અધ્યાય - ૧૫ - કલિયુગમાં ગૃહસ્થને આજીવિકાવૃત્તિ માટે ખેતીકર્મનું કરેલું વિશેષ વિધાન.
કલિયુગમાં ગૃહસ્થને આજીવિકાવૃત્તિ માટે ખેતીકર્મનું કરેલું વિશેષ વિધાન. ખેતીકર્મમાં ઉપયોગી ગાય-બળદ આદિકની સારસંભાળ. કયું બીજ ક્યારે વાવવું વગેરે ખેતીનું શિક્ષણ.
સુવ્રતમુનિ કહે છે, હે પ્રતાપસિંહ રાજાન્ ! ભગવાન શ્રીહરિનું વચન સાંભળી તેમને વહાલા શિવરામવિપ્ર પોતાના મનમાં ઉત્પન્ન થયેલા સંશયને ફરીવાર પૂછવા લાગ્યા.૧
શિવરામ વિપ્ર કહે છે, હે પ્રભુ ! તમે પૂર્વે બ્રાહ્મણોને (તેરમા અધ્યાયમાં) ખેતીકર્મ કરવાનો નિષેદ્ધ કર્યો ને ફરી અહીં બ્રાહ્મણોને ખેતી જ કરવી એમ કહ્યું. તેથી મારા મનમાં સંશય ઉત્પન્ન થાય છે. માટે હે ભગવાન્ ! તેનું તમે નિવારણ કરો.૨
શ્રીનારાયણમુનિ કહે છે, હે વિપ્ર ! બ્રાહ્મણને ખેતીકર્મનો નિષેધ છે, તેમાં કોઇ સંશય નથી, પરંતુ અત્યારે કળિયુગમાં સર્વદા આપત્કાળ હોવાથી બીજો કોઇ વિકલ્પ ન બચતાં તે ખેતીકર્મ કરવાનું મેં વિધાન કરેલું છે.૩
કારણ કે, કળિયુગમાં શિલોંચ્છવૃત્તિ આચરવી શક્ય નથી. તેમજ શાલીન કે યાયાવરવૃત્તિ પણ આચરવી શક્ય નથી. વળી લોકોમાં યજ્ઞા કરવામાં રસ રહ્યો નથી. કે જેનાથી પણ બ્રાહ્મણની આજીવિકાવૃત્તિ ચાલે, કોઇ ધનવાન પુરુષો વેદનો પાઠ કરાવતા નથી, જેથી સ્વાધ્યાયવૃત્તિથી પણ જીવન ચાલે.૪
વળી આ કળિયુગના સમયે પૃથ્વીપર કોઇ વિશુદ્ધ દાતા પણ નથી કે જેનું દાન લેવાથી પવિત્ર રહી જીવન જીવી શકાય, તેથી જ પરાશર મુનિના મતને ધ્યાનમાં રાખી મેં બ્રાહ્મણોને ખેતી કરવાની આજ્ઞા આપી છે.૫
હે વિપ્ર !
પરાશરમુનિએ એમ કહ્યું કે, પોતાના કુટુંબનું ભરણપોષણ કરવા અસમર્થ બ્રાહ્મણે ત્રણે વર્ણની સેવા કરવા રૃપ શૂદ્રની આજીવિકાવૃત્તિ સ્વીકારવી અથવા અધર્મી એવા નીચવર્ણના જનો પાસેથી દાન ગ્રહણ કરવું, આવું વિધાન હોવાથી તેના કરતાં ખેતીકર્મ મેં શ્રેષ્ઠ અને કલ્યાણકારી માનેલું છે. એટલે ખેતી કરવાનું મેં કહ્યું છે.૬
ખેતીનું કર્મ કરી પ્રાપ્ત થયેલા ધાન્યવડે પિતૃઓનું અને દેવતાઓનું તથા બ્રાહ્મણોનું પૂજન કરવું, તે પૂજાથી પ્રસન્ન થયેલા તે ત્રણે ખેતીકર્મમાં ઉત્પન્ન થયેલા દોષનો નાશ કરી નાખે છે.૭
જે ખેતી કર્મ કરનારો બ્રાહ્મણ દેવતા અને પિતૃઓને વીશમો ભાગ અર્પણ કરે છે, અને બ્રાહ્મણોને ત્રીશમો ભાગ અર્પણ કરે છે, તે ખેડૂત વિપ્ર ખેતીના દોષને પામતો જ નથી.૮
બ્રાહ્મણોએ પોતાના નિત્યે કરવાના સ્નાન સંધ્યા આદિક ષટ્ કર્મોનો ત્યાગ નહીં કરીને પ્રતિદિન ખેતીકર્મ કરવું, તથા ક્ષત્રિયોને પણ આપત્કાળમાં ષટ્કર્મનો ત્યાગ કર્યા વિના ખેતીકર્મ કરવું.૯
ખેતીકર્મમાં ઉપયોગી ગાય-બળદ આદિકની સારસંભાળ :-
હે વિપ્ર !
પગ આદિ અંગથી વિકળ, દુર્બળ, થાકેલા, રોગી, ભૂખ્યા, બહુ દિવસ ભૂખ્યા રહેવાથી નબળ થયેલા, વૃદ્ધ, અને અંધ બળદને ખેતીમાં જોડવો નહિ.૧૦
મજબૂત શરીરવાળા, નિરોગી, ઘાસ ચારાથી તૃપ્ત, વૃષણના ઉચ્છેદ રહિત, નપુંસકતા રહિત, અંગોએ પુષ્ટ, સબળ અને યુવાનીથી મત્ત બળદને બ્રાહ્મણે ખેતીમાં જોડવા.૧૧
તેમાં પણ અર્ધો દિવસ જ ચલાવવા. પછી સ્નાનાદિક કરાવવું. હળ, ધોસરૃં અને પરોણો શાસ્ત્ર અનુસાર તૈયાર કરાવવા.૧૨
શાસ્ત્ર પ્રમાણથી હળાદિકમાં ઓછું-અધિક કાંઇ પણ ન કરવું. તેમજ ક્રોધે કરીને નિર્દયપણે ક્યારેય પણ બળદને મારવા નહિ.૧૩
બ્રાહ્મણે ક્યારેય પણ રાયણ, બીલીપત્ર અને લીંબડાના કાષ્ઠમાંથી હળ ન બનાવવું, ને જો બનાવડાવે તો દરિદ્ર થાય છે. ક્ષીરવાળા વૃક્ષમાં જે રાયણનું કીધું ત્યાં અંજીર, રૃદ્રાક્ષ, બહેડું આદિ પણ જાણવાં, તેમાંથી પણ હળ ન બનાવવું.૧૪
હે વિપ્રવર્ય !
આલોકમાં ગૃહસ્થનો ગૃહસ્થાશ્રમ ગાયો અને બળદોથી જ શોભે છે, અને સુખપ્રદ થાય છે. તેથી દ્વિજાતિએ પ્રયત્નપૂર્વક ગાયો અને બળદોનું પાલનપોષણ કરવું.૧૫
ગાયો વનમાં સૂકાં તૃણ ખાઇ આવી આપણને પ્રતિદિન દૂધ આપે છે, તેમનાં દહીં, દૂધ વગેરે હવિષવડે દેવતાઓ પ્રસન્ન થાય છે. તેથી તે ગાયો અને બળદો સદાય મનુષ્યને માટે પૂજ્ય છે.૧૬
વળી ગાયોના સર્વે પવિત્ર અંગમાં સર્વે દેવતાઓનો નિવાસ છે. તેથી ગૃહસ્થાશ્રમી જનોએ, તથા સૌ કોઈએ ગાયોનું પૂજન કરવું અને તેમનું સર્વ પ્રકારે રક્ષણ કરવું.૧૭
વાછરડાંને ધવરાવ્યા વિના ગાયને દોહવી નહિ. ગર્ભસ્રાવ થયેલી ગાયને પણ દોહવી નહિ. પ્રસૂતિના દશ દિવસ પૂર્વેથી ગાયને દોહવાની બંધ કરવી, રોગમાં ઘેરાયેલી અને બે વાછરડાંને જન્મ આપનારી ગાય પણ દોહવી નહિ.૧૮
હે વિપ્ર !
દ્વિજોએ ગાય અને બળદને દક્ષિણાભિમુખ કે ઉત્તરાભિમુખ બાંધવા, પરંતુ પૂર્વ કે પશ્ચિમાભિમુખે બાંધવા નહિ.૧૯
ગાય ઘોડા અને બળદો બાંધવાની શાળાઓમાં દોરડાને કાપનાર તીક્ષ્ણ ધારવાળાં લોખંડના દાતરડાં વગેરે નિરંતર રાખવાં.૨૦
જે પુરુષ ગાયનું ભક્તિભાવ પૂર્વક પૂજન, વંદન કે પોષણ કરે છે, તેઓ અશ્વમેધ યજ્ઞાના ફળને પામે છે.૨૧
જે પાપી પુરુષો ગાયોને દોહવાના સમયે સાંકળ આદિકથી નિર્દય થઇ પ્રહાર કરે છે, અને ગાળો બોલી તેમના ઉપર આક્રોશ કરે છે, તે પુરુષો એક કરોડ વર્ષ સુધી નરકાગ્નિમાં રંઘાય છે.૨૨
હે વિપ્ર !
મહર્ષિઓએ ગાયોના પાલનમાં જે પુણ્ય કહ્યું છે. તેના કરતાં અધિક દશગણું પુણ્ય બળદોના પાલનમાં કહ્યું છે.૨૩
બ્રાહ્મણે બળદના વૃષણનો ઉચ્છેદ કરવો નહિ, ને જો કરે તો બ્રાહ્મણપણાની જાતિ થકી ભ્રષ્ટ થાય છે. પછી તે શ્વપચની જેમ દેવકર્મ કે પિતૃકર્મમાં વર્જ્ય ગણાય છે.૨૪
બળદો ખેતર ખેડીને ઘાસ અને ધાન્ય ઉત્પન્ન કરે છે, વળી તે ખળામાં પોતાની ખરીથી તેને મસળે છે. ગાડાના ભારનું વહન કરે છે, તેમજ સર્વજનોને આનંદ ઉપજાવે છે, તેથી બળદો પૂજનીય છે.૨૫
વળી બળદો ભારનો ખેદ પામવા છતાં પોતાના માલિકને ક્યારેય ફરિયાદ કરતા નથી. સ્વયં સૂકાં ઘાસનું અને ભૂસાનું ભક્ષણ કરે છે.૨૬
આવા અનેક ગુણોએ યુક્ત અને સહનશીલ સ્વભાવવાળા પરોપકારી બળદો લોકની અભિવૃદ્ધિમાં કારણભૂત છે, તેથી પ્રયત્નપૂર્વક સારા સ્વચ્છ સ્થાન અને ઘાસચારાદિથી તેમનું પાલન અને પોષણ કરવું.૨૭
હે વિપ્ર !
જે ખેડૂત ઘરમાં બાંધેલાં ગાય આદિ પશુઓને તૃણ જળાદિકથી સમયે સમયે પોષણ કરતો નથી, તે ગૃહસ્થ રૌરવાદિ નરકોમાં પડે છે.૨૮
પશુપાલનમાં અશક્ત ગૃહસ્થે તે પશુઓને ધનવાન ખેડૂત જે પશુપાલન કરવા સમર્થ હોય તેમને આપીને સ્વયં વનમાં જઇને તપ કરવું. પરંતુ પશુઓને વ્યર્થ દુઃખી કરવાં નહિ.૨૯
આ પ્રમાણે પશુપાલનના ધર્મને જાણી બળદાદિકનું પોષણ કરવું, ને તેમના દ્વારા સર્વે પ્રકારનાં બીજ ખેતરમાં વાવવાં, કારણ કે સર્વ પ્રકારનાં બીજો વાવનાર ખેડુત ક્યારેય દુઃખી થતો નથી.૩૦
કયું બીજ ક્યારે વાવવું વગેરે ખેતીનું શિક્ષણ :-
હે વિપ્ર !
તે ડાંગર આદિ બીજો વાવવાની ભૂમિને તથા તે બીજો વાવવાના સમયને બૃહત્પરાશરસ્મૃતિ આદિ ધર્મશાસ્ત્રોથકી જાણીને ડાંગર, શેરડી, શણ, કપાસ, રીંગણાં આદિકનું વાવેતર કરવું.૩૧
ઘાટું વાવનાર, પ્રથમ વાવનાર, બળદનું પોષણ કરનાર, બીજનો સંગ્રહ કરનાર અને પ્રભાતે પ્રતિદિન ખેતરમાં જઇ પાકની દેખભાળ કરનાર ખેડૂત ક્યારેય દુઃખી થતો નથી.૩૨
ખેડૂતે પ્રથમ શાસ્ત્રસંમત વિધિ કરવો, તે વ્યતિપાત, યમઘંટ અને મૃત્યુયોગ આદિકના કુયોગને જોઇ શુભ અવસરપર બીજ રોપવાં.૩૩
હે વિપ્ર !
પ્રથમ સીતાદેવીનું સ્થાપન કરી, પરાશરઋષિનું સ્મરણ કરી; દહીં, દૂર્વા, ચોખા, પુષ્પો અને સમીપત્રોથી સીતાદેવીની પૂજા કરવી.૩૪
વળી તે ગૃહસ્થ ખેડૂતે સીતાદેવીને નૈવેદ્ય અર્પણ કરી આરતી અને પ્રદક્ષિણા કરી મુખ્ય ક્ષેત્રપાલને ભીંજાવેલા અડદ અને ચણા આદિક ધાન્યનો બલિ અર્પણ કરવો.૩૫
પછી લાલરંગથી રંગેલાં શીંગડાંવાળા બળદોને કંકુ ચોખા અને પુષ્પમાળા ધારણ કરાવી પૂજવા, ને પછીથી હળમાં જોડવા.૩૬
હળની ફણાના અગ્ર ભાગમાં સુવર્ણ કે રૃપાને લેશમાત્ર ઘસી આ મંત્ર બોલવો કે, હે સીતા ! હે સૌમ્યા ! હે કુમારી ! હે દેવી ! તમે સંપત્તિની પ્રાપ્તિ માટે દેવતાઓ દ્વારા પૂજાયેલાં છો. તમે પણ જે રીતે પરાશરમુનિ અમને સિદ્ધિ આપનારા થયા છે, તેમ સિદ્ધિ આપનારાં થાઓ. પછી ખેતર ખેડવાની શુભ શરૃઆત કરવી.૩૭-૩૮
હે વિપ્ર !
આ ઉપરોક્ત વિધિ ધાન્યને વાવવામાં, લણવામાં, ખળામાં લઇ આવવામાં અને પ્રથમ ગાડુ જોડવામાં કરવાનો જાણવો.૩૯
બળદોનું પ્રયત્નપૂર્વક પાલન-પોષણ કરતાં ખેતર ખેડવું, જો બરાબર પાલન-પોષણ કર્યા વિના બળદોને સાંતિમાં જોડે છે, તો ખેડૂત ચોક્કસ કુંભીપાક નરકમાં પડે છે.૪૦
ભગવાન શ્રીહરિની આજ્ઞા થઇ તેથી બ્રહ્માએ અનાજ પેદા કરવા માટે જ બળદોને સર્જ્યા છે. ચરાચર સહિત સર્વે ત્રિલોકી આ બળદોના પકાવેલા ધાન્ય વડે જ જીવે છે.૪૧
એથી ખેડૂતોએ યથાયોગ્ય બળદોનું પાલન પોષણ કરીને ખેતી કરવી. તેમજ વિધિપૂર્વક બળદોને હળે જોતરવા, પરંતુ પૂજા વિધિનું ઉલ્લંઘન ક્યારેય પણ કરવું નહિ.૪૨
હે વિપ્ર !
શક્તિપુત્ર પરાશરમુનિના નામનું ઉચ્ચારણ કર્યા વગર કરેલી ખેતી સિદ્ધિ આપનાર થતી નથી. તેમજ સીતાદેવીની વિધિપૂર્વક સ્થાપના, પૂજા કર્યા વગર પણ કૃષિકર્મ સિદ્ધ થતું નથી. તેમજ મંત્રોના ઉચ્ચારણ પૂર્વક પ્રોક્ષણ કર્મ અને રક્ષા કર્મ કર્યા વિના પણ ખેતી કર્મ સિદ્ધ થતું નથી. એટલા જ માટે ખેડૂતે આ વિધિ અવશ્ય કરવો.૪૩
સીમાડાની ભૂમિ, સ્મશાનની ભૂમિ, છાયાવાળા વૃક્ષોવાળી ભૂમિ, તેમજ યજ્ઞાસ્તંભ સ્થાપન કરેલી ભૂમિને ખેડૂતે ખેડવી નહિ.૪૪
ખારભૂમિ, પથ્થરા, કાંકરાવાળી અને કોઇએ અર્પણ નહીં કરેલી ભૂમિને પણ ખેડૂતે ખેડીને વાવવી નહિ. તેમજ નદીના કાંઠાવાળી કે નદીની રેતાળ ભૂમિમાં વાવણી કરવી નહિ.૪૫
જે દ્વિજ ઉપરોક્ત સીમાડા આદિક ભૂમિને લોભ કે દ્વેષથી ખેડે છે, તો તે ઘોર નરકને પામે છે. તેમાં સંશય નથી.૪૬
હે વિપ્ર !
જે પુરુષ એક આંગળી જેટલી પણ પારકી ભૂમિ પોતાના ભાગ સાથે ખેડી નાખે છે. તે પુરુષ પાપથી રૈરવ નરકને પામે છે.૪૭
પોતાના નિવાસથી દૂરના પ્રદેશનાં ખેતર અને ગામની અતિશય નજીકનાં ખેતર ન વાવવાં. તથા માર્ગમાં ખેતર ન વાવવું, જો વાવે તો દુઃખનો ભાગી થાય છે.૪૮
ક્ષાર આદિકના દોષથી રહિતની પવિત્ર, કાંકરા આદિકથી રહિતની ચીકણી, પાણી વહેવાને યોગ્ય અને નીચા પ્રદેશમાં રહેલી ભૂમિને વાવવી. જે ભૂમિમાં જળ ઠરી શકે તેવી ભૂમિને વાવવી.૪૯
ખેતરને ફરતી ઊંચી મજબૂત વાડ કરવી, કે જેનાથી ગાયો આદિક ગામનાં પશુઓ અને મૃગલાં આદિક જંગલી પશુઓ તે ખેતરમાં ક્યારેય પણ પ્રવેશી શકે નહિ.૫૦
હે વિપ્ર !
ખેતી કરનાર દ્વિજે ખેતરના ગુણોને સારી રીતે જાણીને યથોચિત બીજ વાવવાં ને હમેશાં તેની સારસંભાળ રાખવી.૫૧
વળી ગૃહસ્થ દ્વિજે અમાવાસ્યાને દિવસે ખેડકર્મ ન કરવું, જો કરે તો પિતૃઓ નરકમાં પડે છે, અને સ્વયં પણ નરકમાં પડે છે.૫૨
ખેતી કરનારો પુરુષ સર્વે પ્રાણીઓનો ઉપકારી, બ્રાહ્મણોના યજ્ઞોનો સિદ્ધિકારક અને રાજાના કોશનો વૃદ્ધિકારક થાય છે.૫૩
એથી દ્વિજ ખેડૂતે ખેતીના દોષની શાંતિ માટે અને ભૂખ્યા જંતુઓની તૃપ્તિ માટે સર્વેને એક એક મુઠ્ઠી અન્ન આપવું.૫૪
જંતુઓ ખેતરમાં જેટલી સંખ્યામાં અનાજના દાણાઓનું ભક્ષણ કરે છે. તેટલી સંખ્યાના પાપથી ખેડૂત મુક્ત થાય છે. એમાં કોઇ સંશય નથી.૫૫
ખેતી કરનારો પુરુષ અન્નના દાનથી ખેતીમાં થતા દોષથી મૂકાઇ જાય છે, તેથી ધાન્ય પાકે ને ખળામાં આવે, ત્યારે ખેડૂતે સીતાયજ્ઞા કરવો.૫૬
હે વિપ્ર !
ત્યારે તે ખળાની ચારે બાજુ ફરતે ઊંચી, ઘાટી એક દ્વારવાળી ને ઊંટ તથા ગધેડાં પ્રવેશ ન કરી શકે તેવી સુરક્ષિત વાડ કરવી.૫૭
પરાશર ઋષિનું સ્મરણ કરી ત્રણે કાળની સંધ્યામાં સીતાદેવીનું પૂજન કરવું, મંત્રયુક્ત જળથી ધાન્યને પ્રોક્ષણ કરવું, ધાન્યની ભસ્મથી પણ રક્ષા કરવી.૫૮
વળી ખેડૂતે ખળામાં પ્રેત ભૂતાદિકના નામોનું ઉચ્ચારણ ન કરવું ને ખળાનું સૂતિકાગૃહની જેમ રક્ષણ કરવું.૫૯
યમઘંટાદિ દોષ વગરના ઉત્તમ દિવસે દિવસના પૂર્વના ભાગમાં ત્રાજવા આદિકથી ધાન્યને માપવું. દિવસના નવમાં મુહૂર્તમાં ભિક્ષા લેવા આવેલા બ્રાહ્મણોને ભિક્ષાના પ્રદાનથી દેવતાનું યજન કરવું.૬૦
બ્રાહ્મણોને દાન આપતી વખતે ઇન્દ્રાદિ દેવતાઓ, સોમનું પાન કરનારા પિતૃઓ અને સનકાદિક મનુષ્યોનો ઉદ્દેશ કરીને ખેડૂતે બ્રાહ્મણોને અન્નનું દાન કરવું.૬૧
હે વિપ્ર !
ખળાના યજ્ઞામાં, વિવાહમાં, સંક્રાંતિને દિવસે, ગ્રહણને દિવસે, પુત્રના જન્મને દિવસે અને વ્યતિપાતના યોગમાં આપેલું દાન અક્ષયફળ આપનારૃં થાય છે.૬૨
હળથી ઉત્પન્ન કરેલા ધાન્યનો ખળાના યજ્ઞામાં પાંચમો, સાતમો, નવમો અથવા બારમો ભાગ પોતાની શક્તિને અનુસારે દાનમાં આપવો.૬૩
હળથી ખેતી કરનારા સર્વે પુરુષોએ ખળાના યજ્ઞામાં જે કોઇ બ્રાહ્મણો આવે તે સર્વેને અતિથિઓની જેમ એક એક ધાન્યની મુઠ્ઠી આપીને પણ પૂજવા.૬૪
તેમજ શૂદ્ર, સુથાર, પતિત, નીચયોનિમાં જન્મેલા, દીનદુઃખી, અનાથ, નપુંસક, કુષ્ઠરોગી, ધાધરનારોગી, આંધળા, બહેરા, મૂંગા, ખોડા અને ચંડાળ આદિ જે જે કોઇ અન્નાર્થી આવે તેમને પોતાની શક્તિ પ્રમાણે ધાન્ય અર્પણ કરવું.૬૫-૬૬
ખળામાં આવેલા સર્વે બ્રાહ્મણાદિકને મધુર વાણીથી સત્કારી યથાશક્તિ અન્નદાન કરીને પાછા વાળવા. પછી પોતાના ઘરે ધાન્ય લાવવું ને વિધિ પ્રમાણે નવાન્ન ઇષ્ટકર્મ કરવું.૬૭
હે વિપ્ર !
ખેડૂતે રાજાને છઠ્ઠો ભાગ, દેવતાઓને વીશમો અને વિપ્રોને ત્રીશમો ભાગ અર્પણ કરવો, આમ કરવાથી ખેડૂતને ખેતી જન્ય કોઇ પણ પ્રકારનો દોષ લાગતો નથી.૬૮
કેટલાક ઋષિમુનિઓ ખેતી આદિક આવકની શુદ્ધિમાટે પ્રાપ્ત થયેલા પદાર્થમાત્રમાંથી આગળ કહેવાશે તે પ્રમાણે અમુક અંશનો ભાગ આપવાથી સર્વેની શુદ્ધિ થાય છે. એમ કહેલું છે.૬૯
તેમાં દાન ગ્રહણ કરવાથી પ્રાપ્ત થયેલાં દ્રવ્યનો ચોથો ભાગ, વેપારમાંથી, પ્રાપ્ત થયેલાં દ્રવ્યનો ત્રીજો ભાગ અને ખેતીથી પ્રાપ્ત થયેલાં દ્રવ્યનો વીસમો ભાગ દાનમાં અર્પણ કરી દેવાથી ખેડૂતને પાપ લાગતું નથી.૭૦
હે વિપ્ર !
જો ધર્મસાથે ખેતી કરવામાં આવે તો આ કલિયુગને વિષે આના સિવાયની બીજી કોઇ આજીવિકાવૃત્તિ શ્રેષ્ઠ નથી, તેમજ ખેતી જેવું બીજે સુખ નથી.૭૧
અને ખેતી કરવાથી અન્નરહિતપણું કે નિર્વસ્ત્રપણું ક્યારેય પ્રાપ્ત થતું નથી. અસન-વસન આદિ સર્વે સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે, તેથી આતિથ્ય સત્કારમાં પણ સરળતા રહે છે અને તેને આપત્કાળનો પ્રસંગ જ નથી આવતો.૭૨
હે વિપ્રવર ! પરાશર મહર્ષિના મતથી જ બ્રાહ્મણાદિ ત્રણે વર્ણના જનોએ જે ખેતી કરવાનો વિધિ છે તે તમને મેં કહ્યો, તે પ્રમાણે વિધિનું અનુસરણ કરવું, અહીં વિસ્તારના ભયથી સર્વે વિધિ ટૂંકમાં કહ્યો છે, વિશેષ વિસ્તાર બૃહત્પરાશર સ્મૃતિ થકી જાણી લેવો.૭૩
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ધર્મનો ઉપદેશ કરતાં ભગવાન શ્રીહરિએ ગૃહસ્થોના ધર્મમાં ખેતીકર્મ કરવાના વિધિનું નિરૃપણ કર્યું, એ નામે પંદરમો અધ્યાય પૂર્ણ થયો. --૧૫--