તરંગઃ - ૩૯ - શ્રીજીમહારાજે ભુજનગરમાં સર્વદેશી વાત કરીને કાળે તળાવ પધાર્યા

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:24pm

પૂર્વછાયો

હે રામશરણ સુણો હવે, ભુજનગ્રની વાત । સુંદરજીયે પ્રશ્ન પુછ્યું, શ્રીહરિને સાક્ષાત ।।૧।।

આ દેહમાંથી જીવ જ્યારે, નિકળેછે બહાર । તેનું રૂપ તે કેવું હશે, કહો મુજને સાર ।।૨।।

તે કોઈને દેખાતો હશે, કે નહિ દેખાતો હોય । તે સમઝાવો સ્વામી મુને, સંશય ટાળો સોય ।।૩।।

ત્યારે મહાપ્રભુ બોલીયા, સુણો જીવનું સ્વરૂપ । ગુરુ વિના દેખાય નહી, આત્માનું રૂપ અનૂપ ।।૪।।

સૂક્ષમ સ્વરૂપ છે જીવનું, દૃષ્ટિયે ન દેખાય, દિવ્ય દ્રષ્ટિ જાુવે પણ, ગુરુ વિના ગભરાય ।।૫।।

જ્ઞાન વિના કોઈ ન દેખે, આત્મતત્ત્વ સ્વરૂપ । જેને અલૌકિક દ્રષ્ટિ છે, તે જુવેછે અનૂપ ।।૬।।

 

 

ચોપાઈ

 

કરે ભગવાનનું જે ધ્યાન, મળે તેને અવિચળ જ્ઞાન । તે વિના કરે કોટિ ઉપાય, પણ દ્રષ્ટા કેદિ ન દેખાય ।।૭।।

જ્ઞાનીને સર્વે છે સાનુકુળ, અજ્ઞાનીને નથી સુખ મૂળ । જ્ઞાનીને છે અનંત લોચન, વેદમાં તે કહ્યાં છે વચન ।।૮।।

અજ્ઞાની નવ સમજે મરમ, હરિભક્ત જાણે અનુક્રમ । જે કોઈ ધરે પ્રભુનું ધ્યાન, પામે અલૌકિક દ્રષ્ટિ જ્ઞાન ।।૯।।

ધ્યાન કરવા તણી જે રીત, સુણો સુંદરજી ધરી પ્રીત । પ્રભુનો ભક્ત હોય જે જન, મૂર્તિ ધારે થઈને મગન ।।૧૦।।

જેવી પ્રગટ પ્રમાણ હોય, તેવી મૂર્તિ દેખાય છે સોય । જ્યારે મૂર્તિમાં ઠરે છે ચિત્ત, સૂર્ય સરખી ફરે દ્રષ્ટિયે નિત ।।૧૧।।

તેમાં કરેછે બહુ પ્રયાસ, નિત્ય ધ્યાનનો રાખી અભ્યાસ । ત્યારે અંતર્દૃષ્ટિ તો થાય, હૃદયમાં નિત્ય મૂર્તિ દેખાય ।।૧૨।।

તે મૂર્તિને જોતાં જોતાં નિત્ય, જ્યારે પ્રોવાયછે એમાં ચિત્ત । ત્યારે અંડસમો અવકાશ, શશિસમ શીતળ પ્રકાશ ।।૧૩।।

ચારે પ્રકારના પ્રલે જાણે, સર્વે ખોટું છે એમ પ્રમાણે । પછે મૂર્તિધારે કરી હેત, પ્રેમ નેમ ને ભક્તિસમેત ।।૧૪।।

હોય ચિંતામણિ જેને હાથ, જે જે ધારે તે પામે સનાથ । એમ પ્રભુની મૂર્તિ જરુર, દેખે અહોનિશ તે તો ઉર ।।૧૫।।

તેના જોગે કરી અભિરામ, દેખે ભગવાનનાં સૌ ધામ । શ્વેતદ્વીપ વૈકુંઠ ગોલોક, જુવે અક્ષરધામ અશોક ।।૧૬।।

વળી અનંત કોટિ જે મુક્ત, આંહી બેઠાં જુવે છે તે જુક્ત । વાલિડે કરી છે એવી વાત, સુંદરજીને મનાવી ખ્યાત ।।૧૭।।

એવોે પ્રભુનો ભક્ત જે હોય, કરે ધારણા નિત્યે તે સોય । પછે માયિક સઘળાં કામ, દેખે પ્રકૃતિ સુધી તમામ ।।૧૮।।

પૃથ્વી પચાસ ક્રોડ પ્રમાણ, તેથી દશગણું જલ જાણ । તેથી અધિક તેજ દેખાય, દશગણો તે વાયુ કેવાય ।।૧૯।।

તેથી દશગણો વ્યોમસાર, તેથી તે પ્રમાણે અહંકાર । તેથી દશગણું મહત્તત્ત્વ, એથી અનંત પ્રધાન સત્ત્વ ।।૨૦।।

તેથી પર પુરુષ પ્રમાણો, એથી પર મહામાયા જાણો । મહાપુરુષ તો એથી પર, તેથી પરછે ધામ અક્ષર ।।૨૧।।

એક આંખ્યનું મટકું સાર, તેના લાખમા ભાગની વાર । એટલી વારમાં હરિજન, ધામ જોઈ આવે છે પાવન ।।૨૨।।

જાણે રહી આવ્યો વર્ષ અનંત, વળી બ્રહ્માના કલ્પપર્યંત । તે નિમિષનો લાખમો ભાગ, આંહી અનંત લાખનો જુગ ।।૨૩।।

અલૌકિક દિસેછે આ વાત, ધ્યાનવાળો દેખેછે સાક્ષાત । એ સર્વેનું કારણ છે સાર, પ્રભુની મૂર્તિનો જે આધાર ।।૨૪।।

જેને અખંડ મૂર્તિમાં ધ્યાન, રેતું હોય તે પામે આ માન । ગમે તો હોય સંસારી ગૃહસ્થ, અલૌકિક દષ્ટિ થાય મસ્ત ।।૨૫।।

નથી મૂર્તિવિષે જેનું મન, ક્યાંથી પામે એ મતિ પાવન । ઊર્ધ્વરેતા બ્રહ્મચારી હોય, દેહ કૃશ કરી નાખે સોય ।।૨૬।।

પણ ભક્તિ વિના ન દેખાય, અલૌકિક દ્રષ્ટિ નવ થાય । કરે શ્રીહરિની ભક્તિ જેહ, પામે આત્માનું દર્શન તેહ ।।૨૭।।

કરે ધ્યાન ભક્તિમાં વિઘન, તેને તર્ત તજી દે તે જન । પણ પ્રભુનું ધ્યાન જ્યાં થાય, આવવા દેવો ન ત્યાં અંતરાય ।।૨૮।।

ધરવું પ્રગટ પ્રભુનું ધ્યાન, તજી દેવું મિથ્યા અભિમાન । બ્રહ્મવેત્તા મોટા ભક્ત હોય, ઊર્ધ્વરેતા નૈષ્ઠિક તે જોય ।।૨૯।।

પણ તેનું ધરવું ન ધ્યાન, ભાવે ભજવા શ્રીભગવાન । જાણ્યા સમજ્યા વિના જે જન, કરે મનુષ્યનું તે ભજન ।।૩૦।।

કામી ક્રોધી ને વિષયાસક્ત, સ્વાદી સ્નેહી ને દંભી અભક્ત । એવા ગુરુ જે બ્રહ્મકોદાળ, તેનું ધ્યાન ધરેછે ચંડાળ ।।૩૧।।

કપટી ગુરુના શિષ્ય થાય, યમપુરીમાં વ્હેલા એ જાય । ખટ લક્ષ ચોરાશી હજાર, નરકના કુંડછે તેણે ઠાર ।।૩૨।।

તેને ભોગવે તે પાપી જન, કરે નરકનું દુઃખ સહન । પછે ચોરાશીમાં ભટકાય, અતિ ખુટલને કષ્ટ થાય ।।૩૩।।

ધરવું નહિ મનુષ્યનું ધ્યાન, કાજ બગાડે સર્વે નિદાન । તેહ સારુ મુકી દેવું માન, ધરવું મહાપ્રભુજીનું ધ્યાન ।।૩૪।।

તેથી કામ સર્વે સિદ્ધ થાય, બીજો કરવો ન કોઈ ઉપાય । ખટશાસ્ત્ર ને વેદ જે ચાર, શ્રુતિ સ્મૃતિ પુરાણ અઢાર ।।૩૫।।

તે ભણીને કંઠાગ્રે જો હોય, ભક્તિ વિના નરકે જાય સોય । કરે કીર્તન ભક્તિનો દંભ, પણ ભક્તિ વિના તો અસંભ ।।૩૬।।

માટે કરવું પ્રભુનું ભજન, આડંબર તજી નિજ મન । વળી ૧દિનકટ હોય જેમ, મળે વિધવાયો સર્વે એમ ।।૩૭।।

મિથ્યા વાતુમાં ગુજારે કાળ, સરખાં મળી કરે જંજાળ । વળી વ્યસની વર્ણ જે હોય, નવરા બેસે મળીને સોય ।।૩૮।।

દ્યૂતક્રીડા અમલ આમિષ, તેમાં ચિત્ત રહે અહોનિશ । એમ કરી પુરા કરે દિન, રહે મૂરખ માયા આધીન ।।૩૯।।

ભણ્યા ગણ્યા પુરાણી પંડિત, થાય છે ભક્તિ વિના ખંડિત । પ્રભુ ભજ્યા વિના ક્ષણ એક, કાળ કાઢવો નહિ વિશેક ।।૪૦।।

પ્રભુનું બળ લઈ પ્રમાણો, વર્તેછે મન ગાફિલ જાણો । નવ રાખે શ્રીહરિમાં ભાવ, જાણી લ્યો એ અવળો સ્વભાવ ।।૪૧।।

તેને ખોટ છે ત્રૈણ પ્રકાર, સુણો તેનો કહું છું વિચાર । તેમાં વિવેક પ્રભુમાં પ્રીત, મહિમાની નવ રહે રીત ।।૪૨।।

એ ત્રૈણે ખોટે કરીને દાસ, નથી વૃત્તિ રેતી પ્રભુપાસ । વૃત્તિ રાખી કરવું ભજન, એથી મોટું નથી રે સાધન ।।૪૩।।

પ્રભુને કરવા જે પ્રસન્ન, સારમાં સાર છે માનો મન । સુંદરજીયે પુછીતી વાત, એનો ઉત્તર આપ્યો સાક્ષાત ।।૪૪।।

શ્રીમુખે આપ્યો ઉત્તર એહ, તેનો ટળી ગયો છે સંદેહ । સર્વે સંત હરિજન ત્યાંય, અતિ રાજી થયા મનમાંય ।।૪૫।।

પુરુષોત્તમ જાણ્યા છે સાર, દૃઢ નિશ્ચે થયો તેણી વાર । સંત હરિજન સૌ તેઠાર, પ્રશંસા કરે વારમવાર ।।૪૬।।

પછે ત્યાંથી શ્રીજીમહારાજ, થયા તૈયાર કરીને કાજ । ભુજથકી નટવર નાવ, પ્રભુ પધાર્યા કાળે તળાવ ।।૪૭।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીજીમહારાજે ભુજનગ્રમાં સર્વદેશી વાત કરીને કાળે તળાવ પધાર્યા એ નામે ઓગણચાલીસમો તરંગઃ ।।૩૯।।