અધ્યાય - ૧૦ - મયારામ વિપ્રે શ્રીહરિને ભક્તિની નિર્વિઘ્ન સિદ્ધિ માટે પૂછેલા પ્રશ્નનો સવિસ્તર ઉત્તર.
મયારામ વિપ્રે શ્રીહરિને ભક્તિની નિર્વિઘ્ન સિદ્ધિ માટે પૂછેલા પ્રશ્નનો સવિસ્તર ઉત્તર. સપરિવાર અધર્મસર્ગ. સપરિવાર ધર્મસર્ગની ઉત્પત્તિ . પાંચ મુખ્યદોષો. પાંચ દોષોથી પરાભૂત વ્યક્તિવિશેષો .
મયારામ વિપ્ર કહે છે, હે ભગવાન શ્રીનારાયણમુનિ ! તમે કરુણાના સાગર છો, સમુદ્ર પર્યંત ફેલાયેલો તમારો પ્રતાપ સમગ્ર આશ્રિત જીવોના ત્રિવિધ તાપનું શમન કરે છે. તમે આનંદમૂર્તિ છો, સદાય શુદ્ધ સ્વરૂપ આપ ભક્તોને સુખ આપનારાં પવિત્ર ચરિત્રોનો વિસ્તાર કરો છો. તેમજ અમારા ગુરુસ્થાને વિરાજતા હે નારાયણ ! તમારો એક ભક્ત મયારામ વિપ્ર હું આપને કાયા, મન, વાણીથી નમસ્કાર કરું છું.૧
હે હરિ ! હે સર્વજ્ઞા ! હે ભગવાન્ ! હે ભક્તજનોના કલ્પવૃક્ષ ! હે સર્વજીવપ્રાણીમાત્રના કલ્યાણને માટે મનુષ્ય શરીરને ધારણ કરનારા ! પ્રભુ ! તમારી જ એક ભક્તિ આ પૃથ્વી પર સર્વ જીવપ્રાણીમાત્રનું સર્વ પ્રકારે કલ્યાણ કરનારી છે. એમ હું તમારી કૃપાથી નિશ્ચય જાણું છું. હે મહારાજ ! તે ભક્તિનું પોષણ જે ઉપાયથી વધુ ને વધુ થાય અને છેલ્લે ઇચ્છિત ફળરૂપ આત્યંતિક મોક્ષને આપનારી થાય તેવી રીતનો કોઇ ઉપાય હોય તો તે મને કૃપા કરીને યથાર્થ કહો.૨-૪
ભક્તિની પરિપૂર્ણ સિદ્ધિને ઇચ્છતા મયારામ વિપ્રે આ પ્રમાણે જ્યારે પૂછયું ત્યારે નારાયણમુનિ કહેવા લાગ્યા કે, હે વિપ્ર ! જે ભક્તિ કોઇ પણ પ્રકારનાં વિઘ્નોથી જો પરાભવ ન પામે તોજ તે ભક્તિ વૃદ્ધિ પામતી તત્કાળ ઇચ્છિત ફળને આપનારી થાય છે.૫
પરંતુ હે વિપ્ર ! તે ભક્તિમાં અધર્મસર્ગ છે તે મહા વિઘ્નરૂપ છે. તેમ છતાં તેને ધર્મસર્ગથી પ્રયત્નપૂર્વક જીતી શકાય છે. સર્વનું અનર્થ કરનારો દંભાદિક દોષરૂપ અધર્મસર્ગ છે તે આસુરી સંપત્તિની પેદાશ છે. જ્યારે સર્વેને શાંતિ આપનારો જ્ઞાન, વૈરાગ્યાદિક ગુણોરૂપ ધર્મસર્ગ છે તે દૈવી સંપત્તિનો પરિવાર છે, એમ સત્શાસ્ત્રને જાણનારાઓ કહે છે.૬-૭
માટે હે વિપ્રવર્ય ! અધર્મ સર્ગને જીતવામાં આવે તો જ વૃદ્ધિ પામેલી ભક્તિ ઇચ્છિત ફળને આપનારી થાય છે. તેથી ધર્મસર્ગનો આશ્રય કરી અધર્મસર્ગ ઉપર વિજય મેળવવો અને પછી જ કરવામાં આવતી ભક્તિ ફળીભૂત થાય છે.૮
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીહરિના મુખકમળમાંથી નીકળતાં વચનામૃતોનું પાન કરી પ્રસન્ન થયેલા મયારામ વિપ્ર સર્વપ્રકારના સંશયોને નાશ કરનાર શ્રીસહજાનંદ સ્વામીને ફરી પૂછવા લાગ્યા કે હે મુનિપતિ ! આ બન્ને સર્ગની ઉત્પત્તિ અને તે સર્વેનાં જુદાં જુદાં નામ જાણવાની મને ઇચ્છા છે. તો તમો મને જુદીજુદી વિગતિ પાડીને કહી સંભળાવો.૯-૧૦
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ધર્મપ્રિય મયારામ વિપ્ર આ પ્રમાણે જ્યારે સભામાં શ્રીહરિને ફરી પૂછયું ત્યારે ભગવાન શ્રીહરિ ભક્તજનોના મનને હરનારી મધુર વાણી બોલવા લાગ્યા.૧૧
શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ ! પૂર્વે વૈરાટપુરુષની નાભિકમળમાંથી બ્રહ્માજી પ્રગટ થયા, તેમણે વૈરાજપુરુષની એકાત્મભાવે ધારણા કરી આ જગતસૃષ્ટિનો પ્રારંભ કર્યો. તેમાં બ્રહ્માજીએ દેવતા, દૈત્ય, મનુષ્ય, સર્પ, પશુ, પક્ષી આદિ સ્થાવર જંગમ સમગ્ર સૃષ્ટિનું પૂર્વ કલ્પમાં જેવી હતી જેવી જ રીતે પુનઃ સર્જન કર્યું.૧૨-૧૩
તે સમયે બ્રહ્માજીના પૃષ્ઠ ભાગમાંથી અવિદ્યારૂપ અધર્મસર્ગનું સર્જન થયું. ત્યારપછી તે વૃદ્ધિ પામેલો અધર્મસર્ગ પોતાના વિશાળ પરિવારની સાથે સમસ્ત લોકસમુદાયમાં પ્રવેશ કરીને નિવાસ કરવા લાગ્યો. જનોને વારંવાર જન્મમૃત્યુને આપનારો, ભવસાગરની ભવાટવીમાં ભમાવનારો, નરકમાં નાખનારો એવો એ અધર્મસર્ગ મનુષ્યોને ખૂબજ દુઃખ આપવા લાગ્યો.૧૪-૧૫
સપરિવાર અધર્મસર્ગ :-- હે વિપ્રવર્ય ! તે અધર્મ સર્ગની પત્નીઓ મૃષા, અસૂયા, ચિંતા, ઇર્ષ્યા, તૃષ્ણા, આશા અને મમતા વિગેરે મહામોટી શક્તિઓ છે. આત્મબળ રહિત પુરુષોથી આ શક્તિઓ જીતી શકાય તેવી નથી. તેમજ તેનો પુત્ર પરિવાર પણ બહુ મોટો છે. દંભ, લોભ, મત્સર, કામ, ક્રોધ, રસ, મદ, દર્પ, મોહ, પારુષ્ય, સ્નેહ, નિર્દયતા, માન, અનૃત, કલિ, દ્રોહ, અપવિત્રતા, અવિશ્વાસ, ચોરી, મદ્યપાન, નિર્દયપણું, દ્યુત, ગર્વ, નાસ્તિક્ય, પ્રમાદ, પૈશુન, સ્પૃહા, રાગ, દ્વેષ, ભય, દુઃખ, અજ્ઞાન, વ્યસન, દુરુક્તિ, નિકૃતિ, હિંસા, પાપ, મૃત્યુ, યાતના વિગેરે આ બધો અધર્મસર્ગનો વંશ છે. તેમાં પ્રધાનપણે જેઓ હતા તેનું વર્ણન મેં તમારી આગળ કર્યું, આ વંશ આસુરી મનુષ્યોને બહુપ્રિય લાગે છે. અને સત્પુરુષોને માટે સદાય ત્યાગ કરવા યોગ્ય છે.૧૬-૨૦
પૂર્વોક્ત અધર્મના પુત્રોમાં એક એક પુત્ર પિતા અધર્મની સમાન જ પ્રભાવશાળી અને પરાક્રમી છે. તેથી ભગવાન શ્રીહરિના ભક્તોએ તેમાંથી એકનો પણ સ્વીકાર ન કરવો. આ અધર્મવંશથી પીડાતી પોતાની પ્રજાને જોઇ પિતામહ બ્રહ્માજીને ચિંતા થઇ તેથી મનમાં પ્રજાનું હિત વિચારવા લાગ્યા. આ મારી સર્વ પ્રજાને મનોવાંચ્છિત સુખ કેવી રીતે પ્રાપ્ત થશે ? એમ વિચાર કરતા હતા ત્યાં તેમના હૃદયકમળમાં મહાન પ્રકાશ પ્રગટ થયો.૨૧-૨૩
સપરિવાર ધર્મસર્ગની ઉત્પત્તિ :-- હે વિપ્રવર્ય ! ત્યારપછી શુદ્ધ સત્ત્વમય થયેલા તે બ્રહ્માના પ્રકાશિત હૃદયકમળમાંથી ઋષિના જેવી આકૃતિવાળા સ્વયં ધર્મ પ્રગટ થયા. જે ધર્મને વિષે ભગવાન શ્રીનારાયણ સદાય નિવાસ કરીને રહેલા છે.૨૪
આ પ્રમાણે પ્રગટ થયેલા ધર્મનાં કમળ સમાન કોમળ ચરણ હતાં. કમળની સમાન રાતા બન્ને હસ્ત, અને પ્રફુલ્લિત મુખ હતું. કમળની પાંખડી સમાન લાંબાં વિશાળ નેત્રો હતાં, તેઓ શ્વેતમૂર્તિ હતા. શ્વેત વસ્ત્રો ધારણ કર્યાં હતાં, અને શ્વેત સુગંધીમાન પુષ્પોની માળા ધારણ કરી તેઓ શોભી રહ્યા હતા. પરિવારે સહિત અધર્મને જીતવામાં સમર્થ, મોક્ષ અને સ્વર્ગ આપનાર એવા આ વિદ્યાશક્તિ પ્રધાન ધર્મ પ્રજાને ખૂબજ સુખ આપવા લાગ્યા.૨૫-૨૬
હે વિપ્રવર્ય ! ધર્મસર્ગની પત્નિઓ શ્રદ્ધા, શાંતિ, દયા, મેધા, તૃષ્ટિ, ગતિ, મૈત્રી, તિતિક્ષા, લજ્જા, બુદ્ધિ, મૂર્તિ, ક્રિયા, ઉન્નતિ વગેરે શક્તિઓ છે. તેઓ ધર્મની સેવામાં સદાય તત્પર રહે છે, હવે તેમના પુત્રોમાં મુખ્ય મુખ્યનાં નામ તમને કહું છું. જ્ઞાન, વૈરાગ્ય, ઐશ્વર્ય, અભય, આર્જવ, તપ, સત્ય, શૌચ, સુખ, ક્ષેમ, સ્થૈર્ય, ધૈર્ય, માર્દવ, સંતોષ, નિગ્રહ, ત્યાગ, યોગ, યજ્ઞા, શમ, દમ, ઉપાસના, ઉપરતિ, આસ્તિક્તા, ક્ષમા, સ્મૃતિ, તેજ, પ્રસાદ, શુભ, સ્વાધ્યાય, પ્રશ્રય, મુદ, ધ્યાન, સામ્ય, બ્રહ્મવિદ્યા, લાભ, સામ, અર્થ, ઉદ્યમ તથા પૂર્વે જે અધર્મસર્ગથી ઉત્પન્ન થયેલા દંભ વિગેરે દોષો કહ્યા હતા તે એક એકના વિરોધી અદંભ, અલોભ આદિ ધર્મવંશનો પરિવાર છે. તેવી જ રીતે શ્રવણ, કીર્તન આદિ ભક્તિના નવપ્રકાર પણ ધર્મથકી પ્રગટ થયેલા છે. આ પ્રમાણે જ્ઞાનાદિ પંચાસી ગુણો મુખ્યપણે ધર્મવંશમાં રહેલા છે તે મેં શ્રેષ્ઠ માન્યા છે.૨૭-૩૩
હે વિપ્રવર્ય ! સુખને ઇચ્છતા મુક્ત, મુમુક્ષુ, ઋષિ, દેવો, મનુષ્યો અને બીજા પણ આ ધર્મસર્ગના વંશનું સર્વપ્રકારે સેવન કરે છે, સમસ્ત વિશ્વમાં વ્યાપીને રહેલા ધર્મસર્ગના આ જ્ઞાનાદિ ગુણો અધર્મવંશના દંભાદિ દોષોને જીતી પોતાના આશ્રિતવર્ગ એવા સમસ્ત ભક્તોને સુખી કરે છે. ધર્મના આ જ્ઞાનાદિ પુત્રોમાં એક એક પિતા ધર્મની સમાન જ પ્રભાવશાળી અને પરાક્રમી છે. તેથી મુમુક્ષુ ભક્તજનોએ તેમાંથી એકનો પણ ક્યારેય ત્યાગ ન કરવો.૩૪-૩૬
હે વિપ્રવર્ય ! ધર્મ અને અધર્મ બન્ને એક એક પોતપોતાના વંશમાં જુદા જુદા નિવાસ કરીને રહ્યા છે. તેમજ જ્ઞાનાદિ ગુણો અને દંભાદિ દોષો પણ પોતાનાં વંશમાં જુદાજુદા નિવાસ કરીને રહ્યા છે. જેવી રીતે વડ પોતાનાં બીજમાં રહ્યો છે, તેવી રીતે ધર્મ અને અધર્મ તથા પોત પોતાનો પરિવાર, પોતાના વંશમાં પરસ્પર ઓતપ્રોત રહેલા છે.૩૭-૩૮
આ પ્રમાણે મેં તમને ગુણ અને દોષરૂપ બન્ને વંશની વિસ્તારપૂર્વક જુદી જુદી વાત કરી. તેમાંથી અધર્મથી ઉત્પન્ન થયેલા સર્વને દોષ કહેવાય છે. જ્યારે ધર્મથી ઉત્પન્ન થયેલા સર્વેને ગુણ કહેવાય છે.૩૯
જે ભક્તજનો ગુણના માધ્યમથી દોષોને જીતી ભગવાન શ્રીહરિની ભક્તિ કરે છે તે જ પોતાનાં મનોવાંચ્છિત પરમ સુખને પ્રાપ્ત કરે છે. તેથી મારા આશ્રિત ભક્તજનોએ માયિક પંચ વિષયના સુખની આશાઓ છોડી ધર્મવંશના ગુણોનો આશ્રય કરી અધર્મવંશના દોષરૂપ શત્રુઓ ઉપર પ્રયત્નપૂર્વક વિજય મેળવવો.૪૦-૪૧
પાંચ મુખ્યદોષો :-- હે વિપ્રવર્ય ! પૂર્વોક્ત દોષોની મધ્યે પાંચ દોષો તો અવશ્ય જીતવા. તેમના પર વિજય મેળવવાથી બીજા સર્વે દોષો જીતાય છે. તેમાં કોઇ જાતનો સંશય નથી.૪૨
તે પાંચ - લોભ, કામ, રસાસ્વાદ, સ્નેહ અને માન છે. તે મોટા અંતઃશત્રુઓ છે. તેને પ્રયત્નપૂર્વક અવશ્ય જીતવા જ. આ પાંચ દોષો મુમુક્ષુઓને નિરંતર કલ્યાણમાં વિઘ્ન કરે છે. તથા પ્રમાદ રાખનારા મુક્ત પુરુષોને પણ પોતાની સ્થિતિમાંથી ભ્રષ્ટ કરે છે.૪૩-૪૪
આ પાંચ દોષોમાંથી કોઇ પણ એક દોષ જો પુરુષમાં મુખ્યપણે રહેતો હોય તો અન્ય ચાર તથા બીજા સર્વે દોષો તે પુરુષમાં પ્રવેશ કરી જાય છે.૪૫
માટે હે બુદ્ધિમાન વિપ્ર ! તે કારણથી જ ભાગવતાદિ પુરાણોમાં તે તે દોષોના કથા પ્રસંગથી એક એક દોષને અન્ય સમસ્ત દોષની ઉત્પત્તિરૂપ અને અતિશય દુર્જયપણે વર્ણવ્યા છે. તે હેતુથી સાવધાન એવા મારા આશ્રિત ભક્તજનોએ મહાબળવાન આ પાંચ દોષોને સર્વપ્રકારે જીતી ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવી.૪૬-૪૭
મન આદિ સર્વે ઇન્દ્રિયોને જીતીને ભગવાનની ભક્તિ કરતા એવા અમને આ દોષો શું કરી લેવાના છે ? આવો વિચાર પોતાના મનમાં ક્યારેય ન કરવો. કારણ કે અલ્પ સરખા પણ આ શત્રુઓ વિશ્વાસ કરનારાને પાછળથી મહાદુઃખ આપે છે. જે ભક્તજનો પોતાના મનનો વિશ્વાસ કરી પ્રમાદથી અસાવધાની રાખે છે તે ભક્તો મહાન ગુણવાન હોવા છતાં આ દોષોને કારણે તૃણ તુલ્ય તુચ્છ થઇ જાય છે.૪૮-૪૯
આગળમાં ઘણા બધા ભક્તો મહાન હોવા છતાં લોભાદિ દોષોથી પરાભવ પામ્યા છે. તેમાંના કેટલાકનાં નામ હું તમારી આગળ સંક્ષેપમાં જણાવું છું.૫૦
પાંચ દોષોથી પરાભૂત વ્યક્તિવિશેષો :-- હે વિપ્રવર્ય ! બ્રહ્મનિષ્ઠ મહર્ષિ વસિષ્ઠમુનિ અને ધાર્મિક સહસ્રાર્જુન રાજા આ બન્ને લોભથી પરાભવ પામ્યા હતા.૫૧
તેવી જ રીતે બ્રહ્મા, સૌભરી, ઇન્દ્ર અને નહૂષરાજા અતિ ધાર્મિક હોવા છતાં કામદોષથી પરાભવ પામી મોટી દુર્દશાને પામ્યા હતા.૫૨
તેમજ મુનિવર ઋષ્યશૃંગ તથા અન્ય બ્રાહ્મણો તથા રાજાઓ પણ રસાસ્વાદથી પરાભવ પામી કલ્યાણના માર્ગથકી પડી ગયા હતા.૫૩
તેમજ ઋષભદેવ ભગવાનના પુત્ર ભરત મહારાજા સર્વે રાજ્યવૈભવનો ત્યાગ કર્યો હોવા છતાં એક મૃગબાળકમાં સ્નેહ કરવાથી પોતાના યોગમાર્ગથી ભ્રષ્ટ થયા હતા.૫૪
દક્ષપ્રજાપતિ અને અત્રિનંદન દુર્વાસામુનિ આ બન્ને માનરૂપ દોષથી તત્કાળ મોટો પરાભવ પામ્યા હતા.૫૫
હે વિપ્રવર્ય ! આ પ્રમાણે બીજા પણ અનેક દેવતાઓ, રાજાઓ, મહર્ષિઓ લોભાદિ દોષોથી પરાભવ પામી મહા આપત્તિને પામ્યા હતા.૫૬
માટે હે વિપ્ર ! આ રીતે મહાપદવીને પામેલા વસિષ્ઠાદિ મહાપુરુષોની પણ જો આવી દશા થઇ તો અત્યારના ભક્તજનો જો મનનો વિશ્વાસ કરે તો પોતાના કલ્યાણના માર્ગથકી કેમ ભ્રષ્ટ ન થાય ? એતો થાય જ.૫૭
એટલા માટે મારા આશ્રિત ભક્તજનોએ મનને નિયમમાં કરી લોભાદિ આ પાંચ દોષો ઉપર વિજય મેળવી સર્વકાળે સાવધાનીપૂર્વક ભગવાન શ્રીહરિની ભક્તિ કરવી. અને જે ભક્તજનો અધર્મ સર્ગનો ત્યાગ કરી ધર્મસર્ગનો આશ્રય કરી આ પૃથ્વીપર ભક્તિનું પોષણ કરી તેને પ્રતિદિન વૃદ્ધિ પમાડે છે. તે ભક્તજનો પોતાનાં મનોવાંછિત સુખને ચોક્કસ પ્રાપ્ત કરે જ છે.૫૮-૫૯
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં અધર્મસર્ગ અને ધર્મસર્ગનું નિરૂપણ કર્યું એ નામે દશમો અધ્યાય પૂર્ણ થયો. ।। ૧૦ ।।