તરંગઃ - ૭૬ - શ્રીહરિયે ગઢપુરમાં લક્ષ્મીબાગવિષે ગોપાલાનંદસ્વામી પ્રત્યે પુરૂષોત્તમપણાનાં તેર લક્ષણ કહ્યાં

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:36am

પૂર્વછાયો

પછે ચાલ્યા મહાપ્રભુજી, શ્રીહરિ સહજાનંદ । ત્યાંથી ગયા વ્યાર ગેરીતે, પામોલે સુખકંદ ।।૧।। 

વડનગરે વાલમ ગયા, દુઃખહારી સુખકંદ । ત્યાંથી ગયા વિસનગરમાં, આપ્યો જનને આનંદ ।।૨।। 

ભક્તજનોનો ભાવ જોઇ, સેવા કરે અંગીકાર । એમ વિચરતા વાલમો, પાછા વળ્યા નિરધાર ।।૩।। 

આદરજે અલબેલો આવ્યા, સંત હરિજન સંગ । દીપોત્સવી સમૈયો કરી, ચાલ્યા કરીને ઉમંગ ।।૪।।

 

ચોપાઇ

 

ચાલ્યા આદરજથી ધારી ઉર, વચ્ચે આવ્યું છે જમેતપુર । તે ગામતણી સીમા મોઝાર, પ્રભા તળાવ છે નિરધાર ।।૫।। 

તેમાં સ્નાન કર્યું નરવીરે, સંતસહિત શ્યામશરીરે । ત્યાં છે રાયણનું એક વૃક્ષ, તેને નીચે બિરાજ્યા પ્રત્યક્ષ ।।૬।। 

પછે તો ચાલ્યા શ્રીઅવિનાશ, અડાલજે ગયા સુખરાશ । ત્યાંની વાવ્યમાં કર્યું છે સ્નાન, બહુનામી સદા બલવાન ।।૭।। 

પટેલ જેસંગભાઇ નામ, લેઇ ગયા તે પોતાને ધામ । રુડી રસોઇ કરી જમાડ્યા, પ્રેમ થકી આનંદ પમાડ્યા ।।૮।। 

પછે ત્યાંથી કર્યું છે પ્રયાણ, શ્રીનગરે ગયા જીવનપ્રાણ । જાણી ત્યાંના હરિજને વાત, આજ પધાર્યા ભૂધરભ્રાત ।।૯।। 

સામૈયું લેઇને તેણીવાર, સર્વે આશ્રિત આવ્યા તે ઠાર । વાગે વાજિંત્ર નાના પ્રકાર, કર્યું પૂજન અર્ચન સાર ।।૧૦।। 

અતિહર્ષે ઉમંગથી ત્યાંય, તેડી લાવ્યા તે શેરનીમાંય । બજારમારગે લાખો જન, પૂજાઓ કરે છે તે પાવન ।।૧૧।। 

સોના રુપા ને ફુલે વધાવે, શ્રીમહારાજને ભક્તિભાવે । તેસમે દયાળુ ભગવાન, ભક્તને આપે અભયદાન ।।૧૨।। 

સૌને કરતા થકા પાવન, નવા વાસમાં આવ્યા જીવન । નિંબવૃક્ષ હેઠે રુડું ઠામ, મહાપ્રભુયે કર્યો મુકામ ।।૧૩।। 

ત્યાં આવ્યા શેરના હરિજન, થયો હર્ષ માતો નથી મન । દામોદર હીરા નથ્થુ જેહ, વ્રજલાલ આદિ આવ્યા તેહ ।।૧૪।। 

નિત્ય આપે રસેાઇ નવીન, ભાવતાં કરાવે તે ભોજન । સંત પાર્ષદ પ્રભુ સહિત, જમાડે છે કરી મન પ્રીત ।।૧૫।। 

એમ શ્રીનગરમાં અલબેલ, દોઢ માસ રહ્યા છે ત્યાં છેલ । આપે ભક્તને આનંદ આપ, વળી ટાળે ત્રિવિધિના તાપ ।।૧૬।। 

પછે ચાલ્યા ત્યાંથી પરમેશ, ગામ અશલાલી ગયા એશ । પાંચ દિવસ રહ્યા જીવન, ભાવે કરાવ્યાં રુડાં ભોજન ।।૧૭।। 

છઠ્ઠે દિન ચાલ્યા મહારાજ, જેતલપુર ગયા સુખસાજ । પંદર દિન રહ્યા તે ઠામે, સુખ આપ્યાં છે સુંદરશ્યામે ।।૧૮।। 

પછે ચાલ્યા તે જગજીવન, ડભાણે પધાર્યા ભગવન । સાત દિવસ રહ્યા દયાળ, પછે ચાલ્યા ત્યાંથી વડતાલ ।।૧૯।। 

વારે વારે ચડોતર દેશ, ગામો ગામમાં કર્યો પ્રવેશ । ઘરો ઘર તે જગઆધાર, સૌની સેવા કરી અંગીકાર ।।૨૦।। 

એમ ફરતા થકા અવિનાશ, ભાલદેશે ગયા સુખરાશ । ફર્યા તે દેશમાં શ્રીદયાળ, ત્યાંથી ચાલ્યા આગે તતકાળ ।।૨૧।। 

કાઠીયાવાડ્ય દેશમાં સોય, ગામ કારીયાણી રહ્યા જોય । ત્યાંથી ગયા છે સારંગપુર, શુદ્ધ ભક્ત થકી નથી દૂર ।।૨૨।। 

પછે ચાલ્યા કરી મન પ્રીત, ગઢપુરે ગયા છે અજીત । એમ દયાળુ શ્રીભગવન, પૃથ્વીનું તળ કર્યું પાવન ।।૨૩।। 

સર્વે ભૂમિના જે ભક્તરાજ, તેનાં સફળ કર્યાં છે કાજ । કર્મબંધનથી છોડાવ્યા દાસ, તોડાવ્યા તૃષ્ણાના વજ્રપાસ ।।૨૪।। 

પોતાની મૂર્તિનું દિવ્ય સુખ, આપીને ટાળ્યું દારુણ દુઃખ । હવે શ્રીજી ગઢપુરમાંય, રહ્યા ઉત્તમરાજાને ત્યાંય ।।૨૫।। 

પ્રાગજી દવેની પાસે નિત, કથા વંચાવે છે રૂડી રીત । વ્યાસસૂત્ર ને ગીતાનું ભાષ્ય, તેને વંચાવેછે સુખરાશ ।।૨૬।। 

સાંઝનો પહોર થાય છે જ્યાંય, લક્ષ્મીબાગે પધારેછે ત્યાંય । આંબાવાડીમાં શ્રીસુખધામ, સભા કરી બિરાજે તેઠામ ।।૨૭।। 

ઓટાપર શોભેછે શ્રીરંગ, પૂર્વમુખે બિરાજે ઉમંગ । સંત આગળ કરે છે વાત, ધર્મ જ્ઞાન વૈરાગ્યની ખ્યાત ।।૨૮।। 

પોતાનો નિશ્ચે કરાવે હિત, ભક્તિ આપે મહિમા સહિત । તેસમે સ્વામી ગોપાલાનંદ, પ્રશ્ન પુછેછે પામી આનંદ ।।૨૯।। 

હે પ્રભુ બ્રહ્મમોહોલ આધાર, આ અવની ઉપર નિરધાર । તમારી ઇચ્છાને અનુસાર, પૂર્વ થયા બહુ અવતાર ।।૩૦।। 

અવતારી જે પુરુષોત્તમ, તમે પ્રગટ થયા ઉત્તમ । પુરુષોત્તમપણાનાં સોય, અસાધારણલક્ષણ હોય ।।૩૧।। 

તે કૃપા કરીને કહો આજ, મુને સમઝાવો મહારાજ । એવાં સુણી મધુર વચન, બોલ્યા બહુનામી બલવન ।।૩૨।। 

પૂર્વે થયેલા જે અવતાર, દેખાડે નિજરૂપ મોઝાર । પેલું લક્ષણ કહીયે એહ, એમાં કાંઇ નથી જે સંદેહ ।।૩૩।। 

વૈકુંઠાદિક લોકને માંય, દિવ્ય મૂર્તિયો રહીછે ત્યાંય । તે મૂર્તિયોમાં ઐશ્વર્ય સુખ, રહેલાંછે સદા નથી દુઃખ ।।૩૪।। 

પોતાની મૂર્તિમાં તે સુહાવ, ઘણાને બતાવે એ દેખાવ । દિવ્ય અદ્ભુત દેખાડે સાર, બીજું લક્ષણ છે એ નિરધાર ।।૩૫।। 

સાધારણ મનુષ્યને સાર, સમાધિયો કરાવે નિરધાર । પોતાની મૂર્તિમાં અવિરોધ, ચિત્તનિરોધ કરાવે બોધ ।।૩૬।। 

ત્રીજું લક્ષણછે એવું સાર, હવે ચોથાનો સુણો પ્રકાર । બીજા અવતાર ધરી આપ, ટાળે ભક્તના સર્વે સંતાપ ।।૩૭।। 

તેમનાં ચિત્ત કરાવે સ્થિર, ક્ષણમાં સંશે હરે સધીર । એવું સામર્થ્ય ભક્તને દ્વાર, આ સમયમાં જણાવે સાર ।।૩૮।। 

ચોથું લક્ષણછે જાણો એહ, ઉરમાં ધરવો ન સંદેહ । હવે પાંચમું લક્ષણ જેહ, વિસ્તારીને કહું સુણો તેહ ।।૩૯।। 

પોતાનું અપરિમિત અપાર, તેજોમય અક્ષરધામ સાર । તેને વિષે દિવ્ય સિંહાસન, તેમાં મૂર્તિ શોભેછે પાવન ।।૪૦।। 

કોટિ કોટિ મુક્ત કરે સેવ, અક્ષરાધિપતિ છે તે દેવ । જેવા તેવા મનુષ્યને આપ, દેખાડે એ મૂર્તિનો પ્રતાપ ।।૪૧।। 

કહ્યું પાંચમું લક્ષણ ખ્યાત, હવે તો કહું છઠ્ઠાની વાત । પૂર્વશાસ્ત્રવિષેનું જે જ્ઞાન, ધર્મ ભક્તિ વૈરાગ્ય નિદાન ।।૪૨।। 

યોગસાંખ્ય આદિનો જે સાર, તેનો નક્કી કરીને વિચાર । નિજબળથી કરે વર્ણન, શાસ્ત્રના અર્થ સાધે પાવન ।।૪૩।। 

વળી ભક્તને પાસે પ્રમાણ, પોતાનું બળ ધરાવે જાણ। પૂર્વશાસ્ત્રના અર્થનો સાર, એથી આપે ઘણો ચમત્કાર ।।૪૪।। 

સૌના સમજ્યામાં આવે અર્થ, શાંતિ પમાડે આપ સમર્થ । છઠું લક્ષણ એછે અનૂપ, સાતમાનું કહું હવેરૂપ ।।૪૫।। 

પોતાનાં કરતામાં દર્શન, જીવનાં હરણ કરીલે મન । પોતાને વિષે નિરોધ થાય, જેમ ચમક લોહ ખેંચાય ।।૪૬।। 

હવે આઠમું લક્ષણ ખ્યાત, યથાર્થ કહું છું તેની વાત । ગમે તે કોઇ જીવનું આપે, કરે કલ્યાણ નિજ પ્રતાપે ।।૪૭।। 

જીવને અંતે આપવા સુખ, અક્ષરમાં રાખવા સન્મુખ । પોતે કે પોતાના કોઇ મુક્ત, તેડવા આવે વિમાને જુક્ત ।।૪૮।। 

નવમા લક્ષણની જે રીત, સુણો એકાગ્ર કરીને ચિત્ત । ઘોર કળિયુગમાં અવશ્ય, લાખો મનુષ્ય થાય છે વશ્ય ।।૪૯।। 

ધર્મ જ્ઞાન વૈરાગ્ય ને ત્યાગ, કરે સ્થાપન તે તો અથાગ । નવલક્ષણ પુરાંછે એમ, યથાર્થ કહ્યાં જેમ છે તેમ ।।૫૦।। 

આ દશમા લક્ષણની પેર, તમે સુણજ્યો આનંદભેર । સાધ્યા ન હોય અષ્ટાંગયોગ, એવાને પણ જો થાય જોગ ।।૫૧।। 

પોતે વસ્ત્ર પુષ્પ ધાર્યાં હોય, તેનો સ્પર્શ દર્શ કરે કોય । તે સમાધિ પામે તતખેવ, ઐશ્વર્ય મૂર્તિમાં દેખે એવ ।।૫૨।। 

અગીયારમું લક્ષણ આજ, સુણો વિવેકથી શુભ કાજ । કોઇ પરદેશમાં જાય ખ્યાત, પુરુષોત્તમની કરે વાત ।।૫૩।। 

સુણનારા મનુષ્યને જોય, તરત સમાધિ થૈ જાય સોય । શ્રીહરિને દેખે તેની મધ્ય, એકાદશમું લક્ષણ સદ્ય ।।૫૪।। 

જીવ વૈરાટ ઇશ્વર જેહ, વળી પ્રધાન પુરૂષ તેહ । માયા મૂળ પુરુષ ને બ્રહ્મ, તેથી પર છે પુરુષોત્તમ ।।૫૫।। 

ભેદે સહિત તે ભિન્ન ભિન્ન, કરે લક્ષણ પોતે નવીન । બતાવે એવું ભક્તની પાસ, વૈરાટાદિની શક્તિ પ્રકાશ ।।૫૬।। 

આવાં લક્ષણ કહ્યાંછે બાર, છે કઠીન સમઝવો સાર । પોતાના અવતાર જે ભિન્ન, તેને પોતા વિષે કરે લીન ।।૫૭।। 

પણ અવતારોમાં કોઇ દિન, પોતે થાય નહિ કદી લીન । ઘણા જનને દેખાડે તેહ, ગુપ્ત ન કરે ઐશ્વર્ય જેહ ।।૫૮।। 

અસાધારણ લક્ષણ તેર, એમ કહ્યાં છે આનંદભેર । ગોપાલાનંદ પામ્યા આનંદ, શ્રીહરિ મળ્યા છે સુખકંદ ।।૫૯।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજીસંવાદે શ્રીહરિયે ગઢપુરમાં લક્ષ્મીબાગવિષે ગોપાલાનંદસ્વામી પ્રત્યે પુરૂષોત્તમપણાનાં તેર લક્ષણ કહ્યાં એ નામે છોંતેરમો તરંગઃ ।।૭૬।।