તરંગ - ૧૫ - શ્રીહરિએ યોગકલાના બળથી અસુરને નાશ પમાડયો

Submitted by swaminarayanworld on Wed, 16/08/2017 - 10:25pm

 

પૂર્વછાયો- ત્યાર પછી દિન કેટલે, બન્યો છે અદ્બુત ખેલ । છુપૈયે ચરિત્ર કરતા, અવિનાશી અલબેલ ।।૧।।

ઘેલાત્રવાડીને મોતીરામ, એ બેઉને ઘેર પ્રસંગ । જુગલબંધુના સુતને, આપે ઉપવિત અંગ ।।૨।।

સાહિત્ય સહુ લેવા જાવું, તે બેઉ થયા તૈયાર । ધર્મદેવને મોટાભાઇને, સંગે લીધા તેહવાર ।।૩।।

ચારે જણા મળી ચાલિયા, શર્ણામગંજ ગામ । વસ્ત્ર આદિ સામગ્રી સર્વે, લેવા માંડી તેહ ઠામ ।।૪।।

તેસમે ત્યાં લાગ તાકી, આવ્યા અસુર અપાર । પૂર્વનું વૈર સંભારીને, મારવા ધર્મકુમાર ।।૫।।

ચોપાઇ-મહાક્રોધી વિરોધી અસુર, પાપી આવ્યા તે છુપૈયાપુર । અતિ દુષ્ટ બુદ્ધિ ને મલીન, દુરાચારી વળી દયાહીન ।।૬।।

આવી બગીચે કર્યો પડાવ, કરવા નટવરને નડાવ । કોઇ જાણે નહિ આનો મર્મ, એમ આદર્યું કપટે કર્મ ।।૭।।

આવ્યા લશ્કર ૧વાજી અપાર, ગજરાજ કરે છે ચિકાર । અસ્ત્ર શસ્ત્ર રાખ્યાં છે તૈયાર, વાલાને મારવા છે ઠાર ।।૮।।

વાજે ગાજે ત્યાં ડંકો નિશાન, કરે વિચાર કુબુદ્ધિવાન । ગમે તે રીતે ઘાટ ઉતારો, આપણા શત્રુને આજ મારો ।।૯।।

એમ કે છે પરસ્પર વાત, બીજું કામ બન્યું અકસ્માત । મોટાભાઇને મળી એંધાણી, થઇ આકાશે ગંભીરવાણી ।।૧૦।।

તમારા ભાઇ જે ઘનશ્યામ, તે તો પ્રગટયા પૂરણકામ । ધર્મપિતાને ભક્તિ છે માતા, તમે શેષજી છો સુખદાતા ।।૧૧।।

તવ ભાઇને મારવા કાજ, આવ્યા અગણીત પાપી આજ । છુપૈયાપુર બગીચામાંય, પડયાછે પાપી આવીને ત્યાંય ।।૧૨।।

તમેતો બેઠા નિર્ભય થઇને, જુઓ સરત કરો ત્યાં જઇને । સુણી આકાશવાણીથી પેર, ત્યાંથી તરત આવ્યા પાછા ઘેર ।।૧૩।।

આવી બગીચામાં જોયું જ્યારે, મન શાંતિ પામી ગયું ત્યારે । જાણ્યું છે આતો કોઇ રાજન, જાય અયોધ્યા દેવ દર્શન ।।૧૪।।

એમ જાણી પોતે ઉભા રહ્યા, બગીચામાં નજીક તે ગયા । રમે નાનાપ્રકારે રમત, જુગટા આદિ જેહ ગમત ।।૧૫।।

કરે આસુરી માયાથી કામ, વિસ્મે પામ્યા જોઇ બલરામ; વળી છુપૈયાપુરના જન, તે પણ દેખી મોહ્યા છે મન ।।૧૬।।

તેમાંથી બે જણા મતિમૂઢ, ઉડયા આકાશમાં ગતિગૂઢ । આવ્યા છુપૈયાપુર મોઝાર, પ્રભુ પોઢયા છે જ્યાં નિરધાર ।।૧૭।।

લીધા પારણામાંથી ઉપાડી, લેઇ ચાલ્યા આકાશે અનાડી । કરી આસુરી માયા અપાર, સર્વે દિશાઓ થઇ અંધકાર ।।૧૮।।

કરવા માંડી બાણની વૃષ્ટિ, કરી સર્વનર જીવને કષ્ટિ । પુરવાસી પામ્યાં સહુ ત્રાસ, નરનારી કરે નાસાનાસ ।।૧૯।।

ભયભીત થયા ઘણું મન, સંભારે છે પોતાનાં સદન । કહે લોક હવેતે શું થાશે, ગામમાં કેવી રીતે રેવાશે ।।૨૦।।

બે અસુર બગીચામાં આવ્યા, ઘનશ્યામને તે સ્થળે લાવ્યા । લાવી સોંપ્યા અસુરાધિશને, લ્યો આ શત્રુ કરો નાશ એને ।।૨૧।।

તેને જેમ તેમ કરી મારો, વળી શસ્ત્રવડેથી વિદારો । એવું સુણીને ૧દદામાં દીધાં, પોતપોતાનાં આયુધ લીધાં ।।૨૨।।

તિખી તિખી કાઢી તરવાર, જાણે ૨તડીતનો છે આકાર । ચોધારાં ખડગ ત્યાં ચળકે, જેવી જીહ્વા કાળની લળકે ।।૨૩।।

કરે આસુર શોર બકોર, થયો શબ્દ ભયંકર ઘોર । પરસ્પર કહે શું વિચારો, ખાઓ ખાઓ એને મારો મારો ।।૨૪।।

એમ કહીને આવે સન્મુખ, વાલિડાની પાસે તે વિમુખ । પડે અગ્નિમાં જેમ પતંગ, બળીને ભસ્મ થાય છે અંગ ।।૨૫।।

આવે શશક સિંહની પાસ, નિશ્ચે એનો તો થાય જ નાશ । ૩હરિવાહન પાસેજ સર્પ, ૪પિનાકી પાસે આવે ૫કંદર્પ ।।૨૬।।

એમ આવ્યા પ્રભુની નજીક, બુદ્ધિહિન ધરે નહિ બીક । વાંકી ભ્રકુટી કરી છે વાલે, ધરાકંપ થયો તેહ કાળે ।।૨૭।।

અક્ષરાધિપતિનો જે ક્રોધ, તેને જીર્વી શકે કોણ યોધ । હરામીના હરી લીધા ગર્વ, બાળી ભસ્મ કરી દીધા સર્વ ।।૨૮।।

થયો આસુરી માયાનો નાશ, એમ જય પામ્યા અવિનાશ । જેની કાળ ધરે નિત્ય બીક, એનાથી બીજો કોણ અધિક ।।૨૯।।

હવે સુણજ્યો વિસ્મય વાત, ઘરે શું કરતાં હવાં માત । જુવે પારણા સામું જનુની, નવ દીઠા નારાયણમુનિ ।।૩૦।।

ધરિ શક્યાં નહિ મન ધીર, પડયાં મૂર્છીત થઇ શરીર । શ્વાસોશ્વાસરહિત છે અંગ, ભયભીત થયાં ગતિભંગ ।।૩૧।।

મૂર્છીત થયાં પ્રેમવતી, શોકાતુર બન્યા સહુ અતિ । પછે સર્વે થયાં સાવધાન, હવે આ શું થયું ભગવાન ।।૩૨।।

મારો ક્યાં ગયો લાડિલો પુત્ર, એના વિના સુનું ઘર સુત્ર । હા હા દૈવે દીધું ઘણું દુઃખ, ક્યારે દેખીશ પુત્રનું મુખ ।।૩૩।।

કોણ લઇ ગયું કેમ થયું, એનું ભાન મુને નવ રહ્યું । કોઇ બતાવો મારો કુમાર, ઘણો માનીશ હું ઉપકાર ।।૩૪।।

ભીંજે હૃદય તે આંસુ જળે, ઘનશ્યામ ક્યારે મુને મળે । મન મુંઝાય આવે રૂદન, થયાં માતાનાં લાલ લોચન ।।૩૫।।

એમ કરે વિવિધ વિલાપ, પ્રેમવતી પામે પરીતાપ । એટલામાં તો મારૂતિ આવ્યા, ઘનશ્યામને તે તેડી લાવ્યા ।।૩૬।।

માતાજી આ લ્યો તમારા તન, હવે ધીરજ રાખજ્યો મન । પછે કહ્યું સઘળું વરતંત, અદૃશ્ય થયા છે હનુમંત ।।૩૭।।

છુપૈયાપુરના વાસી લોક, ગયા બગીચે જોવા અશોક । જુવે તો પડયા ભસ્મ ઢગલા, પાપી ભસ્મ થઇ ગયા સઘળા ।।૩૮।।

હનુમંતે કહીતી જેપેર, સત્ય માની ગયા નિજ ઘેર । મર્ણઘાતથી ઉગર્યા નાથ, મૂર્તિ ધર્મે જાણ્યું મન સાથ ।।૩૯।।

વિધિવત કર્યાં દાન પૂણ્ય, કોઇ વાતે રાખ્યું નહિ નૂન્ય । કરાવ્યાં બ્રાહ્મણોને ભોજન, હર્ષ વાધ્યો છે સર્વને મન ।।૪૦।।

એક સમે થયો પ્રાતઃકાળ, પારણામાં રુવે ધર્મબાળ । માતાએ સુણ્યું છે રૂદન, આવ્યાં જ્યાં સુતાછે નિજ તન ।।૪૧।।

પછી ભક્તિએ પ્રેમ સહિત, લીધા ઉત્સંગે ખેદ રહિત । સ્તનપાન કરાવે છે મૂર્તિ, નથી ધાવતા અક્ષરાધિપતિ ।।૪૨।।

વળી છાના રેતા નથી શ્યામ, માતા કે કેમ કરો છો આમ । એમ કરતાં થકાં તે ઠાર, પોતામાં બહુ મુક્યો છે ભાર ।।૪૩।।

માતા કે શું કારણ છે આજ, મુક્યા પછી હેઠે મહારાજ । કહ્યું સર્વ ધર્મને વૃતાંત, જાણ્યું પુત્રને નથી નિરાંત ।।૪૪।।

ધર્મદેવે લીધા છે ઉત્સંગ, તપાસી જુએ પુત્રનું અંગ । ફેરવે શિર ઉપર હાથ, જુવો ચરિત્ર કરે છે નાથ ।।૪૫।।

ચાકળા ઉપર સુવાર્યા ચિતા, પછે પાઠ કરે છે ત્યાં પિતા । એક દૃષ્ટિ જોઇ રહ્યા પાસ, શ્રીહરિ કરવા લાગ્યા હાસ ।।૪૬।।

મટી ગયા સર્વેના ઉચાટ, ગિરિધારી કરે એવા ઘાટ। પ્રભુની માયા છે અટપટી, પાપીને તો થાય ચટપટી ।।૪૭।।

એવામાં આવ્યો એક અસુર, વૈર પૂર્વનું સંભારી ઉર । આસુરી માયા કરી આકાશ, બાણ મારે યથા અવકાશ ।।૪૮।।

કરે વૃષ્ટિ પાષાણને વૃક્ષ, અંધકાર કર્યો છે પ્રત્યક્ષ । સ્વર્ગવાસી સર્વે અકળાયા, અભ્ર મારગમાં ઝકળાયા ।।૪૯।।

છુપૈયાપુરવાસી આતુર, ચિત્ત વિષે થયા ચિંતાતુર । કરે મધુર વાણી સ્તવન, હવે સાહ્ય કરો ભગવાન ।।૫૦।।

હરિકૃષ્ણ હરે ઘનશ્યામ, ધર્મનંદન પૂરણકામ । અમારી પીડાને હરો હરો, પ્રાણપતિ રક્ષા કરો કરો ।।૫૧।।

એવાં વાક્ય સુણ્યાં સુખરૂપે, ધારી લીધાં અંતર અનુપે । બળ દાખવે આકાશે ફરે, પાપી કોઇનો માર્યો ન મરે ।।૫૨।।

આવ્યો છે મારવા મુને એહ, પરાજય કરી નાખું તેહ । પછે સંભાર્યું સુદર્શન, આવ્યું જ્યાં રહ્યા છે વૃષતન ।।૫૩।।

તેને આજ્ઞા કરી મહારાજ, છેદ્યો અસુરને કર્યું કાજ । ધર્મ-ભક્તિ સહિત તે ઠામ, કર્યા ઘનશ્યામને પ્રણામ ।।૫૪।।

હરિ ઇચ્છાથી અદૃશ્ય થયું, પોતાના સ્થાનક પર ગયું । આસુરી માયા હતી આકાશ, પછે સર્વે પામી ગઇ નાશ ।।૫૫।।

યોગકલાએ કામ કરે છે, હરિભક્તનાં દુઃખ હરે છે । એનો મર્મ કોઇ નવ જાણે, વાલિડાને તો વેદ વખાણે ।।૫૬।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ યોગકલાના બળથી અસુરને નાશ પમાડયો એ નામે પંદરમો તરંગઃ ।।૧૫ ।।