અધ્યાય - ૯ - શ્રીહરિએ કરેલી ધર્મની પ્રશંસા અને ગૃહસ્થોમાટેના પંચયજ્ઞોનો કહેલો વિધિવિસ્તાર.
શ્રીહરિએ કરેલી ધર્મની પ્રશંસા અને ગૃહસ્થોમાટેના પંચયજ્ઞાોનો કહેલો વિધિવિસ્તાર. ધર્મમાં રહેલાં અસાધારણ દશ એૈશ્વર્યો. સહેજે થતાં પાપનાં પાંચ સ્થાનો અને તેનાથી મુક્ત થવા કરવાના પાંચ યજ્ઞો. અતિથીનું લક્ષણ. છ પ્રકારના ધર્મ ભિક્ષુકો.
શ્રીનારાયણમુનિ કહે છે, હે બ્રહ્મન્ !
ગૃહસ્થજનોએ પરને પીડા ન થાય તેમ વર્તી પરલોકમાં સહાય કરનાર ધર્મનું રાફડાના શિખરની જેમ ધીરે ધીરે વર્ધન કરવું.૧
શરીર છૂટયા પછી પરલોકમાં એક ધર્મ જ સહાય કરે છે, પરંતુ દ્રવ્ય કે ઘર આદિ ઉપકરણો સહાય કરતાં નથી. તેમજ પિતા, માતા, પુત્ર, પત્ની, ભાઇ અને સંબંધીજનો પણ સહાય કરતા નથી, તથા મિત્રો પણ સહાય કરતા નથી.૨
શરીર જ્યારે પંચત્વ- (મરણ)પામે છે. ત્યારે દેહને ચિત્તાગ્નિમાં બાળીને પુત્ર આદિ સંબંધીજનો વિમુખ થાય છે. પાછું વાળીને નહીં જોતાં સૌ પોતાના ઘર પ્રત્યે ચાલ્યાં જાય છે. તે સમયે પોતે અનુષ્ઠાન કરેલો ધર્મ જ તે દેહ છોડીને જતા જીવની સાથે જાય છે, તેથી મનુષ્યદેહથી સર્વ પ્રકારે ધર્મનું જ રક્ષણ કરવું કારણ કે અંતે એજ જીવનું રક્ષણ કરે છે.૩
હે વિપ્ર !
જો કામદેવ રક્ષણ કરવા યોગ્ય કે ધર્મની જેમ પાલન પોષણ કરવા યોગ્ય હોય તો ભગવાન શિવજી તેમને શા માટે ભસ્મીભૂત કરે ? જો ધન રક્ષણ કરવા યોગ્ય હોય તો હરિશ્ચંદ્રાદિ રાજાઓ તેનો શા માટે ત્યાગ કરે ?.૪
સર્વે આગળના મોટા મોટા રાજાઓ અને દધીચિ વગેરે મહર્ષિઓએ પોતાના દેહને જતો કરી ધર્મનું રક્ષણ કર્યું છે.૫
અને જગતપતિ ભગવાન શ્રીહરિ પણ એક ધર્મ રક્ષાથી જ શીઘ્ર પ્રસન્ન થાય છે. કારણ કે આખું બ્રહ્માંડ પણ ધર્મથી જ ધારણ કરાઇ રહ્યું છે, એ નિશ્ચિત વાત છે.૬
હે વિપ્ર !
ધર્મ, અર્થ અને કામ આ ત્રણ પુરુષાર્થમાં ગુણોએ કરીને ધર્મજ સર્વ કરતાં મોટો છે. અને અર્થ ગુણોએ કરીને મધ્યમ છે, અને કામ છે તે ગુણોએ કરીને કનિષ્ઠ છે, એમ ધર્મજ્ઞા વ્યક્તિઓએ સ્પષ્ટ કહેલું છે. તેથી ધર્મનો જ આશ્રય કરો.૭ અર્થનું સેવન તો ધર્મનો બાધ ન આવે તે રીતે કરવું અને કામ પણ ધર્મમાં બાધ ન આવે તે રીતે સેવવો.કારણ કે સર્વપ્રકારે ગુણોમાં શ્રેષ્ઠ એવા ધર્મમાં દેવતાઓએ અસાધારણ દશ ઐશ્વર્યો- ગુણો રહેલાછે, તે કહ્યા છે.૭-૮
ધર્મમાં રહેલાં અસાધારણ દશ એૈશ્વર્યો :-
તપ, દાન, ક્ષમા, શ્રદ્ધા, ભાવશુદ્ધિ- કામાદિ દોષોથી ક્ષોભ ન પામવાપણું, બહુ શાસ્ત્રોનો અભ્યાસ, ભગવાનને રાજી કરવા, મહાપૂજા આદિક યજ્ઞા ક્રિયાનું આચરણ, દયા, સત્ય અને સંયમ આ દશ ધર્મના અસાધારણ ગુણો કહેલા છે.૯
ઋષિઓ એક ધર્મથી જ સંસાર સમુદ્રને તર્યા છે. સર્વે લોકો ધર્મમાંજ પ્રતિષ્ઠિત છે. દેવતાઓ પણ ધર્મથી જ પુષ્ટિ પામે છે. તેથી ધર્મ જ એક સેવવા યોગ્ય મનાયેલો છે.
હે વિપ્ર !
ધર્મનું આવું મોટું માહાત્મ્ય છે, તેથી ગૃહસ્થ પુરુષોએ ધર્મપ્રધાન થઇ સહજ રીતે થતા હિંસાદિ પાંચ પ્રકારનાં પાપોનો નાશ કરવા નિત્યે આદર પૂર્વક પંચમહાયજ્ઞો કરવા.૧૧
સહેજે થતાં પાપનાં પાંચ સ્થાનો અને તેનાથી મુક્ત થવા કરવાના પાંચ યજ્ઞો :- હે વિપ્ર ! ખાંડણિયો, ઘંટી, ચૂલો, પાણિયારૃં અને સાવરણી, આ પાંચ હિંસાનાં સ્થાનો ગૃહસ્થનાં પાપોનાં કારણ છે. તેથી તે દોષના નિવારણને માટે પંચ મહાયજ્ઞો કરવા. તે નહિ કરનારો ગૃહસ્થ પંચપ્રકારના પાપોથી યુક્ત થઇ નરકમાં પડે છે.૧૨-૧૩
હે વિપ્ર !
દેવયજ્ઞા, ભૂતયજ્ઞા, પિતૃયજ્ઞા, બ્રહ્મયજ્ઞા અને મનુષ્યયજ્ઞા, આ પાંચ સર્વદોષનું હરણ કરનારા મહાયજ્ઞો કહેલા છે.૧૪
દેવયજ્ઞા :-
સ્માર્ત અગ્નિનો સ્વીકાર કરનારા ગૃહસ્થે યજ્ઞાશાલાના અગ્નિમાં યથાવિધિ હોમ કરી દેવતાઓને હવિષ્યાન્ન અર્પણ કરવું. અને જે ગૃહસ્થ સ્માર્ત અગ્નિએ રહિત હોય તેમણે રસોઇઘરના અગ્નિમાં યથાવિધિ હોમ કરી દેવતાઓને હવિષ્યાન્ન અર્પણ કરવું. આ અનુષ્ઠાનને દેવયજ્ઞા કહેલો છે.૧૫
ત્રણે વર્ણના દ્વિજાતિ પુરુષોએ અગ્નિનો જો અભાવ હોય તો જળમાં અથવા પૃથ્વી પર હોમ કરવો. જો અન્નનો અભાવ હોય તો શાકાદિથી પણ દેવયજ્ઞા કરવો.૧૬
ભૂતયજ્ઞા :-
લીંપીને શુદ્ધ કરેલા ભૂતળ ઉપર હોમ કરતાં બચેલાં અન્નનો વરસાદ કરી પૃથ્વી આદિ ભૂતોને નિત્યે બલિ અર્પણ કરવો તે ભૂતયજ્ઞા કહેલો છે.૧૭
બ્રહ્મયજ્ઞા :-
હે વિપ્ર !
સ્વાધ્યાય કરવો, તે બ્રહ્મયજ્ઞા કહેવાય છે. જો પિતૃતર્પણ પહેલાં એ બ્રહ્મયજ્ઞા ન કર્યો હોય તો, વૈશ્વદેવના સમયેજ યથાશક્તિ કરવો.૧૮
જો બ્રહ્મયજ્ઞા પ્રાતઃકાળે કરે તો સંગવકાળ પહેલાં કરી લેવો. અથવા સ્નાનાદિ નિત્યકર્મોને અંતે કરવો, અથવા વૈશ્વદેવને અંતે હોમબલિ અર્પણ કર્યા પછી બ્રહ્મયજ્ઞા કરવો. આ રીતે બ્રહ્મયજ્ઞા કાળભેદથી ત્રણ પ્રકારે કરવાનો કહેલો છે.૧૯
ઋગ્વેદી એવા દ્વિજાતિ પુરુષે બ્રહ્મયજ્ઞાને માટે વેદની આવૃત્તિને નિમિત્તે જળમાં ડૂબકીમારી હાથમાં દર્ભ ધારણ કરી બ્રહ્મયજ્ઞા કરવો, પછી મધ્યાહ્ન સંધ્યા કરવી.૨૦
તૈત્તિરીય શાખાના દ્વિજાતિ પુરુષે મધ્યાહ્ને સ્નાન સંધ્યા કરીને બ્રહ્મયજ્ઞા કરવો ને પછી પિતૃતર્પણ કરવું. પછી પોતાના વેદની સંહિતાના એક અધ્યાયનો પાઠ કરવો અથવા શ્રીસૂક્તના પાઠ કરવાની સાથે પુરુષસૂક્તનો પાઠ કરવો, અશક્ત પુરુષોએ રમાપતિ ભગવાનના સ્તોત્રનો પાઠ કરવો.૨૨
વેદાદિ પાઠ કરવામાં અસમર્થ પુરુષે સ્વાધ્યાયનું નિયમ પૂર્ણ કરવા ઁકારે સહિત વેદસ્વરૃપા ગાયત્રીમંત્રનો ભાવથી એકવાર જપ કરવો.૨૩
પિતૃયજ્ઞા :-
હે વિપ્ર !
નિરંતર પિતૃઓને ઉદ્દેશીને એક વિપ્રને જમાડવો, અથવા અશક્ત હોય તેમણે પૃથ્વીપર એક પિંડ અર્પણ કરવો, તે પિતૃયજ્ઞા કહેવાય છે.૨૪
માનુષ્યયજ્ઞા :-
ગાય, કૂતરાં, કાગડા અને કીડી વગેરે નાનાં જંતુઓને અર્પણ કરવા નિમિત્તે થોડું અન્ન પૃથ્વીપર મૂકવું ને પછી પોતાના ઘરને દરવાજે ઊભા રહી અતિથિની પ્રતિક્ષા કરવી, વૈશ્વદેવકર્મની સમાપ્તિ પછી હરિઇચ્છાએ આંગણે આવેલા વૃદ્ધ, બાળક, યુવાન, મૂર્ખ કે પંડિત જે મનુષ્ય આવે તેને અતીથિ માનીને તેમાં સાક્ષાત્ અચ્યુત- વિષ્ણુ ભગવાનની ભાવના કરીને જમાડવો.૨૬
દ્વિજાતિ પુરુષે હંતકાર, અથવા અગ્ર અથવા ભિક્ષા જેટલું અન્ન પોતાની સામર્થી પ્રમાણે નિત્યે અતીથિને અર્પણ કરવું, તે ''માનુષ્ય યજ્ઞા'' કહેલો છે.૨૭
તેમાં એક ગ્રાસ જેટલા અન્નને ભિક્ષાન્ન કહેવાય, તે ભિક્ષાન્નના ચારગ્રાસને ''અગ્ર'' કહેવાય છે અને સોળગ્રાસ જેટલા અન્નને હંતકાર કહેવાય છે.૨૮
વૈશ્વદેવના અંતે આવેલા આવા અતિથિનું અન્ન, જળ તથા ચંદન પુષ્પાદિકવડે યથાશક્તિ પૂજન કરવું.૨૯
અતિથીનું લક્ષણ :-
હે વિપ્ર !
પોતાના મિત્રને અતિથિ ન માનવો. એક જ ગામમાં રહેનારને અતિથિ ન માનવો. પરંતુ વૈશ્વદેવ કર્મના અંતે હરિઇચ્છાએ આવેલા કોઇ અજ્ઞાત-નામ તથા ગોત્રવાળા પુરુષનેજ અતિથિ માનવો.૩૦
વિવેકી દ્વિજાતિ પુરુષે આવેલા અતિથિનું ગોત્ર કે આચરણ ન પૂછવું, કેટલું ભણેલા છો ? તે પણ ન પૂછવું, તે અતિથિ રૃપવાન હોય કે કુરુપ હોય તેમને સાક્ષાત્ પ્રજાપતિ બ્રહ્માજી માનવો.૩૧
જે કારણથી એક જગ્યાએ રહેતો નથી માટે તે અતિથિ કહેવાય છે. આવો અતિથિ જો તૃપ્ત થઇ જાય તો ગૃહસ્થાશ્રમી પુરુષ મનુષ્ય-ઋણમાંથી મુક્ત થઇ જાય છે.૩૨
છ પ્રકારના ધર્મ ભિક્ષુકો :- હે વિપ્ર ! માર્ગે ચાલનારો મુશાફર, નષ્ટ પામેલી આજીવિકાવાળો પુરુષ, વિદ્યાર્થી, વૈરાગી એવો વૈષ્ણવી સાધુ, સન્યાસી અને બ્રહ્મચારી આ છ ધર્મભિક્ષુકો કહેલા છે. જેનામાં અતિથિબુદ્ધિ કરીને અન્ન જળાદિકે કરીને તૃપ્ત કરવામાં આવે તો મહાપૂણ્ય પ્રાપ્ત થાય છે.
હે વિપ્ર !
સન્યાસી, બ્રહ્મચારી, અગ્નિહોત્રી અને વિષ્ણિયાગાદિ મહાયજ્ઞો કરનાર દ્વિજ આ ચાર સદાય અતિથિ કહેલા છે. તેમજ દિવસે દિવસે નવા નવા આવતા જનો તે પણ અતિથિ કહેવાય છે.૩૪
હે વિપ્ર !
જે ગૃહસ્થાશ્રમી પુરુષ આ ઉપરોક્ત અતિથિઓને અન્ન આપ્યા વિના જમી લે છે, તે ગૃહસ્થાશ્રમી કેવળ પાપને જ જમે છે, તે બીજા જન્મે કેવળ મળ ખાનારો થાય છે.૩૫
જે ગૃહસ્થને ઘેરથી અતિથિ નિરાશ થઇને પાછો ફરે છે. તે અતિથિ પોતાનાં સર્વે પાપ તે ગૃહસ્થને આપીને તેમનાં સર્વે પુણ્ય લઇને ચાલ્યો જાય છે.૩૬
માટે સ્વયં ગૃહસ્થ પુરુષ જે કાંઇ અન્નાદિકનો આહાર કરતો હોય તેનાથી જ અતિથિનું શક્તિ પ્રમાણે પૂજન કરવું, અથવા જળ કે શાક અર્પણ કરી પૂજન કરવું.૩૭
હે વિપ્ર !
અન્નદાન અને વસ્ત્રદાનમાં પાત્રનો વિચાર ન કરવો, કારણ કે ભૂખ્યો જન અન્નદાનનું પાત્ર છે, અને વસ્ત્રવિનાનું જન વસ્ત્રદાનનો પાત્ર છે.૩૮
આ પ્રમાણે મેં તમને પાંચ યજ્ઞોનો વિધિ સંક્ષેપથી કહ્યો, જે વિધિનું ગૃહસ્થાશ્રમી પુરષોએ સર્વ પ્રકારે અનુષ્ઠાન કરવું. તેમાં કોઇ બાંધછોડ નથી.૩૯
કારણ કે જો દ્વિજાતિ એવો ગૃહસ્થાશ્રમી પુરુષ મોહવશ થઇ અજ્ઞાનથી નિત્યે કરવા યોગ્ય આ પંચમહાયજ્ઞોને કરતો નથી ને ભોજન કરી લે છે, તે દોષે ભરાય છે.અને પશુ-પક્ષી-આદિક તિર્યક્ યોનિને પામે છે.૪૦
તથા તે મૃત્યુ પામ્યા પછી યમયાતનાને પામે છે. તેથી રૃડી બુદ્ધિવાળા દ્વિજાતિ પુરુષોએ પંચ મહાયજ્ઞો નિત્યે કરવા.૪૧
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિજીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં શ્રીહરિ ગૃહસ્થના ધર્મોનો ઉપદેશ કરતાં સ્માર્ત કર્મોમાં પંચયજ્ઞોના વિધિનું નિરૃપણ કર્યું.એ નામે નવમો અધ્યાય પૂર્ણ થયો. -૯-