પૂર્વછાયો
વ્હાલો પધાર્યા વૃત્તપુરી, સંત હરિજન સાથ । અક્ષરભુવને બિરાજ્યા, નટવર યોગિનાથ ।।૧।।
નિજભક્તને પોત પોતાનો, ધર્મ જણાવવા કાજ । વેદ શાસ્ત્રનો હાર્દ લઇને, પત્રી લખી મહારાજ ।।૨।।
શિક્ષાપત્રી તૈયાર કરી, તે મોકલી દેશોદેશ । સત્સંગી સહુને પોકાડી છે, હીત ધરી મન એશ ।।૩।।
સંત હરિજનોને સંગે, કર્યું છે ત્યાંથી પ્રયાણ । શ્રીનગરે આવ્યા શ્રીહરિ, ભક્તના જીવનપ્રાણ ।।૪।।
પોતે પધાર્યા મંદિરમાં, અક્ષરભુવન છે જ્યાંય । મેડી ઉપર તે બિરાજ્યા, ગિરિધારી ગોખમાંય ।।૫।।
ચોપાઇ
શ્રીનગરે રંગમહોલ મોઝાર, બિરાજ્યા વાલીડો નિરધાર । સર્વે સેવક સેવા કરેછે, શ્રીહરિને દેખીને ઠરેછે ।।૬।।
ક્ષણ ક્ષણ પ્રત્યે અલબેલો, સૌને આનંદ આપે છે છેલો । ભાગવતની કથા છે જેહ, પોતે સુણે છે હમેશ તેહ ।।૭।।
રૂડી પ્રશંસા તેની કરે છે, હરિજનનાં દુઃખ હરે છે । ફુલદોલનો ઉત્સવ ઠીક, એમ કરતાં આવ્યો નજીક ।।૮।।
દેશાંતરના જે લાખો જન, પ્રેમે આવ્યા કરવા દર્શન । રંગ ગુલાલ ઉડાડ્યો ઘણો, કર્યો ઉત્સવ ફુલદોલતણો ।।૯।।
સર્વે હરિજને પૂજા કરી, ભાવે ભેટ્ય સામગ્રીઓ ધરી । પૂજાનું દ્રવ્ય આવ્યું અપાર, વાલીડે તેનો કર્યો વિચાર ।।૧૦।।
અયોધ્યાપ્રસાદજીને એહ, પ્રભુએ આપ્યું નિઃસંદેહ । ત્યાર પછે વળી એક દિન, મોટી સભા કરી છે જીવન ।।૧૧।।
બદ્રીપતિ દેવના આગળ, ચોકમાં બિરાજ્યા છે અકળ । શોભિતું ઉંચું છે સિંહાસન, તે પર શોભેછે ભગવન ।।૧૨।।
શ્રીજીની ચારે બાજુનીમાંય, સંત હરિજન બેઠા ત્યાંય । શ્રીહરિ સામું જોઇ રહ્યા છે, મૂર્તિમાં તદાકાર થયા છે ।।૧૩।।
તે સમે પોતે અક્ષરપતિ, બોલ્યા છે કરૂણા કરી અતિ । સુણો સંત હરિજન તમો, એક વાત કહીએ છીએ અમો ।।૧૪।।
લક્ષાવધી મનુષ્ય અભિત, તે થયા છે અમારા આશ્રિત । તેમાં સર્વેની સમજણ સાર, સરખી રેતી નથી નિરધાર ।।૧૫।।
કેની સ્વભાવ પ્રકૃતિ જોઇ, કોઇના શબ્દ સુણીને સોઇ । તેનો અવગુણ લેવો નહિ, તે સમજણ રાખવી સહી ।।૧૬।।
એનું કારણ છે એક મોટું, સુણો ખચીત તે નથી ખોટું । સાત ધામના મુક્ત છે જેહ, આ સત્સંગમાં આવ્યા છે તેહ ।।૧૭।।
તેની સમજણ રૂચી મતિ, ક્રિયામાં ફેર હોય જે રતિ । ધીરે ધીરે તે સહુને જાવું છે, એક ઠેકાંણે જઇ રેવું છે ।।૧૮।।
એક ધામમાં રેવું છે ભેળા, અવગુણ ન લેવો કઇ વેળા । ઉત્તમ ગુણવાળા અનન્ય, હોય જે સંતને હરિજન ।।૧૯।।
તેને ઓળખવા તતખેવ, જોગ રાખવો હમેશાં એવ । તેમ ઉત્તમ હોય જે જન, તેના યોગથી થાય પાવન ।।૨૦।।
તે પામે ઉંચામાં ઉંચી સ્થિતિ, એમ આવે છે ઉત્તમ રીતિ । માટે ઓળખવા એક ચિત્તે, સમાગમ કરવો પ્રીતે ।।૨૧।।
કદી ભુલેચુકે કોઇવાર, અવગુણ ન લેવો નિરધાર । તે સમે ગોપાળાનંદ સ્વામી, પુછેછે પ્રભુને શિશ નામી ।।૨૨।।
હે અક્ષરપતિ અવિનાશી, મારૂં પ્રશ્ન સુણો સુખરાશી । સાતધામના કહ્યા જે મુક્ત, તેનાં લક્ષણ સદ્ગુણ યુક્ત ।।૨૩।।
કૃપા કરી કહો મારા શ્યામ, જુદી જુદી રીતે સુખધામ । પછી વાલમ બોલ્યા વચન, સુણો ગોપાલમુનિ પાવન ।।૨૪।।
મુક્ત આલોકનો જેહ હોય, તેનાં લક્ષણ કહું છું સોય । હોય પ્રગટનો જે ઉપાસી, જગ થકી તે રહે છે ઉદાસી ।।૨૫।।
પણ આલોકતણું જે માન, વિખ્યાતી કરવી તે નિદાન । તપ ધર્મ ને જ્ઞાન વૈરાગ્ય, સત્સંગ કરાવે મહાભાગ ।।૨૬।।
વળી ભગવદ્ વાર્તા કરે, નિત્ય ધ્યાન પ્રગટનું ધરે । પણ પોતાના ગુણોની કીર્તિ, વૃદ્ધિ પમાડવાની છે મતિ ।।૨૭।।
જે જે ક્રિયા કરે છે જરૂર, એવા આશય રાખીને ઉર । શ્રીહરિની પ્રસન્નતા સારૂં, કોઇ ક્રિયા કરે નહિ વારૂં ।।૨૮।।
એવાં લક્ષણ હોય છે જેને, આલોકનો મુક્ત કહીએ તેને । હવે બીજાની કહું છું રીતિ, સુણો ચિત્ત દઇ એની નીતિ ।।૨૯।।
હોય પ્રગટ પ્રભુનો ભક્ત, કરે ઉપાસના થઇ આસક્ત । પણ રજોગુણી જે પ્રકૃતિ, સેજે રાખેછે તે વિષે વૃતિ ।।૩૦।।
પદારથ સારાં રમણિક, તેને ભોગવવા જાણે ઠીક । હોય ગાયન ઉપર પ્રીત, ગાવું ગવરાવવું તેમાં ચિત્ત ।।૩૧।।
રૂડા રાગવાળા શ્લોક કાવ્ય, તેને બાંધે કરી મનભાવ । સુક્ષ્મ વસ્ત્ર વિષે રાખે પ્યાર, વર્તે ધર્મ સહિત નિરધાર ।।૩૨।।
નાની વય બરોબર સંગ, તેનો રાખે તે મન ઉમંગ । રજોગુણી મનુષ્ય જે હોય, તેના સાથે પ્રીતિ કરે સોય ।।૩૩।।
એ આદિક ક્રિયા કહી જેહ, તેનું મુખ્યપણું રાખે તેહ । ગૌણપણું પ્રભુજીનું રાખે, દિલમાં એવાં લક્ષણ દાખે ।।૩૪।।
એવાં લક્ષણ જેમાં જણાય, દેવલોકનો મુક્ત ગણાય । હવે ત્રીજાની કહું છું વાત, તેનાં લક્ષણ સુણો વિખ્યાત ।।૩૫।।
હોય તે પ્રગટનો ઉપાસી, રૂડો ધર્મ પાડે સુખ રાશી । તેને આજ્ઞા કરે મહારાજ, તમે ધર્મ મોડો પાડો આજ ।।૩૬।।
અમે કહીએ તે પ્રમાણે કરો, અમ વચન અંતરે ધરો । તેમાં પોતાને મળતું આવે, તેવું વચન માનીલે ભાવે ।।૩૭।।
હોય ધર્મ વિરૂધ વચન, તેને માને નહિ કેદી મન । પણ મોળો પાડે નહિ ધર્મ, નવ રાખે પ્રભુની ત્યાં સર્મ ।।૩૮।।
હોય જે આવાં લક્ષણ યુક્ત, તેને જાણો વૈકુંઠનો મુક્ત । હવે ચોથાની કહુંછું પેર, સુણો સ્વામી તમે સુખભેર ।।૩૯।।
હોય પ્રભુનો ભક્ત અનન્ય, પણ તપ ક્રિયા રૂચે મન । એમ આજ્ઞા કરે નવરંગ, તોય તપ કરે નહિ ભંગ ।।૪૦।।
લાગે તપને ઘસારો કાંઇ, એવું વચન માને ન ત્યાંઇ । પોતાના અંગે આવે મળતું, એજ વચન માને ભળતું ।।૪૧।।
પણ તપને મોળું ન પાડે, એવાં લક્ષણ કોઇ દેખાડે । તેને પ્રીત સહિત પ્રમાણો, બદ્રીકાશ્રમનો મુક્ત જાણો ।।૪૨।।
પાંચમા મુક્તને હવે કહીએ, તેનાં લક્ષણ અંતરે લઇએ । છે પ્રગટ પ્રભુનો આશ્રિત, કરે ઉપાસના ધરી હીત ।।૪૩।।
ઇંદ્રિયો અંતઃકરણથી સારો, પ્રતિલોમ-પણે રહે ન્યારો । માઇક વસ્તુનો જે ઉચાટ, કરે નહિ વિષયનો ઘાટ ।।૪૪।।
બે સંકલ્પને જીતવા સારૂં, વૃત્તિ નિર્મળ રાખે તે વારૂં । એને આજ્ઞા કરે ભગવાન, અંગ મુકાવવા માટે નિદાન ।।૪૫।।
એવું વાક્ય માને નહિ જેહ, અંગ મોળું પડે નહિ તેહ । એવાં લક્ષણ જેમનાં હોય, શ્વેતદ્વીપનો મુક્ત છે સોય ।।૪૬।।
હવે બાકી રહ્યાં બેઉ અંગ, તે કહીશું ત્યાશીમા તરંગ । સુણો ધીરજ રાખીને મન, સાતે મુક્તનાં અંગ પાવન ।।૪૭।।
ઇતિ શ્રીમદેકાંતિકધર્મપ્રવર્તક શ્રીસહજાનંદસ્વામી શિષ્યભૂમાનંદમુનિ વિરચિતે શ્રી ઘનશ્યામ લીલામૃતસાગરે ઉત્તરાર્ધે આચાર્યશ્રી અયોધ્યાપ્રસાદજી રામશરણજી સંવાદે શ્રીહરિ શ્રીનગરમાં ગોપાળાનંદ સ્વામી પ્રત્યે સાતધામના મુક્તનાં અંગ કહેછે એ નામે બ્યાશીમો તરંગઃ ।।૮૨।।