અધ્યાય - ૩૧ - અભયરાજાની પ્રાર્થનાથી સંતમંડળે સહિત શ્રીહરિએ પ્રબોધની સુધી રોકાવાનો નિર્ણય કર્યો.
અભયરાજાની પ્રાર્થનાથી સંતમંડળે સહિત શ્રીહરિએ પ્રબોધની સુધી રોકાવાનો નિર્ણય કર્યો. અભયપરિવારને થયેલું સમાધિવિના અલૌકિક દિવ્યદર્શન. અભયરાજાએ કરેલી ઊભયરૃપની અદ્ભૂત સ્તુતિ.
અભયરાજા કહે છે, હે પ્રભુ ! આ સર્વે સંતો તથા બ્રહ્મચારીઓને ચાતુર્માસ પર્યંત અહીં દુર્ગપુરમાંજ રોકાવાનો આદેશ આપો. હું મારી શક્તિ પ્રમાણે તેઓની ખૂબજ સેવા કરીશ.૧
હે શ્રીહરિ ! મુનિઓના મંડળને મધ્યે સિંહાસન પર વિરાજીત હરહંમેશ આપનાં દર્શન કરવાની મારી અભિલાષા છે. એથી તમો મુનિમંડળે સહિત અહીં નિવાસ કરીને રહો.૨
હું તમારો અનન્ય ભક્ત છું. તમે ભક્તવત્સલ ભગવાન છો. તેથી કૃપા કરીને મારી પ્રાર્થનાનો આપ સ્વીકાર કરો.૩
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે વિશુદ્ધભાવથી અભયરાજાએ પ્રાર્થના કરી તેથી વિશુદ્ધભાવનાના ભૂખ્યા ભગવાન શ્રીહરિ અભયરાજાની પ્રશંસા કરવા લાગ્યા અને મધુર વચનો કહેવા લાગ્યા.૪
ભગવાન શ્રીહરિ કહે છે, હે ધર્મનિષ્ઠ રાજન્ ! હું તમારા અંતરના નિર્મળ ભાવને યથાર્થ સમજુ છું. તેથી તમારો મનોરથ નક્કી સફળ થશે.૫
હે ભૂપતિ ! કાર્તિક સુદિ એકાદશી સુધી સંતમંડળે સહિત હું તમારા રાજભવનમાં નિવાસ કરીને રહીશ. આ પ્રમાણે કહી શ્રીહરિ હરિભક્તો પ્રત્યે કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! સંતો સિવાયના ભક્તજનો આવતી કાલે પ્રાતઃકાળે સૌ પોતપોતાના દેશ પ્રત્યે જવાનું પ્રયાણ કરજો અને સંતો તથા બ્રહ્મચારીઓ અહીં રાજદરબારમાં જ સુખેથી નિવાસ કરીને રહે.૬-૭
હે રાજન્ ! ભગવાન શ્રીહરિ આ પ્રમાણે સંતો અને ભક્તોને આજ્ઞા આપી, અભયરાજાની પ્રશંસા કરી. તેમાં અભયરાજાના નવધા ભક્તિ કરવામાં અને ધર્મપાલનમાં અડગ નિષ્ઠાની તથા વૈરાગ્ય, શ્રદ્ધા, જ્ઞાન અને સંતોની સેવા કરવામાં અતિશય આદર ભાવ આદિ અનેક સદ્ગુણોની પ્રસંશા કરી.૮
તેમજ રાજાના પુત્ર ઉત્તમની, પુત્રીઓ જયા આદિની તથા સુરપ્રભા અને સોમાદેવી બે પત્નીઓની પણ પોતાના સ્વરૂપમાં નિશ્ચળ ભક્તિ, સ્વધર્મમાં નિષ્ઠા, વૈરાગ્ય આદિ અનેક સદ્ગુણોનું વર્ણન કરી સભામાં પ્રશંસા કરી.૯
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ત્યારપછી ભગવાન શ્રીહરિ સંતો વર્ણીઓની સાથે દુર્ગપુરમાં સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા, અને દેશદેશાંતરમાંથી આવેલા ભક્તજનો પોતપોતાના દેશ, ગામ, પુર પ્રત્યે ગયા.૧૦
ભગવાન શ્રીહરિમાં દુર્વાસામુનિના બદરિકાશ્રમમાં થયેલા શાપને કારણે સખાભાવને પામેલા સમગ્ર સંતો તેમનાં નિરંતર દર્શન, સ્પર્શ, વાર્તાલાપ આદિથી બહુજ આનંદ પામવા લાગ્યા.૧૧
તેવી જ રીતે ભગવાન શ્રીહરિના સ્વરૂપમાં અનન્ય મનથી અને વિશુદ્ધ ભાવથી નિરંતર જોડાયેલા તથા નિષ્કામાદિ સ્વધર્મમાં દૃઢ નિષ્ઠાવાળાં જયાબા અને લલિતાબાના અંતરમાં અભય આદિ સર્વ કરતાં અધિક ભક્તિભાવ છલકાવા લાગ્યો.૧૨
પુત્ર પરિવારે સહિત અભયરાજા રાત્રિ દિવસ આદર અને પ્રીતિએ સહિત નિરંતર અનુવૃત્તિમાં રહીને સંતોનાં મંડળે સહિત પોતાના ભવનમાં નિવાસ કરીને રહેલા ભગવાન શ્રીહરિની નિરંતર સેવા કરવા લાગ્યા.૧૩
હે રાજન્ ! ભગવાન શ્રીહરિના પ્રાગટય દિવસને જાણતા અભયરાજા પોતાના પરિવારે સહિત સંવત્ ૧૮૬૧ ના ચૈત્ર સુદ નવમી તિથિના રોજે અતિશય સ્નેહપૂર્વક મહામૂલ્યવાન નૂતન વસ્ત્રો, અનેક પ્રકારનાં આભૂષણો, સુંદર કુંકુમ અને કેસર મિશ્રિત સુગંધીમાન ચંદન, પુષ્પોના હાર, તોરા અને ગુચ્છ તથા સુવર્ણમુદ્રા અને મહાઆરતી વગેરે મોટા રાજોપચારોથી ભગવાન શ્રીહરિની પૂજા કરી.૧૪-૧૬
ત્યારપછી અભયરાજા શ્રીહરિને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીને બન્ને હાથ જોડી તેમના સ્વરૂપને નિરખતાં સ્થિર ઊભા રહ્યા. તેવીજ રીતે પુત્ર, પુત્રીઓ આદિ પરિવાર પણ ભગવાન શ્રીહરિનાં સ્વરૂપનાં દર્શન કરતાં કરતાં સ્થિર ઊભો રહ્યો.૧૭
અભયપરિવારને થયેલું સમાધિવિના અલૌકિક દિવ્યદર્શન :-- હે રાજન્ ! સંતમંડળની મધ્યે સિંહાસન પર વિરાજમાન બ્રહ્મચારીના વેષમાં શોભી રહેલા ભગવાન શ્રીહરિનાં દર્શન કરતાં અભયરાજાને દશે દિશામાં પ્રસરતાં મહાતેજ પૂંજનાં દર્શન થયાં.૧૮
પછી અક્ષરબ્રહ્મધામરૂપ તે તેજને વિષે દિવ્ય વૃંદાવનમાં રાસમંડળની મધ્યે રાસરમણ કરી રહેલા શ્રીકૃષ્ણના સ્વરૂપનાં દર્શન થયાં.૧૯
શ્રીકૃષ્ણ ભગવાન મોરલીને વગાડી રહ્યા હતા. સોળવર્ષની કિશોર અવસ્થામાં નવીન મેઘની સમાન શ્યામ સુંદર તેમનું શરીર શોભી રહ્યું હતું. મયૂર-પીંછના મુગટને મસ્તક ઉપર ધારણ કર્યો હતો. રાસેશ્વરી રાધાના મુખચંદ્રની સામે ચકોર પક્ષીની જેમ એક દૃષ્ટિથી જોઇ રહ્યા હતા.૨૦
હાથમાં શૃંગારિક દ્રવ્યોને ધારણ કરી રહેલી ગોપીઓનાં વૃંદો ચારે બાજુથી પ્રેમ ભરેલા કટાક્ષોથી તેમનાં મુખકમળનું દર્શન કરી રહ્યાં હતાં. ભગવાન કોટિ કોટિ કામદેવને પણ મોહ ઉપજાવે તેવી શોભાને ધરી રહ્યા હતા.૨૧
હે રાજન્ ! આ પ્રમાણે પરિવારે સહિત અભયરાજાએ ભગવાન શ્રીહરિનાં શ્રીકૃષ્ણ સ્વરૂપમાં આશ્ચર્યયુક્ત દર્શન કરી નમસ્કાર કર્યા. તેવામાં તો પૂર્વની જેમ જ મુનિઓની સભામાં બ્રહ્મચારીના વેષમાં વિરાજમાન ભગવાન શ્રીહરિનાં દર્શન થયાં.૨૨
આ રીતે ભગવાન શ્રીહરિનાં દિવ્ય દર્શન થવાથી પરિવારે સહિત અભયરાજાના અંતરનો મનોરથ પૂર્ણ થયો. તેથી ફરી શ્રીહરિને નમસ્કાર કરી અતિશય હર્ષપૂર્વક બન્ને હાથ જોડી સ્તુતિ કરવા લાગ્યા.૨૩
અભયરાજાએ કરેલી ઊભયરૂપની અદ્ભૂત સ્તુતિ :-- અભયરાજા કહે છે, હે શ્રીહરિ ! તમે નૈષ્ઠિક બ્રહ્મચારીના વેષમાં શ્વેત વસ્ત્ર ધારણ કરી શોભો છો અને બીજા સ્વરૂપે તમે નટવરના વેષમાં પીતાંબર ધારણ કરી શોભો છો. બન્ને વખતે તમારું શરીર તો નવીન મેઘની સમાન શ્યામ સુંદર જ શોભે છે. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રીહરિકૃષ્ણ આપને હું નમસ્કાર કરું છું.૨૪
હે શ્રીહરિ ! એક સ્વરૂપે તમે શાંત અંતરવાળા છો અને બીજા સ્વરૂપે શૃંગારરસવાળી ગોપીઓના મંડળને મધ્યે વિરાજો છો. બન્ને વખતે તમે વિક્સિત કમળના પત્ર સમાન વિશાળ ચંચળ નેત્રોથી શોભી રહ્યા છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રીહરિકૃષ્ણ ! આપને હું નમસ્કાર કરું છું.૨૫
હે શ્રીહરિ ! એક સ્વરૂપે તમે તુલસીના કાષ્ટમાંથી નિર્મિત જપમાળાને હસ્તકમળમાં ધારણ કરી ફેરવી રહ્યા છો. અને બીજા સ્વરૂપે વૃંદાવનને વિષે સુંદર સ્વરવાળી વેણુને બન્ને હાથે ધારણ કરી વગાડી રહ્યાં છો અને બન્ને સ્વરૂપમાં પુષ્પોની મનોહર માળાઓને ધારણ કરી શોભી રહ્યા છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રીહરિકૃષ્ણ ! આપને હું નમસ્કાર કરું છું.૨૬
હે શ્રીહરિ ! એક સ્વરૂપે તમે પોતાનાં દર્શનમાત્રથી સમાધિ કરાવી અનેક જનસમુદાયને અતિ આશ્ચર્યમાં ગરકાવ કરી રહ્યા છો, અને બીજા સ્વરૂપે ગોપીઓની સાથે રાસક્રીડા કરી દેવલોકના દેવતાઓને આશ્ચર્યમાં ગરકાવ કરી રહ્યા છો. અને બન્ને સ્વરૂપે ગર્વિષ્ઠ કામદેવના ગર્વને મૂળે સહિત ઉખાડવામાં મહાચતુર જણાવો છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રીહરિકૃષ્ણ ! આપને હું નમસ્કાર કરું છું.૨૭
હે શ્રીહરિ ! એક સ્વરૂપે તમે પોતાના ભક્તજનોના સુંદર ભવનમાં આવીને વિરાજો છો. અને બીજાં સ્વરૂપે વૃંદાવનની રમણભૂમિમાં વિરાજો છો. અને બન્ને સ્વરૂપે પોતાની કરુણામય દૃષ્ટિમાત્રથી ભક્તજનોનાં મનને પોતા તરફ આકર્ષો છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રીહરિકૃષ્ણ ! આપને હું નમસ્કાર કરું છું.૨૮
હે શ્રીહરિ ! એક સ્વરૂપે તમે મસ્તક ઉપર ધારણ કરેલી પાઘમાં લટકતા અનેક પ્રકારના સુગંધીમાન પુષ્પોના તોરાઓથી ભક્તજનોનાં મન લલચાવો છો. અને બીજાં સ્વરૂપે મોરપીંછની પંક્તિથી યુક્ત મુગટની શોભાથી શોભી રહ્યા છો. અને બન્ને સ્વરૂપમાં પદ્મ આદિ ચિહ્નોથી શોભી રહ્યા છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રીહરિકૃષ્ણ ! આપને હું નમસ્કાર કરું છું.૨૯
હે શ્રીહરિ ! એક સ્વરૂપે પોતાના ભક્તજનોએ પૂજામાં અર્પણ કરેલા અનેક પ્રકારનાં કડાં,વેઢ, વીંટી આદિક આભૂષણોને તત્કાળ બ્રાહ્મણોને દાનમાં આપી દો છો. અને બીજાં સ્વરૂપે પોતાનાં એક એક અંગ ઉપર વિવિધ પ્રકારનાં આભૂષણો ધારણ કરીને શોભી રહ્યા છો, અને બન્ને સ્વરૂપમાં કાળ-માયાના ભયને ભેદતા શુભ નામને ધારણ કરો છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણસ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રીહરિકૃષ્ણ ! આપને હું નમસ્કાર કરું છું.૩૦
હે શ્રીહરિ ! એક સ્વરૂપે તમે પોતાના પ્રતાપથી આશ્રિત ભક્તજનોના કામાદિ અંતઃશત્રુઓનો વિનાશ કરો છો. અને બીજા સ્વરૂપે પોતાના આશ્રિત ગાયો, ગોપ અને ગોપીઓના શત્રુ એવા અઘાસુર આદિ દૈત્યોનો વિનાશ કરો છો. અને બન્ને સ્વરૂપમાં પોતાના ચરણકમળમાં સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરતા પોતાના ભક્તજનોના અનન્ય આત્મબંધુ થઇ વર્તો છો. એવા સમાધિમાં મને શ્રીકૃષ્ણ સ્વરૂપે દર્શન આપનારા હે ધર્મપુત્ર શ્રીહરિકૃષ્ણ ! આપને હું નમસ્કાર કરું છું.૩૧
સુવ્રત મુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે શ્રેષ્ઠ અભયરાજાએ ભક્તિભાવની સાથે ભગવાન શ્રીહરિની સ્તુતિ કરીને નમસ્કાર કર્યા. આવી તેમની ભક્તિથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિના આદેશથી તેમની સમીપે જ તે વિરાજમાન થયા. ભગવાન શ્રીહરિની પ્રાપ્તિ થતાં અભયરાજાના સંશયોની માયાજાળ નષ્ટ પામી અને તેમના સર્વે મનોરથો પૂર્ણ થયા તેથી અતિશય આનંદિત થઇ નિરંતર પ્રીતિથી ભગવાન શ્રીહરિની સેવા કરવા લાગ્યા. તેવી જ રીતે પુત્ર ઉત્તમ અને જયા, લલિતા આદિ પુત્રીઓ પણ નિરંતર પ્રીતિથી સેવા કરવા લાગ્યાં.૩૨-૩૩
હે રાજન્ ! ભગવાન શ્રીહરિ પણ પુત્રાદિ પરિવારે સહિત અભયરાજાને એકાંતિક ધર્મનો બોધ આપી નિરંતર આનંદ આપતા ત્યાં જ સુખપૂર્વક નિવાસ કરીને રહ્યા. આ રીતે અભયરાજાના રાજભવનમાં નિવાસ દરમ્યાન ભગવાન શ્રીહરિએ પૂર્વે માંગરોળ, માણાવદર અને સરધારપુરમાં ઉજવેલા જન્માષ્ટમીના ઉત્સવોની જેમ જ સંવત ૧૮૬૨ ના શ્રાવણવદ ગોકુળાષ્ટમીનો મોટો ઉત્સવ ગઢપુરમાં ઉજવ્યો અને પ્રત્યેક એકાદશી વ્રતના ઉત્સવો પણ ઉજવતા હતા.૩૪-૩૫
હે રાજન્ ! આ પ્રમાણે અભયરાજા આદિ પોતાના ભક્તજનોની પ્રસન્નતાને અર્થે સંતમંડળે સહિત ભગવાન શ્રીહરિ નિવાસ કરીને રહ્યા. તેવામાં સ્વચ્છ તારા મંડળના મધ્યે વિરાજતા અને સોળે કળાએ ખીલેલા ચંદ્રમાથી શોભી રહેલી આસો મહિનાની શરદપૂર્ણિમા પ્રાપ્ત થઇ.૩૬
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં અભયરાજાએ શ્રીસ્વામિનારાયણ ભગવાનની ઉભય સ્તુતિ કરી એ નામે એકત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૧--