અધ્યાય - ૩૨ - ગોમતીતીરે સચ્ચિદાનંદ સ્વામીની શોધ કરતા અયોધ્યાવાસીઓ.
ગોમતીતીરે સચ્ચિદાનંદ સ્વામીની શોધ કરતા અયોધ્યાવાસીઓ. અયોધ્યાવાસીઓને સચ્ચિદાનંદ સ્વામીનું મિલન. યાત્રાવાસીઓનું ગઢપુરમાં આગમન. ભક્ત સમુદાય સાથે શ્રીહરિનું વડતાલપુરમાં આગમન.
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! બેટદ્વારકાથી ગોમતીતીરે પહોંચેલા કૌશલદેશવાસીઓ ત્યાં સચ્ચિદાનંદ સ્વામીને શોધવા લાગ્યા.૧
ગોમતીતટ ઉપર સચ્ચિદાનંદ સ્વામીને નહીં જોવાથી તે નંદરામાદિ સર્વે ચિંતા કરવા લાગ્યા. નેત્રોમાં આંસુ આવ્યાં, મુખ ખિન્ન થયાં ને નિઃશાસા નાખી બહુ જ ચિંતા કરી તર્ક વિતર્ક કરવા લાગ્યા.૨
અરે !!! દૈવયોગે આપણાથી આ શું દુષ્કૃત્ય થઇ ગયું ? દયાળુ ભગવાન શ્રીહરિના અતિવહાલા સંત સચ્ચિદાનંદ સ્વામીનું શું થયું હશે ? તે ક્યાં ગયા હશે ?૩
આપણે તે સંતને લીધા વિના ગઢપુર કેવી રીતે જઇશું ? કદાચ મહાકષ્ટે જશું તો શ્રીહરિને આપણું મુખ કેમ દેખાડશું ?૪
અથવા મુખ દેખાડી સામે ઊભા રહેશું ત્યારે શ્રીહરિ પૂછશે તો આપણે સ્વામીની શી વાર્તા કહેશું ? અરે !!! ઉત્તમરાજા વગેરેના મર્મભેદક અને આક્રોશ ભરેલા વચનો આપણે કેમ સાંભળી શકશું ?૫
હે રાજન્ ! તે સમયે મંછારામ કહેવા લાગ્યા કે, મેં તો સ્વામીનો ત્યાગ કરી આપણે જવું જોઇએ નહિ એમ પહેલેથી જ કહ્યું હતું, છતાં મારૂં વચન તમે કોઇએ સાંભળ્યું નહિ.૬
પછી ગોપાળજી કહેવા લાગ્યા કે, મોટાભાઇ નંદરામજીએ કહ્યું કે, આપણે આઠ નવ દિવસમાં પાછા આવી જશું, સ્વામીને અહીં બેસાડી જઇએ, તો તે મોટાભાઇના વચનને મારાથી કેમ ઉલ્લંઘાય ? કારણ કે, તે પિતા તુલ્ય કહેવાય.૭
હે રાજન્ ! તે સમયે નંદરામજી તેને કહેવા લાગ્યા કે, હે ભાઇ ! તમે જ ડિંગાઇ મારતા હતા કે આ મુનિની સમાધિની દીર્ઘતાને હું જાણું છું. તેને ત્રણ-પાંચ-દશ-પંદર દિવસ સુધી સમાધિ રહે છે. આવું પહેલું કહ્યા પછી હવે મારા ઉપર શા માટે મિથ્યા આળ મૂકો છો ?૮
ત્યારે તે સાંભળીને વૃદ્ધ મંછારામ કહેવા લાગ્યા કે, જે થવાનું હતું તે થયું. જે અવશ્યંભાવિ હોય છે. તેને કોઇ રોકી શકતું નથી. થઇ ગયા પછી પાછળથી વ્યર્થ ચિંતા ન કરવી જોઇએ. માટે કષ્ટ નિવારણ કરનારા ભગવાન શ્રીહરિનું સ્મરણ કરો.૯
કારણ કે, હરિસ્મરણ સર્વ વિપત્તિ થકી મૂકાવે છે. એવું શ્રીમદ્ ભાગવતમાં કહ્યું છે. આપણે શ્રીસ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી જે દ્વારિકાધીશનાં દર્શન કરવા આવ્યા હતા તે જ દ્વારિકાધીશ આપણે જેમ સુખ થાશે તેમ કરશે, એ નક્કી વાત છે.૧૦
દયાનિધિ ભગવાન શ્રીહરિના એ મહાન ભક્ત સચ્ચિદાનંદ સ્વામી આપણને છોડીને ગઢપુર તો નહીં જ ગયા હોય.૧૧
એ સ્વામી અહીંથી બેટદ્વારિકા ગયા હોવા જોઇએ. એમ મને ભાસે છે. તેથી એ અહીં જ પાછા આવશે. એથી આપણે ત્યાં સુધી અહીં જ રહેવું જોઇએ.૧૨
અયોધ્યાવાસીઓને સચ્ચિદાનંદ સ્વામીનું મિલન :- હે રાજન્ ! મંછારામનું વચન સાંભળી બન્ને ભાઇઓ કહેવા લાગ્યા કે, એ પ્રમાણે જ આપણે કરીએ, પછીત્રણે વિપ્રો દ્વારિકાધીશ એવા ભગવાન શ્રીહરિનું સ્મરણ કરતા કરતા ગોમતીના કાંઠે જ નિવાસ કરીને રહ્યા.૧૩
આ રીતે કૌશલદેશ વાસીઓ પ્રતિદિન પ્રાતઃકાળે ગોમતીમાં સ્નાન કરી પોતાનો નિત્યવિધિ કરી ત્યાં રહેલા દ્વારિકાધીશ ભગવાનનાં દર્શન કરી સ્વામીની રાહ જોતા.૧૪
મુનિની ચિંતામાં તેઓને ચાર દિવસ પસાર થયા. ચોથે દિવસે એકાદશીનો ઉપવાસ કરી બારસના પારણા માટે રસોઇ તૈયાર કરી સ્વામીની પ્રતીક્ષા કરવા લાગ્યા.૧૫
અરે ... ભાઇઓ કુબુદ્ધિવાળા આપણું એવું તે સદ્ભાગ્ય ક્યાંથી હોય કે, મહાયોગી તે સચ્ચિદાનંદ સ્વામી અહીં પધારીને આપણી સાથે પારણાં કરે ?૧૬
તેવામાં નંદરામ કહેવા લાગ્યા કે, મારો જમણો હાથ ફરકે છે, મંછારામ કહેવા લાગ્યા કે મારી જમણી આંખ ફરકે છે.૧૭
ત્યારે ગોપાળજી પણ કહેવા લાગ્યા કે, આજે પ્રાતઃકાળે મને સ્વપ્નમાં એવું દેખાયું કે, સ્વામી પોતાના હૃદયમાં દ્વારિકાધીશને ધારણ કરી બેટદ્વારિકાથી અહીં ગોમતી આવી રહ્યા છે. આવું પ્રત્યક્ષ દેખાયું હતું.૧૮
હે રાજન્ ! આ પ્રમાણે શુભ શુકન વિષે પરસ્પર વાર્તાલાપ કરી રહ્યા હતા, તેવામાં તે ત્રણે જણાએ ગજગતિ ચાલે ચાલ્યા આવતા સ્વામીને દૂરથી નીહાળ્યા.૧૯
અહો !!! સ્વામી આવે છે, સ્વામી આવે છે, આ પ્રમાણે રોકાયા વિના ત્રણે જણા ઉચ્ચ સ્વરે બોલવા લાગ્યા ને જાણે પ્રાણ આવે ને ઇન્દ્રિયો જેમ તેમના વિષય પ્રત્યે દોડે તેમ સ્વામી સન્મુખ આદરથી તેઓ દોડવા લાગ્યા.૨૦
પરસ્પર હસતા હસતા બહુ સમય સુધી તેઓ બન્ને ભૂજાઓમાં ભેટી રહ્યા. ત્યારપછી પોતાના સ્થાને પાછા આવી પરસ્પર કુશળ સમાચાર પૂછયા.૨૧
ત્રણે જણાએ સ્વામીને સ્નાન કરાવી ભોજન કરાવ્યું, ને પછી પોતે પણ જમ્યા. ને એક બીજાની વાતો કરતાં કરતાં બારસનો દિવસ ત્યાંજ પસાર કર્યો.૨૨
એ રાત્રી ગોમતીના તીરે જ વીતાવી ને પ્રાતઃકાળે પરવારી ત્યાંથી ગઢપુર જવા રવાના થયા ને સંવત ૧૮૮૧ ના ફાગણ સુદ છઠ્ઠને દિવસે ગઢપુર આવ્યા.૨૩
યાત્રાવાસીઓનું ગઢપુરમાં આગમન :- હે રાજન્ ! માર્ગમાં તેઓ જ્યાં જ્યાં નિવાસ કરતા ત્યાં ત્યાં સર્વે રાત્રીઓમાં તેઓને સ્વપ્નામાં પોતાની સાથે જ પધારી રહેલા દ્વારિકાધીશનાં રૂક્મિણીદેવીની સાથે દર્શન થતાં.૨૪
ગઢપુરમાં પહોંચી સભામાં દિવ્ય સિંહાસન ઉપર વિરાજતા ભગવાન શ્રીહરિને તેઓએ ભક્તિભાવથી દંડવત્ પ્રણામ કર્યાં. શ્રીહરિએ પણ સ્વાગતાદિ પ્રશ્નો પૂછી તેઓને બહુમાન આપ્યું.૨૫
તે સમયે સચ્ચિદાનંદ સ્વામીએ ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન વિના ગોમતી સ્નાન, તપ્તમુદ્રાઓનું અંકન અને બેટદ્વારકામાં દ્વારિકાધીશનાં દર્શન બાબતમાં ત્યાંના ગૂગળી વિપ્રો દ્વારા કરવામાં આવેલો પોતાને અવરોધ વગેરેનું પોતાનું સમગ્ર વૃત્તાંત સભામાં કહી સંભળાવ્યું.૨૬
એ સાંભળી સર્વે સંતો પોતાને દ્વારિકાની યાત્રા નહીં થાય, આવો નિશ્ચય કરી પોતાના હૃદયમાં અતિશય ખેદ પામવા લાગ્યા.૨૭
આ પ્રમાણે ખેદ પામતા સર્વે સંતોને જોઇને સચ્ચિદાનંદ સ્વામીએ પોતાને જે દ્વારિકાધીશનાં પ્રત્યક્ષ દર્શન થયાં ને તેમના થકી જે વડતાલગમનરૂપ વરદાનની પ્રાપ્તિ થઇ તે સમગ્ર વૃત્તાંત યથાર્થ પુનઃ કહી સંભળાવ્યું.૨૮
ત્યારે તેમની વાણી સાંભળી અતિશય રાજી થયેલા સર્વે સંતો સચ્ચિદાનંદ સ્વામીને વંદન કરવા લાગ્યા ને બહુ પ્રકારની પ્રશંસા કરી અતિશય આનંદનો અનુભવ કરવા લાગ્યા.૨૯
હે રાજન્ ! મુનિરાટ્ શ્રીસહજાનંદ સ્વામી સ્વયં તે સચ્ચિદાનંદ સ્વામીની ખૂબજ પ્રશંસા કરી. સંતો ભક્તોને આનંદ ઉપજાવતા સચ્ચિદાનંદ સ્વામી પાસે તેનું તે વૃત્તાંત જે કોઇ આવે તેમની આગળ વારંવાર કહેવડાવતા હતા. અને સચ્ચિદાનંદ સ્વામી પણ દ્વારિકામાં ઘટેલી સમગ્ર ઘટનાનું વૃત્તાંત કહી સંભળાવી શ્રીહરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે શ્રીહરિ ! આ સર્વ પ્રકારનો અનુગ્રહ એક તમારી કૃપાનું જ પરિણામ છે. એમ હું નક્કી જાણું છું.૩૦-૩૧
પછી ફાગણ માસમાં તે જ ક્ષણે પ્રાપ્ત થયેલો દ્વારિકાધીશનો ફૂલડોલોત્સવ વડતાલપુરમાં ઉજવવાની શ્રીહરિએ ઇચ્છા કરી.૩૨
તેમ જ વડતાલ જવા ઇચ્છતા સર્વે ત્યાગી સંતો, સમગ્ર ગૃહસ્થ ભક્તને અને સર્વ નારીઓને પણ ભગવાન શ્રીહરિએ વડતાલ જવાની આજ્ઞા આપી.૩૩
પોતાના લેખક-દૂતો મારફતે દેશ-દેશાંતરના નિવાસી ભક્તજનોને તત્કાળ આમંત્રણ આપી વડતાલ બોલાવ્યા.૩૪
હે રાજન્ ! એ ફાગણ સુદ છઠ્ઠની રાત્રીએ શયન કરી રહેલા સર્વે સંતોને સ્વપ્નમાં વડતાલ પધારી રહેલા શ્રીદ્વારિકાધીશનાં રૂક્મિણીએ સહિત દર્શન થયાં.૩૫
તે સર્વે સંતોએ પ્રાતઃકાળે જાગ્રત થઇ ભગવાન શ્રીહરિની આગળ પોતાના સ્વપ્નામાં ઘટેલી ઘટના કહેવા લાગ્યા. ત્યારે ભગવાન શ્રીસહજાનંદ સ્વામી તેઓને કહેવા લાગ્યા કે, એ ઘટના માત્ર સ્વપ્ન નહીં પણ સત્ય છે. તેમાં કોઇ સંશય નથી.૩૬
હે રાજન્ ! આ પ્રમાણે સંતોની સાથે વાર્તાલાપ કરતા કરતા સ્વામી શ્રીસહજાનંદજી મહારાજ હજારો ભક્તજનોની સાથે સપ્તમી તિથિના પ્રાતઃકાળે ગઢપુરથી રવાના થયા.૩૭
ભક્ત સમુદાય સાથે શ્રીહરિનું વડતાલપુરમાં આગમન :- હે રાજન્ ! તે સમયે શ્રીહરિ મનોહર અને અનેક પ્રકારની ચિત્રવિચિત્ર ગતિએ ચાલતા લાલરંગના વેગવંતા ઘોડા ઉપર આરૂઢ થયા ને અતિશય કોમળ ડાબા હાથમાં લગામ ધારણ કરીને બીજા જમણા હાથમાં નેત્રની છડી ધારણ કરી હતી. શ્વેતવસ્ત્રોમાં શોભતા શ્રીહરિ અશ્વારૂઢ થયેલા અન્ય સોમ-સુરાદિ પાર્ષદોથી વીંટાઇને માર્ગમાં ચાલ્યા જતા હતા.૩૮
ધાત્રી એકાદશીના દિવસે સાયંકાળે ભગવાન શ્રીહરિ વડતાલ પધાર્યા ત્યાં અનેક ગામો તથા નગરોમાંથી મનુષ્યોના અનેક સંઘો પણ આવી પહોંચ્યા હતા.૩૯
હે રાજન્ ! મુનિરાટ્ મુક્તાનંદ સ્વામી પણ વડોદરા નગરથી સભા જીતીને વડોદરાવાસી ભક્તજનોની સાથે સંતમંડળ સહ વડતાલ આવી ગયા હતા.૪૦
હે રાજન્ ! સચ્ચિદાનંદ સ્વામીને વરદાન આપનારા દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ ભગવાનનાં લક્ષ્મીનારાયણ સ્વરૂપે વિરાજતા મૂર્તિનાં દર્શન કરી સર્વે ભક્તજનો પરમ આનંદને પામ્યા.૪૧
તે વડતાલપુરમાં પધારેલા ગૃહસ્થાશ્રમી ભક્તજનોને પણ ત્યાગી સંતોની જેમ સ્વપ્નમાં વડતાલ પધારેલા દ્વારિકાધીશનાં ઘણાખરાને દર્શન થયાં.૪૨
દર્શન કરી અતિશય વિસ્મય પામેલા દૃઢ નિષ્ઠાવાળા સર્વે હરિભક્તોએ પરમ ભક્તિથી પોતાના અધિકારને અનુસારે તે શ્રીલક્ષ્મીનારાયણ સ્વરૂપ દ્વારિકાધીશની પૂજા કરી.૪૩
ભગવાન શ્રીહરિએ દ્વારિકાધીશ સ્વરૂપે પોતાનું જ આગમન થયું છે. એવું અલૌકિક દર્શન પોતાના સંકલ્પરૂપ લીલાથી સર્વ ભક્તજનોને કરાવ્યું માટે દ્વારિકાધીશ અને શ્રીહરિના સ્વરૂપમાં કોઇ ભેદ સમજવો નહિ.૪૪
હે રાજન્ ! ત્યારપછી સકલ ઐશ્વર્ય સંપન્ન ભગવાન શ્રીહરિએ શ્રીલક્ષ્મીનારાયણ સ્વરૂપે વિરાજતા શ્રીદ્વારિકાધીશનો ફૂલડોલોત્સવ સર્વ શિષ્યજનોની સાથે મોટી સામગ્રી વડે ઉજવ્યો.૪૫
હે રાજન્ ! ભગવાન શ્રીહરિએ પંક્તિમાં બેઠેલા સર્વ સંતો-ભક્તોને બહુવાર પીરસીને અનેક પ્રકારના ભક્ષ્ય, ભોજ્ય, લેહ્ય અને ચોષ્ય ભોજનો જમાડી પોતાના સર્વે સંતો-ભક્તોને ખૂબજ તૃપ્ત કર્યા.૪૬
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં દ્વારિકાપુરીથી શ્રીદ્વારિકાધીશ ભગવાનનું વડતાલમાં આગમન થયું તેનું નિરૂપણ કર્યું એ નામે બત્રીસમો અધ્યાય પૂર્ણ થયો. --૩૨--