અધ્યાય - ૩૩ - દેશાંતરમાં વિચરણ કરવા જતા સંતોને સાવધાનીનો સદ્બોધ આપતા શ્રીહરિ.
દેશાંતરમાં વિચરણ કરવા જતા સંતોને સાવધાનીનો સદ્બોધ આપતા શ્રીહરિ. ક્ષમાગુણની પ્રસંશા.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પૃથ્વી પર મુમુક્ષુજનોને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપવા માટે સંતોને દેશદેશાંતરમાં વિચરણ માટે મોકલતા શ્રીહરિ પૃથ્વીપર કળિયુગને લીધે દુષ્ટજનોનો ઘણો વધારો થયો હોવાથી તેઓથી સાવધાન રહેવા સંતોને બોધ આપવા લાગ્યા.૧
શ્રીહરિ કહે છે, હે સંતો ! તમે તો પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિના પ્રવર્તક છો, તેથી પૃથ્વી પર મુમુક્ષુજનોને શ્રીકૃષ્ણના સ્વરૂપનો બોધ આપવા પોતપોતાનાં મંડળની સાથે રહી અનેક દેશોમાં વિચરણ કરો.૨
જ્યાં વિચરણ કરો ત્યાં જે મુમુક્ષુઓ તમારે શરણે આવે તેઓને ભવબંધનમાંથી મુકાવનારી કૃષ્ણભક્તિનો ઉપદેશ આપજો.૩
હે સંતો ! મુમુક્ષુઓને પોતપોતાના વર્ણાશ્રમને ઉચિત અહિંસાદિક ધર્મમાં દૃઢતા થાય તેવો પણ ઉપદેશ કરજો. તેમજ નિત્યે જપવા યોગ્ય ''શ્રીકૃષ્ણ'' એવા ત્રણ અક્ષરના મંત્રનો ઉપદેશ કરજો.૪
હે સંતો ! મુમુક્ષુ નારીઓને ઉપરોક્ત જ્ઞાન કે ધર્મનો ઉપદેશ તમે તેમના સંબંધી પુરુષોના મારફતે કરાવજો પણ સ્વયં પ્રત્યક્ષ કરશો નહિ.૫
બ્રહ્મચર્યનું સર્વપ્રકારે રક્ષણ કરવા બાળક જેમ રાક્ષસી થકી ભય પામે તેમ તમારે સ્ત્રીઓ થકી ભય પામવું. અષ્ટપ્રકારે તેમનો ત્યાગ રાખવો અને તેમનો સ્પર્શ તમારે ક્યારેય પણ ન કરવો.૬
હે સંતો ! પોતાના ત્યાગીઓના ધર્મમાં દૃઢપણે રહી શ્રીકૃષ્ણ એવા અમારી શ્રવણ, કીર્તનાદિ નવપ્રકારની પ્રગટભક્તિ કરવી, અને શરણે આવતા મુમુક્ષુઓને પણ સ્વધર્મમાં દૃઢ રાખવા પૂર્વક પ્રગટ ભક્તિનો જ ઉપદેશ કરવો. તેવી જ રીતે અહિંસા આદિ યમોનું તમારે પાલન કરવું અને મુમુક્ષુઓ પાસે પાલન કરાવવું.૭
હે સંતો ! આ પૃથ્વીપર આસુરી સંપત્તિવાળા અને ઉદ્ધત કેટલાય દુર્જનો વસે છે. ગુરુના અને રાજાના રૂપમાં તે દુર્જનો શાસ્ત્રોક્ત લક્ષણવાળા તમારા જેવા સંતોનો સહજતાથી ઉત્પીડન કરી દ્રોહ કરે છે, તેમાં કેટલાક તો લોકોને છેતરવા ભક્તપણાનાં ચિહ્નો ધારીને વિચરે છે.૮
તે દુષ્ટજનોને ઓળખવા સહેલા છે. તેઓને પંચવિષયના ભોગ અતિશય પ્રિય હોય છે. પરંતુ તેમને ભગવાનના સ્વરૂપમાં કે સ્વધર્મમાં જરાય પ્રેમ હોતો નથી. પાપકર્મ કરવામાં તેને મનમાં જરાય ડર પણ લાગતો નથી.૯
હે નિષ્પાપ સંતો ! તમારી સમગ્ર ક્રિયાઓતો તે અસુરો કરતાં તદ્દન ઉલટી છે. તેથી તે નિર્દય સ્વભાવના દુષ્ટજનો તમારો જરૂર દ્રોહ કરશે. તે તમારા વૈરાગ્યને કે ધર્મપાલનના વર્તનને સહન કરી શકશે નહિ.૧૦
તેઓ કર્ણોપકર્ણ પ્રસરેલા મારા અતિશય પ્રતાપને પહેલેથી જ સાંભળ્યો છે. તેથી તમારી તમામ સત્ક્રિયાનું મૂળ મને જાણી મત્સરગ્રસ્ત થયેલા દુષ્ટ પુરુષો ઉત્કર્ષને સહન નહિ કરીને તમારો વિશેષપણે દ્રોહ કરશે.૧૧
હે સંતો ! આવા દુર્જન પુરુષો ક્યારેય ક્યાંય પણ તમારો દ્રોહ કરે તો તમે તેને ધીરજ રાખી સહન કરજો. પણ તમે કદાપિ ક્રોધ તો કરતા જ નહિ.૧૨
પોતાનામાં દુર્જન પુરુષોનો પ્રતિકાર કરવાનું સામર્થ્ય હોવા છતાં સર્વ પ્રકારે સહનશીલતા રાખવી એજ સાધુઓનું લક્ષણ છે.૧૩
અન્ય ઉપર ક્રોધ કરવાથી પોતાનું તપ ક્ષીણ થાય છે. તેથી સાધુઓએ દુર્જન પુરુષોએ કરેલા ઉપદ્રવને સહન જ કરવો જોઇએ.૧૪
હે સંતો ! જ્યાં સુધી કોઇ પણ પુરુષો પોતાને ન કહેવા યોગ્ય વચનોથી અલ્પ સરખો પણ તિરસ્કાર કરતા નથી. ત્યાં સુધી ક્ષમા ધારણ કરનારા તો આલોકમાં અનંત સાધુ પુરુષો જોવા મળે છે. પણ પોતા પાસે અપાર સામર્થ્ય હોવા છતાં દુષ્ટબુદ્ધિવાળા દુર્જનોનાં નિંદા કરવા રૂપ અનેક દુર્વચનોથી કે અનેક પ્રકારના ઉપદ્રવોથી જેમનું મન ક્ષોભ ન પામે તેવા સત્પુરુષો તો વિરલા જ હોય છે.૧૫
હે સંતો ! તમે સર્વે મારા આશ્રિત સાધુ છો, પરોપકારી સ્વભાવના અને દયાથી પીગળેલા હૃદયવાળા છો. તેથી ક્ષમા એજ તમારું સાચું આભૂષણ છે.૧૬
પૂર્વે ભગવાનના અવતાર એવા ઋષભદેવ તથા તેમના પુત્ર ભરતજી જેવી રીતે નિર્માનીપણે વર્તી ગયા છે તેવી જ રીતે તમે સર્વેને નિર્માનીપણે આ પૃથ્વી પર મારી આજ્ઞાથી વિચરણ કરવાનું છે.૧૭
હે સંતો ! જે સાધુપુરુષો આ ભૂમિ પર દુર્જન પુરુષોનાં દુર્વચનો સહન કરે છે તે પુરુષો ક્ષમાથી આ સમગ્ર ત્રિલોકીને નક્કી વશ કરી લે છે.૧૮
સર્પ જેમ કાચળીનો ત્યાગ કરી દે છે તેમ એ સાધુપુરુષો પોતાના હૃદયમાં ઉત્પન્ન થયેલા ક્રોધને ક્ષમાવડે તત્કાળ ત્યાગ કરી દે છે તેને જ સાચા સાધુપુરુષો કહેલા છે.૧૯
હે સંતો ! કોઇ પુરુષો સો વર્ષ પર્યંત દર મહિને યજ્ઞાનું અનુષ્ઠાન કરે એવો એક પુરુષ છે. તથા બીજો મનુષ્ય પોતાનો દ્રોહ કરનાર વ્યક્તિ ઉપર પણ ક્રોધ કરતો નથી. આ બેની મધ્યે ક્ષમા રાખી ક્રોધ નહીં કરનારો શ્રેષ્ઠ છે.૨૦
હે સંતો ! આલોકમાં જ્ઞાની પુરુષો જો પ્રાકૃત જીવની પેઠે ક્રોધ કરે તો, તે મૂર્ખ સમાન છે. આવા જ્ઞાની પુરુષોના જ્ઞાનનો લાભ શું ? તેનું જ્ઞાન નિરર્થક છે.૨૧
સુપાત્રમાં કરેલું દાન, વ્રત, નિયમો અને અતિશય પરિશ્રમથી કરેલું તપ આદિ સર્વે સત્કર્મો ક્રોધરૂપી અગ્નિથી ભસ્મીભૂત થાય છે.૨૨
શમ, દમ, તપ, દાન, સરળતા, લજ્જા અને દયા આ સાત સ્વર્ગ પ્રાપ્તિનાં દ્વાર છે. એમ સાધુ પુરુષો કહે છે, જ્યારે ક્રોધ છે તે નરકનું દ્વાર છે એમ વિવેકી સજ્જનો કહે છે. તેથી પોતાનાં તપ, યોગ આદિની તત્કાળ સિદ્ધિ ઇચ્છતા સાધુપુરુષોએ ક્રોધને દૂરથી જ છોડી દેવો.૨૩-૨૪
હે સંતો ! આ લોકમાં મનુષ્યોનો જે વિનાશ જોવામાં આવે છે, તેનું મૂળ ક્રોધ જ છે. તેથી સમગ્ર લોકોનો વિનાશ કરતા ક્રોધનો ધીર અને દયાળુ સંતો કેમ સ્વીકાર કરે ?૨૫
ક્રોધાતુર મનુષ્ય પાપ કર્મ કરે છે. પિતા, ભાઇ, ગુરુ આદિકની હત્યા કરે છે. વળી ક્રોધી મનુષ્ય કઠોરવાણી બોલે છે અને પોતાનાથી ગુણોમાં શ્રેષ્ઠ પુરુષોને પણ ન કહેવાનાં વચનો કહે છે.૨૬
ક્રોધમાં આવેલો પુરુષ બોલવા યોગ્ય કે નહિ બોલવા યોગ્ય વસ્તુમાં વિવેકહીન થઇ જાય છે અને તેને નહિ કરવા યોગ્ય કે નહિ બોલવા યોગ્ય જેવું કાંઇ હોતું નથી. એ બધું જ કરે છે.૨૭
હે સંતો ! ક્રોધી માનવ કરવા યોગ્ય કાર્યને પણ જાણતો નથી. સત્પુરુષોએ અને સત્શાસ્ત્રોએ બાંધેલી ધર્મમર્યાદાને પણ જાણતો નથી, તે નહીં બોલવા યોગ્ય કઠોર વચનોથી ગુરુજનોને પણ વ્યથા પહોંચાડે છે.૨૮
ક્રોધી મનુષ્ય પોતાના જીવને પણ યમસદન પહોંચાડે છે. તેથી હે સંતો ! પૂર્વોક્ત દોષોને નજર સામે રાખી ક્રોધનો સદંતર ત્યાગ કરી દેવો.૨૯
હે સંતો ! આલોક તથા પરલોકમાં સર્વકાળે પરમ સુખને પામવા ઇચ્છતા ધીર પુરુષોએ જે ક્રોધનો ત્યાગ કરી દીધો હતો તેને તમારા જેવા સંતો શા માટે સ્વીકારે ?.૩૦
હે સંતો ! આ પૃથ્વી પર જે મનુષ્ય પોતાના ઉપર ક્રોધ કરનાર વ્યક્તિ ઉપર ક્રોધ કરતો નથી તે પોતાનું અને પરનું મોટા ભયથી સર્વ પ્રકારે રક્ષણ કરે છે.૩૧
ક્યારેય પણ કોઇ અશક્ત પુરુષ બળવાનની સામે ક્રોધ કરે છે. ત્યારે તેને કોઇ સહાય ન મળવાથી પોતે જ પોતાના દેહનો ઘાત કરે છે. અથવા તો બળવાન પુરુષના હાથે શસ્ત્રાદિકથી તેનું મૃત્યુ થાય છે.૩૨
હે સંતો ! આત્મહત્યા કરનાર પુરુષની ક્યારેય પણ પરલોકમાં શુભ ગતિ થતી નથી, અસુરોને પામવા યોગ્ય ઘોર નરકની પ્રાપ્તિ થાય છે. તેથી આસક્ત પુરુષોએ ક્રોધને નિયમમાં કરવામાં જ પોતાનું હિત સમાયેલું છે.૩૩
અન્ય પુરુષથી કષ્ટ પામવા છતાં જે સમર્થ વિદ્વાન પુરુષ તેમના પર ક્રોધ કરતો નથી તે આ લોકમાં યશકીર્તિને પ્રાપ્ત કરે છે. અને પરલોકમાં સ્વર્ગાદિના ઉત્તમ સુખને પામી બહુજ મોજ કરે છે.૩૪
હે સંતો ! અશક્ત પુરુષની જેમ શક્તિમાન પુરુષ પણ જો ક્રોધનો ત્યાગ કરી દે છે તો તેને પોતાના અને પરના રક્ષણનું મોટું પુણ્ય પ્રાપ્ત થાય છે.૩૫ તેથી આ લોકમાં બળવાને અને નિર્બળ પુરુષે હમેશાં આપત્કાળમાં પારકા અપરાધોને સહન કરવા પણ ક્રોધ તો ક્યારેય કરવો નહિં.૩૬
હે સંતો ! આલોકમાં ક્રોધી પુરુષના વિજયની સંતો ક્યારેય પણ પ્રશંસા કરતા નથી, પરંતુ ક્ષમાવાન પુરુષના વિજયની જ સંતો નિત્યે પ્રશંસા કરે છે. અથવા આલોકમાં ક્રોધી પુરુષનો ક્યારેય પણ જય થતો નથી પરંતુ ક્ષમાવાન સંતોનો સદાય જય થાય છે. આવો સત્પુરુષોનો મત છે.૩૭
સત્પુરુષોના અપરાધથી જીવતાં જ મરી ગયેલા પુરુષ ઉપર કયો વિવેકી પુરુષ ક્રોધ કરીને તેને મારે ? કારણ કે, તેને મારવો એતો મડદાંને મારવા તુલ્ય નિર્રથક છે.૩૮
હે સંતો ! દુષ્ટ મનુષ્યો શસ્ત્રાદિકથી કદાચ તમારો વધ કરે છતાં તમારા જેવા તેજસ્વી, મહા મેધાવી અને દીર્ઘદૃષ્ટિ ધરાવતા સત્પુરુષો શા માટે ક્રોધ કરે ?૩૯
જે સાધુ પુરુષ કોઇ પણ નિમિત્તે ઉત્પન્ન થયેલા ક્રોધને બુદ્ધિપૂર્વક વિચારીને શમાવે છે. તે સાધુ પુરુષને વિદ્વાન પુરુષો તેજસ્વી પુરુષ માને છે.૪૦
આ લોકમાં મૂર્ખજનો છે તે જ ક્રોધને એક પ્રકારનું તેજ કહે છે. પરંતુ મનુષ્યોનો વિનાશ કરનાર ક્રોધને તેજ નહિ પણ રજોગુણ અને તમોગુણનું પરિણામ છે એમ તમે જાણો.૪૧
ક્રોધ રાજર્ષિઓનો ધર્મ હોવા છતાં તેને માટે પણ હિતકારક નથી. ક્રોધરૂપ પોતાના ધર્મનો ત્યાગ કરવો તેજ શ્રેષ્ઠ છે, પણ ક્રોધરૂપ સ્વધર્મનો સ્વીકાર કરવો હિતાવહ નથી.૪૨
જેવી રીતે બળવાન પુરુષ નિર્બળને તાડન કરે છતાં તે ક્રોધ કરતો નથી. ને ક્રોધને વશમાં રાખીને વર્તે છે. તેમ શક્તિમાન પુરુષ પણ ક્રોધને વશ કરી જીત મેળવે છે, તે સદાય સુખી થાય છે.૪૩
ક્ષમાગુણની પ્રસંશા :-- હે સંતો ! ક્ષમા એજ ધર્મ છે, યજ્ઞા છે. ક્ષમા એજ સાચું વેદાધ્યયન છે અને ક્ષમા એ જ શાસ્ત્રનું શ્રવણ છે. માટે ક્ષમા સહિત જ ધર્માદિકનું આચરણ કરવું. ક્ષમા રહિત થઇને પુરુષ જે કાંઇ પુણ્ય કર્મ કરે છે. તે બધું જ નિરર્થક છે. તેનું કાંઇ પુણ્ય થતું નથી.૪૪
હે સંતો ! ક્ષમાવાન પુરુષો યજ્ઞાનુષ્ઠાનથી પ્રાપ્ત થતા સ્વર્ગાદિ લોકથી પણ ઉપરના રાત્રી પ્રલયમાં પણ નાશ ન પામતા મહર્લોક આદિ દિવ્યલોકને પ્રાપ્ત કરે છે. તેમાં કોઇ જાતનો સંશય નથી.૪૫
હે સંતો ! ક્ષમા તેજસ્વી પુરુષોનું તેજ છે. તપસ્વીઓનું તપ છે. સત્યવાન પુરુષોનું સત્ય છે અને પવિત્ર પુરુષોની પવિત્રતા છે. તથા ક્ષમા અંતઃકરણનું શમન કરનાર પુરુષોનું શમ છે.૪૬
ક્ષમાના મહિમાને જાણતા પુરુષે નિરંતર ક્ષમા જ રાખવી. દૈવ ઇચ્છાથી પ્રાપ્ત થતા દુઃખને જેમ જેમ ક્ષમાવાન પુરુષ સહન કરતો જાય છે તેમ તેમ તે પરમાત્માની નજીક સરકતો જાય છે.૪૭
હે સંતો ! ક્ષમાવાન પુરુષને આલોકમાં સારા કુળમાં જન્મ અને રાજ્ય વૈભવાદિકના સુખની પ્રાપ્તિ થાય છે અને પરલોકમાં સ્વર્ગાદિકના સુખની પ્રાપ્તિ થાય છે. તેવી જ રીતે ક્ષમાવાન પુરુષને આલોકમાં માન, સન્માન, પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય છે અને પરલોકમાં દેવતાઓ પણ આદર કરે તેથી શુભ ગતિ પ્રાપ્ત થાય છે.૪૮
અતિશય પ્રતાપી વૈકુંઠનાથ વિષ્ણુ, બ્રહ્મા અને શિવ આ જગતના ઇશ્વરો પણ નિત્યે ક્ષમાની પ્રશંસા કરે છે.૪૯
હે સંતો ! મને પણ ક્ષમાવાન સર્વદા અતિશય પ્રિય લાગે છે. તેથી મારા આશ્રિત આ પૃથ્વી પર રહેલા તમારે સર્વએ પણ નિરંતર ક્ષમાવાન થવું.૫૦
હે સંતો ! તમે સર્વે ક્ષમાવાન અને સાધુ સ્વભાવના થઇ ધર્મે સહિત કૃષ્ણભક્તિનો શરણાગત જીવોને ઉપદેશ આપતા આપતા પૃથ્વી પર વિચરણ કરો, એવી મારી આજ્ઞા છે.૫૧
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે આજ્ઞા કરી તેથી શ્રીહરિના અંતરના અભિપ્રાયને જાણતા સંતોએ તેમની આજ્ઞા મસ્તક નમાવી ધારણ કરી. પછી બન્ને હાથ જોડી પોતાના ઇષ્ટદેવ ભગવાન શ્રીહરિને કહેવા લાગ્યા કે, હે નારાયણ ! હે પ્રભુ ! અમે સર્વે તમે કહ્યું તેમ જ કરીશું. અને તમારા પ્રતાપથી અમારી સાધુતામાં ક્રોધાદિ દોષોનું દૂષણ આવવા નહીં દઇએ.૫૨-૫૩
હે હરિ ! અમે સર્વે સંતો મન, વચન અને દેહે તમારા જ છીએ, તમારા જ છીએ. તમારા સિવાય અમારી બીજી કોઇ ગતી નથી. તેથી તમારાં પાવનકારી દર્શન અમને જલદીથી થાય એવી અમારી વિનંતી છે.૫૪
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે સંતોએ ભગવાન શ્રીહરિની પ્રાર્થના કરી પ્રણામ કર્યા અને પોતપોતાના મંડળની સાથે આઠે દિશાઓમાં અને દેશદેશાંતરમાં વિચરણ કરવા નીકળ્યા.૫૫
ભગવાન શ્રીહરિની આજ્ઞાથી દેશદેશાંતરોમાં ગયેલા સંતો જ્યાં જ્યાં વિચરણ કરતા ત્યાં ત્યાં પ્રગટ ભગવાનના પ્રાદુર્ભાવ આદિકની સઘળી વાતો કરતા. ત્યારે ધર્મના દ્વેષી જનો હતા તે પણ તે વાતોને સત્ય માનવા લાગ્યા.૫૬
યથાર્થ બોલનારા ને સુજ્ઞા એવા તે સર્વે સંતોને શાસ્ત્રવેત્તા વિદ્વાનો પણ વાદવિવાદમાં જીતવા સમર્થ થતા નહિ. પરંતુ તે સંતો જ પંડિતોને તત્કાળ પરાજિત કરી દેતા.૫૭
હે રાજન્ ! સંતોના મુખેથી ભગવાન સંબંધી અને એકાંતિક ધર્મસંબંધી વાતો સાંભળી સર્વેજનો આશ્ચર્ય પામતા અને તેમાં જે મુમુક્ષુઓ હતા તે દૃઢનિશ્ચય કરી તે સંતોનું શરણું સ્વીકારતા હતા.૫૮
તે સમયે સંતો શરણે આવેલા મુમુક્ષુઓને હરિનામનો અને પ્રગટ ભગવાન શ્રીહરિકૃષ્ણની ભક્તિનો ઉપદેશ આપતા. તથા જ્ઞાન, વૈરાગ્યાદિ ધર્મવંશનો આશ્રય કરાવી દંભાદિ અધર્મવંશના દુર્ગુણોનો ત્યાગ કરાવતા હતા.૫૯
હે રાજેન્દ્ર ! પૃથ્વીપર તે તે દેશોમાં રહેલા હજારો મનુષ્યો સંતોનું શરણું સ્વીકારી પોતપોતાના મત અને ગુરુઓનો ત્યાગ કરી પ્રત્યક્ષ શ્રીસ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવા લાગ્યા.૬૦
તે સમયે દેશાંતરમાં પુરે પુરે અને ગામે ગામે સર્વે મનુષ્યો ભેળા મળીને ભગવાન શ્રીહરિની જ વાર્તા કરતા હતા.૬૧
હે રાજન્ ! જે મનુષ્યો સંતોનું શરણું સ્વીકારી ભગવાન શ્રીહરિનું ભજન સ્મરણ કરતા તેમાં હજારો મનુષ્યોને તો તે જ ક્ષણે સમાધિની સ્થિતિ પ્રાપ્ત થતી હતી.૬૨
હે રાજન્ ! સમાધિમાં તેઓને ગોલોક આદિક ધામોનાં દર્શન થતાં અને તે તે ધામોમાં રહેલાં ઐશ્વર્યો, પાર્ષદો અને શક્તિઓએ સહિત શ્રીકૃષ્ણ ભગવાનનાં દિવ્ય સ્વરૂપોનાં દર્શન થતાં.૬૩
સંતોના યોગે પ્રગટ ભગવાન શ્રીહરિનો આશ્રય કરી તેનું ભજન-સ્મરણ કરતા હજારો નરનારીઓનો જ્યારે અંતકાળ આવે ત્યારે શ્રીહરિના પાર્ષદોજ વિમાનમાં બેસાડી ધામમાં લઇ જતા હતા.૬૪
આ પ્રમાણે ભક્તજનોને અંતકાળે તેઓનાં શરીરનો ત્યાગ કરાવી દિવ્ય વિમાનમાં બેસાડીને લઇ જતા ત્યારે ક્યારેક ક્યારેક ભક્તો અને અભક્તોને પણ આશ્ચર્યકારી પ્રત્યક્ષ દર્શન થતાં.૬૫
હે રાજન્ ! આ રીતે મનુષ્યનાટકને ધરી રહેલા અને અતિશય પ્રભાવશાળી દયાળુ સકલ ઐશ્વર્ય સંપન્ન શ્રીસ્વામિનારાયણ ભગવાન પોતાનાં પ્રત્યક્ષ દર્શન કર્યાં ન હતાં, પરંતુ સંતોના કહેવાથી શરણે થયા હતા તેવા જનોને પણ પોતાના અલૌકિક પ્રતાપનાં દર્શન કરાવતા હતા.૬૬
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં દેશદેશાંતરોમાં વિચરણ કરવા જતા સંતોને ક્રોધને નિયમમાં કરવાનો ઉપદેશ કર્યો એ નામે તેત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૩--