અધ્યાય - ૩૨ - શ્રીહરિએ શરદપૂર્ણિમાનો ઉત્સવ ઉજવ્યો અને સંતોને પૂર્વરૂપનાં દર્શન કરાવ્યાં.
શ્રીહરિએ શરદપૂર્ણિમાનો ઉત્સવ ઉજવ્યો અને સંતોને પૂર્વરૂપનાં દર્શન કરાવ્યાં. અભયપરિવારનો અપૂર્વ પ્રેમ. શ્રીહરિની પ્રતિજ્ઞા "ગઢડું મારું ને હું ગઢડાનો".
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શરદપૂર્ણિમાની રાત્રીએ આકાશમાં જ્યારે સોળે કળાએ યુક્ત ચંદ્રમાનો ઉદય થયો ત્યારે શ્રીસ્વામિનારાયણ ભગવાને ઉન્મત્તગંગાનાં જળથી સ્નાન કર્યું અને દરબારગઢની અગાસી ઉપર સુંદર સિંહાસનની સ્થાપના કરાવી તેમાં પોતાની પૂજાના બાલમુકુન્દને પધરાવી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન કર્યું અને દૂધ-સાકર મિશ્રિત ઉત્તમ પૌવાનું નૈવેદ્ય ધરાવ્યું.૧-૨
હે રાજન્ ! પછી ભગવાન શ્રીહરિએ ગીત તથા વાજિંત્રના ધ્વનિની સાથે શ્રીબાલમુકુન્દ ભગવાનની મહા આરતી કરી. મુક્તાનંદ સ્વામી આદિ કવિ સંતોએ રચેલાં ભગવાન શ્રીકૃષ્ણની રાસલીલાનાં સુંદર પદોનું ગાયકવૃંદ પ્રેમાનંદ સ્વામી આદિ સંતો દ્વારા ગાયન કરાવ્યું. આ રીતે વીણા, મૃદંગ, તાલ, ઝાંઝ આદિ વાજિંત્રોના નાદની સાથે સંતોને સંકીર્તન કરતાં કરતાં રાત્રીના ત્રણ પ્રહર વીતી ગયા. પછી ભગવાન શ્રીહરિએ બાલમુકુન્દ ભગવાનને શયન કરાવ્યું.૩-૪
ત્યારે શરદપૂર્ણિમાના રાસોત્સવનાં અને ભગવાન શ્રીહરિનાં દર્શન કરવા પધારેલાં હજારો નરનારીઓ પ્રભુને નમસ્કાર કરી પોતપોતાના નિવાસ સ્થાન પ્રત્યે ગયાં.૫
હે રાજન્ ! ભગવાન શ્રીહરિની આજ્ઞાથી પોતાના પુત્ર પરિવારે સહિત અભયરાજા પોતાના દરબારગઢમાં ગયા. પછી કેવળ સંતો જ શ્રીહરિની સમીપે બેઠા રહ્યા.૬
સંતોના અંતરનો અતિશય પ્રેમ જોઇ અનેક ઐશ્વર્યોના નિધિ ભગવાન શ્રીહરિ તેમના પર અતિશય પ્રસન્ન થયા અને તેઓને તેમના પૂર્વજન્મ અને ઐશ્વર્યનું જ્ઞાન કરાવવાની ઇચ્છાથી પોતાના મુખકમળ ઉપર જ એક દૃષ્ટિ કરી બેઠેલા સંતો પ્રત્યે કરૂણા કરી કહેવા લાગ્યા કે, હે સંતો ! બ્રાહ્મણાદિ ત્રણ વર્ણના દ્વિજાતિકુળમાં જન્મ લેનારા તમે સર્વે મારું વચન સાંભળો. તમે સર્વે ભવ, બ્રહ્મા આદિકની સમાન જગતની ઉત્પત્તિ કરવી આદિ ઐશ્વર્યને ધરનારા મરીચ્યાદિ મુનિઓ છો.૭-૮
હે સંતો ! તમે દુર્વાસા ઋષિના શાપથી આ પૃથ્વીપર મનુષ્યના ત્રણ વર્ણમાં પ્રગટ થયા છો. આ સમગ્ર રહસ્યનું ગુપ્તવૃત્તાંત તમે સર્વે તમારા અંતરમાં જ જાણી રાખો.૯
એમ કહીને ભગવાન શ્રીહરિએ પોતાના દિવ્ય સંકલ્પથી સર્વે સંતોને પોતપોતાના પૂર્વ જન્મનો પરિચય કરાવ્યો. ત્યારે સર્વે સંતોને તત્કાળ દિવ્યદૃષ્ટિ પ્રાપ્ત થઇ તેથી પોતપોતાના પૂર્વ જન્મનું અને આત્મસ્વરૂપનું દર્શન થયું.૧૦
તપશ્ચર્યા, યોગ અને સમાધિની સિદ્ધિ આદિ સકલ ઐશ્વર્ય સંપન્ન પોતાનાં મરીચિ, અત્રિ વગેરે પૂર્વરૂપનાં દર્શન કરી મહર્ષિઓ પરમ આનંદને પામ્યા.૧૧
ભગવાન શ્રીહરિને સર્વે ઐશ્વર્યે સંપન્ન સાક્ષાત્ ભગવાન નારાયણ ઋષિ જાણી સર્વે સંતોનાં મન અતિશય પ્રસન્ન થયાં અને પ્રણામ કરી ભગવાન શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સંતોના સ્વામી ! આપની પ્રસન્નતાથી પ્રાપ્ત થયેલું આ જ્ઞાન અમોને સર્વકાળે રહે, એવી અમારા અંતરની ઇચ્છા છે.૧૨-૧૩
હે રાજન્ ! સંતોનાં વચનો સાંભળી ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા કે, હે સંતો ! તમે મારું વચન સાંભળો. તમો સર્વે તમારા મૂળ સ્વરૂપના જ્ઞાનની સર્વકાળે ઇચ્છા રાખો છો તે તમારાં હિતમાં નથી.૧૪
હે સંતો ! કારણ કે અત્યારે ઘોર કળિયુગ ચાલે છે. તેમાં મનુષ્યો આસુરી સંપત્તિનો આશ્રય કરી બહુપ્રકારનાં પાપકર્મોને આચરી રહ્યા છે.૧૫
તેથી તે પાપીઓ, સંતો એવા તમારો મહિમા સમજી શકે તેમ નથી. અને તે પાપીઓમાંથી કોઇ તમારો દ્રોહ કરી તમને પીડશે, ત્યારે પોતાનું બળ અને ઐશ્વર્યને જાણતા તમે તેને સહન કરી શકશો નહિ.૧૬
સમગ્ર ઐશ્વર્યના નિધિ તમને તે સમયે દ્રોહ કરનાર દુર્જનો ઉપર ક્રોધ ઉત્પન્ન થશે. ત્યારે તેના પરિણામમાં ઉત્પન્ન થયેલા ક્રોધથી સર્વે દેહધારીઓનો આકસ્મિક વિનાશ થવો નક્કી છે.૧૭
હે સંતો ! જેમ પૂર્વે એક માત્ર ઇન્દ્રના અપરાધથી દુર્વાસાનો શાપ થતાં સમગ્ર ત્રિલોકીનો વિનાશ સર્જાયો હતો. તેમ તમારો અપરાધ કરનાર કોઇ એકાદ પાપી હશે, પરંતુ તેને લઇને ઘણા બધા નિરપરાધી જનોનો વિનાશ થઇ શકે છે.૧૮
માટે હે સંતો ! ક્ષમાશીલગુણવાળા તમે જો બહુજનોના પીડાજનક વિનાશમાં નિમિત્ત બનો તો ક્રોધ કરવામાત્રથી તમારા મહાતપનો પણ વિનાશ થઇ જાય.૧૯
હે સંતો ! એટલા જ માટે તમને તમારાં સ્વરૂપનું જ્ઞાન સર્વકાળ રહે તે ઉચિત નથી. પરંતુ ક્યારેક ક્યારેક તમે જ્યારે ધ્યાનમાં બેઠા હશો ત્યારે મારી ઇચ્છાથી એ જ્ઞાન તમને પ્રાપ્ત થશે. એ નક્કી વાત છે.૨૦
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે સર્વેશ્વર ભગવાન શ્રીહરિ જ્યાં વાત કરે છે તેવામાં જ તેમના સંકલ્પથી સર્વે સંતોને પૂર્વજન્મના જ્ઞાનની તત્કાળ વિસ્મૃતિ થઇ ગઇ.૨૨
તે સમયે પ્રભાતનો સમય થયો તેથી શ્રીસ્વામિનારાયણ ભગવાન સ્નાનાદિ નિત્યકર્માનુષ્ઠાન કરવા પોતાના નિવાસ સ્થાને પધાર્યા, અને સર્વે સંતો પણ ઉન્મત્તગંગામાં સ્નાન કરવા પધાર્યા.૨૨
હે રાજન્ ! આ રીતે જેમ પિતા પોતાના બાળકનું હિત કરે તેમ જગતપિતા ભગવાન શ્રીહરિ પોતાના સંતો, ભક્તોનું સર્વ પ્રકારે હિત થાય તેમજ આદર પૂર્વક નિત્યે કરતા હતા.૨૩
દયાના નિધિ ભગવાન શ્રી સહજાનંદ સ્વામીએ પૃથ્વી પર સમગ્ર મુમુક્ષુ જીવોનું કલ્યાણ કરવા સંતોને વિચરણ કરવા મોકલવાની મનમાં ઇચ્છા કરી.૨૪
હે રાજન્ ! દેશાંતરમાંથી આવેલા ભક્તજનો ભગવાન શ્રીહરિને પોતપોતાને ગામ લઇ જવાની ઇચ્છાથી વારંવાર બહુ પ્રકારે તેમની પ્રાર્થના કરવા લાગ્યા.૨૫
પૃથ્વી પર સર્વત્ર વિચરણ કરી ધર્મની સ્થાપના કરવા તત્પર ભગવાન શ્રીહરિ હું તમારા ગામે ચોક્કસ આવીશ, આ પ્રમાણે સર્વે ભક્તોના ભાવને વશ થઇ પ્રતિજ્ઞા કરતા હતા.૨૬
છતાં અત્યારે અભયરાજા આગળ કરેલી પ્રતિજ્ઞાનું પાલન કરતા ભગવાન શ્રીહરિ સંતમંડળની સાથે ચાતુર્માસ પર્યંત દુર્ગપુરમાં જ નિવાસ કરીને રહ્યા છે.૨૭
ત્યારપછી ભક્તિનંદન ભગવાન શ્રીહરિ દુર્ગપુરમાં અભયરાજાના દરબારમાં પ્રબોધિની એકાદશીનો મોટો ઉત્સવ ઉજવ્યો. સંતો ભક્તોની મહાસભાના મધ્ય ભાગમાં સિંહાસન ઉપર વિરાજમાન થઇ અભયનૃપતિને કહેવા લાગ્યા, કે હે રાજન્ ! મોટા મોટા ચક્રવર્તી સમ્રાટોને પણ જેમનો યોગ દુર્લભ છે એવા આ સમર્થ સંતોને તમને રાજી કરવાનો અવસર મળ્યો અને તમારી ઇચ્છા પ્રમાણે અમે ચાતુર્માસ સુધી તેઓને અહીં નિવાસ કરાવ્યો.૨૮-૨૯
અને હવે આ પૃથ્વી ઉપર મુમુક્ષુ જીવોનાં કલ્યાણને માટે દેશ પરદેશમાં વિચરણ કરવા તેઓને હું મોકલુંં છું. આ પવિત્ર સંતો ભવસાગરમાં ડૂબતા જનોનો ઉધ્ધાર કરનારા છે. એટલા માટે જ મોકલું છું.૩૦
ભગવાન કહે છે, હે નિષ્પાપ અભયનૃપતિ ! તેમજ દેશદેશાંતરથી આવેલા ભક્તજનો પણ મારા આગમનની રાહ જોઇ રહેલા છે. તેથી હું પણ અત્યારે જ સૌવીરદેશ પ્રત્યે વિચરણ કરવા જઇશ.૩૧
તમે તમારા પરિવારજનોની સાથે અહિંસા આદિ ધર્મ અને યમ આદિ નિયમોનું પાલન કરતા નિરંતર ભગવાન શ્રીકૃષ્ણની ભાવથી નવધા ભક્તિ કરજો.૩૨
અભયપરિવારનો અપૂર્વ પ્રેમ :-- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિનાં ઉપરોક્ત વચનો સાંભળી પરિવારે સહિત અભયરાજા રુદન કરવા લાગ્યા, અને વારંવાર ભગવાન શ્રીહરિને પ્રણામ કરી પગે લાગીને પ્રાર્થના કરવા લાગ્યા કે, હે કરુણાના સિન્ધુ ! તમેજ એક અમારા જીવનપ્રાણ છો. અમને એકલાં ગઢપુરમાં છોડીને તમે ક્યાં જશો ? હે પ્રાણનાથ ! તમારા જવાથી અમારા શરીરમાંથી પ્રાણ ચાલ્યા જશે.૩૩-૩૪
હે નાથ ! જો તમને અવશ્ય દેશાંતરમાં જવું જ હોય તો અમને સર્વેને તમારી સાથે લઇ જાઓ. અથવા તો તમે જ અહીં ગઢપુરમાં રોકાઇ જાઓ.૩૫
હે સંતોના સ્વામી ! અમે તમારો વિરહ સહન કરી શકીએ તેમ નથી. તેથી અમે પણ તમારી સાથે આવીશું. તેમાં કોઇ જાતનો સંશય નથી.૩૬
કદાચ તમે કહેશો કે, તમે અમારી સાથે આવશો તો તમારાં રાજ્યનું શું થશે ? તમારા દેહ નિર્વાહનું કેમ કરશો ? તો કહીએ છીએ કે, હે ભગવાન્ ! અમને રાજ્યની જરા પણ ચિંતા નથી. કારણ કે તેતો તમે પધાર્યા ત્યારથી તમને સમર્પણ કરી દીધું છે. અને બ્રહ્માંડના સર્વ જીવપ્રાણી માત્રનું તમે ભરણપોષણ કરો છો. તો અમે તમારી સાથે જ્યાં ચાલીશું ત્યાં અન્નજળ તમે આપવાના જ છો. તેમાં કોઇ સંશય નથી.૩૭
શ્રીહરિની પ્રતિજ્ઞા "ગઢડું મારું ને હું ગઢડાનો" :-- હે રાજન્ ! પરિવારે સહિત અભયરાજાનું આવા પ્રકારનું નિષ્કપટ વચન સાંભળી તેની ભક્તિને વશ થઇ પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા, હે અભયનૃપતિ ! તમે ચિંતા ન કરો. તમારા એકાંતિક ધર્મથી પ્રસન્ન થયેલા મને તમે વશ કરી લીધો છે એ તમે નક્કી જાણો.૩૮-૩૯
હે અભયરાજા ! હવેથી હું આ દુર્ગપુરમાં નિરંતર નિવાસ કરીને રહીશ, તેમાં કોઇ સંદેહ રાખશો નહિ. કોઇક સમયે દેશાંતરોમાં રહેતા ભક્તજનોને રાજી કરવા માટે જરૂર ત્યાં જઇ, તેમને રાજી કરી, ફરી પાછો અહીંજ પધારીશ.૪૦
હે રાજન્ ! મારી આજ્ઞાથી આ સમગ્ર રાજ્યનો કારભાર તમે સંભાળો, કારણ કે હું અહીંજ રોકાઇશ તેથી સર્વે ઋષિઓ અર્થાત્ સંતો-ભક્તો મારાં દર્શન કરવા દેશવિદેશમાં વિચરણ કરી ફરી ફરીને અહીં પધારશે, તેથી સંતો ભક્તોની સેવામાં ઉપયોગી આ રાજ્યનો મારી આજ્ઞાથી વ્યવહાર તમે સંભાળો.૪૧
હે અભયરાજા ! તમારી અને તમારા પરિવારજનોની નિર્દંભ નિષ્કામ ભક્તિથી હું અત્યંત વશ થયો છું. આ મારું વચન સત્ય માનો.૪૨
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભક્તપતિ ભગવાન શ્રીહરિની પાસેથી આ પ્રમાણેનું વરદાન પ્રાપ્ત થયું, તેથી પરિવારે સહિત અભયરાજા અતિશય આનંદ પામ્યા. ઉદારકીર્તિવાળા અને ભક્તજનોને સદાય સુખ આપનારા શ્રીસ્વામિનારાયણ ભગવાન અભયરાજાના રાજદરબારમાં સુખપૂર્વક નિવાસ કરીને રહેવા લાગ્યા.૪૩
પોતાના ભક્તજનોના મનોરથ પૂર્ણ કરવામાં સમર્થ ભગવાન શ્રીહરિએ અભયરાજાના રાજદરબારમાં રમણીય મંદિરમાં શ્રીરાધીકાએ સહિત ભગવાન શ્રી વાસુદેવની શાસ્ત્રવિધિ અનુસાર સ્થાપના કરી. આ પ્રતિષ્ઠાવિધિમાં મોટો ઉત્સવ ઉજવ્યો.૪૪
હે રાજન્ ! અભયરાજાએ તે વાસુદેવનારાયણની યથાયોગ્ય પ્રતિદિન સેવા પૂજા થાય તે માટે સ્વભાવથી સરળ એવા ભગવદ્ભક્ત શ્રીબેચરવિપ્રની આજીવિકા આપી પૂજારી તરીકેની નિયુક્તિ કરી. બ્રાહ્મણ શ્રેષ્ઠ બેચરવિપ્ર પણ શ્રીવાસુદેવનારાયણ ભગવાનની સમયને અનુસારે પાંચે વખત સ્નેહપૂર્વક સેવા પૂજા કરવા લાગ્યા.૪૫
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં અભયપરિવારના નિષ્કામ પ્રેમને વશ થઇ ભગવાને કાયમ માટે દુર્ગપુરમાં રહેવાની પ્રતિજ્ઞા કરી એ નામે બત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૨--