અધ્યાય - ૩૫ - હરિ ઇચ્છાએ અંગ્રેજ સરકારનું શાસન આવ્યું અને સંતોના દ્રોહીઓને શિક્ષા કરી સીધાદોર કર્યા.
હરિ ઇચ્છાએ અંગ્રેજ સરકારનું શાસન આવ્યું અને સંતોના દ્રોહીઓને શિક્ષા કરી સીધાદોર કર્યા. શ્રીહરિ અને ગવર્નરનું રાજકોટમાં મિલન.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સંતો પૃથ્વી પર અન્ય વેષે વિચરી રહ્યા હતા, તેવામાં અતિ સમર્થ ભગવાન શ્રીહરિની ઇચ્છાથી જેનો પ્રભાવ પ્રતિદિન વધતો જ રહ્યો હતો એવા વાયુ દિશામાંથી આવેલા અંગ્રેજ રાજાઓ પૃથ્વી પર સંતોનો દ્રોહ કરનારા સમસ્ત અસુર રાજાઓ ઉપર વિજય પ્રાપ્ત કર્યો.૧
ભગવાન શ્રીહરિના સંતોનું રક્ષણ કરવાથી જેનો પ્રભાવ આપોઆપ ખૂબજ વૃદ્ધિ પામ્યો છે. એવા અંગ્રેજ રાજાએ સંતોનો દ્રોહ કરવાથી જેનાં સર્વે સુકૃત નાશ પામ્યાં છે એવા આ આસુરી રાજાઓને લેશમાત્રના પ્રયાસ વિના પોતાને અધીન કર્યા.૨
હે રાજન્ ! સંતોનો દ્રોહ કરવાથી આસુરીરાજાઓનાં રાજ્ય ગયાં, સ્થાનો છિનવાઇ ગયાં, શોભા વિલીન થઇ, સગાસંબંધી, હેતુ સંતોષી, મિત્રવર્ગની સમાપ્તિ થઇ, તેથી તેઓ પૃથ્વીપર કોઇ ગુપ્ત જગ્યાએ સંતાઇને રહેવા લાગ્યા.૩
સંત તથા અસંતનાં લક્ષણોને જાણતા તે અંગ્રેજ રાજાએ શ્રીહરિના આશ્રિત સંતો સિવાયના દંભી અને વિષયાસક્ત અસુરગુરુઓને યથાયોગ્ય દંડ કર્યો.૪
હે રાજન્ ! ઉદ્ધવસંપ્રદાયના અનુયાયી સંતો કે ગૃહસ્થ હરિભક્તોને જે કોઇ આસુરીરાજાઓ કે દંભી ગુરુઓ હેરાન કરતા, તેઓને આ અંગ્રેજ રાજા પકડી પકડી ગળે ફાંસો આપી તત્કાળ મોતને ઘાટ ઉતારતા તેથી પૃથ્વીપર અતિશય આક્રોશ વ્યાપી ગયો.૫-૬
તે સમયે જે જે સંતોના દ્રોહીઓ હતા તે સર્વે અંગ્રેજ રાજાથી અત્યંત ભય પામી જ્યાં ત્યાં ગુપ્ત સ્થળે છૂપાઇને મહા કષ્ટથી દિવસો પસાર કરતા હતા.૭
શ્રીહરિ અને ગવર્નરનું રાજકોટમાં મિલન :-- હે રાજન્ ! કિંપુરુષખંડ ઉપરાંત સમગ્ર ભારતખંડમાં સત્યમાર્ગનું રક્ષણ કરતા એ અંગ્રેજ સરકારના એકાધિપત્ય ઉપર દિગ્વિજય પ્રાપ્ત કરતો તે અંગ્રેજ ગવર્નર સૌરાષ્ટ્ર પ્રાંતના રાજકોટ નામના નગરમાં આવ્યો. ત્યાં એક માસ સુધીનો તેનો પડાવ હતો.૮-૯
''શ્રીસ્વામિનારાયણ ભગવાનના સંતો ભક્તોનું રક્ષણ કરવાથી મારો ઉત્કર્ષ થયો છે'' આ પ્રમાણે તે અંગ્રેજ રાજા જાણતો હતો તેથી ભગવાન શ્રીહરિનાં દર્શન કરવાની તેને અત્યંત ઉત્કંઠા જાગી. ત્યારપછી પોતાનું નિવેદન જણાવવા એક દૂતને ભગવાન શ્રીહરિની પાસે મોકલ્યો. તે દૂત તત્કાળ ગઢપુર આવી શ્રીહરિને પ્રણામ કર્યા અને બે હાથ જોડી સ્વસ્થ મને ગવર્નરનું નિવેદન શ્રીહરિને સંભળાવવા લાગ્યો.૧૦-૧૧
ગવર્નરનો દૂત કહે છે, હે સ્વામિન્ ! મહાબળવાન અંગ્રેજ ગવર્નરનો હું રાજદૂત છું. તે ગવર્નર અત્યારે રાજકોટ નગરમાં આવ્યા છે. અન્ય સેંકડો રાજાઓ તેમની સેવા કરી રહ્યા છે.૧૨
તેમણે આપના પ્રતાપથી જ દશે દિશાઓમાં વિજય પ્રાપ્ત કર્યો છે. અત્યારે તે આપનાં દર્શનની અંતરમાં ખૂબજ ઉત્કંઠા ધરાવે છે. પછી તે મુંબઇ જવા ઇચ્છે છે.૧૩
હે વર્ણીરાજ સ્વામીજી ! જો આપની આજ્ઞા હોય તો તે ગવર્નર અહીં ગઢપુર આપનાં દર્શને આવે. અથવા આપ રાજકોટ પુર પધારી તેને ધન્ય કરો. તમે સ્વતંત્ર છો, તેથી તમારી ઇચ્છામાં આવે તે નિર્ણય લઇ શકો છો.૧૪
આ પૃથ્વીપર તે ગવર્નરના રાજ્યમાં કોઇ પણ સ્થળે આપના આશ્રિત સંતો-ભક્તોને દુષ્ટપુરુષોથી હવે કોઇ પણ પ્રકારનો ભય રહ્યો નથી. તે પણ આપ નક્કી જાણો.૧૫
હે સ્વામિન્ ! આપના અંતરમાં જે ઇચ્છા હોય તે મને જણાવો હું તે ગવર્નરને નિવેદન કરીશ. આ પ્રમાણે રાજદૂતનાં વચનો સાંભળી ભગવાન શ્રીહરિ ખૂબજ પ્રસન્ન થયા અને રાજદૂતને કહેવા લાગ્યા.૧૬
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે રાજદૂત ! આપના ગવર્નર સાહેબનું મંગળ થાઓ. કારણ કે, સત્અસત્ના વિવેકી તે ગવર્નરે અમારા સાધુઓનું દુષ્ટજનો થકી રક્ષણ કર્યું છે.૧૭
અત્યારે પૃથ્વીપર આવો રાજા મળવો દુર્લભ છે. તેથી હું તેની સમીપે આવીશ.૧૮
આ પ્રમાણે કહી ભગવાન શ્રીહરિએ રાજદૂતને ભોજન કરાવ્યું, અને ફરી તેને કહેવા લાગ્યા કે, હે રાજદૂત ! તમે અત્યારેજ આગળથી પ્રયાણ કરો અને ગવર્નરને મારા આગમનના શુભ સમાચાર જણાવો. હું અત્યારે જ ત્યાં આવવા નીકળું છું.૧૯
ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે રાજદૂતને આજ્ઞા આપી તેથી તે શુભ સંદેશો લઇ પોતાના માલિક ગવર્નર પાસે આવ્યો અને શ્રીહરિનાં વચનો યથાર્થ કહી સંભળાવ્યાં. તે સમયે રાજદૂતનાં વચનો સાંભળી ગવર્નર અતિશય ખુશ થયા અને પોતાના સેવકોને કહેવા લાગ્યા કે, હે સેવકો ! નારાયણમુનિ આજે અથવા આવતીકાલે અહીં પધારશે અને જ્યારે આ નગરમાં તેનું શુભ આગમન થાય ત્યારે હું ગમે તેવા ગુપ્ત સ્થળે હોઉં છતાં પણ મને તેમના શુભ સમાચાર તત્કાળ આપવા.૨૦-૨૧
આ પ્રમાણે પોતાના સેવકોને આજ્ઞા આપી ગવર્નર ભગવાન શ્રીહરિના સન્માન અને પૂજા માટેની સામગ્રી ભેળી કરી એક જગ્યાએ રાખીને અતિ હર્ષપૂર્વક શ્રીહરિના આગમનની પ્રતીક્ષા કરવા લાગ્યા.૨૨
હે રાજન્ ! આ પૃથ્વી પર પ્રસિદ્ધ પ્રતાપવાળા ભગવાન શ્રીહરિ પણ ગવર્નરના આમંત્રણને માન આપી પોતાની સેવામાં સદાય તત્પર રહેતા કેટલાક પદાતિઓ, પાર્ષદો, બ્રહ્મચારીઓ અને સંતોની સાથે સુંદર શિબિકામાં બેસીને બીજે જ દિવસે રાજકોટ નગર પ્રત્યે જવા નીકળ્યા.૨૩
માર્ગમાં સેંકડો અને હજારો મનુષ્યો પોતપોતાનાં કાર્યો છોડી કલ્યાણમૂર્તિ ભગવાન શ્રીહરિની પાછળ પાછળ ચાલવા લાગ્યા, તેમાંથી જે હરિભક્તો હતા તેમના અંતરમાં કેવળ ભગવાન શ્રીહરિનાં દર્શનની ઇચ્છા હતી અને બીજા મનુષ્યો હતા તે સર્વેને તો ગવર્નર સરકાર શ્રીહરિનું કેવું સન્માન કરે છે, તે જોવાની ઇચ્છા હતી.૨૪
ભગવાન શ્રીનારાયણમુનિ ગઢપુરથી નીકળ્યા એને બીજે દિવસે બપોર પછીના સમયે રાજકોટ પ્રત્યે પધાર્યા. તે શહેર અનેક રાજાઓ અને તેનાં સૈન્યને રહેવા માટે બનાવેલા તંબુઓની શિબિરથી અને તેમાં રહેલા મદોન્મત્ત હાથીઓ, ઘોડાઓ, ઊંટો, બળદો, રથો અને પાયદળો વગેરે અનેક રાજસમુદાયથી શોભી રહ્યું હતું.૨૫
શ્રીહરિની સાથે આવેલો જનસમુદાય ઉચ્ચે સ્વરે શ્રીહરિના નામનો જયઘોષ કરતા હતા. દૂર દૂર થતો શ્રીહરિનો જયઘોષ સાંભળી રાજસૈનિકો તથા પુરવાસીજનો પોતપોતાનાં આસન, ભોજન, શયન આદિ સર્વે ક્રિયાઓનો ત્યાગ કરી શ્રીહરિનાં દર્શન કરવા દોડાદોડી કરવા લાગ્યા. તે જ અવસરે રાજસેવકોએ ગવર્નરને શ્રીહરિના આગમનના શુભ સમાચાર આપ્યા.૨૬
હે રાજન્ ! ભગવાન શ્રીહરિ કરુણા કરીને અહીં પધાર્યા છે, એવા શુભ સમાચાર સાંભળતાંની સાથે અતિશય હર્ષઘેલા થયેલા ઉદાર બુદ્ધિવાળા ગવર્નર પોતાના અન્ય રાજકાજનો તત્કાળ ત્યાગ કરી શ્રીહરિની સન્મુખ પગે દોડવા લાગ્યા. તે સમયે તેમની પાછળ સમસ્ત રાજાઓનો સમુદાય પણ દોડવા લાગ્યો.૨૭
શ્રીહરિને મળવાની અતિ આતુરતા હોવાથી દોડતા આવતા ગવર્નરના શ્વાસોશ્વાસની ગતિ વધવાથી મુખ પણ પહોળું થયું અને આંખોમાંથી આનંદનાં અશ્રુઓ વહેવા લાગ્યાં. આવી સ્થિતિમાં દોડતા આવતા સાર્વભોમ ગવર્નરને જોઇને ભગવાન શ્રીહરિ શિબિકામાંથી ઉતરીને તેમની સન્મુખ જવા લાગ્યા, ત્યારે ગવર્નરે પણ સામે આવી શ્રીહરિના ચરણકમળમાં પોતાનું મસ્તક મૂકી નમસ્કાર કર્યા.૨૮
તે સમયે ભગવાન શ્રીહરિએ અતિ વહાલથી તેમને ઉઠાડયા ત્યારે ગવર્નર બહુવાર સુધી શ્રીહરિને હાથ જોડી ભગવાન શ્રીહરિના મુખકમળ સામેજ એક દૃષ્ટિ કરી ઊભા રહ્યા. તે સમયે અતિશય હર્ષને કારણે તેમના નેત્રોમાંથી હર્ષનાં અશ્રુઓ પડતાં હતાં, તે અશ્રુની સાથે જાણેકે શ્રીહરિના સંતોનો દ્રોહ કરનારા અસુર ગુરુઓ અને રાજાઓના ગર્વ, ઉદ્યમ, અભિમાન અને સુખનું પણ જાણે પતન થતું હોય તેમ જણાતું હતું.૨૯
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ત્યારપછી તે બન્ને પરસ્પર કુશળ સમાચાર પૂછતા ભગવાન શ્રીહરિ અને ગવર્નરનું આવું મિલન જોઇ જાણે બન્ને જણા આગળના જન્મના ગાઢ મિત્ર હોયને શું ? આ પ્રમાણે સર્વે મનુષ્યો માનવા લાગ્યા.૩૦
ગવર્નરે ભગવાન શ્રીહરિની સાથે પધારેલા સર્વે સંતો ભક્તોને ઉતારા અપાવી શ્રીહરિનો હાથ પોતાના હાથમાં લઇ પોતાની શિબિરમાં આવ્યા.૩૧
તે સમયે રાજકોટપુરમાં ગવર્નર પાસે પોતાનું કાર્ય સિદ્ધ કરવા આવેલા સર્વે અસુરાંશ રાજાઓ ભગવાન શ્રીહરિ ઉપર ઇર્ષ્યાભાવ રાખતા હોવા છતાં ગવર્નર અને શ્રીહરિના પ્રેમભાવ સાથેનું મિલન જોઇ અતિશય વિસ્મય પામ્યા અને પોતાના મદ અને અહંકારનો ત્યાગ કરી ભગવાન શ્રીહરિને પણ નમસ્કાર કરવા લાગ્યા.૩૨
હે રાજન્ ! તે સમયે ગવર્નરે પોતાના હાથે ઉપાડી લાવી મહામોંઘી મોટી ખુરશી મૂકી અને તેના ઉપર ભગવાન શ્રીહરિને બેસાડયા. ત્યારપછી સાથે આવેલા મુક્તાનંદાદિ સંતો ભક્તોને પણ નાની નાની ખુરશીઓ મૂકી તેમના પર બેસાડયા.૩૩
પછી ગવર્નરે દેશદેશાંતરમાંથી આવેલા રાજાઓને તથા પોતાના સેવકોને વિશાળ તંબુમાંથી બહાર મોકલ્યા અને માત્ર પોતાના બે ત્રણ મંત્રીઓની સાથે શ્રીહરિની સમીપે આવી ખુરશીઓ ઉપર બેઠા.૩૪
તે સમયે બહાર રહેલા સેંકડો રાજાઓ તથા શસ્ત્રધારી તે ગવર્નરના સેવકો દૂર ઊભા રહી તંબુની બારીઓના ગોખમાંથી શ્રીહરિનું આવું ભવ્ય સન્માન જોઇને નમ્ર ભાવે બન્ને હાથ જોડી વિનયપૂર્વક શ્રીહરિની સન્મુખ બેઠેલા ગવર્નરને ભય સહિત જોઇ રહ્યા હતા.૩૫
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ભગવાન શ્રીહરિ તથા ગવર્નરનું રાજકોટમાં મિલન થયું એ નામે પાંત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૫--