તરંગ - ૫૩ - શ્રીહરિએ અસુરને મરણ પમાડયા

Submitted by swaminarayanworld on Thu, 17/08/2017 - 4:56pm

 

પૂર્વછાયો - છુપૈયાપુર પાવન છે, મોક્ષતણું તે ધામ । વાસ કર્યો જ્યાં વાલમે, અવતારી પૂરણકામ ।।૧।।

ધર્મધુરંધર બોલિયા, સુણો રામશરણ પવિત્ર । નિર્મલ મનથી સાંભળો, પુનિત પ્રગટ ચરિત્ર ।।૨।।

એક સમે મોટાભાઇ સંગે, પટભેરુ રમે શ્યામ । સખા સહિત પક્ષ બાંધી, રમે રમત સુખધામ ।।૩।।

માધવચરણ આદિ સખા, શ્રીઘનશ્યામની પક્ષે । વેણી માધવ પ્રયાગ તે, અનંતજીની સમક્ષે ।।૪।।

એવી રીતે બે ભાઇ રમે, સામસામા વદે વાદ । શેષ સાથે શ્રીહરિ બોલ્યા, જીત્યા મનથી પ્રમાદ ।।૫।।

ચોપાઇ - મોટાભાઇને કે ઘનશ્યામ, સુણો વાત કહું બલરામ । વશરામની વાડી છે જ્યાંય, રુડી આંબાની સાખોછે ત્યાંય ।।૬।।

સારી સ્વાદિષ્ટ થઇ તૈયાર, જે કોઇ પેલી લાવે આઠાર । પેલી લાવે તેની જીત થાય, પછે લાવે તે હાર્યા કેવાય ।।૭।।

સામ સામા વિચારે છે મન, નિશાયે કર્યું ઘેર શયન । મોટાભાઇને થયો વિચાર, પેલી સાખો લાવું હું આ ઠાર ।।૮।।

નારાયણ નિદરાવશ થાય, ત્યારે જગાડું સર્વે સખાય । મારા પક્ષના લેઇને જાવું, વ્હેલો ઉઠી બધી વેણિ લાવું ।।૯।।

મનમાં વાત વિચારી લીધી, પછે તો નિરાંતે નિદ્રા કીધી । ભાઇએ ઘડયા છે ઘાટ જેહ, જાણ્યા અંતરજામીયે તેહ ।।૧૦।।

મોટાભાઇને તે પક્ષકાર, તેને નિદ્રા મુકી છે અપાર । પછે વિચારે સુંદર શ્યામ, હવે તો કરૂં કળાયે કામ ।।૧૧।।

નારાયણ સરોવરે વૃક્ષ, ત્યાં છે પીપળો એક પ્રત્યક્ષ । તેમાં ભૂત રહેછે અપાર, તેને આજ્ઞા કરૂં આણીવાર ।।૧૨।।

બગીચામાં જે આંબાની સાખો, બધી લૈ આવશે આંહી લાખો । મિત્રને દાખડો ન કેવાય, કામ પરબાર્યું આજ થાય ।।૧૩।।

એમ ધારીને ભૂત બોલાવ્યાં, હજારો તે તો તરત આવ્યાં । ભૂતને કરી વાત વિસ્તારી, કેતાં કેતાં થયાં તે તૈયારી ।।૧૪।।

ભૂત પગે લાગ્યાં તેણીવાર, આજ્ઞા માની લીધી નિરધાર। લીધા છે ટોપલા કરમાંય, ગયાં બગીચે આંબાછે જ્યાંય ।।૧૫।।

તે સાખો વેણી લીધી કળમાં, ઘરે લાવી દીધી છે પળમાં । આંબલી નીચે મુકી તે લાવી, એવી ભૂતોએ ફરજ બજાવી ।।૧૬।।

હવે જોખન નિદ્રાથી જાગ્યા, બારણે આવીને જોવા લાગ્યા । ત્યાં તો થવા આવ્યું સવાર, મોટાભાઇને થયો વિચાર ।।૧૭।।

પોતાના પક્ષના વેણીરામ, તેને બોલાવ્યા છે તેહ ઠામ । ચાલો ચાલો સમો થઇ ગયો, જાણે વખત થોડો જ રહ્યો ।।૧૮।।

સૂર્ય ઉદય જો કદી થાશે, આપણ પેલા ત્યાં શ્યામ જાશે । સાખો પેલિજો એ બધી લાવે, બાવરા આપણને બનાવે ।।૧૯।।

એમ કહીને સખાનો સાથ, લઇ ચાલ્યા ત્યાંથી અહિનાથ । આવ્યા અંધારે બગીચામાંયે, જ્યાંથી સાખો લેવાની છે ત્યાંયે ।।૨૦।।

એમને ત્યાં જાણ્યા સખાજુત, ઓલ્યાં આવી પોક્યાં છે ભૂત । સાખો વીણે છે આંબાની તળે, ઘણો ભય બતાવ્યો તે પળે ।।૨૧।।

માંહોમાંહી દેખાડે છે ભડકા, જાણે ખરા બપોરે છે તડકા । સાખો વેણે અજવાળું કરી, મોટાભાઇ વિચારે છે ફરી ।।૨૨।।

જુવો ઘનશ્યામ પેલા જાગ્યા, આવીને સાખો વેણવા લાગ્યા । માટે ચાલો હવે તો મળીયે, પછેથી સર્વે પાછા વળીયે ।।૨૩।।

એવું કૈને આવેછે નજીક, બોલ્યાં ભૂત દેખાડીને બીક । આંહી આવશો માં ભાઇ તમે, જુવો ભૂત છૈયે સર્વે અમે ।।૨૪।।

એવું સાંભળતાં પામ્યા ત્રાસ, સખાસંગે કરે નાસા નાસ । જીવ લઇ નાઠા જાણી કષ્ટી, પાછી જોતા નથી કોઇ દૃષ્ટી ।।૨૫।।

આવ્યા વશરામજીને ત્યાંય, દોડી પેશી ગયા ઘરમાંય । કરી વશરામજીને વાત, આજ મારે હતી મરણઘાત ।।૨૬।।

વદે વશરામજી વચન, તમે સુણોને ભાઇ જોખન । અંધારામાં હતું શું ત્યાં કામ, કવેળાના ગયાતા તે ઠામ ।।૨૭।।

ખમા ખમા તમે મારા વીર, એવું કૈને આપી ઘણી ધીર । રૂડું કામ થયું ભાઇ આજ, તમે ઘેર આવ્યા સુખસાજ ।।૨૮।।

પીપળે છે પ્રેતનો ઉતારો, તેમાં ભૂત રહે છે હજારો । તમને શ્રીહરિયે બચાવ્યા, જીવતા જાગતા ઘેર આવ્યા ।।૨૯।।

ત્યાંને ત્યાં કરી જાત ભક્ષણ, કોણ કરત આવી રક્ષણ । સાખો શું કરવીતી તમારે, ભૂતટોળામાં ગયા અંધારે ।।૩૦।।

શાન્તિ પમાડયા એમ કહીને, ઘેર મોકલ્યા કર ગ્રહીને । સુણી લ્યો શ્રોતા વિવેકી જન, કોઇ સંશે ન કરશો મન ।।૩૧।।

જે છે શેષ તણો અવતાર, તેને ભૂતનો શો પડે ભાર । પણ શ્રીહરિનું છે ગમતું, ભાઇનું થયું મન ભમતું ।।૩૨।।

આવ્યા અનંત નિજ સદન, જહાં બેઠા છે વિશ્વમોહન । વાત કરી છે ભૂત સંગાથ, જોઇ વિસ્મે પામ્યા અહિનાથ ।।૩૩।।

ભૂત કહે છે શ્રીમહારાજ, અમને ખાવાનું કષ્ટ આજ । ત્યારે બોલ્યા છે પર્મ ઉદાર, ભૂત તમને કહું છું સાર ।।૩૪।।

એકેકો લ્યો દશ દશ સાખો, આ પડી તેમાંથી લઇ રાખો । નારાયણસર ધર્મ તળાવ, જન્મસ્થાનકનો કુવો ભાવ ।।૩૫।।

વળી ભૂતિયો બહીરી કૂપ, ખંપાસરોવર છે અનૂપ । ગઉઘાટ વિશ્વામિત્રી જેહ, એ આદિ નામ ગણાવ્યાં તેહ ।।૩૬।।

એમાં અંબુ ભર્યાં છે અખુટ, તમને પીવાની ત્યાં છે છુટ । છુપૈયામાંથી જે કાંઇ મળે, ફળ ફુલ ખાજો તે તે પળે ।।૩૭।।

બીજો કોઇ સ્થળે વળગાડ, તમે કરશો નહિં બગાડ । સાખો લીધી છે કયા પ્રમાણે, આજ્ઞા પામીને ગયા ઠેકાંણે ।।૩૮।।

દેખ્યું સાંભળ્યું પ્રત્યક્ષ ભ્રાતે, પામ્યા આશ્ચર્ય મન એવાતે । પછે આવ્યા નાનાભાઇ પાસ, હાસ કરતા બોલ્યા અવિનાશ ।।૩૯।।

કેરી તણી સાખો લાવ્યા ભાઇ, છાની રાખી કે શું તમે ક્યાંઇ । ભાઇયે હતી તેવી જણાવી, તમે ભૂતની પાસે વેણાવી ।।૪૦।।

હવે શું પુછો છો ઘનશ્યામ, કરી લીધું પેલું તમે કામ । દયા લાવી બોલ્યા દીનબંધુ, જોયે તેટલી લ્યો સુખસિંધુ ।।૪૧।।

સાખો લઇ જમો મારા ભ્રાત, પણ પુછું છું તમને વાત । કોણ જીત્યું કોની થઇ હાર્ય, મુને નક્કી કહો તે વિચાર ।।૪૨।।

જ્યેષ્ઠ બંધુ કહે જીત્યા તમે, તમ આગે હારી ગયા અમે । પ્રભુજી થયા ત્યારે પ્રસન્ન, મેળવ્યું સર્વની સાથે મન ।।૪૩।।

વાદવિવાદ તે છોડી દીધા, નિજ સખાયોને ભેગા કીધા । સખાબંધુ સાથે મહારાજ, સાખો જમે બેઠા કર્યું કાજ ।।૪૪।।

બાલમિત્રોને ખુબ જમાડયા, મોટાભાઇને મુદ પમાડયા । એવાં કરે છે નિત્ય ચરિત્ર, અતિ પાવન પુન્ય પવિત્ર ।।૪૫।।

વળી એક સમય શ્રીરંગ, નિજસખા લઇ ઉછરંગ । રામસાગરમાં ગયા નાવા, કાંઇ પોતાનું કામ બજાવા ।।૪૬।।

સખાસંગે પેઠા છે જળમાં, એવે આવ્યા પાપી બે છળમાં । રામદત્ત ને ભવાનીદત્ત, મહા મદોન્મત્ત ઉન્મત્ત ।।૪૭।।

તેછે ક્રોધી વિરોધી કુછિત, અવિવેકી વિચાર રહિત । પુરવનું વેર લેવા કાજ, આવ્યા સંભારતા થકા આજ ।।૪૮।।

થયા બાલસ્વરૂપે તે બેઉ, જળમાં ભેગા રમે છે તેઉ । આવ્યા અસુર મારવા કાજ, એવું જાણી ગયા મહારાજ ।।૪૯।।

છતાં જળમાં રમે અપાર, કરે ક્રીડાયો નાનાપ્રકાર । મિત્રમંડળને ત્યાં રમાડે, અતિ આનંદ ઉર પમાડે ।।૫૦।।

ઓલ્યા અસુર મન વિચારે, પોતે શ્યામને મારવા ધારે । જળમાં ઘણો લાગ તપાસે, પોતાનું રૂપ નવ પ્રકાશે ।।૫૧।।

બોલ્યા બાલસ્વરૂપે અસુર, બીજા સખાયોને કર્યા દૂર । આવો હરિકૃષ્ણજી રમીયે, એક એકને મન ગમીયે ।।૫૨।।

એવું કહી ડુબકિયો મારી, અસુરે દુષ્ટબુદ્ધિયો ધારી । પ્રભુ ઉપર જુલમ કીધો, એકેકો ચરણ પકડી લીધો ।।૫૩।।

પગ તરછોડે છે જળમાં, બોલ્યા વેણીની સાથે કળમાં । ભાઇ મઘરે ઝાલ્યો છે ચરણ, મુને લાગેછે એવું આચરણ ।।૫૪।।

એવું કહીને અસુર ૧ટોકાવ્યો, નભ મારગ માંયે ફગાવ્યો । ગામ સુરવાલે બાગ જ્યાંય, ભમતો જઇ પડયો છે ત્યાંય ।।૫૫।।

પડતાં સાથે પામ્યો છે મરણ, પડયો અચેતન થઇ ધરણ । વામ ચરણે વળગ્યો અસુર, એનું આવ્યું છે મૃત્યું જરૂર ।।૫૬।।

ચરણથી તરછોડી દીધો, અભ્રમાર્ગે ભમતો જ કીધો । ભમ્યો આકાશમાં ઘણીવાર, પડયો નરેચા ગામે તે વાર ।।૫૭।।

કલ્યાણ સાગર જે તડાગ, તેનો ઉત્તર કાંઠાનો ભાગ । પડયો તે કાંઠા ઉપર દુષ્ટ, મરણ ભેગો થયો છે પાપિષ્ટ ।।૫૮।।

મરણ પામી પડયો અસુરેશ, થયો ભારે ભયંકર વેશ । દેહ વિશાળ મોટો દેખાય, પામ્યો વિસ્તાર પર્વત પ્રાય ।।૫૯।।

મહાપ્રભુજી દીનદયાળ, તેહને મોક્ષ આપ્યો તેકાળ । જ્યાં પડયો ત્યાં થયો ઘણો ત્રાસ, થયાં લોકનાં ચિત્ત ઉદાસ ।।૬૦।।

પામ્યા આશ્ચર્ય ને ભય મન, દેખી દેખી અસુરનાં તન । આવ્યા અમર વ્યોમે તે વાર, કરે દુંદુભીનાદ અપાર ।।૬૧।।

વળી પુષ્પ રૂડાં વરસાવે, નાચે અપ્સરા ગાંધર્વ ગાવે । ચંદન પુષ્પ વડે વધાવે, જય જય બોલે ઘણા ભાવે ।।૬૨।।

મીનસાગર રૂડું દેખાયું, પુષ્પ ચંદન વડે ઢંકાયું । એમ વરતાવી લીલાલેર, આવ્યા સખા સહિત તે ઘેર ।।૬૩।।

બાલમિત્રોએ કરી પ્રખ્યાત, ધર્મભક્તિને કહી તે વાત । છુપૈયાપુર વાસી જે જન, જાણીને થયા પ્રફુલ્લ મન ।।૬૪।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે પૂર્વાર્ધે આચાર્ય શ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિએ અસુરને મરણ પમાડયા એ નામે ત્રેપનમો તરંગ ।।૫૩।।