રાગ :- ધન્યાશ્રી
વૈરાગ્યવાનને વાત નથી કઠણ કઈજી, જે કોઈ મુકતાં મુકાય નઈજી ।
એવી વસ્તુ આ બ્રહ્માંડે સહીજી, જે વિના વિતરાગી ન શકે રહીજી ।।૧।।
રાગ :- ઢાળ
રહી ન શકે એવું જે રુડું, ભર્યા બ્રહ્માંડમાં ભાળે નહિ ।
મહાસુખ મુકી મહારાજનું, બીજે સુખે મન વાળે નહિ ।।ર।।
સર્વે લોકની સંપત્તિ, પાપરુપ જાણી પેખે નહિ ।
મૂર્તિ મુકી મહારાજની, બીજું દુઃખ જાણી દેખે નહિ ।।૩।।
મોટા નાના માયિક સુખમાં, પડયા પરાધીન પરવશ છે ।
સ્વર્ગ મૃત્યુ પાતાળ પર્યંત, તેમાં કોણ કમ કોણ સરસ છે ।।૪।।
જેમ અગ્નિ જવાળથી ઉંચા નીચા, લોહકઢામાં કણ ઉછળે।
એમ પંચ વિષયમાં પડયા પ્રાણી, નાના મોટા સહુ બળે ।।પ।।
વૈરાગ્યવાન જન એવું વિલોકી, મુકી વિષય સુખની વાટ ।
તને મને તપાશિને, ઘણી વાત બેસારી છે ઘાટ ।।૬।।
ખરૂં કર્યું એમ ખોળીને, વણ વૈરાગ્યે વણસાડ ।
રૂડું જાણીને ન રોપીયે, ઘર આંગણે ગરલનું ઝાડ ।।૭।।
એમ એક પ્રભુને પરહરિ, જન જે જે કરે છે ઉપાય ।
તેમાં સર્વે રીતે સંકટ છે, માની લેજો જન મનમાંય ।।૮।।
પણ વણ વૈરાગ્યે વરતાય નહિ, અને વર્તે તે વૈરાગ્યવાન ।
માટે અસત્ય સુખથી મન ઉતારી, ભજે છે જે ભગવાન ।।૯।।
શુદ્ધ વૈરાગ્યવાન સાચા, ભકત પ્રભુના ભણિયે ।
નિષ્કુલાનંદ કહે તે વિના, બીજા સર્વે સ્વાર્થી ગણિયે ।।૧૦।। કડવું ।।૮।।
રાગ :- રામગરી
(‘મન રે માન્યું નંદલાલશું’ એ ઢાળ.)
શુદ્ધ્ વૈરાગ્યે કરી સેવિયે, પ્રેમે પ્રભુના પાય ।
માયિક સુખ ન માગીયે, મોહે કરી મનમાંય; શુદ્ધ ।।૧।।
નિષ્કામી જનની નાથને, સારી લાગે છે સેવ ।
જે મોક્ષ આદિ નથી માગતા, નથી તજતા તે ટેવ; શુદ્ધ ।।ર।।
સકામ ભકતની શ્રીહરિ, પૂજા પરહરે દૂર ।
જાણે માયિક સુખ માગશે, જડબુદ્ધિ જરૂર; શુદ્ધ ।।૩।।
શુદ્ધ વૈરાગ્ય વિના સમઝો, નર નો’યે નિરાશ ।
નિષ્કુલાનંદ નિષ્કામથી, રિઝે શ્રીઅવિનાશ; શુદ્ધ ।।૪।। પદ ।।ર।।