અધ્યાય - ૧૦ - ગૃહસ્થોના ધર્મોમાં યજ્ઞાકર્મના વિધિનું નિરૃપણ.
ગૃહસ્થોના ધર્મોમાં યજ્ઞાકર્મના વિધિનું નિરૃપણ. કળિયુગમાં અહિંસામય યજ્ઞોનું વિધાન. અગ્નિમુખ કરતાં ભગવાનના ભક્ત બ્રાહ્મણનું મુખ ઉત્તમ. ધર્મકાર્ય કરવાનાં યોગ્ય સ્થાનો. તીર્થયાત્રાના વિધિનું નિરૃપણ.
ભગવાન શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ !
જે આચાર શ્રુતિ અને સ્મૃતિમાં પ્રતિપાદન કરેલો હોય, વળી સત્પુરુષોએ જેને પોતાના આચરણમાં મૂકેલો હોય, આવા સદાચારનું જ ગૃહસ્થ પુરુષોએ સેવન કરવું, તે સદાચાર વિરૃદ્ધના અનાચારનું ક્યારેય પણ સેવન કરવું નહિ.૧
નિત્ય સ્નાન સંધ્યા પરાયણ, સત્યવાદી, જીતેન્દ્રિય, અસૂયા રહિતનું જીવન, સરળ ચિત્ત, શાંતસ્વભાવ, લોભ અને મોહનો ત્યાગી, ગાયત્રીમંત્ર જપવામાં આસક્ત, ગાય અને બ્રાહ્મણના હિતમાં તત્પર, માતા-પિતાનું હિત કરવામાં તત્પર, દેવ બ્રાહ્મણની પૂજા પરાયણ, ઇન્દ્રિયોનું દમન કરનાર,વિધિ પૂર્વક યજ્ઞો કરનાર, ક્ષમા યુક્ત જીવન જીવનાર, પરના દ્રોહથી રહિત વર્તનાર. આવા ગૃહસ્થાશ્રમી પુરુષે આ લોકમાં યથાયોગ્ય ધર્મ, અર્થ અને કામ, આ ત્રણવર્ગનું સેવન કરવું.૨-૪
હે વિપ્ર !
આવા ગૃહસ્થાશ્રમી પુરુષે ધર્મવિનાના કામ કે અર્થનું મનથી પણ સ્મરણ ન કરવું, ધર્મનું આચરણ કરવા જતાં શરીરમાં કષ્ટ પડે છતાં પોતાનો ધર્મ સર્વપ્રકારે છોડવો નહિ.૫
ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં ધર્મ, અર્થ, અને કામને બહુ કષ્ટથી સાધવા નહિ, પરંતુ અનાયાસે જેટલું બની શકે તેટલું સેવન કરવું. તથા શ્વપચથી લઇ ચાંડાલ પર્યંતના સર્વેને યથાશક્તિ અન્નનું પ્રદાન કરવું્.૬
તેવી જ રીતે હે વિપ્ર ! મૃગલાં, પક્ષીઓ તથા અન્ય નાનાં જીવજંતુઓ પ્રત્યે પોતાના પુત્ર જેવી ભાવના રાખવી, કારણ કે સર્વેના જીવ સામે જોવામાં આવે તો કોઇ જાતનો વિચારભેદ કરવો યોગ્ય નથી. જો પુત્ર કે જંતુમાં અંતરની કલ્પના કરાય તો તે મોહ છે ૭
માતા, પિતા, ભાઇ, પુત્રો, મિત્રો અને જ્ઞાતિજનો જે કહે ને જે ઇચ્છે તેને મમત્વ રહિત થઇ અનુમોદન આપવું, તમે જે કહ્યું તે મને મંજૂર છે, એ પ્રમાણે જ હું કરીશ. એમ તેઓને અનુમોદન આપી સ્વયં પોતે સર્વેમાં નિર્મોહી રહેવું.૮
ગૃહસ્થાશ્રમીને યોગ્ય ક્રિયા કરતાં કરતાં ભગવાનના એકાંતિક સંત મહામુનિઓનું સેવન કરવું, તેનાથી જ ગૃહસ્થને ઘરમાં સ્ત્રી ધનાદિક પદાર્થમાં અનાસક્તિ ઉત્ત્પન્ન થાય છે.૯
અવિકાર સંપન્ન અને ધનધાન્યાદિક સંપત્તિએ સંપન્ન તે ગૃહસ્થાશ્રમી પુરુષોએ વિધિ પૂર્વક અનેક પ્રકારનાં યજ્ઞોથી ભગવાન શ્રીહરિનું પૂજન કરવું.૧૦
કળિયુગમાં અહિંસામય યજ્ઞોનું વિધાન :- હે વિપ્ર ! આ કળિયુગમાં અશ્વમેધાદિ યજ્ઞોનો નિષેધ હોવાથી વિષ્ણુયાગ કે મહારૃદ્રાદિ અહિંસામય યજ્ઞો કરવા.૧૧
કારણ કે પશુ હિંસા રહિતના યજ્ઞો સાત્વિક દેવો તથા તે દેવોના અધિપતિ ભગવાન શ્રીહરિને બહુ જ પ્રિય છે, તેથી પોતાનો અભ્યુદય ઇચ્છતા ગૃહસ્થ પુરુષે તેવા અહિંસામય યજ્ઞોથી જ યજન કરવું.૧૨
આ લોકમાં અહિંસા જેવો પાવનકારી બીજો કોઇ ધર્મ નથી, તેમજ આ પૃથ્વી પર પ્રાણીની હિંસા જેવું બીજું કોઇ પાપ નથી.૧૩
તેથી દૂધપાક, ઘી, આદિ હવિષ્યાન્નવડે દેવતાઓને રાજી કરવા, તેમજ દક્ષિણાએ સહિત અનેક પ્રકારનાં ભોજન જમાડી બ્રાહ્મણોને તૃપ્ત કરવા.૧૪
હે વિપ્ર !
પ્રથમ જ્યોતિષશાસ્ત્રમાં કહેલા અગ્નિચક્રની અનુકૂળતા જોઇને હોમ કરવાનો પ્રારંભ કરવો, નહિ તો યજ્ઞામાં હોમેલી આહુતિ શનિ આદિ ક્રૂર ગ્રહોના મુખમાં પડવાથી યજમાનનું મહા અનિષ્ટ થાય છે.૧૫
યજ્ઞામાં વરણી પામેલા બ્રાહ્મણોએ યજમાન અને તેમનાં પત્નીએ પણ બ્રહ્મચર્યાદિ નિયમોનું પ્રયત્ન પૂર્વક પાલન કરવું.૧૬
આ સર્વેની મધ્યે જે કોઇ પણ એક બ્રહ્મચર્યાદિ નિયમમાંથી ભ્રષ્ટ થાય તો તેણે યથાયોગ્ય પ્રાયશ્ચિત કરવું, જો ન કરે તો યજ્ઞા નિષ્ફળ જાય છે.૧૭
જે યજ્ઞામાં યોગ્ય દક્ષિણા આપવામાં ન આવે, જે યજ્ઞામાં સંપ્રદાયને અનુરૃપ ભણેલા વૈદિક બ્રાહ્મણો ન હોય, જેમાં બ્રાહ્મણોને યથાયોગ્ય અનેક પ્રકારનાં ભોજનો જમાડી તૃપ્ત કરવામાં ન આવ્યા હોય, તો તે યજ્ઞા પણ નિષ્ફળ જાય છે.૧૮
અગ્નિમુખ કરતાં ભગવાનના ભક્ત બ્રાહ્મણનું મુખ ઉત્તમ. :-
હે વિપ્ર !
યજ્ઞા કરાવનાર યજમાને સ્વધર્મનિષ્ઠ ભગવાનના ભક્ત બ્રાહ્મણના મુખમાં હોમ કરેલા પુષ્કળ ઘી મિશ્રિત લાડુ આદિકનાં ભોજનથી ભગવાન શ્રીહરિ જેટલા પ્રસન્ન થાય છે, તેટલા યજ્ઞાના અગ્નિકુંડમાં હોમ કરેલા ભારે હોમ દ્રવ્યોથી પ્રસન્ન થતા નથી.૧૯
બહુ ઘી, સાકર મિશ્રિત ભોજનથી વિપ્રોને સંતર્પણ કરવું, તે જ સર્વે યજ્ઞામાં ઉત્તમ યજ્ઞા મનાયેલો છે.૨૦
સ્વધર્મનિષ્ઠ ને ભગવદ્ભક્ત બ્રાહ્મણ જો પ્રસન્ન થાય તો શ્રીહરિ અત્યંત પ્રસન્ન થાય છે. તેથી ત્રિલોકી આપોઆપ તૃપ્ત થાય છે, તેમાં કોઇ સંશય નથી.૨૧
બ્રાહ્મણો જેવા ભગવાનને વહાલા છે તેવું પોતાનું શરીર પણ વહાલું નથી, અને બીજા બ્રહ્માદિ દેવતાઓ તેમજ લક્ષ્મીજી પણ વહાલાં નથી.૨૨
જેણે બ્રાહ્મણોનું પૂજન કર્યું છે તેણે ભગવાનનું આપોઆપ પૂજન કરેલું છે.અને જેણે બ્રાહ્મણોનું અપમાન કર્યું છે તેણે ભગવાન શ્રીહરિનું અપમાન કરેલું છે.૨૩
પૃથ્વી પર ભણેલા કે અભણ બ્રાહ્મણો મનુષ્યોને માટે પૂજવા અને ભોજન કરાવવા યોગ્ય છે, ક્યારેય પણ તેમનું અપમાન કરવું નહિ.૨૪
તેથી ગૃહસ્થ પુરૃષે મત્સર રહિત થઇ સદાય બ્રાહ્મણોને માનવા તેમજ દેશકાળાદિકના વિશેષમાં અધિક ધર્મકાર્ય કરવાં.૨૫
ધર્મકાર્ય કરવાનાં યોગ્ય સ્થાનો :- હે વિપ્ર ! જે દેશમાં સત્પાત્ર વ્યક્તિ મળે તે દેશ અત્યંત પવિત્ર દેશ કહેલો છે. સત્પાત્રનાં લક્ષણ એ છે કે જે સ્વાધ્યાય પરાયણ હોય, નિયમવાળો હોય, તપસ્વી અને ધ્યાની હોય, શાંત, દાંત અને સત્યવાદી વિપ્ર હોય, તે સત્પાત્ર કહેલો છે. વળી જે દેશમાં વિષ્ણુ ભગવાનનો પ્રાદુર્ભાવ થયેલા હોય, તથા જે દેશમાં ભગવાનના એકાંતિક સંતોનું વિચરણ થતું હોય તે દેશ પણ પવિત્રોત્તમ મનાયેલા છે.૨૬
જે દેશમાં તપ અને વિદ્યાદિ ગુણોથી ઉત્તમ બ્રાહ્મણો રહેતા હોય, જે દેશમાં ભગવાનની પ્રતિમાઓની પૂજા થતી હોય, પુરાણ પ્રસિદ્ધ ગંગા આદિક પવિત્ર નદીઓ વહેતી હોય, જે દેશમાં પુષ્કર આદિ સરોવરો હોય, તેમજ મહાપુરુષો રહેતા હોય તેવાં ક્ષેત્રો હોય, ઋષિઓનાં તપઃસ્થાનો હોય, અને મહેન્દ્રાદિ સાત પર્વતો હોય, આ બધા દેશો પવિત્ર કહેલા છે.૨૭-૨૯
આવા પવિત્ર પ્રદેશમાં રહીને કરેલું પુણ્યકર્મ બીજાં સ્થળ કરતાં હજારગણું પુણ્ય આપનારું થાય છે. માટે પવિત્ર તીર્થોમાં વિશેષ પુણ્યકર્મ કરવાં.૩૦
હે વિપ્ર !
ભગવાનના પ્રાદુર્ભાવના, વિચરણના અને નિવાસના કારણે તેમજ તેમના સંતોના નિવાસ માટે સ્વીકારાયેલાં સ્થાનને કારણે તે પાંચ તીર્થોની બહુ પવિત્રતા કહી છે.૩૧
તીર્થયાત્રાના વિધિનું નિરૃપણ :-
હે વિપ્ર !
તીર્થયાત્રા કરવા ઇચ્છતા ગૃહસ્થે પ્રથમ પોતાને ઘેર ઉપવાસ કરી ગણપતિ, પિતૃઓ, બ્રાહ્મણો અને જીતેન્દ્રિય સાધુઓનું પૂજન કરી તેમને તૃપ્ત કરી પછી પારણાં કરીને નિયમમાં તત્પર થઇ તીર્થયાત્રા કરવા જવું, તીર્થમાં બ્રહ્મભોજન કરાવતી વખતે બ્રાહ્મણની પરીક્ષા ન કરવી, સર્વ અન્નાર્થીઓને ભોજન કરાવવું.૩૨-૩૩
તીર્થમાં પહોંચ્યા પછી પહેલે દિવસે મુંડન અને ઉપવાસ કરવો. તીર્થને પામી શ્રાદ્ધ અને બ્રાહ્મણોનું તર્પણ કરવું, (વિશેષ મુંડનનો વિધિ બીજા પ્રકરણના ચાલીસમા અધ્યાય થકી જાણી લેવો.)૩૪
જેના હાથ અને મન નિયમમાં હોય, તથા વિદ્યા, તપ અને કીર્તિ સંયમિત હોય, તેને જ તીર્થનું ફળ પ્રાપ્ત થાય છે. તેમાં દુષ્પ્રતિગ્રહ અને પરને પીડા આપવાથી નિવૃત્તિ, તે હાથને નિયમમાં રાખ્યા કહેવાય. જોઇને પગ મૂકવો તે પગને નિયમમાં રાખ્યા કહેવાય. બીજાના અનિષ્ટનો સંકલ્પ ન કરવો તે મન નિયમમાં કહેવાય. મેલીવિદ્યા રહિતની વિદ્યાનો સ્વીકાર તે વિદ્યાને નિયમમાં રાખી કહેવાય. દંભ રહિતનું વર્તન એ તપ નિયમમાં રાખ્યું કહેવાય, અને પાપયુક્ત બદનામીનું રહિતપણું એ કીર્તિને નિયમમાં રાખી કહેવાય.૩૫
હે વિપ્ર !
તેવી જ રીતે કોઇના ઉપર ક્રોધ ન કરે, સ્વધર્મમાં નિશ્ચળ બુદ્ધિરાખે, સત્યવાદી અને જીતેન્દ્રિય રહે, જીવપ્રાણીમાત્ર ઉપર સુખ દુઃખની બાબતમાં પોતાના જેવું અનુસંધાન રાખે, તેને જ તીર્થયાત્રાનું ફળ મળે છે.૩૬
તીર્થયાત્રા કરે છે તે મનુષ્ય ક્યારેય પણ પશુ આદિક તિર્યગ્યોનિમાં કે ખરાબ પ્રદેશમાં જન્મ પામી દુઃખી થતો નથી. પરંતુ સ્વર્ગલોકમાં ગતિ કરે છે. તેમજ તે તીર્થ કરનારો પોતાના મોક્ષના ઉપાયને પણ પામે છે.૩૭
અશ્રદ્ધાળુ અને પાપયુક્ત મનવાળો, નાસ્તિક, સંશયયુક્ત મનવાળો, અને હેતુવાદી આ પાંચ જણ તીર્થના ફળને પ્રાપ્ત કરી શકતા નથી.૩૮
જે પુરુષ બ્રહ્મચર્ય વ્રતે રહિત તીર્થ યાત્રા કરે છે, અથવા એકાદશી આદિક વ્રતો પણ બ્રહ્મચર્યે રહિત કરે છે, તેને તીર્થનું કે વ્રતનું કાંઇ પણ ફળ પ્રાપ્ત થતું નથી. પરંતુ તેને પાપ લાગે છે.૩૯
કારણ કે બીજી જ્ગ્યાએ કરેલાં પાપ પુણ્યતીર્થમાં નાશ પામે છે, પરંતુ પુણ્યતીર્થમાં કરેલાં પાપ વજ્રલેપ જેવાં થાય છે. અર્થાત્ વજ્ર જેવી રીતે અન્ય અસ્ત્ર શસ્ત્રથી દુર્ભેદ્ય છે તેજ રીતે તીર્થમાં કરેલાં પાપ પણ વ્રત, જપ, યજ્ઞાદિક કોઇથી ભેદી શકાતાં નથી.૪૦
હે વિપ્ર !
તે કારણથી સદ્ગૃહસ્થે તીર્થયાત્રામાં ઇન્દ્રિયોને નિયમમાં રાખવી, ને યથાશક્તિ દાન કરવું, તથા બ્રાહ્મણોને જમાડવા.૪૧
તેમજ નિર્મળમનવાળા ગૃહસ્થે ઉમરમાં પોતાનાથી મોટી સ્ત્રીને માતાની સમાન જોવી, સરખી ઉમરની સ્ત્રીને બહેન અને નાની સ્ત્રીને પુત્રી સમાન જોવી, આવી રીતે તીર્થયાત્રાની સમાપ્તિ કરી ફરી ઘર પ્રત્યે આવેલા સદ્ગૃહસ્થે શ્રાદ્ધકર્મ કરી બ્રાહ્મણોને ભોજન કરાવવું, આમ કરવાથી તે સદ્ગૃહસ્થ સંપૂર્ણ તીર્થનાં ફળને પ્રાપ્ત કરે છે.૪૩
હે વિપ્ર !
પવિત્ર તીર્થક્ષેત્રનો આશ્રય કરીને પુણ્યકાળમાં પોતાની ધનસંપત્તિને અનુસારે શ્રદ્ધાપૂર્વક પૂણ્યકર્મો કરવાં, તે પુણ્યકાળ કહીએ છીએ.૪૪
ભાદરવા માસના વદ પક્ષમાં પોતાના માતા પિતા આદિક પિતૃઓ અને પિતાના ભાઇ આદિક પિતૃવ્યોનું શ્રાદ્ધકર્મ કરવું, જો ધનસંપત્તિ હોય તો બન્નેનું અલગ અલગ શ્રાદ્ધ કરવું.૪૫
અન્ય પુણ્યકાળ જેવા કે ક્ષયની તિથિમાં, વ્યતિપાતને દિવસે, સૂર્યના મેષ તથા તુલારાશિના સંક્રમણને દિવસે, સૂર્યનું મકરરાશિમાં સંક્રમણ થાય તેવા ઉત્તરાયણને દિવસે, અને કર્ક રાશિમાં સંક્રમણ થાય તેવા દક્ષિણાયનને દિવસે, બારસની તિથિઓમાં, અનુરાધા તથા શ્રવણ નક્ષત્રના સંગમને દિવસે, સર્વે એકાદશી તથા બારસને દિવસે, ઉત્તરાફાલ્ગુની, ઉત્તરાષાઢા અને ઉત્તરાભાદ્રપદ નક્ષત્રમાંથી કોઇ પણ નક્ષત્રના સંબંધમાં, કાર્તિકસુદ નવમીની તિથિએ, માઘસુદ સાતમ, વૈશાખસુદ અક્ષયતૃતીયા, અને હેમંત તથા શિશિર ઋતુઓના અપર પક્ષની અષ્ટમી તિથિઓમાં, અને તેમના પછીની નવમી તિથિઓમાં, તેમજ કપિલાછઠ્ઠ, પોષ અને માઘમાસની અમાવાસ્યાને દિવસે, સર્વે પૂર્ણિમાને દિવસે, તે તે માસના કહેવાતા નક્ષત્રના સંગમને સમયે, પોતાના જન્મ નક્ષત્રયુક્ત દિવસે, મનુઆદિ યુગોની તિથિઓમાં, તેમજ યુગાબ્દની તિથિઓમાં, ભગવાનના અન્નકૂટાદિ ઉત્સવોને દિવસે, વિષ્ણુ ભગવાનના પ્રાદુર્ભાવના દિવસોમાં, અમાવાસ્યાના દિવસોમાં, સૂર્યની બારે રાશિઓની સંક્રાતિના દિવસોમાં, તથા સૂર્ય અને ચંદ્રના ગ્રહણને દિવસે. આ ઉપરોક્ત સર્વે પુણ્યકાળના દિવસોમાં સ્નાન, દાન, જપ, હોમ, શ્રાદ્ધ, બ્રહ્મભોજન આદિક જે કોઇ પુણ્ય કર્મ કરવામાં આવે તે અક્ષયફળને આપનારાં થાય છે, તેમાં કોઇ સંશય નથી.૪૬-૫૧
વળી હે વિપ્ર !
સોમવતી અમાસ, રવિવાર યુક્ત સપ્તમી, મંગળવાર યુક્ત ચોથ અને બુધવાર યુક્ત અષ્ટમી, આ ચાર તિથિઓ સૂર્યગ્રહણની સમાન કહેલી છે. તેથી આ ચાર તિથિઓમાં કરેલું દાન, જપ, હોમ, કરોડોગણા ફળને આપનારૃં થાય છે.૫૨-૫૩
ગર્ભાધાન સંસ્કાર, પુંસવન સંસ્કાર અને સીમંત સંસ્કાર આ ત્રણ દિવસોમાં તથા પુત્રના જાતકર્માદિ અન્ય સંસ્કારોને દિવસે, પોતાને જે દિવસે મંત્રદીક્ષા મળી હોય તે તિથિને દિવસે, પોતાના માતા-પિતાના અંગ્નિસંસ્કારને દિવસે, વળી તેમના આવતા વાર્ષિકતિથિને દિવસે અને પોતાનો આકસ્મિક અભ્યુદય થયો હોય, ધનાદિકની પ્રાપ્તિ થઇ હોય, તે દિવસે પોતાની શક્તિ પ્રમાણે પુણ્યકર્મ કરવું, ઉપરોક્ત આ સર્વે પુણ્યકાળ કહેલા છે.૫૪-૫૫
હે વિપ્ર !
જેવેદાધ્યયન પરાયણ હોય, શુદ્ધ માતા-પિતા થકી જન્મ હોય, વિનય યુક્ત હોય, તપોનિષ્ઠ હોય, સદાચારના પાલનમાં તત્પર હોય અને દરિદ્ર હોય, આવા સમસ્ત ગુણોથી યુક્ત જે બ્રાહ્મણ હોય તેને સર્વપ્રકારે દાન આપવું.૫૬
હે બ્રાહ્મણ શ્રેષ્ઠ !
સત્યયુગમાં જેવી રીતે તપ માણસોને માટે હિતકારી હતું, ત્રેયાયુગમાં યજ્ઞો, દ્વાપરયુગમાં વિધિ પૂર્વકની ઇશ્વરની પૂજા મનુષ્યોને હિતકારી હતી, તેવી જ રીતે કળિયુગમાં દાન છે તે મનુષ્યોને માટે હિતકારી કહેલું છે.૫૭
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ભગવાન શ્રીહરિએ ગૃહસ્થના ધર્મમાં દેશ, કાળ અને પાત્રનું વિશેષ નિરૃપણ કર્યું,એ નામે દશમો અધ્યાય પૂર્ણ થયો. --૧૦--