સારંગપુર ૧૧ : પુરૂષપ્રયત્નનું, પરમેશ્વરની કૃપાનું

Submitted by Parth Patel on Tue, 08/02/2011 - 11:57pm

સારંગપુર ૧૧ : પુરૂષપ્રયત્નનું, પરમેશ્વરની કૃપાનું

સંવત્ ૧૮૭૭ના શ્રાવણ વદિ ૩૦ અમાસને દિવસ સ્‍વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રીસારંગપુર મઘ્‍યે જીવાખાચરના દરબારમાં ઉત્તરાદે બાર ઓરડાની ઓસરીએ ઢોલીયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતાં અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.

પછી મુકતાનંદ સ્‍વામીએ પ્રશ્ર્ન પુછયો જે ”પુરૂષપ્રયત્‍ન શાસ્ત્રમાં કહ્યું છે તે પુરૂષપ્રયત્‍ને કરીને કેટલું કામ થાય છે અને પરમેશ્વરની કૃપાએ કરીને કેટલું કામ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, સદ્રુરુ ને સત્શાસ્ત્રને વચને કરીને દૃઢ વૈરાગ્‍યને પામ્‍યો હોય અને દૃઢ શ્રદ્ધાવાન હોય અને અષ્‍ટ પ્રકારનું જે બ્રહ્મચર્ય તેને અતિ દૃઢ પાળતો હોય અને અંિહંસા ધર્મને વિષે દૃઢ પ્રીતિવાન હોય અને આત્‍મનિષ્‍ઠા પણ અતિ પરિપકવ હોય તો તેને માથેથી જન્‍મમરણની નિવૃત્તિ થઇ જાય છે જેમ શાળને માથેથી ફોતરૂં ઊતર્યુ તે શાળ પાછી ઉગે નહિ, તેમ કહ્યા એવે ગુણે કરીને જે યુક્ત હોય તે અનાદિ અજ્ઞાનરૂપ જે માયા તેથી છુટે છે ને જન્‍મમરણ થકી રહિત થાય છે ને આત્‍મસત્તાને પામે છે, આટલું તો પુરૂષપ્રયત્‍ને કરીને થાય છે. અને પરમેશ્વરની કૃપા પણ જે એવે લક્ષણે યુક્ત હોય તે ઉપરજ થાય છે અને જ્યારે પરમેશ્વરની કૃપા થાય ત્‍યારે એ ભગવાનનો એકાંતિક ભક્ત થાય છે અને શ્રુતિએ કહ્યું છે જે “નિરંજનઃ પરમં સામ્યમુપૈતિ” એ શ્રુતિનો એ અર્થ છે જે, અંજન જે માયા તે થકી જે રહિત થયો તે ભગવાનના તુલ્‍યપણાને પામે છે. કહેતાં જેમ ભગવાન શુભ અશુભ કર્મે કરીને બંધાતા નથી તેમ તે મુક્ત પણ શુભ અશુભ કર્મે કરીને બંધાય નહિ અને જેમ લક્ષ્મીજી છે તે હેતે કરીને કયારેક તો ભગવાનના સ્‍વરૂપમાં લીન થઇ જાય છે ને કયારેક તો નોખાં રહ્યાં થકાં ભગવાનની સેવામાં રહે છે, તેમ તે ભક્ત પણ અતિ હેતે કરીને ભગવાનને વિષે કયારેકતો લીન થઇ જાય છે અને કયારેક તો મૂર્તિમાન થકો ભગવાનની સેવામાં રહે છે અને જેમ ભગવાન સ્‍વતંત્ર છે તેમ એ ભગવાનનો ભક્ત પણ સ્‍વતંત્ર થાય છે, આવી રીતની જે સામર્થી તે તો ભગવાનની કૃપા થકી આવે છે.

પછી નિત્‍યાનંદ સ્‍વામીએ પુછયું જે, ”જેમાં એ સર્વે અંગ સંપૂર્ણ હોય તેની ઉપર તો ભગવાનની કૃપા થાય છે અને જો એ અંગમાંથી કાંઇક ન્‍યૂનતા હોય તો તેની શી ગતિ થાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, ” વૈરાગ્‍ય, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, અહિંસાધર્મ અને આત્‍મનિષ્‍ઠા એમાંથી કોઇક અંગમાં ન્‍યૂનતા હોય તો આત્‍યંતિક મોક્ષ જે ભગવાનનું અક્ષરધામ તેને તો ન પામે અને એ વિના બીજાં જે ભગવાનનાં ધામ છે તેને પામે અથવા વધુ સવાસનિક હોય તો દેવલોકને પામે, જે દેવલોકને ભગવાનનાં ધામ આગળ મોક્ષધર્મને વિષે નરકતુલ્‍ય કહ્યાં છે અને દેવતામાંથી મનુષ્ય થાય ને મનુષ્યમાંથી વળી દેવતા થાય અને “અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરાં ગતિમ્” એ શ્લોકનો પણ એજ અર્થ છે જે, જે ભગવાનનો ભક્ત સવાસનિક હોય તે નરકચોરાસીમાં તો ન જાય અને દેવતામાં ને મનુષ્યમાં તો અનંત જન્‍મ ધરે પછી જ્યારે પૂર્વે કહ્યાં એવાં વૈરાગ્‍યાદિક લક્ષણે યુક્ત થાય ત્‍યારેજ ભગવાનની કૃપાનું પાત્ર થાય અને પછી ભગવાનનો એકાંતિક ભક્ત થઇને ગુણાતીત એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામે છે, માટે એક જન્‍મે અથવા અનંત જન્‍મે પણ જે દિવસ પ્રથમ કહ્યા એવે લક્ષણે યુક્ત થઇને અતિશય નિર્વાસનિક થશે ત્‍યારેજ ભગવાનની કૃપાનું પાત્ર થશે ને આત્‍યંતિક મોક્ષને પામશે પણ તે વિના તો નહિજ પામે.”

પછી નૃસિંહાનંદ સ્‍વામીએ પુછયું જે, ”આ દેહે કરીનેજ સર્વે કસર માત્ર મટી જાય એવો કોઇ ઉપાય છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્‍યા જે, જો ખબડદાર થઇને મંડે તો આને આ દેહેજ સર્વે કસર મટી જાય અથવા દેહપયર્ંત કસર ન મટી હોય અને અંત સમેજ નિર્વાસનિક થાય ને ભગવાનને વિષે અતિશય પ્રીતિ થાય તો અંતકાળે પણ ભગવાનની કૃપા થાય ને ભગવાનના ધામને પામે, માટે એક દેહે અથવા અનંત દેહે અથવા અંત સમે એક ઘડી મૃત્‍યુ્ આડી રહી હોય ત્‍યારે પણ જો અતિશય ભગવાનને વિષે વૃત્તિ જોડાઇ જાય તો તે ભક્તને કોઇ જાતની કસર રહેતી નથી. ઇતિ વચનામૃતમ્ સારંગપુરનું ||૧૧|| ૮૯ ||