અધ્યાય - ૩૦ - દુર્ગપુર પધારવા અભય રાજાની પ્રાર્થના અને શ્રીહરિનું ગઢપુરમાં આગમન.
દુર્ગપુર પધારવા અભય રાજાની પ્રાર્થના અને શ્રીહરિનું ગઢપુરમાં આગમન. અભયપરિવારનું અપૂર્વ આત્મનિવેદન. પુષ્પ- દોલોત્સવની ભવ્ય ઉજવણી. સંતસમાગમનો મહિમા. સંતસમાગમ કરવા યોગ્ય સંતનાં લક્ષણ.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ખટ્વાંગરાજાના દરબારમાં એકવખત સુખપૂર્વક વિરાજમાન અને ભક્તજનોને માટે કલ્પવૃક્ષ સમાન ભગવાન શ્રીહરિકૃષ્ણને પ્રણામ કરી દુર્ગપુરપતિ અભયરાજા બન્ને હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યા.૧
અભયરાજા કહે છે, હે ભગવન્ ! તમે દુર્ગપુર પધારવા જે સમયની પ્રતિજ્ઞા કરી હતી તે સમય તો આવી ગયો છે. તેથી અમારા ઉપર કૃપા કરો અને હવે અમારા ગઢપુર પ્રત્યે પધારો.૨
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે અભયનૃપતિનું વચન સાંભળી સત્યપ્રતિજ્ઞાવાળા ભગવાન શ્રી સહજાનંદ સ્વામી તેમને કહેવા લાગ્યા કે, હે નૃપ ! તમે સૌ તૈયાર થાઓ, આજે જ તમારા પુર પ્રત્યે પ્રયાણ કરવાનું છે.૩
એમ કહીને ભગવાન શ્રીહરિ મહાસુદ દશમીની રાત્રીએ જ સંતમંડળ તથા પરિવારે સહિત અભયરાજાને સાથે લઇને કારિયાણી ગામથી રવાના થયા.૪
તે સમયે ખટ્વાંગ રાજા પણ ભગવાન શ્રીહરિની સાથે ચાલ્યા. અને અન્ય ગામવાસી જનો ભગવાન શ્રીહરિને વળાવવાને માટે પાછળ પાછળ ગામની ભાગોળ સુધી આવી શ્રીહરિની આજ્ઞાથી તેઓ પાછાં વળ્યાં.૫
હે રાજન્ ! બીજે દિવસે વહેલી સવારે પ્રાતઃકાળે સંવત ૧૮૬૧ ના માઘસુદ એકાદશીને દિવસે ગઢપુરના પાદરમાં અભયરાજાના ગાલવ નામના સાળાએ વિવિધ પ્રકારનાં વાજિંત્રોનો ધ્વનિ કરતા કરતા સન્મુખ પધારીને ભગવાન શ્રીહરિનું સ્વાગત કર્યું.૬
પછી ગાજતે વાજતે શ્રીહરિએ ગઢપુરમાં પ્રવેશ કર્યો, અભયરાજાએ પોતાના રાજદરબારમાં જ ભગવાન શ્રીહરિને અર્થે અલગ એક ભવનનું નિર્માણ કરાવેલ તેમાં તેમનો નિવાસ કરાવ્યો. અને શ્રીહરિની સાથે પધારેલા અન્ય સંતો-ભક્તોનો બીજા હરિભક્તોના ભવનમાં નિવાસ કરાવ્યો.૭
અભયપરિવારનું અપૂર્વ આત્મનિવેદન :-- ત્યારે અભય રાજાએ પરિવારે સહિત આત્મનિવેદન કરતાં કહ્યું કે, હે શ્રીહરિ ! મારા પરિવારે સહિત હું, આ મારું શરીર, રાજ્યકોશ, રાજદરબાર આદિ સર્વે સંપત્તિ આજથી તમારી છે. આ પ્રમાણે કહીને અતિ હર્ષપૂર્વક સર્વોત્તમ પાત્રભૂત એવા ભગવાન શ્રીહરિના ચરણમાં સર્વસ્વનું સમર્પણ કરી દીધું.૮
ત્યારપછી પોતાના પુત્ર આદિ પરિવારે સહિત અભયરાજા વેતન વિનાના ચાકરની જેમ સંતો, બ્રહ્મચારી અને ભક્તોની સાથે ભગવાન શ્રીહરિની અનન્ય ભાવથી પ્રતિદિન યથાયોગ્ય સેવા કરવા લાગ્યા.૯
હે રાજન્ ! પુત્ર આદિ પરિવારે સહિત અભયરાજાએ ભગવાન શ્રીહરિની એવી સેવા કરી કે તેના પ્રભાવથી શ્રીહરિ પોતે એક મહેમાન છે. એવું ભૂલીને પોતેજ દુર્ગપુરના ઘણી છે એમ માનવા લાગ્યા.૧૦
તેવી જ રીતે અભયરાજા અન્ન, જળ અને વસ્ત્રોવડે સાધુની પણ એવી જ સેવા પરિચર્યા કરી કે પૂર્વે બીજા ભક્તજનોએ કરેલી મોટી મોટી સેવાને પણ વિસરી ગયા.૧૧
હે રાજન્ ! તે ગઢપુરમાં ગોપીભટ્ટ, બેચર, લાલજી, ભગવાનજી, રામચંદ્ર, કૃષ્ણજી આદિ વિપ્ર ભક્તજનો હતા તે પણ શ્રીહરિની દાસભાવે સેવા કરવા લાગ્યા.૧૨
તેમજ નાંજા જોગીયા, અલૈયાખાચર, રાઠોડ, નાગમાલો આદિ ક્ષત્રિય ભક્તો હતા તે પણ અત્યંત ભક્તિભાવપૂર્વક નિરંતર ભગવાન શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૧૩
તેમજ માલજી, કૃષ્ણજી, આંબો, ઉકો, હરજી, રામજી અને યોધો આદિ વૈશ્ય હરિભક્તો હતા તે પણ અતિ હર્ષથી શ્રીહરિની સેવા કરવા લાગ્યા.૧૪
સ્ત્રીભક્તોમાં રમા, અમરી, અમુલા, ક્ષેમા, દેવી, સ્વર્ણા, રતિ, ફુલ્લી અને દિવ્યા આદિ અનેક સ્ત્રીઓ પણ ભગવાન શ્રીહરિની પ્રેમથી સેવા કરવા લાગ્યાં.૧૫
પુષ્પદોલોત્સવની ભવ્ય ઉજવણી :-- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીહરિ ગઢપુરમાં પુષ્પદોલોત્સવ ઉજવવાના હોઇ અભયરાજાએ દેશદેશાંતરમાં સંદેશવાહક દૂતો મોકલી સર્વે ભક્તજનોને ગઢપુર પધારવા નિમંત્રણ મોકલ્યું.૧૬
અહીં શ્રીહરિના આદેશથી અભયરાજાએ ગાગરો, કળશો, તથા મોટા હોજ રંગથી ભરાવ્યા અને ગુલાલના મોટા મોટા ઢગલા તૈયાર કરાવ્યા.૧૭
ભગવાન શ્રીહરિએ હોળીના બીજા દિવસે અર્યમાદેવતાના ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં હરિભક્તોદ્વારા અતિશય શોભાયમાન પુષ્પોનો હિંડોળો તૈયાર કરીને બંધાવ્યો.૧૮
તે પુષ્પદોલમાં વર્ણિરાટ્ ભગવાન શ્રીહરિએ ભગવાન શ્રીબાલમુકુન્દને પધરાવ્યા અને વિધિપૂર્વક તેમનું પૂજન કર્યું. ત્યારપછી સંતો ભક્તોને પુષ્પદોલોત્સવનાં પદોનું ગાન કરવા કહ્યું અને સ્વયં શ્રીહરિ બાલમુકુન્દને ઝુલાવવા લાગ્યા.૧૯
હે રાજન્ ! તે સમયે ગાયકવૃંદમાં મુક્તાનંદાદિ સંતોએ વીણા, તાલ, મૃદંગ આદિ વાજિંત્રોના ધ્વનિની સાથે ભગવાનનાં હોળી ખેલવાનાં પદોનું ઘણીવાર સુધી ગાયન કર્યું.૨૦
પછી ભગવાન શ્રીહરિ બાલમુકુન્દ ભગવાનની આગળ જ ભક્તજનોની સાથે ગુલાલ અને રંગની ઝડીઓ વરસાવતા ખેલવા લાગ્યા. અને ઉત્સાહી ભક્તજનો પણ પરસ્પર પણ રંગ રમવા લાગ્યા.૨૦-૨૧
હે રાજન્ ! એકબાજુની જગ્યાએ સધવા નારીઓ પણ ભગવાનના મંગલમય બાલચરિત્રોનું ગાયન કરતી કરતી પરસ્પર રંગ રમવા લાગી અને વિધવા નારીઓ હતી તે જે રીતે રંગ કે ગુલાલનો પોતાને સ્પર્શ ન થાય એ રીતે દૂર ઊભા રહીને ભક્તજનોની સાથે રંગ રમતા ભગવાન શ્રીહરિનાં દર્શન કરવા લાગી.૨૨-૨૩
હે રાજન્ ! ભગવાન શ્રીહરિ અતિ મોજમાં આવી સુવર્ણની પિચકારીથી ભક્તજનોપર રંગનો છટકાવ કરતા હતા અને મુઠીઓ ભરી ગુલાલ ઉડાડતા હતા. તેને ભક્તજનો અતિ આદરથી ગ્રહણ કરી આનંદ માણતા હતા.૨૪
આ રીતે ભગવાન શ્રીહરિ ભક્તજનોની સાથે મધ્યાહ્ન સમય સુધી રંગક્રીડા કરી. પછી સૌની સાથે ઉન્મત્તગંગાનાં નિર્મળ જળમાં સ્નાન કર્યું.૨૫
ત્યારપછી ભગવાન શ્રીહરિએ પોતાની પૂજાની મૂર્તિ એવા બાલમુકુન્દ ભગવાનને ઉત્તમ પ્રકારનું મહા નૈવેદ્યનું નિવેદન કર્યું અને મહા આરતી કરી તેમને શયન કરાવ્યું.૨૬
હે રાજન્ ! પછી પરમેશ્વર ભગવાન શ્રીહરિ ચાર પ્રકારના અતિ સ્વાદુ મિષ્ટાન્ન આદિ ભોજન વડે સમસ્ત સંતો ભક્તોને ઇચ્છાનુસાર તૃપ્ત કરીને સ્વયં શ્રીહરિએ ભોજન સ્વીકાર્યું.૨૭
અને પછી તેજ દિવસે બપોરપછી ચોથા પહોરમાં અતિશય રમણીય સભાનું આયોજન કર્યું. તે સભાની મધ્યે સ્થાપન કરેલા રત્નના સિંહાસન ઉપર સ્વયં શ્રીહરિ વિરાજમાન થયા અને સંતો ભક્તો શ્રીહરિને ફરતે ચારે તરફ વીંટળાઇને બેઠા.૨૮
હે ભગવાન ! ભગવાન શ્રીહરિના મુખારવિંદ ઉપર જ એક દૃષ્ટિ રાખી સર્વે ત્યાગી એવા સંતો તથા બ્રહ્મચારીઓ તથા ગૃહસ્થ ભક્તજનો તથા સધવા અને વિધવા નારીઓ પોતપોતાને ઉચિત યથાયોગ્ય સ્થાને સભામાં બેઠાં.૨૯
ત્યારે તે સર્વે ભક્તજનોને આનંદ ઉપજાવતા ભગવાન શ્રીસહજાનંદ સ્વામી સર્વ જીવ-પ્રાણી માત્રનું મંગલ કરનારી શાસ્ત્રસંમત મધુરવાણીથી કહેવા લાગ્યા.૩૦
સંતસમાગમનો મહિમા :-- ભગવાન શ્રીહરિ કહે છે, હે ભક્તજનો ! તમે સર્વે સાવધાન થઇને મારાં વચનો સાંભળો. હું તમારા આત્યંતિક કલ્યાણને કરનારું ઉત્તમ સાધન બતાવું છું. તમારે સર્વેએ નિત્યે કાયા, મન અને વાણીથી સંતોનો સમાગમ કરવો.૩૧
અને આથી પૂર્વે જે જે જનો આલોકના બંધનમાંથી મુક્ત થયા છે તે સર્વે સંતોનો સમાગમ કરીને જ થયા છે. એમ તમે નક્કી જાણો.૩૨
કારણ કે ભગવાન શ્રીકૃષ્ણનો અનુપમ મહિમા પૂર્ણપણે સંતોના સમાગમથી જ મુમુક્ષુજનો જાણી શકે છે. તે મહિમા જાણ્યા પછી જ તેનામાં ભવબંધનમાંથી મુકાવનારી ભગવાનની નવ પ્રકારની ભક્તિ ઉત્પન્ન થાય છે.૩૩
હે ભક્તજનો ! અનાદિના અજ્ઞાનથી જેનાં જ્ઞાનચક્ષુઓ બંધ છે એવા જનોને માત્ર સંતો જ જ્ઞાનચક્ષુઓ આપી શકે છે. ધર્મ શું છે ? અને અધર્મ શું છે ? તેનું યથાર્થ જ્ઞાન પણ સંત થકી જ પ્રાપ્ત થાય છે.૩૪
વિદ્વાન પુરુષો થકી પણ ન સમજી શકાય તેવા વેદ, શાસ્ત્ર અને પુરાણના હાર્દો માત્ર સંત પુરુષો થકી જ રૂડી રીતે સમજી શકાય છે. સંતો સિવાય વિદ્વાનજનો પણ શાસ્ત્રના રહસ્યને જાણી શકતા નથી.૩૫
સંસાર સમુદ્રમાં ડૂબકાં ખાતા અને કામ, ક્રોધાદિ મોટા મગરમચ્છોની પકડમાં આવી ગયેલા જનોનો ઉદ્ધાર માત્ર સંતો જ કરી શકે છે. એ નક્કી વાત છે.૩૬
હે ભક્તજનો ! અધર્મ અને આસુરી ગુરુઓ રૂપી કાળાનાગના મુખમાંથી નીકળતા વિપરીત જ્ઞાનના ઉપદેશરૂપી હળાહળ ઝેરનું પાન કરવાથી મરણને શરણ થઇ ગયેલા મનુષ્યોનાં ઝેરને સાચું જ્ઞાન આપીને ઉતારનારા એક સત્પુરુષો જ સાચા વિષવૈદ્યો છે.૩૭
તેવી જ રીતે હે ભક્તજનો ! આત્મા અને પરમાત્માના સ્વરૂપનું યથાર્થ વિજ્ઞાન પણ માત્ર સંતોના સમાગમથી જ સમજાય છે. માટે તેવા સંતોને શાસ્ત્ર સંમત લક્ષણોથી જાણી રાખવા.૩૮
સંતસમાગમ કરવા યોગ્ય સંતનાં લક્ષણ :-- હે ભક્તજનો ! સમાગમ કરવા યોગ્ય સંતોનાં લક્ષણો તમને કહું છું. જેણે કામ અને ક્રોધ ઉપર વિજય મેળવ્યો હોય, ઇંદ્રિયોને જીતીને પોતાને વશ રાખી હોય, મત્સર રહિત હોય, નિર્માની અને નિઃસ્વાદી હોય, લોકો પાસેથી જેને કોઇ જાતની સ્પૃહા ન હોય, મમતા અને અહંકારે રહિત હોય, મન, કર્મ, વચને અહિંસા ધર્મનું યથાર્થ પાલન કરતા હોય, યથાશાસ્ત્ર બ્રહ્મચર્યવ્રતનું પાલન કરતા હોય, સત્ય અને મીઠી વાણી બોલતા હોય, સ્વભાવે દયાળુ હોય, ભગવાન શ્રીકૃષ્ણને વિષે ગાઢ અનુરાગવાળા હોય, માયિક શબ્દાદિ પંચ વિષયોના ભોગમાં વિરક્ત હોય અને પોતાના આત્માને વિષે બ્રહ્મરૂપની ભાવના કરી પ્રગટ ભગવાન શ્રીકૃષ્ણની ઉપાસના કરવામાં જ એક આસક્ત હોય.૩૯-૪૦
હે ભક્તજનો ! આવાં પ્રકારનાં લક્ષણોથી યુક્ત સંતોને મુમુક્ષુઓએ બરાબર ઓળખવા અને પછીથી જ તેનો નિરંતર સમાગમ કરવો. તેનાં અમૃત સમાન વચનો પોતાના હૃદયમાં ધારણ કરવાં અને પછી સંતો જેમ કહે તે પ્રમાણે સદાય વર્તન કરવું.૪૨
હે ભક્તજનો ! આવા પ્રકારનાં લક્ષણોથી સંપન્ન સંતો જ જીવપ્રાણીમાત્રનું સર્વ પ્રકારે હિત કરે છે. તેથી ભગવાનના સ્વરૂપમાં આસક્ત મનવાળા સંતોને વિષે જ મુમુક્ષુઓએ પૂર્ણ વિશ્વાસ કરવો.૪૩
તેઓને માનવા, પૂજવા, જમાડવા અને યથાયોગ્ય સેવા કરવી. કારણ કે, આવા સંતો છે તે જ ભગવાન શ્રીકૃષ્ણનું હૃદય છે. હવે તેના થકી આ જગતમાં કાંઇ અધિક છે નહિ. મોટામાં મોટી પ્રાપ્તિ સંત સમાગમ છે.૪૪
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિની સર્વ જીવપ્રાણીમાત્રનું હિત કરનારી વાણી સાંભળીને સભામાં ઉપસ્થિત સર્વે ભક્તજનોએ તે શ્રીહરિનાં વચનોને પોતાનાં મસ્તક નમાવી ધારણ કર્યાં. ત્યારપછી સર્વેશ્વર ભગવાન શ્રીહરિએ સર્વે ભક્તજનોને પોતપોતાના પુર પ્રત્યે જવાનો આદેશ આપ્યો. તે સમયે અભયરાજા પોતાનાં આસન ઉપરથી ઊભા થયા અને ભગવાન શ્રીહરિને પ્રણામ કરીને કહેવા લાગ્યા.૪૫
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં શ્રીહરિ દુર્ગપુર પધાર્યા અને ત્યાં પુષ્પદોલોત્સવની સત્સંગ સભામાં સંતોના સમાગમની પ્રશંસા કરી એ નામે ત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૦--