અધ્યાય - ૧૮ - શુકાનંદ સ્વામીના પૂછવાથી ભગવાન શ્રીહરિએ માઘસ્નાન વિધિનું કરેલું વર્ણન.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે શ્રીનારાયણમુનિનાં માઘસ્નાન સંબંધી વચનો સાંભળી શુકાનંદ સ્વામી તેમને વિનયપૂર્વક નમસ્કાર કરી પૂછવા લાગ્યા કે, હે સ્વામિન્ ! હે પ્રભુ ! હું માઘસ્નાન અને ચાંદ્રાયણવ્રતનો વિધિ સાંભળવા ઇચ્છું છું તેથી આપ મને એ બન્નેનો વિધિ કહો.૧-૨
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! પ્રશંસા કરવા યોગ્ય તપપરાયણ રહેતા શુકાનંદ સ્વામીએ આદરપૂર્વક ઉપરોક્ત પ્રશ્ન કર્યો. તેથી સર્વજ્ઞા ભગવાન શ્રીહરિ શુકાનંદ સ્વામી તેમજ સભામાં બેઠેલા સમગ્ર સંતો-ભક્તોને આનંદ ઉપજાવતા કહેવા લાગ્યા.૩
શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિ ! તમને માઘસ્નાનનો વિધિ કહું છું. તેને તમે સાંભળો, માઘસ્નાન વિશેષપણે તીર્થને વિષે જ કરવામાં આવે છે.૪
તે તીર્થો તમને હું કહું તેના પહેલાં, તીર્થોનું ફળ કોણ પામે અને કોણ નથી પામતા તે પ્રથમ કહું છું. જે મનુષ્યોના હાથ, પગ, વાણી, મન, વિદ્યા, તપ અને કીર્તિ સંયમપૂર્વકના હોય, તે જ મનુષ્યો તીર્થનું ફળ પ્રાપ્ત કરી શકે છે.૫
જે અશ્રદ્ધાવાળા, પાપેયુક્ત મનવાળા, નાસ્તિક, સંશયાત્મા, હેતુવાદી અને તીર્થની નિંદા કરનારા હોય તે છ પ્રકારના મનુષ્યોને તીર્થનું ફળ ક્યારેય પણ મળતું નથી.૬
હે મુનિ ! હવે તીર્થો કહું છું. તીર્થરાજ પ્રયાગક્ષેત્ર, પુષ્કર કે કુરુક્ષેત્રમાં જઇને ત્યાં માઘ મહિના પર્યંત નિત્યે સ્નાન કરવું, આવા પ્રકારની શાસ્ત્રની મર્યાદા છે.૭
હે મુનિ ! સમુદ્રને નહિ મળતી જે કોઇ નદીમાં માઘમાસમાં એક દિવસ સ્નાન કરવા માત્રથી ત્રણ દિવસના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. તેમજ સમુદ્રને મળતી નદીમાં સ્નાન કરવાથી એક પખવાડીયાના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે. અને નદીઓના પતિ સમુદ્રમાં માઘ માસ દરમ્યાન માત્ર એક દિવસ સ્નાન કરવા માત્રથી આખા મહિનાના સ્નાનનું ફળ પ્રાપ્ત થાય છે.૮
હે મુનિ ! અરુણોદયથી આરંભીને પ્રાતઃકાળ પર્યંતના માઘસ્નાનના સમયને ઋષિમુનિઓએ પુણ્ય આપનારો કહેલો છે.૯
તેનાથી પણ તારા દેખાતા હોય ને જે માઘસ્નાન કરવું તે સર્વોત્તમ સ્નાન કહેલું છે. તારા દેખાતા બંધ થાય તે સમયે જે સ્નાન કરવું, તે મધ્યમ સ્નાન કહેલું છે. અને સૂર્યોદય થાય ત્યારે સ્નાન કરવું તે કનિષ્ઠ સ્નાન કહેલું છે.૧૦
માઘસ્નાનમાં ગરમજળથી જે સ્નાન કરવું તે વૃથાસ્નાન કહેલું છે. તે જ રીતે વેદ પુરાણાદિ શાસ્ત્રમાં કહ્યા સિવાયના અવૈદિક કે અપૌરાણિક મંત્રનો જપ પણ વૃથાજપ કહેલો છે. વેદ શાસ્ત્રાદિકનું અધ્યયન કર્યા વિનાના બ્રાહ્મણને દાન આપવું તે વૃથાદાન કહેલું છે. તેમજ બ્રાહ્મણાદિકની સાક્ષીએ રહિત કરેલું ભોજન પણ વૃથા ભોજન કહેલું છે. તેથી ગૃહસ્થોએ અતિથિ આદિકને જમાડીને જ જમવું જોઇએ.૧૧
હે શ્રેષ્ઠ શુકમુનિ ! બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યોએ મંત્રોનું ઉચ્ચારણ કરવા પૂર્વક સ્નાન કરવું, તેમજ શૂદ્રો અને સ્ત્રીઓએ મૌન રહીને સ્નાન કરવું.૧૨
મકરરાશિમાં સૂર્યનું સ્થાન હોય ત્યારે પોષ માસની પૂનમથી પ્રારંભીને પવિત્ર પૂરા ત્રીશ દિવસ પર્યંત સ્નાન કરવું.૧૩
જે મનુષ્યો ખુલ્લા શરીરે અર્થાત્ ઉપર વસ્ત્ર ઓઢયા વગર ઘેરથી નીકળી નદીએ સ્નાન કરવા હરિસ્મરણ કરતાં કરતાં જાય ને ત્યાં એ જ રીતે સાક્ષાત્ સ્નાન કરે ને ફરી ખુલ્લા શરીરે જ ઘેર પરત ફરે છે, તે મનુષ્ય હરિસ્મરણ સાથે પગલે પગલે અશ્વમેઘ યજ્ઞાનું ફળ પામે છે.૧૪
હે બ્રહ્મન્ ! તીર્થમાં સ્નાન સમયે મસ્તક પર તીર્થની મૃત્તિકા લગાવી ને સ્નાન કરવું, ને વેદોક્ત વિધિ પ્રમાણે સૂર્યને અર્ઘ્ય આપવું.૧૫
તીર્થજળમાં જ ઊભા રહી પિતૃતર્પણ પણ કરવું. ત્યારપછી જળથી બહાર આવી પોતાના ઇષ્ટદેવ શ્રીપુરુષોત્તમનારાયણને નમસ્કાર કરી પૂજા કરવી.૧૬
માઘસ્નાન દરમ્યાન શક્તિશાળી પુરુષોએ પૃથ્વી પર જ શયન કરવું, બ્રહ્મચારીઓએ પોતાને યોગ્ય બ્રહ્મચર્યવ્રતનું પાલન કરવું. જે પૃથ્વી પર શયન કરવાદિક નિયમો પાળી શકે તેમ ન હોય તેમણે પણ સ્નાન કરવાનો તો અવશ્ય નિયમ રાખવો.૧૭
હે મુનિ ! મનુષ્યે કોઇ પણ રીતે માઘસ્નાન કરવું. આવા પ્રકારનાં સ્મૃતિ વચનો રહેલાં છે. તેમાં પણ જો અતિશય રોગી કે વૃદ્ધ હોય તેવા મનુષ્યોએ ગરમ પાણીથી સ્નાન કરવું.૧૮
તલથી સ્નાન, અંગમર્દન, અગ્નિમાં હોમ, પિતૃઓનું તર્પણ, તલનું જ ભોજન, અને તલનું જ દાન કરનારા, આ રીતે છ પ્રકારના કાર્યમાં તલનો જ ઉપયોગ કરનારના સર્વ પ્રકારનાં પાપનો નાશ થાય છે.૧૯
હે મુનિ ! સરોવર, નદી, કે સમુદ્રના જળમાં સ્નાન કરવાના અભાવમાં માટીના નવા ઘડામાં જળ ભરી રાખીને રાત્રીએ ખુલ્લી જગ્યાએ વાયુના આઘાતથી અતિશય ઠંડા થયેલા જળથી માઘસ્નાન કરવું, તે ગંગાજળમાં સ્નાન કર્યા બરાબર મુનિઓએ કહ્યું છે.૨૦
હે મુનિ ! આ રીતે માઘસ્નાન કરવા પછી એવું કોઇ પાપ બચતું નથી કે જેનો નાશ થયો ન હોય. અર્થાત્ માઘસ્નાન કર્યા પછી સર્વ પ્રકારના પાપનો નાશ થઇ જાય છે. માટે માસોપવાસ કરતાં પણ માઘસ્નાન અધિક કહેલું છે.૨૧
હે મુનિ ! આ રીતે ઠંડા જળના કષ્ટનો જે મનુષ્યો અનુભવ કરે છે, તે જનો શરીર છોડયા પછી પરલોકમાં કોઇ પણ પ્રકારનું દુઃખ પામતા નથી. માટે પૃથ્વીપર માઘસ્નાનનો મહિમા સર્વ કરતાં અધિક કહેલો છે.૨૨
માઘસ્નાન કરનારે પ્રતિદિન સાકર મિશ્રિત તલનું દાન કરવું, તેમાં તલના ત્રણભાગ અને એક ભાગ સાકરનો મનાયેલો છે.૨૩
હે મુનિ ! જ્યારે માઘસ્નાનની સમાપ્તિ થાય ત્યારે મનુષ્યોએ અતિ સુંદર રસયુક્ત છ પ્રકારના રસવાળા પદાર્થોનું શક્તિ પ્રમાણે દાન કરવું. તેવીજ રીતે સાત ધાનયુક્ત સૂક્ષ્મ વસ્ત્રોનું બ્રાહ્મણ દંપતીને દાન કરવું.૨૪
સાકર અને તલ મિશ્રિત ત્રીસ લાડુઓ દાનમાં આપવા. તેમજ તલ ભરેલા તાંબાના પાત્રનું પણ શક્તિ પ્રમાણે દાન કરવું.૨૫
ધાબળા, મૃગચર્મ, વસ્ત્રો અને અનેક પ્રકારનાં રત્નો, તેમજ સુંદર ડગલી, સુરવાળ આદિકનું પણ દાન કરવું.૨૬
હે મુનિ ! પગની રક્ષા કરતાં પગરખાં, પાપનો વિનાશ કરનારા મોજા, તથા પોતાને ગમતી જે કોઇ બીજી વસ્તુ હોય તેનું પણ દાન કરવું.૨૭
પોતાનો અભ્યુદય ઇચ્છતા માઘસ્નાન કરનાર મનુષ્યે તે સર્વ પદાર્થોનું માઘસ્નાન કરતા વિપ્રને માઘમાસમાં દાન કરવું ને બોલવું કે આ મારા અલ્પ સરખા દાનથી હે માધવ ભગવાન ! મારા ઉપર પ્રસન્ન થાઓ.૨૮
હે બ્રહ્મર્ષિ ! મારા આશ્રિત સર્વે ભક્તજનોએ માઘ મહિનામાં નદી-તળાવ-કૂવા પર અથવા પોતાને ઘેર પણ ઠંડા જળથી સૂર્ય દર્શન પહેલાં જ સ્નાન કરી લેવું.૨૯
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં નાગડકાપુરે શ્રીહરિએ માઘસ્નાનના વિધિનું નિરૂપણ કર્યું એ નામે અઢારમો અધ્યાય પૂર્ણ થયો. --૧૮--