રાગ :- ધન્યાશ્રી
બૃહત વૈરાગ્ય વર્ણવ્યો બહુવિધિજી, અતિશય મોટપ્ય એહની કિધિજી ।
પ્રભુ પ્રસન્ન કરવા એ છે નૌત્તમ નિધિજી, સદા સુખકારી એ જાણો પ્રસિદ્ધિજી ।।૧।।
રાગ :- ઢાળ
પ્રસિદ્ધ પ્રભુને પામવા, એવી નથી બીજી મીરાંથ ।
સરવે અંતરાઈ અળગી કરી, આપે હરિના હાથમાં હાથ ।।૨।।
જે હરિ સિંધુ સર્વે સુખના, સદા સર્વદા સુંદર શ્યામ ।
જેને પામી ન રહે પામવું, પામી થવાયે પૂરણકામ ।।૩।।
તેહ પ્રભુને પમાડવા, શુદ્ધ વૈરાગ્ય છે વળાવો વળી ।
તેહ પો’ચાડે હરિ હજુરમાં, મુખોમુખ દિયે મેળવી ।।૪।।
પછી તે હરિજનને જાણજો, વિઘન સર્વે વિરમ્યાં ।
મળતાં શ્રીમહારાજને, દૈહિક દુઃખ સર્વે શમ્યાં ।।૫।।
કમી ન રહી કોઈ વાતની, પામ્યા પૂરણ પુરુષોત્તમ ।
સુંદર સાકાર મૂરતિ, અતિ રુપાળી રુડી રમ્ય ।।૬।।
તે પ્રભુની પાસે દાસ, વાસ કરીને રહે સદાય ।
બીજું ન ઇચ્છે અંતરે, ઇચ્છે ભક્તિ કરવા મનમાંય ।।૭।।
ભક્તિ વિના ભાવે નહિ, ભૂલ્યે પણ ભિંતર મોઝાર ।
સર્વે પ્રકારે સમઝે, ભક્તિ સારમાં સાર ।।૮।।
ભક્તિએ કરી હરિ રીઝવે, રિઝે સુખદ શ્રીમહારાજ ।
ત્યારે ખામી રતિ પણ નવ રહે, પામે સર્વે સુખનો સમાજ ।।૯।।
ભાવે ભરી કરે ભગતિ, અતિ આનંદ આણી ઉર ।
નિષ્કુલાનંદ તેની ઉપરે, હરિ રાજી થાયે જરૂર ।।૧૦।। કડવું ।।૨૧।।