અધ્યાય - ૩૬ - ગવર્નર અને શ્રીહરિનો અદ્ભૂત સંવાદ.

Submitted by swaminarayanworld on Thu, 06/07/2017 - 10:00am

અધ્યાય - ૩૬ - ગવર્નર અને શ્રીહરિનો અદ્ભૂત સંવાદ.

ગવર્નર અને શ્રીહરિનો અદ્ભૂત સંવાદ. શ્રીહરિનું ગઢપુરમાં પ્રત્યાગમન.

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ત્યારપછી નીતિશાસ્ત્રમાં પારંગત તે ગવર્નર રાજા બે હાથ જોડી વિનયથી નમ્ર થઇ ભગવાન શ્રીહરિને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! આજે તમારાં દર્શનથી મને બહુજ આનંદ થયો છે. હું તમને માનવના સ્વરૂપમાં છૂપાયેલા સાક્ષાત્ પરમેશ્વરજ જાણું છું. તમે સાક્ષાત્ પરમેશ્વર છો, એ વાત નક્કી જ છે.૧-૨

કારણ કે, જો એમ ન હોય તો તમારા આશ્રિત ભક્તજનો અને આ સંતો કામ, ક્રોધાદિ મહા બળવાન અંતઃશત્રુઓ ઉપર વિજય મેળવી સાંસારિક વિષયોમાંથી કેવી રીતે વિરામ પામે ? કારણ કે તે કામ, ક્રોધાદિ અંતઃશત્રુઓ આ બ્રહ્માંડમાં નિવાસ કરી રહેલા બ્રહ્માદિ દેવોથી માંડી કીટ પર્યંતના સમસ્ત જીવપ્રાણીમાત્રને ક્ષોભ પમાડનારા છે. માટે પરમેશ્વરની કૃપા વિના અન્ય તેને કોઇ જીતી જ ન શકે.૩

હે સ્વામિન્ ! તમારા આશ્રિત સંતોને સચ્છાસ્ત્રમાં કહેલાં લક્ષણોએ યુક્ત સાચા જાણી, તેમનો દ્રોહ કરનારા અને દંભથી જીવન જીવતા અતિદુષ્ટ અસાધુઓને મેં દંડ કર્યો છે.૪

તમારા સાચા સંતોનો દ્રોહ કરનારા આસુરી ગુરુઓ અને રાજાઓનો પણ મેં વિનાશ કર્યો છે. તેમ છતાં કેટલાક તે અસુરો પૃથ્વી પર ગુપ્ત સ્થળે ક્યાંક ક્યાંક નિવાસ કરીને રહે છે.૫

હે વર્ણિરાજ ! હે સ્વામિન્ ! આ પૃથ્વી પરના ઘણા ખરા રાજાઓને મેં અનાયાસે અધિન કર્યા છે તે આપના પ્રતાપનું જ પરિણામ છે, એમ હું જાણું છું.૬

સર્વ જીવપ્રાણી માત્રનું અકારણ હિત કરતા આપના આ સંતો હવે ભલે પૂર્વની માફક જ પૃથ્વીપર સુખપૂર્વક વિચરણ કરે. કારણ કે આપનો કે આપના સંતો ભક્તોનો દ્રોહ કરનારા દુષ્ટજનોનો વધ જ કરવો, એવો મેં નિર્ણય લીધો છે.૭

હે રાજન્ ! આ પ્રમાણેનું પૃથ્વીપતિ ગવર્નરનું વચન સાંભળી ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા કે, હે ભૂપતિ ! તમે બહુ સુજ્ઞા છો. જે કાંઇ કરતા હશો તે ન્યાય સંગત જ કરતા હશો.૮

ધર્મનું અને ધર્મનું રક્ષણ કરનાર સંતોનું સર્વથા રક્ષણ કરવું અને તેનો દ્રોહ કરનાર દુષ્ટ જનોને યથાયોગ્ય દંડ આપવો, તેમજ પ્રજાનું પુત્રની જેમ પાલન પોષણ કરવું, તે જ રાજાનો શ્રેષ્ઠ ધર્મ છે. એમ સત્પુરુષો કહે છે. સદ્ધર્મનું રક્ષણ કરવાથી આ પૃથ્વી પર તમારો ઉત્કર્ષ વધી રહ્યો છે અને અધર્મનો પક્ષ લેનારા અન્ય રાજાઓનો દિન પ્રતિદિન ક્ષય થઇ રહ્યો છે.૯-૧૦

હે નૃપ ! કિંપુરુષ ખંડમાંથી અહીં ભારતદેશમાં તમારું જે આગમન થયું છે તે પરમેશ્વરના સંકલ્પથી ધર્મની રક્ષા કરવા માટેજ થયું છે. આટલું નક્કી છે.૧૧

તમે જો આવી રીતે ધર્મમાર્ગ ઉપર નીતિથી વર્તતા રહેશો તો સર્વે રાજાઓના અધિપતિ સાર્વભૌમ રાજા થશો.૧૨

પૂર્વે જે જે પ્રસિદ્ધ રાજાઓ આ પૃથ્વી ઉપર મહા ઉત્કર્ષને પામ્યા છે, તે સર્વે રાજાઓ સદ્ધર્મનું અને સંતોનું રક્ષણ કરવાથી અને નીતિનું પાલન કરવાથી જ વૃદ્ધિ પામ્યા છે. બીજા કોઇ ઉપાયથી નહિ. આટલી વાત પણ તમે નક્કી માનજો.૧૩

ભગવાન શ્રીહરિનું આવું વચન સાંભળી ભવબંધનમાંથી મુક્ત થવા ઇચ્છતા મુમુક્ષુ ગવર્નર રાજા પોતાના કલ્યાણનો ઉપાય શ્રીહરિને પૂછવા લાગ્યા કે, હે સ્વામિન્ ! આપની કૃપાથી હું આલોકના સમસ્ત રાજ્ય વૈભવાદિ સુખને પામ્યો છું. પરંતુ દેહના મૃત્યુ પછી પણ મને પરમસુખ પ્રાપ્ત થાય એમ હું ઇચ્છુ છું.૧૪-૧૫

હે જગદ્ગુરુ ! તમે તમારા આશ્રિત જીવોને જન્મ મરણરૂપ સંસૃતિના બંધનમાંથી મુક્ત કરો છો. એથી હું પણ આજથી તમારે શરણે આવ્યો છું.૧૬

તે કારણથી તમે મને મારી મુક્તિનો ઉપાય કહો. જેનું અનુષ્ઠાન કરવાથી હું પણ મહા આપત્તિરૂપ આ સંસૃતિમાંથી તત્કાળ મૂકાઇ જાઉં.૧૭

ગવર્નર રાજાનાં વચનો સાંભળી ભગવાન શ્રીહરિ કહેવા લાગ્યા કે, હે નૃપ ! તમે આ બહુ સારો નિર્ણય કર્યો છે. આવા પ્રકારના નિર્ણયથી તમારું આત્મકલ્યાણ અવશ્ય થશે અને તેથી જ મેં નક્કી કરેલું સચ્છાસ્ત્ર સંમત જીવના કલ્યાણનું સાધન હું તમને કહું છું, તેને તમે સાંભળો.૧૮

પ્રાકૃત શબ્દાદિ પંચવિષય સંબંધી જે સુખ છે, તે તો જીવાત્માઓને સર્વે પ્રકારની જાતિના દેહોમાં પ્રાપ્ત થવું સુલભ છે. પરંતુ અનાદિ સંસૃતિના બંધનમાંથી મુક્તિ તો કેવળ એક મનુષ્ય દેહ થકી જ સિદ્ધ થાય છે.૧૯

સર્વે પુરુષાર્થો જેના થકી મેળવી શકાય એવો આ માનવજન્મ મળવો ઘણો દુર્લભ છે. બહુ પુણ્યને અંતે મળ્યા પછી પણ ક્ષણભંગુર એવા મનુષ્યશરીરનો નાશ પણ અવશ્ય થાય છે. તેમાં કોઇ જાતનો સંશય નથી.૨૦

એટલા માટે ક્ષણભંગુર છતાં ચિંતામણિ-તુલ્ય આ માનવશરીર જ્યાં સુધી પોતાના વશમાં હોય ત્યાં સુધીમાં ડાહ્યા મનુષ્યોએ આત્મકલ્યાણ સાધી લેવું જોઇએ.૨૧

તેમાં ભગવાનની ભક્તિ કરવી એ આત્મકલ્યાણનું સર્વોત્તમ સાધન છે. એમ મારું માનવું છે. પરંતુ તે ભક્તિ સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત જ દૃઢપણે કરવી, એકલી ભક્તિ સિદ્ધ થાય નહિ.૨૨

અને મેં કહેલાં આ અંગે સહિત ભક્તિ કરવાનો સિદ્ધાંત તે સમગ્ર સત્શાસ્ત્રનો સિદ્ધાંત છે. તેથી હે રાજન્ ! તમે સ્વધર્માદિ ત્રણે અંગે સહિત ભગવાનની ભક્તિ કરો. તેનાથી તમો સંસારમાંથી મુક્ત થશો.૨૩

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીહરિનાં વચનો સાંભળી ગવર્નર રાજા બહુ જ પ્રસન્ન થયા અને સ્વધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત ભક્તિનાં લક્ષણો ફરી શ્રીહરિને પૂછયાં.૨૪

ત્યારે ભગવાન શ્રીહરિએ તેમને સર્વેનાં યથાર્થ લક્ષણો સમજાવ્યાં. તે સાંભળી અતિશય વિચક્ષણ અને પ્રસન્ન થયેલા ગવર્નર શ્રીહરિને કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! તમે જ મનુષ્યાકૃતિમાં રહેલા પ્રગટ ભગવાન છો. તેથી નિરંતર હું આપની જ ભક્તિ કરીશ.૨૫-૨૬

હે દિવ્ય મૂર્તિ પ્રભુ ! આજ દિવસથી આરંભીને હું મારા કુટુંબ પરિવારે સહિત આપનો છું. આ પ્રમાણે કહી ગવર્નર ભગવાન શ્રીહરિને આદરપૂર્વક સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરવા લાગ્યા.૨૭

ત્યારે શ્રીહરિએ તેમને ઊભા કર્યા અને કહેવા લાગ્યા કે, હે રાજન્ ! હું તમારા ઉપર ખૂબજ પ્રસન્ન થયો છું. તેથી મારી પાસેથી તમે કાંઇક વરદાન માગો. ત્યારે ગવર્નરના નેત્રોમાંથી આનંદનાં અશ્રુઓ વહેવા લાગ્યાં અને બે હાથ જોડી ભગવાન શ્રીહરિને કહેવા લાગ્યા કે, હે સ્વામિનારાયણ ! હે હરિ ! આજે આપનાં શ્રીચરણોમાં મારી એવી પ્રાર્થના છે કે મારાથી જાણે અજાણે થયેલાં સમગ્ર પાપકર્મમાંથી આજે જ મને મુક્તિ મળે.૨૮-૨૯

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! તે સમયે ભગવાન શ્રીહરિએ ''તથાસ્તુ'' કહીને ગવર્નરને વર આપ્યો અને અહિંસા આદિક મુખ્ય નિયમોનો ઉપદેશ કરી સ્વતંત્ર હોવાથી પોતાના આસન થકી ઉઠવાની ઇચ્છા કરી.૩૦

ભગવાનનો અભિપ્રાય જાણીને તે સમયે જ રાજાએ તરત ભેળા કરી મૂકેલા પૂજાના ઉપચારો લાવીને મંત્રીઓની સાથે શ્રીહરિની પૂજા કરી. પછી મુક્તાનંદ સ્વામી આદિક મુનિમંડળની સ્નેહથી પૂજા કરી.૩૧

પછી બહુ મૂલ્યવાળાં રમણીય વસ્ત્રો તથા સુવર્ણનાં આભૂષણો પણ શ્રીહરિના ચરણમાં અર્પણ કર્યાં. અને પુષ્પ નિર્મિત મનોહર હારો, તોરાઓથી તથા મહાથાળમાં ભરેલી સોપારી, તાંબૂલ, એલાયચી આદિકથી પૂજા કરી.૩૨

પછી બે હાથ જોડી ઉભા રહેલા ગવર્નર રાજાની રજા લઇ ભગવાન શ્રીહરિ ત્યાંથી રવાના થયા. ત્યારે રાજા પણ શ્રીહરિને વળાવવા ઘણે દૂર સુધી પાછળ પાછળ આવ્યા. તે સમયે શ્રીહરિએ તેમને આગ્રહપૂર્વક પાછા વાળ્યા અને સ્વયં પોતાને ઉતારે પધાર્યા.૩૩

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! શ્રીહરિને ગવર્નર આટલો બધો આદર આપી રહ્યા હતા ત્યારે શ્રીહરિનો દ્વેષ કરનાર અસુર રાજાઓ પણ પરમ વિસ્મય પામી ગયા અને પોતાનું અભિમાન છોડી માર્ગમાં ચાલ્યા જતા શ્રીહરિને કતારબંધ ઊભા રહીને પ્રણામ કરતા હતા.૩૪

હે રાજન્ ! ગવર્નર પાછા પોતાના ભવનમાં જઇ સભામાં સર્વે રાજાઓને બોલાવ્યા અને કહેવા લાગ્યા કે, હે રાજાઓ ! તમારે સર્વેને આ શ્રીસ્વામિનારાયણનો અને તેમના સંતોનો હમેશાં આદર સત્કાર કરવો.૩૫

મારાં વચનનો અનાદર કરી કોઇ પણ રાજા તેઓને ઉપદ્રવ કરી પીડા આપશે, તો તેનો હું વધ કરીશ. તેમાં કોઇ સંશય નથી. આ પ્રમાણે ગવર્નરે સર્વે રાજાઓને આદેશ આપ્યો, ત્યારે તે સર્વે રાજાઓ નમ્ર થઇ ગવર્નરનાં વચનો પોતાનાં મસ્તક ઉપર ચડાવ્યાં.૩૬

સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ત્યારથી આરંભીને પૃથ્વી પર ગામે ગામ અને નગરે નગર એક એવો ઉદ્ઘોષ વ્યાપી ગયો કે શ્રીનારાયણમુનિ અને તેમના સંતોને રાજા આદિ સર્વેએ આદરસત્કાર કરવો, પરંતુ કોઇએ અપમાન કરવું નહિ.૩૭

હે નરાધિપ ! અહીં ઉતારે પણ ગવર્નરના સેવકોએ ભગવાન શ્રીહરિનો ખૂબ જ ભાવથી આતિથ્ય સત્કાર કર્યો. ને ત્યાં રાજકોટ પુરમાં એક રાત્રી નિવાસ કરીને પ્રાતઃકાળે ભગવાન શ્રીહરિ આગળ જવાની ઇચ્છા કરી.૩૮

ત્યારપછી શ્રીસહજાનંદ સ્વામીએ પોતાની સેવામાં નિયુક્ત કરાયેલા ગવર્નરના રાજમંત્રીને બોલાવીને કહ્યું કે, હે મંત્રીઓ ! મારે ગઢપુર જવાની ઉતાવળ છે. તેથી તમે તત્કાળ ગવર્નરને અમારા જવાના સમાચાર જણાવો.૩૯

શ્રીહરિનું વચન સાંભળી મંત્રી તત્કાળ ગવર્નરની સમીપે આવી શ્રીહરિના જવાના સમાચાર આપ્યા. ત્યારે તે ગવર્નરે પણ શ્રીહરિને પરમાત્મા હોવાથી સ્વતંત્ર છે એમ જાણતા હોવાથી તત્કાળ તેમની સમીપે આવ્યા ને પ્રણામ કર્યાં. ત્યારે શ્રીહરિએ પણ તેમને આદર આપ્યો. પછી શ્રીહરિ જવા તૈયાર થયા છે એમ જાણીને ગવર્નર નિર્માની થઇ બેહાથ જોડી ને કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! અતિ કૃપા કરીને તમે મારા ઉપર મોટો અનુગ્રહ કર્યો છે. આપના આવવાથી આજ મારા માનવ જન્મનું સુકૃત સફળ થયું.૪૦-૪૨

હે હરિ ! તમને અહીં પાંચ દિવસ રોકવાની મારા અંતરમાં ઇચ્છા હતી, પરંતુ આપ તો આજ જ જવા તૈયાર થયા છો. હે સ્વામી ! તમે તો સ્વતંત્ર છો, તમને કોણ રોકી શકે.૪૩

શ્રીનારાયણમુનિ પણ ગવર્નરના બહુ મહિમાપૂર્વકના ભાવને જોઇ કહેવા લાગ્યા કે, હે રાજન્ ! તમે સત્શાસ્ત્રોક્ત સાચા સાધુનાં લક્ષણ જાણતા હોવાથી અમારા સંતોનું દુષ્ટ રાજાઓ અને ગુરુઓના ત્રાસ થકી રક્ષણ કર્યું છે.૪૪

ત્યારથી આરંભીને મારો તમારા ઉપર બહુ રાજીપો થયો છે. પરંતુ અત્યારે તમારી નિષ્કામ ભક્તિ જોઇને પરિવારે સહિત તમારા ઉપર હું ખૂબજ પ્રસન્ન થયો છું.૪૫

હે રાજન્ ! તમારી નિષ્કપટ ભક્તિને વશ થઇ બે ત્રણ દિવસ અહીં રોકાવાનું મન થાય છે. પરંતુ દૂર દેશાંતરોમાંથી આવીને ભક્તજનો ગઢપુરમાં મારી રાહ જોઇ રહ્યા છે.૪૬

તેઓને સંતોનાં તર્પણ કરવાં આદિક અનેક ઇચ્છાઓ છે. તેથી તે સંબંધી અનેક કાર્યો મારે કરવાનાં છે. છતાં તમારા પ્રેમને વશ થઇ હું તત્કાળ અહીં તમને મળવા આવ્યો.૪૭

દૈવ ઇચ્છાએ આપણાં બન્નેનું મિલન થયું. અને તમારા મનની ઇચ્છા હતી તે પણ પૂરી થઇ તેથી હવે દેશદેશાંતરમાંથી આવેલા તે ભક્તોને રાજી કરવા માટે ગઢપુર જવાની ઉતાવળ છે.૪૮

હે રાજન્ ! ધર્મથી પૃથ્વીનું પાલન કરજો. સાધુ તથા બ્રાહ્મણોનું રક્ષણ કરજો, દુર્બળ ગરીબજનો ઉપર હમેશાં દયા રાખજો. હવે હું ગઢપુર જવા પ્રયાણ કરું છું.૪૯

ત્યારે ગવર્નર રાજા પ્રેમથી કહેવા લાગ્યા કે, હે પ્રભુ ! આપ અહીંથી અવશ્ય પધારવાના જ હો તો કાંઇ વાંધો નહિ. પરંતુ સંતો અને ભક્તોએ સહિત આપ ભોજન કરીને પછી પધારો.૫૦

સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજન્ ! ગવર્નર રાજાનું વચન સાંભળી ભગવાન શ્રીહરિએ તેમને ''તથાસ્તુ'' કહ્યું. તેથી ગવર્નરે ચાર પ્રકારનાં યથાયોગ્ય ભોજનો તૈયાર કરાવ્યાં.૫૧

ત્યારપછી ભગવાન શ્રીહરિએ ગવર્નરને રાજી કરવા માટે પોતાના સમસ્ત સંતો બ્રહ્મચારીઓ અને ભક્તોને ખૂબ જમાડયા, પછી પોતે પોતાને હાથે તૈયાર કરેલ ભોજન ઠાકોરજીને નૈવેદ્ય ધરીને જમ્યા. અને બપોર પછી ગઢપુર જવા માટે સૌ સજ્જ થયા.૫૨

પોતાના નિવાસ સ્થાનેથી બહાર નીકળી ભગવાન શ્રીહરિ સુંદર અશ્વ ઉપર આરુઢ થયા. ત્યારે ગવર્નર પણ પોતાની ચતુરરંગીણી સેનાની સાથે બેન્ડ વાજાં આદિક અનેક પ્રકારનાં વાજિંત્રોને વગાડતા વગાડતા શ્રીહરિને વળાવવા તેમની પાછળ પાછળ ચાલ્યા અને ગવર્નર પાસે પોતાનું કાર્ય સિદ્ધ કરવા આવેલા દેશ દેશાંતરના રાજાઓ પણ શ્રીહરિની પાછળ વળાવવા ચાલ્યા.૫૩

શ્રીહરિનું ગઢપુરમાં પ્રત્યાગમન :-- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ગવર્નર દૂર દૂર સુધી શ્રીહરિને વળાવવા પાછળ આવ્યા, અને શ્રીહરિને છોડીને પાછા જવાની મનમાં લેશ માત્ર ઇચ્છા થતી ન હતી, છતાં પણ ભગવાન શ્રીહરિએ પોતાના અનન્ય ભક્ત ગવર્નરને બહુ પ્રકારના પ્રયાસથી સમજાવી પાછા વાળ્યા, અને સ્વયં બહુજ પ્રસન્ન થતાં સાધુ, બ્રહ્મચારી, અને પાર્ષદોની સાથે દુર્ગપુર પરત પધાર્યા.૫૪

તે સમયે અભયરાજાએ સહિત સમસ્ત ગઢપુરવાસી જનો વાજિંત્રોના નાદની સાથે ભગવાન શ્રીહરિનું સ્વાગત કરવા માટે પુરની બહાર સન્મુખ આવ્યા. તેઓની સાથે સ્વતંત્ર ભગવાન શ્રીહરિ અભયરાજાના રાજભવનમાં પધારી સર્વે પોતાના આશ્રિત સંતો ભક્તોને આનંદ ઉપજાવતા ત્યાંજ નિવાસ કરવા લાગ્યા.૫૫

પછી દેશદેશાંતરમાં વિચરણ કરતા સર્વે સંતોને ભગવાન શ્રીહરિએ ગઢપુર પ્રત્યે બોલાવ્યા, અને મોટી સભા કરીને સર્વે સંતો પ્રત્યે રાજકોટપુરનું સમગ્ર વૃત્તાંત કહી સંભળાવ્યું.૫૬

પછી ભગવાન શ્રીહરિ કહે છે. હે સંતો ! આ પૃથ્વી પર પાપકર્મ કરતા અને તમને ઉપદ્રવ પમાડતા આસુરી રાજાઓ અને ગુરુઓનો વિનાશ ભગવાન શ્રીકૃષ્ણે ગવર્નર રાજા દ્વારા કરેલો છે.૫૭

તેથી હે નિષ્પાપ સંતો ! તમે સર્વે પૂર્વની માફક જ આપણા ઉદ્ધવ સંપ્રદાયની રીત પ્રમાણે ઊર્ધ્વપુંડ્ર તિલક આદિ ચિહ્નો ધારણ કરીને સુખેથી ભૂમિપર વિચરણ કરો.૫૮

હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિનાં વચનો સાંભળી સર્વે સંતો અતિશય આનંદ પામ્યા અને ગવર્નરનું આગમન અને અસુર ગુરુઓ અને રાજાઓનો થયેલો ઉચ્છેદરૂપ સમગ્ર પ્રભાવ તો આ ભગવાન શ્રીહરિનો જ છે. એ પ્રમાણે અંતરમાં જાણી શ્રીહરિના સ્વરૂપમાં દૃઢ નિશ્ચયવાળા સર્વે સંતોએ પૂર્વની પેઠે જ ઉદ્ધવસંપ્રદાયનાં ચિહ્નો ધારણ કરી વર્તવા લાગ્યા.૫૯

તે સમયે સમસ્ત સંતો પાંચ દિવસ સુધી ગઢપુરમાં શ્રીહરિની સમીપે નિવાસ કરીને રહ્યા, અને ત્યારપછી શ્રીહરિની આજ્ઞાથી દેશાંતરમાં વિચરણ કરવા જવા તૈયાર થયા ત્યારે અભયરાજાએ ભગવાન શ્રીહરિને સંતોને ગઢપુરમાંજ રોકાવાની પ્રાર્થના કરી તેથી ભગવાને સર્વ સંતોને એક માસ સુધી ત્યાંજ નિવાસ કરવાનો આદેશ આપ્યો.૬૦

હે રાજન્ ! વિક્રમ સંવત ૧૮૬૪ ના માઘ માસના સમયગાળામાં ઉપરોક્ત રાજકોટપુરમાં ગવર્નરને મળવાનાં ચરિત્રનો ભગવાન શ્રીહરિએ વિસ્તાર કર્યો.૬૧

આ પ્રમાણે અતિશય પ્રતાપશાળી, ધર્મપ્રિય, પૂર્ણકામ એવા શ્રીસ્વામિનારાયણ ભગવાને ધર્મના દ્વેષી અસુર ગુરુઓ અને અસુર રાજાઓનો પરાભવ ગવર્નર રાજા દ્વારા કરાવ્યો અને દેશાંતરમાંથી બોલાવેલા સંતો સાથે ગઢપુરમાંજ નિવાસ કરીને રહેવા લાગ્યા.૬૨

આ ચરિત્રની ફલશ્રુતિ :-- સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! મહાપ્રતાપી ભગવાન શ્રીહરિનનું આ પાવનકારી ચરિત્રનું જે ભક્તજન કીર્તન કરશે અથવા સાંભળશે તે ભક્તજનને ભગવાન શ્રીહરિની પ્રસન્નતાથી સર્વદેશ અને સર્વકાળમાં વિજય પ્રાપ્ત થશે, તેમજ તેને ચારે પુરુષાર્થની સિદ્ધિ પણ થશે. આટલી વાત નક્કી છે.૬૩

આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ ગવર્નરને આપેલ ઉપદેશ અને ભક્તિનાં વરદાનનું નિરૂપણ કર્યું તથા ગઢપુરમાં પાછા પધારી સંતોને બોલાવી ત્યાં નિવાસ કરાવ્યો એ નામે છત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૬--