અધ્યાય - ૪૭ - જીવજ જીવનું ભોજન છે. આ યુક્તિથી હિંસાનું પ્રતિપાદન કરતો કીચક, અને શાસ્ત્ર વચનોથી તેના મતનું શ્રીહરિએ કરેલું ખંડન.
જીવજ જીવનું ભોજન છે. આ યુક્તિથી હિંસાનું પ્રતિપાદન કરતો કીચક, અને શાસ્ત્ર વચનોથી તેના મતનું શ્રીહરિએ કરેલું ખંડન. શ્રીહરિનું ડભાણમાં આગમન.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે પોતાના મતનો ઉચ્છેદ કરનારી ભગવાન શ્રીહરિની વાણી સાંભળી તે કીચક મંત્રશક્તિથી રુંધી રાખેલી શક્તિવાળા સર્પની માફક વારંવાર નિઃશ્વાસ લેતો વ્યાકુળ થઇ કહેવા લાગ્યો કે, હે સહજાનંદ સ્વામી ! વેદવાક્યોનું હિંસામાં તાત્પર્યજ જો ન હોય તો દેવતાઓ, ઋષિમુનિઓ અને રાજાઓ હિંસામય યજ્ઞોનું અનુષ્ઠાન શા માટે કરે ? તે સર્વે ઉપર દોષારોપણ કરનારા તમે એક જ પંડિત થયા છો ? જો તેઓ વેદના રહસ્યને જાણતા ન હતા અને તમે જ એક જાણો છો. તો તે તમારાં વચનો સર્વને માટે વિશ્વાસપદ કેમ થઇ શકે ? અને તેઓ પણ તમને વેદનું તાત્પર્ય નથી જાણતા, એવું કહેશે. તો સર્વેને દોષિત કહેનારા તમારું વચન સત્ય છે એવો કોણ વિશ્વાસ કરશે ?.૧-૩
આ ભાગવતનો શ્લોક શું કહે છે તે સાંભળો, જંગમ મનુષ્યાદિકનું ભક્ષ્ય સ્થાવર એવાં ડાંગર આદિ ધાન્ય છે. પાદચારી પશુઓનું ભક્ષ્ય અપદ એવાં તૃણાદિક છે. હસ્તવાળાં વાનરાદિકનું ભક્ષ્ય અહસ્તવાળાં ફળ પત્રાદિક છે. તેમજ બે પગવાળા મનુષ્યોનું ભક્ષ્ય ચારપગવાળાં બકરાં આદિક છે. આ ભાગવતનો શ્લોક માંસભક્ષણ કરવામાં પ્રમાણભૂત છે. અને આજ દિવસ પર્યંત એ જ પ્રમાણે થતું આવતું હોવાથી પરંપરા પ્રાપ્ત શિષ્ટાચાર પણ માંસભક્ષણની અનુમતિ આપે છે.૪-૫
અને શુક્રાચાર્ય અને શ્વેતકેતુએ જે મર્યાદા પ્રવર્તાવી છે તે તો આધુનિક નવી અત્યારે જ ઉત્પન્ન કરેલી છે. પરંતુ તે અનાદિ કાળની મર્યાદા નથી. તેથી સુજ્ઞા પંડિત પુરુષ આધુનિક મર્યાદાનો સ્વીકાર કરતા નથી. સૂક્ષ્મદૃષ્ટિથી વિચાર કરતા કુશાગ્ર બુદ્ધિવાળા પંડિત પુરુષો તો પ્રાચીન મર્યાદાનો જ આશ્રય કરે છે.૬-૭
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે પોતે જ જાણે સાચો પંડિત હોય એવું આચરણ કરી રહેલી કીચકની વાણી સાંભળી ભગવાન શ્રીહરિ તે કીચકના મતનું ખંડન કરનારાં યથાર્થ સત્ય વચનો કહેવા લાગ્યા.૮
શ્રીનારાયણમુનિ કહે છે, હે કીચક ! હું હિંસામય કર્મકરનારા પુરુષો પર કોઇ દોષારોપણ કરતો નથી. કોઇના પર દોષારોપણ કરવું તે સાધુનો ધર્મ પણ નથી. પરંતુ વૈદિક સિદ્ધાંત જ હિંસાના નિષેધ પરાયણ છે. તેથી ધર્મતત્ત્વનો બોધ આપવા પ્રવૃત્ત થયેલા મારે ધર્મતત્ત્વ શું છે અને ધર્માભાસ શું છે ? તે સત્ય તો કહેવું જ રહ્યું. વેદનું તાત્પર્ય તો અહિંસા પરમો ધર્મ જ છે, અને સ્વર્ગાદિ સુખાભાસ માટે વિહિત કરેલા યજ્ઞો પણ ધર્માભાસ છે એમ મારે કહેવું છે. તે સાચો ધર્મ નથી, સાચો ધર્મ તો અહિંસા જ છે. હું તેનું જ પ્રતિપાદન કરું છું. વેદ વિહિત હિંસામય યજ્ઞો અપ્રમાણિક છે એમ મારે નથી કહેવું. પરંતુ તે ધર્માભાસ યજ્ઞો લોકોને જ્યાં ત્યાં થતી હિંસાને રોકવા માટે છે. પરંતુ અંતિમ સત્ય ધર્મ નથી.૯
મહાભારતને વિષે મોક્ષધર્મમાં રાજર્ષિ ભીષ્મપિતામહે જ્યેષ્ઠ પાંડુપુત્ર યુધિષ્ઠિરને આજ સિદ્ધાંત યથાર્થપણે કહેલો છે. તે ભીષ્મપિતાનાં વચનો તમને સંભળાવું છું. તમે સાંભળો.૧૦
હે યુદ્ધિષ્ઠિર ! વેદના રહસ્યના અભિપ્રાયને નહિ જાણનારા રસમાં લોલુપ મૂઢ પુરુષોએજ હિંસાનું પ્રતિપાદન કર્યું છે. ખરેખર આવા પ્રકારના લોકો વૈદિક અહિંસામય ધર્મમર્યાદાઓને સમજ્યા વિના ભંગ કરે છે. તેને નાસ્તિક કહેલા છે. અને મનમાં તો સંશય રહ્યા કરે છે કે, વેદમાં કહેલું ફળ મળશે કે નહિ મળે ? છતાં માત્ર પ્રસિદ્ધિની ખાતર જ હિંસામય યજ્ઞો કરે છે. તેમજ ધર્માત્મા સ્વાયંભુ મનુએ તો ત્યાં સુધી કહ્યું છે કે વેદોક્ત જ્યોતિષ્ટોમાદિ કોઇ પણ યજ્ઞો સાક્ષાત્ પશુના વધ વિના જ અહિંસામય રીતે જ કરવા. અને જેને હિંસામાં રુચિ છે એવા પુરુષો તો યજ્ઞાવેદિકાથી બહાર વેદની આજ્ઞા વિના સ્વેચ્છાથી પશુઓનો વધ કરે છે. તેને ક્યાં કોઇ વેદની આજ્ઞાઓ બાધરૂપ છે.૧૦-૧૨
માટે હિંસામય યજ્ઞા છે તે તો કામ્યકર્મ પરાયણ લોકો માટે છે. પરંતુ વેદનું રહસ્ય તો અહિંસામયરૂપ સૂક્ષ્મ ધર્મપરાયણ જ છે. એમ પ્રબળ પ્રમાણોથી જાણી પુરુષોએ અહિંસારૂપ ધર્મનું જ આચરણ કરવું. કારણ કે સર્વે જીવપ્રાણીમાત્રનો કાયા, મન, વાણીથી પણ દ્રોહ ન કરવારૂપ અહિંસા ધર્મ છે તે જ સર્વે ધર્મો કરતાં અતિશય શ્રેષ્ઠ ધર્મ મનાયેલો છે. અને માંસ પ્રિય મનુષ્યો તો સોમાદિ યજ્ઞોને ઉદ્દેશીને જે તે પ્રકારે પશુઓને મારી માંસભક્ષણ કરે છે. તે ખરેખર પાપરૂપ અને અસત્ય છે. કારણ કે પશુનો ઘાત કરવો એ કાંઇ વખાણવા લાયક ધર્મ નથી.૧૩-૧૪
યજ્ઞાને ઉદ્દેશીને જે સુરાપાન કરવું, મત્સ્યનું ભક્ષણ કરવું, તાળી આદિનું મદ્યપાન કરવું, માંસનું ભક્ષણ, મહુડાના ફુલ આદિના આસવનું પાન, તલ, મગ મિશ્રિત ભાતનું ભક્ષણ કરવું. આ રસાશક્તિએ કરીને કલ્પિત જ છે. રસમાં લોલુપ ધૂર્તલોકોએ તેનું પ્રવર્તન કરેલું છે. પરંતુ વેદમાં આનું ક્યાંય પ્રતિપાદન નથી. તેથી ધૃર્તલોકોએ જે કલ્પના કરી છે તે કેવળ મોહથી પોતાનું અભિમાન પોષવા, લોભથી ધૂતીને ધન ભેળું કરવા અને રસની લોલુપતાને પોષવા જ કરેલું છે. પરંતુ જે અનાદિ કાળથી વૈષ્ણવધર્મ પરાયણ વૈદિક મુનિઓ છે, તે સર્વ પ્રકારના યજ્ઞોમાં એક વિષ્ણુ ભગવાનને જ આરાધ્યદેવ માની તેનું પૂજન કરે છે, અને વિષ્ણુ ભગવાનનું નૈવેદ્ય તો દૂધપાક, પૂરી આદિ પવિત્ર હવિષ્યાન્નથી જ કરવાનું કહેલું છે. તેમજ ખાખરો, આંબો, નાળિયેર આદિ વૃક્ષો અને તેના ફળોનો હૂતદ્રવ્ય તરીકે વેદમાં સ્વીકારવાનું કહેલું હોવાથી તેનાથી જ અગ્નિ પ્રગટાવવો અને હોમ કરવો, તેથી અતિશય સત્ત્વગુણ સંપન્ન અને વિશુદ્ધ ભાવથી સંપન્ન શુદ્ધ પુરુષોએ પવિત્રપણે રાંધીને તૈયાર કરેલું તથા કાર્તિકમાસમાં ખેતરોમાંથી પાકીને ઘેર આવેલું જે કાંઇ શાળ (ડાંગર) આદિક ધાન્ય હોય તેજ ભગવાન શ્રીવિષ્ણુને અર્પણ કરવા યોગ્ય છે.૧૫-૧૮
હે ચતુઃપિબ ! આ પ્રમાણે મહાભારતના પ્રમાણભૂત આઠ શ્લોકનાં વચનો મેં તમને કહ્યાં અને શ્રીમદ્ભાગવતનો પણ આજ સિદ્ધાંત છે.૧૯
પરંતુ જે મલિન બુદ્ધિવાળા છે તે પુરુષો વેદને હિંસા પરત્વે વર્ણવે છે. ખરેખર વેદના રહસ્યને જાણતા જ નથી. તેથીજ તેઓ અગ્નિમાં હોમ કરવાથી જ સ્વર્ગાદિક સુખો પ્રાપ્ત થાય છે. એમ માની અહિંસાદિક સત્યધર્મને ચૂક્યા છે. તેથી દેહના અંત સમયે ધૂમમાર્ગે ગતિ થવાથી વારંવાર સંસારના ચક્રમાં ભ્રમણ કર્યા કરે છે. અને વિશ્રાંતિના સ્થાનરૂપ સ્વયં વાસુદેવ એવા મને ઓળખી શકતા નથી.૨૦
કામી, કંજૂસ, લોભી અને પુષ્પોની જેમ ઉપરથી રમણીય એવા પંચવિષયોમાં સાચા સુખ ફળની બુદ્ધિથી ગળાડૂબ પુરુષો હિંસામય યજ્ઞોથી જ આપણી ઇચ્છાઓ પૂર્ણ થશે એવા દૃઢવિશ્વાસ સાથે યજ્ઞોમાં પશુઓનો વધ કરે છે. તે પશુઓ પોતાને પીડનાર પુરુષોને તેના વેરનો બદલો લેવા માટે પરલોકમાં સમય આવ્યે માંસભક્ષણ કરી પીડે છે.૨૧
ધર્મના તત્ત્વને જાણનારા પુરુષે પિતૃઓના શ્રાદ્ધમાં પણ માંસ ન ખાવું અને ન ખવડાવવું. કારણ કે સામો, નિવાર આદિ મુનિઅન્નથી જેવા પિતૃઓ પ્રસન્ન થાય છે. તેવા બીજા કોઇથી થતા નથી. પશુહિંસાથી તો ક્યારેપણ નહિ.૨૨
આ રીતનાં શ્રીમદ્ ભાગવતનાં વાક્યોથી દેવતાઓના યજ્ઞોમાં કે પિતૃઓના શ્રાધ્ધમાં પણ સાક્ષાત્ પશુવધનો નિષેધ કરેલો હોવાથી યજ્ઞા કે શ્રાધ્ધ સિવાય ઇતર સ્થળે હિંસાનો નિષેધ કર્યો હોય એમાં શું કહેવું ?.૨૩
સપ્તર્ષિઓ અને વાલખિલ્યાદિ મહર્ષિઓ તથા ચંદ્રની કિરણોનું પાન કરી જીવતા અન્ય ઋષિઓએ પણ હિંસામય યજ્ઞાનો નિષેધ કરેલો છે. તે સિવાયના સર્વે મહર્ષિઓ પણ માંસભક્ષણ ન કરવારૂપ આચારની જ સદાય પ્રશંસા કરેલી છે.૨૪
જે પુરુષો બીજાના માંસથી પોતાનું માંસ વધારે છે. તે પુરુષો નક્કી મહા દુઃખ પામે છે. એમ દેવર્ષિ નારદે કહેલું છે.૨૫
જે પુરુષ માંસભક્ષણ કરતો નથી, પશુઓનો વધ કરતો નથી. બીજા દ્વારા પણ જે પશુવધ કરાવતો નથી, તે પુરુષ સર્વ ભૂતપ્રાણી માત્રને માટે પૂજ્ય થાય છે. આ પ્રમાણે પહેલા સ્વાયંભૂમનુએ કહેલું છે. ૨૬
વળી જે પુરુષ મદ્ય માંસના ભક્ષણથી નિવૃત્ત છે તે પુરુષ મહા દાનેશ્વરી અને સર્વયજ્ઞોનો કર્તા કહેલો છે, તથા તેને મહાતપોનિષ્ઠ તપસ્વી જાણવો. આ પ્રમાણે બૃહસ્પતિએ કહેલું છે.૨૭
એક પુરુષ માસે માસે અશ્વમેધ યજ્ઞા કરનારો હોય અને બીજો માંસ ભક્ષણ ન કરવાના દઢ નિયમમાં વર્તનારો હોય તો તે બન્ને પુરુષ સરખા પુણ્યના ભાગીદાર થાય છે. આ પ્રમાણે ભીષ્મપિતામહે ધર્મરાજ યુધિષ્ઠિરને કહેલું છે.૨૮
જે પુરુષે પ્રથમ અજ્ઞાનથી માંસભક્ષણ કર્યું હોય ને ત્યારપછી તેના દોષને જાણી તત્કાળ તેમાંથી નિવૃત્ત થઇ જાય ને ફરી કદી પણ માંસનું ભક્ષણ ન કરે તો તે પુરુષ પણ પૂર્વોક્ત માંસ ન ખાવારૂપ નિયમવાળા પુરુષ જેટલું જ પુણ્ય પ્રાપ્ત કરે છે.૨૯
જે ધર્મ અને અધર્મના વિવેકને જાણતો વિદ્વાન પુરુષ નિરંતર જીવપ્રાણીમાત્રને અભયદાન આપે છે તે ખરેખર સર્વનો જીવનપ્રદાતા કહેલો છે. અને તેનો પ્રકૃતિના સર્વજીવો વિશ્વાસ કરે છે. તેથી તેનો જગતમાં કોઇ પરાભવ કરી શકતું નથી.૩૦
જેવી રીતે પોતાને પોતાનો પ્રાણ અતિશય પ્રિય છે. તેવી રીતે અન્ય જીવોને પણ પોતાના પ્રાણ અતિશય પ્રિય હોય છે. કારણ કે સર્વ દેહધારીઓને માટે મરણતુલ્ય કોઇ મોટું દુઃખ નથી.૩૧
વળી સદાયને માટે આત્માનો સાક્ષાત્કાર પામેલા અને નિવૃત્ત ધર્મમાં નિષ્ઠાવાળા ત્યાગી મુનિજનોને પણ જ્યારે કોઇ તેનો વધ કરવા આવે ત્યારે તેમને પણ બીજાઓની માફક ચિત્તની પ્રસન્નતા રહેતી નથી.૩૨
અને તેથી જ તેવા દેહાભિમાન વર્જિત મુનિઓના વધમાં ધર્મશાસ્ત્રોએ બ્રહ્મહત્યા કરતાં પણ અધિક મહાપાપ કહેલું છે.૩૩
યજ્ઞાભાગના ભોક્તા સર્વે દેવતાઓને પણ ક્યારેક અસુરોની સામે રણસંગ્રામાદિકમાં પોતાના વધનો પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે અત્યંત ભય ઉત્પન્ન થાય છે.૩૪
એટલાજ માટે સર્વે દેવતાઓ જેમ પોતાના વધનો પ્રસંગ પ્રાપ્ત થતાં ત્યાંથી પલાયન થઇ ગિરિપર્વતોની ગુફામાં ગુપ્તપણે નિવાસ કરીને રહે છે, તેમ સર્વ જીવપ્રાણીમાત્રના વધને પણ તેઓ પાપરૂપ જ જાણે છે.૩૫
તેવી જ રીતે આ લોકમાં જે હિંસક પુરુષો છે તે પણ જ્યારે પોતાની હત્યાનો પ્રસંગ પ્રાપ્ત થાય ત્યારે મહાત્રાસ અનુભવે છે. અને જ્યાં ત્યાં ભાગી છૂટે છે.૩૬
તે સમયે પોતે અતિ ક્રૂર હોવા છતાં પણ રાંક જેવો થઇ જાય છે. અને પ્રાણીવધની વારંવાર નિંદા કરવા લાગે છે. અને અહિંસાની જ પ્રશંસા કરવા લાગે છે.૩૭
દેહ અને આત્માનો વિવેક સમજતા વિદ્વાન પુરુષોને પણ પોતાના નિશ્ચિત ભાવિ મૃત્યુની વાત સાંભળવા માત્રથી હૃદયમાં એકદમ કંપારી છૂટે છે.૩૮
જ્યારે પોતાના મૃત્યુની વાત સાંભળવા માત્રથી જ ભય ઉત્પન્ન થતો હોય તો માંસની ઇચ્છા સેવતા પાપી પુરુષો બળપૂર્વક હત્યા કરવા પકડેલાં નિરોગી પ્રાણીઓને શું ભય ઉત્પન્ન નહિ થતો હોય ? અતિશય ભય ઉત્પન્ન થતો હોય છે.૩૯
માટે માંસભક્ષણ માટે પ્રાણીવધની આવી ક્રૂર ક્રિયા કરનારા નિર્દય પાપીઓને આલોકમાં કે પરલોકમાં ક્યાંથી સુખ થાય ?૪૦
હે કીચક ! માંસ ઘાસમાંથી ઉત્પન્ન નથી થતું. તેમજ કાષ્ઠમાંથી કે પથ્થરમાંથી પણ ઉત્પન્ન નથી થતું. જ્યારે પ્રાણીઓનો વધ કરવામાં આવે ત્યારેજ માંસ ઉત્પન્ન થાય છે. તેથી માંસભક્ષણ કરવામાં પાપ લાગે છે.૪૧
દેવતાઓ ''સ્વાહા'' શબ્દથી આપવામાં આવેલા અમૃત શબ્દ વાચ્ય ઘી આદિ હૂત દ્રવ્યોનું ભોજન કરે છે. આર્જવપ્રિય પિતૃઓ છે તે ''સ્વધા'' શબ્દથી અર્પણ કરેલા અમૃત શબ્દ વાચ્ય જળાદિકનું ભોજન કરે છે. અને રાક્ષસો છે તે જ માંસનું ભક્ષણ કરે છે. તેથી માંસભક્ષણ છોડી દેવું અર્થાત્ દેવસંબંધી કે પિતૃસંબંધી કર્મમાં માંસ અયોગ્ય હોવાથી ભક્ષણ કરવું નહિ અને કરાવવું પણ નહિ.૪૨
જે બીજા જીવોને ઉદ્વેગ નથી પહોંચાડતો તે પુરુષને કોઇના તરફથી ભય પ્રાપ્ત થતો નથી. જેઓ અન્ય પ્રાણીઓનો દ્રોહ કરે છે તેને આલોક કે પરલોકમાં ક્યારેય ભય નિવૃત્ત પામતો નથી.૪૩
જો કોઇ પણ મનુષ્યો આ લોકમાં માંસનું ભક્ષણ કરતા જ ન હોય તો માંસ માટે કોઇ ઘાતકી પશુનો ઘાત કરે જ નહિ. તો પછી વહેંચનારો કે ખરીદનારો ક્યાંથી હોય ? તેથી સર્વેના શાંતિના ઉપાયમાં કોઇએ માંસભક્ષણ કરવું જ નહિ.૪૪
કદાચ કોઇ કહે કે, વેંચવા માટે પ્રાણીનો ઘાત કરનારને પાપ લાગે, પરંતુ ખરીદનાર કે ખાનારને પાપનો સંબંધ કેમ હોઇ શકે ? તેના પ્રમાણમાં માર્કંડેય મુનિ કહે છે કે, ત્રણે ઘાતકી જ છે. માંસને વહેંચનારો ધનની લાલસાથી પ્રાણીનો ઘાતકી થયો. માંસનું ભક્ષણ કરનારો માંસનાભક્ષણની ઇચ્છા કરવારૂપ કર્મથી ઘાતકી થયો. અને સ્વયં શસ્ત્રાદિકથી કે અન્યરીતે પ્રાણીનો વધ કરનારો તો ઘાતકી છે જ. તેથી ત્રણેને સરખો દોષ લાગે છે.૪૫
ખરીદનારની આજ્ઞાથી માંસ ઘરે લાવનાર, અનુમોદન આપનાર, સ્વયં વધ કરનાર, ખરીદનાર, વહેંચનાર, રાંધીને પકવનાર, સ્વયં ખાનાર આ સાત પ્રકારના પુરુષો છે તે માંસભક્ષી જ કહેલા છે, તેથી સાતેને સરખું પાપ લાગે છે.૪૬
માંસ ભક્ષણમાં દેહની પુષ્ટિ સિવાય બીજો કયો ગુણ છે ? કોઇ જ નથી. દેહતો દુઃખરૂપ, કૃતઘ્ની અને ક્ષણભંગુર છે.૪૭
માંસભક્ષણ કરવામાં અનંત પ્રકારના દોષ લાગે છે. કારણ કે સમસ્ત પાપો માત્ર હિંસા શબ્દને જ આશરીને રહ્યાં છે.૪૮
જે જનો જીવપ્રાણીમાત્રની હિંસા કરે છે, તે અનેક પ્રકારના જન્મો, જરા, રોગ, મૃત્યુ વિગેરે અનંત પ્રકારનાં દુઃખોની પીડા પામી સંસૃતિના ચક્રમાં ભટક્યા કરે છે.૪૯
તે જીવહિંસક મનુષ્યો પ્રથમ કુંભીપાક નરકમાં પડી રંધાય છે. ત્યારપછી કૂતરાં, ગધેડાં આદિ અનંત યોનિમાં જન્મી પરતંત્ર દશામાં રહી ભટકે છે. અને નરક કરતાં પણ અધિક દુઃખમય ગર્ભવાસનાં દુઃખોને વારંવાર ભોગવે છે.૫૦
પ્રાણ કોને વહાલા નથી ? મોટા પ્રાણીઓની ઘાત જ માત્ર નહિ, પરંતુ નાના સૂક્ષ્મ જંતુઓની હિંસા પણ મનુષ્યને પાપનો ભાગીદાર ઠેરવે છે. કારણ કે સર્વે જીવપ્રાણીમાત્રને પોતાના પ્રાણ પ્રિય હોય છે.૫૧
આ બાબતને પુષ્ટ કરતી મહાભારતના દાનધર્મમાં વર્ણવેલી એક પ્રસિદ્ધ કથા છે. પૂર્વે માર્ગમાં વ્યાસજી ચાલ્યા જતા હતા, સામેથી આવતાં ગાડાંનો અવાજ સાંભળી પૈડાના ચીલામાં ભયપામી દોડી રહેલા એક સૂક્ષ્મ જીવને પૂછયું આટલો ગભરાઇને દોડાદોડ કેમ કરે છે ? ત્યારે એ જંતુએ વ્યાસજીને જવાબ આપેલો કે મને મારા પ્રાણ અતિશય વહાલા છે.૫૨
જે પુરુષ દયાભાવ રાખી સર્વ ભૂતપ્રાણીમાત્રને અભયદાન આપે છે, તે જ પુરુષ આલોક તથા પરલોકમાં નિર્ભય રહી શકે છે, તેમાં કોઇ જાતનો સંશય નથી.૫૩
જે પુરુષ અન્ય પ્રાણીઓને ભયથી મુક્ત કરે છે. તે પુરુષને સર્પ, વાઘ આદિક હિંસક પ્રાણીઓ અને પિશાચો કે રાક્ષસો પણ મારતા નથી અને તેને કદાચ ભય પ્રાપ્ત થતો હોય છતાં તે સર્વેના ભયથકી મુક્ત થઇ જાય છે.૫૪
પશુઓને પણ મૃત્યુકાળ પ્રાપ્ત થતાં શરીરમાંથી મહાન કંપારી છૂટે છે. તેથી મનુષ્યો જેવી દયા પોતાના શરીર ઉપર રાખે છે તેવી દયા અન્ય પ્રાણીઓના શરીર ઉપર પણ રાખવી, ને વિચાર કરવો કે, હું આલોકમાં જે પ્રાણીનું માંસ ભક્ષણ કરું છું, તે પ્રાણી પરલોકમાં મને જ ખાસે. આ પ્રમાણે ધર્મપ્રિય બુદ્ધિવાળા પુરુષોએ માંસ શબ્દનો અર્થ કરેલો છે.૫૫-૫૬
પશુઓ યજ્ઞાને અર્થે જ સર્જ્યાં છે, આવા પ્રકારનું શ્રુતિવચન હોવાથી યજ્ઞા સિવાય અન્ય સ્થળમાં જે પુરુષો પશુઓની હિંસા કરે છે. તે ખરેખર રાક્ષસો છે.૫૭
યજ્ઞોમાં પણ પ્રત્યક્ષ પશુનો વધ વેદને સંમત નથી. કારણ કે હજારો માતાઓ કરતાં પણ વેદ અધિક વાત્સલ્યભાવને વરેલા છે. છતાં પણ અસાત્વિકવૃત્તિના રાજસી અને તામસી જનોની સ્વાભાવિકી હિંસામાં રુચિ વર્તે છે. તેમાંથી નિવૃત્ત કરવા માટે અને હિંસાના સંકોચ માટે હિંસામય યજ્ઞોનું પ્રતિપાદન કરેલું છે.૫૮
સત્વગુણ પ્રધાન આદિ સતયુગમાં સર્વ જીવોનું હિત કરનારા સત્ય, દાન, તપ અને ભગવાનના નામ મંત્રનો જપ વગેરે મુખ્ય ધર્મ હતા.૫૯
ત્યારપછી તે સત્યુગમાં જ યજ્ઞોની પ્રવૃત્તિ થઇ અને તે યજ્ઞોમાં પણ 'અજ' એટલે ક્યારેય ઉગે નહિ તેવી ડાંગરરૂપ અજથી હોમ કરી પુણ્યલોકને પ્રાપ્ત કરવાની ઇચ્છાવાળા પુરુષો યજ્ઞોનું અનુષ્ઠાન કરવા લાગ્યા.૬૦
પછી કાળક્રમે કરી તમોગુણમિશ્ર રજોગુણની બુદ્ધિમાં વૃદ્ધિ થતાં મનુષ્યો તથા અધિકારી દેવતાઓ પણ મતિ વિપરીત થયા.૬૧
ત્યારપછી પૂર્વે સ્વાયંભુવ મન્વંતરના ત્રેતાયુગમાં વિશ્વજીત નામના ઇન્દ્રદેવે મંત્રોમાં અજ શબ્દનો અર્થ ઉગે નહિ તેવી જુની ડાંગરના બદલે 'બકરો' આવો ઉલટો અર્થ કરી હિંસામય યજ્ઞોનું પ્રવર્તન કર્યું.૬૨ પ્રથમ તો સ્વયં ઇન્દ્રદેવે જ પ્રત્યક્ષ પશુના વધરૂપ મોટો અશ્વમેધ યજ્ઞાનું અનુષ્ઠાન કરી તેમાં હિંસાની પ્રવૃત્તિ કરી.૬૩
હે કીચક ! તે ઇન્દ્રની હિંસામય યજ્ઞા સંબંધી કથા હું તમને કહું છું. જે કથા વાયુપુરાણ, મત્સ્ય પુરાણ, સ્કંદપુરાણ અને મહાભારતમાં પણ વર્ણવેલી છે.૬૪
પૂર્વે આદિ સ્વાયંભુવ મન્વંતરમાં મંત્રવિદ્યામાં વિશારદ વિશ્વજિત નામનો ઇન્દ્ર થયો.૬૫
આ ઇન્દ્રે પોતાની આજ્ઞામાં વર્તતા અન્ય દેવતાઓનાં વૃંદોની સાથે યજ્ઞાના ઉપકરણોની સઘળી સામગ્રી સંપાદન કરી, ત્યારપછી સમર્થ એવા એ ઇન્દ્રે ત્રેતાયુગના પ્રારંભમાંજ અશ્વમેધ યજ્ઞાનું પ્રવર્તન કર્યું.૬૬
તે યજ્ઞામાં ઇન્દ્રની આજ્ઞામાં વર્તતા સર્વે દેવતાઓ ઇન્દ્રિયોના અધિષ્ઠાતા દેવતાઓનું પૂજન કરવા લાગ્યા. તેવામાં વિસ્તાર પામેલા તે યજ્ઞામાં દૈવ ઇચ્છાએ વૃદ્ધ વસિષ્ઠાદિ મુનિઓ પધાર્યા.૬૭
દેવતાઓએ તેમનું પાદ્ય, અર્ઘ્ય આદિવડે સન્માન કરી પૂજન કર્યું. સર્વેજનો યજ્ઞાની સભામાં બેઠા. અને યજ્ઞાની સામગ્રી તથા અત્યંત ઉત્સાહમાં વર્તતા યજ્ઞા કરાવનારા ઋષિઓ તથા દેવતાઓને જોયા.૬૮
તેમાં તેઓએ યજ્ઞામાં બાંધેલાં આક્રોશ કરતાં ગરીબડાં બકરાં આદિ પશુઓને પણ જોયાં, તેથી સર્વે દેવતાઓ અને યજ્ઞા કરાવનારા મુનિઓને સાંભળતાં વિશ્વજિત ઇન્દ્રને કહ્યું કે, હે દેવેન્દ્ર ! તેં સનાતન અહિંસા ધર્મની હત્યા કરવા માટે આવા પશુહિંસારૂપ અધર્મનો પ્રારંભ કર્યો છે ? કારણ કે યજ્ઞામાં પશુની હત્યા કરવી તે ધર્મ નથી. પરંતુ અધર્મ જ છે.૬૯-૭૦
હિંસાને કોઇ પણ વ્યક્તિ ધર્મ સ્વરૂપે સ્વીકારી શકે જ નહિ. તમે જે કાંઇ પણ કાર્ય કરવા ઇચ્છતા હો તે સર્વે વેદ પ્રમાણિત અહિંસાત્મક સત્શાસ્ત્રોના વિધિપ્રમાણે ધર્મમર્યાદાનું ઉલ્લંઘન નહિ કરીને ધર્મ પ્રમાણે જ કરો.૭૧
હે કીચક ! તત્ત્વદર્શી વૃદ્ધ વસિષ્ઠાદિ મહર્ષિઓએ આ પ્રમાણે કહ્યું છતાં માન અને મોહથી અંધ થયેલા ઇન્દ્રે તેમનાં વચનોનો સ્વીકાર કર્યો નહિ.૭૨
પરમાર્થ માટે વિચારતા તત્ત્વજ્ઞાની મહર્ષિઓએ ઇન્દ્ર સાથે વિવાદ કરી દુઃખી થઇ રહ્યા હતા, તેવામાં આકાશમાં ગતિ કર્તા ધર્મિષ્ઠ ઉપરિચર વસુ રાજાનું ત્યાં આગમન થતું જોયું, તેથી ઇન્દ્ર સાથે આ ઉપરિચર વસુ જે કહે તે સત્ય માનવું એવી પ્રતિજ્ઞા કરી.૭૩
પછી દૈવ ઇચ્છાએ પધારેલા વસુરાજાને પૂછવામાં આવ્યું કે હે બુદ્ધિમાન રાજન્ ! તમે ધર્મતત્ત્વને જાણો છો તેથી કેવા પ્રકારના યજ્ઞાનો વિધિ તમે સ્વીકારો છો. અહિંસામય કે હિંસામય ? આ પ્રમાણે વૃદ્ધ વસિષ્ઠાદિ મહર્ષિઓએ પૂછયું ત્યારે વેદનાં વિધિ વાક્યો અને નિષેધ વાક્યોનો વિચાર કર્યા વિના ઉપરિચર વસુરાજા કહેવા લાગ્યા કે, હે મહર્ષિઓ ! પવિત્ર પશુઓથી યજ્ઞા કરી શકાય અને ઘી આદિક રસોથી ડાંગર આદિ ઔષધિઓથી અને નાળિયેર આદિ ફળોથી પણ યજ્ઞા કરી શકાય કારણ કે વેદોમાં હિંસાપ્રધાન વિધિ પણ જોવામાં આવે છે.૭૪-૭૫
હે કીચક ! જ્યાં આવા પ્રકારનું વચન ઉપરિચર વસુ રાજાએ ઉચાર્યું ત્યાં તો આકાશમાં ઉપરગતિ કરતા હતા. ત્યાંથી તેજક્ષણે પૃથ્વીપર પડયા.૭૬
તે વસુરાજા ધર્મસંબંધી સંશયોને દૂર કરનારા ધાર્મિક રાજા હતા, છતાં દેવરાજ ઇન્દ્રની સાથે મિત્રતા હોતાં પક્ષપાત કરવાથી અને યજ્ઞોમાં હિંસાનું પ્રતિપાદન કરવાથી તત્કાળ અધોગતિને પામ્યા.૭૭
માટે આવા બુદ્ધિમાન પુરુષો પણ વેદના અર્થને જાણવા સમર્થ થઇ શકતા નથી, તેથી ધર્મનો નિશ્ચય કરવો અશક્ય હોવાથી કોઇ પણ પુરુષો ધર્મનો સાચો નિર્ણય કરી ચોક્કસ ધર્મ કહી શકતા નથી.૭૮
વેદ તો જેવો જેનો અધિકાર તેને ધ્યાનમાં રાખી ધર્મનું પ્રતિપાદન કરે છે. તેથી અનેક પ્રકારના વિભાગમાં વહેંચાયેલી ધર્મની ગતિ અતિ સૂક્ષ્મ છે અને દુર્ગમ પણ છે.૭૯
હે કીચક ! આ પ્રમાણે પૂર્વે સ્વાયંભુવ મન્વંતરમાં ઋષિઓ અને દેવતાઓનો યજ્ઞા પ્રવૃત્તિ નિમિત્તે મોટો વિવાદ થયો.૮૦
ત્યારપછી અવશ્ય ભાવિનો વિચાર કરી કાળના બળે હણાયેલા અહિંસામય સનાતન ધર્મને જોઇને અને દેવતાઓદ્વારા આ યજ્ઞામાં તે ધર્મનો લોપ થશે અને અધર્મનો પ્રચાર પ્રસાર થશે, એમ માનીને સર્વે ઋષિઓ જેમ આવ્યા હતા તેમ ત્યાંથી ચાલ્યા ગયા.૮૧
મુનિઓના ગયા પછી તે દેવતાઓએ આરંભને અનુસારે જ હિંસામય યજ્ઞાનું અનુષ્ઠાન કર્યું. ત્યારથી રજોગુણ અને તમોગુણવાળી બુદ્ધિની વૃદ્ધિ થતાં હિંસાની પ્રવૃત્તિ થઇ છે.૮૨
જ્યાં જ્યારે જ્યારે જેવા પ્રકારના ગુણવાળા યુગ ચાલતા હોય ત્યાં તેવા પ્રકારના બ્રાહ્મણો હોય અને શાસ્ત્રો પણ તેવા પ્રકારનાં જ હોય, તેથી આ પૃથ્વીપર મુમુક્ષુ સજ્જનોએ ક્યારેય પણ હિંસા ન કરવી, એવાં ઋષિમુનિઓનાં વચનોને પ્રમાણપણે માનવાં.૮૩-૮૪
પ્રાણીમાત્રને પીડા ન પહોંચાડવારૂપ અદ્રોહ, અલોભ, બ્રાહ્ય ઇન્દ્રિયોનો નિગ્રહ કરવારૂપ દમ, ભૂતપ્રાણી માત્ર પર દયા, અંતઃકરણપર નિગ્રહ કરવારૂપ શમ, બ્રહ્મચર્ય, તપ, પ્રાણીઓના હીતરૂપ સત્યભાષણ, અક્રૂરપણું, પર અપરાધને સહન કરવારૂપ ક્ષમા અને ધીરજ આ બધાં સનાતન ધર્મનાં મૂળ છે. તેથી માંસનો સર્વપ્રકારે ત્યાગ કરવો, એજ શ્રેષ્ઠ ધર્મમર્યાદા છે.૮૫-૮૬
અહિંસારૂપ જે ધર્મ છે તે શ્રેષ્ઠ સનાતન ધર્મ છે. પરંતુ આધુનિક ધર્મ નથી. તેથી હે કીચક ! તમારા અસત્ય મતનો ત્યાગ કરી ભગવાન શ્રીકૃષ્ણનો આશ્રય કરો.૮૭
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ભગવાન શ્રીહરિનાં આવાં અમૃતની સમાન વચનો સાંભળી કીચક અતિશય વિસ્મય પામ્યો, અને પોતાના હૃદયમાં શ્રીહરિને સર્વજ્ઞા પરમેશ્વર માનવા લાગ્યો અને પોતાના મતને અસત્ય માનવા લાગ્યો.૮૮
આ રીતે કીચક અપ્રમાણ એવા પંચમકારથી દેવીનું પૂજન કરવાના સિદ્ધાંતને ભગવાન શ્રીહરિની આગળ પ્રમાણપણે પ્રતિપાદન કરી શક્યો નહિ.૮૯
તેથી ગર્વ રહિત નિર્માની થઇ અધર્મથી અત્યંત ભય પામ્યો. છતાં પણ પોતાના માનનું રક્ષણ કરવા શ્રીહરિને પ્રણામ કરી કહેવા લાગ્યો કે, હે નારાયણમુનિ ! તમે જે વચનો કહ્યાં તે સત્ય છે. પરંતુ મારા પુરાતન ગ્રંથો પ્રાતઃકાળમાં લાવીને હું તમને બતાવીશ.૯૦-૯૧
અત્યારે મને થોડું કામ છે તેથી હું જાઉં છું. એમ કહીને પોતાના શિષ્યોની સાથે ત્યાંથી તત્કાળ નીકળી ગયો.૯૨
હે રાજન્ ! જતી વખતે ગ્લાનિ પામેલા પોતાના મુખને વસ્ત્રથી ઢાંકી ભય પામતો અને શરીરે કાંપતો તે કીચક જેમ ગરુડના મુખમાંથી મુક્ત થયેલો સર્પ પોતાનાં દર પ્રત્યે દોડે તેમ સભામાંથી તે પોતાનાં ઘર પ્રત્યે ચાલ્યો ગયો.૯૩
કીચકના ગયા પછી ભગવાન શ્રીહરિએ સર્વે આશ્રિત સંતો-ભક્તોની સાથે તેના સંસર્ગથી થયેલા પાપને ધોવા માટે અતિશય વિશાળ દેવસરોવરમાં તેજ ક્ષણે સ્નાન કર્યું.૯૪
શ્રીહરિ સ્નાન કરી ફરી સભામાં બિરાજમાન થયા અને પોતાના આશ્રિતોને કહેવા લાગ્યા કે, હે ભક્તજનો ! કીચક સાથેના વાદવિવાદમાં મેં દેવીની પૂજાનું ખંડન કર્યું નથી. પરંતુ દેવીપૂજામાં શાક્તોએ સ્થાપન કરેલા અધર્મનું સારી રીતે ખંડન કર્યું છે. તેથી ધર્મનું રક્ષણ કરવા અને અસુરોનો વિનાશ કરવામાં ભગવાનની આજ્ઞા પ્રમાણે નિત્યે વર્તતી દેવીની મારા આશ્રિત તમોએ ક્યારેય પણ અવજ્ઞા કરવી નહિ.૯૫-૯૬
હે રાજન્ ! આ પ્રમાણે સભામાં વિદ્વાન વિપ્રોને સત્શાસ્ત્રનાં પ્રમાણ યુક્ત અદ્ભૂત વચનોથી રંજન કરતા ભગવાન શ્રીહરિએ કીચક જેવા દુર્જનોથી દુર્બળ દશાને પામી લુપ્ત થવા જઇ રહેલા ધર્મનું રક્ષણ કર્યું.૯૭
પછી ફરીવાર શ્રીહરિએ શક્તિપંથમાં રહેલા પંચમકારરૂપ મહાપાપનો પૂર્વોક્ત પ્રકારનાં પ્રબળ વચનોથી વિનાશ કર્યો અને ચંદન, પુષ્પ, ઘી, દૂધ અને અડદનાં વડાંનો બલિ અર્પણ કરી પૂજન કરવાનો વિધિ સ્થાપન કર્યો.૯૮-૯૯
હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિ ધર્મમર્યાદાનું સ્થાપન કરતા જેતલપુરમાં નિવાસ કરીને રહેતા હતા, તેવામાં માગસર સુદ મોક્ષદા એકાદશીનો દિવસ આવ્યો, શ્રીહરિએ તે દિવસે શ્રીકૃષ્ણ ભગવાનની મહાપૂજા કરી મોટો મહોત્સવ ઉજવ્યો. તે મહોત્સવમાં ગામાંતરોમાંથી આવેલા હજારો ભક્તજનો ભેળા થયા હતા, તે સમયે દર્ભાવતી (ડભાણ) પુરીથી વિષ્ણુગુપ્ત આદિ ભક્તો આવ્યા હતા. તેણે ઉત્સવની સમાપ્તિમાં પારણાં કરી બારસને દિવસે ભગવાન શ્રીહરિને પોતાને પુર ડભાણ પધારવાની વારંવાર ખૂબ જ પ્રાર્થના કરી.૧૦૦-૧૦૨
શ્રીહરિનું ડભાણમાં આગમન :-- હે રાજન્ ! વિષ્ણુગુપ્ત આદિ ડભાણના ભક્તજનોની પ્રાર્થના સાંભળી પ્રસન્ન થયેલા શ્રીહરિ તે જ સમયે વેગવંતા ઘોડા ઉપર બિરાજમાન થઇ તે ભક્તજનોની સાથે જ તેમને ગામ ડભાણ જવા જેતલપુરથી રવાના થયા. અસ્વારોથી વીંટાયેલા શ્રીહરિ સંતમંડળની સાથે ગામથી બહાર નીકળ્યા ત્યારે તેઓને વળાવવા પાછળ આવેલા જેતલપુરના ભક્તજનોને પાછા વાળીને આગળ ચાલ્યા. માર્ગમાં આવતાં ગામોમાં પોતાના ભક્તિભાવવાળા ભક્તજનોના ભવનોમાં નિવાસ કરી તેઓને સુખ આપતા ડભાણપુરમાં પધાર્યા.૧૦૩-૧૦૪
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના દ્વિતીય પ્રકરણમાં જેતલપુરમાં વિરાજમાન ભગવાન શ્રીહરિએ ક્ષુદ્ર શાક્તમતનું ખંડન કરી અહિંસામય ધર્મનું સ્થાપન કર્યું અને વાદી એવા કીચકનો પરાજય કર્યો એ નામે સુડતાલીસમો અધ્યાય પૂર્ણ થયો. --૪૭--