પૂર્વછાયો
પછે ત્યાંથી ચાલ્યા પ્રભુજી, વાલો ગયા વિજાપુર । પ્રાગજીને ઘેર જઇને, ઉતારો કર્યો જરૂર ।।૧।।
વજીબા નામે જે પતની, પવિત્ર બે નર નાર્ય । સ્તવન કર્યું પ્રેમવડે, આપ્યો બહુ સતકાર ।।૨।।
પૂર્ણ પ્રેમે થાળ કરાવ્યો, જમાડ્યાં રુડાં ભોજન । દંપતીનો ભાવ દેખીને, ત્યાં રહ્યા પ્રાણજીવન ।।૩।।
ચોપાઇ
વિજાપુરે મનોહર માવ, રહ્યા ભક્તનો દેખીને ભાવ । નવી નવી લીલા કરે નિત્ય, પ્રેમીજનને વધે છે પ્રીત ।।૪।।
નવઘરીમાં બેસે છે શ્યામ, ઘણા લોક આવે છે તે ઠામ । એમ દિવસ વિત્યા બે ચાર, છેલો આપે છે સુખ અપાર ।।૫।।
ત્યાર પછે શ્રીદેવમુરારી, એક દિન સભા કરી સારી । હજારો જન આવ્યા છે ત્યાંય, ભાવ લાવી બેઠા સભામાંય ।।૬।।
બેઠા સંત હરિજન જોઇ, શ્રીમહારાજમાં ચિત્ત પ્રોઇ । પ્રાગજી આદિ ત્યાંના જે ભક્ત, બેઠા સભામાં થઇ આશક્ત ।।૭।।
બીજી બાઇઓ બેઠી છે દૂર, અવિનાશીમાં થઇ આતુર । તેમાં વજીબા સર્વથી મુખ્ય, જુવે છે મહાપ્રભુનું મુખ ।।૮।।
શ્રીહરિ જેતે કરીને દયા, વજીબાના સામુ જોઇ રહ્યા । પછે વાલાયે કર્યો વિચાર, પુછું પૂર્વેના હું સમાચાર ।।૯।।
એમ ધારીને બોલ્યા ભગવન, વજીબા સુણો મુજ વચન । તમે નિરખો છો ધરી નેહ, તેનું કારણ શું છે કહો તેહ ।।૧૦।।
જાણે કરો છો બીજો વિચાર, ઉંડાં ઉતરીને આણીવાર । પૂર્વની કાંઇ વાત છે યાદ, સાચું બોલોને તજી પ્રમાદ ।।૧૧।।
એવું સુણીને બોલ્યાં વજીબાઈ, કાંઈ યાદ નથી સુખદાઈ । પૂર્વેની નથી ખબર કાંઈ, સાચે સાચું કહું છું હું આંહી ।।૧૨।।
ત્યારે મેર કરી મહારાજ, વજીબાને પૂછ્યું શુભ કાજ । ઘણાવર્ષ મોર બાવો એક, બાલાયોગીને વેષે વિશેક ।।૧૩।।
તવ ઘેર આવ્યોતોને જેહ, તેની વાત કો નિરસંદેહ । વજીબાયે કર્યો છે વિચાર, ધારી ધારીને વારમવાર ।।૧૪।।
પછે સાંભરી આવ્યું છે મન, બોલ્યાં શ્રીહરિ પ્રત્યે વચન, હે કૃપાનાથ સાંભર્યું તેહ, ઘણાં વર્ષ વીતી ગયાં જેહ ।।૧૫।।
આવ્યો તો વેષ લૈ અવધૂત, તે તો હતો બાબરીયો ભૂત । દેખાતો બાળા વેષે પવિત્ર, પણ બહુ હતાં તેમાં ચરિત્ર ।।૧૬।।
ત્યારે બોલ્યા છે દેવ મુરાર, વાત મારી ઉચ્ચારી આ ઠાર । કહો વિસ્તારીને સહુ વાત, અથ ઇતિ બનીતી જે ખ્યાત ।।૧૭।।
ત્યારે વજીબા બોલ્યાં છે વાણ, સુણો શ્રીહરિ જીવનપ્રાણ । આગળ ઉપર આણે ગામ, તે અવધૂત આવ્યો તો શ્યામ ।।૧૮।।
મુજ ફળીમાં આવીને જોય, પિપળાની હેઠે બેઠો સોય । મહિષી દોવા બેઠી હું આંય, અતિ આનંદીને મનમાંય ।।૧૯।।
આવ્યો અવધૂત બાવો જ્યાંય, તેથી ભેંશ તો ભડકી ત્યાંય । દુધ ઢોળાવી નાખ્યું છે તેથી, પાત્ર ફુટીયું મુજ કરેથી ।।૨૦।।
ધરણીમાં તે ઢળી ગયું દુધ, થયું ઉદાસ મન વિરુદ્ધ । ભેંશ ભડકી ફાળે થૈ ત્યાંય, ત્રાસ પામી હું ગઇ ઘરમાંય ।।૨૧।।
પછે આવ્યા મારા પતિ સોય, મારી થઇ એવી ગતિ જોય । વાત કહી કરીને વિસ્તાર, સુણીને તરત તે આવ્યા બાર ।।૨૨।।
ગયા બાલાયોગીને તે પાસ, સમાચાર પુછી ઉભા તાસ । યોગી કહે ભુખ્યા છૈયે અમે, કાંઇક ખાવાનું લાવો તમે ।।૨૩।।
ત્યારે કહ્યું ખાવા નથી કાંય, હવે લાવું હું તે કયાંથી આંય । વળી બોલ્યા યોગી તે વચન, જુઠું શા સારું બોલો છો મન ।।૨૪।।
દક્ષિણબાજુ કોઠલામાંય, ઘરમાં જે જુવો તમે ત્યાંય । બરફીનું પાત્ર ભર્યું છે એક, મુને લાવી આપો તે વિશેક ।।૨૫।।
ત્યારે ભક્ત આવ્યા ઘરમાંય, મુને પુછવા લાગ્યા છે ત્યાંય । તાસ ભર્યો તો તે સાચી વાત, મેં બતાવી દીધો તે વિખ્યાત ।।૨૬।।
ભક્તે પ્રસાદ આપ્યો જે વાર, સુવા જગ્યા માગી છે તે ઠાર । ઘરમાં હતો એક ચોફાળ, ઓઢવાને આપ્યો તતકાળ ।।૨૭।।
જાણે અંતરયામી શું હોય, એવી વાત કરે ઘરની સોય । મેં તો ચોફાળની કહી નાય, પણ ભક્તે આપ્યો સુખદાય ।।૨૮।।
એમ કરતાં નિશા થઇ જ્યાંય, સુઇ જવા સમો થયો ત્યાંય । આજુબાજુમાં સઘળા જન, નરનારીયે કર્યું શયન ।।૨૯।।
તે સમે હું ઉઠી નિરધાર, ચાલી આવી ઘરમાંથી બહાર । જોયું પિપળા સામું મેં જ્યાંય, બાબરીયો ભૂત દેખ્યો ત્યાંય ।।૩૦।।
બહુ લાંબા કર્યા છે પાય, ભયંકર મુને તો દેખાય । ભરાવ્યા છે તે પીપળામાથે, મુને તો એમ બતાવ્યું નાથે ।।૩૧।।
હું પામી મનમાં ઘણો ત્રાસ, તરત ઘર મધ્યે ગઇ તાસ । કરી ભક્તને વાત મેં સાર, ત્યારે ઉઠીને આવ્યા તે બાર્ય ।।૩૨।।
એમને સૂક્ષ્મરૂપે જણાય, મારે તો વિચિત્ર દેખાય । એમ ફરી ફરી ત્રણવાર, બાલાયોગીયે કર્યું તે ઠાર ।।૩૩।।
સુણો શ્રીહરિ ભૂધરભ્રાત, આ તો સંક્ષેપથી કહી વાત । મુને સાંભરી આવી છે જેહ, કૃપાનાથ કહી મેં તો તેહ ।।૩૪।।
એવું સુણી હસ્યા ભગવન, વજીબા પ્રત્યે બોલ્યા વચન । આ સમે આવે તે યોગી આંય, ઓળખી શકો તેને મનમાંય ।।૩૫।।
ત્યારે તો વજીબા બોલ્યાં એમ, ઓળખી શકું નહિ તે કેમ । એવું વચન કહ્યું જે વાર, વાલે ચરિત્ર કર્યું એઠાર ।।૩૬।।
બાલાયોગી રૂપે થયા આપ, દેખ્યો નરનારીયે પ્રતાપ । એક ઘડી સુધી ભગવન, યોગીરૂપે દીધાં દરશન ।।૩૭।।
વજીબા પામ્યાં આશ્ચર્ય મન, આ તો એના એ છે ભગવન । દઢ નિશ્ચે થયો મન સાથ, કર્યાં દર્શન થયાં સનાથ ।।૩૮।।
કર્યું અંતરધાન તે રૂપ, હતા તેવા થયા છે અનુપ । સર્વે સંત હરિજન ત્યાંય, પામ્યા આનંદ તે મનમાંય ।।૩૯।।
વજીબાને કહે મહારાજ, અમે આવ્યાતા તમારે કાજ । એમ લીલા કરે ભવતાર, આપે ભક્તને સુખ અપાર ।।૪૦।।
તે સમે ત્યાંના સંજય જેહ, સર્વે આવ્યાતા સભામાં તેહ । તેમણે કહ્યું સુણો મહારાજ, અમે વિચાર્યું છે એમ કાજ ।।૪૧।।
પ્રભુ થઈ ફરો છો સુજાણ, સઘળાંનાં કરો છો કલ્યાણ । પણ શ્રીકૃષ્ણે પર્વત ધાર્યો, ઇન્દ્રનો અભિમાન ઉતાર્યો ।।૪૨।।
એમ અમારા ગામનો એક, દરવાજો છે મોટો આ વિશેક । તેને ઉપાડો જો તમે ખ્યાત, ત્યારે જાણીયે પ્રભુ સાક્ષાત ।।૪૩।।
ત્યારે શ્રીહરિ કે સુણો ભાઈ, એમાં તો નથી કાંઈ નવાઈ । દરવાજો ઉંચો કરીયે સોય, આંગળી પર ધારીયે જોય ।।૪૪।।
પણ લખી આપો તમે આજ, નક્કી કહીયે છૈયે તે કાજ । દરવાજો ઉંચો કરૂં ખચિત, તમે અમારા થાવો આશ્રિત ।।૪૫।।
સંજયે સુણ્યાં એવાં વચન, સર્વે વિચારે છે એમ મન । સ્વામિનારાયણ જાદુખોર, બાબરીયા ભૂતનું છે જોર ।।૪૬।।
કદી ઉપાડે દરવાજો આજ, તો આપણી રહે નહી લાજ । એમના સેવક ન થવાય, આપણે પ્રભુ નવ કેવાય ।।૪૭।।
એમ વિચારીને ગયા મન, હરિ ન ઓળખાયા એ દન । સંસ્કાર વિના નવ પમાય, પ્રગટના ભક્ત ન થવાય ।।૪૮।।
એમ વિજયપુર મોઝાર, પંદર દિન રહ્યા મુરાર । સૌની સેવા કરી અંગીકાર, પછે પ્રીતમ થયા તૈયાર ।।૪૯।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે વિજયપુરમાં લીલા કરી એ નામે છાસઠમો તરંગઃ ।।૬૬।।