તરંગઃ - ૧૦ - શ્રીનીલકંઠ-બ્રહ્મચારી ધોળાપર્વત ઉપર પૂજારીને ચમત્કાર દેખાડીને મંદિરમાં ગયા

Submitted by swaminarayanworld on Thu, 21/09/2017 - 8:59am

 

પૂર્વછાયો
હે રામશરણ સુણો તમે, કહું પ્રભુની કથાય । ગાતાં સુણતાં શીખતાં, આનંદ ઉર ન માય ।।૧।।
પછે તે સર્વે બોલીયા, સુણો શ્રીવર્ણિરાજ । આ માર્ગે થૈ પધારો સુખે, પર્વત પર મહારાજ ।।૨।।
આગળ જાતાં આવશે, એક મોટી સરિતાય । તે નગ શિખરપર થઈને, સુખેથી નીચે જવાય ।।૩।।
તે સરિતાને ઉત્તરકાંઠે, છે શિવજીનું સ્થાન । નિશા રેવું હોય તો રેજ્યો, બીજે ન રેશો નિદાન ।।૪।।
આ પર્વતમાં છે અઘોરી, હિંસક ને દુરમત । ભક્ષ કરે એક પળમાં, વિઘન થાય તુરત ।।૫।।

ચોપાઈ
વળી કેછે તે વૈરાગી વાત, સુણો નીલકંઠ જગતાત । ત્યાંથી આગળ જાજ્યો તમે, સીધો રસ્તો બતાવીએ અમે ।।૬।।
આગે આવશે જગ્યા સુંદિર, એક નૃસિંહજીનું મંદિર । અતિ રમ્યભૂમિછે વિશાળ, સાધુ વિપ્ર રેછે સદા કાળ ।।૭।।
તેમાંછે પ્રતિમા સુખકારી, નરહરિવરની તે સારી । રેછે હજારો દ્વિજ ને સંત, મોટામુનિ ને યોગી મહંત ।।૮।।
ત્યાંથી જાજ્યો પૂર્વ દિશામાંય, ઘણી ધીરજ રાખજ્યો ત્યાંય । આગે આવશે મહાકાલી નામ, ભવાની માતાછે તેહ ઠામ ।।૯।।
તેનું દેવળ દૂરથી દેખાય, અનુપમ અદ્રિમાં કેવાય । સુખેથી રેજ્યો તે સ્થળે રાત, પછે ચાલજ્યો વેલા પ્રભાત ।।૧૦।।
કરજ્યો ઉત્તર દિશે પ્રયાણ, ત્રૈણ યોજન જાશો પ્રમાણ । આવશે ત્યાં ઘણાં દેવસ્થાન, બીજાં હજારો દેવ નિદાન ।।૧૧।।
પ્રતિમાઓ છે મંદિરમાંય, કરજ્યો પ્રેમથી દર્શન ત્યાંય । જ્યાં સુધી તવ મરજી હોય, રેજ્યો ત્યાં સુધી તે સ્થળે જોય ।।૧૨।।
ત્યાંછે પર્વતનો મધ્યભાગ, રુડો રમણીક જોવા લાગ । ત્યાંથી ઉત્તર દિશાને માંય, નદીયે વળજ્યો પ્રભુ ત્યાંય ।।૧૩।।
આવે નદી ને મોટાં મંદિર, ત્યાંથી ચાલજ્યો શ્યામ સુંદર । વળી આગે કરજ્યો પ્રયાણ, શ્યામસુંદર જીવન પ્રાણ ।।૧૪।।
એવું કૈને વૈરાગી તેવાર, ત્યાંથી ચાલ્યા કરી નમસ્કાર । હવે નીલકંઠજી નિરધાર, પોતે ચાલવા થયા તૈયાર ।।૧૫।।
ચાલ્યા ત્યાંથી બાલાબ્રહ્મચારી, અદ્રિમાં વિચર્યા સુખકારી । મોટી ગુફાઓ વનમાં જેહ, તેને જોતા થકા હરિ તેહ ।।૧૬।।
એમ આગળ તે ચાલ્યા જાય, ભયરહિત શ્રીજગરાય । ત્રૈણ દિવસ ને ત્રૈણ રાત, ચાલ્યા પર્વતમાં જગતાત ।।૧૭।।
આવી છે મોટી નદી ત્યાં એક, રુડું પાણી ભર્યું છે વિશેક । ચોથે દિવસે શ્રીભગવાન, કર્યું છે તે નદીમાંયે સ્નાન ।।૧૮।।
વિષ્ણુને કરાવ્યું મંજન, એવામાં આવ્યા મારુતતન । પ્રબોલીયા વનસ્પતિ નામ, તેની ફળીઓ લાવ્યા તે ઠામ ।।૧૯।।
તે આપી બાલાજોગીને ગમે, પગે લાગીને બેઠા તેસમે । કાઢી ફળિયો સુંદરસાર, અગ્નિમાં પક્વ કરી તેવાર ।।૨૦।।
વિષ્ણુને જમાડી જમ્યા શ્યામ, બે ઘડી ત્યાં કર્યો વિશ્રામ । પછે ચાલવા કરી તૈયારી, નીલકંઠ મુનિ બ્રહ્મચારી ।।૨૧।।
થયા અદૃશ્ય મારૂતતન, નમસ્કાર કર્યો શુભ મન । ચાલ્યા ત્યાં થકી જગદાધાર, દિવ્ય મૂર્તિ સદા સાકાર ।।૨૨।।
નીલકંઠ ગયા થોડે દૂર, દ્વિપમતીને તીરે જરૂર । ભાનુ અસ્ત થયો જેણી વાર, નીલકંઠને રેવું તેઠાર ।।૨૩।।
ત્યાંછે શિવનું મંદિર સાર, ગયા ઉતરવા નિરધાર । ત્યારે પૂજારી બોલ્યો છે એવું, આંહિ ઉતરવા નહિ દેવું ।।૨૪।।
જાઓ ને બાર કરો આસન, વાલિડે સુણ્યું એવું વચન । ખોડ ભુલાવું ખડને આજ, એમ ધારી બોલ્યા મહારાજ ।।૨૫।।
બારણે તે હવે જૈયે ક્યાંય, અમે રૈશું આ મંદિરમાંય, રેવું છે અમારે બે રાત, એમાં અડચણ શું છે ભ્રાત ।।૨૬।।
એમ કૈ આસન કર્યું ત્યાંય, શિવજીનું તે મંદિર જ્યાંય । પૂજારીને ચઢ્યો અતિક્રોધ, વ્હાલાથી કરવા લાગ્યો વિરોધ ।।૨૭।।
અગ્નિમાં ઘૃત હોમે જેમ, જ્વાળા નખશીખ લાગી તેમ । મૂરખ પૂજારી છે જડ ભંગ, અક્કલવિનાનો અડબંગ ।।૨૮।।
આવી આસન લીધું તેવાર, દેવળથી નાખી દીધું બાર । નિરમાની સંતના આધાર, બારે બેઠા જઈ કિરતાર ।।૨૯।।
મૂરખે કર્યું મંદિર બંધ, ભાગ્યહીન અજ્ઞાની તે અંધ । પછે સુઈ ગયો તે તરત, જુવો શું થાય છે તેની ગત ।।૩૦।।
જેને માને મોટા લોકપાળ, કંપેછે વળી દેખીને કાળ । મોટા મોટા મુનિવર જેહ, નથી પામતા દર્શન એહ ।।૩૧।।
ભવબ્રહ્માદિના ઇષ્ટ દેવ, એને શું ઓળખે એ ભૂદેવ । કોટિ કોટિ બ્રહ્માંડના પાળ, તેને શું કરે અજ્ઞાની બાળ ।।૩૨।।
પણ પ્રભુછે પરમ ઉદાર, ભક્તવત્સલ જીવનતાર । પોતાનું બિર્દ જાુવે છે આપ, પાપી જનનાં ટાળે છે પાપ ।।૩૩।।
એવા નીલકંઠ બેઠા બહાર, પોતે ઇચ્છા કરી તેણી વાર । કરવા પૂજારીનું મોક્ષકામ, મારુતિને સંભાર્યા તેઠામ ।।૩૪।।
આવ્યા રીસે ભર્યા હનુમંત, કરમાં ધોકો લૈ બળવંત । પૂજારીની કરેછે પૂજાય, ધોકેથી ઢીંચણ ભાંગી ત્યાંય ।।૩૫।।
ખંખેરી નાખ્યોછે અંગો અંગ, કર્યો ગમારને ગતિભંગ । ફરતો મારે ધોકાનો માર, પૂજારી પાડે મોટા પોકાર ।।૩૬।।
અરે બાપલિયા મારી નાખ્યો, છોડાવો કોઈ જીવતો રાખો । મારું કર્મ નાશી ગયું ક્યાંઈ, ક્યાંથી આવ્યો ધોકાવાળો આંઈ ।।૩૭।।
હવે તો ઇચ્છા થઈ પૂર્ણ, કરી નાખ્યું આ અંગને ચૂર્ણ । લાગ્યા કિયા જનમના ભોગ, જાણી જોઈ લીધો મેં આ જોગ ।।૩૮।।
એવાં શું કર્યાં હશે મેં કાજ, જેથી દુઃખ આવી પડ્યું આજ । કરી નાખ્યો છે હાલ બેહાલ, અકસ્માત આવ્યો મુજ કાળ ।।૩૯।।
થોડો ઘણો કર્યો છે પ્રહાર, તોય પણ મારુતિનો માર । પડ્યો પૂજારી કરે રૂદન, વાયુના પુત્ર બોલે વચન ।।૪૦।।
તમને તે હું મારી નાખીશ, ક્ષણમાત્રમાં પ્રાણ હરીશ । મારા ઇષ્ટ મોટા ભગવાન, તેમનું કર્યું તેં અપમાન ।।૪૧।।
સુવા દીધા નહિ તેં આઠામ, કર્યું છે મૂઢ તેં એવું કામ । માટે શિક્ષા કરીશ જરુર, અભાગી માની લેજે તું ઉર ।।૪૨।।
બોલે છે પૂજારી એ વચન, હવે સુણો તમે બલવાન । ઘણી શિક્ષા કરી મુને આજ, બાકી રાખ્યું નથી કાંઈ કાજ ।।૪૩।।
પણ પુછુંછું હું આણે ઠામ, કોણ છો ને તમારું શું નામ । તમારા ઇષ્ટદેવ છે જેહ, કોણ છે તે મુને કહો એહ ।।૪૪।।
સુણ દુર્મતિ અઘવાન, હું છું વાયુસુત હનુમાન । એ મારા ઇષ્ટદેવછે રામ, પોતે પરબ્રહ્મ પૂરણકામ ।।૪૫।।
પૂજારીયે સુણ્યું એ વચન, ઉભો થયોે વિચારીને મન । દર્શન કરવા કર્યો વિચાર, થયા અદર્શ વાયુકુમાર ।।૪૬।।
પામ્યો આશ્ચર્ય મનમાં એવ, આવ્યો દરવાજામાં તતખેવ । દરવાજા દેખ્યા ઉઘાડા સર્વ, પૂજારીનો ગળી ગયો ગર્વ ।।૪૭।।
તાળાં ખુલ્લાં પડ્યાં છે તેઠાર, પૂજારી પામ્યો વિસ્મય અપાર । કર જોડીને આવ્યો તે બાર, બેઠા છે જ્યાં શ્રીધર્મકુમાર ।।૪૮।।
કર્યા પ્રણામ નિર્મળ મન, બોલ્યો વિનયસાથે વચન । હે કૃપાનાથ જીવન ઇષ્ટ, હું છું સેવક તવ કનિષ્ઠ ।।૪૯।।
ક્ષમા કરો મુજ અપરાધ, દયાળુ મુજ નિવારો બાધ । પધારો મંદિરે ભગવન, સુખેથી કરો તેમાં શયન ।।૫૦।।
સવારે કરું રસોઈ ત્યાર, તેને આપ જમો નિરધાર । હવે તો કરો મારું કલ્યાણ, પછે પધારો સારંગપાણ ।।૫૧।।
એવું સુણીને સુખના ધામ, ગયા મંદિરમાં અભિરામ । ત્યારે દરવાજા થૈ ગયા બંધ, જેવા પ્રથમ હતા પ્રબંધ ।।૫૨।।
દ્વાર બંધ થયા છે તે ચાર, પૂજારીયે જોયા તેણી વાર । થયો ગદ્ગદ્ કંઠ મન, કરે પ્રારથના તે પાવન ।।૫૩।।

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીનીલકંઠ-બ્રહ્મચારી ધોળાપર્વત ઉપર પૂજારીને ચમત્કાર દેખાડીને મંદિરમાં ગયા એ નામે દશમો તરંગઃ ।।૧૦।।