તરંગઃ - ૮૩ - શ્રીહરિ વૃતપુરીમાં ગોમતીને કાંઠે સભામાં ભગવદ્વાર્તા કરતા હવા

Submitted by swaminarayanworld on Sat, 13/02/2021 - 11:55am

પૂર્વછાયો

સુણો તમે રામશરણજી, બાકીનાં જે બેઉ અંગ । ગોપાલમુનિ પ્રત્યે કેછે, રાજી થઇ નવરંગ ।।૧।। 

છઠ્ઠા મુક્તની જે વિક્તિ છે, કહું કરીને વિસ્તાર । તત્પર થઇને સાંભળો, પીવો સુધારસ સાર ।।૨।। 

પ્રગટનો એ ભક્ત પણ, ઇચ્છા રહે એમ મન । ભક્તિ કરવી પ્રભુજીની, જમાડવા પાવન ।।૩।। 

ભારે ભારે વસ્ત્ર ઘરેણાં, વળી મંદિરનાં કામ । મોટા બાગ-બગીચા કરવા, પ્રભુને અર્થે તમામ ।।૪।। 

ફરતા ફેરી ગરબી ગાવું, એ આદિ ક્રિયા જેહ । ભાવથી એમ ભક્તિ કરે, આનંદ પામીને તેહ ।।૫।।

 

ચોપાઇ

 

હવે એ ક્રિયા ન કરો જન, એમ આજ્ઞા કરે ભગવન । મારો અડગ નિશ્ચે રાખશો, પાળો આજ્ઞા પાછા ન ફરશો ।।૬।। 

એવું ભગવાનનું વચન, તેને ધારી વિચારી લે મન । આવે નિજ અંગને ઘસારો, ન લાગે તેને આજ્ઞાનો ડારો ।।૭।। 

કરે પ્રભુનાં વાક્યનો ત્યાગ, અંગ છોડે નહિ મહાભાગ । એવાં લક્ષણ જેમાં પ્રમાણો, ગોલોકનો મુક્ત એહ જાણો ।।૮।। 

હવે સાતમો જે મુક્ત જન, તેનાં લક્ષણ સુણો પાવન । હોય પ્રગટતણો આશ્રિત, અસાધારણ ધર્મી દઢ ચિત્ત ।।૯।। 

જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એકાંતિ, એવી દઢ થઇ છે વળી મતિ । મહાત્મ્ય સાથે નિશ્ચે અડગ, કદી પાછો ભરે નહિ પગ ।।૧૦।। 

એવા મહામુક્ત છે નિરધાર, પણ વર્તે આજ્ઞા અનુસાર । જેમ પ્રત્યક્ષ કહે જીવન, તેમ વર્તે સંત હરિજન ।।૧૧।। 

વળી પ્રાર્થના કરે એમ, હે પ્રભુજી કહો તમે જેમ । તે પ્રમાણેજ હું તો કરીશ, તમારી આજ્ઞા શીષ ધરીશ ।।૧૨।। 

એમ પ્રગટતણું વચન, ઉમંગે પાળે નિર્મળ મન । લેશમાત્ર સંશે નવ કરે, મુજ મૂર્તિ વિષે ચિત્ત ધરે ।।૧૩।। 

અવિનાશી જો અદ્શ્ય થાય, જ્યારે પોતાના ધામમાં જાય । આજ્ઞા સહિત મર્યાદા જેહ, પોતે બાંધી ગયા હોય તેહ ।।૧૪।। 

પોતે વરતે એજ પ્રમાણે, ન લોપે મર્યાદા કોઇ ટાણે । એવાં લક્ષણ જેમાં જણાય, અક્ષરમુક્ત એતો ગણાય ।।૧૫।। 

એવા સદ્ગુણ લક્ષણે યુક્ત, સાતે ધામના બતાવ્યા મુક્ત । લીલા કરે છે જગદાધાર, આપ્યાં સર્વેને સુખ અપાર ।।૧૬।। 

પછે ભૂધરજી ભયહારી, અશલાલી ગયા સુખકારી । આંબાવાડિયે ઉતર્યા શ્યામ, ઓટાપર બેઠા સુખધામ ।।૧૭।। 

એવા સમયમાંહી વિવેક, રમ્યો રાવળીયો આવી એક । તેને દેખીને શ્રીભગવન, મનમાં થયા અતિમગન ।।૧૮।। 

દોઢસો રુપૈયાતણું શેલું, પોતે આપ્યું તે રંગભરેલું । પછે ગામમાં મોટા અમીન, હરિભાઇ ને વેણી પાવન ।।૧૯।। 

તેમને ઘેર્ય કરાવ્યો થાળ, સંત સાથે જમ્યા તતકાળ । ત્યાંથી જેતલપુર થૈ છેલો, ગઢપુરે ગયા અલબેલો ।।૨૦।। 

દાદાખાચરનો દરબાર, તેમાં જાઇ બિરાજ્યા તે વાર । પછે કૃપા કરી કીરતાર, મંગાવી છે કેરીયો અપાર ।।૨૧।। 

સંત સેવકને આજ્ઞા કીધી, સહુ સૌના હાથે લેવા દીધી । ગમે તેમ ચુસીને જમે છે, શ્રીહરિજીને તે તો ગમે છે ।।૨૨।। 

વળી રસરોટલી કરાવી, સંત સેવકને તે જમાવી । એવી લીલા કરે છે અપાર, ચોમાસું આવ્યું છે તેહઠાર ।।૨૩।। 

ધારણા પારણાના જે નેમ, સર્વે સંતને આપ્યાં છે એમ । ૧દાદાતણાં માતુશ્રી પાવન, નામ સુરબાઇ છે તે ધન ।।૨૪।। 

તેને આજ્ઞા કરી મહારાજે, સંતને પારણાં કરાવા કાજે । એવાં કરે છે રૂડાં ચરિત્ર, દુર્ગપુર વિષે નરમિત્ર ।।૨૫।। 

એવા સમયમાં કોઇ દિન, એક કામ બન્યું છે નવીન । દાદાખાચરના બસે અરી, મારવા આવ્યા તે શસ્ત્ર ધરી ।।૨૬।। 

એવું દેખીને શ્રીઅવિનાશ, તેનો ગર્વ હરવાને ખાસ । ભગુજી આદિ જે બારપાળા, અતિ શૂરવીર છે મતવાલા ।।૨૭।। 

તે દ્વારે પરાજ્ય કરાવ્યો, હરામીનો સમૂહ હરાવ્યો । એવું કરીને ભક્તનું કાજ, પછે ચાલ્યા ત્યાંથી મહારાજ ।।૨૮।। 

સંત હરિજન સંગે લાલ, પ્રીતે પધાર્યા શ્રીવડતાલ । નિજ અક્ષરભુવન જ્યાંય, બહુનામી બિરાજ્યા છે ત્યાંય ।।૨૯।। 

વિજયાદશમી દિન જેહ, શમી પૂજવા ગયા છે એહ । વર્ણિરાજ રૂડા વાસુદેવ, તેમણે પૂજા કરીછે એવ ।।૩૦।। 

પછે ગોમતીજીને કીનારે, અશ્વ દોડાવ્યો છે ઘણીવારે । ત્યાંથી સુંદરશ્યામ સધાવ્યા, સર્વે સહિત મંદિરે આવ્યા ।।૩૧।। 

સભા કરી બિરાજ્યા તે સ્થાન, ઘણું સુખ આપ્યું ભગવાન । તે સમે તેજ પ્રગટ્યું અપાર, શ્રીજીની મૂર્તિમાંથી એ ઠાર ।।૩૨।। 

તેજ તેજ તેજનો અંબાર, ચિદ્ઘન છે ચૈતન્યસાર । તે દેખીને હરિજન એક, સમાધિનિષ્ઠ થયો વિશેક ।।૩૩।। 

અહોહોહો આ શું કહેવાય, આવું તેજ આ ક્યાંથી દેખાય । એમ કૈને કર્યો છે હોકારો, બોલવા લાગ્યો છે રહી ન્યારો ।।૩૪।। 

તેના સામું જોવે છે શ્રીહરિ, પોતે આંગળીની સાન કરી । છાનો રાખીને સુંદર શ્યામે, નીચે બેસાર્યો છે એજ ઠામે ।।૩૫।। 

છાનો રૈ જાય છે ધરી નેમ, વળી બોલે છે એમનો એમ । એમ ફરી ફરી ઘણીવાર, એને દેખાડ્યો છે ચમત્કાર ।।૩૬।। 

એવો દેખીને પ્રૌઢ પ્રતાપ, આશ્ચર્ય પામ્યા છે સહુ આપ । તેને બીજે દિને મતિધીર, ગોમતીને કાંઠે નરવીર ।।૩૭।। 

સભા કરી બિરાજ્યા છે ત્યાંય, ઘણો મોદ કરી મનમાંય । પછે સંત હરિજન સાથે, રુડી વાત કરી યોગિનાથે ।।૩૮।। 

વળી મેર્ય કરી વનમાળી, બહુનામી બોલ્યા પાડી તાળી । મુને જે જાણે અક્ષરપતિ, પુરૂષોત્તમની કરી મતિ ।।૩૯।। 

ભાવે કરશે મારૂં ભજન, નર નારી જે નિર્મળ મન । એને અક્ષરમાં લઇ જાશું, અંતકાળે તેના બેલી થાશું ।।૪૦।। 

પણ જે કોઇ પુરૂષ જન, તરુણીમાં રેશે તેનું મન । દશ હજાર વર્ષનું સ્પષ્ટ, ભૂત થઇ ભોગવશે કષ્ટ ।।૪૧।। 

એમ સ્ત્રીને પુરૂષમાં રેશે, વિષય વાસના સુખ લેશે । તેને ભૂતડી થાવું પડશે, એટલા વર્ષ એ રખડશે ।।૪૨।। 

તે કેડે નિર્વાસનિક થાશે, વળી ગુણ અમારા જો ગાશે । ત્યારે મળશે અક્ષરધામ, ત્યાં આપીશું અવિચળ ઠામ ।।૪૩।। 

કરેછે વ્હાલો એમ ચરિત્ર, વૃત્તપુરીમાં પુન્ય પવિત્ર । સંત સેવકને વારે વારે, મનમોદ અતિશે વધારે ।।૪૪।।

 

 

ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામલીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ વૃતપુરીમાં ગોમતીને કાંઠે સભામાં ભગવદ્વાર્તા કરતા હવા એ નામે ત્ર્યાશીમો તરંગ ।।૮૩।।