તરંગઃ - ૬૫ - શ્રીહરિયે પ્રાંતિજમાં લીલા કરી

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:14am

સામેરી

સાવધાન થઇ સાંભળો, રામશરણ બુદ્ધિમાન । વૌઠેથી વાલમ વિચર્યા, સંઘસાથે ભગવાન ।।૧।। 

ડભાણે ગયા શ્રીદયાળુ, સંત હરિજન સાથ । થાળ જમીને ચાલ્યા ત્યાંથી, પામ્યા વૃત્તાલય નાથ ।।૨।। 

જોબન ભક્તની મેડિયે, ઉતરીયા અવિનાશ । ઘણી લીલા કરતા થકા, ત્યાં ઠરી રહ્યા બે માસ ।।૩।। 

સાધુને ત્યાં ભણવા રાખ્યા, પછે ગયા બોચાસણ । કાશીદાસને ત્યાં જમીને, ચાલ્યા અશરણશરણ ।।૪।। 

શેરડી ગામે થૈ સલુણો, ચાલ્યા શ્રીઅલબેલ । એકલબારે ઉતરી ગયા, સરસવણી રંગરેલ ।।૫।। 

ત્યાંથી ગયા ગામ પાદરે, અખિલ જગ આધાર । કાનુજી ગાયકવાડ છે, તેણે કર્યો વિચાર ।।૬।। 

સહજાનંદને પકડી, કેદ કરૂં હું આજ । રૂપૈયા લેવા જે રોકડા, જરુર કરું તે કાજ ।।૭।। 

અંતરજામીયે જાણ્યો છે, તેનો મનોરથ જેહ । પ્રાતઃકાળ વ્હેલ્લા ઉઠીને, પધારી ગયા તેહ ।।૮।। 

વ્હાલો પોચ્યા બામણગામે, ત્યાંથી ગયા વડતાલ । પછે પધાર્યા ઉમરેઠે, નંદુ ઠાકરને ત્યાં લાલ ।।૯।। 

ઉગમણા ઉપવનમાં, પ્રભુ રહ્યા દિન પંચ । ત્યાંથી ડડુસર વિચર્યા, બહુનામી બલસંચ ।।૧૦।। 

ગલુજી ભક્તને ત્યાં ગયા, કર્યાં છે ભોજન પાન । પછે પધાર્યા કઠલાલે, ભયહારી ભગવાન ।।૧૧।। 

ગામને આરે નદીતીરે, પિપળાનો તરૂ જ્યાંય । તેના હેઠે એક ઓટો છે, રહ્યા પ્રભુ બે દિન ત્યાંય ।।૧૨।। 

ત્યાંથી તે પધાર્યા તોરણે, ગયા ગામ મોઝાર । રણછોડ ભક્તની ગાદીયે, બેઠા જઇ નિરધાર ।।૧૩।। 

મોહોર મુકી સુવર્ણની, ચાલ્યા સુંદર શ્યામ । પાર્ષદસહિત પધારીયા, પ્રભુજી આંત્રોલી ગામ ।।૧૪।। 

સત્સંગી સર્વે સામા આવ્યા, હર્ષ કરીને ત્યાંય । વાજતે ગાજતે લૈ ગયા, શ્રીહરિને ગામમાંય ।।૧૫।। 

ભાઇ શંકરની ફળીમાં, ઉતર્યા તેમને દ્વાર । થાળ કરીને ત્યાં જમાડિયા, ઉમંગ કરી અપાર ।।૧૬।। 

શિવજીનાં મંદિરમાં, ત્રણ દિન રહ્યા નાથ । ત્યાં આવ્યો દક્ષિણી અસુર, બસે સવાર સાથ ।।૧૭।। 

પ્રભુજીને તે ઝાલવાનો, વિચાર કરી મનમાંય । અંતરજામીયે જાણીયો, તેમનો અભિપ્રાય ।।૧૮।। 

ગામ બારે દરવાજે ઉભા, મારગ રોકીને મૂઢ । પ્રભુ પાર્ષદ સાથે ચાલ્યા, અસ્વાર થૈ ગતિગૂઢ ।।૧૯।। 

બસે સવાર જ્યાં ઉભા છે, તૈયાર થૈને તમામ । અલબેલો આવ્યા તે સ્થળે, સ્વારસંગે સુખધામ ।।૨૦।। 

પ્રાણનાડીઓ જે તેમની, ખેંચી લીધી તતખેવ । દિગમૂઢ જેવા થૈ રહ્યા, ઠરી ગયા સહુ એવ ।।૨૧।। 

વાજી સાથે તે ચોટી રહ્યા, ભુલી ગયા સહુ ભાન । બુદ્ધિ રહી નહિ બોલવાની, થૈ ગયા ચિત્ર સમાન ।।૨૨।। 

ખળજનોને ખાળી રાખ્યા, જડસમ કર્યા જ્યાંય । બ્રહ્મમોલના વાસી વ્હાલો, ચાલ્યા શ્રીહરિ ત્યાંય ।।૨૩।। 

સિંહ દેખી જંબુક જેમ, વણમારે મરી જાય । અક્ષરપતિને દેખીને, થૈ તેમની એ દશાય ।।૨૪।। 

ત્યાંથી તો વાલમ વિચર્યા, ગયા શીંગાળી ગામ । તે ગામની બાર્ય પશ્ચિમે, છે સરોવર જે ઠામ ।।૨૫।। 

તરુ છે એક રાયણનું, તે સરોવર પાસ । તેની શાખા ગ્રહીને ઉભા, ઘોડેસ્વાર અવિનાશ ।।૨૬।। 

તેસમે એક ભક્ત આવ્યો, નામ રૂપો કોટવાળ । મહાપ્રભુને પગે લાગી, બોલ્યો વચન તતકાળ ।।૨૭।। 

હે મહારાજ કૃપા કરી, રાત્રિ રહો આંહી આજ । સેવા અંગીકાર કરીને, પધારજ્યો સુખસાજ ।।૨૮।। 

બહુનામી ત્યારે બોલિયા, ઘણા જન અમ પાસ । વળી પાર્ષદ કાઠી ભેગા, ઘોડાના સ્વાર પચાસ ।।૨૯।। 

જોગાણ જોશે તેહને, તે વિચારી લેજ્યો મન । એવું સુણીને ભક્ત કેછે, બહુ સારું ભગવન ।।૩૦।। 

ઘણા મઠ છે મુજ ઘરે, કુંભ ભરેલા છે બેય । એમ કહી લાવી દીધા, બેઉ ઘડા મઠ તેય ।।૩૧।। 

શ્રીહરિ અશ્વથી ઉતર્યા, જોગાણ લીધું છે હાથ । વેંચી આપ્યું તે સર્વને, નિજહાથે યોગિનાથ ।।૩૨।। 

પચાસ પાવરા ભરીયા, દરેકમાં દશ શેર। પણ ઘડા તો ભર્યા રહ્યા, મહારાજની એ મેર ।।૩૩।। 

પ્રતાપ એવો નિરખીને, હરખ્યા છે સર્વે જન । પ્રભુપણાનો નિશ્ચે થયો, નર નારીને મન ।।૩૪।। 

લાડુ કરાવ્યા સુખડીના, સર્વમંડળને કાજ । હર્ષવડે જમાડી દીધા, રાજી થયા મહારાજ ।।૩૫।। 

બીજે દિવસે પ્રાતઃકાળ, પધાર્યા સુંદર શ્યામ । ગામ આંતરસુબે ગયા, ત્યાંથી ઉંટડીયે ઘનશ્યામ ।।૩૬।।

 શ્રીહરિ ગયા મંદિરમાં, કર્યાં રુડાં દરશન । વસ્ત્ર ભૂષણ આપ્યાં વિપ્રને, વળી આપ્યું ઘણું ધન ।।૩૭।।

 સરિતામાં સ્નાન કરીને, ચાલ્યા જગદાધાર । પાર્ષદસહિત પધાર્યા, લવાડગામ મોઝાર ।।૩૮।। 

ગેદાલજીને ઘેર રહ્યા, સલુણો એક રાત । સેવા અંગીકાર કરીને, ચાલીયા શ્રીજગતાત ।।૩૯।। 

પછે પુરૂષોત્તમ પોતે, ગયા સલકીગામ । દયાળજીને ત્યાં રહ્યા છે, પાંચ દિવસ એ ઠામ ।।૪૦।। 

પાવન કરીને ચાલીયા, પધાર્યા પ્રાંતિજ ગામ । તે ગામના આશ્રિત સર્વે, સામા આવ્યા અભિરામ ।।૪૧।।

 કાશીરામ ને મયારામ, ગોવિંદ મંછારામ । તુલજારામ આદિ સર્વે, આવી કર્યાછે પ્રણામ ।।૪૨।। 

ઉત્સવ સાથે તેડી લાવ્યા, ગામવિષે નિરધાર । મયારામને ત્યાં ઉતર્યા, કરી મન અતિપ્યાર ।।૪૩।। 

નવલબાના ઓરડાની, ઓશરીમાં નિરધાર । પલંગ ઉપર્ય પધરાવ્યા, ભક્તિભાવે તેવાર ।।૪૪।। 

પછે તે બાયે સ્તુતિ કરી, નિર્મળ મનથી ત્યાંય । શ્રીહરિજી ભલે પધાર્યા, કૃપા કરી અતિ આંય ।।૪૫।। 

બીજે દિવસે પ્રાતઃકાળે, વ્હેલા ઉઠ્યા ભગવાન । પ્રભુ ગયા બોખ ઉપર્ય, નિર્મળ કરવા સ્નાન ।।૪૬।। 

સંત હરિજન સાથે લઈ, કર્યું છે જલમાં સ્નાન । પછે ઉતારે પધારીયા, બહુનામી ભગવાન ।।૪૭।। 

હરિજનોને ઘેર ઘેર, ભાવે કર્યાં છે ભોજન । સુખ આપ્યાં સેવકને, દશ દિવસ જીવન ।।૪૮।। 

રેવા પંડ્યાયે સ્તુતિ કરી, બોલ્યા તે નિર્મળ વાણ । પ્રભુ મુજ ઘેર પધારો, જમવા જીવનપ્રાણ ।। ૪૯।। 

તે સુણીને શ્રીહરિવર, ગયા છે તેમને ઘેર । ભાવતાં ભોજન કર્યાં છે, શ્રીહરિએ સુખભેર ।।૫૦।। 

રેવા પંડ્યાને રાજી થઇ, કહેછે શામ સુંદર । પ્રસાદિની જગ્યા અમારી, આંહિ થાશે મંદિર ।।૫૧।। 

તે ઠેકાણે થયું મંદિર, મોટું વિશાળ છે હાલ । પ્રાંતિજમાંહી લીલા કરી, પધાર્યા ત્યાંથી દયાળ ।।૫૨।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે પ્રાંતિજમાં લીલા કરી એ નામે પાંસઠમો તરંગ ।।૬૫।।