અધ્યાય - ૧૮ - ગૃહસ્થના સદાચાર ધર્મમાં ત્યાગ કરવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય કર્મોનું નિરૃપણ.
ગૃહસ્થના સદાચાર ધર્મમાં ત્યાગ કરવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય કર્મોનું નિરૃપણ. ગૃહસ્થે અવશ્ય છોડવાનાં દશ કર્મો.
ભગવાન શ્રીનારાયણ મુનિ કહે છે, હે બ્રહ્મન્ !
ગૃહસ્થ પુરુષે પ્રતિદિન પ્રાતઃ સ્નાનાદિ કર્મમાંથી પરવારીને ગુરુને વંદન કરવા અને ગુરુજનોએ પણ વંદન કરતા શિષ્યને શુભાશિષ આપવા.૧
શિષ્યે પોતાના આચાર્ય, ઉપાધ્યાપક, માતા, પિતા, ગુરૃ, ધર્મવૃદ્ધ અને વયોવૃદ્ધને સર્વપ્રકારે નમસ્કાર કરવા.૨
જે ગુરુ થકી લૌકિક, વૈદિક તથા આધ્યાત્મિક જ્ઞાનનો સ્વીકાર કરેલો હોય તે ગુરૃને પ્રથમ નમસ્કાર કરવા.૩
પાખંડી, પતિત, નાસ્તિક, ગોવધ કે સ્ત્રીસંગાદિ પાપથી દૂષિત થયેલા, સાધુ દ્રોહી અને કૃતઘ્ની ગુરૃનો ગૃહસ્થે ત્યાગ કરી દેવો, તેમને નમસ્કાર પણ કરવા નહિ.૪
હે વિપ્ર !
શિષ્યે કોઇ કાર્યને માટે શીઘ્રગતિ કરતા, રોગથી વિક્ષિપ્ત ચિત્તવાળા, સ્નાન, ઉત્સર્ગ, દંતધાવન તથા ઉલટી કરતા ગુરૃને નમસ્કાર કરવા નહિ.૫
જપ કરવા બેઠેલા, યજ્ઞામાં બેઠેલા અને નિયમ કરવા તત્પર થયેલા તથા સમિધ, પુષ્પો, દર્ભ, અગ્નિ, જળપૂર્ણપાત્ર અને ભિક્ષાનું અન્ન લઇને જતા ગુરુને પણ નમસ્કાર કરવા નહિ. આ પ્રમાણે ગુરૃને વિક્ષેપ થાય એવા પ્રસંગે અભિવાદન ન કરવા.૬
વળી ગૃહસ્થે દેવતાની પ્રતિમા, સંન્યાસી, વૈષ્ણવ ભક્ત કે સાધુને જોઇને તત્કાળ નમસ્કાર કરવા. જો નમસ્કાર ન કરે તો પ્રાયશ્ચિતનો અધિકારી થાય છે.૭
તેવીજ રીતે ગૃહસ્થ સ્ત્રીઓએ પણ પોતાની સાસુ આદિક વડિલ સ્ત્રીઓને તથા દીક્ષા આપનાર ગુરુસ્ત્રીને પણ નમસ્કાર કરવા. તે પ્રણામ કરનારી સ્ત્રીએ સામે રજસ્વલા, પ્રસૂતા અને પાપિણી નારીને વંદન ન કરવા.૮
જે પુરુષ ગુરુ આદિક સર્વેને નિત્ય વંદન કરે છે, તથા ધર્મવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધોનું સેવન કરે છે, તે પુરુષનાં આયુષ્ય, બુદ્ધિ, યશ અને બળ આ ચાર રૃડી રીતે વૃદ્ધિ પામે છે.૯
ગૃહસ્થે અવશ્ય છોડવાનાં દશ કર્મો :- હે વિપ્ર ! શરીરથી ત્રણ પ્રકારનાં કર્મો, વાણીથી થતાં ચાર પ્રકારનાં કર્મો અને મનથી થતાં ત્રણ પ્રકારનાં કર્મોનો ગૃહસ્થે ત્યાગ કરી દેવો.૧૦
તેમાં જીવહિંસા, પદાર્થની ચોરી, અને પરસ્ત્રીનો અંગસંગ, આ ત્રણ શરીરથી થતાં કર્મો છે.૧૧
અસત્ય ઉચ્ચારણ, ગાળ આદિકનું પ્રલપન, ચાડીચુગલી અને પરને પીડાદાયક મિથ્યાવાદ, આ ચાર વાણીના કર્મો છે.૧૨
પારકા ધનનું ચિંતવન, પરને માટે તેના પુત્ર મરણ કે ધનાદિક નાશના અનિષ્ટનું ચિંતવન અને વેદોક્ત અર્થમાં નાસ્તિકભાવ આ ત્રણ મનના કર્મો છે, જે સદંતર ત્યાગ કરવા યોગ્ય છે. તેનો સર્વપ્રકારે ત્યાગ કરવો.૧૩
ગૃહસ્થે પોતાનો શત્રુ પણ જો પોતાને ઘેર આવે તો યથાયોગ્ય આતિથ્ય સત્કાર કરવો, જેમ વૃક્ષ પોતાનું છેદન કરવા આવનાર વ્યક્તિને પણ છાયા આપે છે. પરંતુ છાયાનો સંકેલો કરી લેતું નથી.૧૪
વળી ગૃહસ્થે નિષેધ કરેલા અમાવાસ્યાદિ દિવસોની રાત્રીએ પણ પોતાની સ્ત્રીનો સંગ ન કરવો. તેવી જ રીતે રજસ્વલા પત્નીનો, તથા ઋતુકાળ પ્રાપ્ત થયો ન હોય એવી પત્નીનો, તથા ચાંદ્રાયણાદિ વ્રતોમાં રહેલી પત્નીનો અને તાવ આદિકથી પીડાતી પત્નીનો સંગ ન કરવો. તેમજ પરસ્ત્રીનો સંગ તો કદાપિ ન કરવો.૧૫
જે ગૃહસ્થ પુરુષ કામાસક્ત થઇ વ્રતપરાયણ પોતાની પત્નીનો સંગ કરી વ્રતભંગ કરાવે છે, તે પુરુષ કુંભીપાકમાં રંધાય છે.૧૬
લસણ, સફેદ વૃંતાક, ડુંગળી, ગાંજો, ગુંજન-લસણને લગતું કોઇ કંદ વિશેષ છે,(ગાજરનો નિષેધ નથી) અને કલિંગડું વિગેરેનો બુદ્ધિમાન પુરુષે ક્યારેય પણ ખાવામાં ઉપયોગ કરવો નહિ.૧૭
ઉગતા અને અસ્ત પામતા સૂર્યને જોવો નહિ. તેમજ મધ્યાહ્નના સૂર્યને, રાહુએ ગ્રસેલા ગ્રહણ યુક્ત સૂર્યને અને જળમાં પ્રતિબિંબિત સૂર્યને પણ જોવો નહિ.૧૮
વળી દેવમંદિર, બ્રાહ્મણ, ગાય, મધ, ખોદેલી માટી, ઘી, જાતિવૃદ્ધ-બ્રાહ્મણ, (પોતાથી ઊંચ જાતિને જાતિવૃદ્ધ કહેવાય છે,) વિદ્યાવૃદ્ધ, તપોવૃદ્ધ, પીપળો, આસોપાલવ, તથા પ્રતિમા આદિક બનાવવાના ઉદ્દેશથી ઉછેરવામાં આવતુ વૃક્ષ, ગુરુ, જળ ભરેલો ઘડો, રાંધેલું અન્ન, દહીં અને સરસવ આ દેવમંદિરાદિ સત્તરને પ્રદક્ષિણાના ક્રમથી નીકળવું અર્થાત્ જમણી બાજુએથી નીકળવું.૧૯-૨૦
માર્ગમાં ચાલતા વૃદ્ધ, ભાર ઉપાડીને જનાર વ્યક્તિ, રાજા, સ્નાતક, સ્ત્રી, રોગી, વરરાજા, ગાડાંવાળો, દારૃ પીધેલો, ઉન્મત્ત- ગાંડો અને ત્યાગી સાધુ આટલાને માર્ગ આપી દેવો.૨૧
માર્ગે ચાલી થાકી ગયેલા, વેદ ભણેલા, શ્રોત્રિય, ત્યાગી સાધુ અને ભૂખ્યા જનને પ્રેમથી પોતાની શક્તિ પ્રમાણે યથાયોગ્ય ભોજન કરાવવું અને યથાયોગ્ય આદર આપવો.૨૨
જે વિપ્રના જઠરાગ્નિના કોઠામાં પડેલું અન્ન વેદાભ્યાસ કરતાં અથવા ભગવાનની કથા-વાર્તા કરતાં પચી જાય તેવો વિપ્ર, જમાડનાર દાતાની દશ આગળની દશ પાછળની અને એક દાતા પોતે એમ એકવીશ પેઢીનો ઉધ્ધારક થાય છે.૨૩
સ્વધર્મમાં રહી ભગવાનનું ભજન કરતા અતિથિઓને રૃડી રીતે ભોજન કરાવી તેમનાં ગામ સુધી વળાવવા પાછળ જવું. સર્વે મનુષ્યોની સાથે વિનયપૂર્વક વર્તન કરવું, અને ભગવાનના ભક્તોની સાથે વિશેષપણે વિનયયુક્ત વર્તન કરવું.૨૪
નિંદાદિ દોષ રહિતના બ્રાહ્મણે આપેલા આમંત્રણ વિના પારકા ઘરના ભોજનમાં આસક્તિ રાખવી નહિ. હાથ, પગ અને વાણીની ચંચળતાનો ત્યાગ રાખવો, અને અતિ ભોજનનો પણ ત્યાગ કરવો. કારણ કે અતિ ભોજન રોગનું મૂળ કહેલું છે.૨૫
વિપ્ર આદિક ચારે વર્ણના જનોએ ભોજન કરવાના સમયે ભોજન પાત્રની નીચે જાતિના અનુક્રમ પ્રમાણે ચતુષ્કોણ, ત્રિકોણ, વર્તુળ અને અર્ધચંદ્રના આકારવાળા મંડળની ગોમય કે ગોમૂત્રથી રચના કરવી.૨૬
ભોજનની શરૃઆતમાં પ્રથમ પ્રાણરૃપી અગ્નિમાં હોમ કરવાના વિધિથી ''સ્વાહા'' જેના અંતમાં હોય અને ''ઁકાર'' જેની આગળ હોય તેવા પંચપ્રાણ અને એક 'આત્મ' શબ્દ એમ ''ઁ પ્રાણાય સ્વાહા'' આદિક છ મંત્રોથી છ આહુતિ આપવી.૨૭
તેમાં તર્જની, મધ્યા અને અંગૂઠાવડે પ્રથમ પ્રાણની આહુતિ. કનિષ્ઠિકા, અનામિકા અને અંગૂઠાવડે અપાનની આહુતિ, મધ્યમા, અનામિકા અને અંગૂઠાવડે વ્યાનની આહુતિ, મધ્યમા, અનામિકા, કનિષ્ઠિકા અને અંગૂઠા વડે ઉદાનની આહુતિ અને સર્વે આંગળીઓ સાથે અંગૂઠાવડે સમાનની આહુતિ, તેમજ આત્મ શબ્દથી છેલ્લી અંતર્યામી પરમાત્માની છઠ્ઠી આહુતિ અર્પણ કરવી. દ્વિજાતિ પુરુષોએ આ છ આહુતિ આપતી વખતે દાંતનો સ્પર્શ કરાવ્યા વિના સીધા જીભથી ગ્રાસ ગ્રહણ કરવા.૨૭-૩૦
ગૃહસ્થ દંપતીએ પ્રથમ સંન્યાસી, વૃદ્ધ, બ્રહ્મચારી, ગર્ભવતી સ્ત્રી,રોગી, બાળક, અતિથિ અને નોકરને જમાડીને પછીથી બચેલું અન્ન જમવું.૩૧
શ્રીકૃષ્ણ, શ્રીરામ, અને વામન ભગવાનના પ્રાગટયને દિવસે તથા સર્વે એકાદશીને દિવસે અને શિવરાત્રીને દિવસે ગૃહસ્થે આપત્કાળ પડયા વિના અન્ન જમવું નહિ.૩૨
વૈષ્ણવ એવા ગૃહસ્થોએ પરતંત્રતા વિના કે આપત્કાળ વિના ઉપરોક્ત વ્રતના દિવસોમાં વેપાર આદિક વ્યવહારિક કામો ક્યારેય પણ કરવાં નહિ.૩૩
ગૃહસ્થે પોતાની પત્નીની સાથે ભોજન ન કરવું, અને પત્ની જમતી હોય ત્યારે જોવી નહિ, છીંક કે બગાસું ખાતી હોય અથવા નિરાંતથી બેઠેલી પત્નીને પણ જોવી નહિ.૩૪
તેમજ પોતાની આંખોમાં આંજણ આંજતી, શરીરે તેલમર્દન કરતી, ઉઘાડા અંગવાળી, પ્રસૂતિમાં રહેલી અને મળમૂત્રનો ઉત્સર્ગ કરતી પત્નીને પણ જોવી નહિં.૩૫
હે વિપ્ર !
વળી ગૃહસ્થે ક્યારેય પણ પ્રાતઃ કે સાયં સંધ્યા સમયે શયન કરવું નહિ, દિવસે તથા રાત્રીના પહેલા અને છેલ્લા યામમાં પણ શયન કરવું નહિ, અપવિત્ર અંગે પણ શયન કરવું નહિ. તેમજ બન્ને સંધ્યાસમયે ભોજન ન કરવું.૩૬
જે પુરુષો શયન કરતી વખતે પરશુરામ, કાર્તિકસ્વામી, હનુમાનજી, ગરૃડજી અને ભીમસેનને નિત્ય યાદ કરે છે, તેને ખરાબ સ્વપ્નો આવતાં નથી. વળી પોતાનું જ દૂધ પીતી ગાયની વાત ગાયના માલિક કે બીજાને કહેવી નહિ અને ગાયને રોકવી પણ નહિ, વરસાદમાં દેખાતું ઇન્દ્રધનુષ બીજાને દેખાડવું નહિ અને ફરીવાર પોતાને જોવું નહિ, શૂન્યાગારમાં ક્યારેય પણ એકલા શયન ન કરવું, માર્ગમાં એકલા ન ચાલવું.૩૮
રજસ્વલા ધર્મમાં રહેલી સ્ત્રીની સાથે થોડું પણ બોલવું નહિ. એકાંત સ્થળમાં અને એકલી ચાલી જતી સ્ત્રીની સાથે પણ ક્યારેય બોલવું નહિ.૩૯
મદિરાદિકનું ક્યારેય પાન કરવું નહિ, માંસાદિક અભક્ષ્ય વસ્તુનું ભક્ષણ કરવું નહિ, ન આપવા યોગ્ય વસ્તુનું દાન ન આપવું, અયોગ્ય કાર્ય કરવું નહિ.૪૦
ન બોલવા યોગ્ય નાસ્તિકાદિકની સાથે બોલવું નહિ. નિંદિત પદાર્થો- ચર્મ કે લાખ આદિ વસ્તુઓનો વેપાર કરવો નહિ. ન ત્યાગ કરવા યોગ્ય એવી પોતાની પત્ની કે પુત્રનો ત્યાગ ન કરવો. પતિત તથા મહાપાપાદિકથી જાતિ ભ્રષ્ટ થયેલા જનોની સાથે બેસવું-ઉઠવું નહિ.૪૧
કાંણા, આંધળા, વાકાં અંગવાળા, ત્રાંસુ જોનારા, વિકલાંગ, કોણીથી વાકાં હાથવાળા, પગમાં ખોડવાળા, મૂંગા, બહેરા અને રોગથી પીડિત જનોનો ગૃહસ્થે ક્યારેય પણ તિરસ્કાર કરવો નહિ.૪૨
વળી હે વિપ્ર !
ગૃહસ્થાશ્રમી જનોએ પતિ-પત્નીની વચ્ચેથી, બ્રાહ્મણ અને અગ્નિની વચ્ચેથી, શિવજી અને પોઠીયા વચ્ચેથી, વિષ્ણુ અને ગરૃડ વચ્ચેથી, ગુરૃ અને શિષ્ય વચ્ચેથી, અને બે સ્ત્રીઓ વચ્ચેથી ક્યારેય પણ નીકળવું નહિ.૪૩
દાન આપવાના સમયે, આચમન કરતી વખતે, હોમ, ભોજન, દેવતાઓનું પૂજન કે વેદાદિક શાસ્ત્રોના પાઠ કરતી વખતે ,તેમજ ગુરૃ કે દેવની આગળ પૌઢપાદથી બેસવું નહિ.૪૪
આસન ઊપર જ બન્ને પગનાં તળાં મૂકીને બેસવું,તેમજ જંઘા ઊપર,જાનું ઊપર કે સાથળ ઊપર એક પગ મુકીને બેસવું,તેને પૌઢપાદ કહેવાય છે.૪૫
હે વિપ્ર !
પોતાનું નામ, ગુરૃનું નામ, અતિ કંજૂસનું નામ, મોટા પુત્ર કે મોટી પુત્રીનું નામ અને પત્નીનું નામ, પોતાની સંપૂર્ણ આયુષ્ય ભોગવવા ઇચ્છતા ગૃહસ્થ પુરુષે ઉચ્ચારવાં નહિ.૪૬
વળી ગુરૃ, તપસ્વી, વૃદ્ધ, વિદ્વાન, સદ્ગુણી, વિષ્ણુભક્ત અને રાજા આટલાને તુંકારે બોલાવવા નહિ.૪૭
તેમજ બીજાનાં ખેતરમાં ચરતી ગાયને તે ખેતરના માલિકને દેખાડવી નહિ. રાત્રીએ પાણી પીવડાવ્યા સિવાય પશુઓને બાંધવાં નહિ, દેવ, ગુરૃ અને બ્રાહ્મણને કોઇ વ્યક્તિ કાંઇ પણ પદાર્થ અર્પણ કરતા હોય તેને નિવારવો નહિ. આત્મશ્લાઘા અને પરની નિંદા પણ ક્યારેય કરવી નહિ.૪૯
મનુષ્યે કયારેય પણ તલવાર આદિ શસ્ત્રોની સાથે તેમજ સર્પની સાથે ક્રીડા કરવી નહિ. કુવાને ઉલ્લંઘી જવાની ક્રીડા કરવી નહિ અને પગ વડે પગ ઘસીને ધોવા નહિ.૫૦
અગ્નિમાં અગ્નિ નાખવો નહિ, પોતાના ગુરૃનાં દુષ્કર્મો બીજાની આગળ કહેવાં નહિ, પરંતુ એકાંતે ગુરૃને જ વિનયપૂર્વક કહેવું જે તમે આ કરો છો તે અયોગ્ય છે. કોઇ પણ મિત્રના મરણને તથા કોઇના અંગમાં ભવિષ્યમાં થનારી રોગાદિ પીડાને પોતે જાણતા હોઇએ તો પણ સ્વયં બીજાને જણાવવી નહિ, જો જણાવે તો તેમને ચિંતા વધી જાય.૫૧
ડાહ્યા જનોએ ભોજન કરતી વખતે થાળીમાં સીધું નમક લેવું નહિ. મદ્યપાન કે પરસ્ત્રીગમન કરનાર દુરાચારીનું મુખ જોવાઇ જાય તો સૂર્યનું દર્શન કરતાં કરતાં વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું.૫૨
જે શાસ્ત્ર શ્રુતિ અને સ્મૃતિ વિરૃધનાં કૌલાગમાદિ શાસ્ત્રો હોય, પાખંડ કે નાસ્તિક ધર્મનું પ્રતિપાદન કરતાં ગૌત્તમસૂત્રાદિક શાસ્ત્ર હોય, હેતુવાદથી ધર્મમાં અધર્મપણાનું પ્રતિપાદન કરનારાં હોય, જે અનિશ્વરવાદનું પ્રતિપાદન કરનારાં હોય તે સર્વેનો બુદ્ધિમાન પુરુષોએ દૂરથી જ ત્યાગ કરી દેવો.૫૩
વળી કૂતરાંનું સ્પર્શેલું, ચકલાં આદિક પક્ષીઓના ખાતાં બચેલું, કેશ, કીટ આદિકથી યુક્ત, પત્નીના ખાતાં બચેલું એઠું અને ગાયનું સૂંઘેલું અન્ન જમવું નહિ.૫૪
મદ્ય, માંસના સ્પર્શવાળું તથા રજસ્વલાના સ્પર્શવાળું અન્ન પણ ક્યારેય જમવું નહિ, વિષ્ટાવાળી ભૂમિમાં ઉગેલા શાકાદિકનો ત્યાગ કરી દેવો.૫૫
ચૈતન્યવૃક્ષ (મૂર્તિ બનાવવા માટે ઉચ્છેરેલું) તથા માર્ગમાં છાયા માટે રોપવામાં આવેલાં વૃક્ષો ક્યારેય પણ કાપવાં નહી,પોતાનાથી વર્ણાશ્રમાદિ ગુણોથી ઉચ કે નીચની શય્યાને ઉલ્લંઘવી નહિ.૫૬
અમંગળ ચારિત્ર્યવાન થવું નહિ, અમંગળવાણી બોલવી નહિ, અધર્મના ઉપદેશથી કોઇનું દ્રવ્ય હરવું નહિ.૫૭
પોતાનું ભારવહનાદિ કામ કરાવી મજુરને છેતરવા નહિ, તેઓની સાથે ઠરાવેલું વેતન આપી દેવું. કોઇ સ્ત્રીને ધન આદિક પદાર્થ આપીને પોતામાં લોભાવવી નહિ. માદક પદાર્થ એવાં ગાંજો, ભાંગ આદિકનું ભક્ષણ કરવું નહિ.૫૮
વળી ડાહ્યા મનુષ્યોએ પોતે કરેલાં દાન પુણ્યાદિક સુકૃતનો પ્રચાર કરવો નહિ, કારણ કે કરે તો નિષ્ફળ થાય છે. પોતે કરેલાં પાપને છૂપાવવું નહિ, અને સર્વત્ર તેમનો પ્રકાશ પણ ન કરવો, પરંતુ ભગવાનના એકાંતિક સંત કે જે તેના નિવારણના ધર્મને જાણતા હોય તેમની આગળ કહેવું. અને તે જે પાપનું પ્રાયશ્ચિત કહે તે તત્કાળ કરવું, હમેશાં સત્શાસ્ત્રોક્ત સ્વહિતનું કર્મ જ કરવું, પોતાને બંધન ન થાય તેનું ધ્યાન રાખી સર્વ જીવપ્રાણીમાત્ર ઉપર દયા કરવી.૫૯
અવસ્થા, વર્ણાશ્રમને યોગ્ય કર્મ, પોતાનું ધન, શાસ્ત્રનો અભ્યાસ, કુટુંબ, શરીરનું બળ, વાણીની ચતુરાઇ અને બુધ્ધિ, આ સર્વેને અનુરૃપ થઇ કર્મનું આચરણ કરવું.૬૧
બ્રાહ્મણનું અને દેવ-ધર્માદાનું ધન પ્રાણાવસાન સમય આવી જાય તો પણ લેવું નહિ. કારણ કે તે કાળકૂટ ઝેર કરતાં પણ અધિક ભયંકર કહેલું છે.૬૨
માલિકે અર્પણ કર્યા વિનાની કોઇની વસ્તુ લેવી નહિ, કારણ કે જીવને દુઃખ આપનાર ચોરી જેવું બીજું કોઇ પાપ નથી.૬૩
ધર્મકાર્યને માટે પણ ક્યારેય જો કાષ્ઠ, ફળ, તૃણ, પુષ્પ આદિકનું ગ્રહણ કરે તો પણ તેનું પતન થાય છે.૬૪
કોઇના ઉપર મિથ્યાપવાદનો આરોપ મૂકવો નહિ, કારણ કે તે સૂર્ય ચંદ્ર તપે ત્યાં સુધી પૂયોદ નામના નરકમાં નાખનાર છે.૬૫
હમેશાં સત્ય બોલવું, અને સત્ય ભાષણથી બીજાનો દ્રોહ ન થાય તો તેમની સમાન કોઇ પુણ્ય નથી. એમ પ્રજાપતિ બ્રહ્માજીએ કહ્યું છે.૬૬
પૂર્વે બ્રહ્માજીએ અહિંસામય એક હજાર અશ્વમેધયજ્ઞો અને સત્યની તુલાયંત્રથી તુલના કરી તો તે બન્નેના મધ્યે સત્ય અધિક સાબિત થયું.૬૭
જો કે સ્ત્રીની સન્મુખ, કોઇની મશ્કરીમાં, પોતાની આજીવિકાવૃત્તિ ટકાવવા, વિવાહના કામમાં, પ્રાણસંકટમાં હોય ત્યારે તથા ગાય, બ્રાહ્મણ અને ગુરુનું કામ સિદ્ધ કરવું હોય ત્યારે ખોટું બોલવામાં દોષ લાગતો નથી.૬૮
હમેશાં મંગલકારી વાણી બોલવી. બીજાનું હમેશાં મંગલ વિચારવું. આલોકમાં સાધુપુરુષોનો જ સમાગમ કરવો. અભદ્ર- અમંગલ પુરુષોનો સંસર્ગ કરવો નહિ.૬૯
શાસ્ત્રોની મર્યાદાને ઉલ્લંઘન કરીને વર્તનાર તથા ઉન્મત્ત કે મદિરાપાનાદિકથી મત્ત જનોની સાથે ક્યારેય પણ મૈત્રી કરવી નહિ.તેમજ જે વિનય રહિત હોય,જે અશ્લીલ પ્રવૃત્તિવાળા હોય,જે ચોરી આદિક કર્મ કરી દુષિત થયેલા હોય એમની સાથે પણ કયારેય મિત્રતા કરવી નહી.૭૦
નિરર્થક ધનનો બગાડ કરવાના સ્વભાવવાળા પુરુષોની સાથે બેસવું નહિ, જરૃરી ધન વાપરવાનું હોય ત્યાં પણ લોભ કરનારા જનોની સાથે પણ બેસવું નહિ. અતિશય વેરી સ્વભાવવાળા જનોની સાથે પણ બેસવું નહિ, સદાય અસત્ય જ બોલતા હોય, ક્રૂર સ્વભાવના હોય, સ્ત્રીમાં આસક્ત કે સ્ત્રીને વશ વર્તતા હોય તથા લોકનિંદિતજનો હોય, તેમની સાથે પણ ક્યારેય બેસવું નહિ.૭૧
જે દ્યુતક્રીડામાં આસક્ત હોય, પોતાનાથી ગુણોમાં હલકા હોય, વેશ્યાગામી હોય, ધનથી દુર્બળ હોય, ને ભાગ્યને ભરોસે બેસી રહેનારો હોય તેવા પુરુષોની સાથે ક્યારેય પણ બેસવું નહિ.૭૨
જે સદાચાર-પરાયણ વર્તતા હોય, વિદ્યા અને વિનયથી સંપન્ન હોય, હમેશાં ઉદ્યોગશીલ રહેતા હોય અને સત્પુરુષ હોય તેમની સાથે જ મૈત્રી કરવી.૭૩
અગાધ જળમાં તરવા માટે કે સ્નાન કરવા માટે ડૂબકી ન મારવી, બળી રહેલા ઘરમાં અતિ પ્રિય વસ્તુ લેવા માટે પણ પ્રવેશ ન કરવો, વૃક્ષની ટોચ ઉપર ચઢવું નહિ. દાંતને અરસપરસ ઘસી કટકટ અવાજ ન કરવો.૭૪
હમેશાં રાત્રીને સમયે ચોવાટાનું, ચૈતન્યવૃક્ષનું, સ્મશાનનું, કુત્રિમ વનબગીચાનું અને દુષ્ટ સ્ત્રીઓનું સાનિધ્ય છોડી દેવું.૭૫
ક્યારેક ધનહાની થાય તેને સહન કરવી,પરંતુ વેરભાવથી થતા ધનપ્રાપ્તિનો ત્યાગ કરવો, ગુરુની આગળ ઊંચા આસન ઉપર બેસવું નહિ.૭૬
જે ગૃહસ્થપુરુષ મત્સર રહિત થઇ ક્રોધ પામેલા સર્વે પોતાના ભાઇઓને શાંત પમાડે છે, તેમજ ભયભીત જનોને આશ્વાસન આપી તેમનો ભય દૂર કરે છે, તેને માટે સ્વર્ગનું સુખ પણ અલ્પ સમાન છે. અર્થાત્ તેને તેનાથી પણ અધિક સુખની પ્રાપ્તિ થાય છે.૭૭
જે પુરુષની જીભ વિનયવાળી હોય, પત્ની, પુત્ર, ભાઇ, મિત્ર અને નોકર ચાકર સર્વે વિનયવાળા હોય તો તે પુરુષને સર્વત્ર જયાં જાય ત્યાં ગૌરવ પ્રાપ્ત થાય છે.૭૮
મનુષ્યે ઊંચે જોતાં કે આડું અવડું જોતાં કે દૂર જોતાં ચાલવું નહિ, પરંતુ પોતાની આગળ પૃથ્વી પર ચાર હાથ જેટલી દૃષ્ટિને પ્રસારીને ચાલવું.૭૯
જો પોતાનો પાછળ વંશ હોય તો સર્વસ્વનું દાન આપત્કાળમાં પણ ક્યારેય કરવું નહિ, પત્ની, શરણાગત જીવ, કુલ પરંપરાની આજીવિકા અને પુત્રો આટલાનું આપત્કાળમાં પણ ક્યારેય દાન કરવું નહિ.૮૦
પોતે લીધેલાં ઋણને દઇ ચૂક્યા હોઇએ તે, પોતાનો વંશ, વસ્તુનું આદાન પ્રદાન, કન્યાદાન અને ગુણનો ઉત્કર્ષ થયો હોય તે, આટલાં વાનાં ક્યારેય પણ ગુપ્ત ન રાખવાં પણ જાહેર કરી દેવાં.૮૧
જાતકર્માદિક સંસ્કારનું જમવામાં દોષ નથી. પ્રેતશ્રાદ્ધનું અન્ન જમવું નહિ, તેમજ શ્રાદ્ધ કરીને બીજાના શ્રાદ્ધમાં જમવા જવું નહિ.૮૨
ગ્રામ્યગીત-પ્રિય, વાદ્યપ્રિય અને નૃત્યપ્રિય ન થવું. રાત્રીએ પેટ ભરીને ક્યારેય જમવું નહિ. બળદની પીઠ ઉપર ક્યારેય બેસવું નહિ. બાહુબળે નદી તરવી નહિ.૮૩
અધર્મીજનો અને પાખંડીજનો જે ગામમાં ઘણા રહેતા હોય, તથા જે ગામને દુષ્ટ રાજા પીડતો હોય તે ગામમાં વસવાટ કરવો નહિ, તથા જે ગામમાં પોતાની આજીવિકાવૃત્તિ ન ચાલે તે ગામમાં પણ રહેવું નહિ.૮૪
જે ગામમાં ધર્મનિષ્ઠ રાજા હોય, ભણેલો બ્રાહ્મણ હોય, જળવાળી નદી વહેતી હોય, ધન ધીરે એવા ધનવાન ગૃહસ્થ રહેતા હોય અને વૈદ્યરાજ વસતા હોય તેવા ગામમાં સુખેથી નિવાસ કરવો.૮૫
જે ગામમાં સર્વે જનો એકમના થઇને ન્યાયનીતિથી રહેતા હોય, જ્યાં મત્સર રહિત જનો હોય, ત્યાં નિવાસ કરવો તે સુખપ્રદ થાય છે.૮૬
પોતાના દાંતથી રોમ અને નખને ક્યારેય તોડવા નહિ. તેમજ નખ વડે કરીને નખ છેદવા નહિ અને તૃણનું પણ છેદન કરવું નહિ.૮૭
જે કર્મ આવનારા સમયમાં શુભફળ આપનારું ન હોય તેવા કર્મનો પ્રયત્ન પૂર્વક ત્યાગ કરી દેવો. પોતાના કે પારકાના ઘરમાં આપત્કાળે નીકળવાના માર્ગેથી સામાન્યપણે નીકળવું નહિ.૮૮
વળી પુરુષોએ પાસાઓથી જુગાર ન રમવો, ધર્મનો ધ્વંશ કરનારા જનોની સાથે ક્યારેય બેસવું નહિ. નગ્ન શયન ન કરવું, નગ્ન થઇ જળમાં પ્રવેશ કરવો નહિ.૮૯
રોગાદિ પીડા ન હોય તો કોઇ નિમિત્ત વિના પોતાનાં નાક, મુખ, કાન આદિ ઇન્દ્રિયોના છીદ્રોનો સ્પર્શ કરવો નહિ. ગુહ્ય ઇન્દ્રિયના રુંવાળાનો પણ સ્પર્શ કરવો નહિ, કારણ કે તેના સ્પર્શથી અપવિત્રતા થાય છે.૯૦
હાથ-પગ ધોયેલું જળ, મૂત્ર, જમતાં બચેલું અન્ન, થુંક, કફ અને શ્લેષ્મ-નાકનો મળ ઘરથી દૂરના પ્રદેશમાં ફેંકવો.૯૧
બે હાથે માથું ખંજવાળવું નહિ. પોતાના હાથથી પોતાના અંગ ઉપર મૃદંગની જેમ વગાડવું નહિ. નિમિત્ત વિના આક્રોશ ન કરવો અને હાથેથી દાઢી મુંછાદિકના વાળ ઉખાડવા નહિ.૯૨
પૂર્વે ભેળી કરેલી સંપત્તિથી રહિત થઇ જવાય તો પણ પોતાના આત્માને અવગણવો નહિ, પરંતુ સંપત્તિ પ્રાપ્ત કરવા ન્યાયનીતિથી વધુ પ્રયત્ન કરવા, કારણ કે હમેશાં ઉદ્યમશીલ જનોને સંપત્તિ અને વિદ્યા દુર્લભ રહેતાં નથી.૯૩
હે માનદ વિપ્ર ! હમેશાં સત્ય બોલવું, તેમાં પણ અપ્રિય એવું સત્ય અને પ્રિય એવું અસત્ય ન બોલવું. આજ સનાતન ધર્મ છે.૯૪
ગાળ્યા વિનાનું જળ કે દૂધ પીવું નહિ, જળને બહુ ઊંચી ધારાથી કે ઊભા રહીને ન પીવું, ભોજન કર્યાના સમય વિના ડાબા હાથે જળ ન પીવું. આપત્કાળમાં દોષ નથી.૯૫
એક ખરીવાળા પશુ જેવાં કે ઘોડી, ઊંટડી ને ઘેટીનું દૂધ ભોજનમાં ગ્રહણ કરવું નહિ, વિયાવાને દશ દિવસ ન થયા હોય તેવી ગાય, ભેંસ કે બકરીનું દૂધ પણ ઉપયોગમાં લેવું નહિ. રાત્રીએ ભોજનમાં દહીં લેવું નહિ.૯૬
ત્રણે વર્ણના મનુષ્યોએ મદ્યનું પાન તો સર્વદા ન કરવું, અને માંસનું ભક્ષણ પણ ન કરવું, જો કરે તો તે હિંસાનો દોષ લાગવાથી નરકની પ્રાપ્તિ થાય છે.૯૭
અણસમજુ ને અવિવેકી પુરુષ પોતાના શરીરને પુષ્ટ કરવા માટે માંસભક્ષણ કરવા જીવહિંસા કરે છે, તે દુરાચારીને આલોકમાં કે પરલોકમાં ક્યાંય સુખ પ્રાપ્ત થતું નથી.૯૮
ખડગ આદિકથી સાક્ષાત્ પશુનો વધ કરનાર, આવી પ્રવૃત્તિની અનુમતિ આપનાર, તેને રાંધવા આદિકનો સંસ્કાર કરનાર, માંસ ખાનાર, રૃપિયા આપીને માંસ ખરીદ કરનાર, માંસ વેચનાર, ખરીદનારના ઘેર ઉપાડીને લઇ જનાર અને કટકા કરનાર, આ આઠ જણને હિંસક જાણવા.૯૯
લીલી શીંગોમાં રહેલી વાલ અને તુવેરને જો ફોલ્યા વિના એમને એમ ભઠ્ઠામાં સેંકેલી હોય તો તે વાલ કે તુવેરને ખાવી નહિ. કારણ કે તેમાં સૂક્ષ્મ જંતુઓ શેકાઇ જવાનો સંભવ છે.૧૦૦
ગૃહસ્થજનોએ સ્વર્ગપ્રાપ્તિની ઇચ્છાથી પ્રયાગાદિ તીર્થોમાં ક્યારેય પણ આત્મઘાત કરવો નહિ. તેમજ ઝેર ખાઇને કે ગળે ટૂંપો ખાઇને કે કૂવે પડીને પણ આત્મઘાત કરવો નહિ.૧૦૧
બ્રાહ્મણ જો સામે મળે તો તેમને કુશળ સમાચાર પૂછવા, ક્ષત્રિય સામે મળે તો આરોગ્ય વિષયક પ્રશ્નો પૂછવા અર્થાત્ આરોગ્યની પૂછા કરવી. વૈશ્ય સામે મળે તો સુખના સમાચાર પૂછવા અને શૂદ્ર સામે મળે તો સંતોષના સમાચાર પૂછવા.૧૦૨
ચાડીચુગલી, પરસ્ત્રી, ક્રોધ, દ્રોહ, ખોટું બોલવું, ચોરી, દ્વેષ, દંભ તથા કપટ આટલા વાનાં ગૃહસ્થે દૂરથી છેડી દેવા.૧૦૩
પોતાના જન્માક્ષર, મૈથુન, મંત્ર, ઘરનાં છિદ્રો, અન્યની સાથે કરેલી છેતરપીંડી, પોતાનું આયુષ્ય, પોતાના ધનનું પ્રમાણ, ક્યાંક થયેલું પોતાનું અપમાન અને પત્ની આટલી બાબત હમેશાં ગુપ્ત રાખવી.૧૦૪
વેદ, બ્રાહ્મણ, દેવતા, રાજા, સાધુ, તપસ્વી અને પતિવ્રતા સ્ત્રીઓની નિંદા ક્યારેય પણ કરવી નહિ.૧૦૫
કોઇ પણ મનુષ્યની સ્તુતિ ન કરવી, પોતાની અવગણના ન કરવી, વાણીવેગ એટલે બહુ બકવાસ, મનોવેગ એટલે અનેક પ્રકારના પદાર્થો પામવાના તીવ્ર સંકલ્પો અને જીહ્વાવેગ- જુદા જુદા રસ ચાખવા આદિ આસક્તિનો ત્યાગ કરી દેવો.૧૦૬
કોઇ પણ દેહધારી મનુષ્ય મોટા સંકટમાં આવી પડયો હોય ને તેને તે સમયે જે ધન આપીને સંકટમાંથી ઉગારી લેવામાં આવે, તે ધન આલોક અને પરલોક બન્ને જગ્યાએ અનંતફળને આપનારું થાય છે.૧૦૭
જે પુરુષ પોતાનું ધન ખર્ચી, માતા પિતા વિનાના દ્વિજાતિના જનોને યજ્ઞોપવીત સંસ્કાર કે વિવાહ આદિ સંસ્કાર કરાવે છે, તેને અનંતગણું પુણ્ય થાય છે.૧૦૮
એક દ્વિજાતિ કુમારને આવા સંસ્કારો કરાવી આપવાથી મનુષ્ય જે સુકૃત પામે છે, તેવું સુકૃત અગ્નિહોત્રથી પામતો નથી. તેમજ અગ્નિષ્ટોમાદિ યજ્ઞો કરીને પણ પામતો નથી.૧૦૯
જે સુકૃતવાન પુરુષ અનાથ વિપ્રના વિવાહ કરાવી આપે તે આલોકમાં સુખ પામી પરલોકમાં અક્ષય સુખને પ્રાપ્ત કરે છે.૧૧૦
જ્યાંનો રાજા અને પ્રજા ધાર્મિક હોય ત્યાં નિવાસ કરવો, સદાચાર અને સદ્ગુણ પરાયણ મિત્રોની સાથે મિત્રતા કરવી, પતિવ્રતા-પરાયણ એવી સુભાર્યાની સાથે ઘરમાં નિવાસ કરવો. શિષ્યોનાં લક્ષણોથી સંપન્ન એવા સદ્ગુણી શિષ્યને રહસ્યનો બોધ કરવો.૧૧૧
જો કુરાજ્યમાં રહેતો હોય તો નિર્ભયતા ક્યાંથી થાય ? કુમિત્રની સાથે મિત્રતા કરનારને પોતાનું હિત ક્યાંથી થાય ? કુભાર્યાની સાથે ઘરમાં નિવાસ કરવાથી સુખ શાંતિ ક્યાંથી મળે ? અને કુશિષ્યની આગળ રહસ્યનો બોધ કરવાથી સુખ ક્યાંથી મળે ? તેમ કરવાથી આલોક કે પરલોકમાં દુઃખજ પ્રાપ્ત થાય છે.૧૧૨
આ પ્રમાણે અવતારી શ્રીનારાયણના ચરિત્રરૃપ શ્રીમત્સત્સંગિ-જીવન નામે ધર્મશાસ્ત્રના પંચમ પ્રકરણમાં ગૃહસ્થના સદાચાર ધર્મમાં ત્યાગ કરવા યોગ્ય અને ગ્રહણ કરવા યોગ્ય ઉપાયોનું નિરૃપણ કર્યું,એ નામે અઢારમો અધ્યાય પૂર્ણ થયો. --૧૮--