પૂર્વછાયો
રામશરણજીએ પુછિયું, સુણો શ્રીમહારાજ । નીલકંઠજીએ શું કર્યું, તે વિસ્તારી કો મુને આજ ।।૧।।
ધર્મગુરુ તવ બોલિયા, રામશરણ ધરો ચિત્ત । વાલમજીની વાત કરું, સાંભળો ધરી પ્રીત ।।૨।।
વિપ્રનો મદ હરણ કર્યો, દેખાડ્યો પરતાપ । ત્યાંથી આગળ ચાલિયા, શ્રીઅવિનાશી આપ ।।૩।।
ગહર નગ આવે ઘણા, ઉલ્લંઘતા સુખરાશ । કેટલે દિને કરી પોક્યા, ધોળાનગની પાસ ।।૪।।
શ્વેતશિખરી તેને કેછે, એની તળાટી જ્યાંય । નગર વન જોયાં ઘણાં, વિચારી મનમાંય ।।૫।।
ચોપાઈ
પછી સલુણોજી સુખકંદ, અલબેલોજી અખંડાનંદ, ધોળાપર્વત ઉપર સાર, કર્યું પ્રયાણ જાવા તેવાર ।।૬।।
ચાલ્યા જાયછે તે અવિનાશ, જોતા જોતા નગ આસપાસ । આગે જાતાં આવ્યા જલકુંડ, ત્યાંછે ગંભીર ઝાડીનું ઝુંડ ।।૭।।
રુડું જલ દેખી ભગવાન, સ્નેહે કર્યું તે કુંડમાં સ્નાન । શીત ઉષ્ણ જાુએ તેહ વાર, પાણી ભર્યું ત્યાં કુંડમોઝાર ।।૮।।
જગ્યા જોઈ રુડી ગિરિધારી, નિત્યવિધિ કરે ત્યાં મોરારી । શાલગ્રામની કરેછે તે સેવ, એકચિત્તે ધ્યાન ધરે એવ ।।૯।।
તેસમે નિજ ઇચ્છાનુસાર, કરી પ્રેરણા પોતે તેઠાર । આવ્યા પર્વતમાંહિથી વ્યાઘ્ર, ઉભા નીલકંઠજીને અગ્ર ।।૧૦।।
આવી ઉભા કેટલાક જોઈ, બાલાયોગીમાં રહ્યા છે મોઈ । પુચ્છ હલાવે કરીને પ્રેમ, રમત રમે ખેલે છે એમ ।।૧૧।।
ધીમા ધીમા કરે સિંહનાદ, પ્રેમ ભરેલા બોલે સંવાદ । તેને દેખીને વરણીરાજ, મંદ મંદ હસે મહારાજ ।।૧૨।।
શ્રીહરિની ઇચ્છા બળવાન, થયું વાઘ સર્વેને ત્યાં જ્ઞાન । જાણ્યું બાલાયોગી છે પ્રસન્ન, સિંહ સમજી ગયા એમ મન ।।૧૩।।
નીલકંઠજીને બીક ન રંચ, ફર્યા પ્રક્રમાઓ પંચ પંચ । લોટે છે આગળ રુડી રીત, બ્રહ્મચારીને બતાવી પ્રીત ।।૧૪।।
ત્યારે મેર કરી મહારાજ, જુવો શાર્દૂલનાં કીધાં કાજ । શાલગ્રામને કરાવ્યું સ્નાન, અતિ નિર્મળ જલ નિદાન ।।૧૫।।
સર્વે સિંહને છાંટ્યું છે વારી, તેમનું રુડું કરવા ધારી । ભેદૂ હોય તેતો જાણે ભેદ, પણ ખલને તો થાય ખેદ ।।૧૬।।
એસમે આવ્યા ત્યાં વીતરાગી, કેટલાએક તે બડભાગી । અદ્રિઉપરથી આવે ત્યાંય, દેખ્યા સિંહને મારગમાંય ।।૧૭।।
ભારે ભય પામ્યા એવું જોઇ, નાસવા લાગ્યા ટક્યા ન કોઇ । સર્વેને મારી નાખશે વાઘ, નથી નાસી જવાનો ત્યાં લાગ ।।૧૮।।
એવું કઈને કરે હાહાકાર, ચીસો પાડવા લાગ્યા તેઠાર । ત્યારે તેમાંથી બોલ્યોછે એક, હૈયે હિંમત રાખી વિશેક ।।૧૯।।
તમે સુણોને સંતસમાજ, ઉભારો કોઈ બિશો માં આજ । પેલા બેઠા બાલાયોગી સાર, જાુવો હૃદયમાં વાત વિચાર ।।૨૦।।
સિંહની દાઢ તો બાંધી છે આજ, મંત્રસિદ્ધિ કરીને તેકાજ । નૈતો મારી નાખે એને તરત, નિશ્ચે સમજી રાખો તે સરત ।।૨૧।।
એવું દેખીને સારંગપાણી, તેમના પ્રત્યે બોલ્યાછે વાણી । સંતો ચાલ્યા આવો થઈ ઠીક, મનમાં નવ ધરશો બીક ।।૨૨।।
એવું સુણીને થયા અભીત, પણ વ્યગ્ર થયેલાં છે ચિત્ત । સિંહના સામું જાુવે છે જ્યાંય, થરથર કંપે છે કાય ।।૨૩।।
ઉપરથી ધરેછે ઘણી ધીર, પણ મન રેતું નથી સ્થિર । આવી બેઠા બાલાજોગી પાસ, રેછે શાર્દૂલનો અતિ ત્રાસ ।।૨૪।।
મહાપ્રભુની ઇચ્છાનુસારે, એક સિંહે સામું જોયું ત્યારે । વૈરાગીના સામાં કર્યાં ચક્ષ, તેહ બીવા લાગ્યા છે સમક્ષ ।।૨૫।।
ત્યારે તેના ઉડી ગયા પ્રાણ, જાણે મૃત્યુ આવ્યું થઈ હાણ । કાળ વ્યાળ ને વ્યાઘ્રછે જેહ, માર્યા વિના મુકે નહિ તેહ ।।૨૬।।
એમ થયાંછે મન અધીર, તેમનાં તો સુકાણાં શરીર । મનમાં રહ્યો નહિ વિશ્વાસ, નિશ્ચે વિના કરે નાસાનાસ ।।૨૭।।
નાઠા ત્રાસ પામીને સંગાથે, જાણે કાળ આવી ગયો માથે । મૃગચર્મ આદિ વસ્તુ જેહ, દંડ પાત્ર આદિક છે તેહ ।।૨૮।।
પોતાના જે પદારથ સર્વે, પડતાં મુકી નાઠા તજી ગર્વ । આડી અવળી ચીજો ખેંચાય, વળી ૧અયનમાં અથડાય ।।૨૯।।
બારે વાટે નાઠા સૌ તેવા, જેતે પ્રકારે પ્રાણ બચાવા । છિન્ન ભિન્ન થયા મુકી ધીર, એવા જુવેછે શ્રી બલવીર ।।૩૦।।
વ્હાલે કર્યો મનમાં વિચાર, દયા આવી દિલમાં અપાર । વધારી નિજ કર ભુજાય, વેગે તે સર્વેને ઝાલ્યા ત્યાંય ।।૩૧।।
પાસે બેસાડ્યા આપીને ધીર, સર્વે સંતને ત્યાં નરવીર । થયાં તેમનાં શીતળ મન, ભય નાશ થયો કહે ધન્ય ।।૩૨।।
આવી બેઠા નીલકંઠ પાસ, પોતાના મટી ગયા નિઃશ્વાસ । પોતે લાવ્યાતા જે ફળ ફુલ, વળી મિષ્ટ હતાં કંદમૂળ ।।૩૩।।
આપ્યાં બાલાજોગીને અમૂલ્ય, કરે પ્રારથના અનુકૂળ । દીનબંધુ હે પ્રભુ દયાળ, સુખકારી સદા લ્યો સંભાળ ।।૩૪।।
તમે છો અમારા ઇષ્ટદેવ, રામચંદ્ર રઘુપતિ એવ । કરવા અમારાં કલ્યાણ કાજ, નારાયણ આવ્યા સુખસાજ ।।૩૫।।
ફળ ફુલ લાવ્યા છીએ આજ, કૃપા કરી જમો મહારાજ । પછે નીલકંઠ તેહ વાર, વિષ્ણુને ધરાવ્યાં તેણી ઠાર ।।૩૬।।
ફળફુલ કર્યાં છે પ્રાશન, બાલાયોગી થયા છે પ્રસન્ન । પોતાની પ્રસાદિ હતી જેહ, જમતાં શેષ રહિતી તેહ ।।૩૭।।
સિંહ બેઠાછે જે નિજ પાસ, તેને ખવરાવે અવિનાશ । ભવ બ્રહ્માને દુર્લભ જાણો, શ્રીહરિની પ્રસાદિ પ્રમાણો ।।૩૮।।
ધન્ય શાર્દૂલનાં રુડાં ભાગ, પામ્યા પ્રસાદિનો રુડો લાગ । તે જોઈ પામ્યા આશ્ચર્ય મન, દેખ્યું અદ્ભુત કામનું તન ।।૩૯।।
પછે તે જેવા ચાલવા જાય, બાલાયોગી બોલ્યા સુખદાય । હે સંતો સુણો મારી જે વાત, મુને રસ્તો બતાવો વિખ્યાત ।।૪૦।।
નગ ઉપર્ય જાવું છે આજ, એનો મારગ કો મહારાજ । કોણ કોણ દેવનાંછે સ્થાન, કીએ કીએ ઠેકાણે નિદાન ।।૪૧।।
હેઠેે ઉતરવું તે ક્યાં થઈ, તમે પધારો અમને કઈ । નીલકંઠજીએ પુછ્યું સુખે, પણ કોઈ બોલ્યા નહિ મુખે ।।૪૨।।
જાણે બેગરજાુ થયા હોય, એવા થકા ઉઠી ચાલ્યા સોય, નીલકંઠે ઇચ્છા કરી જ્યાંય, જોયું છે સિંહના સામું ત્યાંય ।।૪૩।।
સિંહ ઉઠ્યા ત્યાંથી તતકાળ, ફરી વળ્યા આગળ દૈ ફાલ । ત્યારે તે દેખીને પામ્યા ત્રાસ, તરત પાછા આવ્યા પ્રભુપાસ ।।૪૪।।
નિરમાન થઈને તે સર્વ, નમસ્કાર કરે તજી ગર્વ । હે બાલાયોગી પરમ કૃપાલ, સિંહ થકી કરો રક્ષા હાલ ।।૪૫।।
અધ્વ દેખાડીએ છૈએ આજ, એંધાણી બધ હે મહારાજ । એવું સુણી દયા આવી મન, કરે સંકલ્પ શ્રીભગવન ।।૪૬।।
ત્યારે સિંહ ગયા સૌ વન, તે દેખી શાંતિ પામ્યાછે મન । હોય જેની પાસે ચમત્કાર, તેને સર્વે કરે નમસ્કાર ।।૪૭।।
ભય બતાવ્યો પૂરણબ્રહ્મ, ત્યારે પંથ દેખાડ્યોછે પર્મ । સુણો બાલાયોગી મહારાજ, મારગ બતાવીએ છૈએ આજ ।।૪૮।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીનીલકંઠ બ્રહ્મચારી ધોળાપર્વત ઉપર પધાર્યા એ નામે નવમો તરંગઃ ।।૯।।