સારસિદ્ધિ કડવું - ૨૦ સગ્ય ચડિ જાયેરે શુદ્ધ વૈરાગ્યથીરે, । પદ - ૫

Submitted by swaminarayanworld on Sun, 07/03/2021 - 3:36pm

રાગ :- ધન્યાશ્રી

સર્વે વાતનું શોધી લીધું સારજી, નથી કોઇ બૃહત વૈરાગ્યની હારજી ।

અંતર વિચારિયું વારમવારજી, શુદ્ધ વેરાગ્ય તો સૌને પારજી ।।૧।।

રાગ :- ઢાળ

શુદ્ધ વૈરાગ્ય પાર સહુને, નથી એથી અધિક કોઇ એક ।

વાંધો ન રહે કોઇ વાતનો, જો આવી ઉપજે ઠીકોઠીક ।।૨।।

શાસ્ત્ર સર્વે સાંભળ્યાં, તેમાં છે ચ્યાર પ્રકારની વાત ।

ધર્મ અર્થ કામનું કહ્યું, માંહી મોક્ષનું પણ સાક્ષાત ।।૩।।

પણ બૃહત વૈરાગ્ય વિસ્તાર વિના, થોડે ઠેકાણે લખ્યો લહી ।

પણ તીખા તીવ્ર વૈરાગ્યની, વાત પુરી પુરાણે નવ કહી ।।૪।।

ખાન પાન વળી વિષય સુખનું, ઠામોઠામ સ્થાપન કર્યું ।

હરખ શોકને હાર્યા જિત્યા, એ સાંભળતાંમાં શું સર્યું ।।૫।।

આખી અવનિમાં એકનું, કહ્યું ઉદય અસ્તલગી રાજ ।

સુખ દુઃખ તેનાં સુણતાં, કહો શું સરિયું કાજ ।।૬।।

આખા જગતમાં એવી વાતો, ઘરોઘર ઘણી ગવાયછે ।

પણ નર અમર નિશાચર, બૃહત વૈરાગ્યને કોઇ ચા’યછે ? ।।૭।।

વૈરાગ્ય માગવો વિકટ છે, જેમ નાખવો કળેજે હાથ ।

જીવવા ન દિયે જીવથી, રે’વા ન દિયે કોઇનો સાથ ।।૮।।

જેને મરવાનું હોય મનમાં, તે માગજો બૃહત વૈરાગ્ય ।

તે અક્ષરથી આણી કોરે, રે’વા ન દિયે જાગ્ય ।।૯।।

એતો મરજીવાનો માર્ગછે, હોય મરજીવા તે માંડે પગ ।

નિષ્કુલાનંદ એ જેને પ્રગટે, તેને સર્વે ચડી જાયે સગ ।।૧૦।। કડવું ।।૨૦।।

 

રાગ :- ગરબી

સગ્ય ચડિ જાયેરે શુદ્ધ વૈરાગ્યથીરે, શું કહું બૃહત વૈરાગ્યની વડાઈરે ।

તીવ્ર વૈરાગ્યરે તેવડ્યે તનમાંરે, કસર રે’વા ન દિયે કાંઈરે; સગ્ય૦ ।।૧।।

તીવ્ર વૈરાગ્યરે તિખી તરવાર છે, અતિશે સજેલ આકરી ધારરે ।

અડતામાં કરેરે સરવે વેગળુંરે, લેશ ન રે’વા દિયે સંસારરે; સગ્ય૦ ।।૨।।

એક હરિ વિનારે કરે બીજું અળગુંરે, તેની ઘણી લાગે નહિ વળી વારરે ।

એવો ઉપાયરે અવર એકે નથીરે, શું કહિયે વર્ણવી એહની હારરે; સગ્ય૦ ।।૩।।

અતિમોટે ભાગ્યેરે જાગે એહ અંતરેરે, જેને હોયે પૂરણ પુણ્યનો જોગરે ।

નિષ્કુલાનંદરે કહે તેના મનમાંરે, રે’વા ન દિયે રતિયે રોગરે; સગ્ય૦ ।।૪।। પદ ।।૫।।