પૂર્વછાયો- એક સમે મૂળપુરૂષ, રથે બેસી સુખસાજ । દર્શન કરવા શ્યામનાં, આવ્યા છુપૈયે મહારાજ ।।૧।।
પ્રણામ કર્યો છે પ્રીતથી, મન ઉમંગ અપાર । અંગો અંગે વસ્ત્રો પેરાવ્યાં, આપ્યા રૂડા અલંકાર ।।૨।।
બેઉ કર જોડી કહે છે, સુણો શ્રી મહારાજ । અમોને આજ્ઞા કરી હતી, અવતાર ધરવા કાજ ।।૩।।
આ પૃથ્વી પર ઉદે થૈને, મુમુક્ષુ જીવને હુલાસ । મુક્ત કરી મોકલી દેજ્યો, અક્ષરમાં સુખરાશ ।।૪।।
એ કામ અમે કર્યું નથી, કારણ કહું કિર્તાર । પૃથ્વી પર ઘણા અસુરે, કર્યો તો અધર્મ ભાર ।।૫।।
તેનો નાશ કરવા રયા, એથી નાવ્યો અવકાશ । જેણે અમારી ભક્તિ કરી, તેને રાખ્યા અમપાસ ।।૬।।
ચોપાઇ- પણ અક્ષરમુકતના જેવોરે, અમથી કોઇ થયો ન એવોરે । માટે કેવા આવ્યો છું મોરારીરે, વાત ધ્યાનમાં લેજ્યો અમારીરે ।।૭।।
અક્ષરાધિપતિ સ્વયં આપરે, પુરુષોત્તમજી છો અમાપરે । પધાર્યા છો બ્રહ્માંડ માંયરે, જે મુમુક્ષુ જીવછે આંયરે ।।૮।।
તમે ને તમારા જે ભક્તરે, મળી લઇ શરણે કરો મુક્તરે । પછે પામશે અક્ષરધામરે, મળશે ત્યાં અવિચળ ઠામરે ।।૯।।
એવું સાંભળી ધર્મકુમારરે, થયા પ્રસન્ન દેવ મોરારરે । ઘનશ્યામ કહે બહુ સારુંરે, અમે માન્યું વચન તમારૂંરે ।।૧૦।।
ત્યાર પછે તે અદ્રશ થયારે, પોતાના ધામ વિષે તે ગયારે । સર્વ નિયંતા સર્વના સ્વામીરે, ઘનશ્યામ છે ધામના ધામીરે ।।૧૧।।
વળી એક દિન કોઇ સુરરે, આવ્યા દર્શન કાજ જરૂરરે । શુદ્ધસત્વગુણ અભિમાનીરે, હરિ આગળ છે નિરમાનીરે ।।૧૨।।
પેર્યાં વસ્ત્ર આભૂષણ સારરે, કંઠમાં શોભે મોતીના હારરે । એવા દેવ તેહ ઠારરે, કર્યા શ્રીહરિને નમસ્કારરે ।।૧૩।।
અમને આજ્ઞા શું મહારાજરે, કૃપા કરી કહો કાંઇ કાજરે । ત્યારે બોલ્યા છે શ્રીઘનશ્યામરે, સુણો દેવ તમે કરી હામરે ।।૧૪।।
આ પૃથ્વી પર અનંત વારરે, તમે ધરી ચુક્યા અવતારરે । પણ કોઇ મુમુક્ષુને આજરે, મુક્ત કર્યો નથી સુખસાજરે ।।૧૫।।
અમારું જે છે અક્ષરધામરે, મોકલ્યા નથી કોઇ તે ઠામરે । એવું કે છે સાંભળી અમરરે, સુણો શ્રીઘનશ્યામ સુંદરરે ।।૧૬।।
અમને સામર્થ્ય આપો જેહરે, કરીયે કામ પ્રભુજી તેહરે । તમારી આજ્ઞા નવ લોપાયરે, અમથી કામ બીજું ન થાયરે ।।૧૭।।
એમ કહી પેરાવ્યાં પટકુલરે, બીજીવાર બોલ્યા અનુકુળરે । મહાપુરૂષ અક્ષરથકીરે, તેથી પર છો તમે તો નકીરે ।।૧૮।।
તમારા સંબંધે કરી શ્યામરે, કૈક પામશે અક્ષરધામરે । વળી તમારા ભક્ત અનન્યરે, તેના સંગે થાશે કૈક ધન્યરે ।।૧૯।।
કોટી કોટીનો થાશે ઉદ્ધારરે, જાશે અક્ષરધામ મોઝારરે । એમ કહીને તે ત્રીજીવારરે, વળી વચન કરે ઉચ્ચારરે ।।૨૦।।
ધર્મ-ભક્તિ માતા પિતા સોયરે, તેમને પાપી પીડતા હોયરે । ૧શર ૨ચાપ વડેથી હુલાસરે, તેનો કરીએ અમે નાશરે ।।૨૧।।
ત્યારે હસીને બોલ્યા શ્રીહરિરે, તમે વાત કહો છો તે ખરીરે । તમે પંડે જો પ્રયાસ કરોરે, ત્યારે પાપીના પ્રાણને હરોરે ।।૨૨।।
અમે તો કરીએ ઇચ્છા માત્રરે, ગતિભંગ કરી નાખું ગાત્રરે । વળી દેવ કહે છે વચનરે, તમે સ્વામી સ્વયં ભગવનરે ।।૨૩।।
પછે કહે મારૂતિને દેવારે, તમે કરજ્યો હરિની સેવારે । કપિપતિ કહે બહુ સારૂંરે, સ્વામીનું વેણ મસ્તકે ધાર્યું રે ।।૨૪।।
કર જોડી કર્યો નમસ્કારરે,રહ્યા છે ત્યાં પવન કુમારરે । એ દેવ અવધપુર સામેરે, અદૃશ થઇ ગયા નિજ ધામેરે ।।૨૫।।
સુણો ગોમતી ગાયની વાતરે, કહું પ્રેમ વડે તે પ્રખ્યાતરે । નાની વાછડી છે તેની જેહરે, આવી ગૌશાલાથી છુટી તેહરે ।।૨૬।।
વેગે વાલિડાને પાસે આવીરે, ચાટવા લાગી છે પ્રેમ લાવીરે । વાછડીથી પડી છે વખુટીરે, ગોમતી ગાય ખીલેથી છુટીરે ।।૨૭।।
બેઠા છે શ્રીહરિ પોતે જ્યાંયરે, આવી હીંસોરા કરતી ત્યાંયરે । ઘનશ્યામની ઇચ્છાયે કરીરે, ગોમતીને વાચા થઇ ખરીરે ।।૨૮।।
વદે સુરભી ત્યાં મુખથી વેણરે, સુણો શામળીયા સુખદેણરે । અક્ષરાધિપતિ તમે પોતેરે, પુરૂષોત્તમ પ્રભુ છો જોતેરે ।।૨૯।।
વસુધાનો ઉતારવા ભારરે, ધર્યો ધર્મથકી અવતારરે । આવી છું હું તો ગોલોક થકીરે; તમને દુધ પાવાજ નકીરે ।।૩૦।।
કરી ગોલોકવાસીએ આજ્ઞારે, સત્ય કહું છું કરી પ્રતિજ્ઞારે । આજે કેમ પીધું નહિ દુધરે, ત્યારે બોલ્યા ઘનશ્યામ શુધ્ધરે ।।૩૧।।
તૃપ્ત થયા હતા સુણો તમેરે, માટે દુધ પીધું નથી અમેરે । હવેથી નિત્ય કરીશું પાનરે, એવું બોલ્યા સ્વયં ભગવાનરે ।।૩૨।।
પછી સુરભી ગઇ નીજ સ્થાનરે, એવી લીલા કરે ભગવાનરે । પોતાની યોગકલાએ કરીરે, ગુપ્ત રાખી છે પ્રભુતા હરિરે ।।૩૩।।
ધન્ય છુપૈયાપુર પાવનરે, જેમાં વસ્યા પોતે ભગવનરે । માગે છે જન્મ ત્યાં નિત્ય સુરરે, ધન્ય ધન્ય તે છુપૈયાપુરરે ।।૩૪।।
રહ્યાં અગણિત તીર્થ ત્યાંયરે, વસ્યા પુરૂષોત્તમજી જ્યાંયરે । ભવબ્રહ્મા સેવે ભરપુરરે, ધન્ય ધન્ય તે છુપૈયાપુરરે ।।૩૫।।
નિત્ય લીલાઓ કરે નવીનરે, જાણે અક્ષરધામ જમીનરે । સદાયે વર્ષે અમૃતનુરરે, ધન્ય ધન્ય તે છુપૈયાપુરરે ।।૩૬।।
જે છુપૈયાપુરમાં ફરશેરે, તેને કાળ કર્મ શું કરશેરે । મટી જાય માયાનો અંકુરરે, ધન્ય ધન્ય તે છુપૈયાપુરરે ।।૩૭।।
સેવે છુપૈયાપુર અદ્બુતરે, તેને પાસે નાવે જમદૂતરે । જીવનો ૧શિવ થાય જરૂરરે, ધન્ય ધન્ય તે છુપૈયાપુરરે ।।૩૮।।
રહે છુપૈયામાં એક રાતરે, ટળે જન્મ મર્ણ તેની ઘાતરે । તેને બ્રહ્મમોલ નથી દૂરરે, ધન્ય ધન્ય તે છુપૈયાપુરરે ।।૩૯।।
એવું છે છુપૈયાપુર ધામરે, કરે લીલા ત્યાં પૂરણકામરે । માટે સેવજ્યો સૌ નર-નારીરે, છુપૈયાપુર છે સુખકારીરે ।।૪૦।।
હવે આવ્યા દીપોત્સવી દિનરે, ત્યાં ચરિત્ર કરે છે નવીનરે । ભક્તિમાતા લિંપે ઘરમાંયેરે, બેઠા શ્રીઘનશ્યામજી ત્યાંયેરે ।।૪૧।।
એ સમે આવ્યા રામપ્રતાપરે, તેડી લીધા પ્રભુજીને આપરે । રમાડે છે બહુ રુડી પેર્યરે, ગયા છે મોતીમામાને ઘેર્યરે ।।૪૨।।
ઘણીવાર સુધી ત્યાં રમાડયારે, મામાની ઓસરીમાં બેસાર્યારે । મામીને સોંપ્યા ૨કંજવદનરે, ગયા ક્ષૌર કરાવા જોખનરે ।।૪૩।।
મામીને એક નાની છે બાળરે, તેણે રોવા માંડયું તતકાળરે। તેથી ઘરમાં ગયાં તે ચુકીરે, મહારાજને બારણે મુકીરે ।।૪૪।।
ઘનશ્યામજી વિચારે મનરે, મામી તો ગયાં નિજભવનરે । ચાલ્યા ભાખોડીયે અનુસારરે, આવ્યા આંગણાં ઓશરી બારરે ।।૪૫।।
આવીને ચારે બાજુએ જુવેરે, કોઇ દેખ્યું નહિ પછે રુવેરે । માતા બોલ્યાં સુણીને રુદનરે, ભાઇ આપ આવોને ભુવનરે ।।૪૬।।
શબ્દ સાંભળ્યો માતાનો જ્યારેરે, ત્યાંથી દોડી આવ્યા ઘેર ત્યારેરે । લિંપવાની પડીછે જ્યાં ગાર્યરે, તેની પાસે બેઠા છે મોરારરે ।।૪૭।।
હાથ નાખ્યો તેમાં ધીરે ધીરેરે, ગારો લઇ ચોળે છે શરીરરે । દેખ્યું માતાયે કામ વિચિત્રરે, ભાઇ ક્યાંથી શિખ્યા આ ચરિત્રરે ।।૪૮।।
ભક્તિમાતા ભ્રકુટી ફેરાવેરે, ડારો દૈ પ્રભુને બીવરાવેરે । છીછીછી વળગ્યું શું વીરરે, કોણ નવરાવે લાવી નીરરે ।।૪૯।।
પુત્ર શું બગાડયું બધું અંગરે, તમે ક્યાંથી શિખ્યા આવા ઢંગરે । પલમાં પ્રભુતાઇથી ઓપોરે, વળી ગારો લઇ અંગ લેપોરે ।।૫૦।।
રેવાદ્યો રેવાદ્યો ને હઠીલારે,આવા નવ થૈયે અલવીલારે । એવું કહી ગારો ભરી લીધોરે, જૈને ઓશરીમાં મૂકી દીધોરે ।।૫૧।।
થયાં સજળ લોચન સ્થિરરે, રોવા લાગ્યાછે ગુણ ગંભીરરે । એક સુતાર આવ્યો તે કાળરે, એનું નામ રૂડું નંદ લાલરે ।।૫૨।।
રોતા રોતા એની કેડે થયારે, મોટાભાઇ જાણીને ત્યાં ગયારે । ૩સૂત્રધારે તેડયા અવિનાશરે, જઇ બેસાર્યા ધર્મની પાસરે ।।૫૩।।
પોતામાં મુક્યો તો બહુ ભારરે, પરાણે તેડી લાવ્યો સુતારરે । ધર્મદેવને કે છે હુલાસરે, તમારા સુત છે અવિનાશરે ।।૫૪।।
નોય મનુષ્યનો આ પ્રકારરે, નાના બાળકમાં ક્યાંથી ભારરે । એમ કહી કર્યો નમસ્કારરે, નિજ ઘરે ગયો તે સુતારરે ।।૫૫।।
તોય રુદન કરે તે ઠામરે, છાના રેતા નથી ઘનશ્યામરે । પછે માતાએ ધોયાછે કરરે, તેડી લીધા પોતાના કુંવરરે ।।૫૬।।
લઇ ચાલ્યાં કુવાપર માતરે, નવરાવા સારુ જગતાતરે । નિર્મળ જળે કરાવ્યું સ્નાનરે, પછે આપ્યું સુખે સ્તનપાનરે ।।૫૭।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ ગાર્યનું લેપન કર્યું એનામે ચૌદમો તરંગઃ ।।૧૪ ।।