અધ્યાય -૧૫ - માનદોષથી પરાભવ પામેલા દક્ષપ્રજાપતિનું વૃત્તાંત.
માનદોષથી પરાભવ પામેલા દક્ષપ્રજાપતિનું વૃત્તાંત. માનથી પરાભવ પામેલા દુર્વાસામુનિની કથા.
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે વિપ્રવર્ય ! હવે હું ભગવાનના ભક્ત સંતો અને હરિભક્તોએ અવશ્ય સાંભળવા યોગ્ય અને અંતરમાં સતત ધારી રાખવા યોગ્ય કથા કહું છું. તે કથા માનદોષથી પરાભવ પામેલા દક્ષપ્રજાપતિ અને દુર્વાસામુનિની છે. તેમાં પ્રથમ દક્ષપ્રજાપતિનું આખ્યાન કહું છું.૧
હે વિપ્રવર્ય ! પૂર્વે વિશ્વનું સર્જન કરનારા પ્રજાપતિઓ ભાગીરથીને તીરે યજ્ઞા કરી રહ્યા હતા. તે યજ્ઞામાં સમસ્ત દેવતાઓ, દેવીઓે અને મુનિઓ પણ પધાર્યા હતા.૨
તે સમયે જેને બ્રહ્માજીએ સર્વ મરીચી આદિ પ્રજાપતિઓના અધિપતિપણે નિયુક્ત કરેલા છે એવા સૂર્ય સમાન તેજસ્વી દક્ષપ્રજાપતિ તે યજ્ઞામાં એકાએક પધાર્યા.૩
તે દક્ષપ્રજાપતિ પોતાને બીજા પ્રજાપતિઓ કરતાં શ્રેષ્ઠ માનતા હતા. તેઓ અત્યંત અભિમાની છે એમ સભામાં બેઠેલા સર્વે દેવતાઓ જાણતા હોવાથી તેનો તત્કાળ ઊભા થઇ સત્કાર કર્યો. ત્યારપછી તે દક્ષ સભામાં બેઠેલા પોતાના પિતા બ્રહ્માજીને પ્રણામ કરી પોતાને આસને બેઠા.૪
ત્યારપછી દક્ષપ્રજાપતિ સભામાં ચારે તરફ દેવતાઓની દૃષ્ટિ ફેરવવા લાગ્યા. તેવામાં પોતાની આગળ જ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી વાસુદેવની સાથે પોતાના આત્માને એકાગ્ર કરી ધ્યાનમાં રહેલા પોતાના જમાઇ ભગવાન શિવજીને તેણે બેઠેલા જોયા.૫
ત્યારે અતિશય માની દક્ષે જોયું કે, શિવજીએ ઊભા થઇ મને પ્રણામ કર્યા નથી. તેથી અતિશય ક્રોધ કરી શિવજીને શાપ આપતાં સર્વે દેવતાઓ સન્મુખ કહેવા લાગ્યા કે, હે દેવો ! હું કાંઇ પણ કહું છું તે મત્સરથી કહેતો નથી, અને અજ્ઞાનથી પણ કહેતો નથી. પરંતુ સામાન્ય રીતે સત્પુરુષોનું જે વર્તન હોવું જોઇએ તે તમને જણાવું છું.૬-૭
હે વિપ્રવર્ય ! આ પ્રમાણે માની માણસની ભાષાથી વાત કરતા દક્ષપ્રજાપતિ અનેક યુક્તિ પ્રયુક્તિથી પોતાની સાધુતાને દેવતાઓની આગળ શ્રેષ્ઠ દેખાડી શિવજીની નિંદા કરવા લાગ્યા કે, આ શંકર લોકપાલોના યશને હણનારો છે, નિર્લજ છે, અવિનયી છે તેથી જ સત્પુરુષોએ બાંધેલી મર્યાદાનું ઉલ્લંઘન કરી મારી અવગણના કરે છે. આ શંકર મારો જમાઇ હોવાથી વધુમાં મારો શિષ્ય પણ છે તેથી ગુરુ એવા મારું ઊભા થઇ અભિવાદન કરી સન્માન કરવું જોઇએ, છતાં આવી મોટી સભામાં મને માત્ર વાણીથી પણ આદર આપતો નથી.૮-૧૦
માંકડાંની સમાન આંખોવાળો આ શંકર સદાચારથી ક્રિયાહીન છે. ભૂતડાંનો સંગી છે, નગ્ન છે, સ્મશાનમાં રહેનારો છે, મુંડની માળા ધારનારો આખા શરીરે ચિત્તાની ભસ્મને ચોળે છે. આવો અમંગળ હોવા છતાં ''શિવ'' એવું મંગળ નામ ધારણ કર્યું છે. સાવ અપવિત્ર અને દુર્બુદ્ધિ આવા આ શંકરને મારી ઇચ્છા ન હોવા છતાં પિતાજી બ્રહ્માના કહેવાથી મારી પુત્રી સતી સમર્પણ કરી.૧૧-૧૨
અત્યંત દુરાચારી આ શંકરનો આજથી યજ્ઞામાંથી ભાગ કાઢી નાખવામાં આવે છે, હે વિપ્રવર્ય ! આ પ્રમાણે અત્યંત ક્રોધમાં આવી દક્ષપ્રજાપતિ શિવજીને શાપ આપી પોતાના ભવન પ્રત્યે ચાલ્યા ગયા. ત્યારે જતા એવા દક્ષને શિવજીના મુખ્ય પાર્ષદ નંદિકેશે પણ શાપ આપતાં કહ્યું કે, હે દક્ષ ! તું આત્મા પરમાત્માના તત્ત્વજ્ઞાનથી રહિત થઇ જા. જે મુખથી તું શિવજીની નિંદા કરે છે, તે તારું મુખ બકરાનું થાય અને શરીરમાં જ તને આત્મબુદ્ધિ દૃઢ થાય. આ પ્રમાણે દક્ષને ત્રણ શાપ આપ્યા.૧૩-૧૪
હે વિપ્રવર્ય ! આ પ્રમાણે નંદિકેશે દક્ષપ્રજાપતિને શાપ આપ્યા પછી અત્યંત ક્રોધથી લાલચોળ નેત્રોવાળા થઇ દક્ષની હામાં હા ભણનારા અને શિવજીની અવજ્ઞાનું મૌન રહી અનુમોદન કરનારા સર્વે વિપ્રોને શાપ આપતાં કહેવા લાગ્યા કે, તમે સર્વે બ્રાહ્મણોને સ્વર્ગાદિ નાશવંત ફળનો બોધ આપનારાં, વેદના અર્થવાદવાળાં કર્મોમાં મોહ થાઓ. નહિ ખાવા યોગ્ય અને ખાવા યોગ્યનો ભેદ ભૂલી સર્વભક્ષી થાઓ, વિદ્યાભ્યાસ અને ચાંદ્રાયણાદિ વ્રતોનું અનુષ્ઠાન માત્ર દેહના પોષણ માટે જ કરનારા થાઓ અને ભિક્ષુકો થઇ લોકમાં ભટક્યા કરો. આ પ્રમાણે ચાર શાપ બ્રાહ્મણોને આપ્યા.૧૫-૧૬
હે વિપ્રવર્ય ! આ પ્રમાણે વૈદિક વિપ્રોને શાપ આપતા નંદીને જોઇને અત્યંત ક્રોધાયમાન થયેલા કઠોર મહર્ષિ ભૃગુ શિવજીના અનુયાયીઓને શાપ આપતાં કહેવા લાગ્યા કે, શિવનું વ્રત ધારણ કરનારા અને તેને અનુસરનારા જે પુરુષો હોય તે સર્વે પાખંડી થઇ જાઓ અને વૈદિક માર્ગનું તથા ભગવાનની ઉપાસનાનું પ્રતિપાદન કરનારાં સત્શાસ્ત્રોનું ખંડન કરનારા થાઓ. આચારહીન થઇ જાઓ, મૂઢબુદ્ધિવાળા થાઓ, મસ્તક ઉપર જટા, શરીરપર ચિત્તાની ભસ્મ અને હાડકાંને ધારણ કરનારા થાઓ. જે દીક્ષામાં દેવને મદ્ય અને માંસનું નિવેદન કરવાનું વિધાન હોય તેવી હલકી શિવદીક્ષાને ધારણ કરનારા થાઓ.૧૭-૧૯
હે વિપ્રવર્ય ! આ પ્રમાણે ભૃગુમહર્ષિ જ્યારે શિવભક્તોને શાપ આપી રહ્યા હતા તે સમયે શિવજી ઉદાસ થઇ તે સભામાંથી ઊભા થઇ પોતાના પાર્ષદોની સાથે કૈલાશ તરફ જવા રવાના થયા. ત્યાર પછી પૃથ્વી પર કોઇ પણ પ્રદેશમાં કોઇ પણ મનુષ્ય કે દેવતાઓ રુદ્રના ભાગ વગરનો યજ્ઞા કરવા સમર્થ થયા નહિ તેથી પૃથ્વી પર યજ્ઞા વિનાનો બહુ કાળ વ્યતીત થઇ ગયો.૨૦-૨૧
હે વિપ્રવર્ય ! હવે માનથી વિનાશ પામેલી બુદ્ધિવાળા દક્ષે પોતેજ પ્રજાપતિઓ, દેવતાઓ અને ઋષિઓની સાથે મળી શંકરના ભાગ વગરનો યજ્ઞા શરુ કર્યો.૨૨
પિતામહ બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુને અતિ આદરપૂર્વક નિમંત્રણ આપ્યું હોવા છતાં તે યજ્ઞામાં શિવજીનો અનાદર થયેલો જોઇ તેઓ પધાર્યા નહિ.૨૩
દક્ષને શંકર ઉપર દ્વેષ હોવાથી પોતાની પુત્રી સતીને પણ આમંત્રણ આપ્યું નહિ. તેના સિવાય બીજી પંદર કન્યાઓને પોતપોતાના પતિઓ સાથે પધારવા આમંત્રણ આપ્યું.૨૪
હે વિપ્રવર્ય ! ત્યારપછી વિમાનમાં બેસી આકાશમાર્ગે પોતાના પિતા દક્ષના યજ્ઞામાં જતી સતીની બહેનો એવી દેવપત્નીઓને સતીએ જોઇ, તેથી સતી અતિશય ખુશ થયાં અને પિતાનું આમંત્રણ ન હોવા છતાં યજ્ઞાનાં દર્શન કરવા અને માતા-પિતાને મળવા સતીનું મન અતિ ઉત્સુક થયું. સતી નારીસહજ સ્વભાવથી યજ્ઞામાં જવા અત્યંત તત્પર થયાં.૨૫-૨૬
ત્યારે ભગવાન શંકરે અનેક પ્રકારની યુક્તિઓથી યજ્ઞામાં જતાં તેમને અટકાવવા પ્રયત્નો કર્યાં, છતાં હઠાગ્રહથી કેટલાક ગણોને સાથે લઇ તેણી પિતા દક્ષના યજ્ઞામાં ગયાં.૨૭
હે વિપ્રવર્ય ! શિવ ઉપર દક્ષને દ્વેષ હોવાથી પુત્રી સતી સામે દૃષ્ટિ માંડીને જોયું પણ નહિ. વાણીથી આદર આપી સત્કાર પણ કર્યો નહિ. તેથી આત્મગૌરવથી સંપન્ન સતી પિતા પ્રત્યે અત્યંત ક્રોધિત થયાં. યજ્ઞામાં પોતાના પતિ શિવજીનો ક્યાંય ભાગ પણ જોયો નહિ. તેથી ક્રોધ કરી પિતા દક્ષની બહુ ભર્ત્સના કરી સમાધિ દ્વારા પોતાના શરીરમાં યોગાગ્નિ પ્રગટ કરી તત્કાળ શરીરને છોડી દીધું.૨૮-૨૯
ત્યારે સતીની સાથે આવેલા શિવના ગણો દક્ષને મારવા દોડયા, તે સમયે શિવનાગણોને મારવા માટે ભૃગુઋષિએ દક્ષિણાગ્નિમાંથી બળવાન દેવતાઓ ઉત્પન્ન કર્યા. ઋભુ નામના આ દેવતાઓ હાથમાં સળગતા ઊંબાડિયાં લઇ શિવના ગણોને મારવા લાગ્યા, તેથી તેઓ સર્વે ત્યાંથી ભાગી છૂટયા.૩૦-૩૧
તે ગણો કૈલાશ પહોંચે તે પહેલાં દેવર્ષિ નારદ કૈલાશમાં આવી એ સર્વે વૃત્તાંત શિવજીને કહી સંભળાવ્યું, નારદના મુખે સતીનાં મૃત્યુની વાત આદિ હકીકત સાંભળતાંની સાથે જ શિવજીના અંતરમાં અત્યંત ક્રોધ વ્યાપી ગયો અને પોતાની જટામાંથી મુખ્યગણ વીરભદ્રને ઉત્પન્ન કર્યો ને કહ્યું કે, હે વીરભદ્ર ! તું કોઇ પણ જાતનો વિચાર કર્યા વગર યજ્ઞો સહિત દક્ષ પ્રજાપતિનો વિનાશ કર.૩૨-૩૩
હે વિપ્રવર્ય ! આ પ્રમાણે શિવજીની આજ્ઞા થતાં અન્ય ગણોને સાથે લઇ વીરભદ્ર પગે ચાલતો કોઇ મોટા પર્વતની જેમ સમગ્ર ધરાને ધ્રૂજાવતો ધ્રૂજાવતો તેજ ક્ષણે દક્ષના યજ્ઞામાં આવ્યો.૩૪
ત્યાં જઇ યજ્ઞાના કુંડો ઉખેડી નાખ્યાં. મંડપાદિને બાળી ભસ્મીભૂત કર્યા. દક્ષનું માથું કાપી યજ્ઞામાં હોમી દીધું.૩૫ ત્યારપછી દક્ષની સહાય કરનારા દેવતાઓ તથા ઋષિમુનિઓને શિવના અન્ય મણિભદ્ર આદિ ગણો સળગતાં ઊંબાળીયાં લઇને મારવા લાગ્યા. તેથી તેમના શરીરના અવયવો છિન્ન ભિન્ન થયાં અને દેવતાઓ આદિ સર્વે ત્યાંથી પલાયન થઇ ગયા. આ પ્રમાણે દક્ષના યજ્ઞાને છિન્ન ભિન્ન કરી વીરભદ્રાદિ શિવના ગણો કૈલાશમાં પાછા આવ્યા.૩૬-૩૭
પછી ઘણા દિવસો વીતી ગયા ત્યારે સમસ્ત દેવતાઓની પ્રાર્થનાથી પ્રસન્ન થયેલા શિવજીના અનુગ્રહથી બકરાનું મુખ લગાડતાં દક્ષ પ્રજાપતિ ફરી સજીવન થયા. હે વિપ્રવર્ય ! આ પ્રમાણે માનદોષથી પ્રજાપતિ દક્ષનો મહા અનર્થ સર્જાયો અને માને કરી શિવજીનું અપમાન કરવાથી લોકમાં ઘણી નિંદા પણ થઇ.૩૮-૩૯
માનથી પરાભવ પામેલા દુર્વાસામુનિની કથા :-- હે વિપ્રવર્ય ! હવે તમને સાક્ષાત્ રૂદ્રનો અવતાર અને મહાન તપસ્વી તથા માને કરીને મહા પરાભવ પામેલા ઋષિ દુર્વાસામુનિની કથા કહું છું તેને તમે સાંભળો.૪૦
પૂર્વે સૂર્યવંશમાં ઉત્પન્ન થયેલા મહાબુદ્ધિશાળી અંબરીષ નામના રાજા સાત દ્વિપવાળી પૃથ્વીનું પાલન કરતા હતા.૪૧
પિતાની જેમ પ્રજાનું વાત્સલ્યભાવે ભરણ પોષણ કરતા અંબરીષ રાજા મોટામોટા યજ્ઞો દ્વારા ભગવાન શ્રીહરિનું યજન કરતા અને ભગવાનને રાજી કરવા અનેક પ્રકારનાં વ્રતો તથા દાન પણ કરતા હતા.૪૨
ઇન્દ્રાદિ દેવતાઓને પણ દુર્લભ એવા પોતાના રાજ્ય વૈભવને ક્ષણભંગુર જાણતા અંબરીષ રાજા તે વૈભવમાં વૈરાગ્ય પામી એકમાત્ર ભગવાન શ્રીનારાયણમાં સ્નેહ કરતા હતા.૪૩
ભગવાનના એકાંતિક સંતોનો સમાગમ કરી ભગવાનના સ્વરૂપમાં જ એક મન રાખીને રાજા ભગવાનની નવધા ભક્તિ જ કરતા રહેતા તેથી ભગવાન શ્રીહરિ તેમના ઉપર ખૂબજ પ્રસન્ન થયા, અને તેમની રક્ષા માટે સર્વ પ્રકારના અનર્થોનો વિનાશ કરનાર પોતાનું સુદર્શન ચક્ર તેની સમીપે રાખ્યું હતું.૪૪-૪૫
એક સમયે અંબરીષ રાજા પોતાનાં પત્નીની સાથે એક ભગવાન શ્રીકૃષ્ણને જ રાજી કરવા મધુવનમાં જઇ એક વર્ષને અંતે પૂર્ણ થતું વાર્ષિક દ્વાદશવ્રત ધારણ કર્યું.૪૬
પછી વ્રતની સમાપ્તિમાં કાર્તિક માસમાં સુદ નવમી, દશમ અને પ્રબોધની એકાદશીના દિવસ સુધી ત્રણ ઉપવાસ કરી અંબરીષ રાજાએ ભગવાનની મોટી પૂજા કરી, સુપાત્ર ભૂદેવોને ખૂબજ દાન આપ્યાં.૪૭
બારસને દિવસે ઇચ્છિત ભોજનો જમાડી બ્રાહ્મણોને તૃપ્ત કર્યા. પછી જ્યાં પારણા કરવાની તૈયારી કરે છે, ત્યાં દુર્વાસામુનિ પધાર્યા.૪૮
ત્યારે અંબરીષ રાજાએ સામે જઇ પોતાને આંગણે પધારેલા દુર્વાસામુનિનો આસન આપવું આદિ વડે આતિથ્ય સત્કાર કર્યા અને ભોજન સ્વીકારવાની પ્રાર્થના કરી.૪
અંબરીષ રાજાની પ્રાર્થના સ્વીકારી ''ભલે બહુ સારું'' એમ કહી દુર્વાસા મુનિ તત્કાળ યમુનામાં સ્નાન કરવા ગયા. ત્યાં મધ્યાહ્ન સમયને ઉચિત કર્મનું અનુષ્ઠાન કરતાં વિલંબ થયો.૫૦
આ બાજુ બારસનાં પારણાં કરી વ્રતની સમાપ્તિ કરવા ઇચ્છતા અંબરીષ રાજા મુનિને આવતાં વિલંબ થયો છે એમ જાણી સંકટમાં મૂકાયા.૫૧
હવે આ ધર્મસંકટમાં મારે શું કરવું જોઇએ ? તે વિષયનો પ્રશ્ન શાસ્ત્રવેત્તા વિપ્રોને પૂછયો કે, હે વિપ્રો ! જો હું પારણા કરું તો આંગણે આવેલા અતિથિનો અનાદર કરવારૂપ દોષ લાગે છે. અને જો બારસની તિથિ સુધી પારણાં ન કરું તો પણ દોષ લાગે છે. તો આવા પ્રકારના સંકટ સમયમાં મારે શું કરવું જોઇએ ? તેનું મને માર્ગ દર્શન આપો. આ પ્રમાણે રાજાએ પૂછયું તેથી વિદ્વાન બ્રાહ્મણો રાજાને કહેવા લાગ્યા કે, હે રાજન્ ! તમે ભગવાનના ચરણામૃતનું જલપાન કરીને પારણાં કરો. કારણ કે, માત્ર જળપાનથી પારણાં કર્યાં પણ કહેવાશે અને નહીં કર્યાં પણ કહેવાશે. તેથી બન્ને પ્રકારનો દોષ તમારી ઉપરથી ટળી જશે. આ પ્રમાણે બ્રાહ્મણોની આજ્ઞા પ્રાપ્ત કરી અંબરીષ રાજાએ માત્ર જલનું પાન કરી પારણાં કર્યાં.૫૨-૫૩
હે વિપ્રવર્ય ! પછી મધ્યાહ્ન સમયનો વિધિ પૂર્ણ કરી આવેલા દુર્વાસામુનિએ જાણ્યું કે રાજાએ પારણાં કરી લીધાં છે. ત્યારે પોતાને અગ્રપૂજ્ય માનતા દુર્વાસામુનિએ પોતાનું માન ભંગ થયું છે, એમ જાણી અભિમાનના કારણે એમના અંતરમાં ક્રોધ ઉત્પન્ન થયો. અને અંબરીષ રાજા પ્રત્યે કહેવા લાગ્યા કે, હે નિર્દય ! હે લક્ષ્મીના મદથી અંધ બનેલા ! હે વિષ્ણુના ભક્તપણાનો દાવો કરનાર અભક્ત ! હે સર્વના માલિકપણાનું અભિમાન ધરાવનારા ! તું નિરંકુશ થઇ તારી ઇચ્છામાં આવે તેમ ધર્મમર્યાદાનું ઉલ્લંઘન કરે છે ? તારી પાસે અત્િણિથરૂપે આવેલા મને પ્રથમ આતિથ્ય સત્કાર કરી ભોજનનું નિમંત્રણ આપ્યું અને મને ભોજન કરાવ્યા વિના જ તેં ભોજન કરી લીધું ? હવે આતિથ્ય અતિક્રમણનું ફળ તને હમણાં જ દેખાડું છું. એમ કહી ક્રોધથી પોતાનાં નેત્રો લાલ કરી દુર્વાસા મુનિએ પોતાની જટામાંથી પ્રલયકાળના અગ્નિ સમાન ભયંકર કૃત્યાને ઉત્પન્ન કરી, અંબરીષ રાજાનો વધ કરવા તેને પ્રેરણા કરી.૫૪-૫૭
હે વિપ્રવર્ય ! તે સમયે હાથમાં તીક્ષ્ણ તલવાર લઇ મારવા ઘસી આવતી તે કૃત્યાને જોઇ શરીરને નાશવંત અને આત્માને અવિનાશી જાણતા અંબરીષ રાજા જરાયપણ વ્યથિત થયા નહિં. તે સમયે રાજાની રક્ષા માટે તત્પર રહેલું સુદર્શન ચક્ર કૃત્યાને પ્રથમ બાળીને દુર્વાસામુનિની પાછળ થયું. સુદર્શન ચક્રના અગ્નિથી અત્યંત બળતા દુર્વાસામુનિ ત્યાંથી એકદમ ભાગ્યા અને પોતાના પ્રાણની રક્ષા કરવા દશે દિશાઓમાં ભટકવા લાગ્યા.૫૮-૬૦
હે વિપ્રવર્ય ! દુર્વાસામુનિ જ્યાં જાય ત્યાં સુદર્શન ચક્ર દેહધારી મનુષ્યના પડછાયાની પેઠે અથવા મનુષ્યની પાછળ ફરતાં મૃત્યુની જેમ દુર્વાસામુનિની પાછળ ને પાછળ દોડતું હતું. પાતાળમાં, આકાશમાં, ઇન્દ્રાદિ દિગ્પાળોના સ્થાનમાં આદિ સર્વ સ્થળે દુર્વાસા દોડયા પણ સુદર્શન ચક્રથી રક્ષણ કરનાર કોઇ પ્રાપ્ત થયો નહિ. તેથી અંતે બ્રહ્માજીને શરણે ગયા.૬૧-૬૨
ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે, હે મુનિ ! હું તમારું સુદર્શન ચક્ર થકી રક્ષણ કરવા સમર્થ નથી. ત્યાંથી દુર્વાસા શંકરને શરણે ગયા, તેમણે પણ બ્રહ્માજીની પેઠે સુદર્શન ચક્રથી રક્ષણ કરવા અસમર્થતા દર્શાવી.૬૩
પછી ''મારું રક્ષણ કરો '' ''મારું રક્ષણ કરો'' આ પ્રમાણે અંતરીક્ષમાં અતિ દુઃખી હૃદયે આર્તનાદ કરતા કરતા દુર્વાસામુનિ ભગવાન વિષ્ણુ પાસે વૈકુંઠલોકમાં પધાર્યા. સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરી, મારું રક્ષણ કરો, એમ કહી પ્રાર્થના કરવા લાગ્યા કે, હે સ્વામિનાથ ! તમારા ભક્તનો મેં અજાણતાં અપરાધ કરેલો છે, તે અપરાધની દયા કરીને ક્ષમા આપો અને આ સુદર્શન ચક્ર થકી મારું રક્ષણ કરો.૬૪-૬૫
હે વિપ્રવર્ય ! આ પ્રમાણે દુર્વાસામુનિએ પ્રાર્થના કરી તેથી નિર્માની ભક્તો જેને અતિ વ્હાલા છે એવા ભગવાન વિષ્ણુ તેમને કહેવા લાગ્યા કે, હે મુનિ ! હું હમેશાં ભક્તને અધીન છું, પણ સ્વતંત્ર નથી. મારા ભક્તોનો દ્રોહ કરનાર જનોનું રક્ષણ કરવા હું સમર્થ નથી. તેથી તમે અંબરીષ રાજાનેજ શરણે જાઓ. તે તમારું સુદર્શનચક્ર થકી અવશ્ય રક્ષણ કરશે.૬૬-૬૭
હે વિપ્રવર્ય ! આ રીતનાં વિષ્ણુ ભગવાનનાં વચનો સાંભળી માનના કારણે અતિશય કષ્ટ પામેલા દુર્વાસા તત્કાળ માન છોડીને અંબરીષ રાજાને શરણે ગયા.૬૮
દૂરથી જ અંબરીષ રાજાને જોઇ મારું આ સુદર્શન ચક્ર થકી રક્ષણ કરો, રક્ષણ કરો, એમ બે હાથ જોડી ઊંચે સ્વરે પોકાર કરતા દુર્વાસામુનિ અંબરીષ રાજા ક્ષત્રિય હોવાથી પોતાનાથી નાના હોવા છતાં તેમને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા.૬૯
ત્યારે અંબરીષ રાજાએ કૃપા કરીને સુદર્શનચક્રની પ્રાર્થના કરી શાન્ત કર્યું અને તેના ભયથકી દુર્વાસામુનિને છોડાવ્યા. પછી મુનિને અંબરીષરાજાએ આદર પૂર્વક જમાડી ચંદનાદિવડે પૂજન કર્યું.૭૦
હે વિપ્રવર્ય ! આ પ્રકારે સર્વજનોને ભય ઉપજાવનારા દુર્વાસામુનિ માનરૂપી દોષથી મહા કષ્ટને પામ્યા તેથી ભગવાનના ભક્તજનોએ માનનો દૂરથી જ ત્યાગ કરી દેવો.૭૧
આજ રીતે બીજા અનેક રાજાઓ તથા ઋષિઓ માનરૂપી દોષને કારણે આ પૃથ્વી પર અપાર કષ્ટને પામ્યા છે, અને અપકીર્તિને પણ પામ્યા છે.૭૨
હે વિપ્રવર્ય ! આ પ્રમાણે લોભાદિ દોષોથી પરાભવ પામેલા વસિષ્ઠાદિ સર્વ મહાપુરુષોની કથાઓ સંક્ષેપમાં તમને મેં સંભળાવી, એથી લોભાદિ દોષોનું આવું બળવાન પણું જાણી સાવધાન થઇ મારા આશ્રિત ભક્તજનોએ લોભાદિ મહાશત્રુઓનો દૂરથી જ ત્યાગ કરી દેવો. તેમ કરવાથી જ નિર્વિઘ્ન પણે આગળ વધતી ભક્તિ અંતે મનોવાંચ્છિત ફળને આપનારી થાય છે.૭૩-૭૪
હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિનાં વચનામૃતોનું પાન કરી બ્રાહ્મણ શ્રેષ્ઠ મયારામ વિપ્ર સર્વ ભક્તજનોની સાથે અત્યંત પ્રસન્ન થયા. પછી સ્વધર્મ નિષ્ઠ એવા એ મયારામ વિપ્રે શ્રીહરિનાં વચનોને પોતાના અંતરમાં ધાર્યા. અને શ્રીહરિના ચરણોમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં. તેવી જ રીતે સર્વે ભક્તજનોએ પણ પ્રણામ કર્યા.૭૫
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં માનથી પરાભવ પામેલા દક્ષપ્રજાપતિ અને દુર્વાસામુનિની કથાનું નિરૂપણ કર્યું એ નામે પંદરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૫--