અધ્યાય - ૩૨ - એકાદશીની ઉત્પત્તિ અને તેને મળેલું વરદાન.
એકાદશીની ઉત્પત્તિ અને તેને મળેલું વરદાન.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિના મુખેથી એકાદશીનું માહાત્મ્ય સાંભળીને સભામાં બેઠેલા ધર્મનિષ્ઠ સમસ્ત સંતો-ભક્તજનો અત્યંત પ્રસન્ન થયા.૧
હે નૃપ ! તે ભક્તજનોની મધ્યે જે ભક્તજનો પ્રશ્નો પૂછવામાં નિપુણ હતા તેઓએ બે હાથ જોડી, સકલ ઐશ્વર્યે સંપન્ન સર્વના માલિક ભગવાન શ્રીનારાયણમુનિને ભક્તિભાવથી પ્રણામ કરી પૂછવા લાગ્યા.૨
ભક્તજનો પૂછે છે, હે સ્વામિન્ ! એકાદશીની તિથિ બીજાં સર્વ વ્રતો કરતાં અધિક ફળ આપે છે, એમ તમે કહ્યું તેનું કારણ શું છે ? તે અમને તમે જણાવો.૩
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે પોતાના આત્મીય ભક્તજનોએ પૂછયું તેથી ભક્તવત્સલ ભગવાન શ્રીહરિ એકાદશીના અધિકમહિમાનું કારણ કહેવા લાગ્યા.૪
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે સુંદર વ્રતને ધારણ કરનારા ભક્તજનો ! આ પૃથ્વી પર સર્વે મનુષ્યોનો મહિમા જે અધિક ને અધિક વધે છે તેનું કારણ સાક્ષાત્ ભગવાન વિષ્ણુનો સંબંધ છે. કારણ કે તેની સમાન બીજું કોઇ મોટું તત્ત્વ જ નથી. મોટામાં મોટા એ ભગવાન છે. તેથી જ ભગવાનના સંબંધમાં જે આવે તેનો મહિમા સર્વ કરતાં અધિક વધે છે.૫
આ બાબત તમે જાણો છો. ભગવાન શ્રીવાસુદેવનારાયણનાં શરીરમાંથી ઉત્પન્ન થવાને કારણે તથા ભગવાન થકી વરદાન પ્રાપ્ત કરવાને કારણે એકાદશીનો પૂર્વ કહ્યો એવો મહિમા વધ્યો છે. તેથી તેમની કથા હું તમને સંભળાવું છું.૬
હે ભક્તજનો ! પૂર્વે સત્યુગમાં નાડીજંઘ નામે એક અસુર હતો. તેને ત્યાં અતિશય બલવાન તેમજ ઉદ્ધત એક મુર નામનો પુત્ર થયો.૭
દાનવરાજ તે મુરદાનવે દુષ્કર તપશ્ચર્યાથી બ્રહ્માજીનું આરાધન કર્યું, અને તેમની પાસેથી સર્વે દેવતાઓદ્વારા મૃત્યુ નહીં પામવાનું વરદાન મેળવ્યું.૮
ત્યારપછી મદથી ઉદ્ધત થયેલા તે મુરદાનવે ઇન્દ્રાદિ સર્વે દિગ્પાળોને તત્કાળ જીતી લીધા. તેમની પાસેથી તેના અધિકારો છીનવીને સ્વયં એક ચક્રવર્તી સમ્રાટ થયો અને પોતાના સામર્થ્યથી પોતાની અસુરજાતિના ઇન્દ્રાદિ દિગ્પાળો નીમ્યા.૯
તે સમયે પોતાના અધિકારમાંથી ભ્રષ્ટ થયેલા તેમજ નિઃસ્તેજ થયેલા સર્વે ઇન્દ્રાદિ દેવતાઓ મુરદાનવથી ભય પામતા પામતા પૃથ્વીપર પોતાને ઇચ્છિત ગુપ્તરૂપ ધારણ કરી વિચરવા લાગ્યા.૧૦
હે ભક્તજનો ! દુઃખી થયેલા તે ઇન્દ્રાદિ દેવતાઓ કેટલાક સમયપછી બ્રહ્માજીને શરણે ગયા ને પોતાના દુઃખનું નિવેદન કર્યું.૧૧
દેવતાઓનું દુઃખ નિવારણ કરવામાં અસમર્થ બ્રહ્માજી તે દેવતાઓને સાથે લઇ ભગવાન શિવજી પાસે ગયા. પછી તેમને પણ સાથે લઇ ક્ષીરસાગરના ઉત્તર કિનારે આવ્યા કે જ્યાં ભગવાન શ્રીવાસુદેવનું શ્વેતદ્વીપધામ આવેલું છે.૧૨
હે ભક્તજનો ! ક્ષીરસાગરને ઉત્તર કિનારે ઇન્દ્રિયોને વશ કરી, આહારનો ત્યાગ કરી, જીતેન્દ્રિય થઇ, બ્રહ્મા, શિવ અને ઇન્દ્રાદિ સર્વે દેવતાઓ રમાકાંત ભગવાન શ્રીવાસુદેવની આરાધના કરવા લાગ્યા.૧૩
એક પગે ઊભા રહી, નેત્રો મીંચી બન્ને હાથ ઊંચા કરી, મનમાં એક શ્રીવાસુદેવને જ પ્રસન્ન કરવાની ઇચ્છા રાખી, સર્વે તીવ્ર તપશ્ચર્યા કરવા લાગ્યા.૧૪
દેવતાઓની તીવ્ર તપશ્ચર્યા જોઇ કમલાપતિ ભગવાન વાસુદેવ અતિશય પ્રસન્ન થયા અને વૈકુંઠમાંથી ત્યાં આવી મહાપ્રકાશે યુક્ત દેવતાઓની આગળ પાદુર્ભાવ પામી ઊભા રહ્યા.૧૫
હે ભક્તજનો ! તે સમયે તપશ્ચર્યા કરતા દેવતાઓએ એક સાથે ઉદય પામેલા કરોડો સૂર્યની સમાન અને અચાનક પ્રગટ થયેલા મહાતેજના પુંજનાં દર્શન કર્યાં.૧૬
ત્યારપછી તેજની મધ્યે સર્વાન્તર્યામી જગત્પતિ ભગવાન શ્રીવાસુદેવનાં સાક્ષાત્ દર્શન થયાં. તે સમયે નંદ સુનંદ આદિક પાર્ષદો ભગવાનની સેવા કરી રહ્યા હતા. રાધા અને રમા આદિક શક્તિઓ પણ ભગવાનની સાથે શોભી રહી હતી.૧૭
ચતુર્ભુજ પરમાત્મા શંખ, ચક્ર, ગદા, અને પદ્મથી વિભૂષિત હતા. ઇન્દ્રમણિ, અને નીલમણિ સમાન શ્યામ વર્ણમાં શોભતા, ભગવાનનાં કમળના પત્રોની સમાન વિશાળ નેત્રો અને મંદ મંદ હાસ્ય કરતું મુખારવિંદ મનોહર જણાતું હતું.૧૮
આવા પરમાત્માનાં દર્શન કરી બ્રહ્માદિ દેવતાઓએ પરમભાવથી તેમને નમસ્કાર કર્યા, ંત્યાર પછી ભગવાનની આગળ દૈત્યપતિ મુરદાનવનું પોતાના સ્થાનમાંથી ભ્રષ્ટ કરી કાઢી મુક્વા આદિ સર્વ વૃત્તાંતનું નિવેદન કર્યું.૧૯
હે ભક્તજનો ! અતિશય દુઃખી થયેલા દેવતાઓના સમૂહને જોઇ કરૂણાનિધિ ભગવાન વાસુદેવ તેમને અભયવરદાન આપી મુરદાનવનો વિનાશ કરવાનો મનમાં નિશ્ચય કર્યો.૨૦
ત્યાર પછી સર્વે દેવતાઓને સાથે લઇ સ્વયં ભગવાન તે મુદાનવની રાજધાની ચંદ્રાવતીપુરી પ્રત્યે આવ્યા ને પાંચજન્ય શંખનો નાદ કર્યો. તેથી ચંદ્રાવતીના સર્વે દૈત્યો ત્રાસ પામવા લાગ્યા.૨૧
તે સમયે શંખનો ધ્વનિ સહન નહિ કરી શકવાથી મુરદાનવ દેવતાઓની સાથે યુદ્ધ કર્યું, તેથી તેનાં શસ્ત્ર અને અસ્ત્રના પ્રહારને સહન નહિ કરવાથી અસમર્થ દેવતાઓ દશે દિશાઓમાં ભાગી ગયા.૨૨
હે ભક્તજનો ! ભગવાન વાસુદેવે પણ સુદર્શન ચક્રથી મુરદાનવ સાથે દારુણ યુદ્ધ કર્યું, છતાં મુરદાનવ મરી શક્યો નહિ. યુદ્ધ કરતાં કરતાં હજાર વર્ષ વીતી ગયાં.૨૩
તેથી ભગવાન થોડી વિશ્રાંતિ લેવા પોતાનાં બદરિકાશ્રમમાં આવ્યા. ત્યાં સિંહવતી ગુફામાં પ્રવેશ કરીને જાણે મુરદાનવથી ભય પામતા હોય તેમ શયન કરી ગયા.૨૪
પોતાની દશ ઇન્દ્રિયો અને અગિયારમું મન તેને સ્વસ્વરૂપમાં લીન કરી સમર્થ ભગવાન વાસુદેવે તે જ ક્ષણે યોગનિદ્રાનો સ્વીકાર કર્યો.૨૫
સિંહવતી ગુફા બારયોજનના વિસ્તારવાળી બહુજ મોટી હતી, તેમાંથી જવા આવવાનો માત્ર એક જ માર્ગ હતો. મુરદાનવે પણ ભગવાનની પાછળ ગુફામાં પ્રવેશ કર્યો.૨૬
ભગવાન તો યોગનિદ્રાનો આશ્રય કરી શયન કરતા હતા. પોતાની પાછળ આવેલા દુર્જય અને ઉધ્ધત મુરદાનવને ભગવાને પોતાની અંતદૃષ્ટિથી જોયો, ત્યાં જણાયું કે બ્રહ્માજીના વરદાનથી તે મરાતો નથી. તેથી તેમના ઉપર ભગવાન અતિશય ક્રોધાયમાન થયા.૨૭
હે ભક્તજનો ! જેવો ભગવાને મુરદાનવ ઉપર ક્રોધ કર્યો, તેવામાંજ પોતાની અગિયાર ઇન્દ્રિયોના મહાતેજમાંથી દિવ્ય આયુધોવાળી અતિશય તપસ્વિની એક કન્યાનો પ્રાદુર્ભાવ થયો.૨૮
રૂપ અને સૌભાગ્ય-સંપન્ન તે કન્યાને જોઇ મુરદાનવ ભગવાનને ભૂલી ગયો અને કન્યાને કહેવા લાગ્યો કે, હે સુંદરી ! તું મને વર. એમ આદરપૂર્વક વારંવાર કન્યાની પ્રાર્થના કરવા લાગ્યો.૨૯
કામથી અતિશય વિહ્વળ થઇ ગયેલા મુરદાનવને દિવ્યરૂપા કન્યા કહેવા લાગી કે, હે દૈત્ય ! મારી સાથે યુદ્ધ કરી તું રણસંગ્રામમાંથી જીતીને પછી મને પરણ. કારણ કે મારૂં વ્રત છે કે જે મને યુદ્ધમાં જીતી જાય તેજ મારો પતિ થાય.૩૦
હે ભક્તજનો ! દેવીનાં વચન સાંભળી મુરદાનવ શસ્ત્ર અસ્ત્રથી તે કન્યા સાથે યુદ્ધ કરવા લાગ્યો. તે સમયે અતિશય ક્રોધાયમાન થયેલી કન્યાએ દુષ્ટબુદ્ધિવાળા તે મુરદાનવનું તલવારથી માથું કાપી નાખ્યું.૩૧
તે સમયે મુરદાનવના મૃત્યુથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રીવાસુદેવ અતિશય પ્રસન્ન થયા અને બ્રહ્માદિ સર્વે દેવતાઓ પણ તે કન્યાનું પૂજન કરી તેની ખૂબજ પ્રશંસા કરવા લાગ્યા ને પૂછવા લાગ્યા કે, હે દેવી ! તમે કોણ છો ?૩૨
ત્યારે દેવીએ ભગવાન વાસુદેવના ચરણમાં વંદન કરીને ભગવાન પ્રત્યે કહેવા લાગી કે, હે સ્વામિન્ ! હે પ્રભુ ! તપોરૂપ તમારી અગિયાર ઇન્દ્રિયોના તેજમાંથી હું ઉત્પન્ન થઇ છું, તેથી મારૂં નામ એકાદશી છે. તમારા તપના તેજમાંથી પ્રગટી છું. માટે હું તપસ્વિની પણ છું.૩૩
આ બ્રહ્માંડમાં જે કાંઇ નાનાં મોટાં પાપ હોય કે સમસ્ત દૈત્યો હોય કે પછી અસુરો હોય તે સર્વેનો સિંહની જેમ વિનાશ કરનાર છું.૩૪
હે ભક્તજનો ! આ પ્રમાણે જ્યારે એકાદશીએ કહ્યું ત્યારે પરમાત્મા વાસુદેવ તેમના ઉપર પ્રસન્ન થયા અને કહેવા લાગ્યા કે, હે નિષ્પાપ એકાદશી ! આજના આ તારા પ્રાગટયને દિવસે આખી ત્રિલોકીમાં આનંદ આનંદ થઇ રહ્યો છે. હું તારા ઉપર ખૂબજ પ્રસન્ન થયો છું, તું મારી પાસેથી કાંઇક વરદાન માગ.૩૫
ત્યારે એકાદશી કહેવા લાગી કે, હે દિવ્યમૂર્તિ દેવ ! જો તમે મારા ઉપર ખરેખર પ્રસન્ન થયા હો તો એવું વરદાન આપો કે મારૂં એકાદશીનું વ્રત જે કોઇ કરે તેના સર્વે મનોરથો સિદ્ધ થાય.૩૬
હે દેવ ! જે મનુષ્ય મારા વ્રતના દિવસે ઉપવાસ કરે તે મનુષ્ય સર્વ પાપથકી મુકાઇ આલોકમાં ભુક્તિ અને મૃત્યુ પછી પરલોકમાં મુક્તિને પામે.૩૭
કોઇ રોગાદિકથી અશક્ત હોય ને ઉપવાસ ન કરે તો તે માનવ એકવાર ભોજન કરે કે માત્ર રાત્રી ભોજન કરે તથા માગ્યા વિના મળેલા એકવારના ભોજનથી પણ મારૂં વ્રત કરે.૩૮
તો તેઓના સર્વે મનોરથો સફળ થાય. હે દેવ ! ત્રીજું વરદાન એ માગું છું કે, હે ભગવાન ! ત્રિલોકીમાં ચારે યુગમાં અને બારે મહિનામાં મારૂં વ્રત પ્રવર્તે એવો વર આપો.૩૯
હે ઇશ્વર ! ચોવીસ સ્વરૂપે રહેલી મારા તમે પતિ થાઓ અને મને નિત્ય આનંદ આપો, આ મારી યાચના છે.૪૦
હે ભક્તજનો ! એકાદશીની પ્રાર્થના સાંભળી ભગવાન કહેવા લાગ્યા કે, હે ભદ્રે ! હે પ્રિયે ! તેં બ્રહ્માદિ દેવતાઓને પણ દુર્લભ એવો વર મારી પાસેથી માગ્યો છે. પરંતુ હું તારા ઉપર પ્રસન્ન થયો છું. તેથી તે વર અત્યારે જ મેં તને આપ્યો.૪૧
આજથી તારી જન્મ જયંતી માગસરસુદ એકાદશીથી આરંભીને જે કોઇ ભક્તજનો મારી મહાપૂજાના મહોત્સવ સાથે ઉપવાસ કરીને તારૂં વ્રત કરશે તે જનો પોતાના ઇચ્છિત સર્વે મનોરથો ચોક્કસ પ્રાપ્ત કરશે.૪૨
હે પ્રિયે ! તારું વ્રત કરનારો જો મોક્ષાર્થી હશે તો સંસારથકી મૂકાઇને મુક્તિ પામશે, અને જો સંસારનો સુખાર્થી હશે તો સંસારનાં સર્વે ઇચ્છિત સુખને પામશે.૪૩
તેથી જે મનુષ્યો તારૂં વ્રત કરવાથી સર્વે મનોરથો પ્રાપ્ત કરવાના હોવાથી લોકમાં તું ''ભુક્તિદા'' અને ''મુક્તિદા'' એવા નામથી પ્રસિદ્ધ થઇશ.૪૪
તું ચોવીસ રૂપવાળી છો તેથી હું પણ કેશવાદિક ચોવીસ સ્વરૂપે સ્વીકાર કરી તારો પતિ થઇશ.૪૫
શ્રીનારાયણમુનિ કહે છે, હે ભક્તજનો ! આ પ્રમાણે ભગવાન શ્રીવાસુદેવ પાસેથી વરદાન પ્રાપ્ત કરી એકાદશી ખૂબજ સંતુષ્ટ થઇ. પછી ભગવાને તેનું વ્રત પોતાના સર્વે ભક્તજનો પાસે કરાવ્યું.૪૬
ત્યારે બદરિકાશ્રમવાસી સર્વે મુનિઓએ પણ એકાદશીનું વ્રત આદરપૂર્વક કર્યું. તે દિવસથી આરંભીને લોકની અંદર આ વ્રત કરવાની પ્રવૃત્તિ થઇ.૪૭
તે સમયે ભગવાન શ્રીવાસુદેવ પણ એકાદશીને વર આપી, પૃથ્વીપર તેના વ્રતની પ્રવૃત્તિ કરાવી પોતાના ધામમાં સિધાવ્યા.૪૮
હે ભક્તજનો ! ભગવાન વિષ્ણુ પાસે વરદાન પ્રાપ્ત કરનારી અને યોગનિદ્રા સ્વરૂપા એકાદશીએ લક્ષ્મીજીની જેમ જ પોતાનાં અચળ સ્વરૂપે ભગવાન શ્રી વાસુદેવના અંગને વિષે નિવાસ કરવાની મનમાં ઇચ્છા કરી.૪૯
તેથી તપપ્રિયા એકાદશી ફરી ભગવાનને પ્રસન્ન કરવા માટે અમૃતસ્થળ એવા શ્વેતદ્વીપધામમાં સો વર્ષ પર્યંત ઉગ્ર તપશ્ચર્યા કરી.૫૦
એકાદશીના તપથી પ્રસન્ન થયેલા ભગવાન શ્રીહરિ તેમની સમીપે આવ્યા ને કહેવા લાગ્યા કે, હે પ્રિયે ! મારી પાસેથી કાંઇક વરદાન માગ.૫૧ તે વચનો સાંભળી એકાદશી કહેવા લાગી કે, હે પ્રભુ ! જો તમે પ્રસન્ન થાય હો તો લક્ષ્મીજીની જેમ મને પણ તમારા કોઇ એક અંગમાં નિવાસ આપો.૫૨
હે ભક્તજનો ! એકાદશીનું વચન સાંભળી ભગવાન કહેવા લાગ્યા કે, હે પ્રિયે ! કેડની નીચેનો ભાગ તો ગરુડજીએ પોતાનો અનામત કરી રાખ્યો છે, મારું વક્ષઃસ્થળ લક્ષ્મીજીએ આત્મસાત્ કરી રાખ્યું છે. ચારે હસ્ત ચક્રાદિ આયુધોને ભાગે ગયા છે.૫૩
બન્ને કર્ણ કુંડળોએ સાંખ્ય અને યોગના લક્ષણથી પોતાના કરી રાખ્યા છે. મારા મુખમાં સરસ્વતીએ નિવાસ કર્યો છે, મારા મસ્તકને મુગટે પોતાનું કરી લીધું છે. હવે ખાલી સ્થાન માત્ર મારાં બે નેત્રો છે. તેમાં તને નિવાસ આપું છું.૫૪
અને હે પ્રિયે ! બુદ્ધિમાન મનુષ્યોએ અતિ પ્રિયપાત્રને માટે નેત્રનું જ સ્થાન કહેલું છે. તું પણ મને લક્ષ્મીજીની પેઠે અતિશય વ્હાલી છો. એથી આજથી તને મારા બન્ને નેત્રોમાં વાસ આપું છું.૫૫
હે પ્રિયે ! આજે તારી અષાઢ સુદની એકાદશી તિથિ છે. તેથી આજથી આરંભીને ચાર માસ પર્યંત તું મારા નેત્રોમાં નિવાસ કરીને રહે. હે તપસ્વિની ! આવી રીતે પ્રતિવર્ષે ચાતુર્માસમાં તને હું મારાં નેત્રોમાં ધારણ કરી ક્ષીરસાગરમાં શયન કરીશ.૫૭
હે સુંદરી ! મુરદાનવને મારવા તું મારા તપોરૂપ અગિયાર ઇન્દ્રિયોનાં તેજમાંથી પ્રગટ થઇ છો, તેથી તું યોગનિદ્રા છો. માટે મારાં નેત્રોમાં જે તને નિવાસ આપ્યો તે યોગ્ય જ છે.૫૮
ક્ષીરસાગરને વિષે શેષશય્યા ઉપર તને મારાં નેત્રોમાં ધારણ કરીશ. તે સમયે મારા ગૃહસ્થ ભક્તજનો પણ તપ કરશે.૫૯
હે પ્રિયે ! જે જનો ચાતુર્માસને વિષે મને રાજી કરવા કૃચ્છ્રચાંદ્રાયણાદિ તપ કરશે, અષ્ટાંગયોગની સાધના કરશે, મોટી સામગ્રીથી મારી મહાપૂજા કરશે, તે સર્વે જનો તત્કાળ તપની સિદ્ધિ પામશે.૬૦
ભગવાન શ્રીહરિ કહે છે, હે ભક્તજનો ! આ પ્રમાણે શ્રીવાસુદેવનારાયણ ભગવાને એકાદશીને વરદાન આપ્યું ને તેને યોગનિદ્રારૂપે નેત્રોમાં ધારણ કરીને ક્ષીરસાગરને વિષે શેષનાગરૂપી પલંગ ઉપર શયન કર્યું .૬૧
તે સમયે પોતાની ઇંદ્રિયોના આહારનો ત્યાગ કરી મને સહિત સર્વે ઇન્દ્રિયોની વૃત્તિને સ્વસ્વરૂપમાં લીન કરી દીધી.૬૨
આહારનો ત્યાગ કરી ભગવાને જ્યારે યોગનિદ્રાનો સ્વીકાર કર્યો ત્યારે લક્ષ્મીજી પણ સર્વે ઇન્દ્રિયોના આહાર છોડી ભગવાનની ચરણચંપી કરવા લાગ્યાં.૬૩
ભગવાનના પાર્ષદો પણ નિરાહાર રહી ક્ષીરસાગરને ઉત્તર કિનારે તપ કરવા લાગ્યા.૬૪
અને નિર્નિમેષ થઇ દૃષ્ટિ ભગવાનની મૂર્તિમાં સ્થિર કરી. શ્વેતદ્વીપવાસી નિરન્નમુક્તો પણ નિરાહારી અને જીતેન્દ્રિય થઇ ક્ષીરસાગરના ઉત્તર કિનારે તપશ્ચર્યા કરવા લાગ્યા.૬૫
હે ભક્તજનો ! તેથી ચતુર્માસમાં સર્વે ભક્તજનોએ યથાશક્તિ તપ કરવું. અને લક્ષ્મીની સાથે વાસુદેવ ભગવાનનું પૂજન કરવું.૬૬
આ રીતે ભગવાન તપોરૂપા યોગનિદ્રાનો નેત્રોમાં સ્વીકાર કરીને શયન કરે છે, ત્યારે ક્ષીરસાગર નિવાસી સર્વે મુક્તો, પાર્ષદો પોતાના અંતરમાં બહુ જ ખેદ પામે છે.૬૭
એ પાર્ષદો તથા મુક્તોને પોતાની ઉગ્ર તપશ્ચર્યાથી ક્યારેય પણ ખેદ થતો નથી. પરંતુ પોતાના સ્વામીનું કષ્ટ જોઇ તેમને વિષે પ્રીતિ હોવાથી તેમને બહુજ ખેદ થાય છે.૬૮
હે ભક્તજનો ! વિવેકી એવા ગૃહસ્થ ભક્તજનો પણ ભગવાનમાં હેત હોવાથી ચાતુર્માસમાં યજ્ઞોપવિત સંસ્કાર કે લગ્ન વગેરે મંગલકાર્યો કરતા નથી. પરંતુ માત્ર તપઃપરાયણ સમય પસાર કરે છે.૬૯
અને પછી જ્યારે ચાતુર્માસ વ્યતીત થાય અને કાર્તિક સુદી એકાદશીએ ભગવાન જ્યારે જાગે ત્યારે મોટો આનંદનો ઉત્સવ મનાવે છે.૭૦
હે ભક્તજનો ! મુનિજનો તથા પાર્ષદો તેમજ પોતપોતાના ગણોએ સહિત બ્રહ્મા, શિવ, ઇન્દ્રાદિ દેવતાઓ પણ પરમ આનંદ પામે છે અને દિવાળી મનાવી ભગવાનનું પૂજન કરે છે.૭૧
તથા પોતપોતાનાં દુંદુભિ આદિ વાજિંત્રો વગાડી અનેક દિવ્ય ઉપચારોથી લક્ષ્મીજીએ સહિત ભગવાન શ્રી યોગેશ્વરનું પૂજન કરે છે.૭૨
હે ભક્તજનો ! કાર્તિકસુદ એકાદશીના દિવસે ભગવાન જાગે છે તેથી સમગ્ર બ્રહ્માંડમાં અતિશય આનંદ છવાઇ જાય છે. તેથી સર્વે કરતાં આ પ્રબોધની એકાદશીનો અધિક મહિમા કહેલો છે.૭૩
હે ભક્તજનો ! દુર્વાસા મુનિનો શાપ પામેલા મારા પિતાજી ધર્મદેવની પણ આજે જ પ્રાગટય તિથિ છે. તેથી આ તિથિ આપણ સર્વને માટે વધારે પ્રિય છે.૭૪
હે ભક્તજનો ! આજના દિવસે પ્રાતઃકાળે મારા આશ્રિત સર્વે ભક્તજનોએ લક્ષ્મીદેવીએ સહિત યોગેશ્વર ભગવાનનું પૂજન કરી, ભક્તિદેવીએ સહિત ધર્મદેવનું પણ પૂજન કરવું.૭૫
હે ભક્તજનો ! સાયંકાળે પ્રબોધની એકાદશીના પતિ દામોદર નામના શ્રીવાસુદેવ ભગવાનનું રાધાએ સહિત પૂજન કરવું.૭૬
તેમજ આ એકાદશીની રાત્રીએ બ્રહ્મચર્યાદિ નિયમોનું પાલન કરવા પૂર્વક ઉપવાસ કરી હરિભજન સાથે જાગરણ કરવું, પછી બારસના દિવસે સર્વેનું ઉત્તર પૂજન કરવું.૭૭
તે નિમિત્તે ભગવાનના ભક્ત બ્રાહ્મણોને ઇચ્છિત ભોજન જમાડી તૃપ્ત કરવા, ત્યારપછી વ્રત કરનારોએ પોતાના પ્રિયજનોની સાથે પારણાં કરવાં.૭૮
હે ભક્તજનો ! તે સમયે દેવતાઓ, મુનિજનોને સાથે રાખી એકાદશીથી આરંભીને પાંચ દિવસ પર્યંત ક્ષીરસાગરને ઉત્તર કિનારે મોટો મહોત્સવ ઉજવી ''દેવદિવાળી'' મનાવે છે.૭૯
આ પાંચ દિવસ સુધી કોઇ પણ જાતના ગ્રહોના દોષો નડતા નથી. તેથી બ્રાહ્મણોના વિવાહ આદિક મંગલકાર્યો આજ દિવસોમાં થાય છે.૮૦
હે ભક્તજનો ! મારા આશ્રિત સર્વે ભક્તજનોએ સર્વે વ્રતોનું ફળ આપતો આ પ્રબોધનીનો ઉત્સવ પ્રતિ વર્ષે અવશ્ય ઉજવવો.૮૧
તેમજ ઉદ્ધવસંપ્રદાયના સર્વે નરનારીઓએ પ્રત્યેક એકાદશીના ઉપવાસો પોતાના આત્માની શુદ્ધિને માટે અવશ્ય કરવા.૮૨
શ્રીવાસુદેવ ભગવાને એકાદશીની તિથિને પોતાની કરીને સ્વીકારી છે તેથી સમસ્ત મારા આશ્રિત ભક્તજનોએ સુદ પક્ષની કે વદ પક્ષની બન્ને એકાદશીએ ઉપવાસ કરવા.૮૩
હે ભક્તજનો ! સંન્યાસી તેમજ વિધવા સ્ત્રીઓએ તો વિશેષપણે એકાદશીના ઉપવાસ કરવા અને જો એમ ન કરે તો તેને દિવસે દિવસે બ્રહ્મહત્યાનો દોષ લાગે છે.૮૪
જે પુરુષો એકાદશીના દિવસે ઉપવાસ કરવા અસમર્થ હોય તે પુરુષોએ ગૌણ પક્ષનો સ્વીકાર કરી ફલાહાર કરીને કે રાત્રી ભોજન કરીને એકાદશીનું વ્રત અવશ્ય કરવું.૮૫
ફલાહારાદિથી પણ વ્રત કરવામાં અશક્ત મનુષ્યોએ બાર માસ નહિ તો માત્ર ચાતુર્માસની એકાદશીઓના તો ઉપવાસ અવશ્ય કરવા.૮૬
હે ભક્તજનો ! જે ચાતુર્માસની એકાદશીના પણ ઉપવાસ કરવા અસમર્થ હોય તેમણે ફળ કે મૂળનો આહાર કરી દાન, પૂજાની સાથે તે વ્રત કરવું.૮૭
હે ભક્તજનો ! ચાતુર્માસમાં પણ ફલાહાર કરીને એકાદશીનાં વ્રત કરતા પુરુષોએ પણ અષાઢસુદ દેવપોઢીની, ભાદરવાસુદ પરિવર્તિની અને કાર્તિકસુદ પ્રબોધિની આ ત્રણ એકાદશીએતો આદરપૂર્વક ઉપવાસ કરવા.૮૮
એ ત્રણમાં પણ સર્વ કરતાં વધુ આનંદ આપનારી આ પ્રબોધિની એકાદશી તિથિ છે તેનો મહિમા અધિક છે, તેથી દિવસમાં એક કે બે વાર જળપાન કરીને સમસ્ત ભક્ત નરનારીઓએ અવશ્ય ઉપવાસ કરવો.૮૯
આ એક પ્રબોધનીનો ઉપવાસ કરવાથી સર્વે એકાદશીઓના નિરાહાર ઉપવાસનું ફળ પ્રાપ્ત થાય છે.૯૦
હે ભક્તજનો ! જે ગૃહસ્થ ભક્તજનોને વ્યવહારિક પ્રવૃત્તિનો વિક્ષેપ ન હોય તેવા ધનવાન ગૃહસ્થપુરુષોએ સર્વે એકાદશીઓના દિવસે ભગવાનની મહાપૂજા કરાવવી.૯૧
મહાપૂજામાં સર્વકારણના કારણ, નિર્ગુણ શ્રીકૃષ્ણ ભગવાનનું સર્વતોભદ્ર મંડળની રચના કરી મધ્યે કળશનું સ્થાપન કરી તેમાં પૂજન કરવું.૯૨
પાંચરાત્રશાસ્ત્રમાં પ્રસિદ્ધ પણે પ્રતિપાદન કરેલી શક્તિઓની સાથે ભગવાનની કેશવાદિ જે ચોવીસ મૂર્તિઓ તે સર્વેનું ભગવાન શ્રીકૃષ્ણની ચારે બાજુ સ્થાપન કરી મંડલાકાર પ્રદેશમાં પૂજન કરવું.૯૩
હે ભક્તજનો ! શ્રીકૃષ્ણ ભગવાનને પંચામૃતથી સ્નાન કરાવવું, તથા મહાઅભિષેક કરવો, તથા મહાનૈવેદ્ય ધરવું, પછી મહાઆરતી કરવી.૯૪
આ સર્વે કર્મો સત્શાસ્ત્રમાં કહેલા વિધિ પ્રમાણે પ્રત્યેક એકાદશીએ કરવાં. જો સર્વે એકાદશીએ મહાપૂજા કરવા અસમર્થ પુરુષો ચાતુર્માસની એકાદશીએ અવશ્ય મહાપૂજા કરવી.૯૫
તેમાં પણ જે અશક્ત હોય તેમણે પ્રબોધની એકાદશીને દિવસે તો અવશ્ય મહાપૂજાનો ઉત્સવ કરવો. તેમાં મારા આશ્રિત ધનવાન ભક્તજનોએ ધન વાપરવામાં કંજૂસાઇ ન કરવી.૯૬
હે સદ્બુદ્ધિમાન ભક્તજનો ! એકાદશીની તિથિ શ્રીવાસુદેવ ભગવાનને અતિશય પ્રિય છે. તેથી મારા આશ્રિત ભક્તજનોએ એકાદશીના દિવસે વિશેષ ઉત્સવ ઉજવવો.૯૭
હે ભક્તજનો ! જે નર-નારી એકાદશીનો આદર ન કરે તેને આપણા ઉદ્ધવસંપ્રદાય થકી બહાર જાણવો.૯૮
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! મુનિજનોના રાજાધિરાજ ભગવાન શ્રીહરિનું આવી રીતનું વચન સાંભળીને સભામાં બેઠેલા સર્વે સંતો તથા ભક્ત નરનારીઓ અતિશય પ્રસન્ન થયા અને એકાદશીવ્રતનો વિધિ વધુ જાણવાની ઇચ્છાથી ફરી શ્રીહરિને પૂછવા લાગ્યા.૯૯
આ પ્રમાણે અવતારી શ્રી નારાયણના ચરિત્રરૂપ શ્રીમત્ સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના તૃતીય પ્રકરણમાં પ્રબોધનીના ઉત્સવ ઉપર એકાદશીની ઉત્પત્તિ અને ભગવાન દ્વારા તેને મળેલાં વરદાન આદિનું નિરૂપણ કર્યું એ નામે બત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૨--