અધ્યાય - ૬૧ - ભગવાન શ્રીહરિએ જેઠ, અષાઢ અને શ્રાવણ માસમાં આવતાં વ્રતો અને ઉત્સવોનું કરેલું નિરૂપણ.
ભગવાન શ્રીહરિએ જેઠ, અષાઢ અને શ્રાવણ માસમાં આવતા વ્રતો અને ઉત્સવોનું કરેલું નિરૃપણ. સ્નાનયાત્રા ઉત્સવ. રથયાત્રા ઉત્સવ. માસિક હિંડોળા મહોત્સવ. શ્રી વરાહ જયંતિ ઉત્સવ. પવિત્રાં અર્પણ ઉત્સવ. શ્રીરામાનંદ સ્વામી પાદુર્ભાવોત્સવ.
ગંગાવતરણ મહોત્સવ :- શ્રીનારાયણમુનિ કહે છે, હે પુત્રો ! જેઠમાસની સુદ દશમીના દિવસે મંગળવારે હસ્તનક્ષત્રમાં સર્વે નદીઓમાં ઉત્તમ ગંગાજી સ્વર્ગમાંથી પૃથ્વીપર અવતર્યાં છે.૧
આ તિથિ કાયા, મન અને વાણીથી થતાં દશ પ્રકારનાં પાપોનો વિનાશ કરે છે. તેથી તેમનું નામ ''દશહરા'' પડેલું છે. આ તિથિ બે દિવસનો યોગ ધરાવતી હોય તો તેમાં જે દિવસે હસ્તનક્ષત્ર હોય તેજ પહેલી અથવા બીજી ગ્રહણ કરવી.૨
જો અધિક જેઠ માસ હોય તો આ ગંગાવતરણ મહોત્સવ તેજ મહિનામાં ઉજવવો. પરંતુ મૂળ જેઠ માસમાં ઉજવવો નહિ. આ દશમીના દિવસે ગંગાજીની લક્ષ્મીજીની મૂર્તિમાં ભાવના કરીને મોટા ઉપચારોથી પૂજા કરવી.૩
પૂજા કરનારે દશની સંખ્યામાં પુષ્પો, ગંધ, નૈવેદ્ય, ફળો, દીપ, ધૂપ અને તાંબૂલથી શ્રદ્ધાપૂર્વક ગંગાજીની પૂજા કરવી.૪
જો લક્ષ્મીજીની મૂર્તિ ન હોય તો સુવર્ણની ચતુર્ભુજ અને ચંદ્રમાજેવી શ્વેત ગંગાજીની મૂર્તિ કરાવવી. તેમાં જમણા ઉપરના હાથમાં કળશ અને નીચેના હાથમાં વરદાનની મુદ્રા રાખવી, અને ડાબા ઉપરના હાથમાં કમળનું પુષ્પ અને નીચેના હાથમાં અભયની મુદ્રા ધારણ કરાવવી.૫
વળી તે શ્વેત વસ્ત્રને ને શ્વેત આભૂષણો ધારણ કરેલી ને મનોહર મુખવાળી ગંગાજીની મૂર્તિ તૈયાર કરાવવી. તેમનું બપોરના સમયે પૂજન કરવું.૬
આ ઉત્સવમાં ગંગાવતરણના પદોનું ગાયન કરાવવું. પૂજાની સમાપ્તિ પછી જ ભોજન સ્વીકારવું. બાકીનો વિધિ સર્વ પૂર્વવત્ સામાન્ય વિધિ જાણવો.૭
સ્નાનયાત્રા ઉત્સવ :- હે પુત્રો ! જેઠમાસમાં જે દિવસે સૂર્યોદય સમયે જ્યેષ્ઠા નક્ષત્ર હોય તેજ દિવસે શ્રીકૃષ્ણ ભગવાનને અભિષેક વિધિથી સ્નાન કરાવવું.૮
તેમાં ઉજ્જવળ પાત્રમાં ભરેલા નિર્મળ ને ચંદનમિશ્રિત જળથી શંખવડે વૈદિક કે પૌરાણિક મંત્રોથી શ્રીકૃષ્ણ ભગવાનને સ્નાન કરાવવું.૯
પછી રૂકમણી પતિને પીળાં વસ્ત્રો, લાલ પાઘ અને આભૂષણો ધારણ કરાવવાં. નૈવેદ્યમાં દાળ, ભાત, રોટલી, કઢી, વડા અને સમયાનુસાર પ્રાપ્ત થતા શાકો અર્પણ કરવાં.૧૧
આ ઉત્સવમાં ભગવાનની જળક્રીડાના પદોનું ગાન કરાવવું ને પૂજાના અંતે ભોજન કરવું. બાકીનો વિધિ સર્વ સામાન્ય જાણવો.૧૨
રથયાત્રા ઉત્સવ :- હે પુત્રો ! અષાઢમાસમાં સુદ પક્ષમાં જે દિવસે સૂર્યોદય સમયે પુષ્યનક્ષત્ર હોય, તે દિવસે અશ્વે સહિત અલંકૃત કરેલો રથ ભગવાનની આગળ ઉત્તર સન્મુખ સ્થાપન કરવો.૧૩
શ્રીપતિ શ્રીકૃષ્ણ ભગવાનને લાલ અને પીળાં વસ્ત્રો ધારણ કરાવવાં ને કેટલાક સુવર્ણના આયુધો ધારણ કરાવવાં.૧૪
નૈવેદ્યમાં દહીં, ભાત, સાકર ને ગોળના લાડુ અર્પણ કરવા, રાજભોગની આરતી કરી પછી બાલશ્રીકૃષ્ણને રથ પર બેસાડવા. રથયાત્રાના પદોનું ગાયન કરવું.૧૫
વચ્ચે ચાર વાર ભોગ ધરવો ને ચાર વાર આરતી ઉતારવી. ત્યારપછી રથ ઉપરથી ભગવાનને ઊતારી પોતાને સ્થાને વિરાજમાન કરવા. બાકીનો વિધિ સર્વ સામાન્ય જાણવો. તેમાં પૂજાના અંતે ભોજન કરવું તે પણ જાણવું. અને અષાઢ સુદ દેવપોઢીની એકાદશીના શયનોત્સવ ઉજવવો.૧૬
માસિક હિંડોળા મહોત્સવ :- હે પુત્રો ! અષાઢ માસના વદ પક્ષના પડવાના દિવસે કે બીજના દિવસે વૃષભ રાશિમાં ચંદ્રનું બળ હોય ત્યારે અલંકૃત કરેલો હિંડોળો સ્થાપન કરવો.૧૭
એ હિંડોળામાં સાયંકાળે પ્રતિદિન શ્રીબાલકૃષ્ણને બિરાજમાન કરી આરતી ઉતારી બે ઘડી પર્યંત ઝૂલાવવા.૧૮
એકમાસ પછી શ્રાવણવદ તૃતીયાના દિવસે છેલ્લે આરતી ઉતારી હિંડોળેથી ઉતારવા, એક માસ પર્યંત પ્રતિદિન હિંડોળાના પદોનું ગાન કરવું. બાકીનો પૂજાવિધિ સર્વ સામાન્ય જાણવો.૧૯
શ્રી વરાહ જયંતિ ઉત્સવ :- હે પુત્રો ! શ્રાવણ માસના સુદ પક્ષમાં ચતુર્થીના દિવસે મંગળવારે મધ્યાહ્નસમયે બ્રહ્માજીની નાસિકામાંથી વરાહ ભગવાનનો પ્રાદુર્ભાવ થયેલો છે.૨૦
આ ચોથ બે દિવસ વ્યાપ્તિ હોય તો પણ બીજી જ ચોથ વરાહ ભગવાનની પૂજા માટે ગ્રહણ કરવી. પૂજારીએ તે દિવસે વરાહ ભગવાનના નામે શ્રીવાસુદેવ ભગવાનની પૂજા કરવી.૨૧
ભગવાનને કસૂંબલ વસ્ત્રો ધારણ કરાવવાં. નૈવેદ્યમાં દૂધપાક ને વડાં વિશેષ પણે અર્પણ કરવાં.૨૨
અને વરાહ ભગવાનના જન્મના પદોનું ગાયન કરાવવું અને મોટી પૂજા કરવી તેમજ પૂજાના અંતે ભોજન કરવું.૨૩
હે પુત્રો ! જો પૂજા કરનારને વરાહ સ્વરૂપની જ પૂજા કરવી હોય તો પોતાની શક્તિ પ્રમાણે વરાહ ભગવાનની સુવર્ણની પ્રતિમા તૈયાર કરાવવી. તેમાં શરીર મનુષ્યનું અને મુખારવિંદ સૂકરનું કરવું. શરીર થોડું રૂષ્ટપૃષ્ટ કરવું ને મહાભયંકર જણાતું કરવું.૨૪
ચાર ભુજાવાળા તેમને જમણા નીચેના હાથના ક્રમથી ગદા, ચક્ર, શંખ અને પદ્મ ધારણ કરાવી વિરાજમાન કરવા. બે હાથ જોડીને મુનિજનોથી સ્તુતિ કરતા તે વરાહ ભગવાનની ડાબી બાજુ ઉપરના ભાગે લક્ષ્મીજી બેસાડવાં, પૃથ્વી અને શેષનાગને તેમના ચરણના અનુયાયી બનાવવા. પછી મધ્યાહ્ન સમયે તેમની પૂજા કરવી.૨૫-૨૬
પવિત્રાં અર્પણ ઉત્સવ :- હે પુત્રો ! શ્રાવણ માસના સુદ પક્ષની વ્રતની એકાદશીના અથવા બારના દિવસે ભગવાનને પવિત્રાં અર્પણ કરવાં.૨૭
તે પવિત્રાં સુવર્ણતંતુ, રજતતંતુ, શણના છીડાના તંતુ, દર્ભના તંતુ અને બ્રાહ્મણે કાતેલા સૂત્રથી તૈયાર કરેલાં સર્વોત્તમ મનાયેલા છે.૨૮
તે પવિત્રાની મધ્યે જે પવિત્રું ત્રણસોને સાઠ તંતુથી બનાવેલું હોય તે પવિત્રોત્તમ કહેલું છે. બસોને સિત્તેર તંતુથી કરેલું પવિત્રું મધ્યમ અને એકસોને એંશી તંતુઓથી તૈયાર કરેલું પવિત્રું કનિષ્ઠ કહેલું છે. ત્રણ સુત્રોથી કરેલાં પવિત્રાં સાધારણ કહેલાં છે.૨૯-૩૦
વળી સો ગ્રંથિવાળું શોભાયમાન પવિત્રું ઉત્તમ, પચાસ ગ્રંથિવાળું મધ્યમ અને છત્રીસ ગ્રંથિવાળું પવિત્રું કનિષ્ઠ કહેલું છે.૩૧
વળી ત્રીજો ભેદ કે પ્રતિમાની નાભિપર્યંત આવતું પવિત્રું કનિષ્ઠ, સાથળ સુધી આવતું પવિત્રું મધ્યમ અને જાનુપર્યંત આવતું પવિત્ર ઉત્તમ મનાયેલું છે.૩૨
આ ઉત્સવમાં આટલો વિધિ જ વિશેષ છે બાકીનો કમલા અને રાધિકા પતિનો પૂજા આદિકનો વિધિ તો હમેશના પ્રમાણે જાણવો.૩૩
શ્રીરામાનંદ સ્વામી પાદુર્ભાવોત્સવ :- હે પુત્રો ! શ્રાવણ માસની વદ અષ્ટમી તિથિએ પ્રાતઃકાળે અજયવિપ્ર થકી સુમતિદેવીને ત્યાં સાક્ષાત્ ઉદ્ધવજીના અવતાર શ્રીરામાનંદ સ્વામીનો આ પૃથ્વી પર પ્રાદુર્ભાવ થયો છે.૩૪
તેથી પ્રાતઃકાળે પોતાની શક્તિ પ્રમાણે સુવર્ણની નિર્માણ કરેલી રામાનંદ સ્વામીની મૂર્તિને સર્વતોભદ્રમંડળને વિષે સ્થાપન કરી મહાપૂજાના વિધિથી પૂજન કરવું.૩૫
આ મૂર્તિ પુષ્ટ, દ્વિભુજ, શોભાયમાન વસ્ત્રો ધારણ કરેલી, કર્ણસુધી દીર્ઘ નેત્રોવાળી, પ્રસન્નમુખવાળી, ભક્તજનો પર અનુગ્રહ કરતી, શાંત, જમણા હાથમાં જપમાલાને ધારણ કરી રહેલી તેમજ ભક્તજનો દ્વારા ચંદન પુષ્પાદિક વડે પૂજા કરાયેલી, અતિશય મનોહર તૈયાર કરાવવી.૩૬-૩૭
પૂજાના સમયે રામાનંદ સ્વામીના જન્મ કર્મોનું વર્ણન કરતાં પદોનું ગાન કરાવવું. પછી જન્માષ્ટમીનો ઉત્સવ ઉજવવો, અને તે ઉત્સવનો વિધિ મેં તમને પહેલેથી જ કહી દીધો છે.૩૮
હે પુત્રો ! ઉદ્ધવસંપ્રદાયને વિષે રહેલા મનુષ્યોને અવશ્યપણે ઉજવવા યોગ્ય શ્રીવિષ્ણુ ભગવાનના વાર્ષિક મહોત્સવોનો વિધિ મેં તમને કહ્યો.૩૯
ઔ આ ઉત્સવોને વિષે તે તે સમયે આભૂષણ નૈવેદ્ય અને વસ્ત્રનો જે અલગ અલગ ભેદ કહ્યો, એ ભેદ પોતાના ધન સંપત્તિના વૈભવ અનુસાર જાણવો.૪૦
જે પુરુષને દેશ, કાળ અને ધનાદિકની અનુકૂળતા ન હોય તે પુરુષને પૂજામાં પોતાની શક્તિ અનુસાર ભૂષણાદિકનું અર્પણ કરવું.૪૧
જો ધન સંપત્તિનો યોગ હોય તો પૂજા કરનારે ભગવાનની પ્રસન્નતાને માટે આ કહેલા તેમના ઉત્સવોમાં ધન વાપરવાની ક્યારેય પણ કંજૂસાઇ ન કરવી.૪૨
તેમજ ભગવાનના ઉત્સવો ઉજવવામાં ક્યારેય પણ કરજ ન કરવું, કારણ કે શક્તિ પ્રમાણે ભક્તિભાવની સાથે અર્પણ કરેલા એક પત્રથી પણ ભગવાન રાજી થઇ જાય છે.૪૩
હે પુત્રો ! જે ભક્તની પાસે ભગવાનની અચળ કે ચળ મૂર્તિ હોય તેમણે પૂર્વે કહેલા ધર્મોનું આચરણ કરી, તે મૂર્તિનું પોતાની શક્તિ અનુસાર પૂજન કરવું.૪૪
આ ઉત્સવમાં જે જે વિષ્ણુ ભગવાનના ઉત્સવોને વિષે પૂજા કરવાનું કહ્યુ,ં તે તેમની પૂજાના મંત્રો પણ પોતે પોતાના અધિકારને અનુસારે જાણવા.૪૫
તેમાં બ્રાહ્મણાદિ ત્રણ વર્ણના ભક્તજનોએ રમાપતિ ભગવાનની પૂજા વેદોક્ત કે પુરાણોક્ત મંત્રોથી કરવી. અને શૂદ્ર તથા સ્ત્રીઓએ નામમંત્રથી પૂજા કરવી.૪૬
આ સર્વે ઉત્સવોમાં અહિંસા, બ્રહ્મચર્ય આદિક વ્રતના અંગભૂત જે જે નિયમો કહેલાં છે તે સર્વે નિયમો દરેક વ્રત અને ઉત્સવને વિષે પ્રયત્નપૂર્વક પાળવાં.૪૭
હે પુત્રો ! આ પૃથ્વી પર જે વૈષ્ણવો મેં કહ્યું એ પ્રમાણે વર્તીને વ્રતો તથા ઉત્સવોનું આચરણ કરશે, તે મનુષ્યો રમાપતિ શ્રીકૃષ્ણ ભગવાનને અતિશય પ્રિય થશે. અને તેના પરમપદ ધામને પ્રાપ્ત કરશે. તેમાં કોઇ સંશય નથી.૪૮
સુવ્રતમુનિ કહે છે, હે રાજન્ ! આ પ્રમાણે ભગવાન શ્રીહરિએ કહેલો વાર્ષિક વ્રતો તથા ઉત્સવાના વિધિ યથાર્થપણે શ્રવણ કરી, ભગવાન શ્રીહરિના સમગ્ર અભિપ્રાયને જાણી, બન્ને આચાર્યો અયોધ્યાપ્રસાદજી તથા રઘુવીરજી બહુજ પ્રસન્ન થયા, ને તે પ્રમાણે જ તેનું અનુસરણ કરવા લાગ્યા. તથા તેજ પ્રમાણે પોતાના શિષ્યોને ઉપદેશ કરવા લાગ્યા.૪૯
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં વાર્ષિક વ્રતો તથા ઉત્સવોનું નિરૂપણ કરતાં ભગવાન શ્રીહરિએ જેઠ, અષાઢ અને શ્રાવણ માસના ઉત્સવોનું નિરૂપણ કર્યું, એ નામે એકસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૧--