અધ્યાય - ૬૯- ત્રણ પ્રકારના અહંકારમાંથી ઉત્પન્ન થયેલા ચોવીસ તત્ત્વોનાં શ્રીહરિએ કહેલાં લક્ષણો.
ત્રણ પ્રકારના અહંકારમાંથી ઉત્પન્ન થયેલા ચોવીસ તત્ત્વોનાં શ્રીહરિએ કહેલાં લક્ષણો.
સાત્વિક અહંકારથકી ઊત્પત્તિ :- ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે મુનિવર્ય ! વિકાર પામેલા સાત્વિક અહંકાર થકી ચંદ્ર દેવતાએ સહિત મન ઉત્પન્ન થયું, તેમના સંકલ્પ વિકલ્પ થકી કામની ઉત્પત્તિ થાય છે.૧
વ્યાકુળતાની પરિસ્થિતિમાં પણ ધીરજ રાખવી, ઉહાપોહમાં કુશળતા દાખવી, વ્યક્તિજ્ઞાનમાં કારણપણું, ભ્રાંતિ, કલ્પના, ક્ષમા, સત્ અસત્ને પ્રકાશ કરવાપણું, શીઘ્રતા- અસ્થિરપણું, આ બધા મનના લક્ષણો છે.૨
સર્વે કાર્યોની ઉત્પત્તિમાં માયા, કાળ, કર્મ, સ્વભાવ અને પ્રધાનમાયાના પતિ એવા પુરુષની દૃષ્ટિ તથા સ્વયં શ્રીવાસુદેવની ઇચ્છા એ આદિ મુખ્ય કારણો છે.૩
હે નિત્યાનંદ મુનિ ! વળી તે વિકાર પામેલા સાત્વિક અહંકાર થકી દશે ઇન્દ્રિયોના દેવતા એવા વાયુ, સૂર્ય, વરુણ, અશ્વિનીકુમાર, અગ્નિ, ઇન્દ્ર, વિષ્ણુ, મિત્રદેવ, અને પ્રજાપતિ એ ઉત્પન્ન થયા.૪
એ દશે દિશાઓના અભિમાની અલગ અલગ દેવતાઓ નેત્રાદિ ઇન્દ્રિયોના રૂપાદિ વિષયોના સારા-નરસાનો વિભાગ કરવા પૂર્વક દરેક ઇન્દ્રિયોને પ્રકાશિત કરે છે.૫
રાજસ અહંકારથકી ઊત્પત્તિ :- હવે રાજસ અહંકાર થકી ઉત્પત્તિ કહે છે. કાળ માયાદિકથી વિકાર પામેલા રાજસ અહંકાર થકી દશ ઇન્દ્રિયો, બુદ્ધિ તથા બુદ્ધિના દેવતા બ્રહ્મા અને પંચપ્રાણ ઉત્પન્ન થયાં.૬
દશ ઇન્દ્રિયોમાં શ્રોત્ર, ત્વક્, નેત્ર, રસના અને નાસિકા, આ પાંચ જ્ઞાનેન્દ્રિયો છે. વાક્, પાણી, પાદ, પાયુ અને ઉપસ્થ આ પાંચ કર્મેન્દ્રિયો છે.૭
સાંભળવું વગેરે કાર્યની સિદ્ધિમાં અલગ અલગ સાધન રૂપે રહેવું તે શ્રોત્રાદિ ઇન્દ્રિયોનું લક્ષણ છે.૮
હવે બુદ્ધિનું લક્ષણ કહીએ છીએ. વિષય ગ્રહણ કરવામાં ઇન્દ્રિયો ઉપર ઉપકાર કરવાપણું, નિદ્રા, સંશય, નિશ્ચય, સ્મૃતિ, મિથ્યાજ્ઞાન, ધ્યાનપૂર્વક ચિંતન કરી સ્મૃતિમાંલાવવું, ધારણા કરવી, આ સર્વે બુદ્ધિના ગુણોરૂપ લક્ષણો કહેલાં છે.૯
કપિલમતના કેટલાક અનુયાયીઓ રાજસ, અહંકારના કાર્યને અલગ કહેતા નથી. સાત્ત્વિક અને તામસ અહંકાર થકી ઉત્પન્ન થતું કાર્ય તે રાજસ અહંકારનું જ કાર્ય છે, એમ જાણે છે, કારણ કે રજોગુણની પ્રેરણા વિના સત્ત્વ અને તમ સ્વતંત્ર કાર્ય કરી શકે જ નહિ, આવો તેમનો અભિપ્રાય છે.૧૦
તામસ અહંકારથકી ઊત્પત્તિ :- વળી હે મુનિ ! પૂર્વોક્ત કાળ, માયાદિકના કારણે વિકારી દશાને પામેલા તામસ અહંકાર થકી શબ્દ ઉત્પન્ન થાય છે. તે શબ્દ તન્માત્રાથકી શબ્દ જેનો ગુણ છે એવો આકાશ ઉત્પન્ન થાય છે.૧૧
વળી પૂર્વોક્ત કાળમાયાદિકના કારણે વિકાર દશાને પામેલા આકાશ થકી સ્પર્શ ઉત્પન્ન થાય છે, તે સ્પર્શ તન્માત્રા થકી આકાશના અન્વય યુક્ત શબ્દગુણવાળો વાયુ ઉત્પન્ન થાય છે, પોતાનો સ્પર્શ ગુણ અને કારણરૂપ આકાશનો શબ્દગુણ આ બે ગુણ વાયુમાં હોવાથી તે બે ગુણવાળો કહેલો છે.૧૨
ત્યારપછી વિકાર પામેલા વાયુ થકી રૂપ ઉત્પન્ન થાય છે. તે રૂપતન્માત્રાથકી રૂપગુણાત્મક તેજ ઉત્પન્ન થાય છે, પોતાનો રૂપગુણ અને પોતાના પૂર્વકારણના શબ્દ અને સ્પર્શ ગુણને કારણે તે તેજ ત્રણ ગુણવાળું થયું.૧૩
હે મુનિ ! ત્યારપછી વિકારદશાને પામેલા તેજમાંથી રસ ઉત્પન્ન થાય છે, તે રસ તન્માત્રાથકી રસગુણાત્મક જળ ઉત્પન્ન થાય છે. તે જળમાં પોતાના રસગુણની સાથે પૂર્વોક્ત શબ્દ, સ્પર્શ અને રૂપ આ ત્રણ ગુણ સાથે હોવાથી જળ ચારગુણ યુક્ત થયું.૧૪
ત્યાર પછી વિકાર દશાને પામેલા જળથકી ગંધ ઉત્પન્ન થાય છે. તે ગંધતન્માત્રા થકી ગંધગુણાત્મક પૃથ્વી ઉત્પન્ન થાય છે. તે પૃથ્વીમાં પોતાના ગંધની સાથે પૂર્વકારણના શબ્દ, સ્પર્શ, રૂપ અને રસ આ ચાર ગુણ ભળવાથી પૃથ્વી પાંચગુણ યુક્ત થઇને વર્તે છે.૧૫
અહીં શબ્દાદિ પાંચ ગુણોને પંચ તન્માત્રા કહેવાય છે, જ્યારે આકાશાદિક પાંચ ભૂતોને પંચમહાભૂત એવા નામથી કહેવાય છે.૧૬
આકાશ, વાયુ, તેજ, જળ, અને પૃથ્વી આ પંચ મહાભૂતોમાં અનુક્રમે એક, બે, ત્રણ, ચાર અને પાંચ ગુણો રહેલા છે, એમ જે પૂર્વે કહ્યું, તે નિર્ણયમાં કપિલાદિ સર્વે શિષ્ય પુરુષો પણ સંમત છે.૧૭
હે મુનિ ! હવે તમને શબ્દાદિ તન્માત્રાઓનાં લક્ષણ કહીએ છીએ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ આ પંચવિષયોનું લક્ષણ અનુક્રમે શ્રોત્ર, ત્વક્, ચક્ષુ, રસના અને ઘ્રાણ આ પાંચ જ્ઞાનેન્દ્રિયથી ગ્રહણ કરવાપણું જાણવું. અર્થાત્ શ્રોત્ર ઇન્દ્રિયનો ગ્રાહ્યગુણ શબ્દ, ત્વક્નો ગુણ સ્પર્શ, નેત્રનો ગુણ રૂપ, રસનાનો ગુણ રસ છે અને ઘ્રાણ ઇન્દ્રિયનો ગ્રાહ્યગુણ ગંધ છે.૧૮
આકાશાદિ પંચભૂત અને શબ્દાદિ પંચતન્માત્રાના અન્ય ગુણો પણ છે. વ્યાસાદિ મુનિઓએ મહાભારતાદિ ગ્રંથોમાં અનેક પ્રકારની યુક્તિ લાવીને કહેલા છે, તે ગુણો પણ તમને કહીએ છીએ.૧૯
આકાશનાં લક્ષણ :- હે મુનિ ! આકાશના ગુણોને જાણતા મહર્ષિઓએ આકાશનાં લક્ષણો કહેતાં કહ્યું છે કે, પ્રાણ, ઇન્દ્રિયો અને મનનું આધારપણું ,નાડી આદિ છિદ્રોને અવકાશ આપવાપણું , બહાર અને અંદરના વ્યવહારનું ધારણપણું, અન્ય આધારથી રહિતપણું, અવિકારીપણું, અવ્યક્તપણું, અપ્રતિઘાતપણું અને ભૂતત્વપણું આદિક ગુણો આકાશનાં લક્ષણો કહેલાં છે. હવે વાયુના ગુણરૂપ લક્ષણો જણાવીએ છીએ.૨૦-૨૧
વાયુનાં લક્ષણ :- સ્વરની ઉત્પત્તિનું આધારપણું, ગમનાદિ ક્રિયામાં સ્વતંત્રપણું, દ્રવ્ય અને શબ્દને પોતપોતાની ઇન્દ્રિયો પ્રત્યે પમાડવાપણું, વૃક્ષાદિકને કંપાવવાપણું, તૃણાદિકને ભેળા કરવાપણું, સંયોગપણું, મલમૂત્રાદિકના ઉત્સર્જનમાં કારણપણું, શૂરવીરતા અને બળ આપવાપણું, જન્મ-મરણનું કારણપણું, ઇન્દ્રિયોને બળ પોષવાપણું અને ગરમ તથા ઠંડો સ્પર્શ પમાડવાપણું આ વાયુના ગુણરૂપ લક્ષણો છે. હવે તેજના ગુણરૂપ લક્ષણો કહીએ છીએ.
તેજનાં લક્ષણ :- અપરાભવ પામવાપણું, સુવર્ણાદિકને તેજ આપવાપણું, તાપ આપવાપણું, અન્નાદિકને પકાવવાપણું, વસ્તુને પ્રકાશક કરવાપણું, લાલવર્ણપણું અને લાલવર્ણ પમાડવાપણું, શીઘ્ર ગમન કરવાપણું, અતિશય ભયંકરપણું, ઊર્ધ્વગમનપણું, ટાઢને હરવાપણું, ભૂખ અને તૃષાને ઉત્પન્ન કરવાપણું, શોક જન્માવવાપણું અને શોષણ કરવાપણું આ તેજનાં ગુણરૂપ લક્ષણો છે.૨૨-૨૪
જળના લક્ષણ :- હવે જળના ગુણો કહીએ છીએ, સ્વભાવસિદ્ધ ઠંડાપણું, ભીંજવવાપણું, સ્વાભાવિક પ્રવાહરૂપે વહેવાપણું, ભૂમિના વિકારભૂત તલ, મગ, આદિક ધાન્યને પરિપાક કરવાપણું, તાપને દૂર કરવાપણું, તૃપ્તિ કરાવવાપણું, સ્નાનાદિક કરનારને સુંદરતા આપવાપણું, સ્નેહપણું, સ્નિગ્ધપણું, મૃદુકરવાપણું, તૃષાની નિવૃત્તિ પમાડવાપણું, પ્રાણીઓને જીવન આપવાપણું, બહુપણું અને અને પિંડીકરણ કરવાપણું આ જળના ગુણરૂપ લક્ષણો છે.
પૃથ્વીનાં લક્ષણ :- હવે પૃથ્વીના લક્ષણો કહીએ છીએ, સ્થિરપણું, ભારેપણું, કઠિનપણું, એકસાથે પીડારૂપે રહેવાપણું, તૃણાદિકને ઉત્પન્ન કરવાના આધારપણું, જળ આદિકને પોતાનામાં સમાવી દેવાપણું, મનુષ્યાદિ સર્વેના આધારપણું, ધૈર્યપણું, આકાશાદિકનો અવચ્છેદ કરવાપણું, બ્રહ્મ એવા વાસુદેવને પ્રતિમાદિરૂપે સાકાર આપવાપણું અને ગ્રહણ કરવાપણું આ પૃથ્વીના ગુણરૂપ લક્ષણો છે.૨૫-૨૭
શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, અને ગંધનાં લક્ષણો :- હવે શબ્દાદિનાં લક્ષણો કહીએ છીએ. શબ્દ અર્થનો વાચક છે, દૃષ્ટા અને દૃશ્યની જાતિને જણાવે છે. આ શબ્દ અનેક પ્રકારે રહ્યો છે, તે અનેક પ્રકારની મધ્યે પણ ષડ્જ, ઋષભ, ગાંધાર, મધ્યમા, ધૈવત, પંચમ અને નિષાદવાન આ સાત પ્રકારનો મનાયેલો છે. તેમાં પણ વીણા આદિ સર્વે વાજિંત્રોના, હાથી આદિ પ્રાણીઓના, આમતેમ ઘૂમતા વૃક્ષાદિકના અને મેઘાદિકના અલગ અલગ શબ્દો અનંત છે, આ પ્રમાણે જાણવું. હવે સ્પર્શનાં ગુણરૂપ લક્ષણો કહીએ છીએ, સ્પર્શના અનંત ગુણોમાં ઠંડો - ગરમ, સુખરૂપ - દુઃખરૂપ, સ્નિગ્ધ, સ્નેહાળ, વિશદ, ખર, મૃદુ, ચિંકણ, શ્લેક્ષણ અર્થાત્ રૂક્ષ લઘુ અને ગુરૂ આદિ સ્પર્શ કહેલા છે.૨૮-૩૦
હે મુનિ ! હવે રૂપના ગુણો કહીએ છીએ, તેમાં ધોળું, કાળું, લાલ, નીલું, પીળું, કાબરચિતરાપણું, સ્થૂળ, સૂક્ષ્મ, વર્તુળ, લાંબુ, ટૂકું, ભયંકર, કોમળ, સુંદર, ચિકણું અને ચોરસ વિગેરે સોળ પ્રકારના ગુણો કહેલા છે. હવે રસના ગુણો કહીએ છીએ, તે છ પ્રકારના કહેલા છે. મધુર, ખારો, તીખો, કડવો, ખાટો અને કષાયેલો, જોકે મધુર રસ એક જ છે છતાં પદાર્થના યોગે તે છ પ્રકારનો થયેલો છે.૩૧-૩૩
હવે ગંધના ગુણો કહીએ છીએ, ગંધ પણ ઇષ્ટ, અનિષ્ટ, મધુર, નિર્હારી- કસ્તૂરીકાનો સુગંધ, મિશ્રગંધ, કડવો, ઘી આદિનો સ્નિગ્ધ, રુક્ષ, કોદરાના રોટલાદિકનો, વિશદ, શાંત, ઉગ્ર, ખાટો વગેરે અનેક પ્રકારના ગંધ ગણેલા છે, આ પ્રમાણે ઋષિમુનિઓએ અનેક પ્રકારની યુક્તિઓથી પંચતન્માત્રાનાં લક્ષણો કહ્યાં છે.૩૪-૩૫
હે મુનિ ! પંચભૂત, પંચતન્માત્રા, દશ ઇન્દ્રિયો, મન, બુદ્ધિ ચિત્ત ને અહંકાર આ ચોવીસ તત્ત્વોનો સમૂહ પ્રધાન નામની પ્રકૃતિમાંથી ઉદ્ભવેલો છે.૩૬
હે મુનિ ! સ્વ સામર્થીથી બ્રહ્માંડને સર્જવા અસમર્થ આ ચોવીસ તત્ત્વો ભગવાનની સ્તુતિ કરી ભગવાન શ્રીવાસુદેવ પાસેથી ઇચ્છારૂપ સામર્થી મંળવીને પરસ્પર ભેળા મળીને પોતપોતાના અંશમાંથી આ બ્રહ્માંડનું સર્જન કરે છે.૩૭
વિશેષ એવા નામથી ઓળખાતું આ બ્રહ્માંડ બહારથી ઉત્તરોત્તર દશદશ ગણા પ્રધાન પ્રકૃતિના આવરણથી અને જળ આદિકના છ આવરણથી આવૃત્ત છે. અર્થાત્ પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, અહંકાર, મહત્તત્ત્વ અને પ્રકૃતિ આ આઠ આવરણો એક એકથી દશ દશગણા આવરણથી યુક્ત છે.૩૮
બ્રહ્માંડરૂપ વૈરાટપુરૂષની ઊત્પત્તિ :- સુવર્ણના ગોલોક જેવું આ બ્રહ્માંડ અનેક બ્રહ્માંડોના આધારભૂત મહાપુરુષના અંગમાંથી ઉત્પન્ન થયેલા ગર્ભોદક જળને વિષે બહુકાળ પર્યંત શયન કરે છે.૩૯
બહુકાળ વીત્યા પછી ભગવાન શ્રીહરિની ઇચ્છાને આધીન થઇ માયાને વિક્ષેપ કરતી ભગવાનની ઇચ્છા શક્તિરૂપ સામર્થીની સાથે જોડાઇને વિશ્વાત્મા એવા મહાન વૈરાજપુરુષ તે આ બ્રહ્માંડમાં કર ચરણાદિકના અંગ યુક્ત આવિર્ભાવ પામી બેઠા થાય છે.૪૦
બુદ્ધિમાન પુરુષો આ બ્રહ્માંડના ગોળામાં વૈરાજપુરુષના શરીરના અવયવોની કલ્પના કરે છે. તેઓ કહે છે, કેડથી નીચેના અવયવોમાં સાત લોક અને ઉપરના અવયવોમાં સાત લોક વસેલા છે.૪૧
જે પુરુષ પોતાના ચરણાદિ અવયવોથી પાતાળાદિ ચૌદ લોકને ધારીને પણ સ્વયં તે ચોદલોકથી અલગ પણ રહેલા છે. તે તેમની સ્થિતિ અવસ્થા કહેલી છે.૪૨
તે હજાર મસ્તકધારી સ્વરૂપે રહેલો પુરુષ પોતાના નિવાસને માટે ગર્ભોદક જળનું સર્જન કરી પોતાની અંદર લીન ભાવે રહેલા જીવાત્માઓની સાથે શયન કરે છે.૪૩
ગર્ભોદક જળમાં હજારો વર્ષ પર્યંત શયન કરી રહેવાથી સર્વજીવોનું હિત કરનારા એ વૈરાજપુરુષનો વૈરાટદેહ સંપૂર્ણ અંગવાળો થાય છે.૪૪
ત્યારપછી વૈરાજપુરુષના સ્પષ્ટપણે વિકાસ પામેલા ઇન્દ્રિયાદિના ગોલોકમાં સૂર્ય આદિક દેવતાઓ, નેત્ર આદિ ઇન્દ્રિયોની સાથે મળીને સાક્ષાત્ પ્રગટ થાય છે.૪૫
હે મુનિ ! આ વૈરાજપુરુષ પણ આધ્યાત્મિક, અધિદૈવિક અને આધિભૌતિક એમ સામાન્યપણે ત્રણ સ્વરૂપે રહેલો છે. અધ્યાત્મ સંજ્ઞાવાળી ઇન્દ્રિયોને વિષે તેમના અધિષ્ઠાતાપણે રહેલા એ પુરુષને આધ્યાત્મિક કહેલો છે. અધિદૈવ સંજ્ઞા વાળા દેવતાઓને વિષે તેમના અધિષ્ઠાતાપણે રહેલા એ પુરુષને આધિદૈવિક કહેલો છે, અને જ્યારે અધિભૂત નામવાળા ગોલોકપ્રદેશને વિષે તેમના અધિષ્ઠાતાપણે રહેલા એ પુરુષને આધિભૌતિક કહેલો છે. આ ત્રણાંથી એકનો પણ અભાવ વર્તે તો તે પુરુષ કોઇ ક્રિયા કરવા સમર્થ થાય નહિ.૪૬-૪૮
જે સ્વયં વૈરાજપુરુષ ક્ષેત્રજ્ઞા એવા જીવસ્વરૂપે પોતાના હૃદયાકાશમાં વિશેષપણે રહેલો છે અને અધ્યાત્માદિ ત્રણને વિષે સામાન્યપણે રહેલો છે. તે ક્ષેત્રજ્ઞા એવો જે આત્મા તે વિરાટદેહનો આધાર છે. સ્વભાવે અક્ષર છે, અરૂપ છે, અભેદ્ય છે અને પ્રાકૃત ઇન્દ્રિયોથી ગ્રહણ કરી શકાય તેમ નથી.૪૯
તે વિરાટ દેહના અભિમાની સર્વજ્ઞા અને સર્વ નિયંતા જે પુરુષ છે તે મહાપ્રાણની સાથે પૂર્વોક્ત અધ્યાત્માદિ ત્રણે ક્ષેત્રને ધારીને રહેલા છે.૫૦
ચાર યુગની ચોકડી એક હજાર વાર વીતે ત્યારે આ વૈરાજપુરુષનો એક દિવસ થાય છે તેવી ને તેવી હજાર ચોકડીની તેમની એક રાત્રી છે. આવી રીતના રાત્રી દિવસને એક કલ્પ કહે છે.૫૧
વૈરાટપુરૂષ થકી બ્રહ્માદિ સૃષ્ટિનું સર્જન :- હે મુનિ ! આવા વૈરાજપુરુષ થકી મહાપુરુષની પ્રેરણા પામેલા કાળ, કર્મ સ્વભાવ અને માયાથી તથા સ્વયં શ્રીવાસુદેવ ભગવાનની ઇચ્છાથી મહાન સૃષ્ટિનું સર્જન થાય છે.૫૨
પોતપોતાના ઇન્દ્રિયો, વિષયો અને દેવતાઓની સાથે દેવ, મનુષ્ય અને અસુરોની જીવકોટી વૈરાજ પુરુષ થકી ઉત્પન્ન થાય છે. અર્થાત્ કરોડો દેવો, કરોડો મનુષ્યો અને કરોડો અસુરોનું સર્જન થાય છે.૫૩
જગતના સૃષ્ટા અને મરીચ્યાદિ પ્રજાપતિઓના અધિષ્ઠાતા એવા રજોગુણ પ્રધાન બ્રહ્માજી વૈરાજપુરુષના અંગ થકી પ્રતિ કલ્પે પ્રગટ થાય છે.૫૪
તે પ્રજાપતિ બ્રહ્મા પ્રજાનું સર્જન કરવાની ઇચ્છાથી સમાધિનો આશ્રય કરી તે વૈરાજ પુરુષના અંગને વિષે જ રહેલા ચૌદ ભુવનોનું સર્જન કરે છે.૫૫
એ બ્રહ્માજી પોતાના અંગમાંથી જે જે પ્રકારે પ્રજાની ઉત્પત્તિ કરવાને ઇચ્છે, તે પ્રમાણે એનાથકી પ્રજાની ઉત્પત્તિ થતી જાય છે. તેથી જ તેને શ્રુતિમાં જગત્સૃષ્ટા કહેલા છે.૫૬
હે મુનિ ! દેવ, મુનિ, નાગ, અસુર અને મનુષ્યાદિ સર્વે દેહધારીઓના પાતાળ આદિથી લઇ સત્યલોક પર્યંતના લોકો વૈરાજ પુરુષના ચરણાદિ અવયવોરૂપે રહેલી શક્તિથી ધારણ કરાઇને રહેલા છે.૫૭
તે સર્વે લોકના આશ્રયભૂત સ્વયં બ્રહ્માજીનું જન્મસ્થાન કમળ પદ્મકલ્પની આદિમાં વૈરાજપુરુષના નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલું છે.૫૮
હે સાધુવર્ય ! તે કમળના ઉદ્ભવ સમયે તે કમળમાં પ્રગટેલા બ્રહ્માએ સર્જેલી દેવ મનુષ્યાદિક સમગ્ર સૃષ્ટિ તેને ધારી રહેલા ચૌદ લોકની સાથે અતિવિશાળ એવા એજ કમળમાં નિવાસ કરીને રહે છે, તેથી તેને પુરાણોમાં પાદ્મકલ્પ એવા નામે કહે છે.૫૯
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૂપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના ચતુર્થ પ્રકરણમાં જ્ઞાનના નિરૂપણમાં ત્રણપ્રકારના અહંકારથકી થયેલી સૃષ્ટિના લક્ષણોનું નિરૂપણ કર્યું, એ નામે ઓગણાસીત્તેરમો અધ્યાય પૂર્ણ થયો. --૬૯--