અધ્યાય - ૮ - ભગવાન શ્રીહરિએ કહેલો શ્રીમદ્ ભાગવતના પુરશ્ચરણનો વિધિ.
ભગવાન શ્રીહરિએ કહેલો શ્રીમદ્ ભાગવતના પુરશ્ચરણનો વિધિ.
શ્રીનારાયણમુનિ કહે છે, હે ઉત્તમ ભૂપતિ ! હવે હું તમને શ્રીમદ્ ભાગવતના પુરશ્ચરણનો વિધિ કહું છું. જે પુરશ્ચરણ કરવાથી ચારે પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થાય છે.૧
જે પુરુષ પ્રતિદિન અર્ધા શ્લોકનો કે શ્લોકના એકજ પાદનો પાઠ કરે છે, તે પુરુષ પણ સંસારમાંથી મૂકાઇ જાય છે. સમગ્ર ભાગવતનો જે પાઠ કરે તેની તો વાત જ શું કરવી ?૨
માટે જે નિરંતર આદરપૂર્વક પોતાની શક્તિને અનુસારે આ ભાગવતનો પાઠ કરે છે તે બુદ્ધિશાળીઓની બુદ્ધિ શ્રેષ્ઠ કહેલી છે. કારણ કે એ બુદ્ધિથી સંસૃતિનો નાશ થાય છે.૩
જે પ્રતિદિન પાઠ કરવામાં અશક્ત હોય તેમણે મહિનામાં કે વર્ષમાં એકવાર પણ નિયમોનું પાલન કરીને ભક્તિભાવપૂર્વક આ શ્રીમદ્ ભાગવતનો પાઠ કરવો.૪
તેમાં સમર્થ પુરુષ તો એકજ દિવસ અથવા બે દિવસમાં સંપૂર્ણ પાઠ કરે છે. અથવા ત્રણ દિવસ, ચાર દિવસ કે પાંચ દિવસમાં અથવા સાત દિવસમાં અથવા જે પુરુષ દશ દિવસમાં સમગ્ર ભાગવતનો પાઠ કરે છે. અથવા પંદર દિવસમાંઅથવા એક મહિનામાં કે બે મહિનામાં આખા ભાગવતનો પાઠ કરે છે તે પુરુષ ભુક્તિ અને મુક્તિ બન્ને પ્રાપ્ત કરે છે.૫-૬
આ સર્વે વિકલ્પોની મધ્યે સપ્તાહ પારાયણરૂપ વિકલ્પ છે, તે ઉત્તમ છે. એમ ઘણા જનો માને છે. તેથી સકામી ભક્તે કે નિષ્કામી ભક્તે સપ્તાહ પારાયણવાળા વિકલ્પનો સ્વીકાર કરવો.૭
તે સપ્તાહ પારાયણમાં પ્રતિદિન વાંચવાના અધ્યાયોની સંખ્યા જમદગ્નિમુનિએ નક્કી કરેલી છે. તે સંખ્યા સર્વેને માટે સુખકારી છે, તે તમને હું જણાવું છું.૮
તેમાં પ્રથમ દિવસે અડતાલીસ અધ્યાયો વાંચવાના કહેલા છે. બીજા દિવસે એકાવન, ત્રીજા દિવસે ઓગણપચાસ, ચોથા દિવસે ત્રેપન, પાંચમા દિવસે ઓગણપચાશ, છઠ્ઠા દિવસે એકતાલીસ અને સાતમે દિવસે ચુમાલીસ અધ્યાયો વાંચવાના કહેલા છે. આ પ્રમાણેના ક્રમથી સપ્તાહ પારાયણમાં વાંચન કરવું.૯-૧૨
હે રાજન્ ! શ્રીમદ્ ભાગવતના પુરશ્ચરણના કે કથાના પ્રારંભમાં પડવો, ચોથ, આઠમ અને ચૌદશ આટલી તિથિઓ છોડીને બાકી સર્વે તિથિઓ શુભ કહેલી છે.૧૩
તેવીજ રીતે અશ્વિની, રેવતી, હસ્ત, પુષ્ય, મૃગશીર્ષા, પુનર્વસુ, અનુરાધા, અભિજિત, સ્વાતિ, રોહિણી, શ્રવણ, ધનિષ્ઠા અને શતતારકા આ સર્વે નક્ષત્રો પણ પુરશ્ચરણના પ્રારંભમાં પવિત્ર કહેલાં છે. તેથી તે નક્ષત્રોમાં પુરશ્ચરણનો પ્રારંભ કરવો.૧૪-૧૫
પૂર્વોક્ત સાત્ત્વિક લક્ષણવાળા પાંચ પવિત્ર બ્રાહ્મણોનું ચારે પુરુષાર્થની સિદ્ધિને માટે શુભ મુહૂર્તમાં વરણ કરવું.૧૬
વરણ કરાયેલા તે વિપ્રોને નિત્યે ધારણ કરવા યોગ્ય શ્વેત ધોતી આદિ વસ્ત્રો, સુવર્ણની વીંટી, આસન, જલપાત્ર અને કામળો અર્પણ કરવાં.૧૭
ત્યાર પછી તેની સેવામાં અન્ય બ્રાહ્મણોની નિયુક્તિ કરવી, નિયુક્ત કરાયેલા તે વિપ્રોએ પુરશ્ચરણમાં વરણી કરાયેલા વિપ્રોને ગરમ જળથી સ્નાન કરાવવું, પગચંપી આદિથી અંગમર્દન કરવું, રસોઇ કરી જમાડવા, વસ્ત્રો ધોઇ દેવાં, પાત્રો માંજી દેવાં, આદિક સેવા કરવી.૧૮
હે રાજન્ ! પ્રસિદ્ધ દેવાલયોમાં પુરાતન પવિત્ર તીર્થોમાં કે હરિમંદિરમાં આ શ્રીમદ્ ભાગવતના પુરશ્ચરણનો પ્રારંભ કરાવવો.૧૯
ઉપરોક્ત સગવડ ન થાય તેમ હોય તો પોતાને જ ઘેર પવિત્ર સ્થળે શ્રીકૃષ્ણ ભગવાનની સુવર્ણની પ્રતિમાનું સ્થાપન કરી ત્યાં વરણી કરાયેલા વિપ્રો દ્વારા પ્રતિદિન નિયત સંખ્યા પ્રમાણે પારાયણ કરાવવી.૨૦
તેમાં એકસો ને આઠ પારાયણ કરવાથી જ આ શ્રીમદ્ ભાગવત મહાપુરાણનું પુરશ્ચરણ પૂર્ણ થાય છે.૨૧
વરણ કરાયેલા વિપ્રોએ પૂર્વોક્ત અનિષેધના અધ્યાયોની સમાપ્તિમાં જ પારાયણનો વિરામ કરવો. તેમાં પણ જમદગ્નિમુનિએ કહેલા નિશ્ચિત અધ્યાયોમાં જ વિરામ કરવો, વચ્ચે ન કરવો. વાંચતી વખતે સ્પષ્ટ અક્ષરોના ઉચ્ચારણ સાથે વાચવું, તે પારાયણ દરમ્યાન વચ્ચે કોઇની સાથે બાલવું નહિ.૨૨
વરણ પામેલા બ્રાહ્મણોએ યજમાન સિવાયના અન્ય કોઇ પણ મનુષ્ય થકી દક્ષિણા સ્વીકારવી નહિ, અથવા અન્ન વસ્ત્રાદિક પણ ક્યારેય ગ્રહણ કરવાં નહિ.૨૩
એક એક સપ્તાહ સમાપ્ત થાય ત્યારે યજમાને વરણી પામેલા એક એક વિપ્રને અલગ-અલગ સાત સાત સોનામહોરોની દક્ષિણા આપવી.૨૪
અથવા એકસોને આઠની નિશ્ચિત સંખ્યામાં પારાયણ પૂર્ણ થાય ત્યારે સંપૂર્ણ દક્ષિણા ભેળી કરીને એક એક વિપ્રને અલગ અલગ અર્પણ કરવી.૨૫
એક વિપ્રને સાત સોનામહોરો આપવામાં અસમર્થ યજમાને તેમની અર્ધી સાડાત્રણ સોનામહોરો અર્પણ કરવી, તેનાથી પણ અસમર્થ હોય તેમણે તેનાથી અર્ધી એટલે પોણા બે સોનામહોરો સપ્તાહે અર્પણ કરવી.૨૬
હે રાજન્ ! જે યજમાન છેલ્લામાં છેલ્લી પણ દક્ષિણા આપી ન શકે તેને બ્રાહ્મણો પાસે ખોટો પરિશ્રમ કરાવવો નહિ. પરંતુ પોતાની શક્તિને અનુસારે બીજું કોઇ સત્કાર્ય કરીને રાજી રહેવું.૨૭
સ્વયં યજમાન પુરુષે પણ વિષ્ણુસહસ્રનામનું વિધિ પ્રમાણે નિશ્ચિત સંખ્યામાં પુરશ્ચરણ કરવું તેનાથી પણ આપત્કાળનું દુઃખ દૂર થશે અને શાંતિ પ્રાપ્ત થશે.૨૮
પુરશ્ચરણ કરાવનાર યજમાન જે દિવસે પુરશ્ચરણ કરવા માટે બ્રાહ્મણોની વરણી કરે તેજ દિવસે ગાયત્રી મંત્રનો જપ કરવા માટે તથા દ્વાદશાક્ષરમંત્રનો જપ તથા અષ્ટાક્ષર કે ષડાક્ષર મંત્રનો જપ કરવા માટે પૂર્વોક્ત રીત પ્રમાણે બ્રાહ્મણોની વરણી કરવી. ત્યારપછી જેટલી સંખ્યામાં મંત્રજપ કર્યો હોય તેના દશમા ભાગે હોમ કરવો અને તેના દશમા ભાગે બ્રાહ્મણોને ભોજન જમાડી તૃપ્ત કરવા. તેમાં જે સમર્થ હોય તેમણે મુખ્ય વિકલ્પનો આશ્રય કરવો, અને અશક્ત હોય તેમણે ઉત્તરોત્તર જપસંખ્યાના દશમા ભાગે હોમ કરવો, તેના દશમા ભાગે તર્પણ, તેના દશમા ભાગે માર્જન, તેના દશમા ભાગે બ્રાહ્મણોને ભોજન કરાવવું. આ રીતે બીજા શાસ્ત્રોમાં કહેલા વિકલ્પોનું અહીં ગ્રહણ કરવું.૨૯-૩૦
હે રાજન્ ! કશ્યપમુનિએ જપ સંબંધી હોમની સિદ્ધિને માટે શ્રીમદ્ભાગવતના મંત્રોનો વિભાગ કરેલો છે.૩૨
જો પુરશ્ચરણ કરાવનાર ધન શક્તિથી સમર્થ હોય તો તેમણે તે વિભાગ કરાયેલા મંત્રોદ્વારા જ હોમ કરવો. અથવા તે કશ્યપમુનિએ વિભાગ કરેલા દશમસ્કંધના માત્ર મંત્રોથી હોમ કરવો.૩૩
કોઇ ઋષિએ તો ગાયત્રીમંત્રથી જ હોમ કરવાનું કહેલું છે. કેટલાક ઋષિઓએ તો શ્રીવાસુદેવ ભગવાનના બાર અક્ષરના મંત્રથી હોમ કરવાનું કહેલું છે.૩૪
હે નિષ્પાપ રાજન્ ! આ હોમ કર્મમાં દૂધપાક અને ઘીને હોમદ્રવ્ય તરીકે ગ્રહણ કરવાં, જો આવી રીતની હોમ કરવાની અનુકૂળતા ન હોય તો તેટલી સંખ્યામાં વધુ જપ કરવા, એવો મત છે. અથવા વરણી કરાયેલા તે વિપ્રોએ જ હોમ નિમિત્તની બાર વધુ પારાયણ કરવી.૩૫
હે રાજન્ ! પુરશ્ચરણના પ્રારંભના દિવસથી તેની સમાપ્તિ સુધી યજમાને સહિત વરણી પામેલા વિપ્રોએ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું.૩૬
જો બ્રહ્મચર્યવ્રતનું પાલન ન કરે તો શાસ્ત્રમાં કહેલું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી. કારણ કે આ શ્રીમદ્ ભાગવત પરમહંસોની સંહિતા છે. તેના પુરશ્ચરણમાં બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવામાં આવે તો જ સર્વે મનોરથો પૂર્ણ થાય છે.૩૭
હે રાજન્ ! આ પ્રમાણે મેં સ્કંદપુરાણમાં કહેલા પુરશ્ચરણ કરવા રૂપ ભુક્તિ અને મુક્તિ બન્નેનું પ્રદાન કરનાર, પુરશ્ચરણ વિધિનું સંક્ષેપથી વર્ણન કર્યું.૩૮
હે રાજન્ ! આ પ્રમાણે શ્રીમદ્ભાગવતના કથાશ્રવણાદિનો સમગ્ર વિધિ કહ્યો. દેશકાળાદિકની અનુકૂળતા થાય ત્યારે તમે પણ શ્રીમદ્ ભાગવત પુરાણનું વિધિએ સહિત શ્રવણાદિ સર્વે અનુષ્ઠાન કરજો.૩૯
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં પુરાણ શ્રવણના ઉત્સવ પ્રસંગે ભગવાન શ્રીહરિએ શ્રીમદ્ ભાગવતના પુરશ્ચરણનો વિધિ કહ્યો એ નામે આઠમો અધ્યાય પૂર્ણ થયો. --૮--