરવું, એવી મારી આજ્ઞા છે.૭૨-૭૩

સમસ્ત નારીઓના વિશેષધર્મ - હે ભક્તજનો ! બાળક, યુવાન, વૃદ્ધ તથા સધવા અને વિધવા સ્ત્રીઓએ સ્વતંત્ર થવું નહિ, પરંતુ પોતાના પિતા, ભાઇ, પતિ કે પુત્રને આધીન વર્તવું, અને સર્વે સધવા કે વિધવા નારીઓએ પોતાના સમીપ સંબંધી પુરુષોના સંઘાથ વિના સ્વતંત્રપણે એકલા તીર્થયાત્રા કરવા પણ ક્યારેય જવું નહિ.૭૪-૭૫

સધવા નારીઓના વિશેષધર્મ - હે ભક્તજનો ! મારે આશ્રિત સુવાસિની નારીઓએ પોતાનો પતિ અંધ હોય, રોગી હોય કે વૃદ્ધ હોય છતાં પણ તેની ઇશ્વરની પેઠે સેવા કરવી, ઇન્દ્રિયોની ચંચળતાનો ત્યાગ કરવો, અને સદાય પોતાના શીલવ્રતનું રક્ષણ કરવું, સસરા કે પિતાના કુળને ક્યારેય પણ લાંછન ન લગાડવું.૭૬-૭૭

ગૃહસ્થના વિશેષધર્મ - હે ભક્તજનો ! મારે આશ્રિત ગૃહસ્થજનોએ પોતાની પરણેલી પત્ની સિવાયની સ્ત્રીઓને પોતાની માતા તુલ્ય જાણવી, તેમજ પોતાના સંબંધવાળી સ્ત્રીઓના મધ્યે પણ વાર્તાલાપ આદિ વ્યવહાર જરૂર પૂરતો જ કરવો.૭૮

તેમજ ગૃહસ્થજનોએ પોતાના નજીકના સંબંધીજનોની સ્ત્રીની આગળ પણ યથાસમયે તેમનાથી દૂર બેસીને જ ભગવાનની કથા-વાર્તા કરવી, પણ ગમે ત્યારે ગમે ત્યાં સ્ત્રીઓની આગળ બેસીને કથા-વાર્તા કરવી નહિ.૭૯

વળી ગૃહસ્થાશ્રમી પુરુષોએ આપત્કાળ પડયા વિના પોતાની માતા, બહેન અને દિકરીની સાથે પણ એકાંત સ્થળમાં ન રહેવું, તેમજ જાણી જોઇને પોતાની સમીપ સંબંધી વિનાની વિધવા સ્ત્રીઓનો આપત્કાળ પડયા વિના સ્પર્શ ન કરવો.૮૦-૮૧

ગૃહસ્થના પંચમહાયજ્ઞો :-- હે ભક્તજનો ! મારા આશ્રિત ગૃહસ્થ ભક્તોએ નિત્યે પંચ મહાયજ્ઞો કરવા. તે ભૂતયજ્ઞા, પિતૃયજ્ઞા, દેવયજ્ઞા, બ્રહ્મયજ્ઞા અને મનુષ્યયજ્ઞા દરરોજ અવશ્ય કરવા, તથા ભાવપૂર્વક સંતોનું પૂજન કરવું, અને શક્તિ પ્રમાણે સત્પાત્રમાં દાન કરવું.૮૨

દાનનું લક્ષણ એ છે કે, માન, ઇર્ષ્યા, દંભ અને ક્રોધ રહિત થઇ પોતાની પત્ની સિવાય પોતાને અતિશય પ્રિય પદાર્થોનું સત્પાત્રમાં અર્પણ કરવું, તેનું નામ દાન છે એમ તમે જાણો.૮૩

તેમાં પણ ધનાઢય ગૃહસ્થજનોએ અહિંસામય યજ્ઞો કરવા તથા વાવ, કૂવા, તળાવ આદિનાં નિર્માણરૂપ પૂર્તકર્મ કરવું, તેમજ પુણ્યક્ષેત્રમાં દાન આપવું અને બ્રાહ્મણોને જમાડી તૃપ્ત કરવા.૮૪

રાજાઓના વિશેષધર્મ :-- હે ભક્તજનો ! મારા આશ્રિત રાજાઓએ પ્રાણીનો વધ કર્યા વિના સામ, દામ, ભેદ અને દંડ આ ચાર પ્રકારના ઉપાયોથી રાજનીતિને અનુસારે પોતાના કાર્યની સિદ્ધિ કરવી અને જે રાજધર્મમાં પ્રાણીવધ કરવાનું કહેલું છે તે યુદ્ધ સિવાય અન્યત્ર ક્યારેય પણ ગ્રહણ કરવું નહિ. પિતાની જેમ પુત્રવત્ પ્રજાનું પાલન કરવું.૮૫-૮૬

હે ભક્તજનો ! બ્રાહ્મમુહૂર્તમાં ઉઠવાથી કરીને અત્યાર સુધી જે જે નિયમો બતાવ્યા તેમાંથી જે જે નિયમનો ભંગ થાય તેનું યથોચિત પ્રાયશ્ચિત કરવું.૮૭

હે ભક્તજનો ! મેં કહેલા જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત અને દંભે રહિત થઇ પોતાના અધિકારને અનુસારે અનુષ્ઠાન કરેલા પૂર્વોક્ત ધર્મના માધ્યમથી, ભગવાન અને ભગવાનના ભક્તોની ભાવપૂર્વક નિષ્કપટભાવે સેવા કરવાથી, જીવપ્રાણી માત્ર ઉપર દયા કરવાથી લોભાદિ દોષોનો ત્યાગ કરવાથી, અને જે કોઇ પણ મનુષ્યને ભગવાનનો આશરો કરાવી ભગવાન સન્મુખ કરવાથી ભગવાન તત્કાળ પ્રસન્ન થાય છે. એમાં કોઇ જાતનો સંશય નથી.૮૮-૯૦

મનુષ્યજન્મની અતિદુર્લભતા :-- હે ભક્તજનો ! જે જીવાત્માઓ દુર્લભ મનુષ્યદેહ પ્રાપ્ત કરી સત્પુરુષોના ઉપદેશથી શ્રીહરિની સન્મુખ થાય છે તે ભવસાગરને તરી જાય છે અને ભગવાનના ધામને પામે છે. વિચક્ષણ પુરુષોએ આ મનુષ્યશરીર છે તે ચિંતામણિતુલ્ય છે એમ જાણવું. કારણ કે આ માનવ શરીરદ્વારા સ્વર્ગ, મોક્ષ, અથવા બીજી જે કાંઇ પોતે ઇચ્છેલી વસ્તુ પ્રાપ્ત થાય છે.૯૧-૯૨

આ માનવશરીર છે તે ભવસાગરને તરવા માટેની નૌકા છે. સદ્ગુરુ નાવિક છે, સ્વયં સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણ અનુકૂળ પવન છે. તો આવા મનુષ્યશરીરથી કયો પુરુષ મોક્ષરૂપ પરમ પુરુષાર્થની સિદ્ધિ ન કરે ? કારણ કે, વિષયસંબંધી સુખ તો સર્વે યોનિઓના દેહોમાં સામાન્યપણે રહેલું જ છે. તેથી વિવેકી મનુષ્યે માનવશરીરથી સ્વધર્માદિકનું પાલન કરી શ્રીહરિનું ભજન સ્મરણ કરી લેવું જોઇએ.૯૩-૯૪

તે પણ બુદ્ધિમાન પુરુષે તત્કાળ કરવું કારણ કે, કાળરૂપી અજગરના મુખમાં પડેલા ક્ષણભંગુર શરીરને પડતાં વાર લાગતી નથી. તેથી હરિભજનમાં વિલંબ ન કરવો. મોક્ષરૂપ પરમ પુરુષાર્થ તત્કાળ સાધી લેવો. આ માનવ શરીર દેવતાઓને પણ ઇચ્છવા યોગ્ય છે. જે જીવને માનવશરીરની પ્રાપ્તિ થઇ છે તે પરમાત્માની અપાર કરુણાનું ફળ છે. એમ વિચક્ષણ પુરુષોએ જાણી રાખવું.૯૫-૯૬

હે ભક્તજનો ! આવું દુર્લભ માનવ શરીરને પ્રાપ્ત કરવા છતાં જે પુરુષો ભગવાનની ભક્તિ કરવામાં તથા નિયમપૂર્વક ધર્મપાલન કરવામાં કળિયુગાદિનાં બહાને કે પોતાનાં પ્રારબ્ધનાં બહાને અથવા તો ભગવાનની કૃપા ન હોવાનો હેતુ આગળ ધરીને ભગવાનની ભક્તિ કરતા નથી એવા પુરુષ પ્રયત્નહીન મૂઢ પુરુષોને અસંખ્ય જન્મો પછી પણ તેને ભગવાન શ્રીહરિની પ્રાપ્તિ થતી નથી. અને જન્મ મરણના પ્રવાહરૂપ સંસારમાં ભમ્યા કરે છે.૯૭-૯૮

તેથી મારા આશ્રિત તમે સર્વેએ નિરંતર શ્રદ્ધાપૂર્વક પોતપોતાના ધર્મમાં રહીને ઉત્સાહથી ભગવાનની ભક્તિ કરવી, સ્નાન, ધ્યાન, પૂજા, જપ, ગુણકીર્તન અને સત્સંગ આ છ પ્રકારનાં કર્મોનું અનુષ્ઠાન મારા આશ્રિતજનોએ પ્રતિદિન અવશ્ય કરવું. હે મારા શ્રેષ્ઠ ભક્તજનો ! જ્યાં સુધી તમને તમારા દેહની સ્મૃતિ હોય ત્યાં સુધી મેં કહેલા પોતાના ધર્મોનો ક્યારેયપણ ત્યાગ ન કરવો, પરંતુ તેનું અવશ્ય પાલન કરવું એવી તમને મારી આજ્ઞા છે.૯૯-૧૦૧

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! પ્રત્યક્ષ જગદ્ગુરુ ભગવાન શ્રીહરિની સર્વશાસ્ત્રસમંત અમૃતવાણીનું શ્રવણ કરી મુકુન્દાનંદાદિ સર્વે ભક્તજનો ખૂબ જ આનંદને પામ્યા અને શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સંતોના સ્વામી ! અમે સર્વે તમે કહ્યું એ જ પ્રમાણે વર્તન કરીશું. આ પ્રમાણે કહી તે સર્વે ભક્તજનોએ ભગવાન શ્રીહરિને પરમ પ્રીતિથી વંદન કરી, શ્રીહરિને જ સાક્ષાત્ શ્રીકૃષ્ણ જાણીને અચળપણે તેમનો દૃઢ આશરો કરી, તેમની આજ્ઞાનું પાલન કરતા તેમનું જ સર્વભાવે ભજન સ્મરણ કરવા લાગ્યા.૧૦૨-૧૦૪

નારાયણગીતાની ફલશ્રુતિ :-- હે રાજન્ ! ભગવાન શ્રીનારાયણમુનિના મુખે ગવાયેલી અને જનોનું આત્યંતિક કલ્યાણ કરનારી આ ''નારાયણગીતા'' નો જે કોઇ પાઠ કરશે અથવા સાંભળશે, તે પુરુષ પોતાને ઇચ્છિત સુખને પ્રાપ્ત કરશે.૧૦૫

સર્વેના મનોરથને પૂર્ણ કરનારી મહાકલ્પતરુની સમાન આ નારાયણગીતાનું પોતાના સ્વાર્થની સિદ્ધિને અર્થે સર્વે પ્રકારે સેવન કરવું.૧૦૬

આ નારાયણગીતા સર્વશાસ્ત્ર કરતાં પણ અતિ ગૌરવવંતી છે. કારણ કે, સ્વયં સાક્ષાત્ શ્રીનારાયણ ભગવાનના મુખકમળમાંથી પ્રગટેલી છે.૧૦૭

હે રાજન્ ! આ પૃથ્વી ઉપર જે જનો શ્રીનારાયણના મુખે કહેવાયેલા સનાતન સ્વધર્મનું પોતાના અધિકારને અનુસારે સતત આચરણ કરે છે. તે જ મનુષ્યોએ માનવ જન્મનું ફળ પ્રાપ્ત કર્યું છે એમ જાણવું.૧૦૫-૧૦૮

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં શ્રીનારાયણગીતાનું નિરૂપણ કર્યું એ નામે સાતમો અધ્યાય પૂર્ણ થયો. --૭--