અધ્યાય - ૩૭ - શિયાણીના શિવરામવિપ્રે ગઢપુરમાં આવી ભગવાન શ્રીહરિને પૂછેલા ઉદ્ધવ સંપ્રદાયને પ્રકાશન કરનારા અઢાર પ્રશ્નો અને તેના ઉત્તરો.
શિયાણીના શિવરામવિપ્રે ગઢપુરમાં આવી ભગવાન શ્રીહરિને પૂછેલા ઉદ્ધવ સંપ્રદાયને પ્રકાશન કરનારા અઢાર પ્રશ્નો અને તેના ઉત્તરો.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! સંવત ૧૮૬૪ ના ફાગણસુદ એકાદશીને દિવસે પ્રાતઃકાળે સ્નાન, સંધ્યા આદિ નિત્ય કર્મમાંથી પરવારી ભગવાન શ્રીહરિએ શ્રીકૃષ્ણ ભગવાનની પૂજાનો મોટો ઉત્સવ ઉજવ્યો. પછી અભયરાજાના દરબારના ચોકમાં રાત્રીના સમયે સુંદર સભાનું આયોજન કર્યું. તે સમયે ભગવાન શ્રીહરિના આશ્રિત સંતો-ભક્તો પોતપોતાની મર્યાદા પ્રમાણે સભામાં બેઠા હતા.૧-૨
તે સભાની મધ્યે ઊંચા સિંહાસન ઉપર સ્વયં શ્રીહરિ જેમ આકાશને વિષે તારામંડળની મધ્યે શરદઋતુનો ચંદ્રમા શોભે તેમ શોભી રહ્યા હતા.૩
હે રાજન્ ! તે સમયે ત્યાગી સંતોએ તથા ગૃહસ્થ ભક્તજનોએ જુદુંજુદું શ્રીહરિનું પૂજન કર્યું. તથા રાત્રિને વિષે શ્રીકૃષ્ણ ભગવાનનાં સંકીર્તન સાથે જાગરણ કરવા લાગ્યા.૪
તે સમયે શિવરામ વિપ્ર નામના એક ઉત્તમ બ્રાહ્મણ ત્યાં આવ્યા. તે બહુ બુદ્ધિમાન હતા. શિયાણી ગામના એ વિપ્ર મુમુક્ષુ અને ધાર્મિકવૃત્તિવાળા અને કવિત્વશક્તિને ધરનારા હતા.૫
સર્વત્ર ભગવાનપણાની પ્રસિદ્ધિને પામેલા શ્રીસ્વામિનારાયણ ભગવાનની જ્ઞાતિ, સંપ્રદાય અને દેશ આદિ જાણવાની ઇચ્છાથી સૌવીરદેશના રાજા હરિસિંહે તેમને ગઢપુર મોકલ્યા હતા.૬
હે રાજન્ ! સભામાં પધારેલા શિવરામવિપ્રે શ્રીહરિ તથા સંતોને પ્રણામ કર્યા. તે સમયે શ્રીહરિએ તેમનો આદર સત્કાર કર્યો અને આસન આપી સભામાં બેસાડી તેમને આગમનનું કારણ પૂછયું. તેથી તે વિદ્વાન વિપ્ર શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામિન્ ! આ પૃથ્વીપર નવીન સંપ્રદાયનું પ્રવર્તન કરનારા તમારી કેટલાક લોકો ખૂબજ પ્રશંસા કરે છે. અને કેટલાક લોકો આક્ષેપો સાથે નિંદા પણ કરે છે.૭-૮
તે બન્ને પ્રકારની વાતો સાંભળી અતિ આશ્ચર્યચકિત થયેલા અમારા રાજા હરિસિંહજીને એ બન્ને પ્રકારની વાતોમાંથી સત્ય શું છે તે જાણવાની ઇચ્છા છે. તેથી આપનો ચરણસેવક મને તત્કાળ આપની સમીપે મોકલેલ છે.૯
હે સંતોના સ્વામી ! શંકાશીલ રાજાએ સત્ય જાણવા મને તમારી પાસે મોકલ્યો છે તેથી હું અહીં તમારી પાસે આવ્યો છું. આપના અને આપના આશ્રિત સમસ્ત સંતો-ભક્તોનાં દર્શન કરતાંજ આપનો અસત્સંપ્રદાય સંબંધી સંશય તો દૂર થઇ ગયો છે. છતાં અમારા મહારાજાએ પૂછાવેલા કેટલાક પ્રશ્નો છે જે હું તમને પૂછુ છું.૧૦
અઢાર પ્રશ્નો :-- હે સ્વામિન્ ! આપશ્રીનો દેશ કયો છે ? જન્મભૂમિ કઇ છે ? જ્ઞાતિ કઇ છે ? આપશ્રીના પિતાનું નામ શું છે ? આપનો વેદ કયો છે ? શાખા કઇ છે ? ગોત્ર કયું છે ? પ્રવર કેટલા છે ? આપશ્રીનો સંપ્રદાય કયો છે ? આપને વૈષ્ણવી દીક્ષા આપનાર ગુરુ કોણ છે ? આપને કયું શાસ્ત્ર પ્રિય છે ? આપ કઇ રીતની ભક્તિ કરવામાં માનો છો ? આપના આશ્રિતો અનેક દેવતાઓનું પૂજન અને સ્થાપન કરે છે તેમાંથી તમે કોને ઇષ્ટદેવ માનો છો ? અન્ય દેવતાઓનું સ્થાપન અને પૂજન શા માટે કરો છો ? તમારા સંપ્રદાયમાં કુળદેવીના સ્થાને કોણ છે ? કંઠમાં ધારણ કરવા યોગ્ય કંઠી કેવા પ્રકારની માન્ય કરેલ છે ? તિલક કેવા પ્રકારનું માન્ય કરેલ છે ? તમારા સાધુઓ બીજા લૌકિક સાધુઓ કરતાં જ્ઞાન વૈરાગ્યાદિક લક્ષણોમાં ભિન્ન જણાય છે અને તેને તમારા ભક્તો પરમહંસ એવા શબ્દથી શા માટે સંબોધે છે ?.૧૧-૧૫
હે પ્રભુ ! આપણા વિષેની સત્ય હકીકત જાણવાની ઇચ્છાથી અમારા મહારાજાએ આ અઢાર પ્રશ્નો પૂછાવ્યા છે, તેથી આપ કૃપા કરીને આના યથાર્થ ઉત્તરો આપો.૧૬
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે હરિસિંહ રાજાએ પૂછાવેલા પ્રશ્નોનું શિવરામ વિપ્રના મુખેથી શ્રવણ કરી શ્રીનારાયણમુનિ પોતાના આશ્રિત ભક્તજનોને પણ નિઃસંશય કરવા પ્રશ્નોના ઉત્તરો યથાર્થ આપવા લાગ્યા.૧૭
શ્રીહરિ કહે છે, હે વિપ્ર ! ઉત્તર કૌશલદેશમાં અયોધ્યા નામે નગર આવેલું છે તેનાથી ઉત્તર દિશામાં બે યોજન દૂર છપૈયા નામનું ગામ આવેલું છે.૧૮
તે છપૈયા ગામ અમારી જન્મભૂમિ છે. ત્યાં એક સરવરિયા જ્ઞાતિના ઉત્તમ બ્રાહ્મણ રહેતા હતા. તેમનું નામ હરિપ્રસાદજી હતું, પાંડે અટકના એ વિપ્ર બહુજ બુદ્ધિમાન, ઉદાર સ્વભાવના અને ધાર્મિકવૃત્તિના હોવાથી સ્વયં ધર્મદેવ છે એવી મહાકીર્તિથી પ્રસિદ્ધિ પામ્યા હતા. તેઓ સુરનેતૃ રાજવંશના કુલગુરુ હતા. તે વંશના રાજાઓ હમેશાં તેમના ચરણકમળની સેવા કરતા રહેતા.૧૯-૨૦
એ વિપ્ર અમારા પિતા છે. તેમ જ સાવર્ણિ અમારું ગોત્ર છે. ભાર્ગવ, વૈતહવ્ય અને સાવેતસ આ પ્રસિદ્ધ ત્રણ અમારા પ્રવર છે.૨૧
અમારો સામવેદ છે. કૌથુમી શાખા છે. મારા પિતા આદિ સંબંધીજનો મને નીલકંઠ એવા નામે બોલાવતા એ રીતે મારું નામ નીલકંઠ છે.૨૨
મને બાલ્યાવસ્થાથી જ અસત્પુરુષોનો પ્રસંગ ગમતો નહિ અને બાલક્રીડામાં પણ બિલકુલ રુચિ થતી નહિ તેથી નિરંતર હું સત્પુરુષોનો સમાગમ કરતો રહેતો.૨૩
હે વિપ્ર ! જન્મથી આઠમે વર્ષે પિતાજી થકી યજ્ઞોપવિત સંસ્કાર મને પ્રાપ્ત થયા, ત્યારથી આરંભીને અત્યારસુધી અતિ આદરપૂર્વક યથાર્થ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરું છું.૨૪
પૂર્વના શુભ સંસ્કારોને કારણે તથા મોટા પુરુષોની મારા ઉપર થયેલી પ્રસન્નતાને કારણે મારા અંતરમાં ભગવાન શ્રીકૃષ્ણને વિષે સ્વાભાવિક નિર્મળ ભક્તિ વર્તે છે.૨૫
હે વિપ્ર ! શ્રીમદ્ભાગવત આદિક પુરાણોનું શ્રવણ કરતાં મને અંતરમાં ભગવાન શ્રીકૃષ્ણનાં સાક્ષાત્ દર્શન કરવાની ઇચ્છા જાગ્રત થઇ અને ઘર આદિ પદાર્થોમાં અત્યંત અરુચિ ઉત્પન્ન થઇ.૨૬
પછી તીવ્ર વૈરાગ્યના વેગે મેં ભાઇ આદિ સંબંધીજનોનો અને ઘરનો ત્યાગ કરી વિકટવનની વાટ લીધી, અંતરમાં પ્રત્યક્ષ શ્રીકૃષ્ણનાં દર્શનની મને ઉત્કટ ઇચ્છા વર્તતી હતી, તેથી તેવાં દર્શન કરાવનારા સદ્ગુરુની શોધમાં પૃથ્વીપર એકલાજ ફરતાં ફરતાં શ્રીમુક્તનાથ આદિ અનંત પુણ્યક્ષેત્રોની મેં તીર્થયાત્રા કરી.૨૭-૨૮
હે વિપ્ર ! પૃથ્વી પર જે જે પુરુષો મોટા ગુરુ, સદ્ગુરુ તરીકે, મહાપુરુષ તરીકે, મહાસિદ્ધપુરુષ કે પ્રકાંડ પંડિત તરીકે પ્રસિદ્ધ હતા, તે તે સર્વે પુરુષોની સમીપે જઇ હું વિનમ્રભાવે પ્રશ્ન પૂછતો કે જે ઉપાયે કરીને મને સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણનું દર્શન થાય તે ઉપાય જો તમે જાણતા હો તો કૃપા કરીને મને કહો, તો મને ભગવાનનું પ્રગટ દર્શન થાય.૨૯-૩૦
હે વિપ્ર ! મારો આ પ્રશ્ન સાંભળી કેટલાક ગુરુઓ, મહાપુરુષો મૌન ધારણ કરી લેતા. કેટલાક તો ક્રોધ કરી તે જ ક્ષણે મારું કુત્સિત વચનોથી અપમાન કરી લેતા.૩૧
આ રીતે મને મારા પ્રશ્નનો ઉત્તર ક્યાંયથી મળ્યો નહિ. અને જે જે ઉત્તરો આપતા તે અવળા ઉત્તરો જ આપતા, છતાં તેઓએ કરેલા અપમાન અને તિરસ્કારોને હું સહન જ કરતો કે જાણે મારી તે પરીક્ષા કરતા હશે. પરંતુ અંતે તો તેમનો ત્યાગ કરી આગળ વધતો.૩૨
હે વિપ્ર ! હું એમ માનતો કે પૂર્વે ઋષભદેવના પુત્ર જડભરતે અજ્ઞાની જનોએ કરેલા અપમાન તિરસ્કાર આદિ કુચેષ્ટાઓને અને દુર્વચનોને સહન કરતા તેમ મારે પણ ગુરુઓ અને સદ્ગુરુઓએ કરેલાં અપમાન અને દુર્વચનોને સહન કરવાં જોઇએ. તેથી હું તે સર્વે સહન કરતો રહેતો.૩૩
આ રીતે એક ભગવાન શ્રીકૃષ્ણનું જ મનમાં ચિંતવન કરતો હું અનેક તીર્થોનું સેવન કરી સૌરાષ્ટ્ર પ્રદેશના ગિરનાર પર્વતની તળેટીમાં આવેલા પિપલાણા ગામે વિરાજમાન વૈષ્ણવોના આચાર્ય સમર્થ સદ્ગુરુ શ્રીરામાનંદ સ્વામીનાં સંવત્ ૧૮૫૬ ના જેઠ વદ બારસની તિથિએ મને પુણ્ય દર્શન થયાં.૩૪-૩૬
હે વિપ્ર ! તે સમયે મેં સદ્ગુરુ રામાનંદ સ્વામીને પૂર્વની માફક જ અતિ વિનયથી ભગવાન શ્રીકૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શનનો પ્રશ્ન કર્યો. મારો પ્રશ્ન સાંભળીને તો તે મારા ઉપર બહુજ રાજી થયા. અને અતિશય મધુર વચનો વડે મને કહેવા લાગ્યા કે, હે વર્ણીરાજ ! તમે અત્યારે અહીં આસન સ્થિર કરીને બેસો અને હૃદયમાં ભગવાન શ્રીરાધાકૃષ્ણનું ધ્યાન કરી તેમનો અષ્ટાક્ષરમંત્રનો જપ શરું કરો.૩૭-૩૮
તેમ કરવાથી તમને અત્યારે જ સમાધિમાં સાક્ષાત્ ઇષ્ટદેવ ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન થશે. આ પ્રમાણે સદ્ગુરુ રામાનંદ સ્વામીએ કહ્યું તેથી હું તો ખૂબજ આનંદ પામ્યો અને અતિ હર્ષથી સ્વામીના કહેવા પ્રમાણે અંતરમાં ધ્યાન કરવા લાગ્યો.૩૯
અને તેજ ક્ષણે તેમની કૃપાથી હું ત્રણ અવસ્થાથી પર થઇ સમાધિમાં ઉતરી ગયો. ત્યારે મને મારા હૃદયકમળમાં અલૌકિક તેજપૂંજનું દર્શન થયું.૪૦
તે તેજને વિષે શ્રીવૃંદાવનવિહારી ભગવાન શ્રીકૃષ્ણનું પ્રત્યક્ષ દર્શન થયું. તે સમયે ભગવાન શ્રીકૃષ્ણની રાધા, રમા આદિક શક્તિઓ સેવા કરી રહ્યાં હતાં, અને સ્વયં ભગવાન વેણુ વગાડવામાં મશગુલ હતા.૪૧
હે વિપ્ર ! મેં તે સમયે સાક્ષાત્ શ્રીકૃષ્ણને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યાં અને બે હાથજોડી પ્રાર્થના કરી કે, હે શ્રીકૃષ્ણ ભગવાન્ ! આપ મારા ઉપર પ્રસન્ન થાઓ. ત્યારે અતિશય પ્રસન્ન મુદ્રામાં જણાતા ભગવાન શ્રીકૃષ્ણ મને આનંદ પમાડવા મધુર વચનો કહેવા લાગ્યા કે, હે વર્ણી ! અત્યારે આ લોકમાં વૈષ્ણવગુરુઓમાં અગ્રેસર આ રામાનંદ સ્વામી નામે પ્રસિદ્ધ સદ્ગુરુ છે તે મારા અનન્ય સખા અને એકાંતિક ભક્ત એવા સાક્ષાત્ ઉદ્ધવજીનો અવતાર છે, એમ તમે જાણો.૪૨-૪૩
હું તેમને આધીન છું. તેથી જ તમને મેં મારું પ્રત્યક્ષ દર્શન આપ્યું છે. તે ઉદ્ધવજી સર્વજનોનાં કલ્યાણ કરવા માટે જ મારી ઇચ્છાથી જ આ પૃથ્વીપર પ્રગટ થયા છે.૪૪
તમે તેમની સેવા પરિચર્યા કરશો તો તમને અખંડ મારાં પ્રત્યક્ષ દર્શનનો મનોરથ છે તે પૂર્ણ થશે, તેમાં કોઇ સંશય રાખશો નહિ. અને જે અન્ય મનુષ્યો પણ શરણું સ્વીકારશે, તે સર્વેજનો પણ આ સંસારનાં બંધનમાંથી મુક્ત થશે.૪૫
તથા તેમના આશ્રિતોમાં જે જે મનુષ્યો મારામાં અનન્ય ભાવ રાખી તેમનો દૃઢ વિશ્વાસ પ્રાપ્ત કરશે તે સર્વેજનો આ ને આ દેહે કરીને મારાં પ્રત્યક્ષ દર્શન કરશે.૪૬
હે વર્ણિ ! આ પૃથ્વીપર જે કોઇ નરનારીઓ કદાચ જેવો રામાનંદ સ્વામીનો મહિમા છે તેવો સમજી ન શકે, છતાં પણ તેમણે પ્રવર્તાવેલા આ નૂતન સંપ્રદાયનો આશ્રય કરશે, તો તેઓ ગમે તેવા મહાપાપે યુક્ત હશે.૪૭
છતાં પણ હું તેમનાં સમસ્ત પાપનો વિનાશ કરી દેહને અંતે મારું મંગલકારી દર્શન આપી તે સર્વેને મારા ધામમાં લઇ જઇશ.૪૮
એથી હે વર્ણી ! તમે પણ શ્રીરામાનંદ સ્વામીનો પ્રેમથી આશ્રય કરો અને સુખી થાઓ. હે વિપ્ર ! આ પ્રમાણેનાં ભગવાન શ્રીકૃષ્ણનાં અમૃત સમાન વચનો સાંભળી મને અંતરમાં બહુ જ આનંદ થયો.૪૯
પછી હું સમાધિમાંથી જાગ્રત થયો અને સદ્ગુરુ શ્રીરામાનંદ સ્વામીનું મેં શિષ્યપદ સ્વીકાર્યું. ત્યારે શ્રી સ્વામી મને દીક્ષા આપી સહજાનંદ સ્વામી એવું નામાભિધાન કરી કહેવા લાગ્યા.૫૦
હે વર્ણિ ! તમારે જીવ, માયા અને પરમાત્મા આ ત્રણના સ્વરૂપનો નિર્ણય જાણવો હોય તો તે રામાનુજાચાર્યે કરેલા શ્રીભાષ્ય, ગીતાભાષ્ય આદિ ગ્રંથો દ્વારા જ તત્ત્વપૂર્વક જાણવો.૫૧
તથા ભગવાન શ્રીકૃષ્ણનાં સર્વે વ્રતો અને ઉત્સવોનો નિર્ણય જો તમારે કરવો હોય તો તે શ્રીવલ્લભાચાર્યના પુત્ર શ્રીવિઠ્ઠલેશ ગોસ્વામીએ બતાવેલો નિર્ણય સ્વીકારવો. કારણ કે તેમનો નિર્ણય સર્વોત્તમ છે.૫૨
અને ભગવાન શ્રીકૃષ્ણની સેવારીતિ પણ તેમણે જે બતાવેલી છે તે ગ્રહણ કરવી. તેમની સમાન સ્નેહપૂર્વક કરવાની સેવાની રીત બીજા આચાર્યોએ કહેલી નથી.૫૩
વળી હે નીલકંઠવર્ણી ! લોક અને શાસ્ત્ર નિંદિત કર્મ હોય તેનું ભલે ને મોટા પુરુષોએ આચરણ કર્યું હોય, છતાં તે દોષરૂપ હોવાથી તમારે ક્યારેય પણ ગ્રહણ કરવું નહિ.૫૪
મોટા પુરુષો હોય કે સામાન્ય પુરુષો હોય, તે સર્વેમાંથી દત્તાત્રેયની જેમ ગુણ જ ગ્રહણ કરવો. તેવીજ રીતે ઘણા શ્લોકોવાળાં મોટાં શાસ્ત્રો હોય કે અલ્પ શ્લોકોવાળાં નાનાં શાસ્ત્રો હોય તેમાંથી ધર્મે સહિત ભગવાન શ્રીકૃષ્ણની ભક્તિ કરવારૂપ સારનું ગ્રહણ કરવું. હે વિપ્ર ! આ પ્રમાણે રામાનંદ સ્વામીએ મને બોધ આપી મારા ઉપર મોટો અનુગ્રહ કરેલો છે.૫૫
હે વિપ્ર ! તે રામાનંદ સ્વામી પણ રામશર્મા નામે ઉત્તર કૌશલદેશમાં અયોધ્યાપુરીમાં સરવરિયા બ્રાહ્મણ કુળમાં પ્રગટ થયા હતા. તે સર્વે ગુણ સંપન્ન ઋગ્વેદી બ્રાહ્મણ હતા.૫૬
હે વિપ્ર ! પૂર્વજન્મના સંસ્કારોને લીધે તે રામશર્માને બાલ્યાવસ્થાથી જ અતિશય તીવ્ર વૈરાગ્યની સાથે ભગવાન શ્રીકૃષ્ણને વિષે સહજપણે ભક્તિ વર્તતી હતી.૫૭
તેમના પિતા અજયવિપ્રે તેમનો યજ્ઞોપવિત સંસ્કાર કર્યો પછી નિઃસ્પૃહ અને પવિત્ર જીવન જીવતા રામશર્મા વેદાધ્યયન કરવાને બહાને એકલા ઘરમાંથી વનમાં વિચરવા ચાલી નીકળ્યા.૫૮
જિતેન્દ્રિય તે રામશર્મા વિપ્ર સર્વ લોકને પાવન કરી હૃદયમાં ભગવાન શ્રીકૃષ્ણનુંજ ચિંતવન કરતા અને તીર્થયાત્રાને વિષે ફરતા સૌરાષ્ટ્ર પ્રદેશમાં આવ્યા.૫૯
હે વિપ્ર ! તે સૌરાષ્ટ્ર પ્રાંતમાં રામશર્માને મહાયોગી આત્માનંદમુનિનાં દર્શન થયાં. તે બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરતા તીવ્રવૈરાગ્યવાળા હતા.૬૦
અને નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ગોપાળાનંદ નામના મહાયોગીના ઉત્તમ શિષ્ય હતા. તે ગોપનાથ શિવમંદિરમાં હમેશાં નિવાસ કરીને રહેતા હતા.૬૧
નૈષ્ઠિક બ્રહ્મચર્યવ્રતનું પાલન કરતા રામશર્મા આત્માનંદ સ્વામીના શિષ્ય થઇ રામાનંદ સ્વામીના નામથી પ્રસિદ્ધ થઇ ત્યાં રહેવા લાગ્યા. અને ગુરુ પાસેથી અષ્ટાંગયોગ શીખ્યા.૬૨
ત્યારપછી રામાનંદ સ્વામીને સમાધિની સિદ્ધિ પ્રાપ્ત થઇ તેમાં નિરાકાર બ્રહ્મતેજ માત્ર જોવામાં આવ્યું. તેથી ગુરુને કહ્યું કે હે ગુરુવર્ય ! હું બ્રહ્મતેજને વિષે રહેલી ભગવાન શ્રીકૃષ્ણની સદાય સાકાર દિવ્યમૂર્તિનાં દર્શન કરવા ઇચ્છું છું.૬૩
ત્યારે આત્માનંદ સ્વામીએ તેમને કહ્યું કે, હે રામાનંદ ! એ નિરાકાર તેજ છે તે જ શ્રીકૃષ્ણનું સાચું સ્વરૂપ છે. તેમાંથી અન્ય સાકાર સ્વરૂપે શ્રીકૃષ્ણ છે નહિ. આ પ્રમાણે ગુરુએ શ્રીકૃષ્ણ ભગવાનના આકારને ખોટો કહ્યો તેથી રામાનંદ સ્વામી અતિશય દુઃખી થયા અને નિરાકારવાદી ગુરુનો તત્કાળ ત્યાગ કરી ત્યાંથી તે ચાલી નીકળ્યા.૬૪
હે વિપ્ર ! ત્યારપછી શ્રીકૃષ્ણ ભગવાન સદાય સાકાર દિવ્ય મનોહર મૂર્તિવાળા છે. એવી રીતે પરમાત્માના સદાય સાકારપણાનું સ્થાપન કરનારા અને દિવ્ય દર્શન કરાવનારા, આ પૃથ્વીપર એક પરમ શ્રીવૈષ્ણવાચાર્ય શ્રીરામાનુજાચાર્ય છે એમ જાણીને રામાનંદ સ્વામી શ્રીરંગક્ષેત્રમાં આવ્યા.૬૫
ત્યાં રામાનુજાચાર્યની આરાધના કરી અને સમાધિમાં તેમનું પ્રત્યક્ષ દર્શન પામી તેમની પાસેથી પંચ સંસ્કારના લક્ષણવાળી વૈષ્ણવી દીક્ષા ગ્રહણ કરી. અર્થાત્ સમાધિમાંજ રામાનુજાચાર્યે તેમને તપ્તમુદ્રા આપી, બાર ઉર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરાવ્યાં, નામકરણ કર્યું, અષ્ટાક્ષરમંત્રનો ઉપદેશ કર્યો અને યાગવિધિ પણ કરાવ્યો. આ પ્રમાણે દીક્ષા આપી ભાગવતધર્મનો બોધ કર્યો.૬૬
હે વિપ્ર ! ગુરુ રામાનુજાચાર્યજીએ કહેલા ભાગવતધર્મનું પાલન કરતા તેમની પ્રસન્નતાથી ધ્યાન સમયે હૃદયમાં અને પૂજાના સમયે મૂર્તિમાં પ્રત્યક્ષ ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન થવા લાગ્યાં.૬૭
સદાય સાકાર મૂર્તિ ભગવાન શ્રીકૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શન થવાથી રામાનંદ સ્વામીનો મનોરથ પૂર્ણ થયો. પછી ગુરુની આજ્ઞાથી મુમુક્ષુઓને કૃષ્ણભક્તિનો ઉપદેશ આપવા પૃથ્વી પર વિચરણ કરવા લાગ્યા.૬૮
જે જે મનુષ્યો તેમના શિષ્ય થતા તે સર્વેજનો તેમની કૃપાથી સર્વોત્તમ ધર્મ અને ભક્તિનિષ્ઠાવાળા થઇ નિર્મળ જીવન જીવતા.૬૯
તેમાંથી કેટલાક નરનારીઓને સમાધિમાં સાક્ષાત્ ભગવાન શ્રીકૃષ્ણનું દર્શન થતું. તે રામાનંદ સ્વામીનો આશ્રય કરનારાઓ મદ્ય, માંસ, વ્યભિચાર આદિ કુકર્મનો તત્કાળ ત્યાગ કરી દેતા.૭૦
હે વિપ્ર ! નિર્દંભ ભક્તિ તથા સર્વોત્તમ જ્ઞાનને કારણે તથા અહિંસાદિ યમો અને શૌચાદિ નિયમોના પાલનના કારણે તથા ઉત્કૃષ્ટબુદ્ધિ, તીવ્રવૈરાગ્ય અને સ્વધર્મનું પાલન કરવું આદિ અનંત સદ્ગુણોને કારણે રામાનંદ સ્વામી પૃથ્વી પર સર્વ કરતાં સર્વપ્રકારની શ્રેષ્ઠ સિદ્ધિને પામ્યા.૭૧
તેથી મનુષ્યો તેમનું બહુ પ્રકારનાં વસ્ત્રો, આભૂષણો, ધન વગેરેથી ખૂબજ પૂજા કરવા લાગ્યા. પરંતુ અપરિગ્રહ સ્વભાવના તે ગુરુ રામાનંદસ્વામી દાનમાં અને ધર્મકાર્યમાં વાપરી નાખતા.૭૨
હે વિપ્ર ! આ રીતે અનેક વિપ્રોને વસ્ત્રો તથા અલંકારોનાં દાન આપ્યાં અને મોટાં મોટાં અન્નક્ષેત્રોનાં નિર્માણ કરાવ્યાં તેથી જિતેન્દ્રિય, નિષ્કામી, નિર્લોભી, અપરિગ્રહી, અક્રોધી, નિર્માની એવા સ્વામીને બહુ લોકો માનવા લાગ્યા.૭૩-૭૪
હે વિપ્ર ! તે સમયે સ્ત્રી, દ્રવ્ય અને રસાસ્વાદમાં આસક્ત અને દંભી તથા દુર્બુદ્ધિવાળા અન્ય વૈષ્ણવો હતા તેઓ શ્રીરામાનંદ સ્વામીનો ઉત્કર્ષ સહન કરી શક્યા નહિ.૭૫
તેથી તેમની પ્રતિષ્ઠાનો ભંગ કરી માનહાનિકરવાની ઇચ્છાથી કેટલાક અધર્મી વૈષ્ણવો સ્વામીમાં કોઇ દોષ ન હોવા છતાં નિંદા કરવા પૂર્વક મિથ્યાપવાદનું આરોપણ કરવા લાગ્યા.૭૬
હે વિપ્ર ! તે દુષ્ટ વૈષ્ણવો રામાનંદ સ્વામી સાથે બહુ પ્રકારના શાસ્ત્રાર્થ કરી બ્રહ્મવિદ્યા ઉપર વાદવિવાદ કરવા લાગ્યા, છતાં પણ કોઇ તેમને જીતવા સમર્થ થયા નહિ અને તેઓનો વારંવાર પરાજય થવા લાગ્યો.૭૭
તેથી તેઓ અતિશય ક્રોધાયમાન થઇ રામાનંદ સ્વામીને વારંવાર ઉપદ્રવ આપવા લાગ્યા અને મર્મભેદી અશ્લીલ શબ્દો બોલી સ્વામીની ભર્ત્સના કરવા લાગ્યા.૭૮
કેટલાક દુષ્ટજનો હતા તે રામાનંદ સ્વામીને એકાંત સ્થળમાં લઇ જતા અને તેમનું તિલક ભૂંસી નાખતા, તથા કંઠી તોડી નાખતા. કેટલાક દુષ્ટો તો સ્વામીની શિખા કાપી નાખતા.૭૯
હેવિપ્ર ! અતિશય અભિમાની અને ઉદ્ધત અસુરાંશ પુરુષો સ્વામીના પૂજાના ઠાકોરજીનાં સિંહાસનને ભાંગીને ફેંકી દેતા અને કેટલાક ભગવાનની મૂર્તિનું અપહરણ કરી જતા. તેમજ કેટલાક તો સ્વામીનાં વસ્ત્રો હરી જતા હતા.૮૦
હે વિપ્ર ! કેટલાક ભયંકર શસ્ત્રધારી અને વિકરાળ આકૃતિવાળા વૈષ્ણવો રામાનંદ સ્વામીના આશ્રિત સંતોને અન્નક્ષેત્રોમાંથી બહાર કાઢી અન્નક્ષેત્રોને છિન્નભિન્ન કરી નાખતા હતા.૮૧
હે વિપ્ર ! આવી રીતે દુર્જનોના સર્વપ્રકારના ઉપદ્રવોને સહન કરતા સ્વામી તત્કાળ વૃંદાવનતીર્થમાં આવી કોઇ એકાંત સ્થળમાં નિવાસ કરવા લાગ્યા.૮૨
હે વિપ્ર ! તે સ્થળમાં એકાગ્રચિત્તથી ભગવાન શ્રીકૃષ્ણનું ધ્યાન કરતા હતા. તે સમયે તેમણે સમાધિ થઇ, તેમાં શ્રીકૃષ્ણ ભગવાન થકી સત્શાસ્ત્ર સંમત એક અલગ નવીન સંપ્રદાય સ્થાપનાની પ્રેરણા પ્રાપ્ત થઇ.૮૩
ત્યારપછી વૈષ્ણવોના ઉપદ્રવને કારણે બાર ઉર્ધ્વપુંડ્ર તિલક આદિ ચિહ્નોનો ઉપરથી ત્યાગ કરી તેની જગ્યાએ શ્રીમદ્ભાગવત આદિ સત્શાસ્ત્રોનાં વચનોને અનુસારે પોતાના ઉદ્ધવ સંપ્રદાયનાં નવીન ચિહ્નોનું પ્રવર્તન કર્યું. (ચિહ્નો બદલાવ્યાં પરંતુ સંપ્રદાયની જ્ઞાન પરંપરા બદલાવી નહિ).૮૪
અધ્યાત્મજ્ઞાનની સિદ્ધિને માટે તો શ્રીરામાનુજાચાર્યે કરેલા શ્રીભાષ્યાદિ ગ્રંથોનો જ સ્વીકાર કર્યો અને પોતાના સંપ્રદાયના દ્યોતક ભાગવતધર્મનું પુનઃ પ્રવર્તન કર્યું.૮૫
ધર્મે સહિત જ ભક્તિ કરવી. આવો આ ઉદ્ધવસંપ્રદાયનો મુખ્ય ઉદ્દેશ છે. તેનું પ્રવર્તન કરતા કરતા મુમુક્ષુજનોના હિતકારી સ્વામી પૃથ્વી પર તીર્થોમાં વિચરણ કરવા લાગ્યા.૮૬
હે વિપ્ર ! શ્રીરામાનંદ સ્વામી જે જે મનુષ્યો ઉપર અનુગ્રહ કરતા તે તે મનુષ્યોને પરમાત્મા ભગવાન શ્રીકૃષ્ણની પ્રસન્નતાથી સમાધિમાં તત્કાળ પ્રત્યક્ષ દર્શન થતાં.૮૭
આ રીતે મનુષ્યોનું હિત કરતા ગુરુ શ્રીસ્વામી દ્વારિકાની યાત્રા કરી ગિરનાર પર્વતની તળેટીમાં પધાર્યા, અને ભગવાન શ્રીકૃષ્ણની લીલાભૂમિ જાણી ત્યાં નિવાસ કરવા લાગ્યા.૮૮
હે શિવરામવિપ્ર ! આ પ્રમાણે જે શ્રીકૃષ્ણ ભગવાન થકી અણુમાત્ર પણ ન્યૂન નથી એવા સાક્ષાત્ ઉધ્ધવના અવતાર અને આ પૃથ્વી પર કૃષ્ણભક્તિના પ્રવર્તક એવા શ્રીરામાનંદ સ્વામી છે તે મારા ગુરુ છે.૮૯
હે વિપ્ર ! આ પ્રમાણે મારા દીક્ષાગુરુ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા ગ્રહણ કર્યા પછી તેમની સમીપે જ બેઠેલા સર્વે તેમના આશ્રિત ભક્તજનોને મેં કહ્યું કે, હે ભક્તજનો ! આપણા આ ગુરુ શ્રીરામાનંદ સ્વામી છે તે સાક્ષાત્ ઉધ્ધવજીનો અવતાર છે.૯૦
તેથી આપણા આ સંપ્રદાયને સર્વ શાસ્ત્રસંમત લક્ષણોવાળા વૈષ્ણવોએ માન્ય કરેલો ''ઉધ્ધવ સંપ્રદાય'' એવા નામથી જાહેર કરવામાં આવે છે. ત્યારે હે શિવરામ વિપ્ર ! આ પ્રમાણે મારું વચન સાંભળી રામાનંદ સ્વામીના આશ્રિત સર્વે સંતો ભક્તોએ પણ કહ્યું કે, ભલે આજથી આપણા આ સંપ્રદાયનું નામ "ઉધ્ધવ સંપ્રદાય" છે. તેનો અમે ઉદ્ઘોષ કરીએ છીએ.૯૧
હે વિપ્ર ! અતિસમર્થ તે સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી પોતાની ધર્મધુરાનો ભાર મને સોંપી આલોકમાંથી અંતર્ધાન થયા, અને તેમના પ્રતાપથી અત્યારે હું એ ધર્મધુરાનું વહન કરું છું.૯૨
આ અમારા સંપ્રદાયને નવીન સંપ્રદાય જાણી અન્ય મતવાદીઓ ગામડે ગામડે અમારા સાધુઓને અત્યંત પીડવા લાગ્યા.૯૩
ત્યારે આવા આપત્કાળમાં તેઓને જેમ સુખ ઉપજે તેમ મેં આ ભૂમિપર વર્તન કરાવ્યું, પરંતુ અત્યારે સદ્ધર્મના રક્ષક ગુરુ રામાનંદ સ્વામી અને ઇષ્ટદેવ શ્રીકૃષ્ણ ભગવાનના પ્રતાપથી સર્વેને સુખશાંતિ વર્તે છે. તેથી આપત્કાળ પૂર્વે જેમ સ્વસ્થચિત્તે વર્તતા હતા તેમજ અત્યારે વર્તીએ છીએ.૯૪-૯૫
હે વિપ્ર ! આ પ્રમાણે મેં તમને અમારા સંપ્રદાય સંબંધી કરેલા પ્રશ્નનો ઉત્તર આપ્યો. હવે અમારા ઇષ્ટદેવ કોણ છે ? તેની વાત કરું છું. અમારા ઇષ્ટદેવ સર્વકારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા શ્રીકૃષ્ણ ભગવાન છે.૯૬
તેજ શ્રીકૃષ્ણ જ્યારે રાધિકાએ સહિત વિરાજમાન હોય ત્યારે ''રાધાકૃષ્ણ'' એવા નામથી કહેવાય છે. તથા રૂક્મિણીરૂપ જે લક્ષ્મીજી તેણે યુક્ત હોય ત્યારે ''લક્ષ્મીનારાયણ'' એવે નામે કહેવાય છે.૯૭
તેવીજ રીતે હે વિપ્ર ! તે શ્રીકૃષ્ણ નરના અવતારરૂપ અર્જુને યુક્ત હોય ત્યારે ''નરનારાયણ'' એવે નામે કહેવાય છે. અને તે શ્રીકૃષ્ણ જ્યારે રોહિણીપુત્ર બળદેવજી સાથે હોય કે પત્ની સત્યભામા આદિ પટરાણીઓ સાથે હોય ત્યારે ''બલકૃષ્ણ'' ''સત્યાકૃષ્ણ'' વગેરે નામોથી તેમને બોલાવાય છે.૯૮
હે વિપ્ર ! વાસુદેવાદિ ચતુર્વ્યૂહ તથા કેશવાદિક ચોવીસ રૂપો અને શેષશાયી, પદ્મનાભ, વારાહ, વામન આદિ અનંત અવતારો પણ ભગવાન શ્રીકૃષ્ણનાજ અવતાર સ્વરૂપો હોવાથી અમને માન્ય છે. અને પૂજ્ય પણ છે.૯૯-૧૦૦
હે વિપ્ર ! પાર્વતી દેવીએ સહિત શંકરને અમે માનીએ છીએ, તેનું કારણ તે પરદેવતા છે એ રીતે નહિ પરંતુ તે આદિ વૈષ્ણવ છે. અને સર્વે વૈષ્ણવોમાં શ્રેષ્ઠ અગ્રગણ્ય વૈષ્ણવ છે. અને પ્રાચીન બર્હિષ રાજાના પુત્ર પ્રચેતાઓને તેમણે બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપી આ પૃથ્વી પર બ્રહ્મવિદ્યાની ખૂબજ સારી પ્રવૃત્તિ કરી છે તેથી તેને માનીએ અને પૂજીએ છીએ.૧૦૧
તેમજ ગણપતિજીને જે રીતે અમે માનીએ કે પૂજીએ છીએ તેનું કારણ એ છે કે, તે ભગવાન શ્રીકૃષ્ણનો અવતાર છે. એમ બ્રહ્મવૈવર્ત પુરાણમાં કહેલું છે. તથા વાયુપુત્ર હનુમાનજીને અમે માનીએ છીએ અને પૂજીએ છીએ તેનું કારણ અમારા કુળદેવતા છે.૧૦૨
અને સૂર્યનારાયણ તો ગાયત્રીના અધિષ્ઠાતા દેવ છે તેથી દ્વિજ એવા બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય એવા આપણ સૌને માટે માન્ય અને પૂજ્ય છે જ. હવે તમને હું અમારાં પ્રિય શાસ્ત્રોનો પરિચય કરાવું છું.૧૦૩
હે ઉત્તમ વિપ્ર ! ઉપનિષદોએ સહિત ચારવેદ, કૃષ્ણદ્વૈપાયન એવા વ્યાસજીએ કરેલ શારીરિક નામનાં બ્રહ્મસૂત્રો, દશ લક્ષણોવાળું શ્રીમદ્ ભાગવત પુરાણ, મહાભારતના ભીષ્મપર્વમાં રહેલી શ્રીમદ્ ભગવદ્ગીતા, મહાભારતના અનુશાસન પર્વમાં રહેલું શ્રીવિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર, મહાભારતના ઉદ્યોગ પર્વમાં રહેલ વિદુરનીતિ, સ્કંદપુરાણના છેલ્લા વિષ્ણુખંડમાં રહેલું શ્રીવાસુદેવ માહાત્મ્ય અને યાજ્ઞાવલ્ક્યસ્મૃતિ આ આઠ સચ્છાસ્ત્રો અમને અતિશય પ્રિય છે.૧૦૪-૧૦૭
આ આઠ સચ્છાસ્ત્રોમાં પણ શારીરકસૂત્રો અને ભગવદ્ગીતા એ બે ગ્રંથ રામાનુજાચાર્યે કરેલાં ભાષ્યે યુક્ત અમને માન્ય છે.૧૦૮
અને યાજ્ઞાવલ્ક્યસ્મૃતિ તે મીતાક્ષરાટીકાએ યુક્ત હોય તેવી આચાર, વ્યવહાર અને પ્રાયશ્ચિત આ ત્રણના નિર્ણયને માટે માન્ય છે.૧૦૯
ભગવાન શ્રીકૃષ્ણનો અધિક ને અધિક મહિમા સમજવા માટે શ્રીમદ્ભાગવત પુરાણના દશમ અને પંચમ આ બે સ્કંધ અમને વધુ પ્રિય છે.૧૧૦
તેમજ વેદના અર્થને અનુસરતાં હોય એવાં બીજાં કોઇ પણ શાસ્ત્રો છે તે પણ આસ્તિક ગ્રંથો હોવાથી અમને પ્રમાણપણે માન્ય છે.૧૧૧
હે વિપ્ર ! ભગવાન શ્રીકૃષ્ણની આદ્યશક્તિ જે લક્ષ્મીજી છે તે અમારા સંપ્રદાયની કુળદેવી છે. હે વિપ્ર ! બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણ વર્ણના દ્વિજાતિઓએ તુલસીના કાષ્ઠમાંથી સૂક્ષ્મ મણીકાવાળી બેવડી કંઠી કંઠમાં ધારણ કરવાની અમે માન્ય કરેલી છે.૧૧૨
અને શૂદ્રજનોએ તો ચંદન આદિકના કાષ્ઠમાંથી બનાવેલી અને ભગવાન શ્રીકૃષ્ણના ચરણારવિંદના સ્પર્શથી પવિત્ર કરેલી સૂક્ષ્મ મણકાવાળી બેવડી કંઠી કંઠમાં ધારણ કરવા અમે માન્ય કરેલી છે.૧૧૩
હે વિપ્ર ! અમારા સંપ્રદાયના આશ્રિત માત્ર પુરુષો હોય તેમણે ગોપીચંદનની માટીથી કે ભગવાનની પૂજા કરતાં બાકી રહેલાં કેસર મિશ્રિત ચંદનથી વચ્ચમાં ગોળ ચાંદલાએ સહિત ઊર્ધ્વપુંડ્ર તિલક ધારણ કરવું અમે માન્ય કરેલ છે.૧૧૪
હે બ્રહ્મન્ ! આ ઉદ્ધવ સંપ્રદાયમાં ઊર્ધ્વપુંડ્ર તિલકના મધ્યે ખાસ કરીને રાધા અને લક્ષ્મીના પ્રસાદિભૂત કાશ્મીરી કુંકુમનો ચાંદલો કરવાનું વિશેષ પ્રમાણ છે.૧૧૫
અમારા સંપ્રદાયમાં બે પ્રકારથી ભક્તિ થાય છે, એક છે જડભરતની રીત અને બીજી અંબરીષરાજાની રીતમાં રહીને ભક્તિ કરવાનો માર્ગ.૧૧૬
તેમાં જે અમારા સંપ્રદાયના ત્યાગી સાધુઓ છે તે સંસારના વિષયભોગના સુખમાં અનાસક્ત રહી ઋષભદેવના પુત્ર જડભરતની જેમ વર્તીને ભક્તિ કરે છે, નિર્માનીપણું, પંચ વિષયમાં અનાસક્તપણું, કાયા, મન, વાણીથી અહિંસાપણું, અહંતા મમતાથી રહીતપણું અને આત્મનિષ્ઠા, આ પાંચ સદ્ગુણો ભક્તિના અલંકારભૂત છે. તે અમારા સાધુઓમાં જડભરતજીની જેમ રહેલા છે.૧૧૭
હે વિપ્ર ! ઉપરોક્ત પાંચ સદ્ગુણોના અલંકારે યુક્ત એવી જડભરતજીના જેવી ભક્તિ જે ત્યાગી સાધુના અંતરમાં ન હોય તે ત્યાગી સાધુ અમારા ઉધ્ધવસંપ્રદાય થકી બહાર જાણવા.૧૧૮
હે વિપ્ર ! તેવીજ રીતે અમારા સંપ્રદાયમાં જે ગૃહસ્થ ભક્તજનો છે, તેને બીજી રીતે અંબરીષરાજાની પેઠે ધર્મસહિત ભક્તિ કરવાની કહેલી છે.૧૧૯
હે ઉત્તમ બ્રાહ્મણ ! આ પ્રમાણે અધિકારના ભેદથી યોગ્યતાનુસારે અમારા સંપ્રદાયમાં બે પ્રકારની ભક્તિની રીતિ કહેલી છે.૧૨૦
હે વિપ્ર ! અમારા સંતો ભાગવત પરમહંસ એવા જડભરતજીના જેવો યોગીમાર્ગ લીધો હોવાથી અને તેના જેવું નિર્માનાદિ ગુણોએ યુક્ત વર્તતા હોવાથી અમારા આશ્રિત હરિભક્તો તેમને ''પરમહંસ'' એવા નામથી સંબોધે છે. હે વિપ્ર ! આ પ્રમાણે મેં તમારા અઢાર પ્રશ્નોના ઉત્તર આપ્યા છે. તેમાં ક્રમભેદ કર્યો છે. તે તો વ્યાખ્યા કરવાની સાનુકૂળતાને લીધે કર્યો છે૧૨૧-૧૨૨
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે શ્રીસ્વામિનારાયણ ભગવાનનું વચન સાંભળી મુમુક્ષુ એવા શિવરામવિપ્રે તેમને શાસ્ત્રોક્ત લક્ષણ સંપન્ન સાચા સદ્ગુરુ જાણીને નિઃસંશયપણે તેમનો આશ્રય કર્યો.૧૨૩
પછી શ્રીહરિના અનુગ્રહથી તે વિપ્રને તેજ ક્ષણે સમાધિદશા પ્રાપ્ત થઇ અને સમાધિમાં તેમને રાધિકાએ સહિત ભગવાન શ્રીકૃષ્ણનાજ રૂપમાં ભગવાન શ્રીહરિનાં દિવ્ય દર્શન થયાં. તેથી શ્રીહરિનું એકાંતિક ભાવે ભજન કરતા તે કૃતકૃત્ય થયા૧૨૪
હે રાજન્ ! ત્યારપછી શિવરામવિપ્ર પોતાના યજમાન હરિસિંહ રાજાની પાસે જઇને પોતે જાતે જે અનુભવ્યું હતું તે તથા શ્રીહરિના મુખે જે સાંભળ્યું હતું તે સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યું.૧૨૫
હે નરાધિપ ! ત્યારે સદ્બુદ્ધિમાન હરિસિંહ રાજા પણ અત્યંત રાજી થયા અને ભગવાન શ્રીસ્વામિનારાયણનો આશ્રય કરી પરમ આનંદ પામ્યા. અને તેમના મંત્રીઓ પણ શ્રીહરિનું શરણું સ્વીકારી પરમ આનંદ પામ્યા૧૨૬
સભામાં બેઠેલા તે સર્વે સંતો પણ પોતાના ઇષ્ટદેવ શ્રીહરિએ ઉદ્ધવસંપ્રદાયના રહસ્યનું પ્રકાશન કર્યું તે સાંભળીને અતિશય આનંદ પામીને, ગઢપુરમાં ફુલડોલનો ઉત્સવ કરીને ભગવાનની આજ્ઞા થતાં હવે આસુરી ગુરુઓ અને રાજાઓનો ભય નિવૃત્ત પામ્યો હોવાથી પૃથ્વી પર નિર્ભયપણે વિચરણ કરવા લાગ્યા. ૧૨૭
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં શિવરામવિપ્રના પ્રશ્નોત્તરમાં શ્રીહરિએ ઉદ્ધવસંપ્રદાયનું પ્રકાશન કર્યું એ નામે સાડત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૭--