તરંગઃ - ૭૭ - શ્રીહરિયે શ્રીનગરમાં નરનારાયણદેવની પ્રતિષ્ઠાના કામનો આરંભ કર્યો

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:37am

પૂર્વછાયો

દયા કરી દુર્ગપુરમાં, રહ્યાછે રાજીવનેણ । દાદાના દરબારમાંહી, વાતો કરે સુખદેણ ।।૧।। 

એકસમે અક્ષર મોહોલે, બિરાજ્યાછે પરબ્રહ્મ । વિચાર કરેછે મનમાં, શ્રીહરિ પુરૂષોત્તમ ।।૨।। 

જે કામ કરવા આવ્યા હતા, આ અવનીપર આજ । તેતો સર્વસિદ્ધ કર્યાં છે, ધર્મ વિષે શુભ કાજ ।।૩।। 

અધર્મને ઉચ્છેદન કરી, ધર્મનું કર્યું સ્થાપન । આસુરીનો નાશ કરીયો, કર્યા છે નિર્મળ જન ।।૪।। 

દઢ ઉપાસના માહેરી, સ્થાપીછે વસુધામાંય । માટે અંતર્ધાન થાઉં, કાજ નથી બીજું આંય ।।૫।।

 

ચોપાઇ

 

મારા ભક્ત માટે આલંબન, કરાવું મંદિરો હું પાવન । મારી મૂર્તિયોનું જે સ્થાપન, તે વિષે કરાવું શુભ મન ।।૬।। 

મેં કર્યાં ધરણીમાં જે ચરિત્ર, તેનાં શાસ્ત્ર રચાવું પવિત્ર । સંપ્રદાયની પુષ્ટિજ થાવા, માટે કરૂં ઉપાય હું આવા ।।૭।। 

મારો નિશ્ચે રહે સૌને મન, ધર્મપદ્ધતિ બાંધું પાવન । વળી ધર્મતણી રક્ષા કાજ, ધર્મગુરુ સ્થાપું હવે આજ ।।૮।। 

ધર્મકુળના આચાર્ય શીર, કરૂણાથી કર ધરું ધીર । એવો વિચાર કરેછે મન, પ્રાણપતિ પોતે ભગવન ।।૯।। 

તે સમે આવ્યા પુન્ય પાવન, અમદાવાદના હરિજન । બોલ્યા વિનયસાથે વચન, હે કૃપાનાથ જગજીવન ।।૧૦।। 

અમારા શેરવિષે સુંદિર, મહાપ્રભુ કરાવો મંદિર । એવાં સુણી મધુર વચન, મનમોહને વિચાર્યું મન ।।૧૧।। 

સભા સામું જોયું બહુનામી, બેઠા દીઠા છે આનંદસ્વામી । કરી છે આજ્ઞા તેમને નાથે, જાઓ શ્રીપુર સત્સંગીસાથે ।।૧૨।। 

વિપ્રપાસે મુહૂર્ત કઢાવી, કરાવો આરંભ નિશ્ચે કરાવી । અતિ દૃઢ વિશાળ રૂપાળું, શોભિતાં ત્રણ શિખરવાળું ।।૧૩।। 

શ્રીનગર શહેરછે મોટું, દર્શન માટે જનો દેશે દોટું । બુઢા બાળક આવે હજારૂં, જ્યારે વાગે દેવનું નગારૂં ।।૧૪।। 

ભુલેચુકે કોઇ પડી જાય, તેને શરીરે ઇજા ન થાય । નીચા પરથારે શોભિતું સારું, એમાં છે ઘણું ગમતું અમારું ।।૧૫।। 

દુર્લભને એરણ્ય સાહેબ, બન્ને સારા છે કાંઇ નથી ૧એબ । તેણે અમારી મરજીપ્રમાણે, કરી દીધો લેખ સહુ જાણે ।।૧૬।। 

લેખ ત્રાંબાના પત્રે કર્યો છે, હીરાચંદના ઘેર ધર્યો છે । તેને મંગાવીને જો જો ખાસ, પછે રાખજ્યો તમારી પાસ ।।૧૭।। 

ઘણા સંતોને સાથે લઇને, ગંગાના ઘાટ જોયાછે જઇને । વળી કાંકરીયાસર તીર, રૂડાં સ્થાન જોયાંછે અચિર ।।૧૮।। 

ભૂતવાડી પાતસાહવાડી જેહ, સંત સાથે રહી જોયાં તેહ । સર્વે ઠેકાણે કરી તલાસ, પાઠકવાડી કરીછે પાસ ।।૧૯।। 

બનાવજ્યો એ સ્થાને મંદિર, જીયાં તપ કર્યું નરવીર । તે ભૂમિકા પવિત્ર છે ભારી, મેં આ વાત કરીછે વિચારી ।।૨૦।। 

શ્રીજીની આજ્ઞા ધારી ઉર, પછે સ્વામી પધાર્યા શ્રીપુર । નવાવાસમાં રાખ્યો નિવાસ, સેવા કરેછે સહુ હરિદાસ ।।૨૧।। 

શુભ મુહૂર્તમાં તે ઠામ, મંદિરનું આરંભ્યું છે કામ । કરાવ્યું ત્રણ શિખરબંધ, અતિ અદ્ભુત રૂડે સંબંધ ।।૨૨।। 

જ્યારે મંદિર થયું તૈયાર, હરિજનોયે કર્યો વિચાર । તેડાવોને શ્રીજી મહારાજ, પ્રતિમાઓ પધરાવા કાજ ।।૨૩।। 

પત્ર લખાવ્યો કરીને પ્રેમ, આમંત્રણ કર્યું રાખી નેમ । કુબેરસિંહ જે છડીદાર, ગયા દુરગપુર મોઝાર ।।૨૪।। 

પત્ર આપ્યો પ્રભુજીને હાથ, વાંચી પ્રસન્ન થયા છે નાથ । જોશીને બોલાવ્યા તતખેવ, શુભ મુહૂર્ત કઢાવ્યું એવ ।।૨૫।।

બદ્રીપતિ દેવની જરૂર, પ્રતિષ્ઠા કરાવી ધારી ઉર । દેશોદેશ પ્રત્યે લખ્યા પત્ર, કંકોત્રિયોના રૂપેથી તત્ર ।।૨૬।। 

પછે શ્રીહરિ થયા તૈયાર, સંત હરિજન કાઠીસ્વાર । હજારો જનને લેઇ સંગે, અમદાવાદ આવ્યા ઉમંગે ।।૨૭।। 

કાંકરીયાસરોવર તીર, કર્યો મુકામ ત્યાં ધરી ધીર । દક્ષિણ દિશાતરફે અજીત, બિરાજ્યા સંત ભક્તસહિત ।।૨૮।। 

હરિ કાંકરીયે આવ્યા જે ઘડી, તે ખબર સાહેબોને પડી । પછે સેના સજી ચતુરંગી, શ્રીજીસન્મુખ આવ્યા ઉમંગી ।।૨૯।। 

શ્રીહરિને દેખ્યા જેહવાર, વાધ્યો સાહેબને મન પ્યાર । પૂર્વજન્મતણા સંસ્કારી, તેથી શ્રીજી મળ્યા દુઃખહારી ।।૩૦।। 

એરણ્ય ને દુર્લભ એ બેઉ, બીજા નોકર ચાકર તેઉ । સર્વે ટોપી હાથમાં લઇને, શ્રીહરિને સમીપે જઇને ।।૩૧।। 

કરે નરવીરને નમસ્કાર, વિનતિ કરે વારમવાર । સુણી વિનતિને પ્રભુ પોતે, બેઠા હસ્તિ ઉપર સહુ જોતે ।।૩૨।। 

હસ્તી વસ્ત્ર ઘરેણે શોભાડી, કસી ઉપર કનક અંબાડી । તેમાં બિરાજ્યા છે બહુનામી, જે છે અક્ષરધામના ધામી ।।૩૩।। 

મેના પાલખી ને ગાડી સાર, તાવદાન ને રથ અપાર । જેમ ઘટે તેમ બળવંત, બેસાર્યા સર્વે સંત મહંત ।।૩૪।। 

બીજા સંતોને પાર્ષદ સાર, પગપાળા ચાલેછે અપાર । હરિભક્તોને શહેરના લોક, આવે ત્યાં સર્વે થોકના થોક ।।૩૫।। 

આગે વાજિંત્ર વાગે અપારી, ચાલે ધીરે ધીરે અસવારી । રાજમાર્ગ ને બેઉ તટ, માણસોના બંધાણાછે ઘટ ।।૩૬।। 

હાથમાં સૌને પુષ્પના હાર, એવા ભાવિક લોકો અપાર । પેરાવી હરિને ફુલહાર, કર જોડી કરે નમસ્કાર ।।૩૭।। 

શ્રીહરિ જુવે જનના સામું, પુરે સર્વેના હૈડાની હામું । અમીદૃષ્ટે સામું જોઇ આપ, ટાળે સર્વેના ત્રિવિધ તાપ ।।૩૮।। 

કરી સૌની પૂજા અંગીકાર, રાજી થયા છે ધર્મકુમાર । ફરતા આવ્યા છે માણેકચૌક, ત્યાંતો દીઠા છે અનહદ લોક ।।૩૯।। 

બેઉ સાહેબે હેત કરીને, મહેલે પધરાવ્યા હરિને । કરી પૂજા પ્રાર્થના ભારી, પ્રભુ રક્ષા કરજ્યો અમારી ।।૪૦।। 

 

 

સાહેબોને આપી વરદાન, પછે ચાલ્યા ત્યાંથી ભગવાન । આવ્યા મંદિરમાં અલબેલો, જોઇ રાજી થયા રંગરેલો ।।૪૧।। 

પછે શહેર ભક્ત ભાવિક, તેમણે રાખી બરદાસ ઠીક । નથ્થુ આદિ ગણપતરામ, હીરાચંદ બેચર તે ઠામ ।।૪૨।। 

લાલદાસ અને માણેકલાલ, રણછોડ કેવળ તત્કાલ । દામોદર અને હીરાભાઇ, બે ગોવિંદ ત્રીકમ છે ત્યાંઇ ।।૪૩।। 

ગંગા રેવા લક્ષ્મી જીવીબાઇ, શિવા શ્યામા આદિ ભાઇ બાઇ । બીજા હજારો જે હરિજન, આવી મળ્યા છે પુન્યપાવન ।।૪૪।। 

સેવા કરે છે તે અહોનિશ, પ્રભુને ચરણે ધરી શીશ । આપ્યું વિવેકથી સનમાન, પ્રેમે કરાવ્યાં ભોજન પાન ।।૪૫।। 

દેશાંતરના લાખો ભક્તજન, સર્વે આવ્યા કરવા દર્શન । પામ્યા દર્શન થકી આનંદ, ફોગટ ફેરા ટળ્યાછે ફંદ ।।૪૬।। 

કર્યાં પારણા દ્વાદશીમાંય, સૌનાં મન હરખ્યાં છે ત્યાંય । પછે માધુરી મૂર્તિ શ્યામ, શહેરમાં પ્રવેશ્યા શુભકામ ।।૪૭।। 

વાગે વાજિંત્ર પરમ અપાર, જન બોલે જયજયકાર । આવ્યા મંદિરમાં અલબેલો, સુખદાયક સુંદર છેલો ।।૪૮।। 

જોયું મંદિરનું સહુ કામ, ચારે તરફ ફરીને તમામ । થયા પ્રસન્ન મન અપાર, વખાણે ઘણું વારમવાર ।।૪૯।। 

વળી સિલાટનું જોઇ કામ, ધન્ય ધન્ય કહે છે તે શ્યામ । પછે ધાર્યો મુહૂર્તનો દિન, પ્રતિષ્ઠા કરવાનો નવીન ।।૫૦।। 

રુડી પ્રતિમાઓ રૂપવાન, નરવીરની શોભે સમાન । મળ્યા મૂર્તિઓને કિરતાર, બાથમાં ભીડીને શતવાર ।।૫૧।। 

બોલ્યા શ્રીમુખે સુંદરશ્યામ, સુણીલ્યો નરનારી તમામ । આ મૂર્તિયોમાં કરીશું વાસ, રેશું અખંડ અમે પ્રકાશ ।।૫૨।। 

કરશે ભાવે કોઇ દર્શન, નરનારી થાશે તે પાવન । તીર્થોનું ફળ પામશે આપ, તરત ટળશે ત્રિવિધ તાપ ।।૫૩।। 

રુડાં વસ્ત્ર અને અલંકાર, થાળ કરશે આવી આ ઠાર । ચારે પુરૂષાર્થ સિદ્ધ થાય, અંતે અક્ષરધામમાં જાય ।।૫૪।। 

એવું અભંગ મારૂં વચન, સાચું માનજ્યો તમે સૌ મન । એમ કહી આપ્યું અશ્વદાન, બોલાવ્યા વિપ્રને દેઇ માન ।।૫૫।। 

પ્રતિષ્ઠાવિધિના જાણનાર, એવા બ્રાહ્મણ પવિત્ર સાર । એમને પુછીને તેહવાર, સામગ્રી કરાવી છે તૈયાર ।।૫૬।। 

પછે વાલમજી તેણીવાર, ઉતારે પધાર્યા નિરધાર । આંબલીની સમીપમાં સાર, મંચ ઉપર બેઠા એઠાર ।।૫૭।। 

હવે સંત હરિજન સાથ, સ્નાન કરવા પધારે છે નાથ । સાબરમતી ગંગાતણે તીર, નારાયણઘાટ શોભે ગંભીર ।।૫૮।। 

વાજતે ગાજતે ભગવાન, જૈને કર્યું ગંગાવિષે સ્નાન । તેનો મહિમા ઘણો છે સાર, તેતો કોઇ પામે નહિ પાર ।।૫૯।। 

આવ્યા ઉતારે શ્રીઅવિનાશ, વાલિડો ભક્તના સુખરાસ । આપે છે આશ્રિતને આનંદ, દિવ્ય સાકાર મૂર્તિ સ્વછંદ ।।૬૦।। 

લાખો જીવનાં કરવા કલ્યાણ, લીલા કરેછે સારંગપાણ । નિત્ય નવાં કરીને ચરિત્ર, સમગ્ર પૃથ્વી કરી પવિત્ર ।।૬૧।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિયે શ્રીનગરમાં નરનારાયણદેવની પ્રતિષ્ઠાના કામનો આરંભ કર્યો એ નામે સત્તોતેરમો તરંગઃ ।।૭૭।।