સંત અસંતની રીત જૂજવીજી, ભેળાં ન ભળે જેમ રાત ને રવિજી
એમ કહે છે સહુ અનુભવીજી, વિધે વિધે વાત તેની કહું વર્ણવીજી ।।૧।।
ઢાળ -
વર્ણવી તેની વાત કહું, હરિદાસ અદાસ દોઈની ।।
રાગી ત્યાગીની રીત ભેળી, ભળે નહિ કોઈ કોઈની ।। ર ।।
એક સુખ ઇચ્છે શરીરનાં, એક ન ઇચ્છે સુખ શરીરનું ।।
એક ઇચ્છે નિરસ અન્નને, એક ખાવા ઇચ્છે ખીરનું ।। ૩ ।।
એક ઇચ્છે પુરાણું પટ પે’રવા, એક ઇચ્છે અંબર નવીન ।।
એક ઇચ્છે અંતરે રે’વા ઊજળા, એક રહે મને મલીન ।। ૪ ।।
એક ઇચ્છે લેવા સુખ લોકનાં, એક લોકસુખ તે લેખે નહિ ।।
એક ઇચ્છે માયિક મોટપને, એક માયિક મોટપને દેખે નહિ ।। પ ।।
એક ઇચ્છે જગ જાણિત થાવા, એક ઇચ્છે થાવા અછતું ઘણું ।।
એક ઇચ્છે માન વધારવા, એક ઇચ્છે નિરમાનીપણું ।। ૬ ।।
એક ઇચ્છે છે પદાર્થ પામવા, એક કરવા ઇચ્છે છે ત્યાગ ।।
એક ઇચ્છે છે અલપ સુખને, એકને અલપ સુખ છે આગ ।। ૭ ।।
એક ઇચ્છે રે’વા અરણ્યમાં, એક ઇચ્છે વસ્તીમાંહિ વાસ ।।
એક ઇચ્છે વિષયસુખ માણવા, એક એ સુખથી છે ઉદાસ ।। ૮ ।।
એમ ભકત અભકતના ભાવને, જુદા જાણજો જરૂર ।।
એકને ન ભળવું ભીડમાં, એકને રે’વું હરિશંુ હજુર ।। ૯ ।।
એમ દાસ અદાસ દોયને, ભેળું રે’વામાં ભારે રોળ છે ।।
નિષ્કુળાનંદ નથી કે’વાતું, પણ તપાસે દુઃખ અતોળ છે ।। ૧૦ ।। કડવું ।।૩૪।।