તરંગઃ - ૪૦ - શ્રીજીમહારાજને ભુજનગ્રમાં મુક્તાનંદસ્વામીએ શાંતિનો પ્રશ્ન પુછ્યો

Submitted by swaminarayanworld on Fri, 12/02/2021 - 11:25pm

પૂર્વછાયો

ઓરડી છે ત્યાં સ્વામીની, ગયા સુંદર શ્યામ । ગાદી તકીયે બેઠા પોતે, સલુણો સુખધામ ।।૧।।

ધોળાં તે વસ્ત્ર ધાર્યાં અંગે, ઉગમણું છે મુખ । સંત હરિજન મળી સર્વે, આવી બેઠા સનમુખ ।।૨।।

મુક્તાનંદ સ્વરૂપાનંદ, વ્યાપકાનંદજી જેહ । સુખાનંદ કૃપાનંદજી, વિરક્તાનંદ તેહ ।।૩।।

એ આદિ સહુ સંત બેઠા, વળી બીજા હરિજન । શ્રીહરિસન્મુખ શોભિતા, પરમ વિવેકી પાવન ।।૪।।

 

 

ચોપાઈ

 

ભીમજીભાઈ નામે સુતાર, મનજી હર્ભમ આદિ ચાર । વળી બીજા બહુ હરિજન, આવી બેઠા છે નિર્મળ મન ।।૫।।

ચાલે છે ભાગવતકથાય, ત્યાં ભક્તનો ચાલ્યો મહિમાય । તે સુણીને શ્રીજીમહારાજ, કરચપટી વગાડી કાજ ।।૬।।

કથા બંધ રાખી તેવાર, વાત કરવા લાગ્યા મુરાર । એકાંતિક પ્રભુભક્ત હોય, બ્રહ્મરૂપે વર્તે પોતે સોય ।।૭।।

પ્રભુજીને જાણી નિજ દેવ, એમ સમજી રાખે શ્રી એવ । પુરુષોત્તમ પૂરણ બ્રહ્મ, તેનું ધ્યાન ધરે પાળે ધર્મ ।।૮।।

પાળે ઇષ્ટની આજ્ઞા એ નિત્ય, વર્તે નિર્મળ રાખીને ચિત્ત । એવા ભક્ત એકાંતિક જોય, તેની પ્રવૃત્તિ સૃષ્ટિમાં નોય ।।૯।।

ત્યારે નરનારાયણ દેવ, તેમને વિષે રહેછે એવ । નિજ શરણાગત જે જન, તેને શિખવે પોતે પાવન ।।૧૦।।

એવા સમાને વિષેતો એક, નારદમુનિ છે તે વિશેક । આ સમામાં કસર નથી કાંય, એવાછે ઘણા સત્સંગમાંય ।।૧૧।।

એવું કૈને કર્યું ઘણું જ્ઞાન, પછે ચાલ્યા ત્યાંથી ભગવાન । ગયા નારાયણસર જ્યાંય, ખટ દિવસ રહ્યા છે ત્યાંય ।।૧૨।।

સદાવ્રતનું લાવે છે અન્ન, શુદ્ધ કરાવી જમે જીવન । પછે તેરે ગયા સુખરાશ, ત્યાં રહ્યા છે પોતે અઢીમાસ ।।૧૩।।

સંત હરિજનને તેવાર, ત્યાગ વૈરાગ આપ્યોછે સાર । આપ્યું નિજસ્વરૂપનું જ્ઞાન, સૌને નિશ્ચે કરાવ્યો સમાન ।।૧૪।।

વળી વાલમજી કરી ભાવ, પાછા આવ્યા છે કાળેતળાવ । ઉતારો કર્યો રવજી ઘેર, બેઠા આનંદમાં સુખભેર ।।૧૫।।

તેસમે રવજીનાં જે નાર્ય, વળી માતુશ્રી તેમનાં સાર । છેટે બેઠાં આવીને પાવન, દયાળુનાં કરવા દર્શન ।।૧૬।।

એવામાં ત્યાં મુસો આવ્યો એક, તે દેખી ઝબક્યાં છે વિશેક । સાસુ વૌ નાઠાં પામીને ત્રાશ, ત્યારે હસેછે શ્રીઅવિનાશ ।।૧૭।।

પછે બોેલ્યાછે પ્રાણજીવન, હવે બાયું સુણો શુભ મન । મુસાથી બીયો છો આણે ઠામ, ત્યારે આગળ કરશો શું કામ ।।૧૮।।

જ્યારે યમદૂતને દેખશો, ત્યારે ધીરજ કેમ રાખશો । પછે બોલી તે બાઈયો વાણ, સૂણો ભૂધર જીવનપ્રાણ ।।૧૯।।

તમે મળ્યા છો શ્રીમહારાજ, જમડા જખ મારે છે આજ । ત્યારે બોલ્યા શ્રીહરિ વચન, એવો નિશ્ચે જો રાખશો મન ।।૨૦।।

તો જમના દૂતનો શો ભાર, કાંઈ ચિંતા ન રાખો લગાર । એમ કેતા છતા મહારાજ, પછે પધાર્યા જમવા કાજ ।।૨૧।।

તે બાઈયોયે કરાવ્યો તો થાળ, સ્નેહસહિત જમ્યા દયાળ । જમીને થયા તૃપ્ત જીવન, વળી ચાલ્યા ત્યાંથી ભગવન ।।૨૨।।

ગયા માંડવી બંદરે શ્યામ, એક માસ રહ્યા તેઠામ । ત્યાંના સત્સંગી સર્વે જન, સ્વામીને જાણતા ભગવન ।।૨૩।।

તેમને દેખાડ્યા ચમત્કાર, પોતાનો નિશ્ચે કરાવ્યો સાર । પછે ત્યાંથી ચાલ્યા સુખધામ, ગામ કેરે ગયા અભિરામ ।।૨૪।।

ત્યાંથી દૈંસરે થૈ રંગરેલ, ભુજનગ્રે આવ્યા અલબેલ । ગંગારામભાઈને ઘેર, ઉતારો કરાવ્યો રુડી પેર ।।૨૫।।

પછે શ્રીહરિ સહજાનંદ, નિજભક્તને આપે આનંદ । ભુજનગ્રમાં જગદાધાર, કરેછે લીલા અપરમપાર ।।૨૬।।

ગંગારામભાઈ કેરે દ્વાર, સભા કરીછે દેવમુરાર । મુક્તાનંદ સ્વામીયે તેવાર, પ્રશ્ન પુછ્યું છે ત્યાં નિરધાર ।।૨૭।।

હે કૃપાનાથ હે મહારાજ, પ્રભુજી સુણો વિનંતિ આજ । જીવને શાંતિ શા વડે થાય, કૃપાનાથ કહો તે ઉપાય ।।૨૮।।

એવું સુણી બોલ્યા મહારાજ, સુણો મુક્તમુનિ શુભ કાજ । છુપૈયામાં અમે કર્યો વાસ, ધર્મ ભક્તિ થકી જે પ્રકાશ ।।૨૯।।

છુપૈયાપુર પુન્ય પવિત્ર, ઘણાં કર્યાં છે ત્યાં મેં ચરિત્ર । યોગ્ય ઉમર ત્યાં મુજ જોઈ, માતાપિતાયે દીધી જનોઈ ।।૩૦।।

પછે માતપિતાને મેં જાણ, અપવર્ગ પમાડ્યા પ્રમાણ । ત્યાર કેડે તજ્યું ઘરબાર, અમો નિકળ્યા વનમોઝાર ।।૩૧।।

ગયા પ્રથમ જનકપુર, ત્યાંથી આગળ ચાલ્યા જરૂર । ઝાડ પાડ ગુફાયું ગહન, ફર્તા ફર્તા કર્યું ઉલ્લંઘન ।।૩૨।।

પુલહાશ્રમે ગયા અજીત, તપ આદર્યું ત્યાં રુડી રીત । થયા સવિતાદેવ પ્રસન્ન, ત્યાંથી આગળ ચાલ્યાતે વન ।।૩૩।।

ગયા નવલખો નગ જ્યાંય, નવલાખ યોેેગી મળ્યા ત્યાંય । યોગીને મોક્ષ પમાડી ત્યાંય, પછે ચાલ્યા અમે વનમાંય ।।૩૪।।

એમ ફરતા થકા વનવાસ, જગન્નાથમાં આવ્યા હુલ્લાસ । ઘણા ત્યાં હતા અસુર તાસ, તેનો યુક્તિયે કરાવ્યો નાશ ।।૩૫।।

પછે ત્યાંથી ચાલ્યા ધરી ટેક, પીપલાણામાં આવ્યા વિશેક । એમ સંક્ષેપથી કરી વાત, પછે મુન્ય રહ્યા જગતાત ।।૩૬।।

મુક્તાનંદ-સ્વામી તેણી વાર, કરવા લાગ્યા મન વિચાર । મેં જે પ્રશ્ન પુછ્યુંતું આ વાર, તેનો તો મળ્યો નૈ કાંઈ સાર ।।૩૭।।

કરી વાત બીજી મહારાજ, મુને ઉત્તર આપ્યો ન આજ । સ્વામીયે પુછ્યું છે બીજી વાર, શાથી શાંતિ થાય નિરધાર ।।૩૮।।

ત્યારે શ્રીહરિ દેવ મુરારી, ફરીથી બોલ્યા છે સુખકારી । કહ્યાં પ્રથમ ચરિત્ર જેહ, બીજી વાર કહ્યાં પણ તેહ ।।૩૯।।

તોયે સ્વામી ન સમજ્યા મન, કરી વિચાર ચિત્તમાં અન્ય । અતિવૃદ્ધ સદાનંદ નામ, તે કેવા લાગ્યા છે તેહ કામ ।।૪૦।।

મુક્તાનંદ સ્વામી સુણો આજ, કેવી વાત કેછે મહારાજ । શાંતિ થવાનો જે છે ઉપાય, એજ પ્રમાણે કહ્યો છે ન્યાય ।।૪૧।।

તમે સમજ્યા નહિ તે વાત, યુક્તિયેથી બોલ્યા જગતાત । જુવો પૂર્વે થયા મુનિ વ્યાસ, સત્તર શાખાયો કરી પ્રકાશ ।।૪૨।।

પણ શાંતિ થઈ ન લગીર, મળ્યા નારદજી મતિધીર । બોલ્યા નારદજી કરી હિત, સુણો વ્યાસમુનિ રૂડી રીત ।।૪૩।।

શ્રીકૃષ્ણતણાં બાલચરિત્ર, જ્યારે ગાશો તમે મારા મિત્ર । શાંતિ પામશો ત્યારે સદાય, તે વિના નથી બીજો ઉપાય ।।૪૪।।

ત્યાં સુધી તમે નથી કર્યું કાંઈ, નિશ્ચે સમઝી લ્યો મનમાંઈ । એવું સુણીને વ્યાસજી તરત, શ્રીમદ્ભાગવત રચ્યું સરત ।।૪૫।।

ત્યારે શાંતિ પામ્યા વ્યાસ આપ, કૃષ્ણચરિત્રનો એ પ્રતાપ । તેમ આપણે ગાવાં ચરિત્ર, આ પ્રગટ પ્રભુનાં પવિત્ર ।।૪૬।।

એવું સુણીને ત્યાં મુક્તાનંદ, પામ્યા મનમાં અતિ આનંદ । શ્રીજીમહારાજનોે પ્રતાપ, સ્વામી સમઝી ગયાછે આપ ।।૪૭।।

પછે નિશ્ચય થયો છે મન, નથી શાંતિ પુષ્ટિ એથી અન્ય । સ્વામી થયાછે પ્રેમમગન, કરે શ્રીહરિનું સ્તવન ।।૪૮।।

ક્ષમા કરાવ્યો તે અપરાધ, જાણ્યો શ્રીજી મહિમા અગાધ । પછે શ્રીજીનાં ચરિત્ર જેહ, અથ ઇતિ ગાયાં પોતે તેહ ।।૪૯।।

થયા પ્રગટ સુંદર શ્યામ, ત્યાંથી વર્ણન કર્યું તમામ । શ્રીહરિ પધાર્યા સ્વધામ, ત્યાંસુધી વર્ણન કર્યું નામ ।।૫૦।।

ધર્માખ્યાન નામે રચ્યો ગ્રંથ, મુક્તાનંદ સ્વામીયે એ પંથ, જે કોઈ ગાશે આ બાલચરિત્ર, નરનારી તે થાશે પવિત્ર ।।૫૧।।

રોગાદિક આપત્કાળ જેહ, મુકાશે સહુ કષ્ટથી તેહ । જાણે અજાણે ગાશે જે જન, સ્નેહે સુણે તે થાય પાવન ।।૫૨।।

થાય પરમ કલ્યાણ જરુર, એમાં સંશે ન રાખવો ઉર । માટે સેવજ્યો બાલચરિત્ર, નિરભિમાની થૈ મારા મિત્ર ।।૫૩।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રીઅયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીજીમહારાજને ભુજનગ્રમાં મુક્તાનંદસ્વામીએ શાંતિનો પ્રશ્ન પુછ્યો એ નામે ચાલીશમો તરંગઃ ।।૪૦।।