લોયા ૪ : ભગવાનમાં કુતર્ક થાય તો માયાને તર્યા ન કહેવાય
સંવત્ ૧૮૭૭ ના કાર્તિક વદિ ૧૪ ચૌદશને દિવસ પહોર એક દિવસ ચઢતે સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ ગામ શ્રી લોયા મઘ્યે સુરાભક્તના દરબારમાં વિરાજમાન હતા. અને ધોળો સુરવાલ પહેર્યો હતો અને ધોળી છીંટની ડગલી પહેરી હતી. અને મસ્તક ઉપર શ્વેત પાઘ બાંધી હતી. અને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશદેશના હરિભક્તની સભા ભરાઇને બેઠી હતી.
પછી અખંડાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને પ્રશ્ર્ન પુછયો જે, ”અનંતકોટિ બ્રહ્માંડ છે તે બ્રહ્માંડને વિષે જેવી આ બ્રહ્માંડમાં વર્તમાન કાળે ભગવાનની મૂર્તિ છે તેવી ને તેવીજ દેખાય છે કે નથી દેખાતી ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે,”ભગવાન પોતે પોતાના અક્ષરધામને વિષે સદા વિરાજમાન છે અને મૂળમાયામાંથી ઉપજ્યાં જે અનંતકોટિ પ્રધાન પુરૂષ તે થકી અનંતકોટિ બ્રહ્માંડ ઉપજે છે. પછી તે ભગવાન પોતાના અક્ષરધામમાં એક ઠેકાણે રહ્યા થકા પોતાની ઇચ્છાએ કરીને તે અનંતકોટિ બ્રહ્માંડને વિષે પોતાના ભક્તને અર્થે અનંતરૂપે દેખાય છે.”
પછી અખંડાનંદ સ્વામીએ પ્રશ્ર્ન પુછયો જે, ”શ્રીકૃષ્ણ નારાયણ તો સદા મનુષ્યાકૃતિ છે ને તે ભગવાનનું સ્વરૂપ સર્વકાળે સત્ય છે અને તેજ ભગવાન કયારેક મત્સ્ય, કચ્છ, વરાહ, નૃસિંહાદિક અનંતરૂપે કરીને ભાસે છે તે કેમ સમજવું ?” અને વળી બ્રહ્માંડ બ્રહ્માંડ પ્રત્યે કલ્યાણની રીતિ તથા ભગવાનની મૂર્તિ તે એક સરખી છે કે જુદી જુદી છે ?” પછી શ્રીજીમહારાજ બોલ્યા જે, ”ભગવાનની મૂર્તિ તો સદા એક સરખી છે તો પણ ભગવાન પોતાની મૂર્તિને જ્યાં જેવી દેખાડી જોઇએ ત્યાં તેવી પોતાની ઇચ્છાએ કરીને દેખાડે છે. અને જ્યાં જેટલો પ્રકાશ કરવો ધટે ત્યાં તેટલો પ્રકાશ કરે છે. અને પોતે તો સદા દ્વિભુજ છે તો પણ પોતાની ઇચ્છાએ કરીને, કયાંઇ ચારભુજ, કયાંઇ અષ્ટભુજ, કયાંઇ અનંતભુજને દેખાડે છે. તથા મત્સ્ય કચ્છાદિક રૂપે કરીને ભાસે છે. એવી રીતે જ્યાં જેવું ધટે ત્યાં તેવું રૂપ પ્રકાશે છે. અને પોતે તો સદા એકરૂપેજ વિરાજમાન રહે છે. અને વળી એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડને વિષે અંતર્યામીરૂપે વ્યાપીને રહે છે. જેમ વ્યાસજી એક હતા તેણે શુકજીને સાદ કર્યો ત્યારે સ્થાવર જંગમ સર્વે જીવમાં રહીને સાદ કર્યો અને શુકજીએ હુંકારો દીધો ત્યારે પણ સ્થાવર જંગમ સર્વે સૃષ્ટિમાં રહીને હુંકારો દીધો. એવી રીતે શુકજી જેવા મોટા સિદ્ધ હોય તે પણ જે સર્વ જગતમાં વ્યાપવાને સમર્થ થાય છે, તે તો ભગવાનના ભજનના પ્રતાપે કરીને એવી યોગકળાને પામ્યા છે. તો પોતે ભગવાન પુરૂષોત્તમ તે તો યોગેશ્વર છે ને સર્વે યોગકળાના નિધિ છે, તે એક ઠેકાણે રહ્યા થકા અનંતકોટિ બ્રહ્માંડમાં પોતાની ઇચ્છાએ કરીને જ્યાં જેમ ધટે ત્યાં તેમ ભાસે તેમાં શું કહેવું ? અને એ ભગવાનમાં એમ હોય તેનું શું આશ્વર્ય છે ? કેમ જે, કોઇક ગોડીઓ હોય તે તુચ્છ માયાને જાણે છે, તેમાં પણ લોકોને કેવું આશ્વર્ય થાય છે. ને તેની યથાર્થ ખબર પડતી નથી, તો ભગવાનમાં તો સર્વે યોગકળાઓ રહી છે તે મહા આશ્વર્યરૂપ છે. તેને જીવ કેમ જાણી શકે ? માટે ભાગવતમાં કહ્યું છે જે, ‘આટલા ભગવાનની માયાને તર્યા છે.’ અને વળી એમ કહ્યું જે, ‘કોઇ ભગવાનની માયાના બળનો પાર પામ્યા નથી’ તેણે કરીને એમ જાણવું જે, એ ભગવાનની યોગકળામાં બ્રહ્માદિક જેવાને કુતર્ક થાય તો એ ભગવાનની માયાના બળના પારને ન પામ્યા કહેવાય. તે કુતર્ક તે શું ? તો જે ‘એ ભગવાન તે કેમ એમ કરતા હશે ?’ અને ભગવાનને એમ સમજે જે, ‘એતો સમર્થ છે તે જેમ કરતા હશે તે ઠીક કરતા હશે’ એવી રીતે ભગવાનને નિદર્ોષ સમજે તો માયાને તર્યા કહેવાય. અને કલ્યાણની રીતિ તો એક સરખી છે, પણ ભજનારા જે પુરૂષ તેને વિષે ઉત્તમ, મઘ્યમ અને કનિષ્ઠ એ ત્રણ પ્રકારના ભેદ છે, ને તેમની શ્રદ્ધા અનંત પ્રકારની છે, તેને યોગે કરીને કલ્યાણના માર્ગમાં પણ અનંત ભેદ થાય છે. અને વસ્તુગતે તો કલ્યાણનો માર્ગ એક છે અને ભગવાનનું સ્વરૂપ પણ એકજ છે. અને તે ભગવાન અતિ સમર્થ છે ને તે જેવો થવાને કાજે અક્ષર પર્યંત કોઇ સમર્થ થતો નથી. એ સિદ્ધાંત છે.”
પછી મુકતાનંદ સ્વામીએ શ્રીજીમહારાજને કહ્યું જે, ”ઝીણોભાઇ તો આજ બહુ દિલગીર થયા અને એમ બોલ્યા જે, જ્યારે મહારાજ અમારે ઘેર આવ્યા નહિ ત્યારે અમારે પણ ઘરમાં રહ્યાનું શું કામ છે ?” એ વાત સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, ”મુંઝાઇને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહિ અને રીસવાળાની ભકિત તથા પ્રેમ એ સર્વે અંતે ખોટાં થઇ જાય છે. માટે મુંઝાઇને ઝાંખું મુખ કરવું તે તો અતિ મોટી ખોટ છે. પછી ઝીણાભાઇએ કહ્યું જે, ”ભગવાન ને ભગવાનના સંત તે પોતાને ઘેર આવે ત્યારે મુખ પ્રફુલ્લિત થયું જોઇએ. અને જ્યારે ભગવાન ને સંત ન આવે ત્યારે તો મુખ ઝાંખું થયું જ જોઇએ અને હૈયામાં શોક પણ થયો જોઇએ.” પછી એ વાર્તા સાંભળીને શ્રીજીમહારાજ બોલ્યા જે, ”ભગવાન ને સંત તે આવે ત્યારે રાજી થવું પણ શોક તો કયારેય પણ કરવો નહિ. અને જો શોક કર્યાનો સ્વભાવ હોય તો અંતે જરૂર કાંઇક ભૂંડુ થયા વિના રહે નહિ. માટે પોતપોતાના ધર્મમાં રહીને જે રીતની ભગવાનની આજ્ઞા હોય તેને રાજી થકા પાળવી પણ પોતાનું ગમતું કરવા સારૂં કોઇ રીતે મુંઝાવું નહિ. અને ભગવાન કયાંઇક જવાની આજ્ઞા કરે ને જો શોક કરીને મુંઝાય તો પ્રથમ જે ભગવાને દર્શન આપયાં હોય તથા પ્રસાદ આપયો હોય તથા અનંત પ્રકારની જ્ઞાનવાર્તા કરી હોય ઇત્યાદિક ક્રિયાએ કરીને જે પોતાને સુખ પ્રાપ્ત થયું હોય તે જતું રહે, અને મુંઝવણે કરીને બુદ્ધિમાં એકલો તમોગુણ છાઇ જાય, તેણે કરીને કેવળ દુ:ખિયો થકો જ જ્યાં મુકે ત્યાં જાય. પછી એ મુંઝવણે કરીને આજ્ઞા પણ યથાર્થ પળે નહિ. માટે ભગવાનના ભક્તને તો સદા અતિ પ્રસન્ન રહેવું અને પ્રસન્ન મને કરીને ભગવાનનું ભજન કરવું, પણ ગમે તેવો ભૂંડો દેશકાળ હોય તો પણ હૈયામાં લેશ માત્ર મુંઝવણ આવવા દેવી નહિ. ઇતિ વચનામૃતમ્ લોયાનું ||૪|| ૧૧૨ ||