પૂર્વછાયો- શ્રોતાજન હવે સાંભળો, સર્વ થઇ સાવધાન । પાવન છુપૈયાપુરમાં, શું કરે છે ભગવાન ।।૧।।
આંબલીના તરૂતલે, ચોતરો જે સુંદર સાર । તેહના હેઠે સહુ બેઠા, આનંદભેર અપાર ।।૨।।
દુંદત્રવાડી ત્યાં બોલિયા, પોતાના પુત્રની સાથ । વૃક્ષ ઉપર ચડી જુવો, મોતીરામ સનાથ ।।૩।।
આવે છે મોટું સૈન્ય જાણે, મુને ભાસે છે એમ । માટે નક્કી કરો આ સમે, તો ટળે મારો વેમ ।।૪।।
એવું સુણી ઉભા થયા છે, મોતીત્રવાડી જ્યાંય । શ્રીહરિએ રૂપ વધાર્યું, આકાશ મારગે ત્યાંય ।।૫।।
ચોપાઇ- આંબલી વૃક્ષથી મહારાજ, શ્રીહરિ વધ્યા કરવા કાજ । જોયું દિશાઓમાં જગદીશ, સૈન્ય આવતું દેખ્યું જે દિશ ।।૬।।
શિશુરૂપે થયા ઘનશ્યામ, બોલ્યા ધર્મ પ્રત્યે સુખધામ । ઉત્તરદિશે સૈન્ય જણાય, આપણા ગામ સામું તણાય ।।૭।।
માટે ચાલો દાદાજી અહિંથી, હવે જાવું છુપૈયામાંહિથી । જુવો લીલા કરે જગરાય, જોઇ ધર્માદિ વિસ્મય થાય ।।૮।।
સાથે લીધા જેવો જે સામાન, ભર્યો શકટમાંહિ નિદાન । ગાયો બેલ મહિષી એ આદ, લઇ ચાલ્યા તજીને પ્રમાદ ।।૯।।
નાગપુરે પોંચ્યા છે જરૂર, ધર્મદેવ થયા તૃષાતુર । હતું ત્યાં એક વડનું વૃક્ષ, તેના તળે બેઠા છે પ્રત્યક્ષ ।।૧૦।।
રામપ્રતાપને કહે ભાઇ, મારે તો પાણી પીવું છે આંઇ । ગમે ત્યાંથી લાવો ભાઇ ૧તોય, ત્યારે શાંતિ થશે મુને સોય ।।૧૧।।
બોલ્યા ૨અનંતજી સુખવાણી, હે દાદા હાલ લાવું છું પાણી । એવું સાંભળી શ્રીઘનશ્યામ, જયે જલ લેવા ગુણગ્રામ ।।૧૨।।
પોતાના જે સખા મહાભાગ, વેણી માધવ રામ પ્રયાગ । તેને સંગે લઇને સધાવ્યા, ચારે જણા કુવા પર આવ્યા ।।૧૩।।
વેણીરામ કહે ઘનશ્યામ, દોરીવિના શું કરવું કામ । હરિ કે તમે હિંમત રાખો, મનમાં કાંઇ ચિંતા ન દાખો ।।૧૪।।
એમ કહી લાંબો કર્યો કર, કુવો જળે ભરાયો સત્વર । કાંઠાસુધી ભરાયું છે જળ, જુવો બલવંતજીનું બળ ।।૧૫।।
લોટા ભરી લીધા લઘુવેશ, પાછા વળ્યા ત્યાંથી પરમેશ । લાવી પાયું પિતાને એહ, પાણી પીધે શાંતી પામ્યા તેહ ।।૧૬।।
વૃષદેવ કહે છે વચન, સુણો ઘનશ્યામ મારા તન । ઉંડા કુવામાંથી જળ ભર્યું, દોરીવિના કહો કેમ કર્યું ।।૧૭।।
વેણીરામે તે વૃતાંત કહ્યું, ધર્મદેવે તે ધ્યાનમાં લહ્યું । એટલામાં મોટાભાઇ આવ્યા, લોટો જળનો ભરીને લાવ્યા ।।૧૮।।
ધર્મદેવ કહે સુણો ભાઇ, ભલે લાવ્યા તમે જળ આંહિ । લાખ લોટા લાવો તમે ભરી, ગયો વખત ન મળે ફરી ।।૧૯।।
ઘનશ્યામ લાવ્યા જેહ પળે, એવો અવસર તો ન મળે । ઘનશ્યામે સાચવી જે ઘડી, તેની વાત મોટી થઇ પડી ।।૨૦।।
તમે પાણી તો લાવ્યા છો પ્રીતે, તેનું તો ફળ છે બીજી રીતે । એ વચન સુણ્યું અવિનાશ, મંદ મંદ કરે છે તે હાસ ।।૨૧।।
માતાને કરાવ્યું જળપાન, એવા દયાળુ છે ભગવાન । સુણો ત્યારપછી ત્યાં શું થયું, ઓલ્યા નવાબનું સૈન્ય ગયું ।।૨૨।।
ત્યાંથી નિર્ભે થઇ નિરધાર, સર્વ આવ્યા છુપૈયા મોઝાર । કરે એવાં ચરિત્ર કૃપાળુ, આપે આનંદ નિત્ય દયાળુ ।।૨૩।।
કૃષ્ણશર્મા ત્રવાડી કહેવાય, પ્રેમવતીના પિતા એ થાય । રેવા સારૂ ગયા તરગામ, ત્રૈણ વર્ષ રહ્યા તેહ ઠામ ।।૨૪।।
ત્યાંથી છુપૈયાપુર તે આવ્યા, સાથે વસંતાદિકને લાવ્યા । આવ્યા રમાડવા શ્રીહરિને, લીધા ઉત્સંગે હેત કરીને ।।૨૫।।
જેટલી બાયું બેઠી છે ઠામે, તેટલાં રૂપ ધર્યાં છે શ્યામે । એકેકા રૂપે સર્વને સાથ, દેખ્યા દુંદત્રવાડીએ નાથ ।।૨૬।।
મોતીરામને કહે અનુપ, જુવો પ્રભુએ ધર્યું છે રૂપ । કહે મોતી હું તો ભાળું એક, બીજાં રૂપ ન દેખું વિશેક ।।૨૭।।
એમ કેતાં સ્ત્રીઓના ઉત્સંગે, દીઠા વાલમને રસરંગે । જુદે જુદે રૂપે એમ જોયા, મોટા મોટા મુનિવર મોહ્યા ।।૨૮।।
એમ કરતાં નિશા થઇ જ્યારે, ધુન્ય આરતી કરી છે ત્યારે । પછે ચોતરા ઉપર ગયા, વશરામ આદિ સુઇ રહ્યા ।।૨૯।।
મધ્યરાત્રીએ આંગણામાંયે, એક પુરૂષ ઉભો છે ત્યાંયે । એ સમે ઘેલાત્રવાડી જાગ્યા, દેખીને દીલમાં બીવા લાગ્યા ।।૩૦।।
પછે હરિપ્રસાદને તરત, જગાડીને કહી દીધું સરત । ધર્મદેવે પુછયું જઇ પાસ, કોણ ઉભો છે મુજ આવાસ ।।૩૧।।
બોલ્યો પુરૂષ દેઇને માન, પિતાજી એ તો હું હનુમાન । આવીને ઉભો છું આણે ઠામે, મુને આજ્ઞા કરી છે શ્રી રામે ।।૩૨।।
ઇષ્ટ આજ્ઞા હું શિશ ધરૂં છું, તવ પુત્રની સેવા કરૂં છું । ઘેલા ત્રવાડી આવ્યા છે દોડી, મારૂતીને નમ્યા કરજોડી ।।૩૩।।
કરી પ્રાર્થના દઇ માન, થયા મારૂતિ અંતર્ધાન । ઘેલા ત્રવાડીયે મન ધારી, કહી સર્વેને વાત વિસ્તારી ।।૩૪।।
હવે જુવો પ્રભુનાં ચરિત્ર, સુણતાં થાય પાપી પવિત્ર । ભુખ્યા થયા હશે ભગવાન, એમ માતાએ જાણ્યું છે મન ।।૩૫।।
આપી જનુનીએ તેણીવાર, ટાઢી ખીચડી પાત્ર મોઝાર । દુધ કાઢવા જાઉં છું અમો, ધીરે ધીરે જમો ભાઇ તમો ।।૩૬।।
દોવા જાઉંછું ગોમતી ગાય, મુને વાર વધુ નહિ થાય । માતાજી ગૌશાલામાં જ્યાં પેઠાં, સુરભીને દોવા સારૂં બેઠાં ।।૩૭।।
જમવાનું પ્રભુએ મુકી દીધું, પવાલું કર પ્રભુએ લીધું । ગયા ગૌશાળામાં માતુ પાસ, દુધ પીવાની અંતરની આશ ।।૩૮।।
માતા દેખીને બોલ્યાં વચન, તમે અહિં શું આવ્યા છો તન । હજુ તો દુધની ઘણીવાર, તમે બેસો જઇ એકઠાર ।।૩૯।।
એ વચન સુણી અલબેલો, ગયા સુરભી પાસે રંગછેલો । પવાલું લઇને ઉભા થયા, અઉમાં વાસણ ધરી રહ્યા ।।૪૦।।
કર લાંબો કર્યો જેણીવાર, થવા લાગી છે દુધની ધાર । પવાલું ભરાયું તતકાળ, હેઠે બેઠા છે ભક્તિના બાળ ।।૪૧।।
દુધાતણ લાવ્યાં પ્રેમવતી, મુક્યું આંચળ તે નીચે સતી । ક્ષણ એકમાં ભરાઇ ગયું, માતાને મન આશ્ચર્ય થયું ।।૪૨।।
તેને મુકી આવ્યાં ઘરમાંયે, બીજું પાત્ર લાવ્યાં વળી ત્યાંયે । રાખ્યું આંચળ હેઠે તે સાર, તેને ભરાતાં ન લાગી વાર ।।૪૩।।
તેને ભવનમાં મુકી આવ્યાં, પાછું મોટું દુધાતણ લાવ્યાં । આવ્યાં ઓશરીમાં જ્યારે માતા, ત્યારે બોલી ઉઠયા સુખદાતા ।।૪૪।।
દીદી હવે તમે જાશો નહિ, પય નહિ નિકળે કહું સહિ । એ તો અમારી ઇચ્છાથી શ્રવ્યું, એવું કામ અમે અનુભવ્યું ।।૪૫।।
તોય માન્યું નહિ મૂર્તિમાત, ગયાં સુરભી પાસે સાક્ષાત । જુવો પય થયું છે બંધ, નથી આંચળમાં તેનો ગંધ ।।૪૬।।
પુત્રનો જોઇ પ્રૌઢ પ્રતાપ, માતા આનંદ પામ્યાં છે આપ । કર્યો તે દુધનો દુધપાક, કર્યાં જોડે બીજાં શાક પાક ।।૪૭।।
કર્યો તૈયાર સુંદર થાળ, વિષ્ણુને જમાડયા તતકાળ । શ્રીઘનશ્યામજીને જોખન, તેમને કરાવ્યાં છે ભોજન ।।૪૮।।
પછે થયાં પોતે મન શાંત, જમ્યાં થાળ પામ્યાં છે નિરાંત । વર્તે આનંદમાં એમ કાળ, બહુ વાલા લાગે છે દયાળ ।।૪૯।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી રામશરણજી સંવાદે દુંદત્રવાડીને અલૌકિક રૂપે દર્શન દીધું એ નામે સોળમો તરંગઃ ।।૧૬ ।।