અધ્યાય - ૫ - ભગવાન શ્રીહરિએ ઉત્તમ ભૂપતિને કહેલાં વક્તાનાં લક્ષણો, પાળવાના નિયમો.
ભગવાન શ્રીહરિએ ઉત્તમ ભૂપતિને કહેલાં વક્તાનાં લક્ષણો, પાળવાના નિયમો. ભાગવતકથામાં વિરામના નિષેધ-અધ્યાયો.
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે ઉત્તમરાજા ! પુરાણોમાં પ્રસિદ્ધ શ્રોતા અને વક્તાઓનાં હિતકારી લક્ષણો તથા નિયમો હું તમને યથાર્થ કહું છું.૧
હે રાજન્ ! વક્તા અને શ્રોતા સત્ત્વાદિ ત્રણ ગુણના ભેદને કારણે ત્રણ ત્રણ પ્રકારના મનાયેલા છે. તેમાં સાત્વિક ગુણવાળા ઉત્તમ છે, અને શાસ્ત્રમાં કહેલા યથાર્થ ફળને તે પામે છે. તેમાં ત્રણ પ્રકારના શ્રોતાઓનાં લક્ષણ આગલા અધ્યાયમાં કહેવામાં આવશે, પરંતુ ત્રણ પ્રકારના વક્તાઓનાં લક્ષણ હું તમને કહું છું.૨
તામસ વક્તાનાં લક્ષણ :- જે વક્તા પૂર્વાપર પ્રસંગની સંગતિનો મેળ રાખ્યા વગર કથાનું વાંચન કરતા હોય, અર્થની સ્પષ્ટતા કર્યા વગર વાંચન કરતા હોય, કથાનો બહુ વિસ્તાર કરી રસરહિતની કથા કરતા હોય, પદના છેદનું જાણે જ્ઞાન ન હોય તે રીતે વાચતા હોય, તે તે શ્લોકના ભાવને પ્રગટ કરે તેવો સ્પષ્ટ અર્થ કરતા ન હોય.૩
તેમ જ જે વક્તા ઉત્સાહ વગર કથા વાંચતા હોય, જેવું પોતાના મનમાં આવે તેવું બોલી ગ્રંથને પણ દૂષણ પમાડતા હોય, પોતાને કોઇ સાચો અર્થ સમજાવે તો તેના પર પણ ક્રોધ કરતા હોય, અપ્રિયવાણી બોલતા હોય, ધનના લોભી હોય, કથા સાંભળવા આવેલી સ્ત્રીઓની સામે વારંવાર જોઇ તેઓને ઉદ્દેશીને કથા વાંચતા હોય.૪
વળી જે વક્તા ગ્રંથના અર્થને સારી રીતે સમજી ન શકતા હોય, ભગવાનની ભક્તિથી રહિત હોય. હે રાજન્ ! આવા લક્ષણવાળો વક્તા તમોગુણી અને અધમ કહેલો છે.૫
રાજસ વક્તાનાં લક્ષણ :- હે રાજન્ ! જે વક્તા ક્યારેક સ્પષ્ટ અક્ષરોનું ઉચ્ચારણ કરતા હોય, ક્યારેક વધુ પડતી શાંતિથી કથા વાંચતા હોય, ક્યારેક બહુ જ ઊંચા સ્વરથી તાણીને બોલતા હોય, જે સમયે જે સ્વરની જરૂર હોય તે સ્વર સહિત વાંચન કરતા હોય, કરૂણાદિ છ રસોના ભાવ પ્રગટ કરતા ન હોય,૬ ક્યારેક શ્રોતાઓને રસ પડે તેવી પૂર્વાપરની સંગતિ રાખીને બોલતા હોય, વળી લોભ, ક્રોધ, રસાસ્વાદી અને વસ્ત્રાલંકારાદિ ધારણ કરવામાં પ્રીતિ ધરાવતા હોય,૭
જે વક્તા ભગવાનનો ભક્ત તો હોય પરંતુ ગ્રંથના અર્થને યથાર્થ ન જાણી શકતો હોય, તેવો વક્તા રજોગુણી અને મધ્યમ કક્ષાનો કહેલો છે.૬-૮
સાત્વિક વક્તાનાં લક્ષણ :- હે રાજન્ ! જે વક્તા જ્યાં જેવા હાસ્ય અને કરૂણાદિ રસે યુક્ત કથાનું વાંચન કરતા હોય, સુંદર સ્વરાલાપથી અને ધીરજતાથી વાંચતા હોય, ક્યાંય ખોટો લાંબો વિસ્તાર કરે નહિ, જેવો ભાવ હોય તેવા ભાવને પ્રગટ કરતા હોય, સ્પષ્ટ અક્ષરો, પદો અને વાક્યોના વિભાગથી સરસ વાંચન કરતા હોય, અતિશય ઉત્સાહપૂર્વક વાંચન કરતા હોય, અતિશય વિસ્તાર કરીને વાંચતા ન હોય.૯
ક્યાંય ક્રૂરતા પ્રગટ નહિ કરતાં શાંત સ્વરૂપ અને શ્રદ્ધાવાન હોય, પુરાણોમાં જે કહ્યું હોય તેમાં દૃઢ નિશ્ચયવાળા હોય, સત્સંપ્રદાયની મર્યાદામાં રહી ગ્રંથોનું અધ્યયન કરેલું હોય, અને તેથી જ ગ્રંથના અર્થને સર્વ રીતે જાણતા હોય.૧૦
વળી જે જીતેન્દ્રિય હોય, સુશીલ સ્વભાવના હોય, સદ્વર્તનવાળા હોય, દુરાગ્રહી ન હોય, પરંતુ સરળ સ્વભાવના હોય, જેવું ગ્રંથમાં હોય તેવું યથાર્થ વાંચનારા હોય, કોઇ પ્રશ્ન પૂછે તેનો ઉત્તર આપવામાં શાસ્ત્રની મર્યાદા પ્રમાણે પ્રતિભાયુક્ત ઉત્તર આપી શકતા હોય, શ્રોતાઓને બોધ આપવામાં નિપુણ હોય.૧૧
જે કાંઇ મળે તેનાથી સંતુષ્ટ અને દયાળુ સ્વભાવના હોય, નિરહંકારી, કોમળ અને શાંત સ્વભાવના હોય, ભગવાનની ભક્તિયુક્ત૧૨
તેમજ લોકાપવાદથી રહિત હોય, ક્યારેય પણ પ્રતિગ્રહ ન કરતા હોય, કામ, ક્રોધ અને લોભ ઉપર વિજયી હોય, નિસ્પૃહી,૧૩
ધીરજશાળી અને સર્વની સાથે મિત્રભાવે વર્તતા હોય, નિર્દંભપણે સાધુવૃત્તિથી જીવતા હોય, અકિંચન, ભગવાન સિવાય કોઇને અધિક માનતા ન હોય અને પરોપકારી હોય આવા વક્તા સાત્વિક અને ઉત્તમ કહેલા છે.૧૪
હે રાજન્ ! આવા સાત્ત્વિક લક્ષણોથી યુક્ત જે બુદ્ધિમાન શ્રીમદ્ભાગવતનો વક્તા હોય તેમણે પ્રતિદિન પાંચ ઘડી રાત્રિ બાકી રહે ત્યારે પ્રાતઃકાળે જાગ્રત થઇને પોતાનો સ્નાનસંધ્યાદિ નિત્યકર્મનો વિધિ પૂર્ણ કરીને શ્રોતાજનો જ્યારે બોલાવે ત્યારે વક્તાએ સભામંડપમાં જવું. હાથ, પગ, મુખ ધોઇ ત્રણ વખત આચમન કરવું.૧૫-૧૬
ધોયેલાં શ્વેત વસ્ત્રને ધારણ કરેલા તે વક્તાએ પ્રથમ પોતાના હૃદયમાં અધ્યાપક ગુરુ અને ભાગવતી દીક્ષા પ્રદાન કરનાર આચાર્યનું સ્મરણ કરવું, ત્યારપછી વિપ્રો અને સંતોને નમસ્કાર કરી શ્રીમદ્ ભાગવત પુરાણને નમસ્કાર કરવા.૧૭
પછી નમ્ર થઇ પોતાના પૂજ્ય ગુરુ આદિકની આજ્ઞા લઇ ઉત્તરમુખે અથવા પૂર્વમુખે વ્યાસાસન ઉપર બેસવું.૧૮
હે રાજન્ ! શ્રોતાજનો પૂજન કરી લે પછી વક્તાએ મંગલાચરણ કરવું તેમાં પ્રથમ ''યં પ્રવ્રજન્તમ્'' ''યઃ સ્વાનુભાવમ્'' અને ''નારાયણં નમસ્કૃત્ય'' આ ત્રણ શ્લોકનું ગાયન કરવું.૧૯
ત્યારપછી ''કસ્મૈ યેન'' એ શ્લોકનું ઉચ્ચારણ કરીને પોતાના પ્રિય ઇષ્ટદેવના ગુણ ચરિત્રોવાળા શ્લોકનું ઉચ્ચારણ કરી શ્રીમદ્ ભાગવત પુસ્તકને નમસ્કાર કરીને આ શ્લોક બોલવો.૨૦
હે દેવોના દેવેશ ! હે નારાયણ ! હે જગત્પતિ ! હું તમારાં ચરિત્ર અને ગુણ સંબંધી પવિત્ર કથા કહું છું.૨૧
આ શ્લોકનું ઉચ્ચારણ કરી જાણે ભગવાનને સંભળાવવા બુદ્ધિમાન વક્તાએ કથાનું વાંચન શરૂ કરવું. વાંચતાં વાંચતાં શ્રોતા એવા સાધુ બ્રાહ્મણોની સામે જોતાં જોતાં શ્લોકના અર્થોની વ્યાખ્યા કરવી, પરંતુ સ્ત્રીઓની સામે જોઇને શ્લોકાર્થ કરવો નહિ.૨૨
ભાગવતકથામાં વિરામના નિષેધ-અધ્યાયો :- હે રાજન્ ! જે જે અધ્યાયને અંતે કથાવિરામની સંમતિ આપવામાં આવી નથી, ત્યાં કથાનો વિરામ કરવો નહિ. તે વિરામના નિષેધ અધ્યાયો હું તમને કહું છું.૨૩
તેમાં પ્રથમ સ્કંધનો પહેલો, આઠમો, દશમો, ચૌદમો, અને સોળમો અધ્યાય નિષેધના કહેલા છે. તેમાં વક્તાએ વચ્ચે કથાને વિરામ આપવો નહિ.૨૪ તેમજ દ્વિતીય સ્કંધમાં ત્રીજો અને આઠમો આ બે અધ્યાય વિરામમાં ઋષિમુનિઓએ નિષેધ કરેલા છે. તેથી ત્યાં કથાનો વિરામ કરવો નહિ.૨૫ તૃતીય સ્કંધમાં પહેલો, સાતમો, દશમો, અઢારમો, અને ત્રેવીસમો આ અધ્યાયને બુદ્ધિમાન પુરુષો વિરામમાં નિષેધ કરેલા છે.૨૪
ચતુર્થ સ્કંધમાં પહેલો, ત્રીજો, દશમો, સત્તરમો, અને અઠયાવીસમો, આ અધ્યાયોમાં કથાવિરામ કરવામાં શ્રોતાવક્તાઓને શુભ ફળ પ્રાપ્ત થતું નથી. એથી એ અધ્યાયોના અંતે કથાવિરામ કરવો નહિ.૨૭
પંચમ સ્કંધમાં પાંચમો, અને તેરમો, તેમજ છઠ્ઠા સ્કંધમાં પહેલો, પાંચમો, છઠ્ઠો અને દશમો આ અધ્યાયો વિરામમાં નિષેધ કરેલા છે.૨૮
સાતમા સ્કંધમાં પહેલો, ચોથો અને છઠ્ઠો તેમજ આઠમા સ્કંધમાં પહેલો, બીજો, આઠમો, દશમો અને એકવીસમો આ અધ્યાયો નિષેધ કહેલા છે.૨૯
નવમા સ્કંધમાં પહેલો, ચોથો, દશમો અને પંદરમો અધ્યાય સંતોએ કથાવિરામમાં વર્જ્ય કહ્યા છે.૩૦ દશમા સ્કંધમાં પહેલો, નવમો, દશમો, બાવીસમો, ઓગણત્રીસમો, ત્રીસમો, એકત્રીસમો, બાસઠમો, છોત્તેર અને સીતોતેરમો અધ્યાય ત્રય્યારુણિ કશ્યપ આદિ છ પુરાણીઓએ કથાવિરામ માટે નિષેધ કરેલા છે.૩૧-૩૨
અગિયારમા સ્કંધમાં દશમો, બાવીસમો અને ત્રીસમો, જ્યારે બારમા સ્કંધમાં નવમો એક જ અધ્યાય કથાવિરામમાં નિષેધ કરેલો છે. આ પ્રમાણે મેં તમને નિષેધના અધ્યાયો ગણાવ્યા.૩૩
હે રાજન્ ! આ બતાવેલા નિષેધના અધ્યાયોના અંતે વક્તાએ ક્યારેય પણ કથાનો વિરામ ન કરવો. પ્રતિદિન એક અધ્યાયનો પાઠ કરવાના નિયમવાળા માટે પણ આ જ વિધિ જાણવો, જ્યારે નિષેધનો અધ્યાય આવે ત્યારે ત્યાં વિરામ ન કરતાં આગળના અનિષેધ અધ્યાયે વિરામ કરવો.૩૪
માસ-પારાયણમાં કે પક્ષ-પારાયણમાં એક દિવસની નક્કી સંખ્યા પ્રમાણે પ્રતિદિન અધ્યાયોનું વાંચન કરવું ત્યાર પછી કથાની સમાપ્તિ કરવી.૩૫
અને કથાના વિરામ સમયે વક્તાએ બે ઘડી કે એક ઘડી પર્યંત ભગવાનના નામની ધૂન્ય કરવી. ત્યારપછી જ આસન ઉપરથી નીચે ઉતરવું.૩૬
ફરી વક્તાએ ગુરુ આદિકને વંદન કરી પછી પોતાને ઘેર જવું આ પ્રમાણે વક્તાએ કથા-સમાપ્તિ સુધી પ્રતિદિન આચરણ કરવું.૩૭
હે રાજન્ ! પાપભીરુ પંડિત વક્તાએ કથાના પ્રારંભના દિવસથી લઇ કથાની સમાપ્તિના દિવસ સુધી અન્યનું અન્ન જમવું નહિ. તેમ જ ગાયનું દાન પણ સ્વીકારવું નહિ.૩૮
પરંતુ જો પ્રતિદિન પોતાના કુટુંબનું પોષણ થાય તેટલા પ્રમાણમાં શ્રોતાઓ અન્ન ન આપી શકે તો શ્રોતા સિવાયના જનોએ આપેલું અન્ન ગ્રહણ કરવું. આવી પરિસ્થિતિમાં અન્ય અન્ન ગ્રહણનો દોષ લાગતો નથી.૩૯
આ અન્ન સ્વીકારવાનો વિધિ સપ્તાહ, દશાહ, પક્ષ તથા માસ-પારાયણમાં પણ જાણવો.૪૦
હે રાજન્ ! વક્તાએ પેટમાં વાયુ થાય તેવું ભોજન ન કરવું, અતિ ભોજન ન કરવું, પિત્ત આદિ રોગ ઉત્પન્ન કરનારાં શાક આદિનું પણ ભોજન ન કરવું, તેલવાળું,કડવું તથા તીખું ન ખાવું.૪૧
બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય અને અસ્તેયનું યથાર્થ પાલન કરવું, તેમજ જે ક્રિયા કથામાં વિઘ્ન કરે તેમ હોય તેવી કોઇ પણ ક્રિયા ન કરવી.૪૨
હે રાજન્ ! આ પ્રમાણે કથા કરનાર વક્તાનાં લક્ષણો યમો અને નિયમો પણ મેં તમને કહ્યાં. હવે કથા સાંભળનારા શ્રોતાઓનાં લક્ષણો અને તેઓએ પાલન કરવા યોગ્ય નિયમો હું તમને કહું છું.૪૩
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પુરાણ-શ્રવણના ઉત્સવ પ્રસંગે ભાગવત કથાના શ્રવણવિધિમાં ભગવાન શ્રીહરિએ વક્તાનાં લક્ષણો અને કથાવિરામમાં નિષેધ અધ્યાયોનું નિરૂપણ કર્યું એ નામે પાંચમો અધ્યાય પૂર્ણ થયો. --૫--