અધ્યાય - ૪૮ - ડભાણમાં ભક્તજનોએ મોટું સામૈયું કરી ભગવાન શ્રીહરિનો સત્કાર કર્યો.
ડભાણમાં ભક્તજનોએ મોટું સામૈયું કરી ભગવાન શ્રીહરિનો સત્કાર કર્યો. મહાવિષ્ણુયાગની ભવ્ય ઉજવણી. ગ્રંથકર્તા શતાનંદસ્વામીનું સત્સંગમાં આગમન .
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિના આગમનના સમાચાર સાંભળી ડભાણપુરના ભક્તજનો ગીતો સાથે વાજિંત્રોનો નાદ કરતા દશે દિશાઓને ગજાવતા અતિ આનંદની સાથે શ્રીહરિની સન્મુખ આવ્યા.૧
તે સમયે સૂર્યના કિરણોથી ચળકતાં ભાલાધારી ઘોડેસ્વારોથી ઘેરાયેલા ભગવાન શ્રીહરિનાં દૂરથી દર્શન થતાં જ હજારો ભક્તજનોએ શ્રીહરિની સામે દોટ મૂકી.૨
ભગવાન શ્રીહરિ નજીક પહોંચ્યા ત્યારે સર્વે ભક્તજનો આનંદનાં અશ્રુઓ રેલાવતા શ્રીહરિને દંડવત્ પ્રણામ કરવા લાગ્યા.૩
શ્રીહરિએ પણ તે સર્વે ભક્તજનોનું આદર આપી બહુમાન કર્યું, અને ભક્તજનો પણ શ્રીહરિનું કીર્તન ગાન કરવા લાગ્યા. તેને સાંભળતા શ્રીહરિ ડભાણપુરમાં પધાર્યા.૪
પોતાનાં દર્શને આવેલા ભક્તજનોની મોટી ભીડ થશે, એવું જાણી ભગવાન શ્રીહરિએ પુરની બહારના ભાગે પશ્ચિમ વિભાગમાં વિશાળ વટવૃક્ષ નીચે પોતાનો નિવાસ કર્યો.૫
તેમજ સંતો, પાર્ષદો અને દેશાંતરથી પધારેલા નરનારી હરિભક્તોના યથા યોગ્ય ઉતારા કરાવ્યા.૬
આ રીતે ધર્મમાર્ગનું પ્રવર્તન કરતા ભગવાન શ્રીહરિ ડભાણપુરમાં રહ્યા અને પુરના સર્વે ભક્તજનો પણ શ્રીસહજાનંદ સ્વામીનું કેસર, અગરુ અને કસ્તૂરીમિશ્રિત કુંકુમ તથા ચંદન અને સુગંધીમાન પુષ્પના હારો, સુંદર વસ્ત્રો અને અનેક પ્રકારનાં આભૂષણોથી પૂજન કર્યું.૭-૮
ત્યારપછી શ્રીહરિની આગળ ભક્તજનો બહુપ્રકારના નૈવેદ્યનું નિવેદન કરી તેમના ગુણોનું સંકીર્તન કરતા થકા ભક્તિભાવપૂર્વક શ્રીહરિની આરતી કરી.૯
હે રાજન્ ! આ પ્રમાણે ડભાણપુરવાસી નરનારી ભક્તજનો ભગવાન શ્રીહરિનો તથા તેમની સાથે પધારેલા સંતો, પાર્ષદોનો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કરી પ્રેમથી સેવા કરવા લાગ્યા.૧૦
તેમાં મયારામ પુરાણી, ગોવિંદજી, નિર્ભય, ભાઇરામ, હરિકૃષ્ણ આદિ બ્રાહ્મણ ભક્તો તથા રઘુનાથદાસ નામના બે ભક્તો તેમજ વિષ્ણુગુપ્ત, રાજાજી, પ્રયાગદાસ વગેરે વૈશ્યભક્તજનો અતિ આદરથી ભગવાન શ્રીહરિની સેવા કરતા હતા.૧૧-૧૨
અબળા, સાકર, દત્તા, શિવા આદિ સ્ત્રી ભક્તજનો પણ અતિ આદરપૂર્વક ભગવાન શ્રીહરિની સેવામાં તત્પર થઇને રહેવા લાગ્યાં.૧૩
મહાવિષ્ણુયાગની ભવ્ય ઉજવણી :-- હે રાજન્ ! સકલ ઐશ્વર્ય સંપન્ન શ્રીહરિ તે દર્ભાવતીપુરીમાં પોતાને દર્શને આવેલા હજારો પંડિત બ્રાહ્મણ ભક્તજનો પાસે મહાવિષ્ણુયાગનું આયોજન કરાવ્યું.૧૪
મહાવિષ્ણુયાગમાં પ્રાણગોવિંદ આદિક વિદ્વાન વિપ્રોએ શાસ્ત્રવિધિ અનુસાર કુંડ તથા મંડપની રચના કરાવી, દશાંશ હોમ કરાવી, યજ્ઞાની પૂર્ણાહુતિ કરાવી.૧૫
તે વિષ્ણુયાગમાં 'ન ભૂતો ન ભવિષ્યતિ' એવી અનંત પ્રકારની ઉચ્ચ કોટીની સામગ્રી ભેળી કરી હતી અને તેમાં હોમવામાં આવેલા દૂધપાક આદિ હૂતદ્રવ્યોનો સ્વીકાર કરી વિશ્વના સર્વે દેવતાઓ અત્યંત રાજી થયા.૧૬
હે રાજન્ ! એટલું જ નહિ પરંતુ મહા વિષ્ણુયાગમાં આવેલા સર્વે બ્રાહ્મણો સાકર ઘીથી લચપચતા લાડુનાં ભોજન જમ્યા, તેમજ બહુ પ્રકારની દક્ષિણાઓ પ્રાપ્ત કરીને અત્યંત ખુશ થયા. અને અન્ય જનો પણ વિવિધ ભોજનો જમી અતિ સંતોષ પામ્યા.૧૭
હે રાજન્ ! યજ્ઞામાં ઘણાં ઘી-સાકર નાખી તૈયાર કરેલાં પકવાન્નો તથા ગંગાજળ જેવા ધોળા લાડુઓનો પર્વતની શિલા જેવો વિશાળ ઢગલો કરવામાં આવેલો.૧૮
અને ભોજનની પંક્તિ પડે ત્યારે જમવા બેઠેલા ભૂદેવોના મુખે ચારે તરફથી લાડુ આપો, લાડુ આપો, લાડુ જમો, લાડુ જમો, આવા પ્રકારનો મહાનાદ થતો હતો.૧૯
હે રાજન્ ! યજ્ઞામાં પધારેલા બ્રાહ્મણોને પાત્ર કે અપાત્રનો વિવેક કર્યા વિના ભગવાન શ્રીહરિએ ખૂબજ દક્ષિણાઓ આપી તથા જે વિદ્વાન ભૂદેવો હતા તેમને તો સર્વે કરતાં વિશેષપણે દક્ષિણાઓ અર્પણ કરી.૨૦
સમર્થ ભગવાન શ્રીહરિએ મહાવિષ્ણુયાગમાં બ્રાહ્મણોની કન્યાઓનાં અનેક કન્યાદાન કરાવ્યાં અને યથાશાસ્ત્ર બ્રાહ્મણ બટુકોને યજ્ઞોપવિત સંસ્કાર પણ કરાવ્યા.૨૧
યજ્ઞામાં કોણ ગરીબ છે ને કોણ તવંગર છે તેને જાણતા ભગવાન શ્રીહરિએ પાપકર્મથી ભય પામી જીવન જીવતા ઘણા બધા રંકજનોને અને રોગથી દુર્બળ થયેલા ગરીબોને ખૂબજ ધન આપી સુખીયા કર્યા.૨૨
હે રાજન્ ! યજ્ઞામાં ભિક્ષા માગીને ગુજરાન ચલાવતા સૂત તથા બંદીજનનો ઉપર ભગવાન શ્રીહરિ અત્યંત પ્રસન્ન થયા તેથી તેઓને સુવર્ણના અનંત પ્રકારના અલંકારો તથા અનંત પ્રકારનાં વસ્ત્રો દાનમાં આપી અત્યંત રાજી કર્યા.૨૩
આ રીતે અચ્યુત ભગવાન શ્રીહરિ જેને જેની જરૂરત હતી તેને તેવાં પ્રકારનાં ભૂમિદાન, ગોદાન, અશ્વદાન આદિ સર્વ પ્રકારનાં મહાદાનો આપી સુખીયા કર્યા.૨૪
હે રાજન્ ! દર્ભાવતીપુરીમાં ભગવાન શ્રીનારાયણમુનિએ જેવો મહાન વિષ્ણુયાગ મહોત્સવ ઉજવ્યો તેવો ઉત્સવ આજ દિવસ સુધી પૃથ્વીપરના કોઇ રાજા મહારાજાઓ પણ ઉજવી શક્યા નથી. આવી ખ્યાતિ થઇ.૨૫
હે રાજન્ ! વિક્રમ સંવત ૧૮૬૬ ના પોષસુદ પૂર્ણિમાના પવિત્ર દિવસે પૃથ્વીપરના સમસ્ત રાજા મહારાજાઓને પણ વિસ્મય ઉપજાવે તેવા 'ન ભૂતો ન ભવિષ્યતિ' મહાવિષ્ણુયાગની શ્રીહરિએ પૂર્ણાહૂતિ કરી.૨૬
ગ્રંથકર્તા શતાનંદસ્વામીનું સત્સંગમાં આગમન :-- હે રાજન્ ! મારા ગુરુ શતાનંદમુનિ પણ આજ મહાવિષ્ણુયાગ મહોત્સવમાં પ્રત્યક્ષ પ્રમાણ બિરાજતા ભગવાન શ્રીસ્વામિનારાયણનાં દર્શને પધારેલા, ત્યારે શ્રીહરિએ પણ પોતાના એકાંતિક ભક્તવર્ય એવા તેમનું સન્માન કરી પોતાની સમીપે નિવાસ કરાવ્યો.૨૭
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં ડભાણપુરમાં શ્રીહરિએ મહાવિષ્ણુયાગના ઉત્સવનું નિરૂપણ કર્યું એ નામે અડતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૮--