અધ્યાય - ૨૪ - ગઢપુરમાં એકાંત સ્થળે બેસી શ્રીહરિએ કરેલા ગૂઢ ત્રણ સંકલ્પો.
ગઢપુરમાં એકાંત સ્થળે બેસી શ્રીહરિએ કરેલા ગૂઢ ત્રણ સંકલ્પો. મંદિરો બાંધવાનો પહેલો સંકલ્પ. આચાર્યની સ્થાપના કરવાનો બીજો સંકલ્પ. સદ્ગ્રંથની રચના કરવાનો ત્રીજો સંકલ્પ.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! ગઢપુરમાં નિવાસ કરતા શ્રીહરિ એક વખત એકાંતસ્થળમાં બેસી મનથી પોતાના અવતારનું પ્રયોજન વિચારવા લાગ્યા.૧
આ પૃથ્વી પર કલિયુગનું બળ પ્રાપ્ત કરી અસુર ગુરુ તથા રાજારૂપે ઉદ્ભવેલા દૈત્યોએ સહિત અધર્મવંશ પોતાના પરિવારે સહિત અતિશય વૃદ્ધિ પામ્યો. તેના કારણે પરિવારે સહિત ધર્મવંશ અતિશય ક્ષીણ થયો.૨
સંતપુરુષો, દેવતાઓ તથા ઋષિમુનિઓ અત્યંત કષ્ટ પામવા લાગ્યા. પૃથ્વી પાપીઓનો ભાર સહન કરવા સમર્થ થઇ નહિ.૩
પછી દુર્વાસા મુનિના શાપનું મિષ લઇ આ ભારતવર્ષની ધરા પર ઉત્તર કૌશલ દેશમાં ધર્મદેવ થકી ભક્તિદેવીને વિષે જન્મ ધારણ કરી બ્રહ્મપુર ધામના અધિપતિ એવા મેં મારા અલૌકિક પ્રતાપથી તે સર્વે અસુર ગુરુરૂપ તથા રાજારૂપ દૈત્યોનો મૂળે સહિત વિનાશ કર્યો.૪
અત્યારે ભક્તિએ સહિત ધર્મ બહુ જ પોષણ પામેલ છે. સાધુ, દેવતા અને મહર્ષિઓ પણ પરમ સુખને પામ્યા છે.૫
આખા પરિવારે સહિત અધર્મ અત્યારે પૃથ્વી પર કોઇ પણ સ્થળે જોવામાં આવતો નથી. ચારેય વર્ણના સર્વે મનુષ્યો પોતપોતાના ધર્મમાં રહી મારૂં ભજન કરે છે.૬
અવતાર ધારણ કરી જે કાર્ય કરવાનું હતું તે મેં સમગ્ર કાર્ય પૂર્ણ કરેલ છે. એ સ્પષ્ટ છે છતાં પણ ભાવિ મનુષ્યોના હિત માટે મારે અવશ્ય કાંઇ પણ કરવું જોઇએ.૭
વળી મારા અંતર્ધાન થયા પછી મારે આશરે રહેલા ભક્તજનો નિરાધાર થશે. તે ભક્તજનોના આધાર માટે પણ મારે કંઇક કરવું જોઇએ.૮
હે રાજન્ ! અપાર કરૂણાના સાગર અને વાત્સલ્યના વારિધિ ભગવાન શ્રીહરિએ આ પ્રમાણે સર્વજનોનું હિત વિચારી પૃથ્વી પરના જનો માટે ત્રણ પ્રકારના હિત સંકલ્પો નક્કી કર્યા.૯
મંદિરો બાંધવાનો પહેલો સંકલ્પ :- હું મંદિરો બંધાવી તેમાં મારા અર્ચાસ્વરૂપોની પ્રતિષ્ઠા કરૂં, તેથી મનુષ્યો અત્યારે અને ભવિષ્યમાં પણ તે મારાં સ્વરૂપોની સેવા પૂજા કરશે.૧૦
આલોકમાં પોતપોતાના વર્ણાશ્રમને ઉચ્ચિત ધર્મમાં રહીને જે મનુષ્યો તેમની સેવા પૂજા કરશે, તે સર્વેને ચારે પુરુષાર્થની સિદ્ધિ પ્રાપ્ત થશે.૧૧
આચાર્યની સ્થાપના કરવાનો બીજો સંકલ્પ :- ધર્મે સહિત મારા ભક્તિમાર્ગના અતિશય પોષણને માટે મંત્રદીક્ષાની બહુજ અપેક્ષા રહેશે. તેથી મારા શુદ્ધ ધર્મવંશને વિષે મંત્રદીક્ષાનું પ્રદાન કરનાર આચાર્યની સ્થાપના કરું.૧૨
સદ્ગ્રંથની રચના કરવાનો ત્રીજો સંકલ્પ :- ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિના અવબોધને માટે શતાનંદ સ્વામી મારાં ચરિત્રોથી સભર ગ્રંથની રચના કરશે.૧૩
મારા આશ્રિતો તે ગ્રંથના માધ્યમથી સર્વશાસ્ત્રોના સિદ્ધાંતના રહસ્યને જાણી શકશે. બસ આ ત્રણ પ્રકારનાં કાર્યો કરીને હું આ પૃથ્વી થકી અંતર્ધાન થઇ મારા અક્ષરધામ પ્રત્યે જઇશ.૧૪
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ત્રણ ગૂઢ સંકલ્પો પૂરા કરવાનો દૃઢ સંકલ્પ કરી શ્રીહરિ દુર્ગપુરમાં નિવાસ કરવા લાગ્યા અને સુંદર લેખન કરતા અનંત સંતો પાસે સર્વશાસ્ત્રોનું લેખન કરાવ્યું.૧૫
હે ભૂમિપતિ ! આમ કરતા ભગવાન શ્રીહરિએ ચૈત્રવદી એકાદશીનો મહા ઉત્સવ ઉજવી બારસને દિવસે હજારો સંતો, બ્રાહ્મણોને ભોજન કરાવી તૃપ્ત કર્યા.૧૬
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં શ્રીહરિએ ગઢપુરમાં કરેલા ત્રણ સંકલ્પોનું નિરૂપણ કર્યું એ નામે ચોવીસમો અધ્યાય પૂર્ણ થયો. --૨૪--