અધ્યાય - ૬૬- ત્યાગી સાધુનું નિર્માની વર્તમાન.
ત્યાગી સાધુનું નિર્માની વર્તમાન. માનરૃપ દોષને જીતવાના ઉપાયો. નિર્માનીવ્રતના ભંગનું પ્રાયશ્ચિત.
ભગવાનશ્રી નારાયણમુનિ કહે છે, હે મુનિ ! આલોકમાં ક્રોધ નામના મોટા દોષનું મૂળ કારણ ''માન'' છે. ક્રોધ છે તે ક્ષણમાત્રમાં સમગ્ર દાન, વ્રત, તપ, યમ અને નિયમોને બાળી નાખે છે.૧
આ વચન બોલવા યોગ્ય છે અને આ વચન બોલવા યોગ્ય નથી. સત્શાસ્ત્રની આ બાંધેલી મર્યાદાનો ક્રોધ થકી ભંગ કરાય છે. ક્રોધ થકી નિરાપરાધી અને ન મારવા યોગ્ય પ્રાણીને મારી નખાય છે, અને પોતાના આત્માની હત્યા પણ ક્રોધ થકી નિશ્ચય કરાય છે.૨
ક્રોધે કરીને પોતાના સંબંધી, ગુરૂ, તથા સાધુનો પણ નાશ કરાય છે. ન કરવા યોગ્ય ક્રિયા પણ ક્રોધ થકી કરાય છે. મર્મભેદક દુષ્ટ વચનો પરસ્પર ક્રોધ થકી જ બોલાય છે.૩
વળી ક્રોધની સાથેજ રહેનારી ઇર્ષ્યા પણ માન થકી જ થાય છે, જે ઇર્ષ્યાથી અલ્પજ્ઞા મનુષ્યને પણ મોટા ગુણવાળા મહાપુરુષ સાથે બરોબરીયાપણાની બુદ્ધિ થાય છે.૪
આત્માને જાણનારા પુરુષને પણ માન થકી દેહને વિષે અહંબુદ્ધિ થાય છે. તથા માન થકી અતિક્રૂરપણે વર્તાય છે. નિર્દયપણું, દંભ, કપટ અને મત્સર થાય છે.૫
માન થકી અન્યાયને વિષે ન્યાયની બુદ્ધિ તથા ન્યાયને વિષે અન્યાયની બુદ્ધિ થાય છે. સાધુને વિષે અસાધુપણાની બુદ્ધિ તથા અસાધુને વિષે સાધુપણાની બુદ્ધિ પણ માન થકી જ થાય છે.૬
પોતાના દોષો જોવા જાણવા છતાં પણ માનવડે વય, તપ અને વિદ્યાએ કરીને વૃદ્ધ એવા બ્રહ્મવેત્તાઓની અવગણના કરાય છે.૭
કોઇને પૂજવા યોગ્ય નહિ તથા સમર્થ પણ નહિ એવાને પોતાને વિષે માનથકી સંત સાથે વાદ-વિવાદ, બરોબરીયાપણું તથા અક્કડ રહેવાપણું થાય છે.૮
માને કરીને સભાને વિષે મોટા સાધુને ન ગણીને તેમની આગળ બેસાય છે. દેવતાને પણ નમસ્કાર થતા નથી. તથા મોટા સાધુ પુરુષનો પક્ષ રખાતો નથી.૯
માનને કારણે મોટા સંતોનો પોતાની ઉપર રાજીપો થતો નથી. ઇત્યાદિક મોટા મોટા દોષો માનને વિષે રહ્યા છે.૧૦
તે માટે ભગવાનની પ્રસન્નતા ઇચ્છતા ત્યાગી સાધુએ માનનો ત્યાગ કરવો. માનનો ત્યાગ કરવાથી મુક્ત તથા મુમુક્ષુ પુરુષોને પણ પરમ સુખ પ્રાપ્ત થાય છે.૧૧
હરિશ્ચંદ્ર, કૌશિક, યુધિષ્ઠિર આદિક રાજાઓ માને કરીને વિકાર ન પામ્યા, તેથી તે રાજાઓ અતિ દુર્લભ એવી ગતિને પામ્યા છે.૧૨
માનરૂપ દોષને જીતવાના ઉપાયો :- હે મુનિ ! હવે એ માનને જીતવાના ગુણભૂત ઉત્તમ ઉપાયો કહીએ છીએ, જેના વડે ત્યાગી સાધુઓ થોડા કાળમાં માનરૂપ શત્રુને જીતે છે.૧૩
હે મુનિ ! દેહ અને આત્માની ચોખી વિક્તિ બતાવનાર સાંખ્ય વિચારથી પંચભૂત, પંચવિષય, દશ ઇન્દ્રિયો, ચાર અંતઃકરણ અને ત્રણ દેહ આદિક ક્ષેત્રો અને એ સર્વેને જાણનારો તથા એ માયિકભાવથી રહિત એવો જીવાત્મા, એ બેનાં સ્વરૂપનો યથાર્થ નિશ્ચય કરીને ક્ષેત્રજ્ઞાને પોતાનું રૂપ માની વિવેકી ત્યાગી સાધુએ માનનો ત્યાગ કરવો.૧૪
ત્યાગી સાધુ તથા કોઇ ગૃહસ્થ પોતાને વસમું લાગે તેવું કઠણ વચન કહે તથા તિરસ્કાર કરે, તેને ત્યાગી સાધુ સહન કરે, પરંતુ તેનાથી ક્ષોભ પામે નહિ.૧૫
વય, જ્ઞાન, તપ અને યોગે કરીને પોતાના સરખા સાધુનું મનુષ્યો મોટું સન્માન કરે, તેથી ત્યાગી સાધુ ઇર્ષ્યાએ કરીને ક્ષોભ ન પામે પણ રાજી થાય.૧૬
ભોજન કરવા સમયે પંક્તિમાં રૂડી જમ્યાની વસ્તુ કોઇક પોતાનાથી નાનો હોય તેને આપે અને પોતાને ઉતરતી જમ્યાની વસ્તુ આપે તો તેથી ત્યાગી સાધુ માને કરીને ક્રોધ ન પામે.૧૭
ત્યાગી અને ગૃહસ્થ સર્વેને પૂજવા યોગ્ય અધિકારીપણું જો ગુરુ બરોબરીયા સાધુને આપે અને પોતાને તેથી ઉતરતી પદવી આપે, તેથી ત્યાગી સાધુ તપી જાય નહિ, પણ રાજી થાય.૧૮
માન તથા ઇર્ષ્યાનો સર્વ પ્રકારે ત્યાગ કરી જે સાધુને સેવે તેને જ ભગવાનનો ભક્ત ત્યાગી સાધુ કહેવાય, પણ માન ઇર્ષ્યાવાળો હોય તેને ત્યાગી સાધુ કહેવાય નહિ.૧૯
પૂર્વે સાધુજનો મોટી પદવી જે પામ્યા છે તે માનનો ત્યાગ કરીને મોટા પુરુષ સાથે નમ્ર અને સરળપણે વર્તવાથી પામ્યા છે. પરંતુ માન રાખીને કોઇ મોટી પદવી પામ્યા નથી.૨૦
હે મુનિ ! પાપરૂપ એવું માન તો ગૃહસ્થને પણ રાખવા યોગ્ય નથી. કારણ કે તેથી દુર્યોધન, રાવણ અને શિશુપાલ આદિક મોટા મોટા ગૃહસ્થ રાજાઓ પણ પોતાના બંધુઓ સહિત નાશ પામેલા છે.૨૧
આવા વિચારથી ત્યાગી સાધુએ સર્વ પ્રકારે માનનો ત્યાગ કરવો, બ્રહ્મચર્યાદિક ધર્મ પાળવાને વિષે તો માનનો ક્યારેય ત્યાગ ન કરવો. ધર્મ પાળવામાં તો માન રાખવું.૨૨
એ વિના બીજે માન મૂકીને ત્યાગી સાધુ અજ્ઞાની લોકો ધૂળ નાખે, તિરસ્કાર કરે, ઇત્યાદિક ઉપદ્રવ કરે તો પણ વિકાર પામે નહિ અને સર્વ સહન કરે.૨૩
ત્યાગી સાધુને બીજા મનુષ્યો મારે, તિરસ્કાર કરે, તો પણ તે તેમનો તિરસ્કાર ન કરે તથા મારે નહિ. ત્યાગી સાધુએ ગાળ અથવા ભૂંડી વાણી બોલવી નહિ, તથા કોઇ સાથે વ્યર્થ વાદવિવાદ કરવો નહિ.૨૪
ત્યાગી સાધુ ક્યારેય પણ અસત્ય વચન બોલે નહિ, બીજાને દુઃખ થાય એવું સત્યવચન પણ બોલે નહિ. તેમજ દેહ, મન અને વાણીથી કોઇનો દ્રોહ કરે નહિ.૨૫
ત્યાગી સાધુ પોતાને અર્થે ક્યારેય લીલા તૃણને પણ છેદે નહિ. તથા બીજા ત્યાગી કે ગૃહસ્થને તૃણની શળીએ કરીને પણ બીવરાવે નહિ.૨૬
ત્યાગી સાધુ કોઇ પુરુષ અથવા સ્ત્રી ઉપર મિથ્યા અપવાદ આરોપ મુકે નહિ. તથા કોઇક આંધળો, લૂલો, કાણો, અથવા બહેરો હોય તેને તેવે વચને કરીને બોલાવે નહિ.૨૭
હે મુનિ ! પૂર્વે ઋષભદેવજીના પુત્ર ભરતજી બ્રાહ્મણના દેહને વિષે જેવી રીતે નિર્માની આદિક લક્ષણો યુક્ત પરમહંસ થઇ વર્તતા હતા. તેવી જ રીતે ત્યાગને શોભાવનાર સાધુએ વર્તવું.૨૮
ત્યાગી સાધુએ પૃથ્વીની પેઠે નિત્યે ક્ષમા કરવાના સ્વભાવવાળા થવું. દેવતા, ગુરૂ અને સત્શાસ્ત્રના નિંદક ન થાવું.૨૯
કેટલાક ત્યાગી સાધુઓ આત્મનિષ્ઠાના અભિમાને કરીને સ્નાન, ધ્યાન, પૂજાદિક ધર્મક્રિયાનો પણ ત્યાગ કરી દે છે. તેવી રીતે અમારા આશ્રિત ત્યાગી સાધુઓ કોઇ પણ ધર્મક્રિયાનો ત્યાગ ન કરે.૩૦
અમારા ત્યાગીઓએ નિત્ય બ્રાહ્મમુહૂર્તમાં જાગીને નિત્યવિધિ, જે ભગવાનનું નામ કીર્તન ધ્યાન તથા સ્નાન પૂજાદિક ક્રિયા તે કરવી. હે મુનિ ! તે નિત્યવિધિ તમારા પૂછવાથી અમે પૂર્વે સંક્ષેપમાં તમને કહ્યો છે.૩૧
ત્યાગી સાધુએ રોગાદિક આપત્કાળ પડયા વિના દિવસે સૂવું નહિ. સૂર્ય આથમ્યા સમયે તથા સૂર્ય ઉગ્યા સમયે પણ સૂવું નહિ.૩૨
સાધુએ ભગવાનની લીલા તથા ગુણની ક્થાનું શ્રવણ, ધ્યાન, નમસ્કાર અને પૂજન એ આદિક નવપ્રકારની ભક્તિ કર્યા વિના વ્યર્થકાળ ક્યારેય જવા દેવો નહિ. નિરંતર ભક્તિએ કરીને જ કાળ નિર્ગમવો.૩૩
ત્યાગી સાધુએ ભગવાનનાં વ્રત તથા ઉત્સવો પોતાની શક્તિ પ્રમાણે કરવા. સત્શાસ્ત્રનો અભ્યાસ આદર થકી નિત્યે કરવો.૩૪
આ કહેલા નિયમોમાંથી જે કોઇ નિયમનો ભંગ થાય, તેનું પ્રાયશ્ચિત ત્યાગી સાધુએ સાવધાનપણે કરવું.૩૫
નિર્માનીવ્રતના ભંગનું પ્રાયશ્ચિત :- ત્યાગી સાધુથી પોતાના હાથ પગ આદિક અંગે કરીને અથવા લાકડી, સોટી, પાણો ઇત્યાદિકે કરીને કોઇ મનુષ્યને એકવાર મરાઇ જવાય તો સામાન્યપણે એક ઉપવાસ કરવો.૩૬
જેને માર્યો તેને સોજો ચઢે અથવા તેના અંગમાંથી લોહી નિસરે તો મારનારો ત્યાગી સાધુ લાગટ ચાર ઉપવાસ કરે.૩૭
જેને માર્યો હોય તેના હાથ પગ આદિક કોઇ અંગનો ભંગ થાય તો તેને મારનારો ત્યાગી સાધુ લાગટ બાર દિવસ ઉપવાસ વાળું ઉત્તમ પારાક નામે વ્રત કરે.૩૮
અને જેટલી ગાળો દે તેટલા દિવસ ઉપવાસ કરે, ત્યારે ત્યાગી સાધુ શુદ્ધ થાય. ક્રોધથી આખુ શરીર વ્યાપ્ત કરીને કોઇકને અતિ વસમુ લાગે એવું કઠણ વચન બોલે તો એક ઉપવાસ કરે.૩૯
હે મુનિ ! જીવ હિંસાના પ્રાયશ્ચિતનો ભેદ તો વિસ્તારથી ધર્મશાસ્ત્ર થકી જાણી લેવો. અહીં તો હિંસાના પ્રાયશ્ચિતની દિશા માત્ર સૂચવીએ છીએ.૪૦
હે મુનિ ! માંકડ, માખી, જૂ, પતંગિયું, તથા એ જેટલા બીજા જીવને ક્યારેય ત્યાગી સાધુ જાણી જોઇને મારે તો એક એક પ્રત્યે અષ્ટાક્ષરમંત્રની એક માળા કરે. તેનાથી પણ ઝીણા બીજા જીવ મરાઇ જાય તો ભગવાનનું નામ ઉચ્ચારણ કરીને પાપનું નિવારણ કરે.૪૧-૪૨
ચકલું, ઉંદર, ભમરો, એ આદિક મોટા જીવ ને જો અજાણમાં મરાઇ જાય તો એક ઉપવાસ કરવો.૪૩
એવી રીતે જીવોના નાના-મોટાપણાનો નિશ્ચય કરીને ત્યાગી સાધુ નાના જીવને માટે થોડા અને મોટા જીવને માટે ઘણા પ્રાયશ્ચિતના ઉપવાસ યથાયોગ્ય કરે.૪૪
રોગાદિક આપત્કાળ પડયા વિના ગાફલાઇથી જો સૂર્ય ઉગ્યા સમયે સૂવે, દિવસે સૂવે, તથા સૂર્ય આથમ્યા સમયે સૂવે તો ત્યાગી સાધુએ એક એક ઉપવાસ કરવો.૪૫
હે મુનિ ! આ સર્વે ત્યાગી સાધુઓમાં જે આત્મનિવેદી હોય, તેના ધર્મમાં જે વિશેષપણું છે તે તમને અમે કહીએ છીએ.૪૬
હે મુનિ ! કાળા, ગોરા રૂપની અને યૌવનાદિક અવસ્થાની વિક્તિએ સહિત અજાણમાં સ્ત્રીનું મુખ દેખાઇ જાય તો આત્મનિવેદી સાધુ એક ઉપવાસ કરે.૪૭
મુસાફરીમાં માર્ગે ચાલતાં, દિશા ફરવા જતાં, સ્નાન કરવા જતાં તથા અન્ન માગવાના સમયે જો અજાણમાં સ્ત્રીનું મુખ દેખાઇ જાય તો આત્મનિવેદી સાધુએ ઉપવાસ ન કરવો.૪૮
ભગવાનને નૈવેદ્ય કર્યા વિનાનું ફળ, પત્ર અને જળ આત્મનિવેદી સાધુએ ન ખાવું તથા ન પીવું, ભગવાનને નૈવેદ્ય કરીને જ વાપરવું. આત્મનિવેદી સાધુનો આ અધિક ધર્મ અમે માન્યો છે.૪૯
બાળક, વૃદ્ધ, રોગથી દુઃખી, પ્રવાસી, તથા ભગવાનના મંદિરનું કામકાજ કરનારા ત્યાગી સાધુને એક વખત જમવાનો તથા દિવસે ન સૂવાનો નિયમ નથી.૫૦
હે મુનિ ! આવી રીતે માન જીતવાના ઉપાયો યથાર્થપણે અમે તમને કહ્યા. નિર્માની સાધુના સમાગમની સાથે તથા ભગવાનની ભક્તિએ સહિત આ ઉપાયો કરવાથી ફળ આપનારા અને માનને જીતાડનારા થાય છે.૫૧
હે મુનિ ! આવી રીતે લોભ, કામ, સ્વાદ, સ્નેહ અને માન એ પાંચ શત્રુના દોષો તથા તેમનો નાશ કરવાના સર્વે ઉપાયો મેં તમને કહ્યા. તે ઉપાયો મોટા મોટા સાધુ પુરુષોને સંમત છે.૫૨
હે મુનિ ! જે નિયમભંગનું પ્રાયશ્ચિત અહીં ન કહ્યું હોય, તે ભગવાનના ભક્ત મોટા સાધુને પૂછીને યથાયોગ્ય કરવું.૫૩
પ્રાયશ્ચિતના ઉપવાસને વિષે એક જળ વિના બીજું કાંઇ પણ ખાવું પીવું નહિ. અને શક્તિવાળો તો વારંવાર જળ પણ ન પીવે તો બીજું ક્યાંથી ખાય ? ન જ ખાય.૫૪
એકાદશી આદિક વ્રતના ઉપવાસને વિષે જો પ્રાયશ્ચિતનો ઉપવાસ આવી પડે તો વ્રતના ઉપવાસથી ત્રીજે દિવસે ઉપવાસ નોખો કરવો.૫૫
એવી રીતે પ્રાયશ્ચિતના બે ત્રણ લાગટ ઉપવાસમાં એકાદશી આદિક વ્રતનો ઉપવાસ આવે તો તે પ્રાયશ્ચિતના ઉપવાસ ભેળો ન ગણવો. પ્રાયશ્ચિતના ત્રણ ઉપવાસની વચ્ચે વ્રતનો ઉપવાસ આવે તો ચાર ઉપવાસ કરવા.૫૬
પ્રાયશ્ચિતના ઉપવાસમાં વળી બીજો પ્રાયશ્ચિતનો ઉપવાસ આવી પડે, તો તેને ભેળો જ કરે, નોખો ન કરે.૫૭
જમ્યા પછી જો સ્ત્રી સામું જોવાઇ જાય અથવા સ્ત્રી સાથે બોલાઇ જવાય ઇત્યાદિક ઉપવાસ આવી પડે એવી ક્રિયા થાય તો ભગવાનના નામમંત્રનો જપ કરે પણ બીજે દિવસ ઉપવાસ ન કરે. જો સ્ત્રીને અડી જવાય તો પણ સ્નાન કરે પણ બીજે દિવસે ઉપવાસ ન કરે.૫૮
પ્રાયશ્ચિતે કરીને શુદ્ધ થયેલા ત્યાગી સાધુને કોઇ પાપે યુક્ત કહે તો તે કહેનારો ત્યાગી સાધુ એક દિવસ ઉપવાસ કરે.૫૯
ભગવાનના ભક્ત ત્યાગી સાધુએ પોતાના દેહની સ્મૃતિ હોય ત્યાં સુધી આ કહ્યા જે સર્વે નિયમ તેને સાવધાન થઇને પાળવા, પણ એ નિયમનો ત્યાગ કરવો નહિ.૬૦
જે ત્યાગી સાધુઓ આ કહેલા નિયમવડે એ લોભાદિક પાંચ શત્રુઓને જીતીને વશ નથી કરતા, તે તો મરીને નિશ્ચય નરકમાં જ પડે છે.૬૧
તે નરકને વિષે પીડાએ કરીને બૂમોને પાળતા અતિશય યમયાતનાનાં દુઃખો ભોગવીને આ પૃથ્વીને વિષે શ્વાન, ગધેડા, વાંદરા આદિકના ભૂંડા અવતાર પામે છે.૬૨
જે ત્યાગી સાધુ જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત આ ધર્મનો આશ્રય કરી શ્રીવાસુદેવ ભગવાનને ભજે છે, તે નિશ્ચે ભગવાનના એકાંતિક ભક્ત કહેવાય છે.૬૩
વળી તેઓ પરમહંસ, જીવનમુક્ત, સાત્ત્વત, મહાભાગવત, સંત, સાધુ, તથા બ્રહ્મવેત્તા કહેવાય છે.૬૪
એવા ત્યાગી સાધુનું મરણ થાય ત્યારે તેમના દેહને ચંદન પુષ્પાદિકે કરીને પૂજવો ને પર્વતની ગુફામાં અથવા મોટા અરણ્યને વિષે મૂકી આવવો.૬૫
અથવા મોટી નદીના પ્રવાહમાં કે સમુદ્રમાં તે દેહને વહેતો મૂકી દેવો. અથવા અગ્નિમાં બાળવો. એવી રીતે દેશ કાળને અનુસારે દેહ સંસ્કાર કરવો. એવા સાધુનો દેહ પડે ત્યારે પ્રાકૃત સંસારી જીવની પેઠે રુદન કરવું નહિ.૬૬
હે મુનિ ! ત્યાગી સાધુઓએ ધર્મ, જ્ઞાન અને વૈરાગ્યે યુક્ત એવી અનન્ય ભક્તિ શ્રીનારાયણ ભગવાનને વિષે નિત્યે આદર થકી કરવી, એવો અમારો સિદ્ધાંત છે.૬૭
હે મુનિશ્રેષ્ઠ ગોપાળાનંદમુનિ ! ભગવાનની ભક્તિવાળા ત્યાગી સાધુઓનું હિત કરનારા એવા ધર્મો મેં તમને કહ્યા, હવે ઉદ્ધવાવતાર એવા અમારા ગુરૂ શ્રીરામાનંદ સ્વામી થકી સાંભળેલાં જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિનાં નોખાં નોખાં લક્ષણો અમે તમને કહીએ છીએ, તે તમે સાંભળો.૬૮
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં ત્યાગી સાધુના ધર્મને વિષે માનના દોષો તથા તેમને જીતવાના ઉપાયોનું નિરૂપણ કર્યું એ નામે છાસઠમો અધ્યાય પૂર્ણ થયો. --૬૬--